શોધ - ઉમાશંકર જોશી

પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં.
પુષ્પો, પૃથ્વીના ભીતરની સ્વર્ગિલી ગર્વિલી ઉત્કંઠા,
તેજના ટાપુઓ, સંસ્થાનો માનવીઅરમાનનાં;
પુષ્પો મારી કવિતાના તાજ-બ-તાજ શબ્દો.

ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો માતાના ચ્હેરામાં ટમકે,
મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે જોયું છે?

કવિતા, આત્માની માતૃભાષા;
મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;
સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા ?
જોઉં છું હું, દુર્ગમ છે, દુર્લભ છે
પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ.
કયારેક તો શબ્દમાં જ સરસ્વતી લુપ્ત થતી.
ક્યારેક હોલવાયેલા હૈયાની વાસ અકળાવી રહે,
કયારેક વળી અર્ધદગ્ધ ખયાલોનો ધૂંવા ગૂગળાવી રહે.
ખરે જ છે દુર્વાપ કવિતાપદાર્થ.

ઘરની સામેનો પેલો છોડ વધી વૃક્ષ થયો.
ટીકીને જોયા કર્યો છે મેં વારંવાર એને.
એને જાંબુ આવ્યાં, ને મને આંસુ;
વધ્યો ને ફળ્યો એ, હું વધ્યો ફાંસુ.
ખાઉં છં, પીઉં છું, ખેલું છું, કૂદું છું.
બહોળો આ ધરતી માતાનો ખોળો આ ખૂંદું છું.
ક્યાં છે કવિતા ?

પ્રભુએ મને પકડ્યો’તો એકવાર,
સંધ્યાના તડકાથી એ વૃક્ષનાં થડ રંગતો’તો,
ત્યાં હુંયે મારી આંખ વડે ચડાવતો ઓપ હતો.
બીજી વાર, ગાડીમાં હું જતો હતો, એકલો જ
અડધિયા ડબ્બામાં, ત્યાં નમતા પહોરના
નવું નવું યુગલ કો પ્રવેશ્યું. પ્રભુએ તાજાં
નવવધૂના ચ્હેરામાં ગુલો છલકાવ્યાં હતાં.
ખસી ગયો બીજે ત્યાંથી હું, એ ગુલાબી છોળોમાં
શરમના શેરડાની છાયા આછી ઉઠાવીને.

પ્રભુને સૌ આવું બધું પસંદ બહુ હોય એવું
લાગે પણ છેય તે.
શા.. માટે નહીં તો દુનિયાની ભારે મોટી
કામગીરી હોય એમ, જાણે એ વિના બધું
અટકી પડવાનું ન હોય એમ, વારે વારે
સંડોવે છે કંઈક ને કૈંક આવામાં મને એ?

રસ્તે ચાલ્યો જતો હોંઉ અને કોઈ દૂર દૂર
સહસ્ર જોજન થકી આવેલા પંખીની સાથે
મુલાકાત ગોઠવી બેસે છે મારી, પૂછ્યા વિના
મને, કોઈ વાડ પાસે. લક્ષાવધિ
પ્રકાશવર્ષોથી વ્યોમે ટમટમતા તારા પાસે
આંખ મિચકારાવે છે એ આ હું જે
‘અન-રોમૅન્ટિક’ તેની સામે.
શેરીમાંના પેલા બાલુડિયાને મારી સામે
ખિલખિલ હસાવી દે છે, અયુત વર્ષોને અંતે
પ્રગટેલા માનવની આજ લગીની આખીય
યાત્રાની-ભાવી આકાંક્ષાની પતાકા લહેરાવી
દે છે એ નાજુક કલહાસ્યમાં વિજયભેર.
રે રે શિશુઓનું કલહાસ્ય માણવાનો સમય રહ્યો નહીં.
શિશુઓનું હાસ્ય, મારી, કવિતાનો શુભ્ર છંદ.
શબ્દ છે છે ! છંદ પણ ! ક્યાં છે તો કવિતા ?

શિખરો પર ઊર્ધ્વબાહુ આરડે મહાનુભાવો,
શતાબ્દીથી શતાબ્દી સુધી પહોંચતો બુલંદ સ્વર,
ઊતરે ના અંતરમાં, ઝમે ના જરીય ચિત્તે.
ખીણો ભરી ગોરંભાતો ભૂતકાળનો એ ધ્વનિ,
પડ્યાં કરે પડછંદા નિરંતર અવિરત.
પડઘાનો દેશ આ; શબ્દ નહીં, પ્રતિશબ્દ પૂજાતો જ્યાં.
પ્રતિધ્વનિથી બધિર બની ગયા કાન કંઈ
એકમેકનું ન કેમે સુણવા પામે, કદીક
બોલવા કરે જરી તો.
-નથી માર્ગ અન્ય, વહી

જાય પણે ઉરોગામી સરિતા ધીરેથી, નિજ
કલકલ્લોલધૂને મસ્ત, તેમ સરી જવું.
મળી જાય યાત્રી તેને અર્પવું હૃદયગીત. –

ક્યારે વળી અહમ્ નડે-કનડે છે; હૈયું કહેઃ
શીદ ગાઉં? સુખના ઓડકાર આના,
પેલાનો પ્રેમ, અને અન્યના ઉલ્લાસકેફ !
મારે બસ ગાવાનું જ? ઉચ્છિષ્ટ જે બીજાઓના
જીવનનું, શબ્દોમાં સંચય કરીને તેનો
કૃતાર્થ થવાનું મારે?
કવિજીવન અરેરે શું ઉપ-જીવન?

અરે ! અરે !
અહંના ભરડામાં આવ્યું એ જ કૈં ઓછું જીવન છે?
જીવન તો તે, જે કૈં થયું આત્મસાત્, આત્મરૂપ.
આ આંખો જે જુએ છે એટલું જ શું એ જુએ છે?
તો તો તે કશું જ નથી જોતી. આંખો આંધળી છે.
પેલાં વૃક્ષો, છુટ્ટાં, લીલાં પલ્લવે ઘેઘૂર ડોલે,
કેવાં મજાનાં ! ગમી જાય એવાં છે ! પરંતુ
એક વેળા અહીં આ એક સ્થળેથી જોવાઈ જતાં
એ બધાં અનોખી કોઈ એક-રચનામાં ગોઠવાઈ ગયાં.
વૃક્ષો ન રહ્યાં, વૃક્ષમય કશુંક લોકોત્તર સત્ત્વ,
માત્ર ત્યાં ફેલાઈ રહ્યું. –એ જ તો સૌંદર્ય. –
આંખ, તેં એ જોયું? આજ સુધી કાં ન જોયું તેં એ?
આંખ દ્વારા કોઈકે એ જોયું.
આંખમાં એ કોઈક હતું અને તે આ પળે બહાર
કૂદી શું રેલાઈ રહ્યું?
એ ક્ષણાર્ધ તો હું નર્યો વૃક્ષ-રચના-મય હતો.
તદાત્મ હું એમ સર્વ વિશ્વના પદાર્થ થકી
થઈ તો શકું જ. કિંતુ શી રીતે એ હશે સાધ્ય?

સૌન્દર્યાનુભૂતિ દ્વારા,
કવિતા દ્વારા અમોઘ.
સૌન્દર્યની સેર છંદ-શબ્દ-માં હું ઊપસેલી
જોવા કરું. પુષ્પો અને શિશુકલહાસ્ય તણા
પરિચય કૈંકઃ
દેખાતી ન-દેખાતી તે હાથતાળી દઈ, મારા
ખેલ્યાં કરે અહો સંતાકૂકડી ચૈતન્ય સાથે
અહોરાત.

રાતે રસ્તાના વળાંકે મોટરની રોશનીએ
અજવાળી દીધું એક ઝુંડ નાની ગૌરીઓનું,
ઉત્સવથી વળતું જે, વર્ષાભીંજી મોડી સાંજે;
પડખેના વૃદ્ધ જોઈ રહ્યા વિસ્ફારિત નેત્રે
ભવિષ્યનું તે નિર્મલ સકલ આશારહસ્ય
ફેલાયેલું મુગ્ધ નિજ દૃષ્ટિની સમક્ષ તહીં

કન્યાઓના આશા-ઉલ્લાસ વધાવવાનો સમય રહ્યો નહીં.
કન્યાઓની આશા, મારી કવિતાઓની નસોનું રુધિર.
ક્યાં છે? – ક્યાં છે કવિતા?

(‘સમગ્ર કવિતા’માંથી.)

[download id="375"][download id="418"]


પ્રવાસી - રવીન્દ્રનાથ (અનુવાદ ઝવેરચંદ મેઘાણી)

જગમાંઈ ઠામોઠામ ધામ મારું છે, એ ધામને ઢૂંઢણ પાટકું છું.
દેશે દેશ વિષે મારો દેશ છે, એ દેશ ખોળવાને ભોમ પાટકું છું
નાખું આંખ હું જે કોઈ દ્વાર વિષે,
એના અંદર મારું મુકામ દીસે,
એની માંઈ પ્રવેશવા બાર જડે નહિ, બાર ક્યાં છે? વારોવાર પૂછું;
મારું વા’લસોયું વસ્યું ઘેર ઘેરે, એને ઓળખવા અહીં ભટકું છું.

મારાં નેન સામે હરિયાળી ધરા પડી આંહી કરી રોમરાઈ ખડી
મને સાદ કરે છે એ ધૂળ થકી, વદી કેમ શકું એની વાણ્ય વડી !
જુગોજગ જાણે હું સૂતેલ હતો,
જળ-ધૂળ-ફૂલોમાં મળેલ હતો,
દિન એક છાનું કોઈ દ્વાર ઉઘાડીને, કોણ મિષે ગયો કાઢી હડી.
જોઈ વાટ તેહુની એ ચૂપ મારે મુખ તાકતી ઝાંખતી માત પડી.

અને આભ નિશામય કેટલી રાતથી ધ્યાન મારી પર ધારી રહ્યો
લખ જોજન દૂરનો તારલિયો મારું નામ જાણીને પોકારી રહ્યો
એની ભાષા જે આપસઆપસની
અહો દિલ મારે ફરી તાજી બની !
લાખો જુગતણી એ વીસારેલ વાણીનો, બોલ ફરી ભણકારી રહ્યો.
અને આદ-અનાદ ઉષા કેરો બાંધવ, આભ એકીટશે ધારી રહ્યો.
જળમાં થળમાં ને આકાશ લગી લાખો સ્નેહ-ગાંઠે હું બંધાયેલ છું
મારા સાત અટારીના એ ઘર અંદર જન્મજન્માન્તર જાયેલ છું
વારેવાર છતાં ભૂલી હાય જઉં !
ચણવા ઘર આંહી હું દૂર ચહું.
અહીં વાસ કર્યે મટનાર કદી, મારા મૂળ મકાનની વાસના શું?
મારા મૂળ મુકામનું ભાન ભૂલીને મુસાફર-વેશ હું કાં ભટકું

સચરાચરમાં મને ચાર દિશાએથી તાણ કરે હર એક અણુ;
અને દ્વાર માટે કોટિ હાથ કેરા કર-તાલ પડે, હર કાલ સુણું.
બેની ધૂળ ! તુંયે મને સાદ કરે,
વીરા નીર ! તુંયે લાંબા હાથ કરે,
હર શ્વાસ હૈયામાં વાતાસ પ્રવેશીને તેડું સુણાવે છે કોણ તણું !
એવાં તાણ-ખેંચાણ તમામનાં આવે છે જે સહુને હું પરાયાં ગણું.
સચરાચર આંહી આનંદ ભર્યો અને પ્રેમ ભર્યો ધરા-ધૂળમાં છે;
તુચ્છકાર દિયે લઘુ કોઈ કણિકાને રાંક બિચારો એ ભૂલમાં છે.
આ વિરાટ તણું પરમાણુ અણુ
વહે ગૌરવ ગુપ્ત ભવેશ્વરનું;
એનો ભેદ ભણ્યા વિણ ભાઈ પ્રવાસી તું ઘોર અવિદ્યાની ચૂડમાં છે,
ભયભીત ભમ્યા કર ભોમ બધી, ધણીનો મહિમા ભર્યો ધૂડમાં છે.

એવા ગૌરવને ચરણે ઢળીને હુંયે ધૂળ વિષે રહું ધૂળ થઈ,
થઈ ફૂલ વિષે એક પાંખડી પૂજીશ ઈશ તણા પદમાંહી જઈ.
જ્યહીં જાઉં ને જોઉં જ્યહીં નીરખી,
એની બા’ર જગ્યા તલભાર નથી;
ન પ્રવાસ હવે જનમે જનમે કરવાની લગાર જરૂર રહી;
એના ગૌરવને ચરણે નિત બેસીશ, મૂળ જે છું બસ તે જ થઈ.
ધન્ય કાળ અંતનો બાળક હું; ધન્ય માત મારી વસુધા-ધરણી;
ધન્ય ધૂળ એની, ધન્ય તૃણ એનાં, ધન્ય તારલ-ભોમ સોના-વરણી.
જ્યહીં ક્યાંય હું છું, એને દ્વાર જ છું
મને કેમ ખેંચે - નવ જ્ઞાન કશું.
એને પાર પેલે પારાવાર પડ્યો, તરવા કજૂ છે વસુધા તરણી,
બડભાગી હું છું,જે છું તે જ ભલો, ભલી માત મારી, ધન્ય હો ધરણી!

(‘રવીન્દ્ર વીણા’ પુસ્તકમાંથી)

[download id="367"][download id="414"]


ચાર કાવ્યો - જયન્ત પાઠક

૧.

આ અગાશી;
આપણાં હરદ્વાર, કાશી
આ તાડ માથે ચાંદની ટોપી ઘણી નાની પડે છે!
ને તેથી તો પડતો હસી આ પીપળો
-જો પાન એનાં ફડફડે છે!

એક માળો બાંધીએ આકાશમાં;
ચંદ્રકિરણોની સળી લો ચાંચમાં.
આ રાત કેવી !
તારી તેજલ આંખ જેવી !

આકાશમાં ઊડીએ બની પંખી;
તો તો વીંછુડો જાય ને ડંખી !
સપ્તર્ષિઓ નમી જો પડ્યા,
જાણે નદીના નીરમાં તરવા પડ્યા !

ચાલો જશું ઊંઘી
રાતરાણી આ જરા લઈએ સૂંઘી !
મળશું સ્વપ્નમાં
આકાશના અલકાભવનમાં !


૨.

જોતાં જોતાં નજર ઢળી ગૈ લજ્જાભારે;
ક્હેતાં ક્હેતાં જીભ વળી ગૈ અન્ય લવારે.
અમને મિલન માણતાં ફાવ્યું ના, ફાવ્યું ના.

ઊર્મિતાર ગૂંચવાયા એવા સૂર ના વાગ્યો;
ચિત્ત, અન્યથા ચંચલ મૂર્છિત કંપ ન જાગ્યો.
હોઠે ગીત હૃદયનું આવ્યું ના, આવ્યું ના.

પગ ધરતી પરથી ઉખડ્યા ભારે ભારે,
વિદાયનાં ના વેણ કહ્યાં મૂંગા અભિસારે.
મિલન ભલું કે વિરહ? – કશું સમજાયું ના, સમજાયું ના !


૩.

પથને અન્તે
હવે દિનાન્તે કોઈ મળે તો સારું;
નિજનો પંથ મૂકીને આ ગમ કોઈ વળે તો સારું.

દિન આખો ચાલ્યો તડકામાં
ભીની લાગણીના ભડકામાં
હવે ક્ષિતિજતટ, પટથી મુખનો શશી નીકળે તો સારું.

પડછાયાને સાંજ ગળે છે
નીડ ભણી બે પાંખ વળે છે
અંધારાંને વગડે લોચનદીપ બળે તો સારું.

તમરાંની પાંખોમાં ચંચલ
વાયુલહરમાં વ્યાકુલ પલપલ
ગીત બની પડઘાતી પ્રીત મળે તો સારું.


૪.

એક એવો શબ્દ
જે
બધા શબ્દો જ્યારે મૌનસાગરને તળિયે
વજનદાર પથ્થરો બની ડૂબી જાય
ત્યારે

એકલો, માછલીની જેમ તર્યા કરે.

એક એવો છંદ
જે
બધા છંદો જ્યારે આકાશનાં પોલાણોમાં
પેસી જઈ મૌનને ભજે
ત્યારે આકાશની સઘન ગહનતા વલોવતી

પંખીની પાંખમાંથી ગર્યા કરે.

એક એવું કાવ્ય
જે
બધાં કાવ્યો જ્યારે
ઊંટના પગલાંથી દબાઈ
રણની રેતી બની જાય
ત્યારે

સમયની શીશીમાં સર્યા કરે...

('વગડાનો શ્વાસ' માંથી)

[download id="364"][download id="411"]


બે પત્રકાવ્યો - દલપતરામ અને શિવ પંડ્યા

સ્વસ્તિ શ્રી શુભ સ્થાન સોહામણું જ્યાંહે રાજે સદા રઘુનાથ;
કાગળ લખે કામની.
લખે લંકા થકી સીતા સુંદરી, હેતે વંદે જોડી હાથ.

પત્ર આવ્યો તમારો પ્રીતિભર્યો, વહાલા વાંચી થયો વિશરામ;
પણ જીવન તમથી જુદાં પડે, ઘણા દિવસ થયા ઘનશામ

માટે મળવાને મન અકળાય છે, ઘડીએક તે જુગ જેવી જાય;
મારાં નેણનાં નીરથી નાથજી, સૂતાં રજનીમાં સેજ ભીંજાય.

ઘેર ચાલો હવે તો ઘણી થઈ, નહીં તો જીવડો જાશે જરૂર;
દૈવે પાંખો આપી હોય પિંડમાં, ઊડી આવું દેશાવર દૂર.

વાહાલા નિત્ય નવી વારતા વાંચીએ, જેથી પામીએ પૂરો પ્રમોદ;
ચતુરાઈના રોજ હું ચાળવું, આવો વિદ્યાના કરીએ વિનોદ

તાંબા કૂંડી ઊંડી રૂડી ઓપતી, ભાવે ભરું માંહી નિર્મળાં નીર;
બેસો બાજોઠે ચડી મારા ચોકમાં, સ્વામી નવરાવું ચોળી શરીર.

કરું સરસ રસોઈ રૂડી રીતથી, પ્રીતે પીરશીને બેસું હું પાસ;
એવા દિવસ તે કેદી દેખાડશો, ક્યારે અંતરથી પૂરશો આશ.

સ્વામી તમ વિના પિયર તે સાસરું, સૂનો લાગે છે સઘળો સંસાર;
મારા માથાથી મોંઘા પ્રભુ તમે, મારા આતમના છો આધાર.

આવે પરવના દિન સુખ સર્વને, હું તો શોકે ઉદાસી સદાય;
ગાજે મેઘ ને દમકે જો દામની, આખી જામની જંપ ન થાય.

હું તો સૂની દેખું સુખ સેજડી, ખાલી મંદિર ખાવાને ધાય;
ભરી વસ્તી ઉજડ જેવી ભાસે છે, એક તમ વિના ત્રિભુવનરાય.

વાહાલા હું તમને કેમ વીસરી, કેમ વીસર્યું દાદાનું વતન;
પત્ર વાંચીને વેહેલા પધારજો, સ્વામી શરીરનાં કરજો જતન.

કોઈને દુખિયાં દેખીને દુઃખ પામતા, તેવી નાથ તમારી છે ટેવ;
આવે અવસરે કેમ કઠણ થયા, તમે દલપતરામના દેવ.
કાગળ લખે કામની.

- દલપતરામ


હવે –
મુંબઈ આવો
ત્યારે –
લેતા આવજો
મશરૂના કપડે વીંટીને –
કોયલનો અખબારી ટહુકો,
ભીની માટીની મૈથુની સુગંધ,
મોરની ગૌરવાન્વિત ચાલ
ભાંભરતી ગાયની પવિત્રતા,
બોઘરણે પડઘાતી દૂધ-ધારાનો
મંજૂલ ધ્વનિ,
ઘંટીમાં દળેલો પ્રભાતિયાનો રવ,
વલોણાના દહીંનો લયબદ્ધ વલોપાત –
કેટલું લખું?
ત્યાં સુધી –
ફ્લાવરવાઝનાં ફૂલોને
જોયા કરીશ
હું
અપ્રસન્ન ચિત્તે.

~ શિવ પંડ્યા

(બંને કવિતાઓ 'બૃહત્ ગુજરાતી કાવ્ય સમૃદ્ધિ' માંથી)

[download id="361"][download id="408"]


ત્રણ કાવ્યો - ર. વ. દેસાઈ

1. માનવ

માનવ કહું? કે વિચિત્રતાનું અદભુત સંગ્રહસ્થાન?
સર્જન કરનારે, શું સર્જ્યું વહાણ વિણ સુકાન?
એક આંખમાં અશ્રુ વહેતાં, અન્ય આંખમાં હાસ,
પ્રાણીને પગ ચાર, માનવી બે પગ કેરો દાસ.
એ માનવને હૈયે ઊછળે, બુદ્ધિ કેરો તોર,
બુદ્ધિબળમાં ઊપજે ડાકુ, જલ્લાદો, વળી ચોર.
ચાર દિવસની ચાંદની માંહે, રાસ રમત ગુલતાન,
કાળ કરાળની ઝાળ પ્રજાળે, તો’યે મન અભિમાન.
ભાઈ ભાઈને લૂંટી લેતો, સ્ત્રી દેહે નહિ સૂત્ર,
મોજ માણવા યુદ્ધે હોમે, પત્નીજાયો પુત્ર.
પૂચ્છ વિનાનો વાનર એ નર, પંખી પાંખ વિહીન,
શૃંગ વિનાનો પશું શું માનવ? ભૂત, પ્રેત કે જીન?

2. સુન્દરી

પાસ ઠાય છ બુચી એક ઊંચી જરાક
મરઘાં મિસાલ આંખો ને પોપત મિસાલ નાક
ટૂટી લગામ જેવી સારીની કોર,
કાંડી ઉપર ચીટલ કરે છે બકોર.
એલ્યુમીનમનું બેઢું છે માઠ,
સૂટરની ડોરીથી ડીપે છે હાઠ.
ઝીનું ઝીનું મલકે જાને ઝલકટો ચંડર.
હું કેમ પૂછું, સુ હસે એના મનની અંડર?
પાની ઢીમું ટપકીને ભીંજવે છે ગાલ.
મ્યુનિસિપલ બંબાનો આપે છે ખ્યાલ.
થાકે જબાન ગની ડુકતીના ઢંગ.
જોઈને આ પોઈચાજી બનિયા છે ડંગ !

3. એક મૂરખને એવી ટેવ

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ.
બીજો મૂરખ ભેગો થયો, પથ્થર મૂર્તિ તોડી રહ્યો.
છરી કટારીનું બહુ જોર, તોર તુમાખી ભારે શોર,
તિલક કરતાં ત્રેપન વહ્યાં, ત્રેપનમાંથી ત્રણસેં થયાં.
હજાર વર્ષો ભેગાં રહ્યાં, એ સઘળાં અંધારે ગયાં.
સામે સામા બેઠાં ઘૂડ, જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ.
વીર બન્યા જાણે એ મલ્લ, તીરતમંચા ઝાલી ભલ્લ,
નામ ધરમ, ધિંગાણાં કર્યાં, નિર્દોષોના પ્રાણ જ હર્યા.
શૂર ચઢાવી મારે ભાઈ, અખાને મન બધા કસાઈ.

(કાવ્યસંગ્રહ ‘શમણાં’માંથી)

[download id="358"][download id="405"]


સંગમ- બાલમુકુન્દ દવે

સખી આપણો તે કેવો સહજ સંગમ !
ઊડતાં ઊડતાં વડલાડાળે –
આવી મળે જેમ કોઈ વિહંગમ,
એમ મળ્યાં ઉર બે અણજાણ:
વાર ન લાગી વહાલને જાગતાં,
જુગજુગની જાણે પૂરવપિછાણ.

પાંખને ગૂંથી પાંખમાં ભેળી,
રાગની પ્યાલી રાગમાં રેડી
આપણે ગીતની બંસરી છેડી
રોજ પ્રભાતે ઊડતાં આઘાં,
સાંજરે વીણી વળતાં પાછાં,-
તરણાં, પીછાં, રેશમી ધાગા;
શોધી ઘટાળી ઊંચેરી ડાળો,
મશરૂથીયે સાવ સુંવાળો,
આપણે જતને રચિયો માળો.

એકમેકમાં જેમ ગૂંથાઈ
વડલાથી વડવાઈ, રૂપાળી
તેજ-અંધારની રચતી જાળી
રોજિંદી ઘટમાળમાં તેવાં
હૂંફભર્યા સહવાસથી કેવાં
આપણાંયે સખી દોય ગૂંથાયાં
અંતર પ્રેમને તંત બંધાયાં !
ઋતુઋતુના વાયરા જોયા,
ભવના જોયા તડકા-છાયા,
ભાગ્યને ચાકડે ઘૂમતાં ઘૂમતાં
જિંદગીના કેવા ઘાટ ઘડાયા !
આપણે એમાં સાવ નિરંજન,
સુખને દુખને ભોગવે કાયા;
જે જે સખી! દીનાનાથે દીધું,
આપણે તે સંતોષથી પીધું,
સંગ માણી ભગવાનની માયા !

જોને સખી ! જગવડલા હેઠે
ઋણસંબંધે આવી ચડેલો
કેવો મળ્યો ભાતભાતનો મેળો !

કોક ખૂણે સંસારિયા ઋણી,
કોક ખૂણે અવધૂતની ધૂણી !
કોક પસંદ કરે સથવારો,
કોક વળી નિઃસંગ જનારો !
ભોર ભઈ તોય ઘોરતો ગાફલ,
કોક સચેત અખંડ જ જાગે;
કોક ઉતારી બોજની ભારી,
ખાઈ પોરો પલ ચાલવા લાગે !
અમલકસૂંબા ઘોળતી પેલી
જામતી રાતે જામતી ડેલી
કરમી, ધરમી, મરમી વચ્ચે
ગ્યાનની કેવી ગાંઠ મચેલી !
ઢળતી ઘેઘૂર છાંયડી હેઠી,
ભજનિકોની મંડળી બેઠી;
ઉરને સૂરના સ્નેહથી ઊજે,
ઘેરો ઘેરો રામસાગર ગુંજે !

વગડાના સૂનકારને માથે
તડકો કેવો ઝાપટાં ઝીંકે !
આવી જાણે પ્રલ્લેકાળની વેળા
જીવ ચરાચર કંપતા બીકે !
તોય જોને પેલું ધણ રે ધ્યાની
નિજાનંદે જાણે ડોલતો જ્ઞાની !
હોલા ભગતને ધૂન શી લાગી !
તૂહિ તૂહિ કેવો ગાય વેરાગી !

ચોખૂણિયા પેલી ચોતરી વચ્ચે
કોક અનામી સતીમાની દેરી,
પાસે ઊભો પેલો પાળિયો ખંડિત
શૌર્યકથાઓનાં ફૂલડાં વેરી.
એક કોરે પેલી પરબવાળી
તરસ્યા કંઠની આરત જાણી,
કોરી મોટીની મટકી માંહી
સંચકી બેઠી શીતલ પાણી.

મટકીનું પીને ઘૂંટડો પાણી,
ભવનો મેળો ભાવથી માણી,
આપણેયે વિશરામ કરી ઘડી
ઊડશું મારગ કાપતાં આગે,
થોભશું ક્યાંક જરી પથમાં વળી
પાંખને થાક જ્યહીં સખી લાગે

આંખ ભરી ફરી નીરખી લેશું
આપણે સંગ જે યાતરા ખેડી,
પાંખમાં વેગ ભરી નવલા, ફરી
કાપશું કોટિક તેજની કેડી...
તેજની કેડી... તેજની કેડી...

(કાવ્યસંગ્રહ 'પરિક્રમામાંથી'માંથી; 09-04-1952)

[download id="355"] [download id="402"]


ઘર – હરિન્દ્ર દવે

આ રોજ સવારે આંગણથી આરંભાતો
ને રોજ સાંજના ત્યાં જ સમેટાઈ રહેતોઃ
આ મારગ ત્યાં હું ગતિ કરું કે માર્ગ સ્વયમ્કે
છળી બેઉને રહે કાળ પોતે વહેતો.

હું હળવે હૈયે મારગ પર જ્યાં પાય મૂકું,
એ કેવા છલકાતા હેતે સામો ધસતો,
આ મલક મલક મલકાય મકાનો બેઉ તરફ,
આ પવન પલક વીંટળાય, પલક આઘો ખસતો.

આ પાલખ પર ઘૂ ઘૂ કરતા બે પારેવાં
મુજ પદરવથી શરમાઈ ફરી વાતે વળગ્યાં;
આ પૂર્વગગનથી કિરણ કિરણની ધૂપસળી
અડકી તો રૂના પોલ સમાં વાદળ સળગ્યાં.

ઝાલી માતાનો કર જે ગગન નીરખતો’તો
મન થતું, જરા એ બાળક સંગે ગેલ કરું.
આ એકમેકથી રીસ કરી અળગા ચાલે,
બે માણસમાં એક ગીત ગાઈ મનમેળ કરું.

આ નેત્ર ઉદાસી ભરી અહીં બે વૃદ્ધ ઊભાં,
હું અશ્રુ બે’ક સારી એને સાંત્વન આપું :
આ ઉન્મન ને સુંદર યુવતીની આંખોને
એ તરસે છે, તલખે છે એવું મન આપું.

આ ભીડભર્યા કોલાહલમાં નીરવ રીતે
કોઈ મિત્ર તણો હૂંફાળો કર થઈ જીવી શકું;
તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા
પરવા કોને, હું થીર રહું કે વહી શકું.

જ્યાં રોજ સાંજે ઢળતાં ચરણો વળતાં મેળે
આ માર્ગ પછીની મંજિલ એ મારું ઘર છે;
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંજિલ પણ મારું ઘર છે.

('બૃહત્ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ'માંથી.)

[download id="352"] [download id="398"]


બે કાવ્યો – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

એક નવીન કાવ્ય અને તેનું શરતી અર્પણ

તારું નામ સ્નેહરશ્મિ, -તારનું નામ સ્નેહરશ્મિ
પણ વાત પડી છે વસમી, તારી વાત પડી છે વસમી

તારી વાતો છે મધુરી, સ્નેહી, વાતો છે મધુરી,
પણ યાદદાસ્ત અધૂરી, રશ્મિ, યાદદાસ્ત અધૂરી

તને ખીલ પડ્યા’તા મોટા, સ્નેહી, ખીલ પડ્યા’તા મોટા
તોય કરતો દોટંદોટા, રશ્મિ, કરતો દોટંદોટા

તારાં ચશ્માં કાળાં કાળાં, સ્નેહી, ચશ્માં કાળાં કાળાં
જાણે બંધ બારણે તાળાં, રશ્મિ, બંધ બારણે તાળાં

તારી કવિતા છે મધુરી, સ્નેહી, કવિતા છે મધુરી
પણ સવાર-આદત બૂરી, રશ્મિ, સવાર આદત બૂરી

તારા પગ કેરી પાની, સ્નેહી, પગ કેરી પાની
નવ સવારમાં રહે છાની, રશ્મિ, સવારમાં રહે છાની

તું ચાલે એવો ધમધમ, સ્નેહી, ચાલે એવો ધમધમ
મુજ હૈયે વાગે પડઘમ, રશ્મિ, હેયે વાગે પડઘમ

તું અગાસીએ જૈ દોડે, સ્નેહી, અગાસીએ જૈ દોડે
તોયે નીંદરનાં જલ ડો’ળે, રશ્મિ, નીંદરનાં જલ ડો’ળે

જો જંપે ઊગતાં સવિતા સુધી જંપે ઊગતાં સવિતા,
તો અર્પણ કરું આ કવિતા તુજને અર્પણ કરું આ કવિતા...


એક કારમી કહાણી

વને એક ઘેર ગંભીરો આંબલો ને આંબાની ડાળી,
રમે પંખી બાળ ને બાળી.

રહે ત્યાં મીઠડું નિત્ય કલ્લોલતાં નમણાં એકલ મેના
નાજુક જેને પાય છે હિના !

આવ્યા ત્યાં કોક વનેથી ઊડતા પોપટજી રઢિયાળા
લીલે વાન કાંડલે કાળા !

ઊઠી એક દિન સીમાડેથી જળતી ધૂણીના ધૂમની સેરો,
વાઈ તેની વનમાં લ્હેરો !

ડોલ્યો આંબો ને ડોલી ડાળ પશુ ને પંખીઓ ડોલ્યાં !
વેલે વેલે ફૂલડાં ફૂલ્યાં !

નાચી રહ્યા મોર ને મેના ડાળ છૂપી ઝીણું ટહુકી,
સુણી રહ્યો પોપટ ઝૂકી !

ઝીણું ઝીણું ટહુકો મેનાબાઈ તમારો કંઠ છે મીઠો,
સુણ્યો કે ક્યાંઈ ન દીઠો !

ક્યારે આવ્યા કેમ પોપટજી બોલ તમારો શો રૂપાળો !
આવ્યો હું તો કરવા માળો.

ચાલો પોપટજી ચરીએ સાથે ને માળો કરીએ સાથે,
ગાતાં ગાતાં રૂડી ભાતે !

ના મેનાબાઈ તમે ગાઓ અમે સળીઓ ભરીશું,
સુણી ગીત થાક હરીશું !

જોયેં પોપટજી હાવાં બેસણાં કેવાં કીધલાં વારુ;
આપણ બે બેસવા સારુ.

ભૂલો છો એ શું બોલ્યાં બાઈ, મારી મેના પનોતી,
ઓલ્યે વન વાટડી જોતી.

ભૂંડા ફટફટ તું પોપટ આટલી વારે આ શું બોલ્યો?
વચનથી આ શું ડૂલ્યો ?

સીમાડે દૂર ઓલ્યા જોગીની કારમી ધૂણી જાગે !
સાચું બોલ એની સાખે !

તમે આગળ હું પાછળ બાઈ ! તમે કહો તેની સાખે,
બોલું કોઈ આળ ન ભાખે.

આગળ મેના ને પાછળ પોપટ ધૂણીની પાસ જ્યાં પહોંચ્યાં
ધુમાડાના ગોટે ગોટા !

જાણે ધરતીનું ફાડી પેટ અંધારના રાફડા હાલ્યા !
મેનાને ઊડતાં ઝાલ્યાં !

ન કોઈએ ચીસ, ન કોઈએ શબ્દ, ન કોઈએ હાય એ સુણી !
જરા થઈ તડતડ ધૂણી !

બેભાન ભોંયેથી જાગી પોપટજી જરી આંખ ઊઘાડે,
બળતા બે પાય જ ભાળે.

અલ્યા જોગી તું બેઠો આંહી દેખે કે કૈં દેખે ના !
બળી ગઈ મીઠડી મેના !

હતો હું સાથ, હવે પ્રાશ્ચિત કે શિક્ષા શી લહું હું ?
કેવી રીતે જીવ ધરું હું?

ભોળા પોપટ, તું ને હું ને મેનામાં કોણ દેખે છે ?
સાચી એક ધૂણી ધખે છે !

અહીં કોઈ કોઈ જીવનની જોડ જોડી જગમાં પળે છે !
એકલડું કોઈ બળે છે !

લીએ જ્યાં પ્રેમીઓ નિજને હાથ અધીકડી દુઃખની દીક્ષા,
કરે કોણ કોણને શિક્ષા ?

જાઓ માળે તમારે તમ પોપટજી ઓ રઢિયાળા
હતા તમ પંથ જ ન્યારા !

ઊડ્યા ત્યાંથી પોપટજી લીલે વાન ને કાંડલે કાળા;
છાની ધરી હૈયે જ્વાળા

વને એક ઘેર ગંભીરો આંબલો ડાળીએ એ આંબાની
બની આવી કારમી કહાણી !

('શેષના કાવ્યો'માંથી.)

[download id="349"] [download id="395"]


આત્મ પરિચય - જ્યોતીન્દ્ર દવે

(અનુષ્ટુપ)

‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય.’
તમારું વાક્ય એ વાંચી મને આશ્ચર્ય ઊપજે;
જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સખે !
જાણે જે જાતને તેયે જણાવે નહિ અન્યને.
તથાપિ પૂછતા ત્યારે, મિત્રનું મન રાખવા;
જાણું – ના જાણું હું તોયે મથું ‘જાત જણાવવા.’

જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને હું પ્રવૃત્તિએ
શૂદ્ર છું : કલ્પના માંહે ક્ષત્રિયે હું બનું વળી !
શૈશવે ખેલતો ખેલો, શાળામાં ભણતો વળી,
બ્રહ્મચર્યાશ્રમે ત્યારે સ્થિતિ મારી ગણી હતી.

શાળાને છોડીને જ્યારે ‘શાળાની બહેન’ને વર્યો,
ગાર્હસ્થ્યે આશ્રમે જ્યેષ્ઠે તદા પ્રેમે હુ સંચર્યો.
પ્રભુતામાં ધર્યા પાદ; પૃથ્વીને રસ-પાટલે;
પયગમ્બર પ્રભુ કેરા પધાર્યા બે પછી ગૃહે.
દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું,
પારકાં કામ આવે ત્યાં સંન્યાસી હું બની રહું!
વર્ણાશ્રમ તણા આમ બધા હું ધર્મ પાળતો,
જાળવવા મથું નિત્ય આર્ય-સંસ્કૃતિ-વારસો.

અરિને મોદ અર્પતું દ્રવ્ય અર્પન્તુ વૈદ્યને
વહાલાને અર્પતું ચિંતા, મને પીડા સમર્પતું,
પૃથ્વીયે ખેંચતી જેને બહુ જોર થકી નહિ-
ભારહીણું મને એવું ઈશે શરીર આપિયું,
રોગ ને સ્વાસ્થ્યની નિત્યે રણભૂમિ બની રહ્યું.
એવું શરીર આ મારું દવાઓથી ઘડાયેલું !

સોટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે
વિદ્યા ને વેદના બે મેં એકસાથે જ મેળવ્યાં.
મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યો,
મન કિન્તુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું !
વિદ્યાને પામવા પહેલાં, અર્થનો વ્યય મેં કર્યો,
પછીથી અર્થને કાજે વિદ્યાવિક્રય આદર્યો.
ઘરમાં હોય ના કાંઈ, ક્ષુધા ત્યારે સતાવતી;
ભર્યું ભાણું નિહાળીને ભૂખ મારી મરી જતી.
વૃત્તિ મારી સદા એવી હોય તે ના ચહે કદી,
હોય ના તે સદા માગે, મળ્યે, માગ્યુંય ના ગમે !

(ઉપજાતિ)

સાહિત્ય સંગીત કલા વિશે મેં
ધરી રુચિ, કિન્તુ ન સિદ્ધિ આવી.
ગાઉં ન હું, કારણ માત્ર તેનું
આવે દયા કૈં સુણનાર કાનની.

કર્યું હતું એક જ વેળ જીવને
અપૂર્વ મેં નૃત્ય વિના પ્રયાસે.
હું એકદા માર્ગ પરે નિરાંતે,
ઉઘાડેપાદે ફરતો હતો ત્યાં
અર્ધી બળેલી બીડી કોક મૂર્ખે
ફેંકી હતી તે પર પાદ મૂક્યો.
અને પછી નૃત્ય કરી ઊઠ્યો જે,
તેવું હજી નૃત્ય કર્યુ ન કોઈએ !
સાહિત્યની કંટકવાડ ભેદવા
કરે ગ્રહી કાતર કાવ્ય કેરી,
પાડી છીંડું નાનકું એક ત્યાં હું
ખૂણે ઊભો; કાતર ફેંકી દીધી !

(અનુષ્ટુપ)

દેહ દાતણના જેવો, મન મર્કટના સમું
આત્મા કિન્તુ ગણું મારો વડો બ્રહ્માંડ જેવડો.

(શાર્દૂલ)

નાના રૂપ ધરી હું એમ ખીલવું માયામયી સૃષ્ટિને
ખેલું ખેલ અનન્ત શાન્ત જગમાં દિક્કાલને કંદુકે.
હું ચૈતન્યચૂડામણિ સકલ આ બ્રહ્માંડ વ્યાપી રહ્યો,
જે દેખાય, સુણાય, થાય જગમાં, તે સર્વ મારા થકી.
કુંજે કોકિલ કૂજતી કલરવે તે નાદ મારો નકી.
નિદ્રાભંગ કરંત શ્વાન ભસતાં, તેયે ક્રિયા માહરી.
દાતા હું જ સુવર્ણચંદ્રક તણો, લેનારયે હું જ છું,
હું કૂટસ્થ, અન્નત બ્રહ્મ, મુજથી ના ભિન્ન લેશે કશું.

(અનુષ્ટુપ)

રજ્જુમાં સર્પની ભ્રાન્તિ થાય, તેમ તને સખે,
મહાજ્યોતિ પરબ્રહ્મ દીસે જ્યોતિન્દ્ર દવે !

(‘બૃહત્ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’માંથી)

[download id="392"] [download id="346"]


બે કાવ્યો - પૂજાલાલ

1. સ્નેહ

આ સંસારે સ્નેહ નામથી તને જગત-જન જાણે,
સાચી લક્ષ્મી લોક સકલની તું છે પ્રાણે-પ્રાણે:

પરમ પ્રેમનું તું છે સુકિરણ આ પૃથ્વી પર આવ્યું,
પવિત્રતાના પ્રસાદ પાવન માલિન્યોમાં લાવ્યું:

દુનિયાનું તું દિવ્ય રસાયન સંતાપો સહુ હરતું,
દુઃખોના દાવાનલ પર તું વર્ષા બની વરસતું:

મીઠા સ્વાદો છે હ્યાં મોઘા, છે સસ્તી કડવાશો,
તું છે એવો પાશ અલૌકિક જે કાપે સહુ પાશો:

ભવ-રણમાં તું રક્ષણ દેતો લીલો દ્વીપ રસાળો,
તું છે તેથી અડી શકે ના બાળી દેતી ઝાળો:

જે હૃદયે તું, ઉત્સ તહીંથી અમૃતરસોનો ફૂટે,
માનવ માટી આદ્ર બને ને નંદનનાં વન ત્રૂઠે:

વિહંગમો ત્યા વૈકુંઠોનાં ગાવા માટે આવે,
કિન્નર ને ગંધર્વો કેરાં સંગીતોય ભુલાવે:

મનુષ્ય-પશુ-પંખી ને કીટે પણ છે હાસો તારા,
સૂર્ય-ચંદ્ર-તારકની સાથે સ્પર્ધાઓ કરનારા:

પ્રભાવ તારો ત્રિભુવનવિજયી પ્રભુતાઓ પ્રકટાવે,
તારા મંગલ મંદિરમાં સત્પ્રભુ વસવાને આવે.


2. અખિલેશ્વર

રળી આપશે કોઈ તને ને ભોગવશે તું મોજે,
ફોગટ એવી રાખ ન આશા, રડવું પડશે રોજે.

સ્વાર્થસાધુ સંસાર સકલ આ, માનવ મનનો મેલો,
પ્રવૃત પરહિત અર્થ થનારો લાગે જગને ઘેલો.

એવા વિરલ પુરુષના છે આ દુનિયામાં દુષ્કાળો,
મૃગજળ પાછળ મરવા માટે મૂર્ખ ભરે મૃગફાળો.

દીનહીન નિઃસત્વ જ શોધે પરનો આશ્રય પાપી,
સ્વમાનહાનિ મરણથી ભૂંડી, સત્પુરુષોએ શાપી.

આપબળે આગળ જા, મળશે ભાગ્યતણા ભંડારો,
તાળાં તોડી કાળ-ભિડાવ્યાં, સર કર હિસ્સો તારો.

પર-દીધાનો તજે પરિગ્રહ પૌરુષવંતા પ્રાણો,
પુરુષાર્થી પામે રત્નોની ખાણો ઉપર ખાણો.

પરવશતા જેવી ના પીડા જડે જગતમાં બીજી,
જીવન-ઉષ્મા જતી રહે જ્યાં, સત્વ જતું સહુ થીજી.

પરાધીનતા પશુઓ માટે, દૈવતવંતા દેવો,
મહાપ્રયાસે પૌરુષ યોજી પામે અમરત-મેવો.

સ્વતંત્રતાની લે સરદારી, સત્વે સજ શિવશક્તિ,
પૂર્ણકામ થા, હે ભવ્યાત્મા ! વિશ્વવંદ્ય બન વ્યક્તિ.

મહિમા તારો માપ મહતને માપે, રાજ વિરાટે,
માટીમાંથી થા અખિલેશ્વર, પ્રભુ પૃથ્વીને પાટે.

(કાવ્યસંગ્રહ ‘સોપાનિકા’માંથી.)

[download id="343"] [download id="389"]