‘પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા…’- વીસેક વરસની વયે આ ચિત્રે સંવિદનો કબજો લીધો.
ત્યાં સુધીની મથામણોનો ખ્યાલ કરું છું ત્યારે થાય છે કે ઓછા વિદ્યાપોષણ ઉપર હું ઊછર્યો હતો. સાહિત્યનાં પુસ્તકો મારે રસ્તે આવ્યાં નહીં. ઈડરની અંગ્રેજી શાળામાં આગળ ભણવા ગયો. ત્યાં હેડમાસ્તરના ટેબલ પર પડેલું એન. એમ. ત્રિપાઠી કં.નું પુસ્તકોનું સૂચિપત્ર, એમાં કવિતાનાં અને અન્ય પુસ્તકોનાં તથા તેના કર્તાઓનાં રોમાંચિત કરે એવાં નામો હતાં. મારા મનને ભરી દેતાં. અભ્યાસવિષયોના શિક્ષકો ઘણા સારા મળ્યા, અભ્યાસમાં આગળ વધવું શક્ય બન્યું. પણ કવિતાશિક્ષક, ખાસ સાહિત્યરુચિ પોતે ધરાવતા હોય અને બીજામાં જગાડે-ખીલવે એવા શિક્ષક કે મુરબ્બી કે મિત્ર આખા શાળાજીવન દરમિયાન ન મળ્યા.
પણ મુખ્ય કામ કદાચ થતું આવતું હતું. ચિત્તને શબ્દો ગટકગટક પીવાની ટેવ. આંખ મૂળથી જ કાચી. તેમાં વળી કશીક ધૂનમાં ખોવાઈ ગયો હોઉં. આંખ બિચારી ઘણું જોવાનું ચૂકી જાય. ગમે તેવી ધૂનમાં પણ કાન સરવા. સંભવ છે ધૂન પણ કાનને કંઈક પહોંચ્યું તેના કારણે હોય. શબ્દે-શબ્દે આસપાસનો લોક ઊઘડતો આવે. ડુંગરો વહેળા નદી તળાવ ખેતર કૂવા પશુપંખી જીવજંતુ ઝાડીજંગલ ચંદ્ર સૂર્ય તારા વાદળ વીજળી ગડગડાટ વંટોળિયા કોરણ હિમ લૂ ધૂળ કાદવ શેરીઓ ઘરો ઝૂંપડાં મંદિરો ખળાં સ્મશાન વગડો ઉત્સવો મેળા પંચ ઝઘડા મારામારી બધાની વચ્ચે ઢોરઢાંખરથી અભિન્ન ભાવે જીવતાં સ્ત્રીપુરુષો બાળકો- એ આખો આશ્ચર્યલોક કાન દ્વારા-ભલે આંખ દ્વારા ઘણો બધો મળ્યો હોય તોપણ પૂરો સંદર્ભ રચીને તો કાન દ્વારા અંદર ગોઠવાતો – દિવસે-દિવસે જાણે કે ફેર-ગોઠવતો આવતો હતો.
માતાને ગીતો કથાઓનો રસ. સોમનાથ લંગડાનું વર્ણ કરતાં ‘વડવાઈઓ જેવા એના હાથ’ એમ એ કહી બેસે. પિતાજી(નિરક્ષર ખેડૂત પિતાના પુત્ર)ના અક્ષરોનો મરોડ (પ્રો. ઠાકોરમાં જ ફરી એવો જોયો છે), કલમ-હથોટી (પેનમૅનશિપ) અને ખાસ તો કથનની તાદૃશતા પ્રભાવિત કરે એવાં. મારા ગામના (કદાચ બધાં ગામો વિશે આવું હશે) વડેરાઓ- ભલે ને અભણ, મહાજન-વાણિયા, ઠાકોર-સૌ જેમ-તેમ બોલી નાખે જ નહીં, શબ્દનો સતત રસ લેતા રહે છે એવું મને લાગતું. એક દિવાળી ઉપર ગામ ગયો ત્યારે ઠાકોરસાહેબે એ વર્ષે ખૂબ ભારે વરસાદ થયેલો તેની વાત કરીઃ ભાઈ, શું કહું? ડુંગરા વહેલાઈ (વિશ્લથ-સાંધેસાંધે ઢીલા થઈ) ગયા, ધરતી તરવા લાગી! અમસ્તી બે પડોશણોની ગામગજવતી વઢવાડ(જેનાથી ક્યારેક તો જાગવાનું થાય)માં પણ હું તો એમની શબ્દોની સરસાઈમાં ગાયબ થઈ ગયો હોઉં. પંચમાં બેઠેલા ઘરડેરાને કે કોઈ માંદાની ખબર પૂછવા આવેલી વૃદ્ધાને સામાના હૃદયને શારી નાખવા માટે એક ટૂંકું વાક્ય તો ઘણું.
ગામ છોડવાનું આવ્યું ત્યારે ‘આવજે!’ ‘આવજે!’ – એ આપણી ભાષાના પ્યારામાં પ્યારા શબ્દની તરવરતી ફરફરતી પ્રેમપતાકાની જ પ્રધાનતા ચેતનામાં રહી. વળી આશ્ચર્યલોકની ક્ષિતિજો હળુહળુ આગળ હડસેલાતી જતી હતી. તેમાં મુખ્યતા આ પ્રેમભાવની જ વસી, પણ સાથેસાથે જે ક્લેશો – અકારણ ક્લેશો, વિદ્વેષો, વેરઝેર, ખાર, લોહીશેકણાં, જડ યાતનાઓ એ બધાને પાસ પણ એને લાગેલો હતો. આ બધું ઝીલાયું હતું શબ્દોમાં, બલકે મુખ્યત્વે શબ્દના નાદ અંશમાં- કાકુઓમાં, લહેકાઓમાં, ગીતોની ગતમાં, ટૂંકામાં કહેવું હોય તો લયમાં. ‘આવજે’ શબ્દ પાછળ ધબકતું વહાલ તો સ્પર્શી જાય જ પણ ચિત્તમાં રમી રહે તે તો રસ્તે દૂર નીકળી ગયા પછી પણ પાછળથી કાનને-હૃદયને પહોંચવા કરતો ‘એએએ આવજેએએએ…!’નો આછો થતો જતો થરથરાટ.
ઈડર આવ્યા પછી આ શબ્દલયના ઉત્કૃષ્ટ નમૂનાઓ કવચિત્ – પણ કવચિત્ જ પાઠ્યપુસ્તકોમાં અને કોઈ હાથ લાગ્યું તે પુસ્તકમાં મળવા લાગ્યા. ‘ફડફડ ફફડાવે ધૂળમાં ચલ્લી પાંખ,’ ‘તિથિપૂનમે શોભતા સાંજ ટણે.’ ‘પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું,’ ‘દૂરથી ધૂમસે પ્હાડ સરખો, નદી વચ્ચે ઊભો….દીસ્યો હાર્યો જોદ્ધો હરિતણું હૃદે ધ્યાન ધરતો,’ ‘શાંતિ! શાંતિ! ઝરમર ઝરી ગૈ ગળી વાદળી આ,’ ‘પિતા, કાલના સર્વ સંતાપ શામે,’ – પણ ઘણા ઓછા નમૂના માર્ગમાં આવ્યા. મોટાભાઈએ સદભાગ્યે લૅમ્બ ભાઈબહેનની શેક્સપિયરની નાટ્યકથાઓ મોકલેલી તેમાંથી એ વખતે રાજાનો કેર વરતાતો એટલે ‘(રાજાનું નામ) has murdered sleep’ એમ એમને કાગળમાં લખી મોકલ્યું. મનમાં-મનમાં શબ્દલયને કાગળ પર અવતારવાની ગડમથલ લગાતાર ચાલવા લાગી..
એક પ્રસંગ યાદ છે. અત્યારે તો ઈડરના ધૂળેટા દરવાજા બહાર સ્ટેશન સુધી મકાનો થઈ ગયાં છે ને વસ્તી અને આવનજાવન પ્રવૃત્તિ હિલોળા લેતી હોય છે. પણ ત્યાં એ વખતે કબ્રસ્તાનની પેલી તરફ આંબાવાડિયું હતું. ગઢની હિમાઈ ટોક પરથી નીચે જોતાં સહેજે હજારેક આંબા દેખાય. નાનકડી ડેભોલ નદી આંબાવાડિયાને વીંધી રાજાના વિશાળ બગીચામાં દાખલ થઈ આગળ વધતી. ચોમાસાની સાંજ હતી. આસપાસ ઝળૂંબતા ઘેઘૂર આંબા કે શ્વેત રેતીપટમાં સરકતી ડેભોલ કે ઘાસ વચ્ચે જગ્યા કરતો – જેની ઉપર હું ઊભો હતો તે – વ્યક્તિત્વથી ઝગમગતો ધૂળિયો રસ્તો, – કશામાં ધ્યાન ન ગયું. દૃષ્ટિ ઊંચે આકાશમાં જઈ ચઢી. રંગો, રંગો, વાદળ-રંગો! જાણે પહેલી વાર રંગો જોતો હોઉં એમ હું ઊભો રહી ગયો. મારું વતનનું ઘર ડુંગરની તળેટીએ છે, ત્યાંથી સૂરજ ઊગતી વખતના સામેના દૂર-દૂરના ડુંગર ઉપરના રંગો નહીં જોયેલા એવું ન હતું. પણ આ સાંજની વાત જુદી હતી. જાણે કશાક રંગમયની ઉપસ્થિતિ અનુભવી. એને માટે ‘રંગ’ શબ્દ વાપરવાથી શું વળવાનું હતું? કોઈક એવી આભા હતી જે જાણે શબ્દથી અણબોટાયેલી રહેવા નિર્માઈ ન હોય!
ભીતર વદ્વિંગત થતો વિસ્મયાનંદ, બહાર શબ્દોની અને એ વખતે હાથવગા થતા આવતા સરળ છંદોની મદદથી મન જેટલો ઘાટ ઘડે તે બધા પેલા વિસ્મયથી- આનંદની હજારો ગાઉ દૂર, ફીકા, અણઘડ, શામળાજી પાસેના મેશ્વોતટ ઉપરની જાંબુની કુંજોનાં પાણીમાં પડતાં પ્રતિબિંબને શબ્દસ્થ કરવાની ઊંડી અમૂંઝણ – અકળામણ અત્યારે પણ એ વખતના જેટલી જ સ્મરણમાં તાજી છે.
શબ્દલય ઉપરાંત ગીત ચિત્ર અજમાવવાની પણ વૃત્તિ ડોકિયું કરી ગઈ. છાત્રાલયના ગૃહપતિના ટેબલ પાસેના પટારા પર અમે ત્રણ વિદ્યાર્થી બેઠા હતા. ગૃહપતિના કહેવાથી પહેલાએ ગાયું. પછી એણે હવે મારે ગાવું એમ પ્રસ્તાવ મૂક્યો. હું એ જ ક્ષણે સંકોડાઈ પાછળની ભીંતને અઢેલતો બેઠો. ગૃહપતિએ નોંધ્યું : એ શું ગાશે? જોયું નહીં, પાછો હઠ્યો! સંગીત હું ચૂકી ગયો. એક પંચાલ વિદ્યાર્થી અજબ કાબેલિયતથી સરોવરજળના કમળમાં ઊભેલી લક્ષ્મીની મૂર્તિનું મોટું ચિત્ર કરતો. મેં એ અજમાવ્યું. નેપોલિયન બોનાપાર્ટની છબી, એના દર્પમય લલાટ પર આગવી છટાથી ફરકતી લટ સાથે, પેન્સિલથી મેં આલેખી. કંઈક આત્મવિશ્વાસ આવ્યો. પણ ચિત્રની-સંગીતની (એ વખતે એની તાલીમના વર્ગો તો નહોતા) મુશ્કેલી એ છે કે ચિત્રો કરતાં તમને બધા ટોળે વળીને જુએ, ગાતાં તમને બીજાઓ સાંભળી જાય. શબ્દલયની રમત એવી કે મનમાં-મનમાં જ ચાલ્યા કરે. (જેમ કિશનસિંહે ત્યાં સાંજે દીવા નીચે હું પ્રૂફ સુધારતો હતો ને એમના નોકરે કૌતુકપ્રશ્નમાં સૂચવેલું : ‘આ બધું તમે મગજમાંથી જૉઈન્ટ કરો છો?’) ઘડીએ ભાંગી ઘડીએ એ બધી ઘડ-ભાંજ ભાંજ-ઘડ અંદર આવ જા ચાલે. એ અને આપણે. શું હું શરમાળ હતો, ગોપનશીલ સ્વભાવનો (સિક્રીટિવ) હતો? કોઈને લખેલું બતાવતો નહીં. એક વાર એક મિત્રને હોંસે હોંસે દેખાડવા ગયો. જો, તારું નામ લીટીઓના પહેલાપહેલા અક્ષરોમાં છે. એકબે પંક્તિઓ સાંભળીને કોણ જાણે કેમ એણે જોસથી મારી નાનકડી નોટબૂક આંચકી લેવા પ્રયત્ન કર્યો. હું નાઠો. એ હતો પણ કદાવર. પછીથી એ મિત્રે એકરાર કરેલો કે હું જમવા ગયો ત્યારે એ પાછળ રહ્યો હતો અને મારી પેટીમાંથી નોટબુક કાઢી કવિતા પોતે વાંચી લીધી હતી અને વાંચીને એને એવો તો ગુસ્સો ચઢ્યો કે રાતે ખુલ્લા ચપ્પુ સાથે એ મને મારી નાખવા આવેલો પણ પછી એણે વિચાર ફેરવ્યો- મને જતો કર્યો! છંદોવ્યાયામનો અંજામ આવો આવવા છતાં એ ચાલુ જ રહ્યો. પાઠ્યપુસ્તકમાંની રાજા આલ્ફ્રેડ છૂપા વેશે ભરવાડને ત્યાં નોકર તરીકે રહે છે ને યુદ્ધ-વિચારે ચઢી જતાં દૂધ ઊભરાય છે તેનો એને ખ્યાલ રહેતો નથી. અને ઠપકો પામે છે એ કથા વનરાજ અંગે કવિતામાં લખી ‘નવચેતન’ને મોકલી, પણ છપાઈ નહીં.
છાત્રાલયમાં આવ્યો ત્યારે ગુજરાતી નિશાળમાં ભણવા જનાર એક માત્ર વિદ્યાર્થી પન્નાલાલ પટેલ તે મારા રાહબર હતા. અંગ્રેજી નિશાળમાં ચાર વરસ સાથે ભણ્યા અને પછી એ ઈડર છોડી ગયા. એક વાર્તાની ચોપડી (જેનો નાયક ‘શૂરસિંહ’ હતો) બારીમાં ગૂંચળું વળીને ગોઠવાઈ તેઓ રસપૂર્વક વાંચતા તે મને પણ એમણે વાંચવા આપેલી. કદાચ બીજી પણ બેત્રણ એવી નવલકથાઓ મેં વાંચી હોય. મેં પણ એક નવલકથા લખવી શરૂ કરી. રોજ રાતે, બધા સૂઈ જાય તે પછી (કોઈ જૂએ તે તો મને પાલવે નહીં) એક પ્રકરણ લખું, છ રાત સુધી નિયમિત એ રીતે લખ્યું. પછી તકલીફ ઊભી થઈ. રાજકુમારી વિજન ડુંગરના ભોંયરામાં કેદ હતી. એને કેમ છોડાવવી? વાર્તાનાયક નારસિંહ એક મોટા મકાનના પહેલે માળે આવેલા વિશાળ ખંડમાં બંને હાથથી તબિયત વાળી લાંબા ડગલા ભરતો એને છોડાવવાના ઈલાજ વિચારતો આંટા મારી રહ્યો હતો. બહાર ચાંદનીમાં વૃક્ષોના ઓળા ભૂતાવળા જેવા ભાસતા હતા. શરમની વાત છે કે નારસિંહને કોઈ ઈલાજ ન સૂઝ્યો તે ન જ સૂઝ્યો. એ હજી આંટા મારતો હશે અને રાજકુમારી હજી ડુંગરના ભોંયરામાં હિજરાતી હશે!
મૅટ્રિકના વરસમાં અમદાવાદ ભણવા આવ્યો. તબિયત સાચવવી અને બરોબર ભણવું એ બે એવડાં મોટાં કામ હતાં કે માંડ એકાદ રચના અજમાવી હોય. ન્યૂ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓએ એ વરસે મૅટ્રિકના અભ્યાસ માટે પ્રો. લાગુએ કરેલા અત્યંત સુંદર અંગ્રેજી પદ્ય સંચયની કવિતાઓનો ગુજરાતી કાવ્ય-અનુવાદ બહાર પાડ્યો હતો. ‘લીડ કાઈન્ડલી લાઈટ’ના, નરસિંહરાવ તેમ જ ‘કાન્ત’ના, બંને અનુવાદ અમારા આચાર્ય બલવંતરાય પરમોદરાય ઠાકોરે વર્ગમાં ચર્ચ્યા. ભણવાનું તો પતાવેલું, એટલે નાતાલની રજાઓમાં શાળાના પુસ્તકાલયમાંથી સંસ્કૃત ‘ઉત્તરરામચરિત’ લઈ આવ્યો અને મણિલાલ નભુભાઈના સુંદર અનુવાદ સાથે આસ્વાદ લીધો.
કોલેજમાં જતાંની સાથે સાહિત્યનાં પુસ્તકો ઉપર ભૂખ્યાની જેમ તૂટી પડ્યો. દિવાળીની રજાઓમાં અમે ત્રણ મિત્રો આબુ ગયા. આબુરોડથી ચાલતા ચઢ્યા. આબુ એ આનંદરાશિ ન હોય! ખીણમાં ગાજતો નિર્ઝર એ આનંદદ્રવ ન હોય! છેલ્લાં ત્રણેક વરસમાં ક્ષણક્ષણની કણકણની પૂંજી ભીતર સંચિત થયાં કરતી હતી, શબ્દલય-ભાષાલય, બાળકને થતું હશે તેવી જ કોઈ રીતે, ફૂટુંફૂટું થવા કરતો હતો, ‘નખી સરોવર પર શરતપૂર્ણિમા’ સૉનેટનો ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે’ એ કાવ્યદીક્ષામંત્ર પામીને તે જંપ્યો. જાહેર સમક્ષ ઊભા રહેવા ન રહેવાનો હવે સવાલ ન હતો. ગુજરાત કૉલેજ મૅગેઝિનમાં કૃતિ છપાઈ. (‘સૌંદર્યો પી’ની જગ્યાએ ‘સૌંદર્યોથી’ એવી છાપભૂલ સાથે)
બીજા વરસમાં ત્રણચાર સંસ્કૃત રચનાઓ થઈ, આજે પણ જાળવું એવી. ખાસ તો કીટ્સના ‘લા બેદ દામ સાઁ મેર્સી’ની બે કડીના અક્ષરશઃ કરેલા અનુવાદ (लम्बासकां लघुगतिं ललितां स्थलीषु व.)ના બે શ્લોક. બીજા શ્લોકમાં એ વખતે बद्धभावा સમાસ પણ કેવી રીતે સૂઝ્યો એનું કૌતુક રહ્યું છે. ‘શાકુંતલ’-(અંક 3)માં એ સમાસ યોજાયો છે, પણ એ વખતે એ નાટક આખું વાંચેલું? (પછીથી 1934માં મુંબઈ કૉલેજમાં હતો ને અંગ્રેજીમાં રચનાઓ કરી. ‘ધિ એલ્ફિન્સ્ટોનિયન’માં છપાઈ. એવામાં કવિ શ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સાથે ગાઢ સંપર્ક થયો હતો. કહે કે અંગ્રેજી ‘એશિયા’ સામાયિકમાં છપાવું. મેં ના કહી, મને ગુજરાતીમાં જ લખવા દો.)
કૉલેજના બીજા વરસને અંત 1930માં સત્યાગ્રહની લડતમાં ઝંપલાવતા નવાવતાર જેવો અનુભવ થયો હતો. લડત દરમિયાન ક્યારેક-ક્યારેક લખાતું. કાચી જેલમાંથી મોકલેલી કૃત્તિઓ ‘કુમાર’, ‘કૌમુદી’માં પ્રગટ થઈ. સાબરમતી અને યરોડા જેલમાં વાચનયજ્ઞ ચાલ્યો. મરાઠી, ઉર્દૂ, બંગાળી શીખવાનું શરૂ કર્યું. લખવાનું થયું નહીં. લેખનસામગ્રીની મનાઈ હતી. પણ મારા લેખકજીવનની, સમગ્ર જીવનની પાયાની અનુભૂતિ સાબરમતી જેલમાં થઈ. કોઈ કારણે સાથીઓથી છૂટા પડી બીજી બૅરૅકમાં અને વળી ત્રીજીમાં જવાનું થયું. ચાર વાગ્યે અંદર પૂરી દે. સો જણ માટેની મોટી બૅરૅકને ઓતરાદે છેડે બારી પાસે ઊભો રહીને વાંચું. અને પછી રાત્રિ-આકાશમાં સપ્તર્ષિને જોઈ રહું. મનમાં હસું કે બહાર હતો ત્યારે તો કદી તારાઓ ઉપર આટલું વહાલ ઊભરાઈ આવતું ન હતું. ખગોળ ઉપરનું ‘જ્યોતિર્વિલાસ’ વાંચ્યું. તારકપ્રિય કાકાસાહેબને મળવાની હજી વાર હતી. સો વચ્ચે, સૌ વચ્ચે હું એકલા જેવો હતો. આટઆટલામાં નહીં, દૂર-દૂરનાં નક્ષત્રો સાથે સંપર્ક વિકસ્યો. ભાવાનાત્મક વાચન પણ ચાલતું. ભાવાવેશનો પાર ન હતો. રાષ્ટ્રપ્રેમના વિરાટ રંગ ઉપર તો અમે સૌ ઊંચકાયેલા હતા જ. તેવામાં રોજ સવારે વહેલા ઊઠી દીવાલથી જરીક દૂર- ઊંઘી ન જવાય તે માટે અઢેલ્યા સિવાય- ટટ્ટાર બેસવાની ટેવ કેળવવાનું સૂઝ્યું. એક પ્રાતઃકાળે માથા પર જાણે કોઈ અગોચર સ્પર્શ થયો અને એના વજનવેગ નીચે દબાઈને આખું અસ્તિત્વ જાણે પૃથ્વીની સપાટી સાથે સમરેખ થઈ ગયું, પૂર્ણ આત્મવિલોપનનો- પ્રકાશભર્યા આત્મવિલોપનનો ભાવ ઊભરાઈ રહ્યો. શૂન્યતાનો નહીં, સભરતાનો અનુભવ હતો. આ તરંગ હશે? ભ્રમ હશે? જાગ્રત સ્વપ્ન હશે? આ ક્ષણે પણ પૃથ્વીસપાટી સાથે સમરેખતાનો અને સાથેસાથ સભરતાનો ભાવ સુરેખ ચતેનામાં તાજો છે. આ અનુભવવા પ્રભાવ નીચે મને એક નાટક સૂઝ્યું. નક્ષત્રો-ધ્રૂવ, અરુધન્તી અને સ્વયં કાલ એમાં પાત્રો છે. પ્રથમ દૃશ્યમાં કાલ કહે છે કે સૌન્દર્યની તો સ્થાપના સફળતાપૂર્વક થઈઃ
તેજને પૂર્યું તારલિયે,
દીધ પરિમલને ફૂલવેશ.
હવે વિશ્વમાં પ્રેમતત્વની પ્રતિષ્ઠા થયેલી પોતે જુએ એટલે બસ.
બીજું દૃશ્ય ગ્રહમાલાનું છે. સૌ પૃથ્વીને ટપારે છે કે એને લીધે સૂર્યગ્રહમાલા વગોવાય છે. ત્રીજું દૃશ્ય છે ધરતી અને મહાપ્રજાઓનું. બીજા અંકમાં પહેલું દૃશ્ય મહાભારતને અંતે યુધિષ્ઠિરને થતા યુદ્ધવિષાદનું છે. બીજાના વિષ્કમ્ભકમાં ઈશુ શિષ્યોને વિદાયવચન કહે છેઃ વરુઓનાં ટોળાંમાં તમારે અજશિશુ તરીકે જવાનું છે. મૂળ દૃશ્ય પહેલા વિશ્વયુદ્ધને અંતે વરસાઈ કરાર પર સહીઓ થઈ રહી છે તે જ સમયે પૅરિસના એક કાફેમાં જુદાજુદા દેશોની કેટલીક વ્યક્તિઓના ઉગ્ર પ્રતિભાવો અને તીવ્ર આશંકાઓ અંગે છે. ત્રીજું દૃશ્ય યુદ્ધના વિકલ્પ તરીકે સમૂહસત્યાગ્રહના નિર્દેશનું- ધારાસણા સત્યાગ્રહનું છે. ત્રીજો અંક પૃથ્વીની મહાપ્રજાઓ વચ્ચે સંવાદનો ઉદય- સૂર્યગ્રહમાલામાં ઊજળે મુખે ફરતી પૃથ્વી- પ્રેમની પ્રતિષ્ઠા થઈ રહી છે એવા કાલને મુખે થતા ધન્યતા ઉદગાર- એ ક્રમે નાટકની પરિણતિ સાધે છે.
આ નાટકને મારે માટે એક આખો અભ્યાસક્રમ નિશ્ચિત કરી દીધો. જેલ બહાર આવ્યા પછી ગુજરાત કૉલેજમાં પાછો ન જતાં ગુજરાત વિદ્યાપીઠમાં હું ગયો. ત્યાં સમૃદ્ધ પુસ્તકાલય અને જંગમ વિદ્યાપીઠ જેવા કાકાસાહેબ. ત્યાં પહેલા અંકની રૂપરેખા આલેખી. ‘યુધિષ્ઠિરના યુદ્ધવિષાદ’ લખાયું. ત્યારથી ગંભીરતાથી મહાભારતના સ્વાધ્યાયમાં સ્થિર થયો. પ્રજાઓના ઈતિહાસ અને પહેલા વિશ્વયુદ્ધ અંગેનું સાહિત્ય ઉથલાવતો રહ્યો. 1932માં વિસાપુર જેલમાં ‘સાપના ભારા’ આદિ વાસ્તવદર્શી એકાંકીઓ લખ્યાં તે પછી વરસાઈના કરાર અને ધારાસણાસંગ્રામનાં દૃશ્યો પણ લખ્યાં. જેલની એ નોટબુક ક્યારેક-ક્યારેક હાથમાં લઉં છું, પણ કદી એ બે દૃશ્ય ફરી વાંચ્યાં નથી, નથી હજી પાકી નકલ સુધ્ધાં કરી.
1931માં વિદ્યાપીઠ રહ્યો તે સમયમાં નાટકની તૈયારી કરતાં કરતાં ‘વિશ્વશાંતિ’ સૂઝ્યું અને તે પાંચેક દિવસમાં લખાઈ ગયું. ‘વિશ્વશાંતિ’નું કેન્દ્રભૂત દ્રશ્ય છેઃ
પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી
ધપે ધરા નિત્યપ્રવાસપંથે.
પેલા નાટકનું કેન્દ્રભૂત દૃશ્ય પણ એ જ છે. પ્રકાશ તે પ્રેમનો સંવાદિતાનો શાંતિનો હોય એ બંને કૃતિઓમાં અપેક્ષિત છે. મારી સંવિદ ઓગણીસ-વીસ વરસની ઉંમરથી આ (સતત-ચલ એવી) ખીંટીએ પકડાઈ છે, વળીવળીને એ તે-તે ક્ષણે પૃથ્વી એની યાત્રામાં જે બિંદુએ હોય ત્યાં એને ચિંતવી રહે છે.
માણસ તો પૃથ્વી પર હમણાં આવ્યો. અબજો વરસ સુધી જે ‘પ્રકાશનો ધોધ’ એ ઝીલતી હતી તે પ્રેમનો પ્રકાશ હતો? ગમે તેમ, પણ માણસ આવ્યા પછી પૃથ્વી પર એ જે ડખો કરી બેઠો તેમાંથી ઊગારવા પ્રેમના પ્રકાશ સિવાય ભાગ્યે જ કોઈ વારણ હોય.
ઉપરની બે પંક્તિઓ પછી તરત નીચેની બે પંક્તિઓ આવે છેઃ
ઝૂમી રહી પાછળ અંધકારની
તૂટી પડી ભેખડ અર્ધ અંગે
પૃથ્વીને અન્વયે પ્રકાશવિરોધી અંધકારની ભેખડો, માનવને અન્વયે પ્રેમવિરોધી તત્વો- દ્વેષ વૈર ગૃધિષ્ણુતા અસહિષ્ણુતા – ની, એક શબ્દમાં દુરિતની.
પ્રકાશના ધોધ ઝીલતી, વેગથી ધપતી ધરાના ચિત્રે મારી સંવિદનો કબજો લીધો ને મારે માટે પાર વગરની મુશ્કેલીઓનો આરંભ થયો. અલબત્ત, આંતર ઘડતરનો એક માર્ગ ખૂલ્યો. નમ્રપણે ધીરપણે યથાશક્તિ એ અપનાવવો રહ્યો, જો એમાં ક્યારેકય સંવિદમાંથી કવિસંવિદ નીપજે.
1932માં પ્રથમ એકાંકી ઈશુ વિશે (‘શહીદનું સ્વપ્ન’) રચાયું. પણ થોડા દિવસોમાં જ મારા ગામની ભાષા એક પછી એક એકાંકીમાં બોલવા લાગી. એ વગર એનો છૂટકો ન હતો. પણ મુખ્ય વાત તો નાટ્યપ્રકાર પર હથોટી કેળવાય એ હતી. પેલું નાટક લખવાનું હોય (કવિમિત્ર રામપ્રસાદ શુક્લે એ સમયમાં નવરંગપુરા આગળ નદીના બેટમાં અમે વાતો કરતા હતા ને કહેલું કે હું હોઉં તો બાર વરસ આના ઉપર કામ કરું), તો પણ આપણી ભાષામાં નાટ્યપદ્ય નિપજાવવું જોઈએ. ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’માં એ દિશામાં કંઈક ગતિ કરી. દુરિતની ‘ભેખડો’નો જાતપરિચય- કંઈ નહિ તો મોઢાની ઓળખ- અનિવાર્ય. ‘સાપના ભાર’માં જ એવી ઓળખનાં એંધાણ છે. નિવેદનમાં થોડોક ખંચકાટ પણ પ્રગટ થયો છે: “આ નાટકોની સૃષ્ટિ જોઈને લખનારાને કોઈ દોષદેખો, અનિષ્ટચિતંક (cynic) ન ગણે એમ વિનંતી કરું છું. કોઈ વાર ફૂલો જોઉં છું ત્યારે સહજ મનમાં થાય છે, ‘ફૂલો પણ છે!’ તેવામાં જ ‘આત્માનાં ખંડેર’ સૉનેટમાલામાં અસ્તિત્વવાદી આંતરયાતનાના અને અસારતાવાદના, કાંઈક આગોતરા, ઓછાયા છે અને સાથે જ યથાર્થ સ્વીકારની ઘોષણા છે. એ જ વલણ ‘સમયરંગ’ અને ‘નિરીક્ષક’ના અગ્રલેખો લખાવે છે અને રાજ્યસભામાં વખત આવ્યે પ્રવચનો કરાવે છે, નવી પર્યાપ્ત લયઈબારતની ખોજપૂર્વક ‘છિન્નભિન્ન છું’, ‘સ્વપ્નોને સળગવું હોય તો’, ‘મૃત્યુરક્ષણ’ રચનાઓ કરવા પ્રેરે છે. પૃથ્વીની યાત્રાની શક્યતાઓ અંગેની એક ક્ષણ ઝાંખી ‘ધારાવસ્ત્ર’માં છે તો બીજીની ‘માઈલોના માઈલો’માં. તો એ યાત્રા પ્રકાશાભિમુખ હોવાનો – ભલે પછી અનંતકાળમાં ક્યારેક પૃથ્વી પોતે પણ નહીં હોય- આ ક્ષણે અનુભવાતો સમુલ્લાસ ‘પંખીલોક’ની એક પ્રકારની સિમ્ફની(રાગિણી)રૂપે પ્રગટવા કરે છે.
પંદકસત્તર રચનાઓ ‘વિશ્વશાંતિ’ પછી વાર્તા એકાંકી આદિની થઈ હતી ત્યારે એની એક નાના કાગળ ઉપર યાદી કરેલી તે હજી પડી છે. ઉપર બ્રાઉનિંગની પંક્તિ લખી હતી: ‘The petty done, the undone vast’ (‘બન્યું લગરીક, અણબન્યું અપાર). પહેલા ‘લેખકમિલન’ આગળ હું બોલી ગયો હતો : બે ભમ્મરો વચ્ચે કંઈ-કંઈ પાત્રો ઊછળે છે. ‘ઉગમણે બારણે’ નવલકથાની 1938ની રૂપરેખા સચવાઈ છે. વરસ પછી આપણા વિદ્વાન રસિકલાલભાઈ પરીખને લોકલમાં ચર્ચગેટ સ્ટેશનથી અંધેરી આનંદશંકરભાઈને મળવા જતાં અને પાછા ગ્રાન્ટરોડ આવતાં સુધી એ કથા કહેલી. તેઓ કહે, એમાંનો ભાગવત સોશયલિસ્ટ તે પોતે જ છે. અમદાવાદ વિદ્યાસભામાં હું જોડાયો તે પછી મને વઢે, લેખ શું લખ્યા કરે છે, પેલી કથા લખને, એક કોરી નોટબુક આપી જાઉં? એ કથાની પૂર્વકથા ‘ઉંબર બહાર’ કુમારના 200મા અંકમાં શરૂ કરી, ચાર પ્રકરણે બંધ થઈ. નિયમિત હપતા આપવાની મારી ગુંજાશ નહીં. એ કથાનો ત્રીજો-ચોથો-પાંચમો ભાગ અનુક્રમે ‘સાત લાખ સેવાગ્રામ’, ‘કુટુમ્બિની’, ‘પરિવાજક’ કલ્પેલા છે. એ અત્યારે લખાય તો અવનવા ઢંગે જ આવે. ક્યારેક-ક્યારેક વિદ્વાનોએ સૂચવ્યું છે અને હું પણ (સારાસારા મિત્રોને ચીમકી લાગે છતાં) બોલ્યો છું કે ગાંધીજી વિશે કંઈક લખવું. પણ કહું? વળી અહીં વાહનનો પ્રશ્ન ઉકેલવાનો રહ્યો. પ્રેમાનંદને ભાષાએ આપેલું વરદાન બીજો કોઈને એ આપે?
પેલું નાટક એ ગાંધીનાટક જ છે. ગાંધી, જેમજેમ આજની યંત્રોદ્યોગ-સંસ્કૃતિ આગળ વધે છે તેમતેમ, વધુ ને વધુ સંગત (રેલેવન્ટ) બનતા જાય છે. ચારેક વરસ પહેલાં નોબેલ પારિતોષિક વિજેતાઓ(જેમાં અતિઆધુનિક લેખકો પણ હતા)એ માનવજાતિ આત્મનાશના આરેથી પાછી વળે અને જરૂર પડે ત્યાં જનસમાજો અને વ્યક્તિઓ ગાંધીએ ચીંધેલા માર્ગનો આશ્રય લે એવી જાહેર અપીલ કરી હતી. ગાંધીની વાત એ તાતી જરૂરિયાત બનતી જાય છે. ગાંધીયુગ તો હજી હવે આવશે.
પ્રકાશ ઝીલતી ધપી રહેલી પૃથ્વીનું ચિત્ર દસકે-દસકે વધુ સંગત અને તાદૃશ લાગે છે. નરી આંખે એ દૃશ્ય ચંદ્રયાત્રીઓએ જોયું એટલી હદે સ્થૂલ અંતરિક્ષપ્રદેશ પણ માનવ માટે ઘરઆંગણું બની રહ્યો છે. પૃથ્વી એની યાત્રામાં અત્યારની આ ક્ષણે જે બિંદુએ છે ત્યાં એની-માનવકુળ પૂરતી-શી સ્થિતિ છે? સર્વનાશની સામગ્રીના ખડકલા, બધું હાલાહલ બહાર આવે એવા સંસારમંથનના ઉધામા, સિત્તેર ટકા માનવજાતની ચાલુ તંગ હાલત, નેતૃત્વના દેવાળા જેવી સ્થિતિ, માત્ર રડ્યાંખડ્યાં સંવેદનશીલ જગતનાગરિકોની આ બધા અંગે સમાનતાભરી નિરંતર ઊંડી ચિંતા-અને તે પણ બર્ટ્રાણ્ડ રસેલમાં હતી એવી સક્રિય તો નહિવત્, -એ બધું સંવિદનો ભાગ તો બની શકે. એમાંથી કવિસંવિદની નીપજ એ જુદી વાત છે. કવિસંવિદ- કાવ્યાવતરણ એ એવો કીમિયો છે કે બ્લેઈક કહે છે તેમ ‘રેતીકણમાં અનંતતા’ સમાય, કુહાડાના ઘાથી ઝાડ પડતાં નિરાધાર ડુંગર ફસડાઈ પડ્યા જેવું થાય તેમાં વિશ્વનું ડૂસકું સંભળાય. અને બે લીટી અરે એક લીટીની પણ કાવ્યકૃતિ જો અભિનવગુપ્ત કહે છે તેમ ‘વિશ્રાન્તિ’નો અનુભવ કરાવી રહે તો વિશ્વશાંતિના મહાલયના ચણતરમાં એક નક્કર ઈંટ ઉમેરાય.
ભલે પેલું નાટક (કે પદ્યનાટક) થયું નથી, પણ 1949માં આકાશવાણીએ ‘A poem is born(કવિતાનો જન્મ)’ ઉપર બોલવા સૂચવ્યું ત્યારે કહેલું તેમ “એ કાવ્યકૃતિ સૂઝી એ પછીથી ભલે એ પોતે રચાઈ નથી, એમાંથી બીજી અનેક નાનીમોટી કૃતિઓ ઉદભવી છે. Poems are born.” માણસની કૃતિઓ કદાચ એક નહીં થયેલી કૃતિના પ્રકારાન્તો જ હોય.
‘પોતાને મૃત્યુએ કેશથી ઝાલ્યો હોય એમ માણસે ધર્મના આચરણમાં મંડી પડવું જોઈએ’- એ વાત મને ઠીક લાગી નથી, – કાળ અનંત હોય એમ સૂક્ષ્મ વસ્તુઓના સેવનમાં માણસે ચાલવું જોઈએ. અમસ્તા ‘અખોઃ એક અધ્યન’ને અને ‘કલાન્ત કવિ’ને દુરસ્ત કરતાં-કરતાં છપાવવા અનુક્રમે બાર અને ચૌદ વરસ લાગ્યાં. ‘શાકુન્તલ’નો અનુવાદ કરી બેઠો, પણ ગીતિઓ આર્યાઓ બરોબર કરીને મારાથી શક્ય એવી શ્રદ્ધેય આવૃત્તિ (ત્રીજી) આ વરસના કામને પરિણામે આપી શકાશે, અનુવાદની પ્રથમ હસ્તપ્રત કર્યા પછી છત્રીસ વરસે. ‘સપ્તપદી’ની સાત કૃતિઓએ પચીસ વરસ ભલે લીધાં. સર્જનયાત્રામાં સહજપણે નવાનવા આરંભો થયે જ ગયા છે. ‘ધારાવસ્ત્ર’ પછી કંશુક નવતર ન થઈ બેસે તો જ નવાઈ. ઉત્સાહ હજુ શિખાઉનો છે.
મને કવિતા, રાજકારણ (જાહેર બાબતો- ‘પબ્લિક એફેર્સ’ના વિશાળ અર્થમાં) અને ધર્મ એકંદરે જુદાં જણાયાં નથી. (સાબરમતી જેલની પેલી કેન્દ્રિય અનુભૂતિએ ચીંધેલી રચનામાં ત્રણે અનુસ્યૂત છે.) કવિધર્મ, સમાજધર્મ, આત્મધર્મ તત્વતઃ એકરૂપ સમજાય છે. એક જ પસંદ કરવાનો પ્રસંગ આવે તો આત્મધર્મને પ્રાધાન્ય મળે, જોકે કાઠું તો કવિધર્મ અનુસરનારાનું ઘડાઈ ગયું તે ઘડાઈ ગયું. દરેકમાં એના સંસારથી ચેતવાનું. સામયિકનું સંપાદન પોતે થઈને માથે વહોર્યું એટલે તો સંસાર ન રચી બેસાય એ ખાસ સંભાળવાનું. કોઈ શાળામાં ન પેઠા, રખે શાળા સ્થાપી બેસાય. કવિતાના સંસારથી બચવાનું ઓછું મહત્વનું નહીં. ‘છિન્નભિન્ન છું’-રચના દ્વારા નવો દિશાવળાંક આંકીને, પહેલી અને છેલ્લી વાર, જવાબ અને તે પણ આપણા એક ઉત્તમ કાવ્યમર્મજ્ઞને આપવામાં ઊતરી, ધર્મ અને રાજકારણના સંસારમાં ન સપડાઈએ તો કવિતાના સંસારમાં શા માટે – એમ કેવળ રચના કરતા રહેવા ઉપર જે શક્તિ હોય તે કેન્દ્રિત કરવાનું વલણ રહ્યું. છેવટે તો રચના જ મહત્વની છે. આમે લખવાનો સમય ઓછો રહે છે. એથી બીજી રીતે -કહો કે આખા સમયના- લેખક થવાનું ભાગ્યે જ પસંદ કરું. એ રીતે લેખક થઈ શકાય એમ મારા પૂરતું તો માની પણ ન શકું. સર્જક-રચના કરતો ભાગ્યે જ પકડાઉં. જરૂર છે તે તો એક જાતની નિરંતર સંપ્રજ્ઞતા (awareness)ની અને તેમાંથી કવિસંવિદ નીપજે તો તેને પહોંચી વળે એટલો, શ્રમ કરવાની ફાવટની, તેમ જ કૃતિના પ્રાણરૂપ સૂરની – જે તો કયે બિંદુએ રહીને રચના કરીએ છીએ તેની ઉપર આધાર રાખશો.
શબ્દ એક એવો ઘોડો છે જે જરીકમાં પાડી નાખે. ઘણી વાર પ્રશ્ન થાય કે શબ્દ સાથે ક્યાં પનારું પડ્યું. આના કરતાં, કહો કે, સુથાર થયા હોત તો કેવું! પણ પછી થાય છે કે ખુરશીના પાયા બરોબર ન કર્યા હોય તો ગ્રાહક આવીને આપણા માથામાં મારે તો એને એવો અધિકાર હોઈ શકે. વિવેચકો (મારો પેલો નાનપણનો મિત્ર સુધ્ધાં) છેવટે તો અહિંસક છે. રચનાકારે પોતે જ શબ્દને -શબ્દલયને વફાદારીપૂર્વક એના યોગ્યતમ સ્વરૂપે સ્થાપવો રહ્યો. જમાનાના આશીર્વાદરૂપે જે અનેકવિધ ઉત્તમ કવિતાનો ભાવક તરીકે આનંદ મેળવ્યો છે તેણે ભીતર સર્જકના કાનમાં એટલું અવશ્ય કહ્યું છે : જોજે હોં, તને વાંચવા પ્રેરાય તેની તારે હાથે વંચના ના થાય.
ચાલો મન, વિશ્વશાંતિના એ નિરંતર આકર્ષતા ‘પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા…’ એ રોમહર્ષણ કલ્પનાચિત્રને યથાર્થપણે સાક્ષાત્કરવા.
જુલાઈ 21-24, 1984, અમદાવાદ.
(‘સર્જકની આંતરકથા’માંથી.)