ગંગુભઈનું ગામ ગુલાબી
ધોળું નામે એક બટકા ભાઈ. એક વાર એને થયું કે પોતાના જૂના મકાનને રંગરોગાન કરીને વેચી નાખે, પણ એને ખબર નહોતી કે ત્યાં તો બીજું કોઈ રહેવા લાગ્યું હતું.
એનું નામ ગંગુ ગુલાબી!
ગંગુ એક ઘર પાસેથી પસાર થતો હતો. એણે જોયું કે ધોળુ ત્યાં ભૂરો રંગ કરી રહ્યો છે. ગંગુએ એના ડબ્બામાં જોયું. બાપ રે આ શું છે? ગંગુએ તો રંગને જોયો એટલે કશું સમજાયું નહિ. હિંમત કરી એને ચાખી જોયું. બાપ રે આ તો રંગ છે... -પણ આમ કેમ ચાલે મારા ઈલાકામાં કોઈ ભૂરો રંગ કેમ કરે? અહી તો ગંગુ ગુલાબીનું રાજ ચાલે છે તો બધે ગુલાંબી રંગ જ કરવાનો હોય. ધોળુ તો રંગ કરવામાં મશગૂલ ને એવામાં ગંગુ હળવેકથી ભૂરા રંગનો ડબ્બો લઈને એને સ્થાને ગુલાબી રંગ મૂકી ગયો... પડી મજ્જા!
ધોળુ ભાઈ તો પોતાના કામમાં તલ્લીન. જ્યારે રંગ લેવા પાછો પીંછડો રંગમાં બોળ્યો અને દીવાલે ફેરવ્યો તો દીવાલ ગુલાબી થવા લાગી એ જોઈ ધોળુ ગુસ્સે થયો ને આજુબાજુ જોયું. એને સમજાયું કે આ તો ડબ્બો કોઈ બદલી ગયું. કોણે કર્યું આ? એ શોધવા જતાં ધોળુને ખબર પડી કે કોઈકના ભૂરા રંગના પગલા છે, જે એક દરવાજા તરફ જાય છે. દરવાજો ખોલતાં ખુલતો નહોતો. ધોળુભાઈ તો થોડા પાછા ખસ્યા અને જોરથી દરવાજાને ધક્કો મારવા જતા હતા એવામાં જ દરવાજો એની મેળે ખુલી ગયો. ધોળુએ જોયું કે દરવાજા પર જ કોઈકે એના રંગનો ડબ્બો મૂક્યો છે. એણે તો બસ વિચાર્યા વગર હાથમાં રંગ લીધો અને હજી તો કઈ કરે એ પહેલા જ ગંગુએ આવીને દરવાજો એટલા જોરથી ખોલ્યો કે ધોળુ દબાઈને સીધો દીવાલથી જડાઈ ગયો અને ભૂરા રંગનો આખ્ખો ડબ્બો રંગ એના પર ઢોળાઈ ગયો. ઓય રે માડી... આ તો મને આખેઆખું સ્ટીકર બનાવી દીધું. દીવાલ પરથી ધીમે ધીમે સરકતા જતા ધોળુ પાછો એના મૂળભૂત રૂપમાં આવી પટકાયો.
કોણ છે આ જે ધોળુને પડકારે છે? પણ અત્યારે ધોળુને કોઈ દેખાયું જ નહિ. એણે બાંયો ચડાવી, પોતાનો ડબ્બો લઈને દોડી ગયો પોતાનું કામ કરવા... મનમાં ત્રાડુકતો કે હવે જોઉં છું કોણ આડું આવે છે? ધોળુએ તો રંગવા માંડી દીવાલને ભૂરા રંગથી. આ બાજુ ધોળુ ઉપરથી ભૂરો રંગ કરે અને ગંગુ નીચેથી ગુલાબી રંગ રંગતો જાય. છેડે આવીને ધોળુએ નીચે જોયું તો પાછો ગુલાબી રંગ. વિચારે કે આ તો ગડબડ થાય છે ભાઈ. એણે તો માથું નીચું કરી નીચે ભૂરો રંગ કરવા માંડ્યો. પાછો છેડે આવી હાશ કરે છે ત્યાં તો ઉપર ગુલાબી રંગ? હવે તો એને રંગ પર શંકા ગઈ. એણે વધેલો રંગ બહાર ફેંક્યો અને નવા રંગથી બહારનો થાંભલો રંગવા માંડ્યો. આ બાજુ ધોળુ ભૂરો રંગ ઝપટે અને બીજી બાજુએથી રંગ ગુલાબી ચિતરાતો જાય... એકવાર... બેવાર... બંને ગોળ ગોળ ફરી થાક્યા ત્યાં તો ગુલાબી અને ભૂરા રંગની કેન્ડી ઊભી હોય એવા રંગોની સુંદર મજાની ભાત પડી. પણ ધોળુ ગંગુને જોઈ જ ન શક્યો. એ પાછો થાક્યો. ઊભો રહી વિચારે છે કે કોઈક તો છે અહી.
એની નજર અચાનક ગુલાબી રંગના પગલાંની છાપ પર પડી. ધોળુ પગલાનો પીછો કરતો ચાલ્યો તો એને થયું કે આ તો કોઈ ઉંદરનું જ કામ છે. એ જે તરફ આવતો હતો ત્યાં ગંગુ દીવાલને ગુલાબી રંગથી રંગી રહ્યો હતો. ધોળુને જોતાં જ એ દીવાલમાં સ્ટીકરની જેમ ચોંટી ગયો. ગુલાબી દીવાલ અને ગંગુ ગુલાબી – ગંગુ ગુલાબી અને ગુલાબી દીવાલ - કેમ ખબર પડે કોણ શું છે? કોણ ક્યાં છે? ધોળુ ત્યાં ઊભો રહી વિચારતો રહ્યો. પાછો ફરીને જુએ છે તો ગંગુ એને પાછળથી રંગ કરીને જતો રહ્યો હતો. ધોળુને હવે શંકા થઈ આ તો નાનો નહિ, પણ મોટો ઉંદર લાગે છે. એને પકડવા કશુક કરવું જ પડશે. ધોળુ ઉંદર પકડવાનું ટ્રેપ લાવ્યો, પણ એમાં ઉંદર તો ન આવ્યો ને ધોળુભાઈ પોતે જ ફસાઈ પડ્યા. વળી, ટ્રેપ પર મૂકેલી ચીઝ પણ ઉંદર લઈ ગયો.
ધોળુએ બધું છોડી પાછુ રંગવા માંડયું. આ બાજુ ભૂરો દરવાજો કરે ને બીજી બાજુથી ગુલાબી થતો જાય. ભૂરા દાદર રંગે ને નટખટ ગંગુ એના પર ગુલાબી રંગ ઢોળી નાખે. ધોળુએ આખો ઓરડો ભૂરો રંગ્યો તો ગંગુ આવીને ત્યાં ગુલાબી ફુવારો મૂકી ગયો અને આમ ઘર આખું ગુલાબી-ગુલાબી.
હવે ધોળુ ખિજાયો. એક મોટી બંદૂક કાઢી અને દોડ્યો ગંગુ પાછળ. ધાડ-ધાડ ગંગુ આગળ ને ધોળુ પાછળ... ધોળુ માથે ડબ્બો ફેંકી ભાગ્યો અને છેક આવ્યો હવેલી પર જ્યાં ગંગુ સંતાયો હતો. આ હવેલીને ધોળુએ મહામહેનતથી ભૂરી રંગી હતી. છાપરે ચડીને ગંગુએ નીચે પોતાની રાહ જોતા ધોળુને જોયો એટલે એની ખભાને ટેકે રાખેલી બંદૂકનાં નાળચામાં ગુલાબી રંગ નાખી દીધો. હવ ધોળુ જ્યાં પણ ગોળી છોડે ત્યાં બસ ગુલાબી રંગ જ ફેંકાતો જાય... ગંગુભાઈનો પડી ગઈ મજ્જા જ મજ્જા... આખેઆખી હવેલી ગુલાબી રંગાઈ ગઈ. ધોળુએ યુક્તિ કરી. આ ગુલાબી રંગને જ છૂપાવી દઉ તો કેમ થાય? વાંસ પણ ન રહે અને વાંસળી પણ ન વાગે.
ધોળુને આ વિચાર ગમી ગયો. એણે તો ઊંડો ખાડો ખોદ્યો અને બધા જ ગુલાબી રંગનાં ડબ્બા એમાં દાટી દીધા... હાશ! હવે નિરાંત થઈ. ધોળુ ચાલવા માંડ્યો ત્યાં તો આસપાસથી ઘાસ-પાંદડા અને જોતજોતામાં આખેઆખો બગીચો ગુલાબી ઊગી નીકળ્યો. ગંગુ તો આવીને ખૂબ જ ખુશ થયો અને ધોળુનું માથું ચૂમી લીધું. એને શાબાશી આપી. ધોળુએ ઘરબહાર ‘વેચવા માટે’ જે બોર્ડ મૂકેલું, એને પણ ખસેડી દીધું. અંતે, જતાં-જતાં એણે ગુલાબી પીંછી લીધી અને ધોળુને રંગ લગાવ્યો.... તમે જ કહો એ કયો રંગ હશે?
(રૂપાંતર - સમીરા પત્રાવાલા)
***
(આ કથા જે વિડિયો પરથી તૈયાર કરીને સાહિત્યાર્થીઓ સાથે ઉજવાઈ એ વિડિયો માટે ફંગોળાવો અહીં -www.youtube.com/watch?v=59lKdaXX6Eo )
જન્મજન્માંતર-રાધેશ્યામ શર્મા
મૃત્યુનું રહસ્ય પૂછતાં એક વાર ગુરુજી મારા બોલ્યા તત્કાળ: એ જન્મમાં હું એક ખ્યાતનામ ગણિતજ્ઞ હતો. મારી આંગળીઓ પરના બાર વેઢા ઘસાઈ જવા આવ્યા હતા. વેઢાની રેખાઓ ઝાંખી પડતી ગઈ તેમ મારી આંખમાં રહેલા બે દીવા તેજ થવા લાગ્યા. હું સતેજ અને સતર્ક બનતો ચાલ્યો. અને એ સતર્કતામાં માલૂમ પડ્યું કે મારી અંદર કોઈ અજ્ઞાત રોગે ઘર કરવાનું આરંભ્યું છે. મેજના ખાના નીચે એક ગરોળી દોડાદોડ કરતી હતી. દાક્તરો આવે છે ને જાય છે. ફ્લેપ ડોર ખૂલે છે ને હું ચોંકી પડું છું. સ્ટેથોસ્કોપ ઝુલાવતાં મદરીઓથી ત્રાસી ગયો છું. કશું જ નક્કી થયું નથી કે શું છે. માત્ર ધીમા અવાજે આટલી સૂચના આપાય છે, આરામ કરો ને શ્વાસ ગણો. મધપુડાનો ગણગણાટ વધી જાય છે. મારે આરામ નથી કરવો. અને શ્વાસ ગણવાની શી જરૂર છે મારે? ભારે વિચિત્ર સૂચના છે. રજાઈ ફેંકી દઈને બેઠો થાઉ છું. “મારે સુવું નથી. હવે હું તો ફરતો જ રહેવાનો. હરતોફરતો ચાલતોમહાલતો – પરિવારના લોકો પરેશાન, ચિકિત્સકો હેરાન. હું ચાલવાનું આરંભુ છું. સૂરજ ઊગ્યો છે સૂરજ આથમ્યો છે. આંખમાં કરોળિયા આક્રોશ કરે છે. ઘેનનાં જાળાંને હું મનથી તોડી શકું છું. ભલે ચાંદ ઊગે. ભલે ચાંદની આથમે. હું તો મારા ખંડમાં કંટાળીને મારા પલંગની જ પરિક્રમા કરતો’તો. અંગાંગમાં અંગારા બળબળે ગુણાકાર ભાગાકારમાં આંકડા ઝળહળે. એક ડગ દેવાની તાકાત નથી. ડગલામાં અભિનવ એવરેસ્ટની અનુભૂતિ. એક જ બીક. બેહોશીમાં બેઠાં બેઠાં ના મરું ! નીંદમાં સૂતાં સૂતાં ના મરું ! અને મને કો’ક અજ્ઞાત પદધ્વનિ સંભળાય છે. મારી ચાલની તો મને જાણ છે. પણ આ શાના ભણકારા.......? હું ડૂબી રહ્યો છું જળ વગર. જમીનનો પ્રત્યેક અંશ મારાં પગલાંને ક્યાંક તાણી જઈ રહ્યો છે. અને હું ઊંઘ્યો નથી. હું જાગું છું ! આંગળીના વેઢા અદ્રશ્ય ! દાંત નીચે આંગળીને મૂકું છું તો પેઢાનો જ અનુભવ મળે છે. ત્યાં બારીના એકરંગી પરદા અસ્ખલિત ગતિએ ઓકળીઓને સંચારિત કરે છે. ને હું-બીજા જન્મે સત્તરેક વર્ષનો હુષ્ટપુષ્ટ નવયુવક. આંબાવાડીયામાં વાંચું છું ‘પેરિય પુરાણ’, અને તદ્દન વિશ્રામની સ્થિતિમાં છું ત્યાં અચાનક મને ડર લાગ્યો કે હું મરી જવાનો છું. મને લાગ્યું કે હું મારી જઈ રહ્યો છું. શરીર હતું તદ્દન નિર્વિકાર: સામેના ઘટાદાર આમ્રવૃક્ષ સમું. પવન ના આવે તો જાણે પાંદડા જ નથી. લહેરખી આવી જાય તો ખડખડ ખડખડ. ખિસકોલીના નખક્ષતની સ્પૃહા નથી, છતાં મુખમુદ્રા ફિક્કી પડી ગઈ ને શ્વાસ રૂંધાવા લાગ્યો. ઓષ્ઠ બિડાઈ ગયા, આંગળાં ઝાંપાને વખાઈ રહ્યાં. પવન પડી ગયો. આંબો જેમ ને તેમ ઊભો છે. હું એમ ને એમ પડ્યો છું, સમૂળા કપાયેલ એક મોટા થડની જેમ. લાકડાને લોકો લઇ જાય તેમ મસાણમાં મને લઇ જાય. છોને લઈ જાય. મને અગ્નિ હવાલે કરશે. છોને કરે. હું કાંઈ રાખ તો થવાનો નથી. પીંછાં ખરી જાય તોયે પંખી પંખીપણામાંથી જાકારો પામતું નથી. કારણ કે પૂર્વ પ્રતિ પવન વહેતો ત્યારે પંખીને પૂર્વ તરફ ઊડી જવામાં બાધા નહોતી નડી. પશ્ચિમ પ્રતિ તો પશ્ચિમ તરફ. પંખીને થતું પોતે પંખી નહી. પણ પવન પોતે જ છે. પવન અને પક્ષી ભિન્ન નહોતાં. પાંખ કે પીંછાંની પરવા એટલા માટે નહીં કે અગાઉના કોઈક જન્મમાં જાતે એક વાર તણખલાની તોલે આવી રહી ચૂક્યું છે. વહી ચૂક્યું છે. નદીમાં પુષ્કળ પૂર. એમાં ફક્ત બે તણખલાંનો સૂર. એક કહે, હું નહીં વહું પણ લડું. બીજું કહે, હું નહીં લડું પણ વહું. સરિતાને મન સર્વ સમાન. અહીં નથી કોઈ ગુણ કે ગુમાન. ઉપાડ્યાં ઉભયને જાણે વિમાન. ગણિત કે અગણિત સર્વને વહેવું જ રહ્યું. ચાહે વહો, ચાહે લડો, ચાહે રડો, ચાહે પાડો. ઊંઘમાં જાગતાં ઊંઘમાં વેઢાવિહોણી આંગળીઓને ગણી શકો છો ? અને આંગળાં વગરના વેઢાને!?
[‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વાર્તાઓ’માંથી]
[નવી સદીની વાર્તા] આ બધું – ધીરેન્દ્ર મહેતા
રાજેશનું મૂળ નામ તો રામજી હતું, આઠમી ચોપડીમાં પડ્યો ત્યાં સુધી, પણ પછી એણે જ એ બદલીને રામજીનું રાજેશ કર્યું. શાથી? તો કહે કે રામજી જૂનું છે, એ ન શોભે!
એની મા લખમીને થયું, આવું રૂડું ભગવાનનું નામ, એ હવે જૂનું પડ્યું ! ભગવાનના નામમાં તે વળી જૂનું ને નવું, એવું કૈં હોતું હશે? ભગવાન કે દી હતા ને કે દી નૈં, કે એમનું નામ જૂનું પડે?
લખમીએ પોતે પસંદ કરીને એ નામ પાડેલું ને તે પણ એમ કરીને કે દીકરાને બોલાવીએ તે ભેગું ભગવાનનું નામ પણ લેવાય. એના બાપ નરસૈંને ગળેય એ વાત ઊતરેલી, પણ પછી શું થયું તે એય દીકરાના પક્ષે થઈ ગયા તે રહીરહીને એટલાં વરસે રામજીનું રાજેશ કરવામાં વાંધો ન લીધો.
ભણવાની કો’ક ચોપડીમાં આ નામ આવતું’તું. લખમીએ અરથ પૂછ્યો તો કે’ કે મોટો રાજા.
જો એમ હોય તો પેલું શું ખોટું હતું, રામજીથી મોટો રાજા કોણ? લખમીએ દલીલ કરી પણ ન માન્યો, કહે કે જમાના પરમાણે બધું જોવે.
લખમી તો રામજીને ઝાઝું ભણાવવાના મતની પણ ન હતી...
હા, રામજીએ ભલે રામજીનું રાજેશ કર્યું, પરંતુ લખમી તો એને છેક હમણાં સુધી રામજી જ કહેતી.
છેક હમણાં સુધી એટલે?
એની વાત પછી.
લખતાં-વાંચતાં આવડવું જોઈએ એવો મત તો લખમીનો પણ હતો, કાળા અકશરને કૂટી મારવાના મતની તો એ પણ નહોતી પણ એનું કે’વું એમ હતું કે આ ભણવાનું તો કદી ખૂટે જ નૈ’ એ કેવું!
પરંતુ લખમીએ જોયું કે જેટલી હોંશ રામજીને ભણવાની હતી એથી અદકી નરસૈંને ભણાવવાની હતી. ગામની નિશાળમાં ભણવાનું પૂરું થયું એટલે પડખેના ગામની મોટી નિશાળમાં મૂક્યો.
સવારમાં જાય તે સાંજ પડતાંમાં આવે, પરોઢિયે ઊઠીને ચોપડા લઈને બેસે. નાહીધોઈને જેમતેમ ખાવાનું પતાવીને દોડે. ખાવાનું તો શું હોય એટલા વહેલા? શિરામણ જેવું. તેય અધ્ધર જીવે, બસ ઊપડી જવાની ધાસ્તીમાં ને ધાસ્તીમાં ઘણી વાર તો છેલ્લો કોળિયો પૂરો ગળા હેઠ ઊતર્યો ન ઊતર્યો ને ડેલી બહાર દોટ મૂકે.
લખમી રોકટોક કરે તોય વખતસર ચોપડી મૂકીને ઊભો થાય નહિ, પછી શું થાય? હવે એ ધરાઈને ખાવા પામતો ન હોય પછી લખમીનો જીવ પણ ખાવામાં કેમ રહે? મોંમાં કોળિયો મૂકે ને બધું યાદ આવે.
સાંજેય એવું. પાછા વળતાં કોક વાર બસ ચૂકી જાય કે કોક વાર બીજું કાંઈ. ઘરે પહોંચે ત્યારે આખા દીનો થાક્યોપાક્યો હોય. ખાવા કરવામાં કાંઈ રસ જ પડતો ન હોય એમ મોંમાં કોળિયા મૂકતો જાય. પછી પાછો આંખો બગાડવા બેસે ને એવો ને એવો ઊંઘી જાય.
રામજીને આમ રગદોળાતો જોઈ લખમીનો જીવ બળ્યા કરતો’તો. સામે નરસૈંને હૈયે હરખ માતો ન હોય એમ લાગતું’તું. મોટી નિશાળની છેલ્લી ચોપડીમાં પાસ થયો તૈ’યે એમણે આખા ફળિયામાં જ નૈં, આખી નાતમાં પેંડા વહેંચ્યા.
લખમીને હતું કે રામજી હવે તો કાંક ઠરીઠામ થઈને બેસશે. બાપનો ધંધો સંભાળશે. વરસો જૂની દુકાન હતી. જામેલો ધંધો હતો. આ ઘર ઘરનું થઈ ગયું, ઘરે દુઝાણું થયું, આ બે પાંદડે થયાં તે બધું એમાંથી જ ને?
પણ લખમીના અચંબાનો પાર ન રહ્યો, જ્યારે એણે જાણ્યું કે રામજી તો હવે મોટા શે’રમાં ભણવા જાવાનો છે, અને એ પણ પૂરાં પાંચ વરસ. રે’શે પણ ત્યાં બોર્ડિંગમાં.
લખમીના જીવને કાંઈ કાંઈ થાતું’તું, પણ કે’ કોને? રામજીને કે’વાનો તો કાંઈ અરથ નો’તો, કેમ કે એનો પગ તો હમણાં પટ ઉપર પડતો નો’તો.
‘એ તો છોકરું, પણ આપણે એના પર લગામ રાખવી જોવેને?’
લખમી નરસૈંને સમજાવવાની કોશિશ કરતી’તી, પણ એને લાગ્યું કે એમનો જીવ ઠેકાણે નથી. લખમી જાણે છોકરું હોય એમ એની વાત સાંભળીને હસી પડ્યો. પાછો ઉપરથી કહે છે, તને એમ છે કે એ દુકાનને થડે બેસશે?
લખમીને આ વાતેય આંચકો લાગ્યો’તો દુકાનને થડે બેઠા એમાંથી તો આ બધું સૂઝે છે ને હવે એની જ નાનમ લાગે છે! શું જમાનો આવ્યો છે! પણ એને એટલું સમજાઈ ગયું કે હવે દીકરાની જેમ બાપનેય કે’વાનો કાંઈ અરથ નથી.
રામજીને જાવાની તૈયારીઓ ચાલી.
લખમીએ યાદ કરી કરીને બધી ચીજવસ્તુઓ ભેગી કરી. એક મોટી ટ્રંક, એક ડબ્બો, એક મોટું બેડિંગ પ્રાયમસ, તપેલી, સાણસી, ગ્લાસ, ડિશ વગેરે કેટલુંય.
એ જોઈને રામજી હસ્યોઃ
મા, એ ગામડું ગામ થોડું છે? એ તો મોટું શે’ર છે, શે’ર. ત્યાં બધી ચીજવસ્તુ મલે, પછી નકામો અહીંથી ભાર શું કામ ઉપાડવો?
ને એક બૅગ ઉપાડીને માંડ્યો હાલવા. બધું પડ્યું રહ્યું એમ ને એમ.
નરસૈં પડખેના સ્ટેશન સુધી મૂકી પણ આવ્યો.
રામજીના ગયા પછી લખમીને થોડા દિવસ તો બધું યાદ આવતું રહ્યું. રામજીને દૂધ આપવાનો વખત, રામજીને જમવા બેસવાનો વખત, રામજીને નિશાળેથી આવવાનો વખત... પણ હવે પોતે કાંઈ કરી શકે એમ નહોતી. રામજીના કાગળની રાહ જોયા સિવાય હવે બીજું કાંઈ કરવાનું નો’તું.
રામજી કાગળ નિયમિત લખતો પણ લખમીને તો એમાંય કશા ભલીવાર લાગતા નહિ. ટૂંકો ને ટચ કાગળ. એમાંય ખાસ તો ફરીફરીને એક જ વાત કહેલી હોય, પોતે બરોબર છે ને કોઈ વાતે ચિંતા કરવી નહિ. લખમીને એક વાતની પાકે પાયે ખબર હતી કે એ રાતદા’ડો નીચું ઘાલીને આંખ્યું બગાડતો હશે ને ખાધાપીધાનું ભાન રાખતો નહિ હોય. એ સિવાય કાંઈ ખબર તો હતી નહિ કે સંભારે, અટાણે એ આમ કરતો હશે ને અટાણે એ આમ.
રજા પડે ત્યારે બે વાર એ ઘરે આવતો, પણ એય થોડા દી સારુ, કહે કે હવે તો એ એવી ચોપડિયું વાંચે છે કે એ ચોપડિયું સારુ કરીને પણ શે’રમાં રે’વું પડે ને વાંચવા જાવું પડે.
એ તો જાણે સમજ્યા, જેમ એને ઠીક પડે એમ; પણ ત્યાં રહીને ને ભણીભણીને એ એવો મૂંજી થઈ ગયો છે કે રહે એટલો વખત પણ ખાસ કાંઈ વાત કરે નહિ. બસ, પૂછીએ એટલો જવાબ.
ને આપણેય પૂછીપૂછીને કેટલું પૂછીએ? આપણને એની કાંઈ ખબર હોય તો કાંઈ પૂછવાનું’ય સૂઝેને? અને પાછું એમેય થાય કે બહુ પૂછપૂછ કરીએ તે પાછું એને ગમે કે ન ગમે.
નરસૈં એને સમજાવતો કે એ તો એને વિચારવાનુંય બહુ હોય એટલે આપણને એમ લાગે.
ઠીક ભાઈ!
પણ આ બધામાં લખમીને કાંઈ ઝાઝી ગમ પડતી નૈં.
પણ પછી ધીમેધીમે એના વિચારો પણ ઓછા થતા ગયા. ભગવાન એને સાજોનરવો રાખે ને ભણી રહ્યા કેડે જેવો હતો એવો પાછો ઘરે પહોંચાડે એટલે બસ. ભગવાનનું નામ લેતાં લેતાં લખમીથી મનોમન આવી જ અરજ થયા કરતી.
પણ નરસૈંની હોંશ ઓછી થતી નો‘તી. રામજીનો કાગળ વાંચીને એ લખમીને ઘણી વાર ખબર આપે, રામજી ભણવામાં કેટલો આગળ નીકળી ગયો છે ને ત્યાં કને એનું કેટલું માન છે!
પણ ભગવાને કેવો છે! નરસૈંને લઈ લીધો, અને એ પણ ક્યારે? રામજી પૂરું ભણી ઊતર્યો, એને નોકરીનું બરોબર ઠેકાણું પડવાનું હતું ત્યારે.
નરસૈંએ કેટલા હરખથી દીકરાને મોઢે એ બધી વાતો સાંભળી હતી! પાંચ-સાત મોટામોટા સાહેબોએ ધડાધડ પૂછવા માંડેલા સવાલોના રામજીએ જરાય મૂંઝાયા વગર ફટાફટ જવાબ દીધા હતા. સૌથી મોટા સાહેબ એનાથી એટલા ખુશ થઈ ગયા કે એ ટાણે જ એની નોકરીનું પાકું કરી નાખ્યું; ખાલી ક્યા ગામ એટલું કે‘વાનું જ બાકી રાખ્યું. એ અઠવાડિયા-પંદર દીમાં કે’શે.
આવી બધી વાતું સાંભળીને નરસૈં દુકાને ગયો તે ગયો, પાછો આવ્યો જ નહિ. સમાચાર આવ્યા કે એનો જીવ આ બધી વાતુંમાં જ રમતો’તો. જે આવે એને બધું માંડીને કહે, ને એમ એક જણ કને વાત કરતાં કરતાં અધવચ્ચે અટકી ગયો. પેલાનું ધ્યાન ગયું તો મોઢા પર કાંઈ પરસેવો કાંઈ પરસેવો! ને ખભામાં ભયંકર દુખાવો ઉપડેલો. પેલાએ આજુબાજુથી માણસ ભેગા કર્યા. એક જણ દોડતોકને રામજીને તેડવા આવ્યો. રામજીને ઠીક સૂઝ્યું તે દાક્તરને ભેગો લઈને જ ગયો. ભણેલાનો આ પરતાપ, ખરે ટાણે એની મતિ સવળી રહે, અભણની જેમ એ ઘાંઘા ન થાય. પણ એ પહોંચ્યા ત્યારે તો કાંઈ ન હતું.
નરસૈંનું બારમું પત્યું તેને બીજે જ દી રામજીની નોકરીનું ઠેકાણું પડ્યાનો કાગળ આવ્યો એટલે એને જાવું પડ્યું, પણ અઠવાડિયું’ય નૈં થયું હોય ત્યાં પાછો આવી ગયો.
આવીને તાત્કાલિક જે પતાવવા જેવું હતું તે પતાવવા માંડ્યું. ખાસ તો નરસૈંની પછવાડે જે કારજ કર્યું હતું એની ચીજવસ્તુના જે પૈસા બાકી હતા તે ચૂકવી દીધા અને દુકાનમાં જે માલ ભર્યો હતો તેમાંથી તરત આપી દેવા જોગ હતો તેની ગોઠવણ કરી દીધી. દુઝાણામાં બે ગાય હતી એને હાલ તુરત પરમા પટેલને આંગણે બાંધી ને ઘરમાંય ઢાંકોઢૂંબો કરી દીધો.
લખમી કશું બોલ્યા ચાલ્યા વગર એને આ બધું કરતો જોઈ રહી. મનમાં કાંઈ કાંઈ થાતું હતું પરંતુ કહી શકાતું નહોતું. આ ઘર આ રીતે કોઈ દિવસ સમૂળગું બંધ થયું નથી. આ આંગણું ગાયો વિના કેવું અડવું લાગે છે!
નરસૈંએ આ દુકાન ખરીદી, ધંધો વિકસતો ચાલ્યો અને દુકાન પણ મોટી થતી ગઈ. કેટલાય ઘરાકો સાથે તો જાણે ઘર જેવો સંબંધ બંધાઈ ગયો. ખરીદી કરતી વખતે ભાવેય પૂછે નહિ એટલો વિશ્વાસ. સામે નરસૈં પણ એવા લોકો કને કોઈ દા’ડો ઉઘરાણી કરે નૈં. આખો વહેવાર જીવતો.
લખમીને હજુ એમ થયા કરતું’તું કે આ રામજીની નોકરીમાં માણસ માણસ વચ્ચે આવો સંબંધ ને આવો વહેવાર હશે ખરો? એ શું ભાળીને આ આવું બધું છોડી દેવા તૈયાર થયો હશે એ એને સમજાતું નહોતું.
સાચું પૂછો તો લખમીની પોતાની આ રીતે જાવાની તૈયારીય નહોતી ને એને તો એમ જ હતું કે પોતે તો અહીંયાં જ રે’શે, આ ઘર છોડીને એણે ક્યાં જાવાનું હોય ને જાવું’ય શા સારું જોયે? નરસૈં શું નથી મૂકી ગયો? એણે તો મનોમન બધી ગણતરીય માંડી રાખેલી કે દુકાન કો’કને ચલાવવા દઈ દેવાશે. કો’કને કો’ક એવું મળી રે’શે. આવડા મોટા ઘરનુંય પછી પોતાને એકલીને શું કામ પડવાનું, અડધો ભાગ ભાડે દઈ દેવાશે, કેમ કે રામજી તો હવે અહીંયા રે’વાનો જ નૈં. આવે-જાય તોપણ કેટલા દી? ને દુઝાણું તો છે જ. એમાં દી પણ નીકળશે, ગાયોની તો પોતાને કેટલી મમતા છે!
પણ બધું લખમીની ધારણા બહારનું જ બનતું ચાલ્યું. રામજીએ એને કીધું કે ત્યાં તો એને રે’વાનું મોટું ઘર પણ મળ્યું છે ને કોઈ વાતે તકલીફ નથી. એ તો ઠીક, પણ માને આમ એકલી રે’વા દેવા એ તૈયાર જ નો’તો.
લખમીમાનું છેવટે કાંઈ ન હાલ્યું ત્યારે એ ગયાં. પણ એ વખતેય એમના મનમાં તો એમ જ હતું કે પોતે પાછાં અહીંયાં આવતાં રે’શે. ત્યાં કને તો પોતાને કેટલા દી ફાવે? કાંઈ નૈં તો રામજી પરણશે ને એને ઘરે વહુ આવશે પછી તો પોતે અહીંયાં કને આવીને જ રે’શે.
પણ બન્યું ત્યારે કાંઈક જુદું જ. લખમીમાએ જઈને જોયું તો રામજીનું તો સરસ મજાનું ઘર હતું: બેસવાનો ઓરડો, સુવાનો ઓરડો, ઓફિસ કામનો ઓરડો, નાનકડી અગાસી, રસોડામાંય તમામ સોઈસગવડ.
આવડા મોટા ઘરમાં બે જ જણાંએ રે’વાનું ને તેમાંય રામજી તો લગભગ આખો દી ઘરની બા’ર જ હોય. લખમીમા એકલાં ને એકલાં. ઘડીક આ ઓરડામાં બેસે ને ઘડીક પેલા ઓરડામાં. પાછું એકેએક ઓરડામાં બેસવા-સુવાની સગવડવાળું રાચરચીલું.
એકલાં તો એકલાં, લખમીમાને ગોઠી તો ગયું. રામજીને એમની જે વાતે ખાસ ચિંતા હતી એ વખત ખુટાડવાનો સવાલ પણ એમને ખાસ નડ્યો નહિ. અહીંયાં એ ગામની જેમ બહુ વહેલા જાગી જતાં નહિ. જાગી ગયા પછી પણ સૂઈ રહેવું ગમતું. ગામમાં તો આંખ ઊઘડે પછી પથારીમાં પડી રહેતાં ભારે અસુખ થતું.
દેવદેવલાં એ ગામથી પોતાના ભેગાં લાવ્યાં હતાં અને એક કબાટમાં પધરાવ્યાં હતાં. ઊઠ્યા પછી નાહીધોઈને પૂજાપાઠ માટેનો પૂરતો વખત એમને રહેતો. રામજી ઊઠે એટલે લખમીમા બે જણાંની ચા મૂકે. રામજીને નાસ્તાની ટેવ નો’તી પણ એને ચા મોટા બે કપ ભરીને જોવે. લખમીમા ચા ભેગી રોટલી-ભાખરી કે એવું કાંક લે. લખમીમા બેય ટંક રસોઈ બરોબર કરે. પાસે બેસીને રામજીને જમાડે ત્યાર પછી જ એમને ગળે કોળિયો ઊતરે.
ઘરનું બધું જ કામકાજ કરવા માટે રામજીએ નોકરની વ્યવસ્થા કરી હતી, પરંતુ લખમીમાએ બધું કામ જાતે જ પતાવી લેવા માંડ્યું. ઘર વાળી-ઝૂડીને ચોખ્ખુંચણાક રાખવા માંડ્યું. એમને ઘસીઘસીને પોતાં કરતાં જોઈને રામજીને નવાઈ લાગતી. એ ઘણીવાર કહેતોઃ
‘મા, તમે તો જાણે આપણું પોતાનું ઘર હોય એટલી મહેનત કરો છો!’
લખમીમા સાવ સહજભાવે જવાબ આપતાં:
‘આપણે રહીએ એટલે આપણું ઘર, બીજું શું?’
અને આમ જુઓ તો ખરેખર આ વરસેક દહાડામાં લખમીમાને આ ઘર સાથે મમતા બંધાઈ ગઈ હતી. ઘરમાં ને ઘરમાં આખી દિનચર્યા કેવી ગોઠવાઈ ગઈ હતી અને દિવસ કેવો પસાર થઈ જતો હતો! સવારસાંજ દૂધ લેવા કે લારીવાળા પાસે શાકભાજી લેવા એ બહાર નીકળતાં એ જ, બાકી ઘરમાં ને ઘરમાં અને હવે તો આ દૂધવાળો અને શાકવાળો પણ ઘરના માણસ જેવા થઈ ગયા હતા, છેક બારણે આવીને લખમીમાના નામની બૂમ પાડતા.
લખમીમાને આ રીતે ગોઠવાઈ ગયેલાં જોઈને રામજીનેય નિરાંત થઈ હતી.
ગામમાં દુકાન, ઘર અને ગાયોનો પ્રશ્ન હજુ વિચારવાનો હતો. બહુ વિચિત્ર પ્રશ્ન હતો આ. આમ જોવા જાઓ તો એનો ઉકેલ તદ્દન સરળ લાગતો. એમ સમજાતું કે બધું હવે વેચી નાખવા સિવાય એનો ઉકેલ બીજો શો હોઈ શકે? પણ લખમીમાને ગળે વાત શી રીતે ઉતારવી એવી મૂંઝવણ થાતી હતી અને રહીરહીને એને પોતાનેય કોણ જાણે શાથી એમ તો થયા જ કરતું હતું કે આ રીતે બધું સંકેલી લેવું, ગામ સાથે આટલો જલ્દી-એક જ ઝાટકે છેડો ફાડી નાખવો એ શું ઠીક થશે? પરંતુ આ રીતે વખત વીતવા દેવામાં લાભ પણ શો હતો?
એણે લખમીમા આગળ વાત મૂકીઃ
‘-આ કાંઈ એવી વસ્તુઓ તો છે નહિ કે દાબડીમાં સાચવીને રાખી મુકાય ને મન થાય ત્યારે ઉઘાડીને જોઈ લઈએ. આપણે આટલે દૂર હોઈએ, ત્યાં એ બધાંનું ધણીરણી કોણ? વખત વીતે એમ બધું બગડતું જાય... ને આમ કરતાં આ પૈસા ઊપજે તે આપણને કામ લાગે.’
લખમીમા વિચારી રહ્યાં, રામજીની વાત આમ દેખીતી રીતે ખોટી હોય એમ લાગતું નહોતું. પછી વિચારી વિચારીને કેટલું વિચારે ને શું વિચારે?
એમણે કહી દીધું:
‘ભલે ભાઈ, તને એમ ઠીક લાગતું હોય તો એમ.’
એ પછી તોય થોડા દી તો એમને ચેન ન પડ્યું. એ ઘર, ગાયો, બધું સાંભર્યાં કર્યું, જાણે આજે એ છોડવાનું આવ્યું ન હોય! અત્યાર સુધી જે લાગણી ભારેલી પડી હતી તે જાણે જાગી ઊઠી અને આ બધાં વિનાના જગતમાં જીવવાની વાત વસમી થઈ પડી.
રામજી આ બધું આટોપવા ગામ ગયો ત્યારે લખમીમાને એકવાર એની જોડે જવાની ઈચ્છા થઈ આવેલી. એકવાર બધું મન ભરીને જોઈ લે પરંતુ પછી એમણે મનને માર્યું, એ બધું છોડીને પાછા કેમ અવાશે? અને એમાંય એ બધું વેચાઈ રહ્યું હોય એ વખતે તો...
એવા વિચારથીય એમનું હૈયું ભરાઈ આવ્યું હતું. એમણે એને શાંત કરવા પાછું વિચારવા માંડ્યું, કેટલું ભલું થયું કે એવો પ્રસંગ ઊભો થયો એ પહેલાં જ પોતે અહીંયાં આવી ગયાં! એ વખતે ખાલી જુદા પડવાનો ભાવ મનમાં હતો, કાંઈ છોડવાનો નહિ. આ સઘળું પોતાનું જ છે ને પોતે ફરી પાછાં આ બધાંની વચ્ચે આવવાનાં જ છે એવી લાગણી હતી.
અને હવે?
પાછું બધું ધીમેધીમે ભુલાવા માંડ્યું હતું. જે હતું એની સાથે એવી મમતા બંધાવા લાગી હતી અને દિવસ તો ક્યાં પસાર થઈ જતો હતો એની ખબરે પડતી ન હતી.
એવામાં એક દિવસ એક મહેમાન આવ્યા. રામજી તો ઘરે હતો નહિ. એમણે લખમીમા જોડે જ વાત કરવા માંડી અને વાત કરવાની ઢબ પણ એવી હતી કે જાણે એ પોતાની સાથે જ વાત કરવા આવ્યા હોય એમ લખમીમાને લાગતું હતું.
થોડીવાર આડીઅવળી વાત કર્યા પછી એમણે ફોડ પાડ્યો કે એ તો રામજી માટે પોતાના એક સગાની દીકરી ચેતનાની વાત લઈને આવ્યા છે, ત્યારે લખમીમા અચંબામાં પડી ગયાં. અચંબો એ વાતે કે દીકરાની સગાઈ કરવાની વાત પોતાને કેમ આટલો વખત યાદ આવી નહિ! અને અત્યારેય એમને જવાબ તો એવો જ સૂઝ્યો કે તમે રામજીને મળી વાત કરો.
સજ્જન હસ્યા.
અમારે એક વાર તો તમને જ મળવાનું હોય ને માજી? તમે વિચાર કરો ને ભાઈ સાથે ચર્ચા કરી લો પછી તમે કહો એમ મળવાનું ગોઠવીએ.
પછી પૂછ્યા વિના એમણે કુટુંબની વિગતો આપી. એમાં લખમીમાને રસ પડ્યો. આમ છતાં એ કોઈ પ્રકારની ચર્ચામાં સામે થઈ શક્યાં નહિ.
રામજી ઘેર આવ્યો ત્યારે લખમીમાએ વાત કરી તો એ એમાંનું કંઈ કંઈ જાણતો હોય એમ લાગ્યું, પણ એ ઝાઝું બોલ્યો નહિ એટલે લખમીમાએ ભારપૂર્વક કહ્યું:
‘તને ઠીક લાગતું હોય તો હા પાડી દે.’
રામજીએ ના પાડવાનું કોઈ કારણ નહોતું. ભણતર, દેખાવ, કુટુંબ અંગે પણ કંઈ પ્રશ્ન કરવો પડે એમ નહોતું અને સગાંસંબંધીઓમાં તો કોને પૂછવાનું હતું? વૃદ્ધ કાકા વેપાર કરતા દીકરાઓ સાથે દૂર વસતા હતા એમને ઔપચારિક જાણ કરવાની હતી.
એકાદ મુલાકાત ગોઠવાઈ ને બધું નક્કી થઈ ગયું. એમ લાગ્યું કે સગાઈ એ તો જાણે લગ્નની તિથિ મહિનો નક્કી કરવાનો પ્રસંગ હતો, કન્યાપક્ષની વાતો પરથી એમ લાગ્યું કે એમણે કરેલી પસંદગી પાછળનું આ પણ એક કારણ હતું, આટલી સરળતા, આટલી સાદગી અને સગાંસંબંધીઓની લપછપ નહિ.
લગ્નની ઘટના રામજી કરતાં લખમીમાના જીવનમાં મહત્વની બની ગઈ. કોઈ સાવ અજાણી વ્યક્તિની હાજરીથી પણ વાતાવરણ કેટલું સંકોચાઈ જતું હોય છે, ત્યારે આ તો આખા ઘરમાં હરતી-ફરતી મૂર્તિ?
ઘર મોટું હતું એટલુંય ઠીક હતું, લખમીમા આમતેમ આઘાંપાછાં થઈને એકાંત મેળવી શકતાં હતાં; પણ એમ કર્યાથીય ક્યાં જંપ વળે એમ હતું? કેમ કોઈ વરતાતું નથી? બારણું ખુલ્લું તો નથી રહી ગયુંને? આ શાનો અવાજ થયો? કેટકેટલાં કારણ હતાં વચ્ચેવચ્ચે જુદી જુદી જગાએ જઈને ડોકાં તાણી આવવા માટે?
અને એમ કરવા જતાં જ્યારે ચેતના સામે મળે કે નજરે પડે ત્યારે મારગ રોકાઈ જતો હોય એમ લાગતું હતું!
એવું કેમ લાગતું હતું?
એમનો સંચાર થતાંવેંત કદાચ ચેતના નજર ઊંચી કરીને એમની સામે જોતી હતી એટલે?
લખમીમાના નિત્યક્રમમાં પણ કેટલો બધો ફરક પડી ગયો! સવારની ચાના સમયે શરૂઆતના દિવસોમાં મૂંઝવણ થતી. પહેલાં તો એ રામજી માટે અને પોતાને માટે એક સાથે ચા બનાવતાં. અને હવે? પોતે એકલાં બનાવી કેમ પી લેવાય? થોડા દિવસ તો એમ ને એમ ગયા. ચેતના ચા બનાવતી ત્યારે એમને પણ આપતી. એમણે જોયું કે ચેતનાને ચાની સાથે બ્રેડબટર જોઈએ છે. રામજી પહેલાં તો એકલી ચા જ પીતો પણ હવે એને પણ ચેતનાની જેમ આવા નાસ્તાની ટેવ પડી છે. લખમીમાને તો આવું ક્યાંથ ફાવે? પડીકામાં પીળું પચ માખણ જોઈને એમને તો પોતે છાશ વલોવીને વાડકો માખણ ઉતારતાં એ યાદ આવે. અને આ રોટી પણ કાગળમાં? મજાની તાજી ભાખરી શેકી લેવામાં શો વાંધો?
જમવાની બાબતમાં પણ આમ જ થતું હતું. આખો સ્વાદ જ ફરી ગયો હતો. લખમીમાના મનનો ભાવ વ્યક્ત કરવો હોય તો તો એમ કહેવું જોઈએ કે મીઠાશ જ રહી નહોતી. ખાવામાં ને પીરસવામાં, બન્નેમાં. દાળશાક, બધું મોળું મચ અને રોટલી પણ પૂરી ગણીને જ. વાસણો પણ મોટે ભાગે કાચનાં. હાથમાંથી સરકે કે આવરદા પૂરી! આ એવું જ બન્યુંને પોતાને હાથે બે-ચાર વાર. એટલે તો ખાતી વખતે એવું લાગ્યા કરે કે પોતે ખાય છે એટલી વાર ચેતનાની આંખો વાસણની સંભાળ લીધા કરે છે... એ જોઈને હવે તો કામવાળી પણ પોતે રકાબી કે વાડકો ધોવા જતાં હોય તો ઝપૂ દઈને હાથમાંથી ઝૂંટવી જ લે છે,
રે’વાદો માજી, તમને નૈં ફાવે, ભાંગી પડશે!
હવે શું કે’વું એને?
વાસણો તો પિત્તળનાં! એ...ય લઈને અજવાળવા બેઠાં હોઈએ તો એનું અજવાળું દેખીનેય હાથમાં જોર આવતું જાય.
રસોડામાં કબાટમાં એમણે જાતજાતના તૈયાર ખાવાના ડબ્બા ગોઠવાઈ જતા જોયાઃ કશુંક દૂધમાં નાખીને ખાવાનું, કશુંક ખાલી પાણીમાં નાખીને ઉકાળવાનું...
લખમીમાને ભારે કૌતુક થતું’તું. એની સાથોસાથ એ વાતે પણ અચરજ થતું’તું કે મારા રામજીને આવું બધું શી રીતે ચાલે છે!
ધીમેધીમે લખમીમાને એવો વહેમ પડવા માંડ્યો હતો કે આ બધું બદલાવા લાગ્યું છે એમ શું રામજી પણ બદલાવા લાગ્યો છે? પોતાનું નામ તો એણે વરસો થયાં બદલી નાખ્યું હતું. એ બદલાયેલું નામ લખમીમાના હોઠે આજ સુધી ચઢ્યું નો’તું. એમણે ધાર્યું નો’તું કે એ નામ આમ પરબારી હડી કાઢીને સીધું એમના ઉપર ચઢી બેસશે! ચેતનાને મોંએ એમણે પહેલાં રાજેશ અને પછી રાજુ, એમ બોલાતું સાંભળ્યું હતું ત્યાં સુધી ઠીક, એમણે એ વાતનેય એક કૌતુક લેખી મન મનાવ્યું હતું. પણ પછી તો લખમીમા રામજી કહીને બોલાવે એ સામેય અણગમો દેખાડવા માંડ્યો અને એક વાર રામજીએય હસતાં હસતાં કહી નાખ્યું – જોકે ચેતનાનું નામ લઈને. લખમીમાએય એ વાતને હસવામાં જ લઈ લીધી, એમ વિચારીને કે એને એમ થતું હશે, રખેને લોક જાણી જશે કે એનો વર ગામડિયો છે!
ધારણાની બહાર રોજ કાંઈ ને કાંઈ બન્યા કરતું’તું, પણ કશોક બનાવ બને છે એની કોઈને ખબર સુધ્ધાં પડતી નહોતી! આ લખમીમાએ સાવરણી લઈને ઘર સાફસૂફ કરવા માંડ્યું, ત્યાં ચેતનાએ આવીને એમના હાથમાંથી સાવરણી લઈ લીધી. ને એણે જાતે વાસીદું વાળવા માંડ્યું. લખમીમા જોતાં હતાં કે એને જરાય ફાવતું નહોતું. પણ શું કરે? એણે વાળેલો કચરો ઊડીને પાછો વચમાં આવતો હતો એની એને ખબર જ પડતી હોય એમ લાગતું નહોતું. વચમાં પડેલો કચરો સાવરણીથી ઝપટાઈને રાચરચીલા નીચે પેસી જતો હતો. શું થાય?
આવું જ વાસણ માંજવાની અને કપડાં ધોવાની બાબતમાં પણ થવા લાગ્યું.
ચેતનાને થતું હતું, આ તે કેવું, આ બધાં કામ માટે પણ ઘરમાં નોકર નહિ? એણે રાજેશને કહ્યું:
તમે આટલું બધું કામ માની પાસે કરાવતા હતા! મા આ બધું કરે ને હું બેઠી બેઠી જોયા કરું એમાં મારું કેવું દેખાય?
અને એ પોતે આ બધું કરવા જતાં શારીરિક શ્રમ ને માનસિક તાણથી થાકીને લોથ થઈ જતી હતી.
આ મુદ્દા પર ઘરમાં એક પછી એક વસ્તુ આવવા લાગીઃ વૉશિંગ મશીન આવ્યું, ઘંટી આવી, ગ્રાઈન્ડર-મિક્સર-જ્યૂસર આવ્યું, ફ્રીઝ આવ્યું. અને નોકરબાઈ પણ આ બધી વસ્તુઓની જેમ જ આવી ગઈ... ઘરમાં ચક્રો ફરવા લાગ્યાં અને ઘરઘરાટી સંભળાવા લાગી.
લખમીમાએ એક બાજુ ખસી જઈને આ બધું જોયા કર્યું.
ઘરમાં એકસાથે જાણે કેટલા બધા લોકો આવી ગયા હતા અને એ સાથે કેટલા ફેરફારો થઈ ગયા હતા! સવારે દૂધવાળાએ બૂમ પાડી એ સાથે લખમીમા બારણા તરફ વળ્યાં કે ચેતનાએ બૂમ પાડી;
‘દૂધ લેવાનું નથી, દૂધની કોથળીઓ મગાવી લીધી છે.’
એવું જ શાકવાળી આવી ત્યારે થયું. હવે એક અઠવાડિયાનું સામટું શાક બજારમાંથી આવી જઈ ફ્રીઝમાં સંઘરાઈ રહેતું. શાક કે દૂધ જ શા માટે, બપોરે રાંધી રાખેલી કેટલીક વાનીઓ રાત્રે ખાવામાં પીરસાતી, અરે, છેક બીજે દિવસે પણ પહોંચતી! કશું કરવાનું જ નહીં, બધું સંઘરી રાખવાનું ને થાળીમાં પીરસી દેવાનું. માણસની મોથાજી નહીં.
લખમીમાએ આ બધાંથી ટેવાઈ જવાનો મનસૂબો કર્યો.
ચેતના વૉશિંગ મશીનમાં કપડાં નાખતી, ટાઈમિંગ ગોઠવતી, ગ્રાઈન્ડરની બ્લેડ બદલતી, એનું બટન ફેરવતી, સ્વિચો દબાવતી, એ બધું લખમીમાએ જોવા માંડ્યું. પછી એક વાર ચેતના નહોતી ત્યારે એમણે એવો પ્રયત્ન કરી જોયો; પણ જેવો ઘર્રઘર્ર અવાજ થયો કે ચેતના કોણ જાણે ક્યાંથી હાંફળીફાંફળી દોડી આવી;
‘શું થયું? શું થયું? તમારે શું જોઈએ છે, મા?’
આમ પૂછતાંકની સાથે એણે ફટ્ દઈને સ્વિચ બંધ કરી દીધી ને પેલા ઘર્રઘર્ર અવાજને નાથી લીધો.
ચેતના વધુ કાંઈ પૂછે એ પહેલાં લખમીમા ત્યાંથી ખસી ગયાં. એ કશું પૂછવા એમની પાસે આવી નહિ. પરંતુ રાજેશે પછી એમને સમજ પાડતો હોય એમ કહ્યું:
‘આ બધાં શેતાની સાધનો. આપણને સરત ન રહે તો નકામું એકનું બીજું થાય. એને અડકવું જ નહિ. તમતમારે એકબાજું બેસી રહેવું ને કંઈ કામ હોય તો ચેતનાને કહેવું.’
ઠીક. રામજીને એટલી ખબર છે એય ઘણું કે આ બધું શેતાન છે. એવું સાંત્વન લઈને લખમીમા એક બાજુ બેસી રહેવા લાગ્યાં.
એ કોઈ વાર રસોડા કે બાથરૂમ તરફ જતાં દેખાતાં કે તરત ચેતનાની આંખ એમના પર મંડાઈ જતી. પણ હવે એમને કોઈ વસ્તુમાં ખાસ એવો રસ રહ્યો નહોતો. આ ઘર-એના ઓરડા, એમાંની ચીજવસ્તુઓ, આ બધાંનો સહવાસ પણ એમણે ઓછો કરી નાખ્યો હતો; અને સહવાસ ઓછો થયો એટલે આ બધાં પ્રત્યેની મમતા પણ લોપાવા લાગી હતી.
એમને કશું કરવાનું નહોતું. એ લગભગ આખો દિવસ પોતાની જગાએ બેસી રહેતાં કે સૂઈ રહેતાં.
એમાં ને એમાં એમનું શરીર શોષાતું ચાલ્યું. ખોરાક પણ સરખો લેવાતો નહિ. તબિયતમાં સહેજ ગડબડ થાય તોપણ હવે સહન થતું નહિ. એમાં છેલ્લા કેટલાક દિવસોથી શરીરમાં તાવ ભરાયો.
લખમીમાને થયું, હવે જાવાની વેળા આવી. એમણે જોયું હતું કે ગામમાં તો આવી વેળા પણ જાણે એક પ્રસંગ બની રહેતો. સમાચાર મળે કે સગાંવહાલાં ક્યાં ક્યાંથી ખબર કાઢવા આવે. જીવતરનો સાર સમજાવે ને ધીરજ બંધાવે. કોઈ ભજન સંભળાવે. કોઈ કીર્તન કરે... આ તો કાંઈ નહિ. દીકરો ને વહુ, બેય જણાં પૂરી કાળજી રાખે છે ને દિલથી સારવાર કરે છે એની ના પડાશે નહિ, પણ આવી કાંઈ વાત નહિ.
લખમીમાને હવે મૃત્યુના જ વિચાર આવ્યા કરતા હતા. એમના ગામમાં તો આવી ઘડીઓ અંતિમ સંસ્કાર કરવા વિષેની પણ જાતજાતની વાત થાય. ગામમાં બે સ્મશાન હતાં- જૂનું ને નવું. ડોસાડાંગરાંનો આગ્રહ જૂના સ્મશાન માટે રહેતો. ઘણા તો છેલ્લી ઘડી સુધી એ માટે હઠ કરીને વેણ પણ લેતા. એ સ્મશાન દૂર હતું અને પૂરી સગવડ પણ ત્યાં નહોતી, પણ એ ભૂમિમાં કોણ જાણે શી આસ્થા રોપાઈ ગઈ હતી! શબને ગાડીમાં નાખીને લઈ જવું કે કાંધ ઉપર, એ વિશે પણ ચર્ચા ચાલતી. નસીબદાર માણસ છેક સુધી કાંધ ઉપર ચઢીને જતા. મોટા ભાગનાને ગાડીમાં જ સૂવું પડતું.
અહીં તો આવું કાંઈ સંભળાતું નથી, લખમીમાના મનમાં એ વાતેય ઉદ્વેગ થયા કરતો હતો, પણ છેલ્લી ઘડી આવી ત્યારે આંખ મીંચાતાં પહેલાં એમના કાને પડ્યું:
‘...ઈલેક્ટ્રિક સ્મશાન જ ઠીક પડશે.’
***
...કે પૂંછડીએ દોડાદોડી રે લોલ – સુરેશ દલાલ
હું સાત પૂંછડિયો ઉંદર છું.
રવિવારથી શનિ સુધીની મને પૂંછડીઓ ઊગે છે અને નથી ઊગતી તોય હું એને કપાવી નાખું છું અને કપાવી નાખતો નથી, મારી પૂંછડીએ પૂંછડીએ ઘડિયાળના કાંટા ને બસમાં આંટા ને ટ્રેનના પાટા કે પૂંછડીએ દોડાદોડી રે લોલ !
મારી પૂંછડીએ પૂંછડીએ ફોનના વાયર ને કારનાં ટાયર, હું કામમાં રિટાયર કે પૂંછડીએ પડાપડી રે લોલ !
એક દિવસ હું જન્મ્યો’તો, મારું નામ પાડ્યું’તું, મારું નામ અ,બ,ક, A,B,C, X,Y,Z, -મારા જનમના પેંડા વહેંચાયા -ને હું મોટો થતો ગયો ને ગાડાનાં પૈડાં ખેંચાયાં રે લોલ !
મને શાળામાં મૂકવામાં આવ્યો’તો, ચોકલેટ વહેંચવામાં આવી’તી, હું થોડો રડ્યો’તો, હું થોડો રમ્યો’તો, થોડું થોડું ભણ્યો’તો, થોડું થોડું પાસ થયો’તો પછી કોલેજ ગયો તો- મારી પૂંછડીએ ડિગ્રી તો લટકે રે લોલ ! મને વિદ્યા મળી છે કટકે કટકે રે લોલ !
પછી મને નોકરી મળી ને મને છોકરી મળી ને મારાં લગન થયાં પછી રિસેપ્શન યોજાયું ને ફોટાઓ પડાયા ને આલબમ બનાવ્યું ને આલબમ જોયું ને બીજાને બતાવ્યું-અમને પૂછો નહીં કેવો કલ્લોલ ફોટામાં અમે હસી રહ્યાં રે લોલ !
મારો એક બેડરૂમ ફ્લેટ, કને નાની-મોટી ભેટ, મારો મુંબઈ નામે બેટ, મારી નોકરી, મારા શેઠ, મારો બાબો, મારી બેબી, અમે ચાર જણાં, ઘણાં. અમને વાતેવાતે મણા. મારો ગુસ્સો નાગની ફણા ! આપણે નથી આપણા રે લોલ ! વાતે વાતે ભડકો બળે ને પછી તાપણાં રે લોલ ! ભેળપૂરી, પાંઉભાજી ને શીંગ-ચણા રે લોલ !
મારાં બૂટ, મારાં મોજાં, મારો નાસ્તો, મારી ચા, બાબાનું પેન્ટ, બેબીનું ફ્રોક, બર્થ-ડે પાર્ટીઓની જોક, પત્નીની સાડી, એની પર્સ, મારી ટાઈ-મારું શર્ટ-ઈચ્છાઓ બધી હેન્ગર પર લટકે રે લોલ ! ઈચ્છાઓ બધી હેન્ગર પર અટકે રે લોલ !
અમે આવ્યા તમારે ઘેર, તમે આવ્યા અમારે ઘેર, અમે પૂછ્યા તમારા ખબર, તમે પીધી અમારી ચા, તમે હસ્યા ને અમે કહ્યું વાહ, અમે હસ્યા ને તમે કહ્યું વાહ-જીવનમાં થઈ વાહ-વા વાહ-વા રે લોલ ! મરણમાં જીવન એક અફવા રે લોલ !
સવારે ગૂડ મોર્નિંગ કહ્યું, બપોરે ગૂડ આફ્ટરનૂન કહ્યું, રાતે ગૂડ નાઈટ કહ્યું, અમે અભિનંદન આપ્યાં, ક્યારેક દિલાસાઓ આપ્યા, ક્યારેક તાર, કોલ કર્યા, ક્યારેક તમે બિલ ચૂકવ્યું, ક્યારેક અમે બિલ ચૂકવ્યું, છાનુંછાનું ગણી લીધું, ધીમેધીમે લણી લીધું, લિયા-દિયા, દિયા-લિયા, પિયા-પિયા-પિયા-પિયા, લિયા-દિયા-લિયા-દિયા કે લાગણીનું તમરાંનું ટોળું રે લોલ ! સર્કલ મારું બહોળું બહોળું રે લોલ ! -સર્કલમાં સેન્ટરને ખોળું રે લોલ !
અમારે વાતે વાતે સોદો, અમને આંખોથી નહીં ખોદો, આજે સાચો કાલે બોદો. ઉંદર ફૂંક મારે ને કરડે, વાંદો મૂછો એની મરડે, તમરાં તીણુંતીણું બોલે, કીડી સાકરની ગૂણ ખોલે, તમારું માથું મારે ખોળે, મારું માથું તમારે ખોળે-તમે ઊંઘો એટલી વાર-પછી ઉંદર તો તૈયાર-ઉંદરને નહીં પીંજરની પરવા-ઉંદર ચાલ્યો બધે ફરવા-ઉંદર અંધારામાં તરવા તરવા આતુર રહે રે લોલ !
ઉંદરને નહીં બિલ્લીની બીક, ઉંદર કરે ઝીંકાઝીંક, ઉંદર પાસે જાદુઈ સ્ટીક, ઉંદર પહેરે કેવાં ચશ્માં, બિલ્લી રહી ઉંદરના વશમાં, ઉંદર સસલું થઈને દોડે, ઉંદર ખિસકોલીને ફોડે-ઉંદર અહીંયા-તહીંયા દોડે, ઉંદર બિલ્લીને અંબોડે મૂકે કાગળનાં ફૂલ ને અત્તર છાંટે રે લોલ ! કોણ કોને આંટે ને કોણ કોને માટે-ખબર કૈં પડતી નથી રે લોલ ! મને મારી પૂંછડી નડતી નથી ને તોય-જડતી નથી રે લોલ !
(‘ઝલક’)
***
[અનુવાદ] વગેરે – કુસુમાગ્રજ
(અનુ. જયા મહેતા)
કોઈ વાર તારા માટે
મનને ભરી દે
વાદળ પીતો
ચાંદલ નાતો
ઝાકળમાં જે
રહે ઘર બાંધી
પણ તે નહીં
.............પ્રેમ વગેરે
તારા શરીરે
કદીક પેટતી
લાલ કિરમજી
હજાર જ્યોતિ
તેમાં મળવા
પતંગ થાઉં
પણ તે નહીં
.............કામ વગેરે
કોઈ વાર શિવાલય
ઓઢીને તું
સામે આવે
શમી જાય હેતુ
મનમાં કેવળ
પણ હું નહીં
.............ભક્ત વગેરે
રંગીન આવા
ધુમ્મસ ધરવા
સાર્થ શબ્દ આ
બીજા નિરર્થક
તેની પારનો
એક જરા શો
દિસ સારો
.............ફક્ત વગેરે.
***
સાહિત્યમાં જીવનઃ પ્રસ્તુતતા ખરી, પણ વ્યાપકતા ક્યાં અને કેટલી? - ધ્રુવ ભટ્ટ
આ તબક્કે પણ મને પાક્કો ખ્યાલ નથી આવતો કે જીવન અને સાહિત્ય વચ્ચેનો સંબંધ ચોક્કસપણે શો છે? કેવો છે? અને કેટલો છે? પહેલાં હું વાંચતો ત્યારે મને જે થતું તે પરથી હું એવું માનતો કે સાહિત્યની લોકોના જીવન પર અને સામાજિક પરિસ્થિતિ પર ઘણી અસર થાય છે, પણ પછી હું લખવા માંડ્યો તો બહુ નિરાશ થયો છું.
અંગત વાત કરું, 'તત્વમસિ'ને મળેલો દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ લેવા ગયો. 2002નું વર્ષ. ત્યારે મેં એવોર્ડ સ્વીકારતા કહ્યું હતું કે, ‘મારા કાર્યને આ એવોર્ડ આપવામાં આવ્યો છે એટલે હું એ લઈ જાઉં છું, પણ આ પુરસ્કારને હું ઘરમાં પ્રદર્શિત નહીં કરી શકું, મારે એને પેટીમાં છૂપાવીને મૂકી દેવો પડશે. કારણ કે સાહિત્ય અને જીવન વચ્ચેના સંબંધ પરથી વિશ્વાસ ઊઠી જાય એવી બિનાઓ ગુજરાતમાં બની છે.’
જ્યારે બીજી તરફ, આનાથી સાવ ઊંધું પણ અનુભવાયું છે. ઘણા બધા ભાવકોના ફોન-મેસેજ-મેઈલ-પત્રો આવતા રહે છે, સંવેદનશીલ પ્રતિભાવો મળતા રહે છે. ‘સમુદ્રાન્તિકે’ વિશે “મને જીવવા માટે નવું બળ મળ્યું તેવું કહેતા ઘણાં પ્રતિભાવો મળ્યા”. બીજી એક વાત, 2001ના કચ્છભૂકંપ સમયની છે. રોયલ્ટીની બહુ મોટી રકમનો ચેક ઘરે આવી ગયો, મને થયું કંઈક ભૂલ થઈ લાગે છે. તપાસ કરી તો જાણવા મળ્યું કે કોઈ ભાઈએ ‘સમુદ્રાન્તિકે’ની સામટી 7૦૦૦ નકલ ભૂકંપ પીડિતોમાં વહેંચી છે, જેથી લોકો એ વાંચીને પોતાની હામ ટકાવી રાખે. મહારાષ્ટ્રના ચંદ્રપુરના એક 84 વર્ષી વડીલે ‘તત્વમસિ’નો મરાઠી અનુવાદ વાંચીને મને લખી જણાવ્યું હતું કે, પોતે તો આજ સુધી નર્મદા જોઈ નથી શક્યા, પણ એમના અસ્થિવિસર્જન નર્મદામાં જ કરવા ઈચ્છે છે.
આ રીતે, વિચારતાં લાગે કે, એકાદ-બે પ્રસંગો એવા બને છે કે જે સાહિત્યના જીવન સાથે ઘનિષ્ઠ અને જીવંત સંબંધ ઉજાગર કરતા લાગે ! પણ આખા સમાજ પર સાહિત્યની વ્યાપક અસરને ધ્યાનમાં લઉં, ત્યારે હું સ્પષ્ટ નથી થઈ શકતો.
જોકે હા, સાહિત્યસર્જનને તો જીવન સાથે સીધો જ સંબંધ છે. મારા સાહિત્યમાં તો એવું છે કે જે લખાયું છે એ મારા જીવાતા જીવન દરમિયાન મને મળ્યું છે. મેં જે જોયું, તળના લોકો પાસેથી જે મેળવ્યું, એ બધું સીધી લીટીમાં સાહિત્ય થઈ અવતર્યું. સમુદ્રાન્તિકે, તત્વમસિ, અકૂપાર, તિમિરપંથી વગેરે નવલકથાઓ જોયેલા-જાણેલા-અનુભવેલા પ્રસંગો પરથી જ સીધેસીધી લખાઈ છે. અને હા, જીવનના આ પ્રસંગો-અનુભવો-અનુભૂતિઓને એકતાંતણે બાંધવાનું વાર્તા કહેવાની કળા દ્વારા સિદ્ધ થાય છે.
મારા પર વાંચનની જે અસર રહી છે તે જોતાં લાગે છે કે, આજના જીવનમાં સાહિત્યની પ્રસ્તુતતા ઘણી છે, પરંતુ સાથે સાથે એમ પણ લાગે છે કે આજનું સાહિત્ય બહોળી સામાજિક અસર કરી શકવા સમર્થ નથી. હા એવું નથી બનતું-નથી સર્જાતું.
ઉદાહરણ તરીકે, દેશના ભાગલા વખતે પંજાબ સરહદેથી આવતા-જતા હિજરતીઓમાં હિંસાનું પ્રમાણ ઊંચું હતું, જ્યારે સિંધ સરહદેથી આવતા કે જતા માણસોમાં તેવા બનાવોનું પ્રમાણ નગણ્ય રહેલું. આવું થવા પાછળનાં કારણો ઈતિહાસકારો તપાસે તો સમજાય કે એક મહત્વનું કારણ તે સિંધ-કચ્છ અને આસપાસના પ્રદેશોમાં ફેલાયેલી સૂફી વિચારધારાની અસર હતી. ત્યાં ભિન્ન ધર્મના લોકો પણ એક સાથે રહી, સુમેળભર્યુ જીવન જીવી શકે તેવાં સાહિત્ય, ભજનો અને વાતો થતી રહેતી. ત્યાંની એ એકતા સાહિત્ય-કલાથી પોષણ પામેલી હતી. બન્ને કૌમના પીર-દેવતા એક હોય એવાં ઘણાં સ્થાનકો ત્યાં હતાં અને હજી છે !
આજનું સાહિત્ય એવી પ્રબળ અસર સરજી નથી શકતું તેનું કારણ શું તે હું નથી જાણતો, પણ જો એવી વ્યાપક અસર પાડવા સક્ષમ સાહિત્ય આજે સર્જાય, તો લોકો એને વાંચે જ નહીં, એવું બનવાની શક્યતા હું નથી જોતો. કારણ કે આજે પણ લોકો વાંચે છે અને વિચારે છે. પહેલાં હું એમ માનતો કે લોકોને વાંચવું નથી, પણ એવું નથી. હકીકતમાં લોકો બહુ જ વાંચે છે ને આજના યુવાનો પણ વાચનપ્રેમી છે. ભાષા જુદી હોઈ શકે, ગુજરાતી-અંગ્રેજી કે બીજી કોઈ, પોતે જાણતા હોય એ ભાષામાં, પણ લોકો વાંચે છે.
જેમ જીવનના અનુભવો પરથી લખવાનું થયું છે એમ લખવાને લીધે જીવન ઘડાયું હોય એવું પણ બન્યું છે. સમુદ્રાન્તિકેમાં ‘એકલીયા હનુમાનની વિદેશી સાધ્વી’નો એક પ્રસંગ છે, એની મારા પર એવી તો ઊંડી અસર થઈ છે કે, ‘ચોરી એ ખરેખર ચોરી છે જ નહીં.’ એ વાત હજી પણ મારી કથાઓમાં પુનરાવર્તન પામ્યા કરે છે.
સાહિત્યને લીધે બીજી એક અસર ચોક્કસપણે થાય છે તે એ કે જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ પ્રભાવિત થાય છે. જીવવાની રીતને જુદી રીતે જોવાની ટેવ પડે છે. અગાઉ કહ્યું તેમ, લોકાભિમુખ સાહિત્યની વાચકોના જીવન પર પણ અસર પડે છે.
મને મળતા પ્રતિભાવો પરથી આ બધું કહું છું. મારા વાચકોમાં નવમા ધોરણના વિદ્યાર્થીઓથી માંડી વયોવૃદ્ધ સુધીના છે. પત્રો, ઇ-મેઇલ, ફોનકોલ કે વ્હોટ્સએપ દ્વારા મને સતત એમના પ્રતિભાવો મળ્યા કરે છે. અમુક વાચકો તો આપણને નવાઈ લાગે એવું એવું કરે છે. અકૂપાર વાંચીને કેટલાક લોકોએ ટીશર્ટ પર ‘ખમ્મા ગયરને’ છપાવ્યું છે. ગીરનાં જંગલોમાં ફરવા જનારા લોકોની ત્યાંનું વાતાવરણ જોવાની દ્રષ્ટિ બદલવામાં પણ અકૂપાર નિમિત્ત બની છે. ‘તિમિરપંથી’ની એક બહેન પર એટલી બધી અસર થઈ કે એમને પોતાના જન્મ-કૂળ પર રંજ થઈ આવ્યો, અને પાછાં એ કોઈ લાગણીશીલ તરુણી નહોતાં, ૬૦-૭૦ વર્ષનાં, શિક્ષિત બહેન હતાં. જોકે આવી ઘટનાનો યશ લેખક કરતાં વધુ તો વાચકને થયેલી અનુભૂતિને અને તેની જીવંત સંવેદનાઓને હોય.
ટૂંકમાં, સાહિત્યની વ્યાપક અસર ઝીલનારા લોકોની સંખ્યા તો ઘણી મોટી છે એ પૂરવાર થયું છે, પણ સમાજમાં એવા સરેરાશ લોકો કેટલા કે એમની ટકાવારી કેટલી? એ નક્કી કરવું મુશ્કેલ છે.
સાહિત્યવાચનનો સવાલ છે ત્યાં સુધી હું માનું છું કે આવનારી પેઢીઓ પણ વાંચશે તો ખરી. કદાચ હવે પુસ્તકોને બદલે ઈ-બૂક વંચાશે કે કંઈક નવું શોધાશે. નવી પેઢીને કયા માધ્યમથી સાહિત્ય આપવામાં આવે છે એ બાબત પર ઘણો મોટો આધાર છે. એમને પસંદ પડે એવી સામગ્રી હોય તો તે જરૂર વાચશે. કેમ ન વાચે? વાચન, માનવીની મૂળભૂત જરૂરિયાતોમાંની એક બની ગઈ હોય એવું લાગે છે. સાતમા ધોરણમાં ભણતી મારી પૌત્રી આયાંએ ઘરમાં જ લાઇબ્રેરી શરૂ કરી છે. એની સાથે ભણતા પાંચમા-છટ્ઠા-સાતમા ધોરણના વિદ્યાર્થીઓ પુસ્તકો બદલાવવા આવે. પુસ્તકો વંચાઈ જાય તો કહે કે, ‘બીજાં પુસ્તકો લાવી દો, આ બધાં તો વાંચી લીધાં.’ એ પુસ્તકો એ બાળકો જેવાં જ હોય. અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં ઉપર-નીચે લખ્યું હોય એવી દ્વી-ભાષી-ડ્યુઅલ લેન્ગવેજની ચોપડીઓ પણ એ બાળકો માટે ત્યાં રાખી છે. જ્યારે થોડાં મોટાં બાળકો નવલકથા ને ચિંતન લેખોનાં પુસ્તકો પણ વાંચે, ઘરે મમ્મી માટે પણ લઈ જાય. આ બધા પ્રત્યક્ષ અનુભવો સાહિત્યની જીવંતતાના પૂરાવા આપે છે. એના પરથી કહી શકું છું કે આવનારાં વર્ષોમાં પણ લોકો સાવ નહીં વાંચે એવું તો નહીં બને, હા, આધુનિક માધ્યમો વધી ગયા છે એટલે મોબાઈલસ્ક્રીન પરના વાંચન પછી બીજું વાંચવાનો સમય ન રહે એવું થાય, પણ એનો અર્થ સાહિત્ય-વાંચન બંધ થઈ જશે એવો નથી.
(ચર્ચા- તુમુલ બુચ)
***
[અનુવાદ] એક મૂરખ - ફ્રેડરિક નિત્શે
શું તમે કદી એ મૂરખ વિશે નથી સાંભળ્યું? જે પ્રભાતના ઊજળા પહોરમાં પણ ફાનસ સળગાવીને ઊભી બજારે રાડો નાખતો ફરે છે કે ‘હું ઈશ્વરને શોધી રહ્યો છું... હું ઈશ્વરને શોધી રહ્યો છું...’ બજારમાં તો ઈશ્વરમાં ન માનનારા લોકો પણ હોય, જેમના માટે તો આ મૂરખ મશ્કરીનું માધ્યમ જાણે! એક પૂછે: ‘કેમ? તારો ઈશ્વર ખોવાઈ ગયો છે?’ બીજોઃ ‘કે એ નાના બાળકની જેમ માર્ગ ભટકી ગયો છે?’ ત્રીજોઃ ‘કે પછી એ બધાથી છુપાતો ફરે છે? શું એ આપણા બધાથી ગભરાય છે?’ ચોથોઃ ‘શું એ કોઈ મહાન સમુદ્રી સફરમાં નીકળી પડ્યો છે?’ પાંચમોઃ ‘કે એ પરદેશ સ્થળાંતરિત થઈ ગયો છે?’
આમ મૂર્ખ પર હાસ્યની છોળો ઊડતી રહી, પણ ટોળાની વચ્ચે કૂદી પડી, સહુને અચંબિત કરી નાખતી નજરે તાકીને એ ચીસ પાડી બોલ્યોઃ “આખરે ક્યાં છે ઈશ્વર? હું સાચ્ચેસાચ્ચું કહું તમને બધાને? કહું? આપણે એની હત્યા કરી નાખી છે, તમે અને મેં! આપણે સહુ ઈશ્વરના હત્યારા છીએ, તમે અને હું! પણ આશ્ચર્ય છે કે આપણે આ ચમત્કાર કેવી રીતે સર્જ્યો? આપણે કેવી રીતે દરિયો પી ગયા? આખી ક્ષિતિજરેખાને લૂછી નાખે એવું લુછણિયું આપણને કોણે આપ્યું? આ પૃથ્વીને એના સૂર્યથી જુદી પાડી દેવા આપણે શો કરતબ કર્યો? હવે આ પૃથ્વી ક્યાં પ્રદક્ષિણા કરી રહી છે? ક્યાં જઈ રહી છે? આપણે ક્યાં જઈ રહ્યા છીએ હવે? બધા જ સૂર્યોથી દૂર? શું આપણે સતત માત્ર નાસભાગ નથી કરી રહ્યા? આગળ, પાછળ, આસપાસ બધેય, બધી જ દિશામાં બસ દોડાદોડ? શું હજીયે ઉપર અને નીચે એવા ભેદ છે? શું આપણે માત્ર અસીમ ખાલીપામાં રખડી નથી રહ્યા? શું આપણા માથે શૂન્યતા ઉચ્છવાસ નથી છોડી રહી? હવે શું એ વધારે શૂન્યવત્ નથી અનુભવાઈ રહી? હવે શું (એક રાત-એક દિવસના સ્થાને) એક અંધારી રાત પછી એનાથી વધારે અંધારી રાત ને એમ વધારેને વધારે અંધારી રાતોનું જ ચક્ર નથી ચાલી રહ્યું? શું ખરેખર આપણે બધાએ દિવસના પ્રકાશમાં પણ ફાનસો સળગાવવાની જરૂર નથી? શું આપણને ખરેખર હજી કબર ખોદી ઈશ્વરને દાટી રહેલા ડાઘુઓનો અવાજ નથી સંભળાઈ રહ્યો? શું હજી આપણને કોઈ ઈશ્વરીય સડાની ગંધ નથી અકળાવી રહી? કારણ કે ઈશ્વરો સુદ્ધાં સડી જાય છે. ઈશ્વર મૃત્યુ પામ્યો છે. હવે ઈશ્વર માત્ર મૃત સ્વરૂપે જ વધ્યો છે, કારણ કે આપણે એને મારી નાખ્યો છે. આપણે હવે આપણી જાતને દિલાસો પણ શો આપીએ? હત્યારાઓમાં આપણે સૌથી મોટા હત્યારા થયા છીએ. આ જગતે જાણેલા સૌથી પવિત્ર ને શક્તિશાળી તત્વને આપણે આપણા ચાકુઓથી મોતને ઘાટ ઊતારી દીધું. હવે આપણા પર વળગેલા આ લોહીના ડાઘ કોણ લૂછશે? આપણા આ લાંછનને ધોવા આપણા પાસે કયું દિવ્ય જળ છે હવે? એ માટે આપણે હવે કેવા શોકોત્સવ કે પવિત્ર ક્રીડાની શોધ કરવી પડશે? શું આપણા આ કૃત્યની વિરાટતા આપણા માટે વધારે પડતી વિરાટ નથી? તો શું હવે આ પ્રચંડ કૃત્ય આપણે જ કર્યું છે એ સાબિત કરતા રહેવા આપણે પણ પ્રચંડ નહીં થઈ જવું પડે? શું હવે આપણે જ ઈશ્વર નહીં બની જવું પડે? આનાથી મોટી કોઈ ઘટના આજ સુધી ઘટી નથી. આપણા પછી હવે જે કોઈ આ જગતમાં જન્મશે એ આ ઘટનાને કારણે અત્યાર સુધીના તમામ ઈતિહાસો કરતાં ઊંચા દરજ્જાના ઈતિહાસના ગણાશે...” આટલું બોલી મૂર્ખ બોલતો અટક્યો. એણે એના શ્રોતાઓ ઉપર એક દ્રષ્ટિ ફેરવી. સહુ એને આશ્ચર્યભરી નજરે ચુપચાપ તાકી રહ્યા હતા. મૂર્ખે એનું ફાનસ જમીન પર છોડી દીધું. ફાનસ પછડાતાં જ તૂટ્યું ને બુઝાઈ ગયું. પછી એ ફરી બોલ્યોઃ ‘હું બહુ જલદી આવી ગયો છું. હજી મારો સમય નથી થયો. આ રાક્ષસી ઘટના હજી તો એના માર્ગમાં છે. હજી એ પ્રવાસ કરી રહી છે. હજી એ મનુષ્યના કાન સુધી નથી પહોંચી. વીજળીના ચમકારા અને મેઘગર્જનાને સમય લાગે છે. સિતારાના પ્રકાશને સમય લાગે છે. મહાઘટનાઓને સમય લાગે છે, એ ઘટી ગયા બાદ પણ, એને જોઈ શકવા ને સાંભળી શકવા માટે ઘણો સમય લાગે છે. આ ઘટના તો સૌથી દૂરસુદૂરના સિતારા કરતાં પણ ઘણી દૂરની છે, છતાં એ પાર પડી છે.’
આ પછી નોંધાયું છે કે એ મૂર્ખ એ જ દિવસે અનેક દેવળોમાં પણ ગયો અને ત્યાં પણ એ ઈશ્વર માટેનાં એનાં આવાં મરશિયાં ગાતો રહ્યો. બધેથી એને તગેડી મૂકાયો, પણ જ્યારે-જ્યારે એને એના બબડાટનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું, ‘હવે આ બધાં દેવળો પણ આખરે શું છે? સિવાય કે ઈશ્વરની કબરો ને પાળિયા...’
(ભાવાનુવાદ - સુનીલ મેવાડા)
***
ગૃહ’ યુદ્ધ - નીરજ કંસારા
આખા દિવસના ભણતરથી કંટાળેલા ચિન્ટુને હવે ઘરે આવીને લેશન કરવાનો કંટાળો આવતો હતો. પરંતુ મમ્મી સામે તેની એક પણ દલીલ ન ચાલી. અંતે તેણે બળવો પોકાર્યો અને પોતાના હાથમાં રહેલાં પુસ્તકો હવામાં ઉડાડી દીધાં. ધોળા કબૂતરની માફક ચોપડાઓ ઉડ્યાં. ચિન્ટુનો આ વિદ્રોહ રોજનો હતો. બાલીશ વિરોધપક્ષ જેવું તેનું મન ક્યારેય પણ એક સમાધાનથી સંતુષ્ટ હતું જ નહીં. ચિન્ટુના વિદ્રોહે મમ્મીનો પારો ચઢાવ્યો અને રસોડામાંથી બેલેસ્ટિક મિસાઈલસમું વેલણ ઊડતું ઊડતું ચિન્ટુના છાતી પર જઈને લેન્ડ થયું.
અમેરિકાએ પહેલો હુમલો કરી દીધો અને મધ્યપૂર્વના નાનકડા દેશની જેમ નિઃસહાય ચિન્ટુએ પોતાનો વિલાપ શરૂ કર્યો. આ વિલાપ સાંભળીને ચિન્ટુના પપ્પા અકળાયા, રશિયાની જેમ તેઓ પણ આ મધ્યપૂર્વના દેશની મદદે આવ્યા. રશિયા સમા પપ્પાએ મધ્યપૂર્વના દેશ સમા ચિન્ટુ પાસે સહાનુભૂતિ દર્શાવી. અમેરિકા પર હુમલો કરવાની જગ્યાએ તેઓ શાંત રહ્યા. આમ પણ અમેરિકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધનો અશાંત ઈતિહાસ હજી શીત નથી થયો એટલે કે ઠંડો નથી પડ્યો... આ ઉકેલ વાતચીતથી જ શક્ય છે એવા શાંતીપ્રિય વલણ ધરાવતા લોકોને યાદ કરીને શું થયું તેની પૃચ્છા કરવા ચિન્ટુના પપ્પાએ રસોડા તરફ પ્રયાણ કર્યું. દર વખતની જેમ અમેરિકાએ રશિયા પર આક્ષેપ કર્યો કે, ‘તમારા લાડને કારણે જ આ જ બગડી ગયો છે(દેશ કે ચિન્ટુ તે પૂછવું અસ્થાને)’ અન્ય સામે સારું દેખાડવાનો પ્રયત્ન કરવા પપ્પાએ થોડો વિરોધ કર્યો, પરંતુ અમેરિકાનો ગુસ્સો ચરમ સીમાએ હોય, તેમણે વધુ વાદવિવાદ માંડી વાળ્યા.
જોકે પોતાના થયેલા અપમાનનો બદલો ક્યારે વાળવો એ વિચાર સાથે તેમના મગજમાં ગોળમેજી પરિષદો ભરાવવા લાગી. રોજ રાત્રે ઘરના ડાઈનિંગ ટેબલ પર થતી સંયુક્ત રાષ્ટ્ર સમી બેઠકોમાં જ આનો નિવેડો લાવવો એવો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો. રશિયાને કોઈ પણ દેશ વગર સ્વાર્થે ટેકો આપતો નથી અને રશિયા પોતે પણ વગર સ્વાર્થે કોઈને ટેકો કરતું નથી એટલે આ બેઠકમાં કોઈનો ટેકો મળે કે નહીં તે અંગે પણ રશિયા સમા પપ્પા થોડા ચિંતામાં મૂકાયા.
ટેબલ પર ભોજન સમયે સંયુક્ત રાષ્ટ્રમાં થતી ચર્ચાઓ શરૂ થઈ અને તેમણે ચિન્ટુના વિદ્રોહ પર થયેલા હુમલાનો પ્રસ્તાવ મૂક્યો અને અમેરિકા મધ્યપૂર્વના દેશ પાસે માફી માગે તેવી માગણી કરી. અમેરિકાએ કહી દીધું કે આ હુમલો મધ્યપૂર્વના દેશના ભલા માટે જ હતો, નહીં કે પોતાના સ્વાર્થ માટે, તરત જ ચિન્ટુનાં દાદી બ્રિટન બની ગયાં અને અમેરિકાની હામાં હા પાડવાં લાગ્યાં. તેમણે આવા હુમલાને યોગ્ય ઠેરવ્યો, જ્યારે ફ્રાંસ-જર્મનીસમા ચિન્ટુના દાદાએ સ્વાયત્તાનો મુદ્દો સામે ધરીને આ અંગે કાંઈપણ બોલવાની નકાર ભણી દીધી.
રશિયા પર પોતાની જ વ્યુહરચના બૂમરેન્ગ થઈ. આખરે તેમણે અમેરિકા પર આક્ષેપોનો વણઝાર કરી દીધો. કોઈપણ પ્રકારની મંજૂરી રશિયાને અમેરિકા દ્વારા મળતી ન હોવાનો આક્ષેપ તે વણઝારોમાં મોખરે હતો. રશિયાએ બે વાર કરતાં વધારે ચા નહીં માગવી-નહીં પીવી એવો પ્રતિબંધ લાદવાની વર્ષો જૂની વાત પણ આજે ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી. તો અમેરિકાએ ફરી એકવાર રશિયાએ પોતાની સંધિભંગ કરી હોવાનો આક્ષેપ કર્યો અને પોતાની મનમાની કરતું હોવાના પુરાવાઓ પણ આ ચર્ચામાં સહુની સામે ધરવામાં આવ્યા...
અલબત્ત, એ જણાવવાની જરૂર નહીં હોય કે આ આખી ચર્ચામાં મધ્યપૂર્વના દેશ સમા ચિન્ટુની છાતી પર થયેલા હુમલા અને તેના દર્દ વિશે તમામ ભૂલી ગયા હતા...
***
[બાળજગત] ખુશી
પહાડો વચ્ચે ઘેરાયેલું એક નાનકડું ગામ હતું. એમાં બહાદુર અને ટોમી નામના કુતરો અને માણસ રહેતા હતા. અરે! એક મિનિટ માણસનું નામ ટોમી અને કુતરાનું નામ બહાદુર છે, હો! ઊંધું ન સમજતા. એ બંને રોજ મળસ્કે માછલી પકડવા જતા. મળસ્કે કોઈ જાતનો અવાજ ન હોય, વાતાવરણ શાંત હોય એટલે માછલી જલ્દી પકડાઈ જાય.
આજે પણ એ બંને પોતાની નાનકડી હોડકીમાં નીકળ્યા હતા. ટોમીસિંઘ માછલી પકડવાના કાંટામાં ચારા તરીકે અળસિયા ભેરવી રહ્યો હતો. એ અળસિયા ખાવા માછલીઓ આવતી અને કાંટામાં ભેરવાઈ જતી. ત્યારે બહાદુર ઊછળકુદ કરતો હોડકીમાં ભમરા પાછળ દોડી રહ્યો હતો. ત્યાં જ અચાનક બહાદુરે જોયું કે એક માથા પર પૂછડીવાળો... અરરર પૂછડી નહિ માથા પર કલગીવાળો બગલો આવીને હોડકી પર બેઠો. ધીમે રહી એ બગલાએ અળસિયાના ડબ્બામાં ચાંચ મારી એક અળસિયું પકડી લીધું. એ જોઈ બહાદુર ભડક્યો અને ભોકવા માંડ્યો એટલે પેલો બગલો ફરરર કરતો ઊડી ગયો. પણ આ તરફ માલિક ટોમીને ખબર પડી નહિ અને અવાજ કરતા બહાદુરને એ ચુપ રાખવા ગુસ્સે ભરાયા. બહાદુર નિરાશ થઇ બેસી ગયો. ત્યાં અચાનક ફરી પેલો ખાઉધરો બગલો આવ્યો અને ફરી અળસિયાના ડબ્બામાં ચાંચ મારી, ફરી બહાદુર ભોકવા માંડ્યો, ભોકવાના અવાજથી ચાર સુધી આવેલી માછલીઓ પાછી વળી જાય એટલે ફરી ટોમી ગુસ્સે ભરાયો અને બહાદુરને હોડીના નાકે ચુપચાપ બેસી જવા કીધું.
થોડીવાર પછી ફરી પેલો બગલો આવ્યો અને જેવો ચાંચ મારી અળસિયું પકડ્યું કે એક તરફથી બહાદુરે તરત ઉછળીને એ અળસિયાને પકડી લીધું. પછી તો બંને એ રબર જેવા લાંબા થતા અળસિયાને પકડી ખેંચ-તાણ કરવા માંડ્યા. એવામાં એ અળસિયું બંનેની પકડમાંથી છૂટી ગયું અને બંને એકબીજાથી દૂર હોડીમાં ફેંકાઈ ગયા. ધક્કો લગતા આ વખતે ટોમીસિંઘ એ બગલાને જોઈ ગયા કે તરત હલેસું લઇ મારવા દોડ્યા અને લગાવી એક જોરથી. એ બગલો તો ગભરાઈને નાઠો. બહાદુર એ બગલાને દૂર સુધી જતા જોઈ રહ્યો. બગલો ઊડી નિરાશ થઇ પાછો માળામાં ગયો, જ્યાં એના ત્રણ બચ્ચા હતા. બચ્ચા ખાવાનું માગવા માંડ્યા. હવે એની પાસે અળસિયા તો હતા નહીં. તો એને પહેલાથી પકડેલી માછલી બચ્ચાઓને આપી પણ બચ્ચાઓથી એ માછલી ગળાતી નહિ એટલે બિચારા રડવા માંડ્યા. એ જોઈ બહાદુરને પસ્તાવો થવા લાગ્યો કે એના લીધે બિચારા પેલા બચ્ચાઓ ભૂખે રહી ગયા હતા.
બહાદુરે ટોમી જોઈ ન જાય એમ અળસિયાના ડબ્બામાંથી બધા અળસિયા કાઢી હોડકીની પાળ પર નાખ્યા અને દૂર ખસી ગયો. એ જોઈ તરત બગલો આવ્યો ને એ બચ્ચા માટે લઇ ગયો. બગલો તો ખુશખુશ થઇ ગયો, પણ બગલો અને એના બચ્ચાઓને ખુશ કરવા જતા બહાદુર હવે ઉદાસ હતો કેમ કે અળસિયા તો બધા એણે બગલાને આપી દીધા હતા અને હજી એક પણ માછલી પકડાઈ તો ન હતીને? એટલે? એટલે કે આજે એના સાથે એના માલિક ટોમીને પણ કદાચ ભૂખ્યા રહેવાનો વારો આવે એમ હતું. એ વિચારોમાં એ નિરાશ થઇ બેસી ગયો. ત્યાં એક અવાજથી એ ઝબકયો. જોયું તો એ જ બગલો ફરી આવ્યો હતો. શું એ પાછો હજી વધારે અળસિયા માગવા આવ્યો હતો? ના, આ વખતે એ પોતાની મોટી ચાંચ ભરીને બહાદુર માટે માછલીઓ લાવ્યો હતો. એ બધી માછલીઓ બહાદુર તરફ નાખી બગલો ઊડી ગયો. અવાજથી માલિક ટોમીસિંઘ પાછળ ફર્યો અને આટલી બધી માછલીઓ જોઈ ચોંકી ગયો. ખુશ થતા થતા એ બહાદુર પાસે આવ્યો અને એને શાબાશી આપવા માંડ્યો. કેમ કે બહાદુરના લીધે જ આટલી બધી માછલીઓ મળી હતી. બહાદુર ફરી ખુશ થઇ હોડકીમાં ઊછળકુદ કરી ભમરાઓ પકડવા માંડ્યો. ત્યારે બહાદુરને સમજાયું કે સાચી ખુશી તો બીજાને ખુશ રાખવામાં જ છે. દૂર સૂરજ ઊગી ગયો હતો અને હોડકી પાછી કિનારા તરફ વળી ગઈ હતી.
***
(આ કથા જે વિડિયો પરથી તૈયાર થઈ સાહિત્યાર્થીઓ સાથે ઉજવાઈ, એ વિડિયો જોવાનો વેબકાંઠો - https://www.youtube.com/watch?v=1lo-8UWhVcg)