ક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મેં કુટીર.
કઇ રે ઋતુના આભે વાયરા, કઇ મેં ઝાલી છે દિશ;
………………………………….નહીં રે અંતર મારું જાણતું;
કેવાં રે વટાવ્યાં મેં આકરાં, ઊંચા ઊંચા પહાડ;
કેમ રે વટાવી ઊભી માર્ગમાં, અંધારાની એ આડ:
…………………………………નહીં રે અંતર મારું જાણતું;
વગડે ઊભી છે નાની ઝુંપડી, થર થર થાયે છે દીપ,
તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં પ્રીત.
……………………………….મારા રે હૈયાને તેનું પારખું.
પડ્યા રે મારા પગ જ્યાં બારણે, સુણિયો કંકણનો સૂર;
મૃદુ એ હાથો દ્વારે જ્યાં અડ્યા, પળમાં બંધન એ દૂર.
મારા રે હૈયાને તેનું પારખું.
ફરીને કુટિરદ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર,
પછી રે હૈયાં બેઉ ખોલિયાં, જેમાં દુનિયા હજાર,
………………………………મારા રે હૈયાને તેનું પારખું.
– પ્રહલાદ પારેખ
આપણા સહુના સૌભાગ્ય છે કે પ્રહલાદ પારેખની કવિતાઓ લોકજીવનની જુબાની બનીને આપણી પાસે સચવાયેલી છે. અતિશિષ્ટ અને અતિલૌકિક એમ બંને પ્રકારના શબ્દશરીરમાં એમણે કાવ્યભાવોને શણગાર્યા છે એ એમની અનેરી સિદ્ધિ છે. છંદોમાં એમણે કસબ સિદ્ધ કર્યો છે તો લોકલયમાં કલા. લોકોની જીભે રમતા લયમાં ઉન્માદી કાવ્યભાવ પ્રકટાવવાની ફાવટ એમની કલમની જ નહીં, આપણા કાવ્યસાહિત્યની પણ વિશેષ ઉપલબ્ધિ છે. ‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો, આજ સૌરભભરી રાત સારી..’ જેવી પંક્તિઓ વાંચીએ ત્યારે સમજાય કે ઉમાશંકર જોશીએ પ્રહલાદ પારેખની કવિતાઓને સાચી જ રીતે ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહી છે.
આ કવિતા પણ આમ સામાન્ય છે. સામાન્યતાને સ્પર્શતું રસસિદ્ધ સાહિત્ય અહીં ઝીલાયું છે. લોકોની જીભે ને હૈયે જીવતી રચનાઓમાં એક લક્ષણ મોટાભાગે જોવા મળે છે એ છે કથન. પ્રાસના માધ્યમથી કંઈક રોજિંદા જીવન સાથેની વાત કહેવાય ત્યારે સહજતાથી તે લોકોમાં ઝીલાઈ જાય છે. અહીં પણ વાત, પરંપરાગત ચાલી આવતી, વિરહી પળોની જ છે છતાં એના મિજાજમાં કંઈક જુદું જ તત્વ ઉમેરાયું છે.
વચ્ચેથી ઉપાડ લઈ પહેલા ફક્ત એક જ પંક્તિની વાત કરીએ.
મારા રે હૈયાને એનું પારખું…
સંસારમાં વસ્તુસામગ્રીના પારખા કરીને ઈન્દ્રિય જ્ઞાન મેળવે, મગજ માહિતી મેળવે, પણ ચેતના કે અનુભૂતિના પારખા સરળ નથી. એવી હિંમત કરે તોય માત્ર હૈયું… ત્યાં મગજનું કામ નહીં. જોકે મોટા ભાગે તો તેવા સંવેદનાત્મક પારખા હૈયુંય કરે નહીં, પણ આપોઆપ જ થઈ જાય. આપણે પોતે કોઈ મનુષ્ય સાથે થોડાંક વર્ષો રહીએ એટલે સાયાસ પારખા વગરેય આપણા હૈયાને ખબર પડી જાય છે કે મુજ બાળને પેલાં કાકી તો ઉપરછલો દેખાવપૂરતો જ લાડ કરતાં અને મમ્મી સાચકલો ! એ હૈયાએ અનુભૂતિઓની લીધેલી પરખ છે.
અહીં દેશાવરે ગયેલા પતિ(આપણા નાયક)ને એ જ્યાં સદેહે છે-હતો એની ખાસ માહિતી નથી પણ જ્યાં એની પ્રીત-ગામડે રાહ જોતી-એને ઝંખતી-ઊભી હશે એ સ્થળનું સંપૂર્ણ પારખું છે, કારણ કે ત્યાં એનું ચેતનાતંત્ર એના અંશેઅંશથી જોડાયેલું છે.
હવે ફરી આ કવિતાના એકડા પર આવીએ.
નાયક ઉવાચઃ ક્યારે દીવો બૂઝાયો, ક્યારે રહેવાસ છોડ્યો, ઠંડીગરમી કે ચોમાસામાંથી કઈ મૌસમની આબોહવા વ્યાપી છે કે મારાં ડગલાં કઈ દિશામાં મંડાઈ રહ્યાં છે વગેરેવગેરે બાબતોથી મારું અંતર અજાણ છે. (નાયક એનું અંતર અ-જાણ હોવાની વાત કરે છે, એ અંતર એટલે અનુભૂતિતંત્ર સાચવતું હૈયું નહીં, પણ માહિતીતંત્ર સાચવતું મન છે. એ અંતર પરિસ્થિતિઓ કેવી રીતે સર્જાઈ એનાથી અજાણ છે, જેમ કે ક્યારે ઘર મૂક્યું ને ક્યારે દીવો ઓલવાયો કે ઓલવ્યો?! પછી, આ કઈ ઋુતુ ચાલી રહી છે એમ પૂછવાને બદલે, આભે કઈ ઋતુના વાયરા વાય છે એવો કાવ્યાત્મક પ્રશ્ન કરી નાયક જાહેર કરે છે કે આ ભૌતિક વિગતો વિશે તેને કશી જાણ નથી.)
એ જ રીતે અહીં સુધી પહોંચવામાં કપરી વનવાટ વટાવી, ઊંચા પહાડો ઠેંક્યા ને અંધારાની દીવાલ પણ ભેદી એ ખરું, પણ એ આપણને માહિતી આપવા પૂરતું જ, અગાઉ ઉલ્લેખ્યું એ નાયકનું અનુભૂતિતંત્ર તો એનાથી નિ-સ્પર્શ્ય છે. કશુંક પાર કરીને કશેક પહોંચ્યાની જાણ એને છે, પણ જે પાર કર્યું એ શું હતું ને જ્યાં પહોંચાયું છે એ શું છે, એની કશી નોંધ નાયક પાસે નથી, નાયકની દ્રષ્ટિ સામે તો છે, વગડે ઊભેલી એક માત્ર ઝૂંપડી.
જ્યાં એકલવાસથી કંટાળેલો દીવો થરથર થાય છે, ત્યાં નાયકના જીવનતંત્રના એક માત્ર ચાલકબળ-પ્રીત-નો વસવાટ છે… અને અત્યાર સુધીની જગત માત્રની તમામ બાબતે અજાણ હોવાનું કહી વાત ટાળવા મથતો નાયક, કવિતામાં પહેલીવાર ચોખ્ખો દાવો કરે છે કે હા, હા મિત્રો હા, મારા હૈયાને આ એક બાબતનું પાક્કું પારખું છે. હું એને બરાબર પિછાણું છું, જાણું છું, માણું છું…
એ ઘરના બારણે પગ પડતાંકને કંકણનો સૂર ટહૂકી ઊઠે છે. દરવાજે જેવો કોઈ મૃદુ સ્પર્શ અડે છે કે તરત (આ ક્ષણે દરવાજારૂપી ને એ પહેલાંનાં વિરહરૂપી) તમામ બંધનો તૂટી જાય છે. બંધનમુક્તિ પછી તરત આરંભાય છે બંધનરહિત મિલનોત્સવ. ઘરપ્રવેશ સાથે બહારની દુનિયાને બહાર હડસેલી બારણાનાં બે પડ ભીડવામાં આવે છે અને ખોલવામાં છે હૃદયનાં પડ, જેમાં બહારની એક દુનિયાની અવેજીમાં બીજી હજાર દુનિયા સજીવન થાય છે.
અને હા, એ દુનિયાઓનું પણ પાક્કું-પૂરેપૂરું પારખું (આ વખત ફક્ત નાયકના જ હૈયાને નહીં, પેલા મૃદુ હાથ ધરાવનારી વ્યક્તિના હૈયાનેય ખરું) હોવાનું ! અહીં કવિતા સાથે સંવેદનાને પણ ઉન્માદી ઊંચાઈ લઈ જતી છેલ્લી પંક્તિ તો જાણે કોઈ ઉત્સવ સમાન બની જતી લાગે છે !
1912માં ભાવનગરમાં જન્મેલા આ કવિને શબ્દ પાસેથી કવિતાકામ લેવામાં રસ છે, એને મરોડવા માટે મથવાનો એમનો મિજાજ નહીં. ભાવનગરની શ્રી દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ ભટ્ટ જેવા પ્રખર પંડિતના સાહિત્યસંસર્ગથી શરૂ થઈ એમનું ઘડતર, ગૂજરાત વિદ્યાપીઠ-સ્વાતંત્ર્ય ચળવળથી પસાર થતુંથતું શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથની છત્રછાયા સુધી લંબાયું. 50 વર્ષના ન લાંબા-ન ટૂંકા આયુષ્યમાં તેમણે ગુજરાતી કવિતાને નોખી સમૃદ્ધિ આપી છે એ તો કબૂલવું જ પડે. ‘બારી બહાર’ એ એમનો જ નહીં, ગુજરાતી કવિતાના અભ્યાસમાં પણ નોંધનીય કાવ્યસંગ્રહ નીવડ્યો છે. શીર્ષકનું સ્પષ્ટ મહત્વ એમની કેટલીય કવિતાઓમાં તરી આવે છે. એવી જ ટચૂકડો કાવ્યચમત્કાર કરતી એમની ‘અંધ’ શીર્ષક ધરાવતી કવિતા જોઈએ.
નૈન તણાં મૂજ જ્યોત બૂઝાણાં, જોઉં ન તારી કાય
ધીમાધીમા સૂર થતા જે, પડતા તારા પાય
સૂણીને સૂર એ તારા
માંડું છું પાય હું મારા
ઝૂલતો તારે કંઠે તાજા ફૂલડાં કેરો હાર
સૌરભ કેરો આવતો એનો ઉર સુધી મુજ તાર
ઝાલીને તાર એ તારો
માંડું છું પાય હું મારો
વાયુ કેરી લહરીમાં તુજ વસ્ત્ર તણો ફફડાટ
શોધતો એ ફફડાટ સુણી મારા જીવન કેરી વાટ
ધ્રુજંતા પગલાં માંડું
ધીમેધીમે વાટ હું કાપું
સૂર સૂણો, ને આવે —- ફૂલસુવાસ
વસ્ત્ર તણો ફફડાટ સૂણું હું એટલો રહેજે પાસ
ભાળું ન કાયા તારી
નૈનોની જ્યોત બૂઝાણી…
સ્નેહ છે, સંબંધ છે, સહજીવન પણ છે છતાં બે જન વચ્ચે એક મહાન દૂરતા આવી ગઈ છે. એ દૂરતાના કરુણ દારિદ્રયને અલૌકિક સ્નેહના તંતૂ દ્વારા ભૂલાવવા મથતાં સંવેદનોનું આ કાવ્ય. મારા પ્રિયે, જગતને દ્રશ્યમાન રાખતી મારા નયનોની જ્યોત બૂઝાઈ ગઈ છે, એટલે ભૌતિક-ભૌગોલિક જગતની જેમ જ તારી કાયા પણ હવે હું ભાળી (જોવાની તો વાત જ ન રહી.) શકતો નથી, એનો આકાર દેખવામાં હવે હું સમર્થ છું, આથી જ, તારા પગલાઓની હલચલમાંથી જે ધીમા સૂર પ્રકટે છે, એ પાય-સૂરને સાંભળી-અનુસરીને હું મારા પાય માંડું છું. એટલે કે જીવનના એક માત્ર આધારસમી વ્યક્તિના પગ જ્યાં જ્યાં ફંટાય એ ડગલાના અવાજને પારખી રાખીને એને જ દ્રષ્ટિવિહોણો હું અનુસર્યા કરું છું. એ સૂરના અનુબંધ જેવો જ પ્રિય વ્યક્તિના ગળામાં લટકતા ફૂલના હારની સુવાસનો તાર મારા હૃદય સાથે જોડાયેલો છે. પ્રિય વ્યક્તિનો આભાસ જાણે સૌરભનો તાર થઈ રણઝણાવ્યા કરે છે અને એ તાર ઝાલીને હું પણ સંચાલિત થયા કરું છું. પવન ફૂંકાય છે ત્યારે પ્રિય વ્યક્તિના વસ્ત્રો ફડફડ થાય છે એ વસ્ત્રોના અવાજ પરથી જ હું મારા જીવનનો માર્ગ શોધવાના પ્રયાસ કરતો રહું છું. એટલે કે, એક જીવનદોર સમી પ્રિય વ્યક્તિને ન દેખવા-ન સ્પર્શવા છતાં એના અસ્તિત્વ સાથે મારા અસ્તિત્વની શક્યતાઓ જોડી આમ જીવતા રહી જવાની વિવિશતા હું ઉજવી રહ્યો છું, ત્યારે બસ એક, ફક્ત એક માત્ર નાની વિનંતી એ પ્રિય વ્યક્તિને પણ કરવાની છે. હે પ્રિયે, તારાં પગલાંના સૂર, તારા હોવાની સુવાસ અને તારા વસ્ત્રોના ફફડાટ, આ ત્રણ બાબતોની કાખઘોડી લઈ મારું દ્રષ્ટિહિન પંગુ અસ્તિત્વ ટકી રહ્યું છે ત્યારે પ્રિય તું, એ ત્રણેય બાબતોના આભાસવર્તૂળ સુધી હું પહોંચી શકું(ભલે એને સ્પર્શી ન શકું) એટલી નજીક રહેજે, એટલી પાસે રહેજે. હું તને જેમ જોઈ નથી શકતો, એમ તને સ્પર્શવાની, તારા પર સંપૂર્ણ લદાઈ જવાની પણ મને લાલચ નથી, મારી માત્ર એટલી યાચના છે કે તું ભલે મને તારા હોવામાં ન ભેળવ, તારા જીવનમાં ન શણગાર, પણ મારી અપંગતા(દ્રષ્ટિની-મનની-તનની)નું માન જાળવીને પણ તું મને તારી સંભાવનાઓથી દૂર ન કરતી, એક નિશ્ચિત અંતરથી મળતા તારા ભાસ-સહવાસના આધારે પણ મારી અ-દ્રષ્ટ જિંદગી બસર થઈ જશે… આમેય હવે તો, ભાળું ન કાયા તારી, નૈનોની જ્યોત બૂઝાણી !