રડી રડીને થાકેલું છોકરું, એક ઝોકું ઊંઘનું ને બીજું ઝોકું રડવાનું, એમ કરતાં કરતાં ઊંઘ તરફ ઢળતું જાય એ રીતે આ ધમાલિયું શહેર મધરાત પછી શાંત પડતું જતું હતું.
એક તો ઉનાળો, શહેરનો ગીચ લત્તો ને એમાં વળી પવનને કોઈએ બાંધી દીધો! એટલો બધો ઉકળાટ હતો કે ઉંદરો પણ દરમાંથી બહાર નીકળી આવ્યા, પછી માણસોનું તો પૂછવું જ શું? કોઈ ઓટલે તો કોઈ પગથિયાં આગળ ખાટલે તો કેટલાંક વળી પથ્થરજડેલ શેરી વચ્ચે પથારી કરીને લંબાવી ગયાં હતાં. મોટાં ઘરનાં પાંચ ફૂટ લાંબાં પગથિયાં ઉપરેય કોઈ કોઈ એ લંબાવ્યું હતું: એક પાસાને હવા સ્પર્શે તેય ક્યાં હતી! ઘરમાં સૂતેલા લોકોએ પણ બારણાં ઉઘાડા રાખ્યાં હતાં. કોઈ કોઈ તો બારણા વચ્ચે જ પથારી કરીને સૂતા હતા. કૂતરાંએ પણ, આખા દિવસની ઘસડપટ્ટી પછી સુની પડેલી ચોકડીઓ સંભાળી હતી ને પોતપોતાનાં અંગોની પથારી કરી હતી.
પોળો શાંત પડી ગઈ. અડખાપડખાની સડકો અને સરિયામ સડક પણ-ડોશી જાણે દળતાં દળતાં થાકી ગઈ ને ઘંટી આગળ જ લંબાવી ગઈ-
ઘંટીના ઘરઘરાટ તો ભલે શમ્યા પણ ઉંદરોની ને કોળની હરફર, તો મીનીમાસીની રોન, ડોસીની મીંચાયલી પાંપણને ફરકાવી જતી. કોઈ વાર હાથપગ જેવા અંગ પણ એનાં હાલી ઊઠતાં હતાં.
સડક પર ઉપર આવેલાં સિનેમાગૃહનાં બારણાં છેલ્લા શૉ પછી ફટાફટ વસાઈ ગયાં. ડોરકીપરોની છેલ્લી સાઈકલો નીકળ્યા પછી કંપાઉન્ડનો દરવાજો ભિડાયો-
છેલ્લે રહેલો જમાદાર ચોકમાંના બાંકડા પર બેસી બીડી સળગાવી બાંકડા ઉપર લંબાવી ગયો-કહેવું મુશ્કેલ છે બીડી તાણતો હતો કે ચારે બાજુ છવાઈ રહેલી શાંતિને એ પીતો હતો?
હૉટલો સૂમસામ બની. કોથળે વીંટેલી કોલસારંગી ગોદડીને બગલમાં મારી હૉટલના છોકરાઓએ સૂની પડેલી પગથી ઉપર ઈધરઉધર ઝાપટતાકને આખા દિવસથી ખડીને ખડી કાયાને લંબાવી દીધી. કોઈ કોઈએ બે-ત્રણ જણના વચ્ચે એક સિગારેટ સળગાવી પડ્યે પડ્યે.
સિનેમા અને હૉટલેથી છેલ્લો છૂટેલો પોળવાસી-કોઈએ સીધું ઘર સંભાળ્યું; એકલો જીવ હતો એવાએ ઓરડી ખોલી, બિસ્તર કાઢી, જગ્યા જોઈને શેરી વચ્ચે પહોળું કર્યું. બીડીનું વ્યસન હતું એવાએય-આંખ જ ઊંચી નો’તી થતી પછી તલબે ય ઊંચીનીચી થઈને કરવાની શું હતી?
અને આમ સિનેમા અને હૉટેલના શોખીનોએ પણ પથારીમાં પડતાની સાથે એવી ઊંઘમાં ડૂબકી મારી કે જાણે અડધી ઊંઘે પહોંચેલા બીજા લોકોને આંબવા ન માગતા હોય.
બે-અઢી થતામાં તો આખીય પોળ ઘસઘસ ઊંઘતી હતી જાણે સમાધિસ્થ કોઈ યોગી જોઈ લ્યો! પોળની ઝાંખી ઝાંખી બત્તીઓય નીરવતા જોઈ ઊંઘવાનો વિચાર કરતી હતી. હવા પણ ઠંડી પડવા આવી હતી.
ત્યાં જ નીરવતાના ઊંઘતા અંગ પર કોઈએ જાણે છરી ફેરવી! પોળની ઘેનભરી હવા થોડીક કંપી ઊઠી: ‘ચોર ચો…ર દોડો…. પકડો’… અવાજ ગૂંગળામણભર્યો હતો! જાણે મોં ઉપર કશો ડૂચો ન હોય!
ચીસ ઊઠી એ મકાનમાં પગથિયાં આગળ ઉપરના મેડાવાળા એક આધેડ ભાઈએ પથારી કરી હતી. પાણી પીવાની ઈચ્છાથી અડધી ઊંઘમાં ઊઠું ઊઠું થતું હતું ને એમાં આ ચીસ આવતાં સફાળો એ ઊભો થયો. બે જ ડગલે ચાર પગથિયાં ઠેંકતો બારણામાં ઘસી ગયો : ‘ ક્યાં છે ચોર? ..શારદાભાભી? બત્તી કરો બત્તી. ઘરમાં જ છે. બહાર તો એ નીકળ્યો નથી.’
આધેડ સરખી શારદાભાબી આંખો ચોળતી બેઠી થઈ પૂછવા લાગી: ‘ ભાવસારભાઈ કે કોણ છે?’
‘બત્તી કરોને સ્વિચ ક્યાં છે?’ ભાવસાર શારદાની આળસ જોઈને વિચારમાં પડી ગયો. પૂછ્યું: ‘બૂમ શું કામ પાડી તમે?’
બીજા ઘરના ઓટલે સૂતેલાં વિદ્યાડોશીય હાંફળાફાંફળાં નીકળી આવ્યાં- ‘અલી કોણે બૂમ પાડી એ?’ આમ કહેતાં, સાડાલાંનો પાલવ ખોસતાં શારદાના બારણા સામે આવ્યાં, ત્યાં તો ભાવસારભાઈના શબ્દો એમના કાને પડ્યા, ‘બૂમ શું કામ પાડી તમે?’
બત્તી થઈ ને ભાવસાર ઉપર નજર પડતાં વિદ્યાડોશીની ઊંઘેય જાણે ઊડી ગઈ?
વિદ્યાડોશીની પાછળ આવતા બે-ત્રણ જણ કહેતા હતા : ‘મેંય ઊંઘમાં ચીસ તો સાંભળી પણ કઈ બાજુએથી આવી એનો વિચાર કરતો’તો ત્યાં તો વિદ્યાકાકીને બોલતાં સાંભળ્યાં.’
‘ચોર હશે તો આટલામાં જ હશે. નાકે જ હું સૂતો છું, ભાગતાં કોઈને જોયો નથી?’-
એમણેય શારદાના ઘરની ફક્ક થતીકને બત્તી થતી જોઈ. ભાવસારને બારણામાં ઊભેલો જોયો. કપડાં ઠીકઠાક કરતી શારદાને બોલતી સાંભળી-ભાવસારને કહેતી હતી: ‘ઊંઘમાં મૂઈ ચીસ નખાઈ ગઈ!’
વિદ્યાકાકી સામે જોઈ શારદાએ ઉમેર્યું : ‘સ્વપ્નમાં કાકી!’
ભાવસાર બારણા બહાર નીકળતા કહેવા લાગ્યો: ‘હું ય બેઠો થઈને ઓશીકે મૂકેલા ઢોચકામાંથી પ્યાલો ભરવા જતો હતો ને ચીસ સાંભળી એટલે લાગલો અહીં ધસી આવ્યો. જોયું તો શારદાભાભી પથારીમાં જ પડ્યાં હતાં, મને થયું કાં તો કબાટ પાછળ સંતાઈને છરી દેખાડી હોય તો બાઈ માણસ પછી છાનું થઈને પડી જ રહે. ત્યાં તો’-
પણ ભાવસારે જેવો વિદ્યાડોશી સામે જોઈ હસવાના પ્રયત્ન સાથે શારદા સામે હાથ કર્યો ત્યાં જ ડોશીએ મોંના વિચિત્ર અભિનય સાથે પીઠ ફેરવી! ભાવસારના શબ્દો તેય ડોશીના કાનના કીડા ખરી પડતા હોય એ રીત ભોંયના પડખા બની રહ્યા ‘આમનું સમણું નીકળ્યું!’
ડોશીએ કહ્યું: ‘ હા ભાઈ હા, સમણું! જાઓ જઈને સૂઈ જાઓ હવે’ નવા આવનાર લોકોને પણ પાછા વાળ્યા: ‘હાહો કર્યા વગર-કશું નથી. સૂઈ જાઓ, જાઓ!’
આમ જુઓ તો ગમ્મતની વાત હતી બલકે આ જાગી ઊઠેલાં લોકોમાં ‘સમણું’ જાણ્યા પછી આનંદ અને હાસ્યનું મોજું ફરી વળવું જોઈતું હતું: પણ કોણ જાણે કેમ એ આઠ-દસ માણસોય એવા મૂક બની ગયા! જાણે વિદ્યાડોશીએ ફૂંક મારીને આ લોકોને મૂંગા ન બનાવ્યા હોય ને મૂંગા વાતાવરણે શારદાના ઘરનાં પગથિયાં ઊતરતા ભાવસારના પગ ભાંગી નાખ્યા!
પથારીમાં બેસી પાણી પીતાં પેલી બાજુ વિદ્યાડોશીને કહેવા લાગ્યો: ‘પહેલા અવાજે તો હું ગભરાઈ ગયો! ચોર ચોર તો ખરો પણ ક્યાં? પછી તો દોડો દોડોનો અવાજ આવ્યો એટલે સમજી ગયો કે શારદાભાભીના ઘરમાંથી અવાજ આવે છે. મને હતું કે બારણામાં જ સાલાને પકડી લઈશ પણ પોળની બત્તીના આ ઝાંખા અજવાળામાં જોયું તો શારદાભાભી પથારીમાં હતાં ને મારા અવાજથી જાગતાં હોય એમ આંખો ચોળતાં બેઠાં થયાં. મને કે’ છે: ‘ સ્વપ્ન હતું, ભાવસારભાઈ, સ્વપ્નામાં બૂમ પાડી’તી! પછી તો એમણે બત્તી કરી, ને એટલામાં તો તમેય આવી ગયાં!’
વિદ્યાડોશી એની જ ઢબે બોલ્યાં : ‘ ખેર, ભાઈ, સૂઈ જાઓ હવે. ચાલો, જે થયું તે થયું!’
ભાવસારભાઈને એવી તો ખાઈ ગઈ! ક્રોધ ઉપર કાબૂ રાખતાં પૂછ્યું: ‘ શું થયું તે થયું! કહેશો તમે મને?’
ડોશીના પેટનું પાણીય ન હાલ્યું. બીજા લોકો તરફ જોઈને બોલ્યાં: ‘અલ્યા ભાઈ વસી? તમે સાંભળો છો બધા? મેં ભાવસારને કશું કહ્યું છે?’
પેલા લોકો પણ ભાવસારને ભણાવવા લાગ્યા: ‘ભાઈ છોડોને ભાવસાર, વાત હવે? તમને ક્યાં કોઈ કે’છે કશું?’
બિચારો ભાવસાર! બધાનો સૂર એક જ હતો!
બારસાખનો ટેકો લઈને ઉંબર ઉપર બેઠેલી શારદા બોલી: ‘ હાય હાય! જોજો કોઈ ભાવસારભાઈ ઉપર આડુંઅવળું વે’માતા, વિદ્યાકાકી, તમે કો’ એના સોગન ખાઉં જો સ્વપ્નું ન હોય ને-‘
વિદ્યાડોશીને થતું હતું : ‘ આ મૂઆં બેય પાછાં રાંપીના ઘા જેવું કર્યા વગર છાનાં મરતાં હોય તોય ઠીક.’ ને વચ્ચે બોલતાં શારદાને સલાહ આપી: ‘ તું પાછી શું કામ બોલી? છાની-માની સૂઈ જતી નથી ને? અને પોતે સૂઈ જશે તો બીજા ય જંપી જશે. આ હિસાબે આડાં પડતાં ઉમેર્યું:
‘આ હું ય સૂઈ ગઈ. જંપી જાઓ ભાઈ વસી, ઊંઘ બગાડ્યા વગર.’
‘અમે તો અમારે બીજી વાત કરીએ છીએ, તમતમારે સૂઈ જાઓ.’ કહી વસી પથારીમાં બેઠેલા ત્રણેય જણ બીડીઓ સળગાવી ગુસપુસ કરી રહ્યા…
આડા પડેલા ભાવસારે એ તરફ કાન માંડ્યા પણ વીસ-પચ્ચીસ ફૂટનું અંતર હોઈ અવાજ જ પૂરો નો’તો સંભળાતો પછી શબ્દો તો પકડાય જ ક્યાંથી?
વસી, વિદ્યાડોશી ને ભાવસાર ત્રણેય આ પોળનાં ઘણાં જૂનાં રહેવાસી, બલકે ભાડવાત હતાં.
વિદ્યાડોશીનો દીકરો એક કાપડની પેઢીમાં કૅશિયર હતો. વસીને સેકન્ડહેન્ડ પુસ્તકો વેચવાનો ધંધો હતો ને ભાવસાર પોતે શિક્ષક હતો.
વસી પેલા લોકોની આવી જ એક જૂની વાત કરતો હતો તે બિલાડી સરખાં વિદ્યાડોશીના કાને એક અક્ષરેય ન પડે એ માટે અત્યંત ધીમું બોલતો હતો…
સાર હતો: પંદરેક વર્ષ ઉપર આવો જ કિસ્સો બન્યો હતો ને એ કિસ્સામાં વિદ્યાડોશીનો દીકરો ભાવસારની પેઠે સપડાયો હતો. બલકે એને આ ભાવસારે કાંડે પકડ્યો હતો ને બીજા બારણેથી કાઢી લઈને બચાવી લીધો હતો ને આજે આ ડોશી કે’ છે એમ જ એય પછી અમારા જેવાને કહેવા લાગ્યો: કંઈ નથી ભાઈ, ઉંદરે ડબ્બો પાડ્યો એમાંથી આ હોહા થઈ ગઈ છે. સૂઈ જાઓ, જાઓ બધાં…
ને વાતને અંતે પેલા ભાઈઓને સૂઈ જવાનો સંકેત કરતા વસીએ ઉમેર્યું: ‘એ દિવસ ભાવસારે ડોસીના દીકરાને બચાવી લીધો’ તો. આજે આ ડોશી આપણને જંપાવે છે! માટે’- ને પથારી ખંખેરતા રમૂજ સાથે બબડ્યો: ‘કશું નથી ભાઈ, કશું નથી. સૂઈ જાઓ, જાઓ!’
વસીનું છેલ્લું વાક્ય ભાવસારે પણ સાંભળ્યું. તે પોતાના માટે વ્યંગમાં કહેવાયું છે એ પણ સમજાયું પણ કરે શું!… ને એવો તો એ દુઃખી થઈ રહ્યો કે રડમસ અવાજે ભગવાનને કહેવા લાગ્યો : ‘બીજું કંઈ નહિ પણ તું તો મારી નિર્દોષતા જાણે છે ને, અંતર્યામી!’
ભાવસાર વિધુર હતો પણ એની આબરૂ પોળમાં સારી હતી. આમેય એની ઉમ્મર પચાસ લગભગ થઈ હતી. ત્રણ છોકરાંનો પિતા હતો. મોટો છોકરો એસ.એસ.સી પાસ થઈને વતનમાં દૂકાન કરીને પોતાના પગ ઉપર ઊભો હતો, ને પોતાની પાસે બે છોકરાં હતાં. એમાં મોટી છોકરી હતી તે એસ.એસ.સી.માં હતી ને નાનો છોકરો સાતમીમાં હતો.
બીજી સવારે પોળની અંદર ‘સમણાનો ચોર’ ચર્ચાવા લાગ્યો ત્યારે ઘણાંનાં મનમાં ભાવસાર વિધુર હતો એ જ એની બેઆબરૂ ન હોય એ રીતે લોકો એના માટે અભિપ્રાય બાંધીને બેસી ગયાં.
બીજી બાજુ છએક માસથી રહેવા આવેલી ચાળીસેક વર્ષની શારદા પણ નિઃસંતાન હતી ને એટલા માટે એ પણ પોળના લોકોને આજે ગુનાહિત લાગતી હતી. ઓછું હોય તેમ એનો પતિ એક એન્જિનિયરિંગ કંપનીમાં કૅન્વાસર હતો એટલે મશીન ખપાવવા અવારનવાર ગામડાંમાં જતો હતો. ને આ પણ જાણે લોકોને તો વધુ એક સાબિતી હતી.
અલબત્ત ઉપરથી તો ન કોઈ ચર્ચા સંભળાતી હતી કે નો’તી બોલાચાલી કે લડાઈ જેવું. કેટલાક લોકો તો ભાવસાર જોડે અસલની જેમ જ બોલતાચાલતા ને વર્તતા હતા.
છતાંય ભાવસારે જોયું તો નળ ઉપર પાણી ભરતી કે ચોકડીમાં વાસણ માંજતી, સામે ઊભેલી લારીમાંથી શાક ખરીદતી કે-અરે રવિવારે તો ભાવસારે બારી વાટે જોયું તો ઓટલા ઉપર વાતો કરતી સ્ત્રીઓ સમણાંની વાતને આજ પાંચ પાંચ દિવસ થયા હતા. છતાંય આ તરફ અવારનવાર જોતી હતી ને ગુસપુસ ગુસપુસ કરતી હતી.
પોતાનાં બે સંતાનોનાં મોં પણ પડી ગયાં હતાં. પોળનાં બીજાં છોકરાંની અવરજવર પોતાને ત્યાં ઘટી ગઈ હતી. પોતાનાં છોકરાં ઘરમાં જાણે પુરાઈ રહ્યાં હતાં.
મોટી છોકરીને તો બિચારીને નવરાશ પણ ક્યાં હતી. ભણવું ને રાંધવું બધું જ એના માથે હતું. પણ ભાવસારે જોયું તો એ શાક લેવા ગઈ ત્યારે આસપાસની બીજી સ્ત્રીઓએ એની સાથે એક શબ્દ સરખોય ન ઉચ્ચાર્યો. એક-બે તો એને જોતી હતી તે પણ તીરછી નજરે!
એમાં વળી છોકરાએ સવારમાં સવાલ કર્યો: ‘ આ બધાં સ્વપ્નાનો ચોર, સ્વપ્નાનો ચોર કહે છે તે એ શું છે, બાપુજી?’
‘કોણે તને કહ્યું?’
‘દિલીપ કે’તો ‘તોને હરીશેય કે’તો ‘તો!’
હરિશ વિદ્યાડોશીનો પૌત્ર હતો.
‘કે’છે બે-ત્રણ દિવસ ઉપર શારદાકાકીને ઘરે સ્વપ્નાનો ચોર આવ્યો’તો!’ ને પિતાની સામે જોઈ સવાલ કર્યો: ‘એ કેવો ચોર?’
ભાવસારે બેસી જતા હૈયાને થામતાં કહ્યું: તારે હરીશને જ પૂછવું હતું ને!’
‘મેં તો પૂછ્યું પણ એણે મને કહ્યું કે તું તારા બાપુજીને જ પૂછી જોજે.’
‘એ….મ?’ કહી મૂંગા બની ગયેલા ભાવસારને એવો તો ક્રોધ આવ્યો કે નીચે જઈને એ ડોસલીને ને એના પેલા સિનેમાની ટિકિટો વેચી ખાનારા ને કાળાબજાર કરનારા દીકરાની જો ઘેર હોય તો ખબર લેને દસકા ઉપરનું પોત ઉઘાડું પાડી સંભળાવી દે કે, તારા જેવા છિનાળવા નથી કંઈ…’
પણ ભાવસારેય જાણતો હતો આ બધાનો કશો જ અર્થ નથી, ઊલટાનો ભવાડો વધારવા જેવું થશે…
ત્યાં તો રાતે દીકરીએ દડ દડ દડ દડ આંસુ સારતાં પિતાને તૂટક તૂટક શબ્દોમાં વિનંતી કરી: ‘આપણે અહીં નથી રહેવું, બાપુજી!’ ને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.
પણ સમજણી થયેલી દીકરીને પિતા કઈ જબાને કારણ પૂછે? એની છાતી પણ એટલા જોરથી ભરાઈ આવી કે-
ખૂંખારો કરી ગળું સાફ કરતાં તો ધોતિયાની ફડક વડે આસું લૂછતાં પિતાએ આટલું જ કહ્યું: ‘ભલે બેટા!’ સ્વગતની જેમ ઉમેર્યું: ‘પંદરને બદલે પચાસ ભાડું ભરતાંય આની અડધી જગ્યા નહિ મળે. પણ-મોંઘી તો મોંઘી શોધી કાઢીશ!’
થોડીક વાર રહીને વળી પૂછ્યું: ‘ તું તો આ લોકોની વાત સાચી છે એમ નથી માનતી ને?’
‘કહું છું હું તો: ખોટી વાત છે. બીજાંય નથી માનતાં, પણ ખાસ તો આ વિદ્યાડોશીએ’-
‘ડોશીની આ ઈર્ષાનું કારણે જાણું છું પણ ખેર બેટા! ભગવાન તો આપણો જાણે છે ને?’ ઉમેર્યું: ‘તારા મનમાં લેશ પણ શંકા ન આણતી. મારામાં એક તલભાર પણ પાપ નથી. સૂઈ જા, કાલ ને કાલ રજા લઈને મકાન હું શોધી કાઢીશ.’ ઉમેર્યું: ‘ એક ટ્યૂશન વધારે ખેંચીશું!’…
ને ત્રીજા દિવસે તો ભાવસારનો સામાન લારીઓમાં ભરાતો જોઈને વળી આ પોળ તો ગમગીન સરખી બની રહી!…
ઘણા લોકોને એમના પોતાના અંતરાત્માએ સાક્ષી પૂરવા માંડી: ‘આવો માણસ એવું કામ કરે જ નહિ… ને શારદાની મરજી હોય તો બૂમ શું કામ પાડે? સંતલસ કર્યા પછી ભૂલી ગઈ હોય એવું તે બને વળી? સંતલસ કરી હોય તો ઊંઘ જ એને ન આવે…’
કોઈનો સામાન જતો આવતો હોય ત્યારે ઓટલા ઉપર આવી બેસનારાં વિદ્યાડોશીય આજ તો ક્યાંય દેખાતાં નો’તાં. અંતરમાં કશુંક થતું હતું એટલે જ એ ઘરમાં ભરાઈ રહ્યાં ને આડાઅવળા કામમાં પોરવાઈ રહ્યાં હતાં.
એક શારદા એકલી બારસાખ સાથે બારસાખ બની બારણામાં ઊભી હતી: આંખો એની નીતરતી હતી એનીય એને ખબર નો’તી. એક જ એની ઈચ્છા હતી: પોતાને જ કારણે આ સાધુ જેવા માણસને કલંક ચોંટ્યું હતું એ બદલ એને ભાવસારની માફી માગવી હતી- દુનિયાની એને હવે પરવા નો’તી.
ને લારીઓ સાથે બેઉ છોકરાને વિદાય કરી મેડા ઉપર છેલ્લી નજર ફેરવી ભાવસાર જેવો દાદર ઊતરી આગળ વધ્યો કે એના કાને બાજુમાંથી રુદનભીનો અવાજ આવ્યો: ‘ભાવસા…ર…ભા…ઈ?’
નહિ તોય ભાવસાર શારદાના મોં ઉપરથી પામી ગયો હતો: એ બિચારી બહુ દુઃખી થઈ રહી છે.
એ પાછો ફર્યો. ને શારદા કંઈ કહે તે પહેલાં પોતાના ઢીલા લાગતા અવાજને મજબૂત કરતાં એ જ બોલ્યો : ‘કશું જ મનમાં ન લાવો, શારદાભાભી! ભગવાન તો આપણો જાણે છે ને!’ આમ કહી જેવો એ મોં ફેરવે છે ત્યાં જ સામેના વળાંકેથી ઉતાવળી ચાલે પાછાં આવતાં છોકરાં એની નજરે પડ્યાં.
અમંગળથી ઘવાયેલા ભાવસારને કંઈક માઠું થયાની શંકા સાથે ધ્રાસકો પડ્યો. આગળ વધતાં દૂરથી જ પૂછવા લાગ્યો: ‘શું થયું, બહેન? કેમ બેઉ પાછાં ફર્યા?’
પાછળ શારદાબહેનના પતિને પણ હાથમાં શૂટકેસ લઈને આવતો જોયો.
વળી ભાવસાર રગેરગમાં ભાંગી પડ્યો! થંભી જતાં થયું: ‘નક્કી કોઈએ એને દુર્ઘટનાનો કાગળ લખ્યો હશે ને ગુસ્સાના માર્યા એણે છોકરાને કંઈ કહ્યું હશે એટલે’-
લારીઓ પણ પાછી આવતી હતી!
ઉતાવળી ચાલે આ તરફ ધસી રહેલા શારદાના પતિને જોઈને રગેરગથી ભાંગી રહેલા ભાવસારે શારદા સામે નજર નાખી: કેમ જાણે એની સહાય માગવા ન હોય!
પણ શારદાની આંખો અને સૂરત એવાં વિચિત્ર હતાં કે પોતાની વાત એ સાંભળી શકશે કે કેમ એ એક સવાલ હતો.
પાસે આવવા થયેલાં છોકરાં પણ બોલતાં હતાં: ‘અમને તો દેવુકાકાએ પાછાં વાળ્યાં. લારીઓય આવે છે પાછળ-‘
ભાવસારને તો હજીય હતું: ‘દેવુભાઈ નક્કી કાં તો પોળની વચ્ચે લૂગડાં લેવાનો!’
પણ એટલું એણે જોયું કે દેવુભાઈની ઉતાવળી ચાલ હોવા છતાંય સિકલ એની કાળઝાળ નો’તી. અલબત્ત દુઃખભરી લાગતી હતી. ને પાસે આવતાં જ, નીચે ઊતરી આવેલા શારદાના હાથમાં શૂટકેસ આપતાકને દેવુભાઈ ભાવસારને એવા ઉમળકાથી ભેટી પડ્યો કે-
ઊંચા જીવે તાકી રહેલાં પોળવાસીઓને પણ આમ જ હતું: ‘ક્રોધભર્યો દેવુભાઈ ભાવસારને વળગ્યો છે. ને….’
પણ દેવુભાઈ છૂટા પડતાં ભાવસારને ઊલટાનો પોતાને ઘેર દોરવા લાગ્યો. કહેતો હતો: ‘તમે બી યાર ભલા માણસ છો ને! શારદાને ઊંઘમાં કોઈ કોઈ વાર બૂમ પાડવાની ટેવ છે એ હું ક્યાં નથી જાણતો? કૂતરાં ભસે તો ભસવા દેવાં હતાં ને? સારું થયું કે શારદાનો પત્ર મને ટૂરમાં મળી ગયો ને લાગલો હું નીકળી આવ્યો નહિ તો…?’
તેમાંય ભાવસારે જ્યારે રાજીના રેડ થઈ રહેલાં બે છોકરાંને આવી પહોંચેલી લારીમાંથી ઉમળકાભેર સામાન કાઢતાં જોયાં ત્યારે તો-
અને જાણે ભગવાને ખરે વખતે મૂંગી ચીસ સાંભળી હોય ને વહારે દોડી આવ્યા હોય એ જાતની કૃતજ્ઞતાથી ભાવસારની આંખો એવી તો ઊભરાઈ આવી!
(‘વીણેલી નવલિકાઓ’ પુસ્તકમાંથી)
[download id=”343″] [download id=”389″]