૧.
આ અગાશી;
આપણાં હરદ્વાર, કાશી
આ તાડ માથે ચાંદની ટોપી ઘણી નાની પડે છે!
ને તેથી તો પડતો હસી આ પીપળો
-જો પાન એનાં ફડફડે છે!
એક માળો બાંધીએ આકાશમાં;
ચંદ્રકિરણોની સળી લો ચાંચમાં.
આ રાત કેવી !
તારી તેજલ આંખ જેવી !
આકાશમાં ઊડીએ બની પંખી;
તો તો વીંછુડો જાય ને ડંખી !
સપ્તર્ષિઓ નમી જો પડ્યા,
જાણે નદીના નીરમાં તરવા પડ્યા !
ચાલો જશું ઊંઘી
રાતરાણી આ જરા લઈએ સૂંઘી !
મળશું સ્વપ્નમાં
આકાશના અલકાભવનમાં !
૨.
જોતાં જોતાં નજર ઢળી ગૈ લજ્જાભારે;
ક્હેતાં ક્હેતાં જીભ વળી ગૈ અન્ય લવારે.
અમને મિલન માણતાં ફાવ્યું ના, ફાવ્યું ના.
ઊર્મિતાર ગૂંચવાયા એવા સૂર ના વાગ્યો;
ચિત્ત, અન્યથા ચંચલ મૂર્છિત કંપ ન જાગ્યો.
હોઠે ગીત હૃદયનું આવ્યું ના, આવ્યું ના.
પગ ધરતી પરથી ઉખડ્યા ભારે ભારે,
વિદાયનાં ના વેણ કહ્યાં મૂંગા અભિસારે.
મિલન ભલું કે વિરહ? – કશું સમજાયું ના, સમજાયું ના !
૩.
પથને અન્તે
હવે દિનાન્તે કોઈ મળે તો સારું;
નિજનો પંથ મૂકીને આ ગમ કોઈ વળે તો સારું.
દિન આખો ચાલ્યો તડકામાં
ભીની લાગણીના ભડકામાં
હવે ક્ષિતિજતટ, પટથી મુખનો શશી નીકળે તો સારું.
પડછાયાને સાંજ ગળે છે
નીડ ભણી બે પાંખ વળે છે
અંધારાંને વગડે લોચનદીપ બળે તો સારું.
તમરાંની પાંખોમાં ચંચલ
વાયુલહરમાં વ્યાકુલ પલપલ
ગીત બની પડઘાતી પ્રીત મળે તો સારું.
૪.
એક એવો શબ્દ
જે
બધા શબ્દો જ્યારે મૌનસાગરને તળિયે
વજનદાર પથ્થરો બની ડૂબી જાય
ત્યારે
એકલો, માછલીની જેમ તર્યા કરે.
એક એવો છંદ
જે
બધા છંદો જ્યારે આકાશનાં પોલાણોમાં
પેસી જઈ મૌનને ભજે
ત્યારે આકાશની સઘન ગહનતા વલોવતી
પંખીની પાંખમાંથી ગર્યા કરે.
એક એવું કાવ્ય
જે
બધાં કાવ્યો જ્યારે
ઊંટના પગલાંથી દબાઈ
રણની રેતી બની જાય
ત્યારે
સમયની શીશીમાં સર્યા કરે…
(‘વગડાનો શ્વાસ’ માંથી)
[download id=”364″][download id=”411″]