જાણવા અને પારખવા વચ્ચેથી પસાર થઈ જતી કવિતા - સુનીલ મેવાડા
ક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મેં કુટીર.
કઇ રે ઋતુના આભે વાયરા, કઇ મેં ઝાલી છે દિશ;
........................................નહીં રે અંતર મારું જાણતું;
કેવાં રે વટાવ્યાં મેં આકરાં, ઊંચા ઊંચા પહાડ;
કેમ રે વટાવી ઊભી માર્ગમાં, અંધારાની એ આડ:
.......................................નહીં રે અંતર મારું જાણતું;
વગડે ઊભી છે નાની ઝુંપડી, થર થર થાયે છે દીપ,
તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં પ્રીત.
.....................................મારા રે હૈયાને તેનું પારખું.
પડ્યા રે મારા પગ જ્યાં બારણે, સુણિયો કંકણનો સૂર;
મૃદુ એ હાથો દ્વારે જ્યાં અડ્યા, પળમાં બંધન એ દૂર.
મારા રે હૈયાને તેનું પારખું.
ફરીને કુટિરદ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર,
પછી રે હૈયાં બેઉ ખોલિયાં, જેમાં દુનિયા હજાર,
....................................મારા રે હૈયાને તેનું પારખું.
– પ્રહલાદ પારેખ
આપણા સહુના સૌભાગ્ય છે કે પ્રહલાદ પારેખની કવિતાઓ લોકજીવનની જુબાની બનીને આપણી પાસે સચવાયેલી છે. અતિશિષ્ટ અને અતિલૌકિક એમ બંને પ્રકારના શબ્દશરીરમાં એમણે કાવ્યભાવોને શણગાર્યા છે એ એમની અનેરી સિદ્ધિ છે. છંદોમાં એમણે કસબ સિદ્ધ કર્યો છે તો લોકલયમાં કલા. લોકોની જીભે રમતા લયમાં ઉન્માદી કાવ્યભાવ પ્રકટાવવાની ફાવટ એમની કલમની જ નહીં, આપણા કાવ્યસાહિત્યની પણ વિશેષ ઉપલબ્ધિ છે. ‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો, આજ સૌરભભરી રાત સારી..’ જેવી પંક્તિઓ વાંચીએ ત્યારે સમજાય કે ઉમાશંકર જોશીએ પ્રહલાદ પારેખની કવિતાઓને સાચી જ રીતે ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહી છે.
આ કવિતા પણ આમ સામાન્ય છે. સામાન્યતાને સ્પર્શતું રસસિદ્ધ સાહિત્ય અહીં ઝીલાયું છે. લોકોની જીભે ને હૈયે જીવતી રચનાઓમાં એક લક્ષણ મોટાભાગે જોવા મળે છે એ છે કથન. પ્રાસના માધ્યમથી કંઈક રોજિંદા જીવન સાથેની વાત કહેવાય ત્યારે સહજતાથી તે લોકોમાં ઝીલાઈ જાય છે. અહીં પણ વાત, પરંપરાગત ચાલી આવતી, વિરહી પળોની જ છે છતાં એના મિજાજમાં કંઈક જુદું જ તત્વ ઉમેરાયું છે.
વચ્ચેથી ઉપાડ લઈ પહેલા ફક્ત એક જ પંક્તિની વાત કરીએ.
મારા રે હૈયાને એનું પારખું...
સંસારમાં વસ્તુસામગ્રીના પારખા કરીને ઈન્દ્રિય જ્ઞાન મેળવે, મગજ માહિતી મેળવે, પણ ચેતના કે અનુભૂતિના પારખા સરળ નથી. એવી હિંમત કરે તોય માત્ર હૈયું... ત્યાં મગજનું કામ નહીં. જોકે મોટા ભાગે તો તેવા સંવેદનાત્મક પારખા હૈયુંય કરે નહીં, પણ આપોઆપ જ થઈ જાય. આપણે પોતે કોઈ મનુષ્ય સાથે થોડાંક વર્ષો રહીએ એટલે સાયાસ પારખા વગરેય આપણા હૈયાને ખબર પડી જાય છે કે મુજ બાળને પેલાં કાકી તો ઉપરછલો દેખાવપૂરતો જ લાડ કરતાં અને મમ્મી સાચકલો ! એ હૈયાએ અનુભૂતિઓની લીધેલી પરખ છે.
અહીં દેશાવરે ગયેલા પતિ(આપણા નાયક)ને એ જ્યાં સદેહે છે-હતો એની ખાસ માહિતી નથી પણ જ્યાં એની પ્રીત-ગામડે રાહ જોતી-એને ઝંખતી-ઊભી હશે એ સ્થળનું સંપૂર્ણ પારખું છે, કારણ કે ત્યાં એનું ચેતનાતંત્ર એના અંશેઅંશથી જોડાયેલું છે.
હવે ફરી આ કવિતાના એકડા પર આવીએ.
નાયક ઉવાચઃ ક્યારે દીવો બૂઝાયો, ક્યારે રહેવાસ છોડ્યો, ઠંડીગરમી કે ચોમાસામાંથી કઈ મૌસમની આબોહવા વ્યાપી છે કે મારાં ડગલાં કઈ દિશામાં મંડાઈ રહ્યાં છે વગેરેવગેરે બાબતોથી મારું અંતર અજાણ છે. (નાયક એનું અંતર અ-જાણ હોવાની વાત કરે છે, એ અંતર એટલે અનુભૂતિતંત્ર સાચવતું હૈયું નહીં, પણ માહિતીતંત્ર સાચવતું મન છે. એ અંતર પરિસ્થિતિઓ કેવી રીતે સર્જાઈ એનાથી અજાણ છે, જેમ કે ક્યારે ઘર મૂક્યું ને ક્યારે દીવો ઓલવાયો કે ઓલવ્યો?! પછી, આ કઈ ઋુતુ ચાલી રહી છે એમ પૂછવાને બદલે, આભે કઈ ઋતુના વાયરા વાય છે એવો કાવ્યાત્મક પ્રશ્ન કરી નાયક જાહેર કરે છે કે આ ભૌતિક વિગતો વિશે તેને કશી જાણ નથી.)
એ જ રીતે અહીં સુધી પહોંચવામાં કપરી વનવાટ વટાવી, ઊંચા પહાડો ઠેંક્યા ને અંધારાની દીવાલ પણ ભેદી એ ખરું, પણ એ આપણને માહિતી આપવા પૂરતું જ, અગાઉ ઉલ્લેખ્યું એ નાયકનું અનુભૂતિતંત્ર તો એનાથી નિ-સ્પર્શ્ય છે. કશુંક પાર કરીને કશેક પહોંચ્યાની જાણ એને છે, પણ જે પાર કર્યું એ શું હતું ને જ્યાં પહોંચાયું છે એ શું છે, એની કશી નોંધ નાયક પાસે નથી, નાયકની દ્રષ્ટિ સામે તો છે, વગડે ઊભેલી એક માત્ર ઝૂંપડી.
જ્યાં એકલવાસથી કંટાળેલો દીવો થરથર થાય છે, ત્યાં નાયકના જીવનતંત્રના એક માત્ર ચાલકબળ-પ્રીત-નો વસવાટ છે... અને અત્યાર સુધીની જગત માત્રની તમામ બાબતે અજાણ હોવાનું કહી વાત ટાળવા મથતો નાયક, કવિતામાં પહેલીવાર ચોખ્ખો દાવો કરે છે કે હા, હા મિત્રો હા, મારા હૈયાને આ એક બાબતનું પાક્કું પારખું છે. હું એને બરાબર પિછાણું છું, જાણું છું, માણું છું...
એ ઘરના બારણે પગ પડતાંકને કંકણનો સૂર ટહૂકી ઊઠે છે. દરવાજે જેવો કોઈ મૃદુ સ્પર્શ અડે છે કે તરત (આ ક્ષણે દરવાજારૂપી ને એ પહેલાંનાં વિરહરૂપી) તમામ બંધનો તૂટી જાય છે. બંધનમુક્તિ પછી તરત આરંભાય છે બંધનરહિત મિલનોત્સવ. ઘરપ્રવેશ સાથે બહારની દુનિયાને બહાર હડસેલી બારણાનાં બે પડ ભીડવામાં આવે છે અને ખોલવામાં છે હૃદયનાં પડ, જેમાં બહારની એક દુનિયાની અવેજીમાં બીજી હજાર દુનિયા સજીવન થાય છે.
અને હા, એ દુનિયાઓનું પણ પાક્કું-પૂરેપૂરું પારખું (આ વખત ફક્ત નાયકના જ હૈયાને નહીં, પેલા મૃદુ હાથ ધરાવનારી વ્યક્તિના હૈયાનેય ખરું) હોવાનું ! અહીં કવિતા સાથે સંવેદનાને પણ ઉન્માદી ઊંચાઈ લઈ જતી છેલ્લી પંક્તિ તો જાણે કોઈ ઉત્સવ સમાન બની જતી લાગે છે !
1912માં ભાવનગરમાં જન્મેલા આ કવિને શબ્દ પાસેથી કવિતાકામ લેવામાં રસ છે, એને મરોડવા માટે મથવાનો એમનો મિજાજ નહીં. ભાવનગરની શ્રી દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ ભટ્ટ જેવા પ્રખર પંડિતના સાહિત્યસંસર્ગથી શરૂ થઈ એમનું ઘડતર, ગૂજરાત વિદ્યાપીઠ-સ્વાતંત્ર્ય ચળવળથી પસાર થતુંથતું શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથની છત્રછાયા સુધી લંબાયું. 50 વર્ષના ન લાંબા-ન ટૂંકા આયુષ્યમાં તેમણે ગુજરાતી કવિતાને નોખી સમૃદ્ધિ આપી છે એ તો કબૂલવું જ પડે. ‘બારી બહાર’ એ એમનો જ નહીં, ગુજરાતી કવિતાના અભ્યાસમાં પણ નોંધનીય કાવ્યસંગ્રહ નીવડ્યો છે. શીર્ષકનું સ્પષ્ટ મહત્વ એમની કેટલીય કવિતાઓમાં તરી આવે છે. એવી જ ટચૂકડો કાવ્યચમત્કાર કરતી એમની ‘અંધ’ શીર્ષક ધરાવતી કવિતા જોઈએ.
નૈન તણાં મૂજ જ્યોત બૂઝાણાં, જોઉં ન તારી કાય
ધીમાધીમા સૂર થતા જે, પડતા તારા પાય
સૂણીને સૂર એ તારા
માંડું છું પાય હું મારા
ઝૂલતો તારે કંઠે તાજા ફૂલડાં કેરો હાર
સૌરભ કેરો આવતો એનો ઉર સુધી મુજ તાર
ઝાલીને તાર એ તારો
માંડું છું પાય હું મારો
વાયુ કેરી લહરીમાં તુજ વસ્ત્ર તણો ફફડાટ
શોધતો એ ફફડાટ સુણી મારા જીવન કેરી વાટ
ધ્રુજંતા પગલાં માંડું
ધીમેધીમે વાટ હું કાપું
સૂર સૂણો, ને આવે ---- ફૂલસુવાસ
વસ્ત્ર તણો ફફડાટ સૂણું હું એટલો રહેજે પાસ
ભાળું ન કાયા તારી
નૈનોની જ્યોત બૂઝાણી...
સ્નેહ છે, સંબંધ છે, સહજીવન પણ છે છતાં બે જન વચ્ચે એક મહાન દૂરતા આવી ગઈ છે. એ દૂરતાના કરુણ દારિદ્રયને અલૌકિક સ્નેહના તંતૂ દ્વારા ભૂલાવવા મથતાં સંવેદનોનું આ કાવ્ય. મારા પ્રિયે, જગતને દ્રશ્યમાન રાખતી મારા નયનોની જ્યોત બૂઝાઈ ગઈ છે, એટલે ભૌતિક-ભૌગોલિક જગતની જેમ જ તારી કાયા પણ હવે હું ભાળી (જોવાની તો વાત જ ન રહી.) શકતો નથી, એનો આકાર દેખવામાં હવે હું સમર્થ છું, આથી જ, તારા પગલાઓની હલચલમાંથી જે ધીમા સૂર પ્રકટે છે, એ પાય-સૂરને સાંભળી-અનુસરીને હું મારા પાય માંડું છું. એટલે કે જીવનના એક માત્ર આધારસમી વ્યક્તિના પગ જ્યાં જ્યાં ફંટાય એ ડગલાના અવાજને પારખી રાખીને એને જ દ્રષ્ટિવિહોણો હું અનુસર્યા કરું છું. એ સૂરના અનુબંધ જેવો જ પ્રિય વ્યક્તિના ગળામાં લટકતા ફૂલના હારની સુવાસનો તાર મારા હૃદય સાથે જોડાયેલો છે. પ્રિય વ્યક્તિનો આભાસ જાણે સૌરભનો તાર થઈ રણઝણાવ્યા કરે છે અને એ તાર ઝાલીને હું પણ સંચાલિત થયા કરું છું. પવન ફૂંકાય છે ત્યારે પ્રિય વ્યક્તિના વસ્ત્રો ફડફડ થાય છે એ વસ્ત્રોના અવાજ પરથી જ હું મારા જીવનનો માર્ગ શોધવાના પ્રયાસ કરતો રહું છું. એટલે કે, એક જીવનદોર સમી પ્રિય વ્યક્તિને ન દેખવા-ન સ્પર્શવા છતાં એના અસ્તિત્વ સાથે મારા અસ્તિત્વની શક્યતાઓ જોડી આમ જીવતા રહી જવાની વિવિશતા હું ઉજવી રહ્યો છું, ત્યારે બસ એક, ફક્ત એક માત્ર નાની વિનંતી એ પ્રિય વ્યક્તિને પણ કરવાની છે. હે પ્રિયે, તારાં પગલાંના સૂર, તારા હોવાની સુવાસ અને તારા વસ્ત્રોના ફફડાટ, આ ત્રણ બાબતોની કાખઘોડી લઈ મારું દ્રષ્ટિહિન પંગુ અસ્તિત્વ ટકી રહ્યું છે ત્યારે પ્રિય તું, એ ત્રણેય બાબતોના આભાસવર્તૂળ સુધી હું પહોંચી શકું(ભલે એને સ્પર્શી ન શકું) એટલી નજીક રહેજે, એટલી પાસે રહેજે. હું તને જેમ જોઈ નથી શકતો, એમ તને સ્પર્શવાની, તારા પર સંપૂર્ણ લદાઈ જવાની પણ મને લાલચ નથી, મારી માત્ર એટલી યાચના છે કે તું ભલે મને તારા હોવામાં ન ભેળવ, તારા જીવનમાં ન શણગાર, પણ મારી અપંગતા(દ્રષ્ટિની-મનની-તનની)નું માન જાળવીને પણ તું મને તારી સંભાવનાઓથી દૂર ન કરતી, એક નિશ્ચિત અંતરથી મળતા તારા ભાસ-સહવાસના આધારે પણ મારી અ-દ્રષ્ટ જિંદગી બસર થઈ જશે... આમેય હવે તો, ભાળું ન કાયા તારી, નૈનોની જ્યોત બૂઝાણી !
સાહિત્ય-જીવન-સમાજ વિશે વિનોબા ભાવે
સાહિત્યનો અર્થ જ છે, સહિત અથવા સાથે જનારું. જે સાહિત્ય અમુકની સાથે જ જતું હોય, સહુની સાથે ન જતું હોય, તે એટલું સંકુચિત બને છે. જેના માટે સહુના દિલમાં પ્રીતિ ન જન્મતી હોય, તે ‘સાહિત્ય’ નથી, ‘રાહિત્ય’ છે – તે સર્વ જનની પ્રીતિથી રહિત છે. સાહિત્ય સર્વ જનોને બદલે વિશિષ્ટ જનો માટેનું જ થઈ ગયું, તો તે કાંઈ સાહિત્યની પ્રગતિ નહીં, સંકુચિતતા જ મનાશે.
*
મનુષ્ય દેખાવમાં તો સાવ નાનકડો છે. બીજાં પ્રાણીઓ સાથે સરખાવીએ, તો મનુષ્ય તદ્દન નિર્બળ ને કમજોર જણાશે. પરંતુ તેના નાનકડા દિમાગમાં ને દિલમાં જે કીમિયો છે તે અદભુત જ છે ! મનુષ્યને હમદર્દ દિલ એવું મળ્યું છે કે પ્રાણીમાત્ર સાથે તે એકરૂપ થઈ જાય છે. સકળ સૃષ્ટિ સાથે એકરૂપ થઈ શકવાની મહાન શક્તિ ભગવાને મનુષ્યના નાનકડા દિલમાં મૂકી છે. અને એ જ મનુષ્યની વિશેષતા છે. અને દિમાગ પણ એવું દીધું છે કે તે દુનિયા આખીની સેર કરી શકે છે, દ્રષ્ટા બની શકે છે. આ દ્રષ્ટા બનવાની શક્તિયે બીજાં પ્રાણીઓમાં નથી. આ બેઉ શક્તિ કેવળ મનુષ્યને મળી શકે છે, અને તેને જાગૃત કરવાનું કામ સાહિત્યકારનું છે.
સાહિત્યકારની વાણી સચોટ ક્યારે બને? શંકરાચાર્ય પૂછે છે, ‘કેષામ્ અમોઘ વચનમ્’ – કોની વાણી અમોઘ નીવડે છે? ‘યે ચ પુન: સત્ય-મૌન-શમશીલા:’ – જેનામાં સત્ય હોય છે, જે મૌન રહે છે, જે શાંતિ રાખે છે, એની વાણી અમોઘ હોય છે.
વાણી તો રામબાણ જેવી હોવી જોઈએ. ‘રામો દ્વિશરન્ નાભિસંદ્વત્તે’ રામ બે વાર બાણ નથી છોડતા. રામ બે વાર નથી બોલતા – ‘રામો દ્વિરનાભિભાષતે.’ આ શક્તિ સાહિત્યકારની છે.
સાહિત્યકારમાં અલિપ્તતા જોઈએ, અનાસક્તિ જોઈએ. તેના વિના તે દુનિયાને પામી નહીં શકે. સાહિત્યકારે આ સંસારના ખેલમાં દ્રષ્ટા થવાનું છે. જો તે ખેલનું પાત્ર બની ગયો, તો યથાર્થ ચિત્ર નહીં આલેખી શકે. સૃષ્ટિને સંસારથી અલિપ્ત રહેવાની શક્તિ જેનામાં હશે, તે જ ઉત્તમ સાહિત્યકાર બની શકશે.
પરંતુ આ અલિપ્તતા એટલે વિમુખતા નહીં. સાહિત્યકાર નિર્વિકાર રહેવાની સાથોસાથ વિશ્વ તરફ અભિમુખ પણ રહેવો જોઈએ. સંસારાભિમુખ હોવા છતાં નિર્લિપ્ત. જે આવો રહેશે, એ જ સાચા અર્થમાં સાહિત્યકાર બની શકશે.
એટલે હું કહીશ કે સાહિત્યકારે થર્મોમીટર પણ થવાનું છે અને વૈદ્ય પણ થવાનું છે. થર્મોમીટર બધાંનો તાવ માપે છે. જો થર્મોમીટરને પોતાને તાવ આવતો હોત, તો તે બીજાનો તાવ યથાર્થ રીતે માપી ન શકત. તેને પોતાને તાવ નથી આવતો એટલે જ તો તે બીજા બધાનો તાવ માપી શકે છે. સાહિત્યકારનુંયે તેવું જ. પરંતુ આની સાથોસાથ બીમાર પ્રત્યે હમદર્દી દાખવનારા વૈદ્યનાંયે લક્ષણ સાહિત્યકારમાં જોઈએ. તાવ છે તે જાણ્યું, તાવ કયો છે તે ઓળખ્યો, પછી તેના નિવારણ માટે તેણે દવા પણ બતાવવાની છે. સાહિત્યકારમાં આવી બેવડી શક્તિ જોઈએ.
*
મારી બા કોબી સમારતી, ત્યારે ઉપરનું પડ કાઢી નાખતી. એક વાર મેં જોયું કે ઉપરનું પડ કાઢ્યું તે સારું જ હતું. કાંઈ બગડ્યું નહોતું. એટલે મેં કહ્યું, આ તો સારું છે, છતાં શું કામ કાઢી નાખ્યું? તો એ બોલી કે તેના પર હવાની અસર થઈ છે એટલે તેને કાઢી નાખવું સારું ! પછી તેણે કહ્યું, મન ઉપર પણ આવાં જ પડ હોય છે ઉપરનું પડ કાઢી નાખવાથી અંદરનું સ્વચ્છ રૂપ દેખાય છે.
મને માનું આ વાક્ય બરાબર યાદ રહી ગયું છે. મનના ઉપરના પડ ઉપર હવાની અસર થતી રહે છે. ચારે કોરના વાતાવરણની તેના પર અસર થાય છે. તેને દૂર કરીને જોવાથી અંદરના મંગળ દર્શન થાય છે. ક્યારેક ક્યારેક આવી રીતે ઉપરનાં બે-ત્રણ પડ કાઢી નાખવાં પડે છે. આવી રીતે ઉપરનાં પડળ દૂર કરી અંતરનાં મંગળ દર્શન કરવાની શક્તિ પણ સાહિત્યકારમાં હોય.
સાહિત્યકાર શબ્દનો ઉપાસક છે, અને તેણે શબ્દને કદી નીચે નથી પડવા દેવાનો. તેણે શબ્દનો ઉપયોગ એવી જ રીતે કરવો જેથી શબ્દ ઉન્નત થાય. ખોટા શબ્દોના ઉપયોગથી અવનતી થાય છે. શબ્દોના અર્થ ઉપર ચઢાવવાથી સમાજ ઉપર ચઢે છે અને શબ્દોના અર્થ નીચે પાડવાથી સમાજ નીચે આવે છે, પતિત થાય છે. એટલે આ બધું શબ્દની ઉપાસના કરનારાઓના હાથમાં છે.
*
રામદાસનું એક કથન છે – ‘નબળી તબિયતવાળાને વિનોદ ગમે છે.’ એકવાર આ કથનને લઈને કેટલાક સાહિત્યકારો રામદાસ ઉપર તૂટી પડ્યા. રામદાસના કથનના ભાવાર્થ ઉપર ધ્યાન આપીને તેમાંથી ઉચિત સાર ગ્રહણ કરી લેવાને બદલે તે લોકોએ એમ પ્રસ્થાપિત કરવા માગ્યું કે રામદાસ વિનોદનું જીવનમાં તેમજ સાહિત્યમાં જે સ્થાન છે, તે જ નહોતા સમજી શક્યા. ઉપહાસ, વ્યંગ, મર્મભેદ વગેરે પ્રત્યે પ્રત્યે જ્ઞાનદેવે અરુચિ દર્શાવી છે, તેનેય આપણા સાહિત્યકારો એમની સાહિત્યની પરિભાષા અનુસાર જ્ઞાનદેવના અજ્ઞાનનું જ દ્યોતક માનશે! મૂળમાં વાત એ છે કે જ્ઞાનદેવ ને રામદાસને રાષ્ટ્ર-કલ્યાણની તડપન હતી, જ્યારે આપણા વિદ્વાનોને ચટપટી ભાષાની ફિકર હોય છે – પછી ભલે ને તેનાથી રાષ્ટ્રઘાત કેમ ન થયો હોય ! બંને વચ્ચે આ મુખ્ય ભેદ છે. આપણી સાહિત્યનિષ્ઠા એવી છે કે સત્ય ભલે મરી જાય, પણ સાહિત્ય જીવતું રહે !
(‘ચાલો ગુજરાતીનું ગૌરવ વધારીએ’ પુસ્તકમાંના લેખોમાંથી.)
...કારણ કે સાહિત્ય માણસને સંતુલિત બનાવે છે – પ્રા. દીપક મહેતા
સાહિત્ય સાથે મારું જોડાણ બાળપણથી જ... મને બરાબર યાદ છે કે હું આઠદસ વરસનો હોઈશ ત્યારેય ઘરમાં અઢીથી ત્રણ હજાર જેટલાં પુસ્તકો હતાં, તેનો શ્રેય મારી માતાને. પિતા તો વ્યવસાયે શેરબ્રોકર, તેમને સાહિત્યમાં ખાસ રસ નહીં. માતા પણ ભણેલાં તો સાવ ઓછું, પણ વાંચવાનો ખૂબ શોખ અને માટે જ પિતાએ એ બધાં પુસ્તકો વસાવેલાં. માતાએ એ બધાં પુસ્તકો વાંચી કાઢેલાં. આટલાંબધાં પુસ્તકો ઘરમાં હોય એટલે અમે પણ ઘણાં વાંચ્યા હતાં. માતાને એક મજાની ટેવ, તેઓ એકાદ પંક્તિ કે અવતરણ બોલે અને અમને પૂછે કે બોલો, આ કયા પુસ્તકનો અંશ છે? અને અમે રોમાંચિત થઈ જવાબના તર્ક લગાવવા લાગીએ.
આ મારા ઘડતરની શરૂઆત.
બીજો શ્રેય અમારી સાથે રહેતા ફોઈના દીકરા રમણભાઈને આપવો ઘટે. તેમણે ઘરમાં એક સિરસ્તો ચાલુ કર્યો, રાત્રે સાડા નવ વાગે એટલે એ કોઈ પણ પુસ્તક લઈને જોરથી વાંચતા અને ઘરના બધા લોકો તેમને સાંભળતા. ક્યારેક તો આ વાંચન રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલતું. રમણભાઈ કવિતાઓ વાંચે, આત્મકથા વાંચે, ચરિત્રો વાંચે, વાર્તાઓ કે નવલકથાઓ પણ વાંચે, એ સમયના બધાં જ પ્રતિષ્ઠિત સામાયિકો અમારે ત્યાં આવતાં એટલે ક્યારેક તો સામાયિકમાંથી પણ વાંચન ચાલતું... આજે ઘણીવાર મને કોઈ પૂછે કે તમે આ પુસ્તક વાંચ્યું છે એટલે હું અટકી જાઉ અને પછી કહું કે, ‘ના, ના, આ પુસ્તક મેં વાંચ્યું તો નથી, પણ આખું સાંભળ્યુ છે !’ એવું પણ બન્યું હોય કે એમાંના ઘણાં પુસ્તકો ફરી ક્યારેય વાંચવાનો સમય ન પણ મળ્યો હોય, પણ એકવારનું એ સાહિત્ય-શ્રવણ અમારી અંદર એવું ઊતરી જતું કે હજી એમાંનું કેટલુંક યાદ છે. આવું નોખું કૌટુંબિક વાતાવરણ મારા ઘડતરના પાયામાં છે.
બીજો નંબર આવે સ્કૂલનો. મુંબઈની પ્રખ્યાત ‘ન્યુ ઈરા સ્કૂલ’માં ભણવા મળ્યું, શાળામાં પિનાકિન ત્રિવેદી ને સોમભાઈ પટેલ જેવા સંનિષ્ઠ શિક્ષકો. પિનાકિનસાહેબ તો શાંતિનિકેતનના વિદ્યાર્થી એટલું કહેવું જ શું? સોમભાઈએ પણ ત્રણ-ચાર પુસ્તકો લખ્યાં હતાં, છતાં આજે તો એ સાવ ભૂલાઈ ગયા છે. પિનાકીનસાહેબ ક્લાસમાં કદી વાંચીને ન શીખવે, એ ક્લાસમાં આવે, ટેબલ પર પલાઠી વાળી બેસી જાય, ને ગાવા લાગે... અરે! પ્રેમાનંદનું આખું આખ્યાન તેમણે આ રીતે ગાતા ગાતા અમને શીખવ્યું હતું એ બરાબર યાદ છે. ઘરના વાતાવરણે સાહિત્યનાં જે ઊંડાં બીજ રોપ્યાં હતાં, તેને સ્કૂલમાં આવા સંનિષ્ઠ શિક્ષકો દ્વારા ઉત્તમ પોષણ મળ્યું. પછી કોલેજમાં તો પ્રખ્યાત સાહિત્યકાર મનસુખલાલ ઝવેરી ને વિદ્વાન સંસ્કૃતપંડિત ગૌરીશંકર ઝાલા જેવા પ્રાધ્યાપકો. ગૌરીશંકરસાહેબે ઘણું ઓછું લખ્યું ને ઓછા જાણીતા, પણ મનસુખલાલ તો પ્રતિષ્ઠિત નામ. કોલેજમાં સાહિત્યની દિશામાં એક ડગલું આગળ વધાયું. અત્યાર સુધી ફક્ત વાંચવાનો જ શોખ હતો, પણ હવે વાંચનને કેવી રીતે જોવું તેની દ્રષ્ટિ ઉમેરાઈ. સમીક્ષા કહો કે વિવેચન, તે કઈ રીતે થઈ શકે એ તરફનું વલણ આવા સમર્થ આધ્યાપકોને કારણે કેળવાયું.
કોલેજ પૂરી થયાં પછીનો દાયકો સોમૈયા કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે ગાળ્યો. ત્યાર બાદ પરિચય ટ્રસ્ટ દ્વારા તે સમયે પ્રકટ થતાં ‘ગ્રંથ’ સામયિકમાં સહાયક તંત્રી તરીકે જોડાયો. આ સામાયિક પુસ્તકોનાં અવલોકનો માટે પ્રતિષ્ઠિત, એટલે અહીં ફરી પેલી સમીક્ષકદ્રષ્ટિને વિકસવાની-વિસ્તરવાની તક મળી. ગ્રંથમાં ત્રણ વર્ષ કામ કર્યું. પછી અમેરિકાની વિશ્વવિખ્યાત ‘લાઈબ્રેરી ઓફ કોંગ્રેસ’ની દિલ્હી શાખામાં ગુજરાતી અને મરાઠી ભાષાના વિશેષજ્ઞ તરીકે જોડાવવાની તક મળી.
એક રીતે આ લાઈબ્રેરી જગતભરની ભાષાઓના સાહિત્યને સંપાદિત કરે છે. કામના ભાગરૂપે અમારે અહીંથી ભારતની દરેક ભાષાનાં સામાયિકો, અખબારો અને પુસ્તકો ખરીદી-એની સમીક્ષા કરી, એમાંથી પસંદગી કરીને, એ બધું વોશિંગ્ટન મોકલાવવાનું હોય, ત્યાં આ રીતે જગતભરની ભાષાઓની સામગ્રી ભેગી થાય. હું ગુજરાતી અને મરાઠી ભાષા માટે સિલેક્શન ઓફીસર રહ્યો. મને બરાબર યાદ છે કે અમારી ઓફિસ સવારે સાડા આઠ વાગ્યે શરૂ થાય. પહેલું કામ 10 વાગ્યા સુધીમાં 30 જેટલાં છાપાં વાંચી કાઢવાનું હોય. આ કામ દરેક ભાષાના સિલેક્શન ઓફિસર કરતા. જોકે ગુજરાતી અને મરાઠી ભાષા બન્નેની જવાબદારી મારા પર હતી એટલે મારે વધારે છાપા વાંચવા પડતા. સાડા દસ વાગ્યે અમારે એક અહેવાલ આપવાનો, જેમાં છાપામાં આવેલી સાહિત્યને લગતી, પત્રકારત્વને લગતી, પુસ્તકોને લગતી કે નવું સામાયિક આવ્યું હોય તેને લગતી માહિતી આપવી પડતી. એ સમયે ઘણાં પુસ્તકો ખરીદી માટે આવતા. બધાં જ પુસ્તકો વાંચવાનો સમય ન હોય, પણ જોવાં પડે, ઉથલાવવાં તો પડે જ... કારણ કે જો અમે કોઈ પુસ્તક લેવાની હા પાડતા કે ના પાડતા તો તેનું લેખિત કારણ આપવું પડતું. ત્યાં ઈતિહાસ, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર જેવાં તમામ વિષયોનાં પુસ્તકો સાથે કામ પાર પાડવાનું બનતું... એટલે કોંગ્રેસ લાઈબ્રેરીનાં એ દસ વર્ષમાં તો વ્યાપક પ્રમાણમાં મને સાહિત્યનો સંસર્ગ મળ્યો.
કોલેજમાં પ્રોફેસર હતો ત્યારે લખાણ તરફ ઝૂકાવ ઓછો હતો, પણ ગ્રંથ સામાયિકમાં કામ કરતા-કરતા લખવાનું પણ વધ્યું હતું. ગ્રંથમાં તો મારે કામના ભાગરૂપે પણ લખવંક પડતું. એ લખવાની પ્રવૃત્તિને ‘મુંબઈ સમાચાર’માં ‘વર્ડનેટ’ નામે કોલમ શરૂઆત થઈ ત્યારે વગે મળ્યો. એ કોલમ 2000થી 2012 સુધી સતત ચાલી, એમાં મોટા ભાગે સાહિત્ય વિશે ને નવાંજૂનાં પુસ્તકો વિશે લખાયું. એ પછી ‘ગુજરાતમિત્ર’માં લખવાની શરૂઆત થઈ. આ સમય દરમિયાન મેં જે વિવેચનો કર્યાં હતાં એનાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં.
આમ આજે જોઉં છું તો મેં આખું જીવનમાં સાહિત્યમાં જ આળોટતાં-ઓળાટતાં વિતાવ્યું હોવાની અનુભૂતિ થાય છે.
સાહિત્ય વિશે મારી માન્યતા એવી છે કે સૌથી પહેલા તો એમાં મજા આવવી જોઈએ. લોકો એમની રૂચિ પ્રમાણેનું વાંચતા હોય, એટલે એકને ખૂબ જ ગમતું પુસ્તક બીજાને જરીકે ન ગમે એવું બને. જોકે સાહિત્યનું નિયમિત સેવન કરનારી વ્યક્તિની દ્રષ્ટિ, ખાસ તો સમાજજીવન-માનવવિશ્વને જોવાની એની દ્રષ્ટિ ઘણી સંતુલિત થઈ જાય છે. એના વ્યક્તિત્વમાં એવું આગવું સંતુલન કેળવાય છે કે જેનાથી વ્યક્તિ એકદમ સુખી કે એકદમ દુઃખી ન અનુભવે, એકદમ નારાજીગી કે એકદમ નિરસતા ન અનુભવે. એ સંતુલિત રહી શકે છે. વિવિધ ભાવના-અનુભૂતિઓના વર્તૂળમાં એક સંતુલનબિંદુ શોધી એમાં ટકી રહેવા એનું મન ઘડાય છે. બીજો ફાયદો એ કે સાહિત્યસેવનથી પ્રત્યક્ષ ન અનુભવ્યા હોય એવા અનુભવો મળે છે, એ માનવજીવન બાબતે વિચારો-નિષ્કર્ષો તૈયાર આપે છે કે માણસ આવો હોય ને માણસ આવું કરે, આ આવું છે ને તે તેવું છે, વગેરે વગેરે. મારો કહેવાનો અર્થ એવો નથી કે સાહિત્યવાંચનથી માણસ સ્થિતપ્રજ્ઞ કે સંન્યાસી જેવો થઈ જાય, પણ દરેક સંજોગોમાં, જુદીજુદી સંવેદનાઓને સાચવી રાખીને પણ એ સ્થિરતા કેળવી શકે છે. સાહિત્યસેવનથી કોઈ પ્રકારની એક આંતરિક હિંમત કેળવાય છે.
હા, આજે કદાચ સમાજમાં સાહિત્યની પ્રસ્તુતતા આપણને દેખીતી રીતે ન દેખાય, પણ સાહિત્ય માણસને મદદરૂપ થાય છે એમા કોઈ બેમત નથી. દરેક માટે સાહિત્ય અલગઅલગ રીતે મદદરૂપ બનતું હોય છે એટલે એનો ચિતાર આપવો અઘરો છે. અંગત વાત કરું તો સાહિત્યએ મને બે રીતે મદદ કરી છે. પહેલું તો એ કે સાહિત્યના વ્યાપક સંસર્ગથી મને સમજાયું કે મારા જીવનમાં જે તકલીફો છે એના કરતાં અનેકગણી વધુ તકલીફો માણસને આવી શકે છે, અને બીજું એ કે જો તકલીફો છે તો એનો સામનો કઈ રીતે કરી શકાય એનો જવાબ પણ મને સાહિત્યમાંથી મળ્યો છે. આમ મારા આંતરિક અને બાહ્ય જીવનમાં, સંવેદનો અને સમજણોમાં, હું જે સંતુલન જાળવી શક્યો છું, તે સંપૂર્ણપણે સાહિત્યને આભારી છે.
બીજું તો આજની પેઢી વિશે વાત કરીએ તો મને લાગે છે કે પડકારો તો દરેક પેઢી સામે હોય છે. જોકે એમાં, ક્યાંથી અનુકરણ અટકાવવું અને ક્યાંથી નવો ચીલો ચાતરવો, એ પડકારનો સામનો દરેક પેઢીએ કરવાનો હોય છે. પરંપરાથી વિખૂટા પડી જવાની વાત નથી, પણ નવીનતાની શોધ માટેની વાત છે. આજની પેઢીનો સૌથી મોટો પડકાર જાણ્યે-અજાણ્યે થતું અનુકરણ છે. મૌલિકતાની શોધ માટે કપરાં ચઢાણ ચઢવાને બદલે અનુકરણની લસરપટ્ટી હંમેશાં સરળ ને આકર્ષક રહી છે. જોકે દરેક પેઢી પોતાની રીતે પોતાની સમસ્યાઓના ઉપાય મેળવી લે છે. આજે કદાચ પડકારો વધ્યા છે, તો સામે શક્યતાઓ-તકો પણ એટલી જ વધી છે. હવે નોન-પ્રિન્ટ માધ્યમો, ડિજિટલ રિડિંગ વગેરે જે રીતે વધ્યું છે ને વધી રહ્યું છે એ ખૂબ જ સારી બાબત કહેવાય, કારણ કે એનાથી શોખીનો માટે વાચનનો અસીમ વ્યાપ થઈ શકશે. હા સાથેસાથે પ્રિન્ટ-માધ્યમ, છપાયેલાં પુસ્તકોનું મહત્વ રહેશે જ, અને હજી વધતું જશે, પણ કમ્પ્યુટરાઈઝેશનને અવગણી ન શકાય. મને આશા છે ગુજરાતી ભાષાનાં સારામાં સારા પુસ્તકો, વહેલામાં વહેલી તકે ઈ-બૂક્સ તરીકે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ થઈ જશે.
(ચર્ચા – નીરજ કંસારા)
અભદ્રંઅભદ્રઃ ય્હાક છીં... - સુનીલ મેવાડા
સવારે ચા સાથે બિસ્કિટ ખાનારા સહુએ જોયા હશે. ચા સાથે ખારી (હવે આ ખારી ગળપણવાળી હોવા છતાં એને ખારી શું કામ કહે છે એ સમજાતું નથી એવું મેં ખોરાકશાસ્ત્રીને પૂછ્યું તો એણે કહ્યું કે નમક સ્વાદમાં ખારું હોવા છતાં આપણે એને મીઠું કહીએ છીએ એટલે એનો બદલો લેવા મીઠી ખારીને ખારી કહેવાનું ખોરાકના પ્રતિનિધિઓએ નક્કી કર્યું, ઠીક.) તો હા, ચા સાથે બિસ્કિટ ઉપરાંત ખારી, ટોસ્ટ ને નાનખટાઈ સુધ્ધાં ખાતા લોકો આપણી નજરે ચડે છે, પણ સુકેતુલાલને ચા સાથે સૌથી વધારે ભાવતી કોઈ ચીજ હોય તો એ છે છીંક.
એનાં કારણો આપતા સુકેતુલાલ કહે છેઃ કારણ એક કે એ પૈસેથી ખરીદી નથી લાવવી પડતી. કારણ બે એ ખાવા હાથ નથી હલાવવા પડતા અને કારણ ત્રણ ખાધા પછી એને પચાવવા માટે પાછું ચૂરણ પણ નથી ખાવું પડતું. ઉપરાંત, સૌથી મહત્વનું, ચા પીને છીંક ખાઈ સરસ મજાનો મોંફૂંવારો ઊડાવવા તેમ જ નાકપીંચકારી છોડવા મળે છે. એવો અનેરો ધૂળેટીલ્હાવો હોળીની રાહ જોયા વગર રોજેરોજ માણી શકાય છે. જોકે વાત આટલે પૂરી નથી થઈ જતી. છીંકવિદ્યામાં પારંગત થવા માટે ચાર બાબતો ખૂબ જરૂરી છે. એક તો ખખડતા ફેંફસા. બીજું ઘોઘરું ગળું, ત્રીજું નબળું નાક અને ચોથું કઠણ કાળજું. ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેટલી જોરથી છીંક ખાવા માટે કઠણ કાળજાની જરૂર પડે પડે ને પડે જ. છીંકને દબાવ્યા કે ટાળવાના પ્રયાસ વગર, મનમાં વીરતાનો ભાવ લાવી, જરીકે સંકોચ વગર ય્હાક છીનો હાકોટો કરી આ જગતને આપણા સચેતન હોવાનો વારંવાર પૂરાવો આપવો એ એક વીરકૃત્ય છે, જેનું મહાભારતમાં વર્ણન કરવાનું વેદ વ્યાસ ચૂકી ગયા હતા. અફસોસ સાથે કહેવું પડે છે કે આજે છીંકક્રિયાને હીનભાવથી જોવામાં આવે છે. મનુષ્યએ એના વીર છીંકકર્મ પછી દિલગીરી વ્યક્ત કરવી જોઈએ એ બાબતને વિવેકનો હિસ્સો ગણવામાં આવે છે એ ખરેખર ખેદજનક છે. માટે જ, આપણા જેવા સર્વે સંસ્કૃતિપ્રેમીઓની લીંટાળી ફરજ છે કે આપણે વ્યાસસાહેબ દ્વારા છીંકાઈ ગયેલી એટલે કે ચૂકાઈ ગયેલી આ બાબત વિશે જાગૃતિ ફેલાવીએ.
બોસ સાથે મીટિંગમાં, તણાવભરેલા એક્ઝામ હોલમાં કે બેસણામાં કે ગમે ત્યાં, નાક સુધી ખેંચાઈ આવેલી છીંકને પાછી મોકલતા પહેલા મારા વીરવાચકો યાદ રાખો ને મનોમન ગણગણી લો, છીંક પછી તમારી સામે ક્રોધભાવે કે અણગમાના ભાવે જોનાર દરેકદરેક પામર મનુષ્યને આ નારો સંભળાવી દો કે, છીંક એ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને એને હું ખાઈને જ રહીશ.
કૉમિક્સ, પુસ્તક, પ્રેમ, આજના ‘ઑથરો’ અને... - રાહુલ કે. પટેલ
“મુન્નુ પઢતા ડાયમંડ કૉમિક્સ, દીદી પઢતી ડાયમંડ કૉમિક્સ.
પાપા પઢતે ડાયમંડ કૉમિક્સ, મમ્મી પઢતી ડાયમંડ કૉમિક્સ.
મજેદાર હૈં ડાયમંડ કૉમિક્સ...”
રેડિયો પર આવતી આ જિંગલ એવા સમયની યાદ અપાવે છે, જ્યારે આખો પરિવાર મનોરંજનનાં સીમિત સાધનો વચ્ચે પણ સાથે મળી સમય પસાર કરતો હતો.
કૉમિક્સ એટલે આમ તો ચિત્રવાર્તા. બાળકોની કલ્પનાની-રંગીન દુનિયા, જ્યાં લેખકના શબ્દોથી બનેલી વાર્તાના આત્માને ચિત્રકાર ચિત્રરૂપી દેહ આપે છે, એવી ચિત્રકથા એટલે કૉમિક્સ ! જે બાળકોને પોતાની અલગ જ દુનિયામાં લઇ જાય છે. ગુજરાતીમાં ચંપક, ચાંદામામા, ચંદન, ફૂલવાડી, નિરંજન જેવાં બાળ-સામયિકો અત્યારે યાદ આવે, એમાંથી જોકે હવે ઘણાં ખરાં બંધ થઇ ગયા છે.
કૉમિક્સની વાત વધારીએ તો અત્યારે ભારતમાં ડાયમંડ અને રાજ કૉમિક્સ આ બે જ મોટા કૉમિક્સ પબ્લિશર વધ્યાં છે, જે ઓનલાઈન પાયરસીના કારણે હાલક-ડોલક થતાં જઈ, ખોટ ખાતાં જઈને પણ ભારતમાં કૉમિક્સ કલ્ચર સાચવી રહ્યાં છે.
હવે ચાલો થોડા પાછળ જઈએ,
ભારતમાં સૌ પ્રથમ શરૂ થયેલી ‘ઇન્દ્રજાલ કૉમિક્સ’ વિશે અનંત પાઈ કહે છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રોટોગ્રેવિયર મશીન, જે મૂળભૂત રીતે કેલેન્ડર છાપતા હતા, એ મશીનને ચાલુ કંડીશનમાં રાખવા માટે જ ‘ઇન્દ્રજાલ કૉમિક્સ’ની શરૂઆત થઇ હતી. પી.કે. રોયએ કેટલાંક વિદેશી કૉમિક્સ કેરેક્ટર્સના રાઈટ ખરીદ્યા અને એ પરથી કૉમિક્સ બનાવવા અનંત પાઈને રોક્યા. ‘લી ફોલ્ક’ના પ્રખ્યાત કેરેક્ટર ફેન્ટમ, મેન્ડ્રેક, અન્ય વિદેશી પાત્રો તથા આબિદ સુરતીના બહાદુરને લઇ શરૂઆત થઇ ઇન્દ્રજાલ કૉમિક્સની.
ફેન્ટમ, હરતો ફરતો પ્રેત ! જે ગાઢ જંગલમાં જાનવરો વચ્ચે રહે, વરુ અને ઘોડો એના સાથી, જંગલના આદિવાસીઓ એને અમર ગણી પૂજે, પણ એનું કાર્યક્ષેત્ર અસીમિત, એ સમુદ્રી ચાંચિયાઓથી લઇ ક્રૂરતાના શાહ સુધીના વિલિનને હંફાવે ! વેતાલ ઊર્ફે ફેન્ટમનું આ કેરેક્ટર દુનિયાની અડધાથી વધારે ભાષાઓમાં અનુવાદ થઇ ચૂક્યું છે. ફેન્ટમ એટલુંબધું લોકપ્રિય પાત્ર બન્યું કે એનાં કારનામાંઓથી પ્રભાવિત થઇ કેરેબિયન દ્વીપના રહેવાસીઓએ ત્યાંના તાનાશાહ સામે આઝાદી માટે ફેન્ટમ નામથી ભૂમિગત અંદોલન શરૂ કરી દીધેલાં. એનાથી ગભરાઈ આર્જેન્ટીનાના તાનાશાહએ એ કૉમિક્સ પર પ્રતિબંધ લગાવી દીધેલો. આ વાત અહી એ માટે કહેવી જરૂરી લાગી કારણ કે ઘણા માને છે કે કૉમિક્સ તો ફક્ત બાળકોના મનોરંજનનું સાધન છે. આ સિવાય આજે ડી.સી. તથા માર્વેલ જેવી વિદેશી કૉમિક્સ કંપનીઓ અફલાતૂન ફિલ્મો બનાવી અઢળક કમાણી કરી રહી છે એ વાત પણ નોંધવી રહી.
ફરી આપણા મુદ્દા પર પાછા આવીએ. અનંત પાઈ ઇન્દ્રજાલથી સંતુષ્ટ તો હતા, પણ એમનું હૃદય જાણતું હતું કે તે કૉમિક્સમાં ભારતીય બાળકોને વિદેશી સામગ્રી આપી રહ્યા છે. એથી એમણે ભારતીય સંસ્કૃતિ પર આધારિત કૉમિક્સ શરૂ કરવાનો નિર્ણય લીધો અને શરૂ થઈ “અમર ચિત્રકથા” ! અમરચિત્રકથામાં દરેક ધર્મની પૌરાણિક કથાઓ, દંતકથાઓ, પશુ-પક્ષી-પ્રાણીઓની બોધ આપતી કથાઓ, ઇતિહાસનાં પાત્રો તથા સ્વતંત્રતા આંદોલનની કથાઓ, વૈજ્ઞાનિક તથા અન્ય મહાન લોકોના જીવનચરિત્ર પર આધારિત કથાઓ રંગબેરંગી ચિત્રકથા સ્વરૂપે આવતા. ભારતભરમાં અમર ચિત્રકથા વિવિધ ભાષાઓમાં રૂપાંતરિત થતી અને લાખોની સંખ્યામાં વેચાતી. આમ ‘અનંત પાઈ’ બાળકોના ‘અંકલ પાઈ’ બની ગયા.
ચાલો, હવે ફરી થોડા ફ્લેશબૅકમાં જઈએ.
અખંડ ભારતમાં લાહોરથી થોડે અંતરે કસૂર નામનું એક નાનકડું ગામ. એ ગામના પોલીસ જમાદારને ત્યાં સાતમા બાળકનો જન્મ થાય છે, એ છોકરો માંડ છ મહિનાનો થયો ત્યાં કાળ એના બાપને ભરખી ગયો, પરિવારમાં કોઈ વધુ ભણેલું નહી, નિરાધાર પરિવારનું ગુજરાન મુશ્કેલીથી ચાલતું, એવામાં માર-કાપ, બળાત્કાર, માનવોનું પશુતા, નવ વરસની ઉંમરે આ છોકરાએ દેશના ભાગલા જોયા, જીવ બચાવી આખો પરિવાર ગ્વાલિયરમાં આવ્યો, જ્યાં એની સૌથી મોટી બહેનના લગ્ન થયા હતા, ત્યાં ગુજરાન ચલાવવા આર્ટ શીખેલા છોકરાના મોટા ભાઈએ પેઇન્ટિંગ શરૂ કર્યું, જૂના ગામે જે કંઈ થોડું ભણેલા એ તો ઉર્દૂમાં, આથી ગ્વાલિયરમાં જાહેરાતોના બોર્ડ ચિતરવામાં તકલીફ ઊભી થઈ, સૌથી મોટા ભાઈએ હિન્દી શીખવા એ છોકરાને સ્કૂલમાં મોકલ્યો. એ દિવસોમાં આ છોકરો મજૂરને ચાર આના આપવા ન પડે એટલે પેઇન્ટિંગ માટેનું સાઈન બોર્ડ, બળતી બપોરે માથે ઊંચકીને લઈ આવતો. પુસ્તકો ખરીદવાનાં તો પૈસા ન હોય એટલે લાયબ્રેરી ખૂંદી વળતો. ત્યાં એ ભણતરનાં પુસ્તકો સિવાય પણ પુષ્કળ વાંચતો. નાની ઉંમરે એણે ટોલ્સટોય, મેક્સિમ ગોર્કી, પ્રેમચંદ વગેરેને ખૂબ વાંચ્યા. ગ્વાલિયરમાં બી.એ. પૂરું કર્યા પછી એ મોટા ભાઈ સાથે દિલ્હી આવી ગયો. એ અરસામાં ન્યુઝ પેપરમાં આવતી વિદેશી કૉમિક્સ સ્ટ્રીપથી એ પરિચિત થયો. મોટા ભાઈ તરફથી એને પેઇન્ટિંગનો શોખ લાગ્યો. દિલ્હીમાં એણે દિવસ દરમિયાન કૉમિક્સ બનાવવાનું અને સાંજે કેમ્પ કોલેજમાં એમ.એ. ભણવાનું આરંભ્યું. એક કાર્ટૂનના એને સાત રૂપિયા મળતા. એણે રચેલાં જુદાં જુદાં પાત્રોની કૉમિક્સ સ્ટ્રીપ્સ, ‘શંકર’સ વીકલી’ જેવાં સામયિકો તથા અખબારોમાં છપાવાની શરૂઆત થઇ. જેણે ભાગલા વખતે કોમી રમખાણો જોયેલાં એ બાળમાનસની કલ્પના વરસો પછી પાનાંઓ પર કૉમિક્સ બની અવતરી... એમનાં કોમિક પાત્રો ભારતના લોકજીવનમાં ઊંડા ઊતર્યા. લિમ્કા બૂકમાં એમનું નામ નોંધાયું ને અનેક સમ્માનો-એવોર્ડ્સ મળ્યાં. એ છોકરો આમ તો એક સફળ ડ્રોઈંગ ટીચર બની શક્યો હોત, પણ કૉમિક્સની દિવાનગીએ એને ઇન્ડિયાના વોલ્ટ ડિઝની બનાવી દીધા.
એ હતા, ૧૫ ઓગસ્ટ ૧૯૩૮માં જન્મેલા પ્રાણ કુમાર શર્મા !
વેસ્ટર્ન કૉમિક્સ કલ્ચરમાં હિરો લાંબા-તગડા, હેન્ડસમ અને સુપરપાવર ધરાવતા હોય, પણ અહી પ્રાણસાહેબનાં કોમિક પાત્રો એનાથી તદ્દન ઊંધા... જેમ કે, ચાચા ચોધરી એક ઘરડો-ટકલો માણસ, જેનું મગજ કમ્પ્યુટર કરતાં વધારે ઝડપી ચાલે, દરેક સમસ્યાને તે હસતા-હસતા ઉકેલે, એમની સાથે છે, જ્યુપીટર ગ્રહનો રહેવાસી સાબુ તથા એમનો કૂતરો રોકેટ. એ સિવાય પોતાની મૂર્ખાઈથી બધાનું મનોરંજન કરતો મસ્તીખોર ટેણીયો બિલ્લુ, ખિસકોલી લઇ ફરતી નાનકડી બાળકી પિંકી, ગૃહિણી શ્રીમતીજી, સામાન્ય માણસની સામાન્ય મુશ્કેલી સામે ઝઝૂમતો માણસ રમન તથા ચન્ની ચાચી જેવા અન્ય મજેદાર પાત્રો પણ પ્રાણસાહેબે આપ્યાં. પ્રાણનાં બધાં જ પાત્રો મધ્યમવર્ગી અને સંપૂર્ણ ભારતીય, જેથી પ્રાણસાહેબ પોતે, ને એમનાં પાત્રો, બંનેએ લોકોની અનહદ ચાહના મેળવી. પ્રાણના વિચક્ષણ હ્યુમરથી બાળકો જ નહીં, મોટેરા પણ આ કૉમિક્સ વાંચીને મલકી ઊઠતા.
એક જમાનો હતો, જ્યારે ઉનાળાના લાંબા વેકેશનમાં બાળકો મામાના ઘરે કે પરિવાર સાથે ઉપાડતા ત્યારે ટ્રેનના સફર સાથે કૉમિક્સની મઝા લેતા જતાં. હું પણ એમાંનો એક. હું જ્યારે પણ કૉમિક્સ લેતો ત્યારે એ કોરા પુસ્તકને ખાસ સુંઘતો, કોરા પુસ્તકની એ સુગંધ મને તરોતાજા કરી દેતી. એ આદત આજેય જળવાયેલી છે. મારે તો દરેક પુસ્તક સાથે કંઈ કેટલીય યાદો જોડાયેલી હોય છે. મને યાદ છે કે વેકેશનમાં મામાના ઘરે જતા ટ્રેન મોડી હોય, તો હું ટ્રેન ન આવે ત્યાં સુધી સ્ટેશન પરના બૂકસ્ટોલની સામે કલાકો ઊભો રહી ત્યાં લટકાવેલી કૉમિક્સને જોયા કરતો. મને કૉમિક્સ વાંચવી ગમતી, પણ ભણતરનાં પુસ્તકો જ મુશ્કેલીથી મળતાં, ત્યાં શિક્ષણેત્તર સામગ્રી તો ભાગ્યે જ અપેક્ષિત હોય. જોકે કોઈવાર પપ્પા કૉમિક્સ લઇ આપતાં, તો કોઈવાર ટ્રેન આવી જાય એટલે મમ્મીએ મને ખેચી જવો પડતો, મમ્મી મને ટ્રેન તરફ ખેંચતી ને મારી નજરો પાછળ ફરી હજી કૉમિક્સના કવર પરની રંગીન દુનિયામાં ખોવાયેલા રહેવા ટળવળતી...
હવે ભાગ્યે જ બાળકો કૉમિક્સ વાંચતા દેખાય છે. આજે કૉમિક્સ મળતી નથી છતાં પણ ત્યારનું રેલવે સ્ટેશન પરના બૂકસ્ટોલ પર અટવાઈ પડેલું મારું મન, આ ઉમરે પણ મારા પગને એ બૂકસ્ટોલ પર અટકાવી દે છે, અને હજી કૉમિક્સ લેવા લલચાવી લે છે !
કૉમિક્સની વાત આવી એટલે મારું મન હજી બાળપણમાં ફર્યા કરે છે. એક સાંધો ને તેર તૂટતા હોય એવા સમયસંજોગમાં વાચવાનો શોખ કઈ રીતે પૂરો કરવા મેં મૌલિક ઉપાય શોધી રાખેલા. દોરીને છેડે ચુંબક બાંધી ઘસેડતો, જેથી ધૂળ-માટીમાં છુપાયેલી ખીલી, સ્ક્રૂ તથા નકામું લોખંડ એમાં ચોંટી ભેરવાઈ જતું. એ લઇ હું અને મારો મિત્ર લુહારચાલ અને શહેરની ઘણી બધી ગલીઓમાં ખુલ્લા પગે રખડતા. સાંજે જે ભંગાર એકઠું થાય એ વેચી દેવાનું. પછી જુદી જુદી પસ્તીની દુકાને ‘સર્ચ-ઓપરેશન’ ચલાવી, અડધી કિંમતે વેચાતી કૉમિક્સ લેવાની. રાતે સ્ટ્રીટ લાઈટના અજવાળે મિત્રો સાથે બેસી મોડે સુધી એ વાંચતા... લેતાવેંત વાંચી કાઢતા !
આમ વિવિધ ‘જુગાડ’થી ભેગા થયેલા પૈસાથી એક દિવસ માટે કૉમિક્સ ભાડે વાંચવા લાવતો. ત્યારે ઘણી દુકાનોમાં ભાડેથી કૉમિક્સ મળી જતી. બીજે દિવસે કૉમિક્સ જો પરત ના કરો તો ભાડું વધુ આપવું પડે, માટે સ્કૂલમાં છેલ્લી પાટલીએ સંતાઈને, પાઠ્યપુસ્તકોમાં છુપાવીને, રાતે ચાદર ઓઢી ટોર્ચની લાઈટમાં, વાંચતો... વાંચ્યા કરતો.
મારા શહેરમાં કૉમિક્સ મેળવવી આમ તો મુશ્કેલ કામ હતું. શહેરથી દૂર ખૂણેખાંચરે આવેલી એક-બે દુકાનો સિવાય કૉમિક્સ મળતી નહીં. દર મહીને સેટરૂપે પ્રકાશિત થતી હોવાથી કૉમિક્સમાં પણ કેટલીક વાર્તાઓ બે-ત્રણ ભાગમાં આવતી. મમ્મી એ સીવણના સંચામાં સંતાડેલા, ઘરના ખૂણેખાંચરે જમા થયેલા, ક્યારેક ભૂલથી ખર્ચા કે નાસ્તા માટે મળેલા પૈસા નાસ્તો ન કરી બચાવેલા, સાઇકલ-પંચર કે શૈક્ષણિક સાધનો લાવવાનાં બહાને મેળવેલા, નોટબુકોને કવર-સ્ટીકર નહીં લગાવી બચાવેલા, પપ્પાના ખિસ્સામાંથી સેરવેલા, એમ વિધવિધ રીતે પ્રાપ્ત કરેલા ‘સિક્કાઓ’થી હું કૉમિક્સ લેતો, એ પૈસા લઇ દર બે દિવસે કેટલાય કિલોમીટર સાઇકલ હાંકી, ક્રમશ: કોમિકસનો બીજો ભાગ આવ્યો કે નહિ એ શોધમાં રહેતો. ઘણા ધક્કા પછી જ્યારે એ ભાગ મળતો, ત્યારે રસ્તામાં આવતા એક બાગની લસરપટ્ટી પર બેસી વાંચી જતો. કૉમિક્સની વાંચવાની એ તલબ, એ ઝંખના, એ ઈન્તેજારી, એ ગાંડપણ આજેય બરકરાર છે !
હવે પ્રશ્ન એ કે કોમિકસનો રાગ અહીં શું કામ આલાપવો? તો કે ફેસબૂક-વોટ્સઅપની ભવ્ય ભ્રામિક દુનિયાને લીધે આજે, ગુજરાતી ભાષામાં ‘ઓથરો’ના (માત્ર લેખકો નહીં હોં કે) ફાટી નીકળેલા રાફડામાં સારા વાચકો કેટલા?, એ પ્રશ્ન મને ઘણા સમયથી મૂંઝવી રહ્યો છે. સારું સાહિત્ય ફક્ત સારા સાહિત્યકારો દ્વારા જ ટકે કે સારા વાચકોની પણ જરૂર પડે? હવે જરૂર સારા વાચકોની વધારે લાગે છે. ભલે કૉમિક્સરૂપે, શું આપણે બાળકોને બાળપણથી વાંચવા પ્રોત્સાહિત ન કરી શકીએ?
મારા મતે તો કૉમિક્સથી બાળકો વાર્તા, એની ગૂંથણી, એનું કથન તથા ચિત્રકળા જેવાં કળાક્ષેત્રો તરફ આકર્ષાઈ શકે, કમસેકમ બાળપણથી વાંચનશોખને લીધે એમનામાં કલાપ્રેમનું તો સીંચન થાય જ છે. વાંચનપ્રેમી બાળકો પોતાની કાલ્પનિક દુનિયામાં વિહરતા થઇ મૌલિક પાત્રોનું પણ સર્જન કરે છે, પોતે વાર્તાઓ બનાવે છે, સારી વાતો શીખે છે, કલાપ્રેમી ને સર્જનાત્મક બને છે.
ઉપરાંત હા, આ લેખમાં જેટલી જગ્યાએ ‘હું’ અને ‘મેં’ આવ્યું એ ફક્ત હું નથી, પણ મારા જેવા હજારો કૉમિક્સપ્રેમીઓની આ કથની છે.
-તો આજે જરૂર છે, સારા પુસ્તકપ્રેમીઓની.
એક આડવાત. ૧૯૩૮માં છપાયેલી સુપરમેનની દુર્લભ ગણાતી કૉમિક્સ ૨૦૧૪માં હરાજીમાં ૩,૨૦,૭૮૫૨ ડોલરમાં વેચાઈ, એ કૉમિક્સપ્રેમ ને વાચનપ્રેમનો જ પ્રતાપ ખરોને? ચાલો આ તો વિદેશી થયું, આપણી ભારતીય કૉમિક્સ પણ, જે અપ્રાપ્ય હોય, બંધ થઇ ગયેલા પબ્લિકેશનની હોય ને દુર્લભ હોય, એવી કૉમિક્સ ફેસબુક જેવા માધ્યમથી ૧૦૦ ગણી વધુ કિંમતે વેચાય છે. એમાય લેખક કે ચિત્રકારના ઓટોગ્રાફ વળી પ્રતના ભાવને અનેકગણા વધારી દે છે. એની સામે વાત કરું તો દર રવિવારે બંધ દુકાનો આગળ ફૂટપાથ પર પુસ્તકોનો ઢગલો લઇ કેટલાય પસ્તીવાળા બેસે છે, જેમની પાસેથી જૂનાં અને ઘણાં દુર્લભ પુસ્તકોય મળી રહે છે. કૉમિક્સ અને સાહિત્ય કેટલાક અંશે જુદા છે, છતાં શું આપણા લેખકો કંઈ નબળા છે? આપણા ‘લેજેન્ડરી’ સર્જકોની પ્રારંભિક હસ્તપ્રતો ને પુસ્તકો, કોઈ રસિક એટલી મોઘીં નહી તો કમસે કમ મૂળ કિંમતે પણ ન ખરીદી શકે? ફક્ત પ્રકાશકોના ધંધાર્થે નહીં, પણ એક પુસ્તકપ્રેમી તરફ બીજા પુસ્તકપ્રેમીની કદરદાની ચર્ચા છે. કૉમિક્સના છે એવા જનૂની વાચકો સાહિત્યિક પુસ્તકોના ન હોઈ શકે?
બીજું એક ઉદાહરણ, એક વાચક-ચાહકે બંધ થવાની અણી પર પહોચેલા પબ્લીકેશન પાસે પોતાને ગમતી એક દુર્લભ કૉમિક્સની ૧૦૦૦૦ પ્રતો છપાવડાવી, કેમ કે એ પબ્લિકેશન તો મોટી સંખ્યામાં જ છાપે, અને બીજે ક્યાંયથી એ પ્રત મળે એમ નહોતી. તો શું આ મૂર્ખાઈ છે? હશે. અમુક લોકો માટે એ મૂર્ખાઈ હશે, પણ મારા મતે એ પુસ્તકપ્રેમ છે, કૉમિક્સપ્રેમ છે, એ પુસ્તક સાથે જોડાયેલી એની યાદો છે, એક સારા વાચકની ચાહના છે, વાચક તરફથી સર્જકને ટ્રીબ્યુટ છે, એ પુસ્તકના ચિત્રકાર અને લેખકની કદરદાની છે !
અત્યારે આવા વાચકોની તાતી, અર્જન્ટ, યુદ્ધનાધોરણે જરૂર છે.
‘ઓથર’ તરીકે પ્રસિદ્ધિની ઘેલછા ધરાવનારાઓને લાગે છે કે એકાદ ચોટદાર અને ભાવનાત્મક લખાણ લખવું અને છપાવડાવી દેવું એટલે બની ગયા લેખક !? મનમાં એક નાનકડું છમકલું ફૂટતા, પાનાંનાં પાનાંઓ ભરી નાખતાં આ ઓથરોને, ઓલ ઈન વન ને ઍવરગ્રીન કલાકાર આબિદ સુરતીના એક ઈન્ટરવ્યુનો આ અંશ, મારા જેવા સામાન્ય વાચક-પુસ્તકપ્રેમી તરફથી સાદર અર્પણ.
“में करीब छह या सात साल का था | उन्ही दिनों दुसरे महायुद्ध के सैनिक, जब वे यहाँ से गुजरते थे, बम्बई से बर्मा जाने के लिए| तो यहाँ बम्बई में वो लोग डोक यार्ड में उतरते थे | वहां से एक छोटी सी ट्रेन जो होती थी वो उन्हें वी.टी तक लेकर जाती थी| जो अब वह पटरी भी नहीं रही और ट्रेन भी नहीं रही| वह ट्रेन बहोत ही धीमी गति से चलती थी| और उसमे सारे अंग्रेज या गोरे सैनिक रहते थे | हम सारे बच्चे उस ट्रेन के पीछे दोड़ते थे, भीख मांगते थे, की भाई कुछ पैसे फेंक दो या कुछ खाना फेंक दो | तो ये सैनिक लोगोंने कभी चोकलेट फेंक दी, कभी किसीने कुछ सिक्के फेंक दिए | और हम छिना ज़पटी करते हुए ट्रेन के पीछे दोड़ते रहते थे | तो एक बार एसा हुआ कि एक सैनिक ने एक कॉमिक्स फेंक दिया ट्रेन में से | अब उन दिनों मे कॉमिक्स किसीने देखी ही नहीं थी | क्योंकि इंडिया में कॉमिक्स थे ही नहीं | जो भी कॉमिक्स थे वो कभीकभार कोई यात्री ले आता था विदेश से या इस तरह सैनिक लोग जो आते थे वो कोमिक्स ले कर आते थे | इसके आलावा कोई जरिया नहीं था कॉमिक्स का, के भाई जाके कहीं से खरीद सके या कहीं जाके पढ़ शके | लायब्रेरी में तो कॉमिक्स रखने का चलन ही नहीं था | तो जैसे ही ये पहेला कोमिक्स फेंका गया हम सारे बच्चे टूट पड़े | टूट पड़े तो किसी के हाथ में कुछ आया, दो पन्ने आये, किसी के हाथ में चार पन्ने आये | मेरे हाथ में एक पन्ना आया | वो पन्ना लेके में घर पहोंचा तो मुजे लगा की ये तो मैं भी कर सकता हूं | और मैंने प्रेक्टिस करना शुरू कर दिया | मिकी माउस का कॉमिक्स था वो | तो प्रेक्टिस शुरू की तो मेरा हाथ बेठने लगा कार्टून में | तो वो एक पन्ने की वजह से आज में कार्टूनिस्ट भी हूं |” -અસ્તુ.
બાળકને પરભાષાના માધ્યમ દ્વારા અપાતું શિક્ષણ શાથી અઘરું પડે છે?
‘ઇતર ભાષાના માધ્યમમાં શીખવાથી બાળકનો વિકાસ કુંઠિત થઈ જાય’. ‘શિક્ષણનું માધ્યમ જો માતૃભાષા હોય તો બાળકના મગજ પર શિક્ષણનો બોજો ખૂબ જ હલકો થઈ જાય’, અને ‘બાળકને પોતાનું બાળપણ ખરેખર જીવવા મળે’ વગેરે બાબતો આપણે અહીં અગાઉના લેખોમાં સમજી. આજે આપણે બાળકમાં ભાષાકીય વિકાસના પગથિયાં, ભાષા વ્યવસ્થાની જટિલતા અને શિક્ષણના માધ્યમ તરીકે જો ઇતર ભાષા અંગ્રેજી હોય તો બાળક માટે શું અને કેવી મુશ્કેલીઓ ઊભી થાય છે તે વિશે વિચારીએ.
બાળક જ્યારે જન્મે છે ત્યારે તેની પાટી સાવ કોરી હોય છે, તેને કેટકેટલું શીખવાનું હોય છે. દરેકેદરેક ઇન્દ્રિયની ક્ષમતા તેણે પ્રાપ્ત કરવાની હોય છે, વિવિધ અંગ-ઉપાંગના ઉપયોગ, દિશા અને સમયનાં પરિમાણો અને કેટકેટલું તેણે શિશુ અવસ્થામાં શીખવાનું હોય છે. ભાષા પણ તેને માટે એક નવી જ વસ્તુ છે. પણ બીજી ક્ષમતાઓ અને ભાષાની ક્ષમતાની પ્રાપ્તિમાં એક મૂળભૂત ફરક છે: બીજી બધી ક્ષમતાઓમાં એક, બે કે ત્રણ પરિમાણ હોય છે, જ્યારે, ભાષા વ્યવસ્થામાં કેટકેટલાંય પરિમાણો હોય છે.
બાળકની મનોભૂમિ પર ભાષાબીજ કેવી રીતે અંકુરિત થાય છે એ જાણતા પહેલાં કોઈ પણ એક ભાષા માત્રની સંરચનાના મૂળભૂત મુદ્દા ને એના વિવિધ પરિમાણો વિશે જાણી લઈએ, જેથી પછી એ ભાષાને બાળક કેવી રીતે ગ્રહણ કરે છે-ગ્રહણ કરવાની એ પ્રક્રિયા કેટલી અઘરી કે સહેલી છે વગેરે વિશે ખ્યાલ આવશે.
ભાષા વ્યવસ્થાનું એક પરિમાણ હોય છે ધ્વનિઓનું – દરેક ભાષામાં આવતી ધ્વનિઓ નિશ્ચિત હોય છે. વળી આ ધ્વનિઓના એકબીજા સાથે જોડાવાના નિયમો પણ હોય છે. જેમ કે ‘ળ’ કે 'ણ' ગુજરાતીમાં શબ્દની શરૂઆતમાં ન આવી શકે વગેરે. દરેકે દરેક ભાષામાં આવા નિયમો પણ નિશ્ચિત હોય છે. એટલે કોઈપણ નવી ભાષા શીખતી વખતે તે ભાષાના ધ્વનિઓ અને જોડાણના નિયમો પણ શીખવા પડતા હોય છે.
બીજું પરિમાણ હોય છે ધ્વનિઓ જોડાઈને બનતા ધ્વનિસમૂહના અર્થનું–એટલે કે શબ્દોના અર્થનું. વળી, કેટલાક શબ્દો નક્કર વસ્તુ દર્શાવે છે, તો કેટલાક ક્રિયા કે પ્રક્રિયા દર્શાવે છે, કેટલાક સ્થિતિ દર્શાવે છે, કેટલાક કાળ દર્શાવે છે. વળી કોઈપણ ભાષામાં આવતાં શબ્દોની સંખ્યા ઘણી મોટી હોય છે!
ભાષામાં શબ્દો જોડાઈને પદ બને છે અને તેમના અર્થ, તેમના ઉપયોગ, તેમના ગૂઢાર્થ વગેરેના પણ અનેક પરિમાણો હોય છે – જેમ કે ગુજરાતીમાં ‘મારવું’ નો અર્થ ‘કોઈને ભૌતિક રીતે ઈજા પહોંચાડવાની ક્રિયા’ છે, પરંતુ જો ‘મારવું’ની જોડે ‘પોતું’ કે ‘ઝાડુ’ જોડાય તો? તો એક અર્થ નીકળે છે કે ‘તે વસ્તુ વડે મારવાની ક્રિયા’, અને બીજો અર્થ નીકળે છે ‘એક નિર્ધારિત વસ્તુ વડે ધૂળ આદિની સાફ સફાઈ કરવાની ક્રિયા’.
વળી પદો જોડાઈને વાક્ય બને છે, તો તેમાં માહિતી આપવી હોય તો વાક્ય રચના અલગ, કાળ પ્રમાણે વાક્ય રચના અલગ, તો પ્રશ્નો પૂછવા હોય તો રચના અલગ, અને કોઈને આજ્ઞા આપવામાં આવે તેવા વાક્યોની રચના અલગ.
વળી, ઘણાખરા વાક્યોનો સાદો અર્થ તો હોય જ છે, પણ તેનો ગૂઢાર્થ અને પ્રાસંગિક અર્થ પણ અલગ હોય છે. વળી સંદર્ભ પ્રમાણે, સાંભળનાર કોણ છે તે પ્રમાણે અને સંજોગો પ્રમાણે ઉપયોગ પણ બદલાય. આમ, કંઈકેટલાય સ્તરો છે ભાષાની રચનાના.
આવી જટિલતમ વાગ્વ્યવહારની વ્યવસ્થા એક બાળકે સમજવી, ગ્રહણ કરવી કેટલી અઘરી હશે તેનો અંદાજ આપણને આ ઉપરથી આવી શકે. વળી, આ બધી વ્યવસ્થા બાળક સમજે, પણ તેનો ઉપયોગ કરીને તેમાં જ પોતાના વિચારોને વ્યક્ત કરતાં તેને વધારે સમય લાગે છે.
હવે આપણે એ પણ જોઈએ કે માતૃભાષાની આ આખી વ્યવસ્થા બાળક કેવી રીતે ગ્રહણ કરતો હોય છે.
બાળક ૩ મહિના જેટલું હોય ત્યારે તો હજી તે ફક્ત અવાજો સાંભળે છે, માતાનો અવાજ (અથવા ખૂબ નિકટતમ વ્યક્તિનો અવાજ) ઓળખે પણ છે, બીજા બધાનો અવાજ સાંભળે છે, સાંભળવાની ક્ષમતાનો વિકાસ કરતું રહે છે, અને, ફક્ત થોડાક જ અવાજો કાઢતું હોય છે.
જેમ જેમ બાળક મોટું થાય, તેમ તેમ, ‘માનવ જે બધા ધ્વનિઓ કાઢી શકે તે બધા જ ધ્વનિઓ કાઢવાનો’ બાળક પ્રયત્ન કરતું હોય છે. આ ધ્વનિઓ તેની આસપાસની ભાષામાં હોય કે ન પણ હોય. તે એકસરખું મોઢામાંથી કોઈ ને કોઈ ધ્વનિ કાઢતું રહે છે - ‘કકકક’ ‘બબબબ’ વગેરે વગેરે.
૬થી ૯ મહિનાનું બાળક પોતાની આસપાસના વ્યક્તિઓનો અવાજ ઓળખવા લાગે છે. બાળક હવે ધીરે ધીરે સમજવા લાગે છે કે આ માણસની વસ્તીમાં દરેકે દરેક વસ્તુ માટે ધ્વનિઓનો બનેલો એક સંકેત લોકો વાપરે છે. આ સંકેતો તે સમજવાની શરૂઆત કરી દે છે. તેની સાથે બોલાતા વાક્યોમાંથી શબ્દોને પકડવાની, તે શબ્દોથી સંકળાયેલી વસ્તુઓ કે ક્રિયાઓ સમજવાની શરૂઆત તો તેણે કરી જ દીધી હોય છે.
૯-૧૨ મહિનાનું બાળક તેની આસપાસના લોકોમાં બોલાતી ભાષાના ધ્વનિઓ – એટલે કે તેને સંભળાતા ધ્વનિઓ તરફ વધારે ધ્યાન આપે છે અને પોતાની ભાષાકીય કાબેલિયત પ્રાપ્ત કરવા માટે તે હવે બીજા ધ્વનિઓને ભૂલવા માંડે છે. સાથે જ હવે તે પણ ભાષાની સાંકેતિક ક્ષમતાનો ઉપયોગ કરવાનું, બહાર જવા માટે ‘બાબા બાબા’ પપ્પા માટે ‘પાપા પાપા’ કે ખાવા માટે ‘મમ મમ મમ’ વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. પણ આ સાથે, અભાનપણે તેનું મગજ તેની આજુબાજુ સંભળાતી ભાષાનું પૃથ્થક્કરણ કરતું રહે છે. પોતાની આસપાસ સંભળાતી બોલાતી ભાષાને અભાનપણે તે ગ્રહણ કરતું હોય છે.
જેમ જેમ બાળક મોટું થતું જાય છે, તેમ તેમ તે ભાષાની રચના, તેમાં કયા શબ્દો ક્યાં આવે, સવાલ કેવી રીતે કરાય, જવાબ કેવી રીતે અપાય, કોઈને આજ્ઞા કેવી રીતે અપાય વગેરે રચનાકીય દરેકે દરેક સ્તરનું પૃથ્થકરણ તેનું મગજ કરતું હોય છે. તેની સમક્ષ આવતા શબ્દો, તેના અર્થ વગેરે પણ આ સાથે ગ્રહણ કરતું હોય છે. એક શબ્દનું બનેલું વાક્ય, બે શબ્દોનું બનેલું વાક્ય એમ ધીરે ધીરે નાના વાક્યોથી શરૂઆત કરીને મોટા વાક્યો સુધી પહોંચે છે. ત્રણ વરસની ઉંમરે તેનું શબ્દભંડોળ ૫૦૦થી ૨૦૦૦ શબ્દો જેટલું વિસ્તરી જાય છે.
ત્રણ સાડા ત્રણ વર્ષની ઉંમરે બાળકે પોતાની સમક્ષ બોલાતી રહેલી ભાષાની રચના આત્મસાત કરી લીધી હોય છે, બાળક હવે નવા શબ્દો શીખતો જાય છે, ક્રિયાઓ માટેના વિવિધ શબ્દો શીખતો જાય છે. પોતે આત્મસાત કરેલી રચનામાં વિવિધ શબ્દો મૂકીને પોતાના વિચારો રજૂ કરતા શીખી ગયો હોય છે, ક્યારેક રચનાકીય દૃષ્ટિએ સાચી, પણ મોટાઓની ભાષામાં ઉપયોગમાં ન લેવાતી એકાદ ભાષારચના બાળક કરે દા.ત. ‘સિંહ-સિહંણ, વાઘ-વાઘણ’ પ્રમણે જ ‘બળદ-બળદણ’ કરે, ત્યારે તેને મળતા પ્રતિભાવોને નોંધી, તે ભાષાના ઉપયોગને સુધારતો-મઠારતો ચાલે છે. ભાષાકીય ઉપયોગ પણ શીખતો જાય છે, જેમ કે, મહેમાનને ‘તમે ક્યારે જશો?’ એમ ન પૂછાય. કઈ પરિસ્થિતિમાં શું બોલાય, ક્યારે શેનો અર્થ શું થાય, વગેરે ભાષાના વિવિધ ઉપયોગો શીખતા શીખતા તેને ઘણાં વર્ષો લાગે છે. જેમ જેમ તેની સમક્ષ ભાષાના નવા નવા ઉપયોગો આવે તેમ તેમ બાળક તે શીખે છે.
આમ, વિચારી તો જૂઓ કે એક ભાષાને આત્મસાત કરી પોતે તેને સારી અને યોગ્ય રીતે સમજી, બોલી, પોતાના વિચારો વ્યક્ત કરી શકે, તે માટે એક બાળકે – તેના કુમળા મગજે કેટકેટલી મહેનત કરવી પડતી હશે?
એક બાળક ત્રણ વર્ષ સુધી તો ઘરમાં જ વધારે રહેતો હોવાથી, ઘરના સભ્યો દ્વારા બોલાતી ભાષા, તેની રચના, તેના શબ્દો શીખે છે, જે તેની માતૃભાષા કે પહેલી ભાષા કહી શકાય. બાળક ઘરની બહાર જવા લાગે તો પોતાની આસપાસ બોલાતી ભાષા પણ અભાનપણે શીખતો જાય છે. હવે, આ પરિસ્થિતિમાં વિચારીએ કે જો બાળકને ૨-૩ વર્ષની ઉંમરે પોતાના ઘરમાં બોલાતી ભાષા કે પોતાની આસપાસ બોલાતી ભાષાથી અલગ એવી પરભાષામાં એટલે કે બાળકે જે ભાષા હજી જરાય આત્મસાત નથી કરી અથવા તો સાવ જ થોડા અંશે આત્મસાત કરી છે તે ભાષામાં શિક્ષણ આપવામાં આવે તો શું થાય?
બાળકને આ પરભાષા આવડતી નથી, તે ભાષાના ધ્વનિઓ, ધ્વનિઓની રચના, તેના શબ્દો, શબ્દોના અર્થો, પદો, પદોના અર્થો, વાકય રચના, પ્રશ્ન, આજ્ઞા, તેના અર્થો, તેના વપરાશની પરિસ્થિતિઓ, સાદો અર્થ, ગૂઢાર્થ એમ દરેકે દરેક સ્તર આવડે ત્યારે જ ભાષા આત્મસાત થઈ કહેવાય. તેને આ નવી ઈતરભાષા સાવ નવેસરથી શીખવી પડે છે.
ત્રણ વર્ષ માતૃભાષાને સમજ્યા બાદ અચાનક એક તબક્કેથી ઈતરભાષા વ્યવહારમાં આવવા લાગે, ઈતરભાષામાં શિક્ષણ અપાવવા લાગે તો બાળકનું મગજ એ અન્ય ભાષાની રચનાને સમજવામાં વ્યસ્ત થાય, વળી શબ્દો પણ નવા હોય, એટલે તેમનો અર્થ પણ ન સમજાતો હોય એટલે બાળકનું મન ફરી એ બધું સમજવામાં અટવાઈ જાય છે.
વળી, પરભાષા બાળકના શિક્ષણનું માધ્યમ બને છે ત્યારે તેને આત્મસાત કરવા માટે બાળકે માતૃભાષાથી વિપરિત અભાનપણે નહિ પણ સભાનપણે પ્રયત્ન કરવો પડે છે; કારણકે, તે સાંભળી સાંભળીને આ ભાષા શીખી શકે તેટલા પ્રમાણમાં આ ઇતરભાષા તેની આસપાસ બોલાતી નથી કે નથી તેને એટલા બધા પ્રતિભાવો મળતા. વળી, વર્ગમાં પણ ૩૦-૪૦ બાળકો હોય, શિક્ષક દરેકની ભાષાને પ્રતિભાવ આપવા જાય તો જે તે વિષય ક્યારે ભણાવે?
આ બધામાં એ ભાષા દ્વારા શીખવાતા વિષયની સમજણ તો એક સરેરાશ બાળક માટે દૂરની વાત થઈ જાય છે. આ ઇતરભાષામાં અન્ય વિષયોનું પણ શિક્ષણ મેળવવાનું હોય, તેમાં જ જવાબ લખવાનો હોય. પણ હજી તો બાળકનું મગજ આ ભાષા સાંભળીને, તેનો રચનાકીય અર્થ સમજવામાં ને તેના નિયમો તારવવામાં રહેલું હોય, ત્યાં તે કેવી રીતે ઇતરભાષામાં શીખવાડાતા વિષયને સમજી શકે? તેનું નાનું મગજ ક્યાં ક્યાં દોડે અને કેટલું દોડી શકે? અને પછી ન સમજી શકે એટલે ટ્યુશન, અને ગોખણપટ્ટી સિવાય કયો આધાર રહે?
કેટલાક બાળકોમાં ‘ભાષા’ તરફ એક રુચિ હોય છે, તેવા બાળકો થોડીક વધારે ઝડપથી નવી ભાષા શીખી લે છે, પણ, તે છતાં, તેઓ પણ માતૃભાષામાં જેટલી સહેલાઈથી પોતાના વિચારો વ્યક્ત કરી શકતા હોય છે, તેટલી સહેલાઈથી ઇતર ભાષામાં વિચારો વ્યક્ત કરી શકતા નથી.
આમ, બાળકની બાલ્યાવસ્થામાં જ આપણે બાળકને સારું, શ્રેષ્ઠ આપવાના ખ્યાલમાં જ કેટલો બધો બોજો બાળક પર લાદી દઈએ છીએ અને બાળકનું કેટલું અહિત કરતા હોઈએ છીએ એની કોઈ ગણતરી પણ શક્ય નથી.
આ બધો જ માનસિક ત્રાસ એક બાળક ઉપર આપણે લાદીએ છીએ, ઇતર ભાષામાં શિક્ષણ આપીને. આ ઇતર ભાષા જો અંગ્રેજી હોય તો??? આપણે આવતા અઠવાડિયે ‘ભારતીય ભાષી બાળકો માટે માધ્યમ તરીકે અંગ્રેજી ભાષા કેમ વધારે મુશ્કેલ બને છે’ તે ઉદાહરણ સાથે જોઈશું...
આપણો સગવડિયો ગુજરાતીપ્રેમ, નર્મદજયંતી અને ખરી ઘરવાપસી !
ઉચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં હોવાને લીધે બાળપણથી જ બાળકોને અંગ્રેજી માધ્યમની એસએસસી, આઈસીએસઈ કે સીબીએસઈ શાળામાં ભણાવતા વાલીઓ બાળકને મજૂરની જેમ ભણતો જોઈ દુ:ખી થાય છે અને પરિણામ પણ જોઈએ એવું ન આવતાં છેતરાયાની લાગણી અનુભવે છે. આ વાલીઓની મૂંઝવણો અપાર છે. કેટલાક વિરલ ને સમજદાર વાલીઓ આવા આંધળૂકિયામાંથી બહાર આવી શક્યા છે તો મોટાભાગના હજી પીડાઈ રહ્યા છે. આપણી આસપાસ જ બનેલાં ઉદાહરણો દ્વારા જાણીએ અંગ્રેજી માધ્યમની કેટલીક તૂટી રહેલી ભ્રમણાઓ અને સામે આવી રહેલી વાસ્તવિકતાઓ...
પહેલા એક યથાર્થ વાત.
ઘરની સારી સ્થિતિ હોવા છતાં અંગ્રેજી ન ભણવાને લીધે પાછળ રહી ગયાની લાગણી અનુભવતા અને એ માટે આખી જિંદગી પોતાનાં મા-બાપને કોસતા કેટલાય દંપતિઓએ પૂર્વાગ્રહથી પીડાઈને પોતાનાં સંતાનોને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બોર્ડની શાળામાં મૂક્યાં. પાંચ-સાત વર્ષમાં તો તેમની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. આજે તેઓ બાળકોની શાળાની મોંઘીદાટ ફી અને ટ્યુશન પાછળ વર્ષે દોઢ-બે લાખ ખરચતાં હોવા છતાંય દુ:ખી છે, કારણકે મોંઘી ફી અને હાઈફાઈ કલ્ચરવાળી શાળામાં મૂકવાથી પોતાનું સંતાન હોશિયાર થઈ જશે એવી તેમની આશા ઠગારી નીવડી છે. એટલું જ નહિ, આજે એમની હાલત એવી છે કે નથી તે પોતાના બાળકને આ રીતે અટવાતો જોઈ શકતા કે નથી સાતમા-આઠમા ધોરણમાં આવેલા પોતાના બાળકને ઈચ્છવા છતાં ગુજરાતી માધ્યમમાં ફેરવી શકતા.
વળી, એમને મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે તેમને ખબર પડી કે કૉલેજમાં દાખલો લેતી વખતે, બાળક કયા માધ્યમમાંથી ભણીને આવ્યું છે એના કરતાં એને કેટલા વધુ ટકા આવ્યા છે, તે વાત વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલું જ નહિ, પણ ગમે તે માધ્યમ કે બૉર્ડમાં ભણ્યા છતાં કૉલેજ તો બધા વિદ્યાર્થીઓ માટે સરખી જ છે અને તેમને ભણવાનું પણ સરખું જ છે. આ ક્ષણે તેમને અંગ્રેજીના મોહમાં લીધેલા પોતાના નિર્ણય ઉપર સૌથી વધારે ગુસ્સો આવ્યો. હવે તો એ દંપતી, જે પણ વાલી મળે તેને એમ સમજાવે છે કે ભાઈ, જો તમારે દસ વર્ષના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દરમ્યાન બીજાથી વધારે ઝડપે ગાડી ભગાવ્યા છતાં પણ પછી તો એક જ ફાટક પર ઊભા રહીને બીજાની સાથે આગળ વધવાનું હોય તો નાહક શા માટે બાળકને વહેલાં ફાટક સુધી પહોંચાડવાની જફા વહોરવી??!!
એટલે કે, I.C.S.E, C.B.S.E કે S.S.C. ના અંગ્રેજી કે ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓને કૉલેજમાં તો એકસરખું જ ભણવાનું હોય, તો શા માટે દસ વર્ષ સુધી પોતાના બાળક ઉપર ઉંમર કરતાં આગળનું ભણાવવાનો બોજો નાખવો? અને શા માટે બાળકને એટલું થકવી નાખવું કે જેથી ક્યારેય પાછા ન મળી શકે તેવા બાળપણના દિવસો તે માણી જ ન શકે અને ક્યારેક તો નિરાશાનો ભોગ બનવાની શક્યતા પણ રહે!
આજે, ખરેખર જરૂરી અને સહેલો રસ્તો એ છે કે બાળકને માતૃભાષામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપવું અને એ વર્ષો દરમ્યાન બાળકને સારામાં સારું અંગ્રેજી પણ શીખવવું. આ માટે ઘણી ગુજરાતી માધ્યમની શાળાઓએ પહેલ કરી છે, જેથી બાળક કૉલેજમાં આવીને અંગ્રેજીમાં પાછળ ન રહી જાય અને પોતાને બીજાથી ઉતરતા ન સમજે. ગાડરિયા પ્રવાહમાં તણાવાને બદલે તેમાંથી બહાર આવવાની હિંમત હાલમાં કેટલાક વાલીઓએ દાખવી રહ્યાં છે. પરાગભાઈ ગોરડિયાએ કાંદિવલીની અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા પોતાનાં સંતાનોને ગુજરાતી માધ્યમની શાળામાં મૂક્યા. તેમના પુત્રએ એસ.એસ.સી.માં ૯૦ % લાવીને સૌને આનંદાશ્ચર્યમાં મૂકી દીધાં છે તો પુત્રી પણ અંગ્રેજી કરતાં ગુજરાતીમાં વધારે સારું ભણી રહી છે. ઘાટકોપરના ગૌતમભાઈ બૂટિયાનાં સંતાનો પણ આ જ રીતે અંગ્રેજીમાંથી ગુજરાતી માધ્યમમાં પાછા ફરી એમની શૈક્ષણિક કારકિર્દીનું હસતાંરમતાં ઘડતર કરી રહ્યા છે. આ આજની જ વાત નથી થોડાં વર્ષો પહેલાં પણ આવા નોંધપાત્ર કિસ્સા બન્યા છે. નવી મુંબઈના ચાર્ટડ એકાઉન્ટન્ટ ધવલ બાવડના શિક્ષણની શરૂઆત પણ અંગ્રેજી માધ્યમમાં થઈ હતી. જોકે પછી એ ગુજરાતી માધ્યમમાં ભણ્યા અને આજે સીએની ધીકતી પ્રેક્ટિસ ધરાવે છે તો કાંદિવલીનાં એક બહેનનું શિક્ષણ પણ અંગ્રેજીમાં શરૂ થયું અને વચ્ચેથી ગુજરાતી માધ્યમમાં પાછા ફરીને માતૃભાષામાં જ શાળાનું શિક્ષણ પૂરું કર્યું. આજે એ બહેન એમની જ શાળાનાં ઉપ-આચાર્યા છે !
આવી સમજણથી પ્રેરાઈને મલાડ ઈસ્ટની જે.ડી.ટી. શાળામાં ગયા વરસે પહેલાથી ચોથા ધોરણ સુધીમાં, પ્રિયંકા યોગેશ વરતડા, છાપીયા સીકા, દરજી જય સતીશકુમાર, વાજાધારા વિપુલ, વાજાધારા આશિષ, ચંદાત શ્રુતિ, ચંદાત દક્ષા વગેરે બાળકોએ અંગ્રેજી માધ્યમની શાળામાંથી ગુજરાતી માધ્યમની શાળામાં પ્રવેશ લીધો છે અને એ માટે એમને શાળાના સંચાલકો, આચાર્યા અને શિક્ષકો તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળ્યો છે.
આવી જ રીતે, વિરારના એક બહેન મનીષા વ્યાસ, બીજા ધોરણના અંગ્રેજી માધ્યમમાં ભણતા પોતાના બાળક માટે ગુજરાતી માધ્યમની શાળાની જાણકારી મેળવવા માગતા હતા. તેઓ તો બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવા વિરાર છોડીને જે તે શાળાની નજીકના પરામાં રહેવા જવા પણ તૈયાર છે. આ પ્રસંગો બતાવે છે કે સાવ ગાડરિયા પ્રવાહમાં તણાવવાને બદલે કેટલાક વાલીઓ જાતઅનુભવે શીખીને, બાળકના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારીને, લોકોની વાતો વિશે ફિકર કર્યા વગર બાળકના હિતમાં હિંમતભર્યો નિર્ણય કરે છે.
તો ચાલો, આપણે પણ આવી હિંમત દેખાડીએ અને માતૃભાષા સિવાયની શાળામાં પોતાના બાળકને મૂક્યો હોય તો જાગ્રત થઈએ અને બાળકને એમનું બાળપણ જીવવા દઈ, આપણે તેને ખરેખર પ્રેમ કરીએ છીએ તે પૂરવાર કરીએ. જો આપણે માતૃભાષાની જવાબદારી ઊપાડી લઈએ, તો માતૃભાષા પણ આપણા બાળકના સારા સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી ઊપાડી લેશે.
દરેક ગુજરાતી માટે જરૂર છે કે તે ગાંધીજીના સ્મારક સામે શ્રધ્ધાંજલિઓ આપી કે મોબાઈલ પર આવ્યે રાખતી ગુજરાતીઓની ખાસિયતના મેસેજ જોઈ, વાંચી કે સાંભળીને માત્ર ગુજરાતી હોવાનો ગર્વ અનુભવવાને બદલે માતૃભાષાની જવાબદારી ઉપાડવાનો સંકલ્પ કરી ખરું ગૌરવભર્યુ કાર્ય કરે.
2015ની ૨૪ ઓગસ્ટ, નર્મદ જયંતીના દિવસે આવા જ સંકલ્પ સાથે ‘મુંબઈ ગુજરાતી’એ ‘મારી મતૃભાષા, મારી જવાબદારી’ યાત્રાનો શુભારંભ કર્યો હતો જે હજી અવિરત ચાલ્યા કરે છે. આ યાત્રામાં સાથે જોડાવા અને મુંબઈના પરાની વિરારથી ચર્ચગેટ, કલ્યાણ, ડોમ્બિવલી, વી.ટી.થી લઈને થાણા સુધીની તમારા રહેઠાણની નજીકની ગુજરાતી માધ્યમની શાળાની જાણકારી મેળવવા કે આ પહેલમાં કોઈ પણ રીતે સહયોગ આપવા સંપર્ક કરો.
- મુંબઈ ગુજરાતી સંગઠન
એક સામાન્ય વ્યક્તિની નજરે સાહિત્ય
વિનોદ પટેલ, 30 વર્ષ.
ફેક્ટરી કામદાર, અમદાવાદ.
શિક્ષણઃ દસ ધોરણ.
* સાહિત્ય તમારી માટે શું છે?
સાહિત્ય શબ્દ સાંભળ્યો છે કંઈ કવિઓનું હોય છે. બાકી એ વિશે વધુ કંઈ ખબર નથી.
* કોઈ પુસ્તક વાંચ્યું છે?
ના. કંઈ વાંચતો નથી. એ અમારે શું કામનું? સમય કેમ બગાડવો? એટલો સમય કામધંધામાં વધારે ધ્યાન આપીએ તો બે પૈસા વધુ કમાઈએ. જોકે વરસો પહેલાં ક્યારેકક્યારેક છાપાં-ચોપાનિયાં ઉથલાવ્યાં છે.
* એટલે ક્યાંક કંઈ વાંચીને કદી ખળભળી જવાયું કે સુન્ન થઈ જવાયું હોય એવું થયું છે?
હા. એકવાર ટ્રક પાછળ વાંચેલું એક વાક્ય બરાબર મગજમાં ચોંટી ગયું છે, ‘તું તારું કર...’ એમ લખેલું હતું. એ કહે છે કે તું મારું ન વિચાર, તું તારા પર ધ્યાન આપ... તારી પોતાની ચિંતા કર.
* કદી કવિસંમેલન-મુશાયરા-કાર્યક્રમમાં ગયા છો?
ના.
* કોઈ કવિતાની પંક્તિઓ યાદ છે? સ્કૂલમાં ભણેલી કે સાંભળેલી?
જળકમળ છોડી જાને બાળા...
* એ નરસિંહ મહેતાની છે, એ કોણ હતા ખબર છે?
હા, એ કૃષ્ણના દૂત હતા.
* બીજી કોઈ પંક્તિઓ?
સોળ(ચૌદ) વરસની ચારણ કન્યા...
* ઝવેરચંદ મેઘાણીને ઓળખો છો?
અમારી આ હિરાવાડીનો ઝવેરી છે કદાચ.
* ગોવર્ધનરામ ત્રિપાઠીનું નામ સાંભળ્યું છે?
ના.
* સરસ્વતીચંદ્ર સાંભળ્યું છે?
હા, એ કોઈ મોટા માણસ હતા.
* ચંદ્રકાન્ત બક્ષીને જાણો છો?
ચંદ્રકાન્ત પક્ષી? (કંટાળાભર્યું હસે છે.)
* રઘુવીર ચૌધરીનું નામ સાંભળ્યું છે?
એક રઘુવીર રબારીને ઓળખું છું.
* તમને શું લાગે છે આ વાર્તાકવિતાઓને એ બધું લખાવું જોઈએ?
જેમની માટે કામનું હોય એમની માટે ભલે, બાકી એ બધું આપણા કામનું નહીં.
* તમને પુસ્તકો વાંચવાનું કહું તો વાંચો? તમારે પુસ્તકો વાંચવા જોઈએ. સરકાર કરોડો રૂપિયા ખર્ચીને સાહિત્યનું સંવર્ધન પ્રસાર-પ્રચાર કરે છે એ તમારી માટે કરે છે, એના પૈસા તમારા ભરેલા ટેક્સમાંથી આવે છે.
એમ હોય, તો જો સરકાર એવી વ્યવસ્થા કરી આપે કે એ પુસ્તકો વાંચવાથી અમને અમારા ટેક્સના પૈસા પાછા મળી જાય તો પુસ્તકો વાંચી કાઢીએ.
* કવિલેખકો વિશે શું માનો છો? એ લોકો આટલી બધી મહેનત કરીને શું કામ લખતા હશે?
પ્રસિદ્ધિ માટે લખતા હોય બીજું શું. નહીંતર સાથે એમનું નામ શા માટે લખે? લોકો માટે લખતા હો તો નામ લખવાની શી જરૂર છે?
ખીટીનો રૂમાલ... – નીરજ કંસારા
અમારા પૂર્વજો ગમછા તરીકે ઓળખાતા, પણ પછી ઉત્ક્રાંતિ થઈ અને અમે આજના આધુનિક સ્વરૂપમાં રૂમાલ બનીને પ્રગટ થયા. પહેલીવાર મને મારા અસ્તિત્વનો અહેસાસ ત્યારે થયો, જ્યારે શહેરની વચ્ચોવચ આવેલા બજારની એક દૂકાનમાં ખીંટીએ મને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો. તમને ખબર નહીં હોય પરંતુ તે મારા જીવનની ખૂબ મહત્વની ક્ષણ હતી. કેટલાય લોકો મારી પાસે આવ્યા, મને સ્પર્શ કર્યો અને મને તરછોડીને જતા રહ્યા, પરંતુ હે સ્વામી, હું કઈ રીતે સમજાવું કે તમારું નાક લૂછવા માટે મારા કરતા 15મા નંબર પહેલા બનેલો રૂમાલ એટલો સક્ષમ નથી, જેટલો હું છું. એપ્રિલ-મે મહિનાના બળબળતા બપોરે, ઝરણાં નીચેના પત્થરો પર પ઼ડેલા પાણી માફક તમારા કપાળ પર પરસેવો બાઝી જાય છે, ત્યારે તમારી શાખને બચાવવા માટે મારું જ શોર્ય કામ લાગશે. બગલમાં બાઝતા પરસેવા લૂંછવાનું કૌવત તો મને વારસાગત સાંપડેલું છે, એની સાબિતી હું તમને ક્યાંથી આપું? મારી આવી અનોખી ખૂબીઓને અવગણીને મને ખીંટી પરનો રૂમાલ બનાવનારા એ દૂકાનદારને હું ક્યારેય માફ કરવાનો નથી.
મારી બાજુમાં લટકેલા કેટલાક ચડ્ડા તો કહે છે તેઓ વર્ષોથી ખીંટી પર જ રહી ગયા છે, એમાંના અમુકની ફેશન તો ક્યારેયનીય ઝાંપો વટાવીને બીજે ગામ નીકળી ગઈ છે તો પણ તેમનું સ્થાન બદલવામાં નથી આવ્યું. અમારા ખીંટી પરિવારમાં સૌથી વયોવૃદ્ધ એક લૂંગીદાદી છે. તેઓ તો કહે છે, તેમના વડવાઓ ચાર આનામાં વેચાતા એ જમાનાથી તેઓ ત્યાં લટક્યાં છે. આજ સુધી તેમને કોઈએ પસંદ કર્યાં નથી. તેમના પછી આવેલી તેમની દીકરીઓ, તેમની દીકરીઓની દીકરીઓ અને કંઈકેટલીએ પેઢીઓ આજે કટકા બનીને ઘરમાં વાસણ સાફ કરતી થઈ હશે. અમુક તો ઝાપટીયાં બની હશે અને કેટલીક તો તાપણાંમાં બળી પણ ગઈ હશે, પરંતુ તેઓ હજુ ખીંટી પર જ રહી ગયાં છે.
-પણ મેં નક્કી કર્યું હતું કે હું ખીંટી પરનો રૂમાલ બનીને નહીં રહું. મારે કોઈકના ગજવામાં સમાવું છે. મારી આસપાસ રહેલી ચલણી નોટોનો ગરમાટો સહન કરવો છે. બાળકોના ગળતા નાકને સાફ કરવાનું ભગીરથ કાર્ય કરવું છે. ધરતી પર ફરી રહેલા કરોડો મનુના અંશના શરીર પરથી નીકળતા દરેકેદરેક પરેસવાના ટીપાને એમના શરીર પરથી સાફ નહીં કરું, ત્યાં સુધી મારો જન્મ નિષ્ફળ છે.
શિયાળામાં થતી ઉધરસ, ખાંસી અને છીંકસામે મારે આખી માનવજાતિને રક્ષણ પૂરું પાડવાનું છે. મારે ઘણા ચોરોના કે કાળા કામ કરનારાના ચહેરા પર છવાઈ જઈને તેમની ઓળખને છૂપાવાની છે. ટ્રેનમાં નીચે બેસવા માટે કોઈનું આસનીયું બનવું છે. તો ફૂટપાથ પર વર્ષોથી તપ કરીને જામેલી ધૂળ મને બે વાર ઝાપટવાથી દૂર થાય છે એવો આનંદ કોઈક યશોદાના લાલને કરાવવો છે. ખાવાનું ભાન ન હોય તેવાની જાંઘ પર રહીને તેના કીમતી પેન્ટ અને શર્ટને બગડતા અટકાવવાનું કામ પણ એટલું જ પુણ્યનું છે, તે અમે રૂમાલસંહિતામાં વાંચ્યું છે.
આવા તો કંઈક કેટલાય યુગપ્રવર્તક કામ માટે મારું સર્જન થયું હશે, પરંતુ દૂકાનની ખીંટીએ મને અર્જુન જેવો વિષાદ થઈ આવે છે. મારી ચારે તરફ મારા સગાવ્હાલાં છે અને હું પણ કિમકર્તવ્યમૂઢતા અનુભવું છું. ફરક એટલો છે કે અર્જુનના હાથમાંથી ગાંડીવ સરી પડ્યું હતું અને અહીં આવતી હવાની લહેરખીથી હું જ આખેઆખો સરી પડું છું.
રસનિધિ
(કનૈયાલાલ મુનશીકૃત ‘પૃથિવીવલ્લભ’માં
‘રસનિધિ’નું પાત્ર ઉપસાવતાં કેટલાંક ગદ્યપુષ્પો !)
*
‘ભિલ્લમરાજ!’ તૈલપે કહ્યું, ‘બા પણ છે એટલે ઠીક, હવે બોલો. તમારે જે વરદાન જોઈએ તે હાજર છે. આ વખત તમારી સેવાનો બદલો જે વાળું તે ઓછો છે.’ (પાનું-34)
*
જે પળે તે મુંજને પાડી તેના પર ચડી બેઠો, અને બળજોરીથી તેનાં શસ્ત્રો લઈ લીધાં તે પળે મુંજે તેના કાનમાં કહેલા શબ્દો તેને યાદ આવ્યા. ‘ભિલ્લમ,’ તેણે કહ્યું હતું, ‘મારું ભલે ગમે તે થાય, પણ મારા કવિઓને સંભાળજે.’ તે શબ્દો વિજયના ઉત્સાહમાં તે વીસરી ગયો હતો; અત્યારે તે યાદ આવ્યા. (પાનું-35)
*
‘માલવાના કવિઓને જીવતા જવા દો.’ ઉતાવળથી ભિલ્લમે કહી નાખ્યું.
‘માગી માગીને આ માગ્યું?’ તિરસ્કારથી મૃણાલે કહ્યું. (પાનું-36.)
*
(પાનાં- 39થી 44.)
રાજાએ વચન આપતાં આપ્યું તો ખરું, પણ રખે તે પાછું ખેંચી લે એવો ડર ભિલ્લમને લાગ્યો, એટલે તે ત્યાંથી બારોબાર જ્યાં માલવાના કવિઓને કેદમાં પૂર્યા હતા ત્યાં ગયો.
જે ભટ્ટરાજ કવિઓની ચોકી કરતો તે રાજાનું વરદાન સાંભળી વિસ્મય પામ્યો અને તેણે કારાગૃહનું બારણું મહાસામંતને ઉઘાડી આપ્યું.
તેને જોઈ ત્યાં બેઠેલા પુરુષોમાં ખળભળાટ થઈ રહ્યો.
‘કવિરાજો! ક્ષમા કરજો,’ ભિલ્લમે નમ્રતાથી કહ્યું, ‘મારા આતિથ્યનો સત્કાર કરો, એવી પ્રાર્થના કરવા હું આવ્યો છું.’
એક સુકુમાર, નીચો અને સ્વરૂપવાન યુવક ઊભો થઈ સામો આવ્યો, અને હસીને પૂછ્યું- ‘કોણ, તમે યમરાજ છો?’
ભિલ્લમ આ પુરુષની કાંતિ જોઈ રહ્યો.
‘હું? -ના, કેમ?’
‘શુષ્ક મૃણાલવતીના ગામમાં યમરાજ સિવાય અમારો કોણ અતિથિસત્કાર કરે?’ એક બીજો આવી બોલ્યો.
‘ધનંજય !’ પેલા યુવકે કહ્યું, ‘આ યમરાજ પોતે નથી; તેના દૂતોમાં શ્રેષ્ઠ એવો સ્યૂનદેશનો નરાધિપ છે.’
ભિલ્લમ હસ્યોઃ ‘ના; હું માત્ર મહાસામંત છું. હું યમદૂત નથી; પણ તમને આ જીવતા નરકમાંથી બચાવવા આવ્યો છું.’
ધનંજયે કહ્યુ- ‘પૃથિવીવલ્લભ વિનાની નિસ્તેજ પૃથ્વીમાં કંઈ જવા જેવું નહીં રહ્યું હોય.’
‘ના! મહારાજે તમને જીવિતદાન આપ્યું છે. તમે બધા મારે ત્યાં પધારો.’
આ સાંભળી બધા ચકિત થઈ ગયા, અને હોંસમાં આવી ઊભા થઈ ભિલ્લમને વીંટાઈ વળ્યા.
‘તમારું નામ તો ધનંજય?-’
‘હા.’
‘ને તમારું?’ પેલા સ્વરૂપવાન યુવક તરફ ફરી મહાસામંતે પૂછ્યું.
‘મારું?’ જરા ખંચાઈ પેલા યુવકે કહ્યું.
‘એનું નામ રસનિધિ.’ ધનંજયે ઉમેર્યું, ‘ને આ પદ્મગુપ્ત-’
‘હા, મારું નામ રસનિધિ.’ કહી રસનિધિ ભિલ્લમ સાથે ચાલ્યો, અને બધા તેની પાછળ ચાલ્યા.
રસ્તે ચાલતાં ભિલ્લમે ધ્યાનપૂર્વક જોયું- રસનિધિની સુકુમારતાના પ્રમાણમાં તેનું શરીર ઘણું મજબૂત લાગતું, અને શૂરવીરોનાં શરીરો પારખવાની ટેવ હોવાથી મહાસામંતને લાગ્યું કે આ પુરુષ બખ્તરમાં સારો શોભે. તે પોતાના વિચારથી મનમાં હસ્યો, ‘આ બિચારાને બખ્તરમાં, ને યુદ્ધમાં કૌશલ્ય શું?’
મૂંગે મોઢે મહાસામંત રાજમહેલની પાસે જ આવેલા પોતાના મહેલમાં આવ્યો અને પોતાના પરિચરોને આ કવિરાજોનું આતિથ્ય કરવાનો હુકમ કર્યો.
‘કવિરાજ!’ ધનંજય તરફ ફરી ભિલ્લમે કહ્યું, ‘આપને એક તસ્દી આપવાની છે.’
‘મને? શી?’ ધનંજયે પૂછ્યું.
‘મારી સ્ત્રી ને પુત્રીએ ઘણા વખતથી કવિરાજોનાં દર્શન કર્યાં નથી. આપ મારી સાથે આવશો?’
‘જે દેશમાં કવિઓ દુર્લભ હોય ત્યાં સ્વરૂપમાંથી સૌંદર્ય જાય, રાજામાંથી ટેક જાય અને સ્ત્રીઓમાંથી આર્દ્રતા જાય એમાં શી નવાઈ?’
‘કવિરાજ! આપ આવશો?’
‘હું?’ ફરીથી ખંચાઈને રસનિધિએ પૂછ્યું.
‘હા. શી હરકત છે?’
ધનંજયે ધ્યાનથી રસનિધિ તરફ જોયું.
‘રસનિધિ! હા, તું પણ ચાલ. ચાલો સ્યૂનરાજ !’ કહી તે અને રસનિધિ ભિલ્લમરાજની સાથે અંતઃપુરમાં ગયા.
ભિલ્લમરાજે તેના પૂર્વજોનું બિરુદ ‘કવિકુલત્રાતા’ આજે રાખ્યું હતું; અને ઘણે દિવસે આવા સંસ્કારી પુરુષોની સોબત તેને મળી હતી. આથી તેનું હૈયું આનંદ અને ગર્વથી મલકાતું હતું.
લક્ષ્મીદેવી હજુ રાજમહેલમાંથી આવ્યાં નહોતાં, અને વિલાસ શંકરના મંદિરમાં હતી. ભિલ્લમે એક માણસને વિસાલને તેડવા મોકલ્યો, અને પોતે ધનંજય ને રસનિધિને લઈ પાછળ આવેલી વાડીમાં એક વિશાળ પીપળાના થાળા પર જઈ વાત કરવા લાગ્યો.
‘બાપુ-’ થોડી વારે વિલાસનો અવાજ આવ્યો.
‘કોણ વિલાસ? બેટા! ’
વિલાસ પાસે આવી એટલે મહાસામંતે કહ્યું : ‘આમ આવ. તારે કવિઓ જોવા હતા ને? લે, આ રહ્યા.’
વિલાસે બે કવિઓ તરફ જોયું, અને જરા ગભરાઈને ઊભી રહી.
‘આ કવિરાજ ધનંજય-એમની ખ્યાતિ તો મારા સ્યૂનદેશ સુધી પણ આવી હતી.’
વિલાસે નીચા વળી નમસ્કાર કર્યા.
‘પુત્રી ! રાઘવ સમા નરેશની અર્ધાંગના થઈ, સૂર્ય સરખા તેજસ્વી પુત્રોની માતા થજે,’ આડંબરથી ધનંજયે કહ્યું.
‘આ કવિવર રસનિધિ.’
શરમથી અડધું નીચું જોતાં, જિજ્ઞાસામાં અડધી ઊંચી આંખો રાખી વિલાસે રસનિધિ પર નજર ઠારી. વિલાસને તેનું મુખ કંઈ વિચિત્ર લાગ્યું; આ વિચિત્રતા શી હતી, એની તેના પર શી અસર થઈ, તેની તેને ખબર પડી નહિ.
‘ભગવતિ ! હું શું આશીર્વાદ આપું ?’ રસનિધિએ હસીને પૂછ્યું, ‘સુધાનાથને વરજો ને સુધા ચાખી અનેરા આનંદો અનુભવજો !’
વિલાસવતીને આશીર્વાદનો અર્થ કંઈ સ્પષ્ટ સમજાયો નહિ; પણ મહાસામંત ખડખડાટ હસી પડ્યા.
‘કવિરાજ, આ અવંતી ન હોય.’
‘હાસ્તો. નહિ તો આવી સ્થિતિમાં હોઉં?’
‘અમારે ત્યાં તો સુધાનાથ સુકાઈ ગયા છે. ને આનંદ-અનુભવો એ તો પાપની પરિસીમા છે.’
‘હેં!’
‘મૃણાલબાનો વૈરાગ્ય તમે જોયો નથી. અને આ વિલાસ પણ શું? એણે પણ અત્યારથી તપશ્ચર્યા શરૂ કરી છે.’
‘શા માટે?’ ધનંજયે પૂછ્યું.
‘કવિરાજ! તૈલંગણની ખૂબીઓ ન્યારી છે.’
‘પણ આટલી કન્યાને એ શું?’
‘વિલાસનું લગ્ન સત્યાશ્રય કુંવર જોડે થવાનું છે. એને માન્યખેટની ગાદીપતિની પટ્ટરાણીને લાયક કેળવણી જોઈએ ને?’ જરા અસ્પષ્ટ કટાક્ષમયતાથી ભિલ્લમે કહ્યું, ‘કેમ ખરું ની વિલાસ?’
વિલાસ હસી. બંને કવિઓ દયાથી તેની સામે જોઈ રહ્યા.
‘એટલે હૃદયનાં ઝરણાં સુકાય ત્યારે પટ્ટરાણીની પદવી પમાય?’ ધનંજયે પૂછ્યું.
‘અમારાં મૃણાલબાની એવી માન્યતા છે. બેસની વિલાસ ! આવ. હું આ બધા કવિઓને છોડાવી લાવ્યો; હવે એ આપણે ત્યાં રહેશે.’ વિલાસ આવી ભિલ્લમ પાસે ઊભી રહી, અને મૂંગે મોઢે ત્રણે જણા સામે જોઈ રહી.
તેને એક અપરિચિત અનુભવ થતો હતો. આ લોકોનો પહેરવેશ વિચિત્ર હતો; તેમની રીતભાત સ્વચ્છંદી, ટાઢાશ વિનાની હતી; તેમની વાતચીતમાં ગાંભીર્ય અને સંયમ - જે ગુણોની તેને ભક્ત બનાવવામાં આવી હતી – તેનો અભાવ હતો; તેમના મોં પર સખ્તાઈ કે ડહાપણનો અંશ નહોતો. અને આ બધાને લીધે તેને વાતાવરણ કંઈ અસ્વાભાવિક લાગ્યું; અને તેથી તેના હૃદયમાં કંઈ આઘાત થતો હોય – દુઃખ થતું હોય – તેમ લાગ્યું. પણ આઘાત અને દુઃખ એવાં આકર્ષક લાગ્યાં કે ત્યાંથી જવાનું મન થયું નહિ.
‘ત્યારે તમારે ત્યાંથી કવિઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે. એ વાત ખરી ?’ રસનિધિએ પૂછ્યું, ‘મેં તો ગપ ધારી હતી.’
‘અમારે ત્યાં જે ન થાય તે ખરું,’ ભિલ્લમે કહ્યું.
‘તમારે ત્યાં કવિતા નહિ, રસ નહિ, આનંદ નહિ – પછી શું રહ્યું?’
‘બોલ વિલાસ ! જવાબ દે.’
ધીમેથી ઊંચું જોઈ તેણે રસનિધિની સામે જોયું અને કહ્યું : ‘ત્યાગ-શાંતિ.’
‘કેટલા માણસોએ ખરેખરાં ત્યાગ ને શાંતિ અનુભવ્યાં છે?’
‘અમે તો બધાં દેવો છીએ.’ ભિલ્લમે હસતાં હસતાં કહ્યું.
‘દેવો પણ આનંદની મૂર્તિઓ છે; તમે તો પાષાણ થવા મથો છો.’
‘અત્યારે દેવી હોય તો તેને તમારી વાતમાં બહુ રસ પડે.’
‘બીજું બધું ચંચલ છે – નિશ્ચલ માત્ર એક શાંતિ છે,’ પોપટની માફક વિલાસે સૂત્ર કહ્યું.
‘ના, તે પણ ચળે એવી છે; નિશ્ચલ માત્ર આનંદ.’
વિલાસ જરા તિરસ્કારપૂર્વક હસી.
‘શાંતિ વિના આનંદ કેમ આવે?’
‘સુખના અનુભવથી.’
‘એ તો ક્ષણિક.’
‘કોણે કહ્યું ? રસિકતા હોય તો શાશ્વત સુખ મળે.’
***
(પાનાં-45થી 46)
‘રસિકતા એટલે શું?’ વિલાસે પૂછ્યું.
રસનિધિએ આંખો ફાડીઃ ‘તમને ખબર નથી?’
‘ના.’
‘તમે કાવ્યો સાંભળ્યાં છે?’
વિલાસ હસીઃ ‘તમારા ભર્તૃહરિનું વૈરાગ્યશતક સાંભળ્યું છે.’
‘શૃંગારશતક સાંભળ્યું છે?’
વિલાસે સખ્તાઈથી ઊંચું જોયું : ‘એ તો પાપાચારી માટે.’
રસનિધિ હસ્યોઃ ‘કંઈક નાટક જોયું છે?’
‘છેક નાની હતી ત્યારે સ્યૂનદેશમાં જોયું હતું, પણ યાદ નથી.’
‘ચંદ્રની જ્યોત્સ્નામાં પડ્યાં પડ્યાં કોઈ દિવસ ગાયું છે?’
‘ના. ચંદ્રના તેજમાં ફરવું મારે ત્યાજ્ય છે.’
રસનિધિ ગાંભીર્યથી તેના સામે જોઈ રહ્યો.
‘ત્યારે તમને રસિકતાનું ક્યાંથી ભાન હોય? તમારી પાસે આ બધું કોણ કરાવે છે?’
‘હું મારી મેળે કરું છું – મૃણાલબા માત્ર સૂચના કરે છે.’
‘એ બધું કરવાનું શું કારણ?’
‘ત્યાગવૃત્તિ કેળવવી.’
‘એમ કેળવાય? તમે શું ત્યાગ કરો છો તેનું તો તમને ભાન નથી.’
વિલાસ વિચારમાં પડીઃ ‘ના, છે. મને મૃણાલબા કહે છે.’
‘માત્ર મોઢાની વાતો – અનુભવની નહીં.’
‘કલંકિત કરે એવી વસ્તુનો અનુભવ-’
‘કલંકિત શી વસ્તુ કરે?’ રસનિધિએ જુસ્સામાં પૂછ્યું, ‘જો કાવ્ય કલંકિત કરે, રસ કલંકિત કરે, જ્યોત્સ્નાનું અમૃત કલંકિત કરે – કાલે કહેશો કે પ્રેમ કલંકિત કરે – તો એ કલંકિત જીવન શું ખોટું?’
‘મારે નિષ્કલંક થવું છે.’ જરા સખ્તાઈથી વિલાસ બોલી અને ઊઠી.
રસનિધિ મૂંગો રહ્યો. થોડી વારે તેણે કહ્યું : ‘ત્યારે તમને મારા જેવા તો કલંકિત લાગતા હશે?’
‘ભોળાનાથ તમને સદબુદ્ધિ આપશે.’
રસનિધિ ગૂંચવાઈને ઊભો રહ્યો.
‘રસિકતા અનુભવવાનું તમને કદી મન જ થયું નથી?’
‘મને.’ વિચારમાં પડી વિલાસે કહ્યું, ‘એ વસ્તુનો પૂરો ખ્યાલ જ નથી.’
‘ખ્યાલ લાવવાનું મન પણ થતું નથી?’
‘પાપ કરવાનું મન ન થાય એમાં ખોટું શું?’
‘વિલાસવતી !’ રસનિધિએ માયાળુપણાથી તેની સામે જોતાં કહ્યું, ‘રસિક થવું, રસિકતા અનુભવવી એમાં જ હું તો મોક્ષ માનું છું.’
‘ના. ના. ના.’ કાને હાથ દઈ, હસી વિલાસ બોલી. તેના હાસ્યમાં કંઈ જુદો જ ભાવ લાગતો હતો. ‘લો, આ બા આવી,’ કહી તે દૂરથી આવતાં ભિલ્લમ અને લક્ષ્મીદેવી તરફ ફરી.
***
(પાનું-50)
તેને ધનંજય અને રસનિધિ કંઈ જુદા જ પ્રકારના માણસો લાગ્યા. તેમના હસવામાં સંયમ નહોતો, તેમની વાણીમાં ગાંભીર્ય નહોતું, તેમના શબ્દોમાં ઠાવકાઈ નહોતી, તેઓ પાપાત્માઓ જેવા સ્વચ્છંદી લાગ્યા; તો પણ તેમની રીતભાતમાં મનને ગમે એવી વિચિત્રતા લાગી. તેની કેળવણી, તેની ચારિત્ર્યની ભાવનાઓ અને તેના વિચારો-આ બધાને શિખરે ચઢેલી તેની નજરને તો તે બંને તુચ્છ, સયંમવિહીન, સ્વચ્છંદી લાગ્યા; અને છતાં પણ કંઈ એવું થયા કર્યું કે જાણે તેમની વાતચીત ફરી તે સાંભળે, તેમનાં મુખ તે ફરી જુએ.
***
(પાનું-51)
તેને મુંજ યાદ આવ્યો. મૃણાલબા તેને પાપાચારી કહેતાં હતાં, પણ તે આનંદ ને શાંતિની મૂર્તિ લાગતો હતો. પાપાચારીને શું આવી શાંતિ સંભવે?
***
(પાનું-51)
તેમનામાં એવું શું હતું કે જેથી મૃણાલબાએ તેમને દેશપાર કરાવ્યા હતા?
છેલ્લા પ્રશ્નનો જવાબ તેને સહેલો લાગ્યો; આવા સ્વચ્છંદીઓ દેશમાં વસે તો લોકોનું નિયમિત અને શુદ્ધ થઈ રહેલું જીવન ભ્રષ્ટ થઈ જાય.
***
(પાનાં 65થી 66)
-વચ્ચે વૃક્ષોનું એક ઝુંડ હતું. ત્યાં આગળથી જતાં તેને કોઈ ભોંય પર સૂતું હોય તેમ લાગ્યું.
‘કોણ એ?’ વિલાસે પૂછ્યું.
સૂતેલા માણસે એકદમ ચારે તરફ જોયું. વિલાસે તેને ઓળખ્યો.
‘કોણ, કવિરાજ?’
‘હા,’ રસનિધિએ કહ્યું.
વિલાસ ખંચાઈ. આ કવિને આમ મળવાની તેણે આશા રાખી નહોતી.
‘કેમ, શું કરો છો?’
‘કંઈ નહિ. ભિલ્લમરાજને અર્પણ કરવા એક અષ્ટક બનાવતો હતો.’
‘આખો દહાડો કવિતા જ કર્યા કરો છો?’ વિલાસે હસીને પૂછ્યું.
‘ના.’ દિલગીરીભર્યા અવાજે રસનિધિએ કહ્યું.
વિલાસે તેના મુખ ઉપર છવાયેલી ગ્લાનિ જોઈ અને પૂછ્યું :
‘કેમ? અહીંયાં ફાવે છે? કઈ જોઈતું કરતું હોય તો કહેજો.’
‘મને જોઈએ તે તમે કેમ કરીને આપી શકશો?’ ડોકું ધુણાવી રસનિધિએ કહ્યું.
‘શું જોઈએ છે? બાપુને જે કહેશો તે બધું મળશે.’
‘બા! તમે તો બાળક છો. બધું ક્યાંથી મળશે? – ક્યાં માલવા ને ક્યાં તૈલંગણ?’
‘કવિરાજ! તૈલંગણમાં શું ઓછું છે? તમે હજુ જોયું નથી તેથી આમ કહો છો.’
‘ના, ભલે તૈલંગણ સોનાનું હોય તેમાં મારે શું? મારી અવંતીનાં પ્રિય પુરજનો, મારા મહાકાલેશ્વરના ગગનભેદી ઘંટનાદો, મારા પિતાની પુનિત દાહભૂમિ – એ ક્યાં મળશે?’
‘આ તો મારી બા કહે છે તેમ તમે કહો છો. તેને પણ સ્યૂનદેશ વિના ચેન નથી પડતું.’
‘ખરી વાત છે.’
‘પણ તમને શું? મારી બા તો રાણી હતી તેથી તેને સાલે છે. તમે તો ત્યાં પણ કવિ હતા, અહીંયાં પણ છો. મુંજરાજ કરતાં ભિલ્લમરાજ તમારો વધારે આદર કરશે.’
‘વિલાસવતી’ ફરીથી મ્લાન વદને હસી રસનિધિએ કહ્યું, ‘પરજનની મૈત્રી કરતાં સ્વજનની સેવા સારી.’
‘મને વાત ખોટી લાગે છે-’
‘કારણ કે તમે સ્વજન અને પરજન વચ્ચે ભેદ ભાળ્યો નથી.’
‘તમારે સ્ત્રી છે?’
રસનિધિએ વિચાર કરી કહ્યું : ‘હા.’
‘ત્યારે તો યાદ આવતી હશે.’
‘હાસ્તો; અમારે કંઈ તમારી માફક ત્યાગવૃત્તિ સેવવી છે?’
‘જુઓ ત્યારે હું શું કહેતી હતી? ત્યાગવૃત્તિ નથી સેવી તેમાં જ તમને દુઃખ થાય છે.’
‘વિરહ ભોગવી દુઃખી થવાને બદલે નઠોર બની પ્રેમીજનોને વીસરી જવાં તેમાં હું મોટાઈ માનતો નથી.’
વિલાસ સમજી નહિ. તેણે એક ડગલું આગળભર્યું. તેઓ ધીમેધીમે ભિલ્લમરાજના મહેલ તરફ જતાં હતાં.
‘વિરહ શું?’
‘પ્રેમ સમજ્યા વિના તે કેમ સમજાય?’ રસનિધિએ કહ્યું. તેણે વિસ્મય પામી આ નિર્દોષ છોકરી સામે જોયા કર્યું.
‘કવિરાજ! મારું માનીને જરા તપશ્ચર્યા આદરો,’ વિલાસે કહ્યું, ‘તમારું ચિત્ત શાંત થશે.’
‘એવી ચિત્તની શાંતિને શું કરું?’ ડોકું ધુણાવી રસનિધિએ કહ્યું, ‘ચિત્ત અશાંત છે-અશાંત થવાનું તેને કારણ છે-તો શા સારુ એવો ખોટો પ્રયત્ન કરવો? મારી સ્ત્રી તમારા જેટલી જ છે; તે બિચારી દિન ને રાત આંસુ સારતી હશે-તેની પળેપળ વિષમ બની રહેતી હશે. તે આવું દુઃખ ભોગવે, અને હું સ્વાર્થી શાંતિને ખાતર તપશ્ચર્યા આદરી નઠોર બનું? જે સુખ આપે તેને માટે દુઃખી થવું એ પણ એક લહાવો છે.’
વિલાસ અનુકંપાભરી નજરે જોઈ રહીઃ ‘ત્યારે તમને દુઃખી થવું તેમાં સુખ દેખાતું લાગે છે.’
‘ના-’
‘ત્યારે બીજું શું?’
‘હું દુઃખી ન થાઉં તે માટે હૃદયનાં ઝરણાં સૂકવી નાખું તો પછી તે સુખભીનું કદી ન થાય.’
‘એ ભ્રમ છે. સુખ એટલે દુઃખનો અભાવ.’
‘કોણે કહ્યું?’ જરા જુસ્સાથી રસનિધિએ પૂછ્યું, ‘તમને સુખ શું છે તેનો ખ્યાલ નથી. સુખ શું છે તેનો ખ્યાલ નથી. સુખ એટલે માત્ર દુઃખનો અભાવ નહિ. માત્ર સંતોષ એટલું જ નહિ; સુખ એટલે શરીર અને મનની ઊર્મિએ ઊર્મિનું નૃત્ય. સવારમાં પંખીઓનો કલ્લોલ જોયો છે? એનું નામ સુખ.’
‘એ સુખ મળે?’
રસનિધિએ પલવાર તેની સામે જોયું : ‘તમે પરણશો ત્યારે ખબર પડશે. તમારું લગ્ન સત્યાશ્રય કુંવર જોડે થવાનું છે?’
‘હા.’
‘ત્યારે તેને જોઈ તમારું હૃદય થનગન નાચતું નથી?’
‘શા માટે? એ સંયમી છે ને હું પણ સંયમી છું.’
‘તેનો સ્પર્શ કરી, તેના શબ્દો સાંભળી અંતર ઠારવાનું મન નથી થતું?’
‘કોઈક જ વખત.’
‘ત્યારે વિલાસવતી!’ રસનિધિએ કહ્યું, ‘તમને સુખ કે દુઃખની શાની સમજ પડે?’
વિલાસ હસી.
‘મને સમજ પાડો જોઈએ.’
‘તમારું હૈયું ઉજ્જડ થયું છે તે ક્યાંથી સમજ પડશે? લો હવે મહેલ આવ્યો, પધારો.’
‘કવિરાજ ! મારી જોડે વાત કરવી ગમતી નથી, કેમ? તમારું ચિત્ત અસ્વસ્થ છે-અવંતી ગયું છે. તમે દુઃખી થાઓ તે મને ગમતું નથી.’
‘ના, તમે છો એટલી વાર હું મારું દુઃખ ભૂલ જાઉં છું.’
‘ત્યારે તમને એક બે વાત પૂછવી છે,’ કહી એક ઝાડના થાળા પર વિલાસ બેઠી.
‘પૂછો.’ ખિન્ન વદને હસી રસનિધિએ કહ્યું.
***
(પાનાં 70થી 73)
‘પરણીને મારે કેમ વર્તવું?’
રસનિધિ ખડખડાટ હસી પડ્યોઃ ‘તમે કેમ ધારો છો?’
વિલાસને હસવાનું કારણ સમજાયું નહિઃ ‘શાસ્ત્રમાં તો સહધર્મચાર કરવાનો કહ્યો છે.’
રસનિધિ ફરી હસ્યોઃ ‘બસ ત્યારે.’
‘પણ બધાં એમ ક્યારે કરે છે?’
‘જેમ માણસની જાત જુદી તેમ સહધર્મચારનો પ્રકાર પણ જુદો,’ હસતાં હસતાં રસનિધિએ કહ્યું.
‘તે કેવી રીતે?’
‘અમારી અવંતીમાં એક કઠિયારો છે. તે પણ સહપત્નીક તાંડવ સહધર્મચાર આદરે છે-’
વિલાસે મૂંગે મોઢે જોયા કર્યું.
‘સવાર, બપોર ને સાંજ એકેકને મારે છે.’
વિલાસ પણ હસી પડીઃ ‘પછી?’
‘પછી શું? બીજા પ્રકારનો એક વિપ્રવર્યનો છે.’
‘તે શો?’
‘તેનું નામ સરસ્વતીસહધર્મચાર. તે અને તેનાં ધર્મપત્ની એકબીજાની સાત પેઢી રોજ સાંભરે છે. ’
‘નહિ, નહિ. મશ્કરી શું કરો છો?’
‘સાચી વાત. પણ તમારે તો બધા પ્રકાર સાંભળવા છેને?’
‘હા.’
‘ત્યારે ત્રીજો પ્રકાર સ્વેચ્છાધર્મચાર.’
‘એટલે?’
‘જેની નજરમાં જે આવે તે તે કરે તે.’
‘તે કંઈ સહધર્મચાર કહેવાય?’
‘હાસ્તો! પરણીને જે કરીએ તે સહધર્મચાર.’
‘પછી કંઈ સારા પ્રકાર છે કે બધા આવા જ છે?’
‘હા; પછીનો પ્રકાર સ્વયંભૂ સહધર્મચાર.’
‘એટલે?’
‘એક પક્ષ ધર્મનું આચરણ કરે ને બીજા પક્ષને પરવા નહિ.’
‘એ તો બહુ ખોટું.’
‘પણ ઘણે ભાગે લોકોને એ પ્રિય છે.’
‘કેમ?’
‘ઘણુંખરું સ્ત્રી ધર્માચરણ કરે ને પુરુષ-’
‘શું?’
‘ચાહે તે કરે.’
‘અરરર! કેવી અધમતા!’
‘એમાં અધમતા શાની? ધર્મનું ગાડું એક જણ ખેંચે ને બીજો ગાડામાં બેસે.’
‘પછી?’
‘પછી શું? એક પ્રકાર શુષ્ક સહધર્મચારનો.’
‘એટલે?’
‘બંને શાસ્ત્ર પ્રમાણે વર્તે. ને ન હોય તેમાં રસ, આનંદ, પ્રેમ.’
‘તેમાં શું?’
‘આ પણ અધમ પ્રકાર જ કહેવાય.’
‘ખોટી વાત. આ પ્રકાર જ ખરો.’
‘વિલાસવતી! આનંદ કે પ્રેમ વિનાનો સહધર્મચાર એટલે શું તેનો તમને ખ્યાલ છે?’
‘હા; મહારાજ અને જક્કલાદેવીનો એવો જ શુદ્ધ પ્રકાર છે.’
‘ત્યારે તેમના જેવાં દુઃખી ને હીણભાગી સ્ત્રીપુરુષ મળવાં કઠણ પડશે.’
‘ત્યારે ખરો સહધર્મચારા કયો?’
‘જ્યાં અન્યોન્ય પ્રેમ હોય, જ્યાં એકમેકને માટે અનંત રસ વહેતો હોય, જ્યાં આનંદ દિન ને રાત એકમેકના નયનલગ્નમાં, એકમેકના સ્પર્શમાં વસતો હોય તે સહધર્મચાર.’
વિલાસ ગૂંચવાડામાં રસનિધિની સામે જોઈ રહી.
‘તમે તો બધી જ ઊંધી વાત કરો છો.’
‘ના. તમને બધું જ ઊંધું શીખવવામાં આવ્યું છે.’
***
(પાનું-76)
‘કવિવરો! મુંજરાજને મારવાનો હુકમ થઈ ગયો છે.’ ધીમેથી લક્ષ્મીએ કહ્યું.
‘હેં!’ બંને બોલી ઊઠ્યા.
***
(પાનું-77)
‘બા! અમારો સૂર્ય અસ્ત થઈ ગયો.’
‘હજુ વાર છે.’
લક્ષ્મીદેવી પાસે આવ્યાં અને ન સંભળાય તેમ કહ્યું : ‘એને છોડાવી લઈ જવાની હિંમત છે?’
***
(પાનું-78)
‘રસનિધિ! તૈલપરાજના પંજામાંથી કોઈ કદી છટકે?’
‘સહસ્ત્ર હાથનો સહસ્ત્રાર્જૂન મહાત થયો તો પછી બે હાથના તૈલપનો શો હિસાબ?’
‘કવિરાજ!’ લક્ષ્મીદેવી મશ્કરીમાં બોલવાનો પ્રયત્ન કરતાં હતાં, ‘આ કાવ્યો રચવાનું કામ નથી.’
‘ના બા ! આ તો કાવ્યોનો કર્તવ્યમાં સાક્ષાત્કાર કરવાનો છે.’