વર્ષ 2013, સાહિત્ય અકાદમીના ૪૩મા અધિવેશનમાં, આણંદમાં અમે મળેલા ને સાહિત્ય-સાહિત્યકારોની ચર્ચા કરતા મોડે સુધી જાગેલા. સુનીલે ત્યારે સંભળાવેલી કવિતા આજે પુસ્તકરૂપે આવીને વિમોચનમંચ સુધી પહોચી ગઈ છે. ‘એક સરકારી શનિવાર’ નામની હિન્દી વાર્તાથી સુનીલની વાર્તાઓ વાંચવાની શરુઆત કરેલી. (પુસ્તકમાં એ વાર્તાનું ગુજરાતી રૂપાંતર છે.) ત્યાર બાદ વાર્તાઓ વિશે ચર્ચા વધતી ગઈ. અલબત્ત, મને સુનીલની વાર્તાઓ ઘટનાપ્રધાન કરતાં ભાવનાપ્રધાન વધારે લાગી છે. પુસ્તકની અગિયાર વાર્તાઓમાંથી ઘણી ખરી સામયિકોમાં છપાઈ છે, ત્રણેક વાર્તાઓ સ્પર્ધાઓની વિજેતા અથવા પછીના સ્થાને આવેલી કૃત્તિઓ છે, છતાં અગિયાર વાર્તાઓમાંથી મારી સૌથી પ્રિય વાર્તા છે ‘નાગાત્મક્તા’, કારણ કે એમાં માણસોની છતી થતી નાગાત્મકતાને કપડાં પહેરાવવાનો પ્રયત્ન નથી કર્યો ને છતાં કપડાં ન પહેરાવ્યા હોય એવી અભદ્રતા પણ નથી લાગતી.
સુનીલની વિવિધ સાહિત્યિક રચનાઓ વાંચવામાં હું પ્રથમ રહ્યો છું એનો આનંદ છે. એના ફેકી દેવા યોગ્ય લખાણથી માંડી ચીથરામાં લખાયેલી અદભુત રચનાઓ પણ મેં વાચી છે. સુનીલની અપ્રગટ લઘુનવલ ‘નવા સૂર્યની શોધમાં’ (કે જે કદાચ અપ્રગટ જ રહેશે), એ પણ મેં જ સૌથી પહેલા વાંચેલી. સાહિત્ય વિશે સુનીલ પાયાથી જે વિચારધારા ધરાવે છે, સાહિત્યમાં વ્યાપેલાં દુષણો અને એનાથી સર્જાયેલી ગંભીર સ્થિતિ વગેરે બધું એણે એની છેલ્લી નવલકથા ‘કથાનક’માં અદભુત રીતે વણી લીધું છે, જે જાગરુક વાચકોને જરૂર ગમશે.
જોકે સુનીલે અજમાવેલા તમામ સાહિત્ય પ્રકારમાંથી મને જે સૌથી વધુ ગમે છે એ છે એના ધારદાર નિબંધો (જેને એ માત્ર ગદ્યખંડો જ કહે છે) જે હૃદયસોંસરવા ઉતરી જાય છે. એક અલગ જ ભાવવિશ્વમાં ઘસડી લઇ જાય છે. ‘કૃષ્ણપક્ષ’ તમને વેદનાની બેડીઓમાં જકડી રાખે છે તો ‘શુક્લપક્ષ’ના ગદ્યખંડોના તૂટેલા શબ્દો તમને પોતાને સાંધતા અનુભવાશે. મુંબઈમાં સુનીલ અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો રહ્યો છે. અમારા આર્ષ મેગેઝીનનો પણ એ પાયો રહ્યો છે તથા હવે ગુજરાતમાં ‘સાહિત્યશાળા’ જેવાં ઉત્તમ કાર્યોમાં પણ એ મશગુલ છે. સ્નેહભર્યા માનવી તરીકે મિત્રોનો પ્રેમ તો એને મળે જ છે, સાથેસાથે સારા સાહિત્યકાર તરીકે પણ એ પોંખાય એવી આશા છે.
આજે, નામની અને કમાવવાની ઘેલછા ધરાવતા વાતાવરણમાં આ પુસ્તકો દ્વારા ભેગી થનારી રકમથી એક કાયમી સાહિત્યશાળા સ્થાપવાનો હેતુ એણે રાખ્યો છે. એ વાત એના આ આખા સાહિત્ય-સંઘર્ષના પાયામાં છે, આ બાબત મહત્વની છે!
રાહુલ કે. પટેલ
***

સુનીલની મિત્રતા 2012થી. પછી તેના સર્જન સાથે પણ પરિચય વધતો ગયો. (આજે ભલે તે ગઝલોનો વિરોધી હોય પણ તેની ગઝલો મેં સાંભળી છે. એની ઘણી કવિતાઓનો પહેલો શિકાર હું બન્યો છું, પણ એ સામે મેં બદનક્ષીઓ મેળવી લીધી છે.)
સુનીલનાં સર્જનમાં અમારી પેઢીનું ચિંતન છે. રસ્તા પર આપણી બાજુમાં જ ચાલતા સામાન્યમાં સામાન્ય માણસની વ્યથા છે તે આ સર્જનોમાં પકડવા સુનીલ મથ્યો છે. સર્જન જીવનની નજીક હોય તો જ જીવંત બને છે એ આ બધા પાછળ(સુનીલનાં સર્જનોમાં જ નહીં, બીજી પ્રવૃત્તિઓમાં પણ) પાયાની વાત છે. તેની વાર્તાઓ, કવિતાઓ, નિબંધો તમામ જીવનમાંથી આવે છે અને જીવનમાં જ સમાઈ જાય છે. આ (દુબળો કાજી) ઘણી જગ્યાએ તમને પુરાતન લાગશે, પરંતુ એટલો જ આધુનિક પણ છે. કવિતાઓમાં તેનું રોમેન્ટિક પાસું છે, તો વાર્તા અને નિબંધમાં સતત ચિંતન અને મનોમંથન. ક્યાંક એના સર્જન પર તેના વ્યક્તિગત જીવન અને સંઘર્ષની પણ છાંટ દેખાઈ આવે છે. વાર્તાઓમાં શહેરીજીવનની વ્યથા ને વિવશતા બન્ને છે. શહેરોની મશીની સંસ્કૃતિને તે જીવવા તે મથ્યો છે, પણ મશીન બનીને નહીં, માણસ રહીને જ…
તેની કૃતિઓ વાચકો-ભાવકો સુધી પહોંચે તે માટે મારે, (રાહુલે, તુમુલે ને સમીરાએ,) શંકર બની ઘણું કરવું પડ્યું છે. શંકરે સમુદ્રમંથન સમયે પોતે વિષ ધારણ કરીને વિશ્વને અમૃત આપ્યું હતું, તેમ એના સર્જનોમાંની ઘણી કડવાશ અમે દબાવી રાખી છે અને તમારી સામે જે મૂક્યું છે તે આ…

– નીરજ કંસારા
***

સુનીલ સાથે પહેલો પરિચય એક કાર્યક્રમમાં થયેલો અને એનું વક્તવ્ય સાંભળીને ત્યાં જ એની સાહિત્યપ્રતિભાની આછી ઝલક પણ મળી ગયેલી, ત્યારે ખબર નહિ કે ભવસાગરમાંથી છૂટા પડેલાં મોતીની જેમ કિનારે તણાઈ આવનાર, મિત્રતાની મીઠી સુગંધ ફેલાવનાર એ વ્યક્તિ આગળ જતાં મારો ‘સાહિત્યિક સિબ્લિંગ-સહોદર’ બની જશે. એની વાર્તાઓ અને કવિતાઓ જ્યાં એની ભાષાકીય સભાનતા અને ઊંડા સાહિત્યાભ્યાસનો પરચો આપે છે, ત્યાં જ વનશ્રેણીના નિબંધો એના અંતરવિશ્વનું સ્પષ્ટ અને સુરેખ ચિત્ર ઊભું કરે છે. એની મોટાભાગની કૃતિઓ કોઈને કોઈ રીતે સ્પર્શી હોવા છતાં વનશ્રેણીના નિબંધો આગળ બાકીના સર્જન ક્યાંક ઉતરતા લાગે, કારણ અંગત પરિચય પણ હોઈ શકે. જયારે પણ વનશ્રેણી વાંચી છે, ત્યારે અંતે નિ:શબ્દ બની જવાની સંતુષ્ટિ પ્રાપ્ત થઈ છે. વનશ્રેણી અનુભૂતિઓના વિવિધ સ્તરોમાંથી પસાર થાય છે. કોઈ જગ્યાએ અધૂરું જીવવું પણ આત્મકથા આખી લખવાનો થાક વર્તાય છે તો કોઈ જગ્યાએ ‘સ્ત્રીનો સ્પર્શ કોઈ પણ સંજોગોમાં સામાન્ય નથી હોતો.’(જોકે આ નિબંધ પુસ્તકમાં નથી લીધો) જેવું વિચારસૌન્દર્ય પ્રગટ થાય છે. આ કૃતિઓમાં સંવેદનનો અતિ-સૂક્ષ્મ તાર પણ ઝણઝણાવી દેવાની ક્ષમતા છે અને અંતે થતી રસનિષ્પતિ બાદ પ્રતિભાવોમાં જે જન્મ્યું છે, એ આવા કેટલાય વિચારોનું પ્રતિબિંબ બનીને જ બહાર આવ્યું છે.
‘એકાંતવન’માં આલેખાયેલા આ વિચારો, ચિંતન, વ્યથા, પીડા કુલ મળીને સુનીલના સમગ્ર વ્યક્તિત્વનો ચિતાર આપે છે. ક્યારેક એ સખત નિરાશ, ઉદાસ અને જીવનચક્રમાં અટવાયેલી સામાન્ય વ્યક્તિ લાગે છે, તો ક્યારેક વિચારશુદ્ધ, સિદ્ધાંતવાદી અને સભાનતાપૂર્વક જિંદગી સામે અડીખમ લડનાર વીર યોદ્ધો બની જાય છે. તમામ સર્જનો વાંચ્યા પછી બાકી રહેલો સુનીલ બાહ્યજગતમાં જીવ્યા કરે, પણ અંગત પરિચયને આધારે જે મિત્ર-બંધુ-ભાઈને પામ્યો છે એ તો ફક્ત અને ફક્ત આ એકાંતમાં જીવ્યો છે અને એટલે જ વનશ્રેણીને મળેલું આ શીર્ષક ‘એકાંતવન’ યથાવત લાગે છે.
છેલ્લે, આર્ષના સૂત્રધાર તરીકે એના ઊંડા સાહિત્યાભ્યાસ અને સર્જનાત્મકતાનો ખૂબ જ નજીકથી પરિચય થયો છે, એ છોગામાં મળેલું સૌભાગ્ય જ છે. આ કૃતિઓ દ્વારા ઉદ્ગમિત થતી સાહિત્યધારા અનેક વાચક-ભાવકના જીવનમાં સુખકારક અને ઉપકારક નીવડે એવી દુઆઓ.
-સમીરા પત્રાવાલા.
***
છવ્વીસ-સત્તાવીસ વર્ષનો સુનીલ – મારા કરતાં ત્રણેક વર્ષ નાનો, પણ અમે લગભગ એક જ પેઢીના ગણાઈએ એટલે મારી સમગ્ર પેઢી વતી બોલવાનો હક હું જાતે જ લઇ લઉં છું. (અગાઉની પેઢીના લોકો “તમારી પેઢી તો સાવ આવી” અને “અમારા વખતમાં તો આમ થતું” એવું કહી જતા હોય તો આટલો હક તો મને છે જ, નહિ?) અમારી પેઢીના મોટાભાગના યુવાનો જ્યારે સામાજિક /રાજકીય / નૈતિક / સાહિત્યિક જવાબદારીઓથી વિમુખ અને નિસ્બતોથી નિસ્પૃહ રહીને મોજમજાને પરમોધર્મ અને વિકેન્ડને ખુદા માનવામાં ગળાડૂબ છે, ત્યારે જૂજ લોકો એવા છે જેમને આ બાબતો સ્પર્શે છે, પરંતુ તેઓ પણ કમાવવાની ભીંસમાં કે કળાના રોમાન્સથી અંજાઈને કે જીવન સાથે તડજોડ કરવામાં માંહ્યલાને આ વિશાળ મશીનરીમાં હોમી દઈ ટીસ્યુ પેપરથી હાથ લૂછીને આગળ વધી જતા હોય છે. સુનીલ લાખ કોશિશ છતાં એ નથી કરી શક્યો. તેને જાણતા બધા જ લોકો ક્યારેક ને ક્યારેક તેની આ લગભગ કટ્ટર ગણી શકાય એવી હાડોહાડ સાહિત્યિક નિસ્બતને લગતી લાંબીલાંબી એકોક્તિઓના સાક્ષી બન્યા જ હશે. તેમાંના કેટલાકનો એવો મત રહે છે કે “કલા પોતાનો માર્ગ જાતે શોધી લેતી હોય છે”. સુનીલ માટે આ બાબતે સહમત થઈને અદબપલાંઠી મારીને બેસી જવું શક્ય નથી. કમસેકમ છવ્વીસ વર્ષે તો નહિ જ. (એની ટેરેસ પર સૂતાં-સૂતાં એકવાર એણે અજ્ઞેયનું એક વાક્ય સંભળાવેલું, મેરા વિરોધ ગલત હો સકતા હૈ, પર મેરી પીડા સચ્ચી હૈ!)
એ ઈચ્છે છે અને તેની પૂરી કોશિશ છે કે જો કળા પોતાનો માર્ગ જાતે શોધતી હોય તો પણ એ માર્ગ તેનામાંથી પસાર થઈને જવો જોઈએ ! અને એ માટે એ ખુંવાર થઇ જવા પણ તૈયાર છે. ઘણું એ માટે દાવ પર લગાવી ચુક્યો છે એ… આ બધું હું તે એક મિત્ર છે એટલે નથી લખતો; અલબત્ત આ બધું તેનામાં છે એટલે જ તે આટલો પાક્કો દોસ્ત બન્યો છે.
અમદાવાદ સ્થાયી થયો હોવા છતાં એ મનથી હજુ મુંબઈગરો જ છે. એક વખત રાતે બે – અઢી વાગે અમે જુહુના દરિયાકાંઠે બેઠા હતા. અમારા સિવાય ખાસ કોઈ લોકો હતા નહિ. પોતપોતાના મનનો ઉભરો ઠાલવી લીધા પછી અમારી વાતો ક્યારની ખૂટી ગઈ હતી; દરિયાના મોજાનો મંદ રવ સંભળાતો હતો, સુનીલ પોતાની લખેલી તેમ જ અન્ય કવિઓની પણ તેની પ્રિય કવિતાઓ “ગાઈ” રહ્યો હતો. બંને ધ્વનિ એકબીજામાં ભળીને રાતની શાંતિને સાર્થકતા બક્ષતા હતા. સાહિત્યિક મથામણો અને બળાપા જેના હૃદયમાં સતત ચાલ્યા કરે છે એવા સુનીલની આ પણ એક બાજુ છે, પરિવાર ને મિત્રોને ભીંજવી જતાં સ્નેહ અને કાળજી!
તેના નાનપણનાં ‘અડવાનાં પરાક્રમો’ જેવી વાતો પરથી સમજાય કે તે હંમેશાંથી આવો નહિ હોય, પરંતુ જીવન અને સાહિત્ય બંને દ્વારા સરખે હિસ્સે ઘડાઈ ઘડાઈને તે અહી સુધી પહોચ્યો છે.
થોડા મહિનાઓ પછી અમે મિત્રો અમદાવાદમાં ગાંધીઆશ્રમના બગીચામાં બેઠા હતા. સુનીલ સહુને એક પછી એક “તને જીવન સાર્થક ક્યારે લાગ્યું છે?” એમ પૂછી રહ્યો હતો (હા, આ જ શબ્દો. આવી શુદ્ધ, લખવાવાળી ગુજરાતીમાં વાત કરતા લોકો ક્યાં મળે છે આજકાલ?) મારો જવાબ હતો કે પેલી જુહુના દરિયે માણેલી આલ્હાદક ક્ષણો જેવી અનુભૂતિઓમાં મને જીવનની સાર્થકતા લાગે છે. સુનીલને શેમાં લાગે છે એ તેણે નહોતું કહ્યું. પણ કદાચ તેને ‘આગામી પેઢીને શું આપીને જઈશું’ એ ખોજમાં જીવવાની મજૂરી અર્થપૂર્ણ જણાય છે.
મુંબઈ ગુજરાતી સંગઠન, આર્ષ સામયિક, સાહિત્યશાળા અને તેનું અંગત સાહિત્ય – આ ચારેય પાછળ આવનારી પેઢીને કંઇક એવું આપી જવાની અભીપ્સા દેખાય છે, જેની તેને હંમેશાં ખોટ વર્તાઈ છે અને તેને લીધે જ અગાઉની પેઢી સામે ફરિયાદ પણ રહી છે.
સુનીલ સામટાં ચાર પુસ્તકો આપે છે એ ઘટના પણ તેના સાંપ્રત સાહિત્યમાં જે ચાલી રહ્યું છે તેની સામેની પ્રતિક્રિયા સમાન છે. તેની નવલકથા ‘કથાનક’માં સાંપ્રત સાહિત્યની, સાંપ્રત જીવનની અને બંને વચ્ચેના સેતુની કે તેના અભાવની વાત છે. સાહિત્ય અને જીવનનો સંબંધ એ સુનીલના માનસિક સંઘર્ષમાં પાયાનો પ્રશ્ન રહ્યો છે. તેની આ મથામણ ભરેલી બાજુ, તેની સ્નેહાળ બાજુ, તેની ભાષા અને શૈલીમાં સતત પ્રયોગશીલ રહેવાની પ્રતિબદ્ધતા, તેની જીવનદ્રષ્ટિ આ બધું જ દેખાશે તેના વાર્તાસંગ્રહ ‘ઉત્તરજીવી’માં ! પણ ચારેય પુસ્તકોમાં મને અંગતરીતે પ્રિય તેનો નિબંધસંગ્રહ ‘એકાંતવન’, જેમાં તમને એક માણસ પોતાના સમગ્ર જીવનકાળમાં અનુભવી શકે એ બધી જ સંવેદનાઓના શેડ્સ જોવા મળે છે. એક બેઠકે કે રોજેરોજ વાંચીને પણ આ પુસ્તક પૂરું કરી નાખવા જેવું નથી. આ નિબંધોને સારા પ્રસંગે પહેરવા રાખેલાં કપડાંની જેમ સાચવી સાચવીને કાઢવાં જેવાં છે. જ્યારે તેમાં રહેલી તીવ્ર સંવેદનાને અનુભવવાની તમારી તૈયારી હોય ત્યારે જ. આ નિબંધોમાં તેના અંગત પ્રસંગો અને વ્યક્તિઓ આવતી હોવા છતાં તે ડાયરી કે આત્મકથનાત્મક બનીને નથી રહેતા. મૈત્રેયીદેવી કૃત ‘ન હન્યતે’ના એક વિધાન “વ્યક્તિગત વસ્તુને નૈર્વ્યક્તિક બનાવી દેવી એ જ સાહિત્યનું કામ છે” પર સુનીલના આ નિબંધો ખરા ઉતરે છે.
ખુબ સ્નેહ. ખુબ શુભેચ્છા.
– તુમુલ બુચ

Privacy Preference Center

error: Content is protected !!