ખીટીનો રૂમાલ... – નીરજ કંસારા

અમારા પૂર્વજો ગમછા તરીકે ઓળખાતા, પણ પછી ઉત્ક્રાંતિ થઈ અને અમે આજના આધુનિક સ્વરૂપમાં રૂમાલ બનીને પ્રગટ થયા. પહેલીવાર મને મારા અસ્તિત્વનો અહેસાસ ત્યારે થયો, જ્યારે શહેરની વચ્ચોવચ આવેલા બજારની એક દૂકાનમાં ખીંટીએ મને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો. તમને ખબર નહીં હોય પરંતુ તે મારા જીવનની ખૂબ મહત્વની ક્ષણ હતી. કેટલાય લોકો મારી પાસે આવ્યા, મને સ્પર્શ કર્યો અને મને તરછોડીને જતા રહ્યા, પરંતુ હે સ્વામી, હું કઈ રીતે સમજાવું કે તમારું નાક લૂછવા માટે મારા કરતા 15મા નંબર પહેલા બનેલો રૂમાલ એટલો સક્ષમ નથી, જેટલો હું છું. એપ્રિલ-મે મહિનાના બળબળતા બપોરે, ઝરણાં નીચેના પત્થરો પર પ઼ડેલા પાણી માફક તમારા કપાળ પર પરસેવો બાઝી જાય છે, ત્યારે તમારી શાખને બચાવવા માટે મારું જ શોર્ય કામ લાગશે. બગલમાં બાઝતા પરસેવા લૂંછવાનું કૌવત તો મને વારસાગત સાંપડેલું છે, એની સાબિતી હું તમને ક્યાંથી આપું? મારી આવી અનોખી ખૂબીઓને અવગણીને મને ખીંટી પરનો રૂમાલ બનાવનારા એ દૂકાનદારને હું ક્યારેય માફ કરવાનો નથી.
મારી બાજુમાં લટકેલા કેટલાક ચડ્ડા તો કહે છે તેઓ વર્ષોથી ખીંટી પર જ રહી ગયા છે, એમાંના અમુકની ફેશન તો ક્યારેયનીય ઝાંપો વટાવીને બીજે ગામ નીકળી ગઈ છે તો પણ તેમનું સ્થાન બદલવામાં નથી આવ્યું. અમારા ખીંટી પરિવારમાં સૌથી વયોવૃદ્ધ એક લૂંગીદાદી છે. તેઓ તો કહે છે, તેમના વડવાઓ ચાર આનામાં વેચાતા એ જમાનાથી તેઓ ત્યાં લટક્યાં છે. આજ સુધી તેમને કોઈએ પસંદ કર્યાં નથી. તેમના પછી આવેલી તેમની દીકરીઓ, તેમની દીકરીઓની દીકરીઓ અને કંઈકેટલીએ પેઢીઓ આજે કટકા બનીને ઘરમાં વાસણ સાફ કરતી થઈ હશે. અમુક તો ઝાપટીયાં બની હશે અને કેટલીક તો તાપણાંમાં બળી પણ ગઈ હશે, પરંતુ તેઓ હજુ ખીંટી પર જ રહી ગયાં છે.
-પણ મેં નક્કી કર્યું હતું કે હું ખીંટી પરનો રૂમાલ બનીને નહીં રહું. મારે કોઈકના ગજવામાં સમાવું છે. મારી આસપાસ રહેલી ચલણી નોટોનો ગરમાટો સહન કરવો છે. બાળકોના ગળતા નાકને સાફ કરવાનું ભગીરથ કાર્ય કરવું છે. ધરતી પર ફરી રહેલા કરોડો મનુના અંશના શરીર પરથી નીકળતા દરેકેદરેક પરેસવાના ટીપાને એમના શરીર પરથી સાફ નહીં કરું, ત્યાં સુધી મારો જન્મ નિષ્ફળ છે.
શિયાળામાં થતી ઉધરસ, ખાંસી અને છીંકસામે મારે આખી માનવજાતિને રક્ષણ પૂરું પાડવાનું છે. મારે ઘણા ચોરોના કે કાળા કામ કરનારાના ચહેરા પર છવાઈ જઈને તેમની ઓળખને છૂપાવાની છે. ટ્રેનમાં નીચે બેસવા માટે કોઈનું આસનીયું બનવું છે. તો ફૂટપાથ પર વર્ષોથી તપ કરીને જામેલી ધૂળ મને બે વાર ઝાપટવાથી દૂર થાય છે એવો આનંદ કોઈક યશોદાના લાલને કરાવવો છે. ખાવાનું ભાન ન હોય તેવાની જાંઘ પર રહીને તેના કીમતી પેન્ટ અને શર્ટને બગડતા અટકાવવાનું કામ પણ એટલું જ પુણ્યનું છે, તે અમે રૂમાલસંહિતામાં વાંચ્યું છે.
આવા તો કંઈક કેટલાય યુગપ્રવર્તક કામ માટે મારું સર્જન થયું હશે, પરંતુ દૂકાનની ખીંટીએ મને અર્જુન જેવો વિષાદ થઈ આવે છે. મારી ચારે તરફ મારા સગાવ્હાલાં છે અને હું પણ કિમકર્તવ્યમૂઢતા અનુભવું છું. ફરક એટલો છે કે અર્જુનના હાથમાંથી ગાંડીવ સરી પડ્યું હતું અને અહીં આવતી હવાની લહેરખીથી હું જ આખેઆખો સરી પડું છું.


રસનિધિ

(કનૈયાલાલ મુનશીકૃત ‘પૃથિવીવલ્લભ’માં
‘રસનિધિ’નું પાત્ર ઉપસાવતાં કેટલાંક ગદ્યપુષ્પો !)

*
‘ભિલ્લમરાજ!’ તૈલપે કહ્યું, ‘બા પણ છે એટલે ઠીક, હવે બોલો. તમારે જે વરદાન જોઈએ તે હાજર છે. આ વખત તમારી સેવાનો બદલો જે વાળું તે ઓછો છે.’ (પાનું-34)
*
જે પળે તે મુંજને પાડી તેના પર ચડી બેઠો, અને બળજોરીથી તેનાં શસ્ત્રો લઈ લીધાં તે પળે મુંજે તેના કાનમાં કહેલા શબ્દો તેને યાદ આવ્યા. ‘ભિલ્લમ,’ તેણે કહ્યું હતું, ‘મારું ભલે ગમે તે થાય, પણ મારા કવિઓને સંભાળજે.’ તે શબ્દો વિજયના ઉત્સાહમાં તે વીસરી ગયો હતો; અત્યારે તે યાદ આવ્યા. (પાનું-35)
*
‘માલવાના કવિઓને જીવતા જવા દો.’ ઉતાવળથી ભિલ્લમે કહી નાખ્યું.
‘માગી માગીને આ માગ્યું?’ તિરસ્કારથી મૃણાલે કહ્યું. (પાનું-36.)
*
(પાનાં- 39થી 44.)

રાજાએ વચન આપતાં આપ્યું તો ખરું, પણ રખે તે પાછું ખેંચી લે એવો ડર ભિલ્લમને લાગ્યો, એટલે તે ત્યાંથી બારોબાર જ્યાં માલવાના કવિઓને કેદમાં પૂર્યા હતા ત્યાં ગયો.
જે ભટ્ટરાજ કવિઓની ચોકી કરતો તે રાજાનું વરદાન સાંભળી વિસ્મય પામ્યો અને તેણે કારાગૃહનું બારણું મહાસામંતને ઉઘાડી આપ્યું.
તેને જોઈ ત્યાં બેઠેલા પુરુષોમાં ખળભળાટ થઈ રહ્યો.
‘કવિરાજો! ક્ષમા કરજો,’ ભિલ્લમે નમ્રતાથી કહ્યું, ‘મારા આતિથ્યનો સત્કાર કરો, એવી પ્રાર્થના કરવા હું આવ્યો છું.’
એક સુકુમાર, નીચો અને સ્વરૂપવાન યુવક ઊભો થઈ સામો આવ્યો, અને હસીને પૂછ્યું- ‘કોણ, તમે યમરાજ છો?’
ભિલ્લમ આ પુરુષની કાંતિ જોઈ રહ્યો.
‘હું? -ના, કેમ?’
‘શુષ્ક મૃણાલવતીના ગામમાં યમરાજ સિવાય અમારો કોણ અતિથિસત્કાર કરે?’ એક બીજો આવી બોલ્યો.
‘ધનંજય !’ પેલા યુવકે કહ્યું, ‘આ યમરાજ પોતે નથી; તેના દૂતોમાં શ્રેષ્ઠ એવો સ્યૂનદેશનો નરાધિપ છે.’
ભિલ્લમ હસ્યોઃ ‘ના; હું માત્ર મહાસામંત છું. હું યમદૂત નથી; પણ તમને આ જીવતા નરકમાંથી બચાવવા આવ્યો છું.’
ધનંજયે કહ્યુ- ‘પૃથિવીવલ્લભ વિનાની નિસ્તેજ પૃથ્વીમાં કંઈ જવા જેવું નહીં રહ્યું હોય.’
‘ના! મહારાજે તમને જીવિતદાન આપ્યું છે. તમે બધા મારે ત્યાં પધારો.’
આ સાંભળી બધા ચકિત થઈ ગયા, અને હોંસમાં આવી ઊભા થઈ ભિલ્લમને વીંટાઈ વળ્યા.
‘તમારું નામ તો ધનંજય?-’
‘હા.’
‘ને તમારું?’ પેલા સ્વરૂપવાન યુવક તરફ ફરી મહાસામંતે પૂછ્યું.
‘મારું?’ જરા ખંચાઈ પેલા યુવકે કહ્યું.
‘એનું નામ રસનિધિ.’ ધનંજયે ઉમેર્યું, ‘ને આ પદ્મગુપ્ત-’
‘હા, મારું નામ રસનિધિ.’ કહી રસનિધિ ભિલ્લમ સાથે ચાલ્યો, અને બધા તેની પાછળ ચાલ્યા.
રસ્તે ચાલતાં ભિલ્લમે ધ્યાનપૂર્વક જોયું- રસનિધિની સુકુમારતાના પ્રમાણમાં તેનું શરીર ઘણું મજબૂત લાગતું, અને શૂરવીરોનાં શરીરો પારખવાની ટેવ હોવાથી મહાસામંતને લાગ્યું કે આ પુરુષ બખ્તરમાં સારો શોભે. તે પોતાના વિચારથી મનમાં હસ્યો, ‘આ બિચારાને બખ્તરમાં, ને યુદ્ધમાં કૌશલ્ય શું?’
મૂંગે મોઢે મહાસામંત રાજમહેલની પાસે જ આવેલા પોતાના મહેલમાં આવ્યો અને પોતાના પરિચરોને આ કવિરાજોનું આતિથ્ય કરવાનો હુકમ કર્યો.
‘કવિરાજ!’ ધનંજય તરફ ફરી ભિલ્લમે કહ્યું, ‘આપને એક તસ્દી આપવાની છે.’
‘મને? શી?’ ધનંજયે પૂછ્યું.
‘મારી સ્ત્રી ને પુત્રીએ ઘણા વખતથી કવિરાજોનાં દર્શન કર્યાં નથી. આપ મારી સાથે આવશો?’
‘જે દેશમાં કવિઓ દુર્લભ હોય ત્યાં સ્વરૂપમાંથી સૌંદર્ય જાય, રાજામાંથી ટેક જાય અને સ્ત્રીઓમાંથી આર્દ્રતા જાય એમાં શી નવાઈ?’
‘કવિરાજ! આપ આવશો?’
‘હું?’ ફરીથી ખંચાઈને રસનિધિએ પૂછ્યું.
‘હા. શી હરકત છે?’
ધનંજયે ધ્યાનથી રસનિધિ તરફ જોયું.
‘રસનિધિ! હા, તું પણ ચાલ. ચાલો સ્યૂનરાજ !’ કહી તે અને રસનિધિ ભિલ્લમરાજની સાથે અંતઃપુરમાં ગયા.
ભિલ્લમરાજે તેના પૂર્વજોનું બિરુદ ‘કવિકુલત્રાતા’ આજે રાખ્યું હતું; અને ઘણે દિવસે આવા સંસ્કારી પુરુષોની સોબત તેને મળી હતી. આથી તેનું હૈયું આનંદ અને ગર્વથી મલકાતું હતું.
લક્ષ્મીદેવી હજુ રાજમહેલમાંથી આવ્યાં નહોતાં, અને વિલાસ શંકરના મંદિરમાં હતી. ભિલ્લમે એક માણસને વિસાલને તેડવા મોકલ્યો, અને પોતે ધનંજય ને રસનિધિને લઈ પાછળ આવેલી વાડીમાં એક વિશાળ પીપળાના થાળા પર જઈ વાત કરવા લાગ્યો.
‘બાપુ-’ થોડી વારે વિલાસનો અવાજ આવ્યો.
‘કોણ વિલાસ? બેટા! ’
વિલાસ પાસે આવી એટલે મહાસામંતે કહ્યું : ‘આમ આવ. તારે કવિઓ જોવા હતા ને? લે, આ રહ્યા.’
વિલાસે બે કવિઓ તરફ જોયું, અને જરા ગભરાઈને ઊભી રહી.
‘આ કવિરાજ ધનંજય-એમની ખ્યાતિ તો મારા સ્યૂનદેશ સુધી પણ આવી હતી.’
વિલાસે નીચા વળી નમસ્કાર કર્યા.
‘પુત્રી ! રાઘવ સમા નરેશની અર્ધાંગના થઈ, સૂર્ય સરખા તેજસ્વી પુત્રોની માતા થજે,’ આડંબરથી ધનંજયે કહ્યું.
‘આ કવિવર રસનિધિ.’
શરમથી અડધું નીચું જોતાં, જિજ્ઞાસામાં અડધી ઊંચી આંખો રાખી વિલાસે રસનિધિ પર નજર ઠારી. વિલાસને તેનું મુખ કંઈ વિચિત્ર લાગ્યું; આ વિચિત્રતા શી હતી, એની તેના પર શી અસર થઈ, તેની તેને ખબર પડી નહિ.
‘ભગવતિ ! હું શું આશીર્વાદ આપું ?’ રસનિધિએ હસીને પૂછ્યું, ‘સુધાનાથને વરજો ને સુધા ચાખી અનેરા આનંદો અનુભવજો !’
વિલાસવતીને આશીર્વાદનો અર્થ કંઈ સ્પષ્ટ સમજાયો નહિ; પણ મહાસામંત ખડખડાટ હસી પડ્યા.
‘કવિરાજ, આ અવંતી ન હોય.’
‘હાસ્તો. નહિ તો આવી સ્થિતિમાં હોઉં?’
‘અમારે ત્યાં તો સુધાનાથ સુકાઈ ગયા છે. ને આનંદ-અનુભવો એ તો પાપની પરિસીમા છે.’
‘હેં!’
‘મૃણાલબાનો વૈરાગ્ય તમે જોયો નથી. અને આ વિલાસ પણ શું? એણે પણ અત્યારથી તપશ્ચર્યા શરૂ કરી છે.’
‘શા માટે?’ ધનંજયે પૂછ્યું.
‘કવિરાજ! તૈલંગણની ખૂબીઓ ન્યારી છે.’
‘પણ આટલી કન્યાને એ શું?’
‘વિલાસનું લગ્ન સત્યાશ્રય કુંવર જોડે થવાનું છે. એને માન્યખેટની ગાદીપતિની પટ્ટરાણીને લાયક કેળવણી જોઈએ ને?’ જરા અસ્પષ્ટ કટાક્ષમયતાથી ભિલ્લમે કહ્યું, ‘કેમ ખરું ની વિલાસ?’
વિલાસ હસી. બંને કવિઓ દયાથી તેની સામે જોઈ રહ્યા.
‘એટલે હૃદયનાં ઝરણાં સુકાય ત્યારે પટ્ટરાણીની પદવી પમાય?’ ધનંજયે પૂછ્યું.
‘અમારાં મૃણાલબાની એવી માન્યતા છે. બેસની વિલાસ ! આવ. હું આ બધા કવિઓને છોડાવી લાવ્યો; હવે એ આપણે ત્યાં રહેશે.’ વિલાસ આવી ભિલ્લમ પાસે ઊભી રહી, અને મૂંગે મોઢે ત્રણે જણા સામે જોઈ રહી.
તેને એક અપરિચિત અનુભવ થતો હતો. આ લોકોનો પહેરવેશ વિચિત્ર હતો; તેમની રીતભાત સ્વચ્છંદી, ટાઢાશ વિનાની હતી; તેમની વાતચીતમાં ગાંભીર્ય અને સંયમ - જે ગુણોની તેને ભક્ત બનાવવામાં આવી હતી – તેનો અભાવ હતો; તેમના મોં પર સખ્તાઈ કે ડહાપણનો અંશ નહોતો. અને આ બધાને લીધે તેને વાતાવરણ કંઈ અસ્વાભાવિક લાગ્યું; અને તેથી તેના હૃદયમાં કંઈ આઘાત થતો હોય – દુઃખ થતું હોય – તેમ લાગ્યું. પણ આઘાત અને દુઃખ એવાં આકર્ષક લાગ્યાં કે ત્યાંથી જવાનું મન થયું નહિ.
‘ત્યારે તમારે ત્યાંથી કવિઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે. એ વાત ખરી ?’ રસનિધિએ પૂછ્યું, ‘મેં તો ગપ ધારી હતી.’
‘અમારે ત્યાં જે ન થાય તે ખરું,’ ભિલ્લમે કહ્યું.
‘તમારે ત્યાં કવિતા નહિ, રસ નહિ, આનંદ નહિ – પછી શું રહ્યું?’
‘બોલ વિલાસ ! જવાબ દે.’
ધીમેથી ઊંચું જોઈ તેણે રસનિધિની સામે જોયું અને કહ્યું : ‘ત્યાગ-શાંતિ.’
‘કેટલા માણસોએ ખરેખરાં ત્યાગ ને શાંતિ અનુભવ્યાં છે?’
‘અમે તો બધાં દેવો છીએ.’ ભિલ્લમે હસતાં હસતાં કહ્યું.
‘દેવો પણ આનંદની મૂર્તિઓ છે; તમે તો પાષાણ થવા મથો છો.’
‘અત્યારે દેવી હોય તો તેને તમારી વાતમાં બહુ રસ પડે.’
‘બીજું બધું ચંચલ છે – નિશ્ચલ માત્ર એક શાંતિ છે,’ પોપટની માફક વિલાસે સૂત્ર કહ્યું.
‘ના, તે પણ ચળે એવી છે; નિશ્ચલ માત્ર આનંદ.’
વિલાસ જરા તિરસ્કારપૂર્વક હસી.
‘શાંતિ વિના આનંદ કેમ આવે?’
‘સુખના અનુભવથી.’
‘એ તો ક્ષણિક.’
‘કોણે કહ્યું ? રસિકતા હોય તો શાશ્વત સુખ મળે.’

***
(પાનાં-45થી 46)

‘રસિકતા એટલે શું?’ વિલાસે પૂછ્યું.
રસનિધિએ આંખો ફાડીઃ ‘તમને ખબર નથી?’
‘ના.’
‘તમે કાવ્યો સાંભળ્યાં છે?’
વિલાસ હસીઃ ‘તમારા ભર્તૃહરિનું વૈરાગ્યશતક સાંભળ્યું છે.’
‘શૃંગારશતક સાંભળ્યું છે?’
વિલાસે સખ્તાઈથી ઊંચું જોયું : ‘એ તો પાપાચારી માટે.’
રસનિધિ હસ્યોઃ ‘કંઈક નાટક જોયું છે?’
‘છેક નાની હતી ત્યારે સ્યૂનદેશમાં જોયું હતું, પણ યાદ નથી.’
‘ચંદ્રની જ્યોત્સ્નામાં પડ્યાં પડ્યાં કોઈ દિવસ ગાયું છે?’
‘ના. ચંદ્રના તેજમાં ફરવું મારે ત્યાજ્ય છે.’
રસનિધિ ગાંભીર્યથી તેના સામે જોઈ રહ્યો.
‘ત્યારે તમને રસિકતાનું ક્યાંથી ભાન હોય? તમારી પાસે આ બધું કોણ કરાવે છે?’
‘હું મારી મેળે કરું છું – મૃણાલબા માત્ર સૂચના કરે છે.’
‘એ બધું કરવાનું શું કારણ?’
‘ત્યાગવૃત્તિ કેળવવી.’
‘એમ કેળવાય? તમે શું ત્યાગ કરો છો તેનું તો તમને ભાન નથી.’
વિલાસ વિચારમાં પડીઃ ‘ના, છે. મને મૃણાલબા કહે છે.’
‘માત્ર મોઢાની વાતો – અનુભવની નહીં.’
‘કલંકિત કરે એવી વસ્તુનો અનુભવ-’
‘કલંકિત શી વસ્તુ કરે?’ રસનિધિએ જુસ્સામાં પૂછ્યું, ‘જો કાવ્ય કલંકિત કરે, રસ કલંકિત કરે, જ્યોત્સ્નાનું અમૃત કલંકિત કરે – કાલે કહેશો કે પ્રેમ કલંકિત કરે – તો એ કલંકિત જીવન શું ખોટું?’
‘મારે નિષ્કલંક થવું છે.’ જરા સખ્તાઈથી વિલાસ બોલી અને ઊઠી.
રસનિધિ મૂંગો રહ્યો. થોડી વારે તેણે કહ્યું : ‘ત્યારે તમને મારા જેવા તો કલંકિત લાગતા હશે?’
‘ભોળાનાથ તમને સદબુદ્ધિ આપશે.’
રસનિધિ ગૂંચવાઈને ઊભો રહ્યો.
‘રસિકતા અનુભવવાનું તમને કદી મન જ થયું નથી?’
‘મને.’ વિચારમાં પડી વિલાસે કહ્યું, ‘એ વસ્તુનો પૂરો ખ્યાલ જ નથી.’
‘ખ્યાલ લાવવાનું મન પણ થતું નથી?’
‘પાપ કરવાનું મન ન થાય એમાં ખોટું શું?’
‘વિલાસવતી !’ રસનિધિએ માયાળુપણાથી તેની સામે જોતાં કહ્યું, ‘રસિક થવું, રસિકતા અનુભવવી એમાં જ હું તો મોક્ષ માનું છું.’
‘ના. ના. ના.’ કાને હાથ દઈ, હસી વિલાસ બોલી. તેના હાસ્યમાં કંઈ જુદો જ ભાવ લાગતો હતો. ‘લો, આ બા આવી,’ કહી તે દૂરથી આવતાં ભિલ્લમ અને લક્ષ્મીદેવી તરફ ફરી.

***
(પાનું-50)

તેને ધનંજય અને રસનિધિ કંઈ જુદા જ પ્રકારના માણસો લાગ્યા. તેમના હસવામાં સંયમ નહોતો, તેમની વાણીમાં ગાંભીર્ય નહોતું, તેમના શબ્દોમાં ઠાવકાઈ નહોતી, તેઓ પાપાત્માઓ જેવા સ્વચ્છંદી લાગ્યા; તો પણ તેમની રીતભાતમાં મનને ગમે એવી વિચિત્રતા લાગી. તેની કેળવણી, તેની ચારિત્ર્યની ભાવનાઓ અને તેના વિચારો-આ બધાને શિખરે ચઢેલી તેની નજરને તો તે બંને તુચ્છ, સયંમવિહીન, સ્વચ્છંદી લાગ્યા; અને છતાં પણ કંઈ એવું થયા કર્યું કે જાણે તેમની વાતચીત ફરી તે સાંભળે, તેમનાં મુખ તે ફરી જુએ.

***
(પાનું-51)

તેને મુંજ યાદ આવ્યો. મૃણાલબા તેને પાપાચારી કહેતાં હતાં, પણ તે આનંદ ને શાંતિની મૂર્તિ લાગતો હતો. પાપાચારીને શું આવી શાંતિ સંભવે?

***
(પાનું-51)

તેમનામાં એવું શું હતું કે જેથી મૃણાલબાએ તેમને દેશપાર કરાવ્યા હતા?
છેલ્લા પ્રશ્નનો જવાબ તેને સહેલો લાગ્યો; આવા સ્વચ્છંદીઓ દેશમાં વસે તો લોકોનું નિયમિત અને શુદ્ધ થઈ રહેલું જીવન ભ્રષ્ટ થઈ જાય.

***
(પાનાં 65થી 66)

-વચ્ચે વૃક્ષોનું એક ઝુંડ હતું. ત્યાં આગળથી જતાં તેને કોઈ ભોંય પર સૂતું હોય તેમ લાગ્યું.
‘કોણ એ?’ વિલાસે પૂછ્યું.
સૂતેલા માણસે એકદમ ચારે તરફ જોયું. વિલાસે તેને ઓળખ્યો.
‘કોણ, કવિરાજ?’
‘હા,’ રસનિધિએ કહ્યું.
વિલાસ ખંચાઈ. આ કવિને આમ મળવાની તેણે આશા રાખી નહોતી.
‘કેમ, શું કરો છો?’
‘કંઈ નહિ. ભિલ્લમરાજને અર્પણ કરવા એક અષ્ટક બનાવતો હતો.’
‘આખો દહાડો કવિતા જ કર્યા કરો છો?’ વિલાસે હસીને પૂછ્યું.
‘ના.’ દિલગીરીભર્યા અવાજે રસનિધિએ કહ્યું.
વિલાસે તેના મુખ ઉપર છવાયેલી ગ્લાનિ જોઈ અને પૂછ્યું :
‘કેમ? અહીંયાં ફાવે છે? કઈ જોઈતું કરતું હોય તો કહેજો.’
‘મને જોઈએ તે તમે કેમ કરીને આપી શકશો?’ ડોકું ધુણાવી રસનિધિએ કહ્યું.
‘શું જોઈએ છે? બાપુને જે કહેશો તે બધું મળશે.’
‘બા! તમે તો બાળક છો. બધું ક્યાંથી મળશે? – ક્યાં માલવા ને ક્યાં તૈલંગણ?’
‘કવિરાજ! તૈલંગણમાં શું ઓછું છે? તમે હજુ જોયું નથી તેથી આમ કહો છો.’
‘ના, ભલે તૈલંગણ સોનાનું હોય તેમાં મારે શું? મારી અવંતીનાં પ્રિય પુરજનો, મારા મહાકાલેશ્વરના ગગનભેદી ઘંટનાદો, મારા પિતાની પુનિત દાહભૂમિ – એ ક્યાં મળશે?’
‘આ તો મારી બા કહે છે તેમ તમે કહો છો. તેને પણ સ્યૂનદેશ વિના ચેન નથી પડતું.’
‘ખરી વાત છે.’
‘પણ તમને શું? મારી બા તો રાણી હતી તેથી તેને સાલે છે. તમે તો ત્યાં પણ કવિ હતા, અહીંયાં પણ છો. મુંજરાજ કરતાં ભિલ્લમરાજ તમારો વધારે આદર કરશે.’
‘વિલાસવતી’ ફરીથી મ્લાન વદને હસી રસનિધિએ કહ્યું, ‘પરજનની મૈત્રી કરતાં સ્વજનની સેવા સારી.’
‘મને વાત ખોટી લાગે છે-’
‘કારણ કે તમે સ્વજન અને પરજન વચ્ચે ભેદ ભાળ્યો નથી.’
‘તમારે સ્ત્રી છે?’
રસનિધિએ વિચાર કરી કહ્યું : ‘હા.’
‘ત્યારે તો યાદ આવતી હશે.’
‘હાસ્તો; અમારે કંઈ તમારી માફક ત્યાગવૃત્તિ સેવવી છે?’
‘જુઓ ત્યારે હું શું કહેતી હતી? ત્યાગવૃત્તિ નથી સેવી તેમાં જ તમને દુઃખ થાય છે.’
‘વિરહ ભોગવી દુઃખી થવાને બદલે નઠોર બની પ્રેમીજનોને વીસરી જવાં તેમાં હું મોટાઈ માનતો નથી.’
વિલાસ સમજી નહિ. તેણે એક ડગલું આગળભર્યું. તેઓ ધીમેધીમે ભિલ્લમરાજના મહેલ તરફ જતાં હતાં.
‘વિરહ શું?’
‘પ્રેમ સમજ્યા વિના તે કેમ સમજાય?’ રસનિધિએ કહ્યું. તેણે વિસ્મય પામી આ નિર્દોષ છોકરી સામે જોયા કર્યું.
‘કવિરાજ! મારું માનીને જરા તપશ્ચર્યા આદરો,’ વિલાસે કહ્યું, ‘તમારું ચિત્ત શાંત થશે.’
‘એવી ચિત્તની શાંતિને શું કરું?’ ડોકું ધુણાવી રસનિધિએ કહ્યું, ‘ચિત્ત અશાંત છે-અશાંત થવાનું તેને કારણ છે-તો શા સારુ એવો ખોટો પ્રયત્ન કરવો? મારી સ્ત્રી તમારા જેટલી જ છે; તે બિચારી દિન ને રાત આંસુ સારતી હશે-તેની પળેપળ વિષમ બની રહેતી હશે. તે આવું દુઃખ ભોગવે, અને હું સ્વાર્થી શાંતિને ખાતર તપશ્ચર્યા આદરી નઠોર બનું? જે સુખ આપે તેને માટે દુઃખી થવું એ પણ એક લહાવો છે.’
વિલાસ અનુકંપાભરી નજરે જોઈ રહીઃ ‘ત્યારે તમને દુઃખી થવું તેમાં સુખ દેખાતું લાગે છે.’
‘ના-’
‘ત્યારે બીજું શું?’
‘હું દુઃખી ન થાઉં તે માટે હૃદયનાં ઝરણાં સૂકવી નાખું તો પછી તે સુખભીનું કદી ન થાય.’
‘એ ભ્રમ છે. સુખ એટલે દુઃખનો અભાવ.’
‘કોણે કહ્યું?’ જરા જુસ્સાથી રસનિધિએ પૂછ્યું, ‘તમને સુખ શું છે તેનો ખ્યાલ નથી. સુખ શું છે તેનો ખ્યાલ નથી. સુખ એટલે માત્ર દુઃખનો અભાવ નહિ. માત્ર સંતોષ એટલું જ નહિ; સુખ એટલે શરીર અને મનની ઊર્મિએ ઊર્મિનું નૃત્ય. સવારમાં પંખીઓનો કલ્લોલ જોયો છે? એનું નામ સુખ.’
‘એ સુખ મળે?’
રસનિધિએ પલવાર તેની સામે જોયું : ‘તમે પરણશો ત્યારે ખબર પડશે. તમારું લગ્ન સત્યાશ્રય કુંવર જોડે થવાનું છે?’
‘હા.’
‘ત્યારે તેને જોઈ તમારું હૃદય થનગન નાચતું નથી?’
‘શા માટે? એ સંયમી છે ને હું પણ સંયમી છું.’
‘તેનો સ્પર્શ કરી, તેના શબ્દો સાંભળી અંતર ઠારવાનું મન નથી થતું?’
‘કોઈક જ વખત.’
‘ત્યારે વિલાસવતી!’ રસનિધિએ કહ્યું, ‘તમને સુખ કે દુઃખની શાની સમજ પડે?’
વિલાસ હસી.
‘મને સમજ પાડો જોઈએ.’
‘તમારું હૈયું ઉજ્જડ થયું છે તે ક્યાંથી સમજ પડશે? લો હવે મહેલ આવ્યો, પધારો.’
‘કવિરાજ ! મારી જોડે વાત કરવી ગમતી નથી, કેમ? તમારું ચિત્ત અસ્વસ્થ છે-અવંતી ગયું છે. તમે દુઃખી થાઓ તે મને ગમતું નથી.’
‘ના, તમે છો એટલી વાર હું મારું દુઃખ ભૂલ જાઉં છું.’
‘ત્યારે તમને એક બે વાત પૂછવી છે,’ કહી એક ઝાડના થાળા પર વિલાસ બેઠી.
‘પૂછો.’ ખિન્ન વદને હસી રસનિધિએ કહ્યું.

***
(પાનાં 70થી 73)

‘પરણીને મારે કેમ વર્તવું?’
રસનિધિ ખડખડાટ હસી પડ્યોઃ ‘તમે કેમ ધારો છો?’
વિલાસને હસવાનું કારણ સમજાયું નહિઃ ‘શાસ્ત્રમાં તો સહધર્મચાર કરવાનો કહ્યો છે.’
રસનિધિ ફરી હસ્યોઃ ‘બસ ત્યારે.’
‘પણ બધાં એમ ક્યારે કરે છે?’
‘જેમ માણસની જાત જુદી તેમ સહધર્મચારનો પ્રકાર પણ જુદો,’ હસતાં હસતાં રસનિધિએ કહ્યું.
‘તે કેવી રીતે?’
‘અમારી અવંતીમાં એક કઠિયારો છે. તે પણ સહપત્નીક તાંડવ સહધર્મચાર આદરે છે-’
વિલાસે મૂંગે મોઢે જોયા કર્યું.
‘સવાર, બપોર ને સાંજ એકેકને મારે છે.’
વિલાસ પણ હસી પડીઃ ‘પછી?’
‘પછી શું? બીજા પ્રકારનો એક વિપ્રવર્યનો છે.’
‘તે શો?’
‘તેનું નામ સરસ્વતીસહધર્મચાર. તે અને તેનાં ધર્મપત્ની એકબીજાની સાત પેઢી રોજ સાંભરે છે. ’
‘નહિ, નહિ. મશ્કરી શું કરો છો?’
‘સાચી વાત. પણ તમારે તો બધા પ્રકાર સાંભળવા છેને?’
‘હા.’
‘ત્યારે ત્રીજો પ્રકાર સ્વેચ્છાધર્મચાર.’
‘એટલે?’
‘જેની નજરમાં જે આવે તે તે કરે તે.’
‘તે કંઈ સહધર્મચાર કહેવાય?’
‘હાસ્તો! પરણીને જે કરીએ તે સહધર્મચાર.’
‘પછી કંઈ સારા પ્રકાર છે કે બધા આવા જ છે?’
‘હા; પછીનો પ્રકાર સ્વયંભૂ સહધર્મચાર.’
‘એટલે?’
‘એક પક્ષ ધર્મનું આચરણ કરે ને બીજા પક્ષને પરવા નહિ.’
‘એ તો બહુ ખોટું.’
‘પણ ઘણે ભાગે લોકોને એ પ્રિય છે.’
‘કેમ?’
‘ઘણુંખરું સ્ત્રી ધર્માચરણ કરે ને પુરુષ-’
‘શું?’
‘ચાહે તે કરે.’
‘અરરર! કેવી અધમતા!’
‘એમાં અધમતા શાની? ધર્મનું ગાડું એક જણ ખેંચે ને બીજો ગાડામાં બેસે.’
‘પછી?’
‘પછી શું? એક પ્રકાર શુષ્ક સહધર્મચારનો.’
‘એટલે?’
‘બંને શાસ્ત્ર પ્રમાણે વર્તે. ને ન હોય તેમાં રસ, આનંદ, પ્રેમ.’
‘તેમાં શું?’
‘આ પણ અધમ પ્રકાર જ કહેવાય.’
‘ખોટી વાત. આ પ્રકાર જ ખરો.’
‘વિલાસવતી! આનંદ કે પ્રેમ વિનાનો સહધર્મચાર એટલે શું તેનો તમને ખ્યાલ છે?’
‘હા; મહારાજ અને જક્કલાદેવીનો એવો જ શુદ્ધ પ્રકાર છે.’
‘ત્યારે તેમના જેવાં દુઃખી ને હીણભાગી સ્ત્રીપુરુષ મળવાં કઠણ પડશે.’
‘ત્યારે ખરો સહધર્મચારા કયો?’
‘જ્યાં અન્યોન્ય પ્રેમ હોય, જ્યાં એકમેકને માટે અનંત રસ વહેતો હોય, જ્યાં આનંદ દિન ને રાત એકમેકના નયનલગ્નમાં, એકમેકના સ્પર્શમાં વસતો હોય તે સહધર્મચાર.’
વિલાસ ગૂંચવાડામાં રસનિધિની સામે જોઈ રહી.
‘તમે તો બધી જ ઊંધી વાત કરો છો.’
‘ના. તમને બધું જ ઊંધું શીખવવામાં આવ્યું છે.’

***
(પાનું-76)

‘કવિવરો! મુંજરાજને મારવાનો હુકમ થઈ ગયો છે.’ ધીમેથી લક્ષ્મીએ કહ્યું.
‘હેં!’ બંને બોલી ઊઠ્યા.

***
(પાનું-77)

‘બા! અમારો સૂર્ય અસ્ત થઈ ગયો.’
‘હજુ વાર છે.’
લક્ષ્મીદેવી પાસે આવ્યાં અને ન સંભળાય તેમ કહ્યું : ‘એને છોડાવી લઈ જવાની હિંમત છે?’

***
(પાનું-78)

‘રસનિધિ! તૈલપરાજના પંજામાંથી કોઈ કદી છટકે?’
‘સહસ્ત્ર હાથનો સહસ્ત્રાર્જૂન મહાત થયો તો પછી બે હાથના તૈલપનો શો હિસાબ?’
‘કવિરાજ!’ લક્ષ્મીદેવી મશ્કરીમાં બોલવાનો પ્રયત્ન કરતાં હતાં, ‘આ કાવ્યો રચવાનું કામ નથી.’
‘ના બા ! આ તો કાવ્યોનો કર્તવ્યમાં સાક્ષાત્કાર કરવાનો છે.’


શિક્ષણવ્યવસ્થા, ઓકે છે ! કારણ કે મરતાને મર કહેવું પાપ ગણાય?

એક તરફ દુર્વ્યવસ્થાથી ઘેરાયેલું માળખું, બીજી તરફ ભ્રષ્ટ મનોવૃત્તિવાળા કેટલાક સત્તાધીશો, ત્રીજી તરફ ફક્ત પગારલક્ષી અભિગમ ધરાવતા શૈક્ષણિક કર્મચારી ને ચોથી તરફ શિક્ષણના શબ્દેશબ્દમાંથી લાખો રળી લેવાની વાસનાવાળા સંચાલકો… આ છે આજની આપણી શિક્ષણદશાની ચતર્મુખી તસવીર. વારંવાર આ હકીકતો (જન્મભૂમિમાં જ) વાંચી, (ફિલ્મ-ટેલિવિઝન પર) સાંભળી, (આડોશપાડોશમાંથી) જાણી અને (ડોનેશનો આપીઆપીને) અનુભવી છતાં આ પરિસ્થિતિ ઠેરની ઠેર છે એમાં દોષ વ્યવસ્થાનો અસ્વીકાર કરવામાં અસમર્થ આપણા સહુનો છે કે વ્યવસ્થાને બદલવાની રાજકીય મહત્વાકાંક્ષા ન ધરાવતી સત્તાનો છે એ પ્રશ્ન પેચીદો છે. બંને પક્ષ સાચો છે, કારણ કે દોષ બંને પક્ષનો સો-સો ટકા છે એટલે કે કુલ બસ્સો ટકા દોષને લીધે જ આજે શિક્ષણવ્યવસ્થા એક કુચક્ર બનીને રહી ગઈ છે. ઘેટાંબકરાંની જેમ બાળકો ભરીને સવારે સ્કૂલબસો-રિક્ષાઓ નીકળે છે ને સાંજે ડમ્પર કાંકરામાટી ઠાલવી જાય એમ બાળકોને જે-તે સ્થળે ઠાલવી જાય છે અને આપણે જોતાં રહીએ છીએ. આપણા બાળકને પણ એમાં ઘસેડાતું-તગેડાતું જોતાં રહીએ છીએ, ફક્ત એટલું ધ્યાન રાખીએ છીએ કે આપણી શિક્ષણવ્યવસ્થા એને ભલે ફંગોળ્યા કરે, બસ એ ફંગોળાટમાં એને વાગી ન જાય, એના કોણી-ઘૂંટણ ન છોલાય કે એનું મોઢું ન અથડાય, બસ, બાકી એના આંતરમનને જે થતું હોય એ થાય.
બાળકોનાં બાળપણનું મહત્વ પુસ્તકીયા સિદ્ધાંત જેવું અવાસ્તવિક બની ગયું છે ને છતાં આપણે બધા એકબીજાને તાળીઓ આપીઆપીને દુર્વ્યવસ્થા પર જોક્સ કર્યા કરીએ છીએ ને સુવ્યવસ્થાના ક્વોટ્સ વાંચીને ફોરવર્ડ કર્યા કરીએ છીએ. ભણતર ભારરૂપ થઈ ગયું છે ને સરકાર એ વિશે બેદરકાર થઈ ગઈ છે ને હવે તો ખાનગીકરણનો જ જમાનો રહેવાનો છે ને વગેરેવગેરે જેવી વાતો તો લોકોક્તિઓ થઈ ગઈ હોય એ હદે આપણને કોઠે પડી ગઈ છે. ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીના નામે વાલીઓ પાસે ગધ્ધામજૂરી જેટલું હોમવર્ક-અસાઈનમેન્ટ્સ-પ્રોજેક્ટ્સ કરાવનારા સંચાલકો-શિક્ષકોને આપણે વરસે લાખો રૂપિયા આપીને પોષીએ છીએ, પોંખીએ છીએ ને એમની સામે સ્કૂલમાં ગુજરાતી-હિન્દી ભાષામાં પ્રાર્થના ગવડાવાની વિનંતી તો શું, બાળકોને અંદરોઅંદર પોતિકી ભાષામાં વાત કરવા દેવાની પરવાનગી પણ નથી માગી શકતા કે બીજી કોઈ પણ બાબતે ચૂં કે ચાં નથી કરી શકતા અને આપણે માનીએ છીએ કે એ આપણી બેવકૂફી નથી, એ આપણી કાયરતા નથી, એ તો આપણો વિવેક છે, એ તો આપણો શિષ્ટાચાર છે. એ જ આપણી સંસ્કારિતા છે. સ્કૂલ ને સ્કૂલની રીતે કામ કરવા દેવાની, યસ, જેમ તબેલામાં દૂધ લેવા જઈએ ત્યારે ભૈયાજીઓ કેવીરીતે દૂધ કાઢે છે એની આપણે ફિકર નથી કરતા, માત્ર એ દૂધ કાઢીને આપણને આપી દે એટલી જ આપણી નિસ્બત હોય છે ને પૈસા આપી દૂધ લઈ આપણે છૂટા થઈ જઈએ છીએ એ જ રીતે સ્કૂલ-કોલેજમાંથી પણ આપણે માત્ર બાળકને માર્ક્સ-ડિગ્રી મળી જાય એની જ ફિકર કરીએ છીએ, એ માર્ક્સ-ડિગ્રી મેળવવા માટેની પદ્ધતિ શું છે કે એ માટે વિદ્યાર્થી પર શું-શું આચરવામાં આવે છે એની આપણને ખાસ ચિંતા નથી, કદાચ ચિંતા છે પણ આપણે જાહેરમાં ચિંતા કરતા નથી, હવે કરવી નથી, બહુ મોડું થઈ ગયું છે, બરાબર. જોકે એવી ચિંતા હોત તો અત્યાર સુધી આમ લાખોની સંખ્યામાં ખાનગી શાળાઓ ઊભી ન થઈ ગઈ હોત, ખૂણેખાંચરે પ્રિ-સ્કૂલો ને પ્રિ-પ્રાયમરીઓ ને પ્લે-ગ્રૂપ્સના નામે માલેતુજાર સંસ્થાઓ બિલાડીના ટોપની જેમ ન ફૂટી નીકળી હોત.
બસ, હવે આ તબક્કો છે થોભો કહેવાનો. શિક્ષણની કુવ્યવસ્થા સામે શસ્ત્ર ઉગામવાનો, ગમેતેવા માળખાથી ઈનકારનો કરવાનો, જે સરકાર નહીં કરી શકે. સત્તા નહીં કરી શકે. વ્યવસ્થા નહીં કરી શકે… એ પ્રજાએ પોતે કરવાનો છે. પ્રજા પોતે કહેશે કે એને સારી સરકારી શાળાઓમાં, માતૃભાષાના માધ્યમથી જ પોતાનાં બાળકોને ભણાવવા છે તો સરકારે એ પૂરી પાડવી જ પડશે, એ જ એની ફરજ છે, બહુમતીથી પ્રજા જે માગે સરકાર એ કરવા બંધાયેલી છે, પણ જ્યાં સુધી પ્રજા બાળકોને રંગોરોંગાનથી ઝગમગતી ઈમારતોમાં જ મોકલવા માગે છે, ત્યાં સુધી સરકાર સરકારી શાળાઓને રંગરોગાનથી સજાવવાની દરકાર નહીં કરે. કેમ કરે?
હા, પરિણામ તરત નહીં આવે, શરૂઆતી તબક્કે વિદ્યાર્થીઓએ જ મૂશ્કેલ વેઠવી પડશે, પણ કોઈને કોઈએ તો આ શરૂઆત કરી ને મૂશ્કેલીનો મુકાબલો કરવાની તૈયારી રાખવી પડશે, બાકી વિષચક્રનો અંત નથી.
નક્કી આપણે કરવાનું છે કે આજના આપણાં બાળકો, આવતીકાલના આપણા નાગરિકો, અને એ પછીની કાલોનું ઘડતર કરનારા દેશવાસીઓ, આપણા સંસ્કારકોશમાંથી નરસિંહનાં ભજન સ્મરણમાં રાખતારાખતા મોટો થાય કે એ લોકોના ઈતિહાસકોશમાંથી વાઈસરાયોનાં પ્રવચન !


જીવનમાં સાહિત્યઃ ક્યાં અને કેટલું?

નામ : શ્રુતિ જોષી
અભ્યાસ: એમ.ઈ.
રહેઃ અમેરિકા.

* ગુજરાતી સાહિત્યમાં રસ ખરો?
હા, વાર્તાઓ વાંચવી બહુ ગમે. કવિતાઓ ઓછી સમજાય છે પણ એય ગમે ખરી.

* સાહિત્યનો પરિચય કેવી રીતે થયો?
બાળપણમાં પપ્પા લાઈબ્રેરીમાંથી પુસ્તકો લઈ આવતાં. ઝવેરચંદ મેઘાણી, વર્ષા અડાલજા જેવા સર્જકોનાં પુસ્તકો વાંચ્યાંનું યાદ છે. મમ્મીપપ્પા સાથે હું પણ એ બધાં પુસ્તકો વાંચતી. છાપાઓની પૂર્તિઓમાં આવતી વાર્તાઓ-લેખો ઉપરાંત સામાયિકો પણ વંચાતાં. આમ, ઘરમાં બધાને છાપામાં પૂર્તિઓ-સામયિકો વાંચવાનો બહુ શોખ. બકુલ ત્રિપાઠી, તારક મહેતા વગેરે અનેક લેખકોને વાંચ્યા છે, આજે પણ વાંચીએ છીએ.

* કેવી વાર્તાઓ ગમે?
નવલિકાઓ, હાસ્યકથાઓ, રહસ્યકથાઓ અને જીવનમાં કોઈ હેતુ કે નવો વિચાર દર્શાવતી વાર્તાઓ ગમે. અમેરિકામાં ફ્રી લાઈબ્રેરીની પ્રથા છે. જેમાં અઢળક પુસ્તકો હોય, ત્યાંથી હું મારા અને બાળકો માટે પુસ્તકો લઈ આવું છું.

* યાદ રહી ગઈ હોય એવી વાર્તા-નવલકથા?
હંમેશાંથી વાંચવું ગમે, પણ લેખક અને વાર્તાઓનાં નામ બહુ યાદ નથી રહેતાં. માનવીની ભવાઈ, લીલુડી ધરતી. તેનાલિ રામની વાર્તાઓ અને જુમો ભિસ્તી વગેરે નામો અત્યારે યાદ કરતા જીભે ચઢે છે.

* સાંપ્રત સમયમાં સાહિત્યની ઉપયોગિતા લાગે છે?
હા, ચોક્કસ. મારા અંગત અનુભવ પરથી જ કહું. અહીં અમેરિકામાં હું મારાં બાળકોને વાર્તાઓ સંભળાવું છું અને પ્રયત્ન કરું છે કે બાળકો ગુજરાતીમાં વાંચતાં પણ થાય. પુત્ર નિસર્ગને નિયમિત ‘પંચતંત્ર’ વાંચી સંભળાવું છું. અહીં ‘શિશુભારતી’ નામે એક સંસ્થા કાર્યરત છે જે બાળકોને ગુજરાતી ભાષા શીખવી છે. નિસર્ગ ત્યાં બે વર્ષથી જાય છે અને વાંચતા શીખ્યો છે, પણ ગુજરાતી-વાચનમાં હજી પૂરેપૂરી પકડ નથી આવી. ભાષા બોલવા ઉપરાંત મારાં બાળકો ગુજરાતીમાં વિચારતાં પણ થાય(જે હાલ અંગ્રેજીમાં વિચારે છે.)એવા મારા પ્રયાસ છે. માતૃભાષા દ્વારા જ બાળકો સંસ્કૃતિ સાથે પણ જોડાયેલાં રહે છે એ વિદેશની ધરતી પર રહેતાં અમને સમજાય છે. બાકી, અંગ્રેજીમાં બહુ ફોર્માલિટી કરવી પડે છે, કંટાળો આવે, પણ મજાક-મસ્તી તો માતૃભાષામાં જ કરવાની મજા આવે. મૌલિક અભિવ્યક્તિને પારકી ભાષા ન ફાવે. આ બધું સાહિત્યને લીધે શક્ય બને છે એવું મને લાગે છે.

* આજના સાહિત્યકારો પાસેથી શી અપેક્ષા રાખો છો?
મૂળ જરૂર છે કે મોટેરાઓની સાથેસાથે બાળકોને પણ સ્પર્શે એવું સાહિત્ય લખાય, જેમાં વર્તમાન સમાજમાં ચાલતી ઘટનાઓ, પ્રસંગો, આજના માનવજીવન અને સંસ્કૃતિનું ચિત્રણ હોય. વાર્તામાં બુદ્ધિકૌશલ્ય સાથે ટેકનોલોજીનો પણ સમન્વય હોવો જોઈએ.


કવિતામાં કવિતા સિવાયનું બીજુંબધું... - સુનીલ મેવાડા

દાડમડીનાં ફૂલ રાતાં ઝૂલણ લ્યો વણઝારી
ફૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝૂલણ લ્યો વણઝારી
હું તો વાણીડાને હાટે હાલી
ચૂંદડી મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઊઠી ઝૂલણ લ્યો વણઝારી…
હું તો સોનીડાને હાટે હાલી
ઝુમણા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઊઠી ઝૂલણ લ્યો વણઝારી…
હું તો મણિયારાને હાટે હાલી
ચૂડલા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઊઠી ઝૂલણ લ્યો વણઝારી…
– લોકગીત

લોકસાહિત્યની સમૃદ્ધિ અને સુમધુરતાની ગાથા આપણે અનેકવાર સાંભળી છે. આવાં કેટલાંય ગીતો આપણે સાંભળતાં-માણતાં આવ્યાં છીએ. કોઈકને વળી પ્રશ્ન થાય કે આ લોકગીત ખરું, સારુંય ખરું, પણ એમાં કવિતા ખરી? કોઈ ના પાડવાની હિંમત કરે? કવિતાનિર્ણાયકો કહેતા હોય છે એમ, એમાં નવીનતા શું? ન ભાવનું નાવિન્ય કે ન અભિવ્યક્તિમાં તાજગી, લયપ્રાસ ઠીકઠીક સારા, પણ લયપ્રાસથી (કથિત-કુખ્યાત) કાવ્યતત્વ થોડી સિદ્ધ થાય, પછી એમાં કવિતા ક્યાં? કયું તત્વ સ્પર્શે છે? આખરે ક્યાં ક્યાં ક્યાં, ક્યાં છે કવિતા?
દાડમડીનાં ફૂલ રાતાં રંગનાં છે અને ફળ લીલા રંગનાં છે, (નાચતા હો તો ઝૂલણ લ્યો, ન નાચતા હો તો કંઈ નહીં.) ઓકે, ફાઈન. ચૂંદડી લેવા વાણિયા પાસે ગઈ, ઊભા ઊભા ચૂંદડી જોઈ(નાચતા હો તો, ઝૂલણ.), હેઠે બેસી મૂલ કર્યા (વન્સ અગેઈન ઝૂલણ), ફૂલ રાતાં છે ને ફળ લીલાં છે. ઠીક છે, સમજ્યા. એ જ રીતે સોની પાસે ઝુમરાં, મણિયારા પાસે ચૂડલાં જોયાં-મૂલવ્યાં-લીધાં,(ઝૂલણ-ઝૂલણ-ઝૂલણ) પત્યું. ઠીક છે, તો શું? કવિતા ક્યાં?
શું આ સદી અગાઉ સદીઓથી બાયડીઓ સાવ નવરી હતી એટલે બસ પ્રાસબદ્ધ ગીતો બનાવ્યાં કરતી? નવરાત્રીઆદી નાચવાના પ્રસંગો આવે એટલે સહુના પગમાં થનગાટ ઉમેરવા આ પ્રકારે ઠુમકાબદ્ધ શબ્દો ગોઠવ્યા કરતી? એટલા માત્રથી આ બધાં ગીત રચાયાં? એમાં કૂદાકૂદીની મજા અને આનંદ છે, પણ કાવ્યતત્વ નથી?
લગ્નઆદિ પ્રસંગોમાં ગામની સ્ત્રીઓને ગાણાં ગાતાં સાંભળવાનું (સદભાગ્યે) કેટલીકવાર બન્યું છે, એમાં સાંભળેલી એક પંક્તિ ભૂલાતી નથી, ન ભૂલાય છે એ ગાતી વખતે જોયેલો પેલી સ્ત્રીઓના ચહેરા પરનો ભાવ. એ પંક્તિઃ
“લીંબડાની છાયા,
જેવી માબાપની માયા...
માયા છોડવી પડશે, સાસરે જાવું પડશે....”
સાવ આવી સપાટ બયાની. આમાં કવિતા ખરી? પણ આ ગાતી વખતે પેલી પચ્ચીસથી પિસ્તાલીસ વરસ સુધીની પરણેલી સ્ત્રીઓના ચહેરા જે ભાવ તરવરતો હતો, એ સ્પષ્ટપણે ચાડી ખાતો હતો કે આ પંક્તિ તે બધીઓ માત્ર સાસરે જનારી સ્ત્રીને જ નથી કહેતી, પણ પોતાની જાતને પણ યાદ કરાવ્યા કરે છે કે માબાપના રાજમાં જે જલસો હતો, તે સાહ્યબી હજી ભૂલાતી નથી, મનોમન એમની ખોટ સાલે છે, માબાપની છત્રછાયા સાંભરે છે, પણ હવે આટલેવરસે તો એ બધું ભૂલ ભૂંડી ભૂલ !
દાડમડીનાં ફૂલ ગમેતેવાં હોય ને ફળ ગમેતેવાં હોય, વાણિયા-સોની-મણિયારા પાસે એકએક કરીને શોપિંગ કર્યું હોય કે મોલમાં જઈ સાગમટું કે ઘરેબેઠા ઓનલાઈન ઓર્ડર આપ્યું હોય, કશો ફરક નથી પડતો, મહત્વનું છે માત્ર ઝૂલણ. ઝૂલણ. ઝૂલણ. ગમે તે વાત હોય, ગમે તે શબ્દ હોય, ગમે તે પ્રાસ હોય, ગમે તે કારણ હોય કે કોઈ જ કારણ ન હોય, આજે તો મર્યાદાના વર્તૂળમાંથી બહાર નીકળી ઝૂલણ લઈ થનગનવા મળ્યું છે એટલે બસ ઝૂલણ લ્યો ને ઝૂમો... એ જ જીવનની કવિતા અને એ જ કવિતાનું જીવન ! આવું ધૂળિયું કાવ્ય-લોકગીત ન જાણે કેટલીય સ્ત્રીઓનાં હૈયાંને કેટલાંય વર્ષોથી હચમચાવતું ગરબે ઘૂમતું રહ્યું છે. આમાં કઈ કવિતા અને કયું જીવન? અહીં સુધીમાં તો ખરેખર ચડિયાતું કાવ્ય કેવું હોય ને હોય તો કયું હોય એ પ્રશ્ન પણ સાવ નિરર્થક લાગે એવી વ્યાપક અનુભૂતિ થઈ આવે છે.
-પણ, અહીં શહેરમાં બેઠાબેઠા ઘણીવાર વિચાર આવે છે કે આપણે કવિતાના શા હાલ કર્યા છે?
કેમ હજી આપણે ઊંબરે ઊભા રહી વ્હાલમનાને જ બોલવાનું કહ્યા કરીએ છીએ? કેમ હજી આપણા ભઈલાઓ લીંબડીપીપળી હલાવી વહાલી બેનીને હિંચકે જ ઝૂલાવ્યા કરે છે? કેમ હજી આપણે મધુવનમાં ખોવાયેલા માધવને જ શોધ્યા કરીએ છીએ? કેમ હજી આપણા સાંવરિયાઓ ખોબો માગીએ તો દરિયો જ દઈ દીધા કરે છે?
કારણઃ અનુભૂતિ ! ખરેખર?
અનુભૂતિને અનુસરેલા શબ્દો પંક્તિ સુધી કૂચ કરે, ને એવી પંક્તિઓથી જે કવિતા રચાય, એને વળી ક્યાં પ્રકાર ને બંધારણની ચિંતા રહે? કે પ્રકાર અને બંધારણોના ચોકઠા સમજ્યા પછી જ કવિતા સિદ્ધ થાય છે?
કવિ ધૂમિલની, ‘કવિતા’ નામની એક કવિતામાંની આ એક માત્ર પંક્તિ મૂકી દીધા પછી મારે-તમારે વધારે કશી ફરિયાદ કરવાની નહીં રહે.
“(કવિતા)
વહ કિસી ગંવાર આદમી કી ઉબ સે
પૈદા હુઈ થી ઔર
એક પઢે-લિખે આદમી કે સાથ
શહર મેં ચલી ગઈ...”


સાહિત્યમાં જીવનઃ કિરીટ દૂધાત

* જીવન અને સાહિત્ય વચ્ચેનો સંબંધ તમારા મતે-તમારા અનુભવે, શું છે?

* સાહિત્યને વ્યાપક અર્થમાં લઈએ તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં સાહિત્ય પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે હાજર હોય છે જ. જેનું પદ્ધતિસરનું શાળાકીય શિક્ષણ નથી થયું એવી વ્યક્તિ લોકગીત ગાય કે આપણા અભણ દાદીમા વાતચીતમાં કહેવતોનો અને રૂઢિપ્રયોગોનો ધાણીફૂટ ઉપયોગ કરે તો તેમાં એમની ચેતનાનો કોઈ અંશ સાહિત્ય સાથે જોડાયેલો હોય જ છે. વીસમી સદીના ત્રીજાથી નવમા દાયકા સુધી ફિલ્મોએ સાહિત્યને લોકો સાથે જોડાયેલું રાખ્યું છે, ત્યાર પછી આ કામ ટી.વી.ની સિરિયલોએ કર્યું છે. એમ કહેવાય છે કે બાળક જન્મીને હાલરડું સાંભળે કે એનાં મરણ પછી મરશિયાં ગવાય એમાં બધે સાહિત્ય કોઈને કોઈ રીતે જોડાયેલું હોય છે. હવે સાહિત્યને આપણે રૂઢ અર્થમાં લઈએ કે શિક્ષિતો નવલકથા કે કવિતા વાંચે એને જ સાહિત્ય કહેવાય તો એવું પણ વત્તા ઓછા અંશે આપણી આસપાસ જોઈએ છીએ, એ રીતે એક યા બીજા સ્વરૂપે માણસના જીવનમાં સાહિત્યની હાજરી હોય છે. આખરે તો માણસને સૌંદર્ય(aesthetics)નો સંસ્પર્શ જોઈએ છે. પછી એ લોકગીત, ભજન, કહેવત, ફિલ્મ અને એનું સંગીત, મુશાયરો, છાપામાં આવતી કોલમ કે નવલકથા અને ‘સરસ્વતીચન્દ્ર’ કે ‘પૂર્વાલાપ’ હોય, એનાં વાંચનમાંથી પણ માણસ પોતાની સમજણ અને રુચિ મુજબ એ મેળવી લે છે.

* તમારી શબ્દસાધનાને જીવન સાથે કેવી રીતે જોડો છો?

* આ સવાલનો જવાબ આપવા માટે મારે કેટલીક અંગત વાતો કહેવી પડશે, એને મારી કોઈ સિદ્ધિ તરીકે કે સ્વ-પ્રશંસા તરીકે ન જોતા, આ પ્રશ્નના જવાબમાં જોવા વિનંતી... તો, મારો જન્મ અને દસમા ધોરણ સુધીનો અભ્યાસ સૌરાષ્ટ્રના એક નાના ગામમાં થયા જ્યાં ખેતી સિવાયના કોઈ વ્યવસાયની તકો નહોતી. પિતાજી અમદાવાદની એક મિલમાં સામાન્ય કારીગર. દસમા પછી હું અમદાવાદ આવ્યો અને મિલ મજૂરોની વસાહતોમાં રહ્યો, ત્યાં પણ મિલમાં કામદાર તરીકે નોકરી મળે એ જીવનની મોટી સિદ્ધિ ગણાતી. વળી ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી નાણાકીય સગવડ આવાં કુટુંબોમાં ન હોય એ તો સ્વાભાવિક છે, પરંતુ હું વાંચતા શીખ્યો ત્યારથી સાહિત્ય મારી રોજિંદી જિંદગીમાં સતત વણાયેલું રહ્યું છે. મારા વડવાઓ જે જિંદગી જીવ્યા એનાથી પણ વધુ સારી આંતરિક ને બાહ્ય જિંદગી તેમ જ દુનિયા છે એ વાતનું સતત ભાન મને સાહિત્યના કારણે થયું. એવી જિંદગી જીવવા અને મેળવવા મેં પ્રયત્નો કર્યા જેમાં થોડાક અંશે તો થોડાક અંશે હું સફળ થયો. આ બધું મેં એકલા હાથે નથી કર્યું. મારાં નાના-નાની, માતા પિતા, મારાં શિક્ષકો અને મિત્રોના અડગ ટેકા સિવાય આ શક્ય ન જ થયુ હોત, પણ હું જ્યાં જન્મ્યો હતો અને જ્યાં પહોચ્યો છું એમાં સાહિત્ય મને દીવાદાંડીની જેમ સતત દોરતું રહ્યું છે એ મારા પૂરતું તો સત્ય છે જ...

* આજના સમાજમાં સાહિત્યની જીવંતતા ક્યાં જુઓ છો?
* આજના સમયમાં સાહિત્યની જીવંતતા મને મારી આસપાસ ખાસ દેખાતી નથી. માણસો આજકાલ ઓછું વાંચે છે, જેના કારણે એક બીજા પ્રત્યેની સહિષ્ણુતા ઘટતી જતી હોય એમ લાગે છે, પરંતુ માનવસંસ્કૃતિ અસ્તિત્વમાં આવી ત્યારથી કોઈ પણ સંવેદનશીલ મનુષ્યને ભૂતકાળ કરતાં વર્તમાન અને ભવિષ્ય હંમેશાં નિરાશાજનક જ લાગે છે. એ રીતે તટસ્થપણે વિચારતા મારી આ માન્યતા માણસમાં રહેલા એ સ્વાભાવિક દોષદર્શન જેવી જ લાગે છે. હવે પછીની દુનિયા આજના કરતાં ભૌતિક રીતે બહેતર હશે, પણ એમાં સાહિત્ય માણસને માણસ બનાવી રાખવામાં બળ પૂરું પાડશે એની મને ખાતરી નથી. પચાસ વરસ પહેલાં આપણી જિંદગીમાં સાહિત્ય જેટલું ચાલકબળ હતું એમાં ચોક્કસ ઘટાડો થયો છે. એ રીતે આપણા સમાજમાં સાહિત્યની જીવંતતા ઓછી થતી જતી હોય એમ લાગે છે.
(વાતચીતઃ સમીરા પત્રાવાલા)


માતૃભાષા વગર સંસ્કૃતિરક્ષાની અફવા !

આપણે જોઈ રહ્યા છીએ કે ચારે તરફ સામાજિક, ધાર્મિક, રાજકીય (અને હવે તો જ્ઞાતિગત) સંગઠનોની મોટાપાયે હોહા મચી છે. આ બધાં સંગઠનો સંસ્કૃતિના-દેશના હિતરક્ષક હોવાનો, લોકહિતમાં કાર્ય કરતાં હોવાનો દાવો કરે છે અને પોતપોતાનાં ક્ષેત્રમાં ભૌતિક રીતે કાર્યરત પણ રહે છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ બધાં સંગઠનો માત્ર પોતપોતાની વિચારધારા અને માન્યતાઓના પ્રચાર-પ્રસારને બદલે અથવા એની સાથે સાથે, સમાજવિકાસના મૂળમાં રહેલાં માતૃભાષાના માધ્યમથી બાળશિક્ષણ ને યુવાનોના ઘડતર પર ધ્યાન કેન્દ્રિત કેમ ન કરે? આમ તો એ બધાં સંગઠનો મોટાભાગે સાંસ્કૃતિક વારસાને સાચવવાના પક્ષકાર હોય છે, પણ તે માટેનાં પાયાકીય પ્રયત્નો કરવાને બદલે ઉપરછલ્લાં કાર્યો કરીને સંતોષ માની લે છે.
બીજી વાત આપણા ધાર્મિક-સાંસ્કૃતિક સાહિત્યની, એમાં જે મૂળ તત્વ રહેલું છે, તે અંગ્રેજી જેવી બીજી ભાષામાં રૂપાંતરિત થાય ત્યારે એના મૂળ સ્વરૂપમાં જ બની રહે છે કે કેમ એ પ્રશ્ન મહત્વનો છે. પાછલી અનેક પેઢીઓનું સાંસ્કૃતિક ઘડતર કરનારી આપણી અનેક લોકવાર્તાઓના આજે ઉપલબ્ધ અંગ્રેજી અનુવાદો વાંચીએ ત્યારે સમજાય છે કે આ તો કથાનો અનુવાદ થઈ ગયો, પણ કથાસાર તો ક્યારેય અનુવાદિત થઈ શકશે એમ નથી લાગતું. ‘ચકી-બેન’ જેવા સંબોધન પાછળ માત્ર ચકલીને બોલાવાની વાત તો વાર્તાનો ભાગ છે, પણ ચકલી સુદ્ધાંને ‘બેન’ કહેવા પાછળનો બંધુત્વભાવ આપણી સંસ્કૃતિનો પાયો છે.(ઉંદરમામા, સૂર્યદાદા વગેરેવગેરે.) એનો અનુવાદ સન-અંકલ કે માઉસ-અંકલ થયો તોય શું? એવા શાબ્દાનુવાદો થાય, પણ ભાવાનુવાદો મુશ્કેલ છે, જે અનુવાદો ભણનારા માટે વધારે ઘાતક ને કંટાળાજનક બની શકે. ચેતવણી એ માતાપિતાઓ માટે પણ છે કે જે બધાં પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવતાં-ભણાવતાં માત્ર શનિ-રવિવારે કે અન્ય રજાના દિવસે પાઠશાળા કે સાંસ્કૃતિક-ધાર્મિક કેન્દ્રોમાં મોકલીને સંસ્કૃતિ-સંસ્કાર સાથે જોડાયેલા હોવાનો ભ્રમ પાળે છે. તેમણે સમજવું જોઈએ કે માતૃભાષા વગર એ કાર્ય એક પૈડે રથ દોડાવવા જેવું છે. અંતે એ બાળક માટે ફક્ત બોજારૂપ બની રહે છે.
જોકે ‘બધું બળતું હોય ત્યાં જે બચ્યું એ સોનુ’ના ભાવથી કાર્યરત આવાં કેટલાંક કેન્દ્રો આમ ભલે ધન્યવાદને પાત્ર ગણાય, પણ એ કાર્યો અપૂરતાં-અધકચરાં છે. કહેવાય છે કે અધૂરું જ્ઞાન વધારે જોખમી છે, એમ આ રીતની અધકચરી સંસ્કૃતિરક્ષા સંસ્કૃતિને વધારે નુકસાનદાયી સાબીત થઈ રહી છે. સાંપ્રત સળગતા પ્રશ્નો વિશે વિચારીશું તો પણ સમજાશે કે સામાજિક-રાજકીય ક્ષેત્રે પણ આપણે સહુ એ પ્રકારની અધકચરી સંસ્કૃતિરક્ષાને લીધે આપણા સંસ્કાર-સંસ્કૃતિને વધારે નુકસાન પહોંચાડતી પરિસ્થિતિઓના સાક્ષી બની રહ્યાં છીએ.
આમ માત્ર અનુનાયીઓ વધારવાની હોડમાં મૂળ ઉદ્દેશ કે કાર્યપદ્ધતિની અવગણના કરીને અંગ્રેજીમાં સાંસ્કૃતિક-ધાર્મિક-સામાજિક શિબિરો-વર્ગોનું આયોજન કરનારાઓ અંતે શું મેળવવાના છે ને એમના કયા હેતુમાં, કેટલા અંશે સફળ થવાના છે એ વિચારવા જેવું છે.
હકીકત એ છે કે સામાજિક, ધાર્મિક કે રાજકીય એવાં મોટા ભાગનાં સંગઠનો પોતપોતાના વાડા સુધી જ સીમિત રહેવા માગે છે ને તેથી દાયકાઓથી કાર્યરત હોવા છતાં સમાજ માટે ઉન્નત પરિણામ લાવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે.(સંસ્થાગત રીતે સહુએ જે-જે ગિનિસમાં નોંધાયેલી સિદ્ધિ મેળવી હોય એ ભલે.) બીજી તરફ આવાં સંગઠનોના કાર્યકર્તાઓએ પોતે પણ અંગ્રેજી-અસર હેઠળ પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યાં છે, તો બીજાને કઈ રીતે સમજાવી શકે? એથી ઉપરછલ્લાં છબછબીયાંમાં જ સંતોષ માની લે છે.
જો ખરેખર સાંસ્કૃતિક પરિવર્તન લાવવાનો એક માત્ર ઉદ્દેશ આ સામાજિક-ધાર્મિક-રાજકીય સંગઠનોનો હોય તો શું માતૃભાષા વગર એને પરિપૂર્ણ કરી શકાશે એ પ્રશ્ન એમણે વિચારવો જોઈએ. સામાજિક સંગઠનો જો સંપૂર્ણ પરિવર્તન લાવવા માગતા હોય તો તેમની પ્રવૃત્તિઓના કેન્દ્રમાં બાળકેળવણી, અને એ પણ માતૃભાષામાં જ હોવું જોઈએ. એ બાબતનો આગ્રહ હોવો જોઈએ. અયોગ્ય નિર્ણય કર્યાનો સ્વીકાર હોવો જોઈએ. એને સુધારવાની તૈયારી હોવી જોઈએ. એ બાળકેળવણી પણ પાછી શિક્ષણમાં પ્રચલિત કોપી-પેસ્ટવાળી ભાષામાં નહીં, પોતિકી ભાષામાં હોવી ઘટી. આપણી શાળા-કોલેજ-યુનિવર્સિટીઓ મોટાભાગે અનુકરણ કરતા જ શીખવે છે, જેના પરિણામ સ્વરૂપે એક સદી પહેલાંના સાહિત્યકારોએ ભેગી કરીને સાચવેલી ગુજરાતી ભાષાની અડધાથી વધારે હસ્તપ્રતો આજે પણ વણ-સંશોધાયેલી ભંડારો-ગ્રંથાલયોમાં પડી છે અને કહેવાતા ‘સંશોધકો’ એકના એક સંશોધિત વિષયો પર ફરીફરીને સંશોધનો કરતા રહે છે. (એનું એક કારણ એ પણ ખરું કે આપણા ઘણા વિદ્વાન પ્રાધ્યાપકો પોતાના પ્રાપ્ત-જ્ઞાનને અનુકૂળ વિષયો પર જ વિદ્યાર્થીઓ સંશોધન કરે એવો આગ્રહ રાખે છે ને...)
ઉપરાંત આજે ભારતીયો સોફ્ટવેર અને આઈ.ટી.ના ક્ષેત્રમાં ખૂબ આગળ છે, તેમાં અંગ્રેજી ભાષાનો નહીં, પણ આપણી તર્કશક્તિ અને ગણિતમાં રહેલો આપણો હજારો વર્ષ જૂનો વારસો કારણભૂત છે. આજે વિશ્વમાં સ્પૅનિશ અને ચાઈનીઝ બોલનારા લોકોની સંખ્યા અંગ્રેજી કરતાં વધુ છે, નવી શોધખોળ, પૅટન્ટનું રજિસ્ટ્રૅશન કરાવવામાં ચાઈનીઝ, રશિયન, જાપાનીઝ લોકો આગળ છે, કારણ કે પોતાની માતૃભાષામાં એમની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધુ ખીલ્યાં છે. તર્કશક્તિ અને બુદ્ધિમતા અમાપ હોવા છતાં ભારતીયો આ બાબતોમાં લોકવસ્તીના પ્રમાણમાં ઘણાં પાછળ છીએ એનું કારણ દરેક બાબત માટે આપણામાં ઘર કરી ગયેલું અંગ્રેજીમાંથી કોપીપેસ્ટ કરવાનું વલણ અને બીજાનું અનુકરણ કરવામાં જ મળતો આનંદ છે!
આ બધી વાતના ઢગલાનો નિષ્કર્ષ એટલો છે કે પોતપોતાની ભાષાનું ગૌરવ કરવામાં પાછા પડેલાઓને, સંસ્કૃતિને એના મૂળસ્વરૂપે સ્વીકારવામાં નાનપ રાખનારાઓને સંસ્કૃતિ અળગા કરીને ફેંકી દેશે. માત્ર શ્લોકોની ગોખણપટ્ટી ને રામા-લક્શમનાની સ્ટોરીઓ કહેવા જેવા ત્રૂટકછૂટક પ્રયત્નોનો અર્થ નથી, સિવાય એમાં વ્યક્તિગત રીતે ‘મેં મારાથી બનતું સારું કર્યુ’નો સંતોષ માની લેવો. જાહેર સામાજિક કાર્ય આજે એક ફેશન બની ગઈ છે ને ચારે તરફ સમાજસેવકો, સંસ્કૃતિરક્ષકોની ભીડ જામી છે ત્યારે બીજાં અનેક પરિબળોની સાથે સંસ્કૃતિને આ દિશાહિન તીરની જેમ છૂટેલા સંસ્કૃતિરક્ષકો સામે પણ સુરક્ષા પૂરી પાડવાની જરૂર છે, જોકે એની જવાબદારી કોણ લેશે? શિક્ષકો ઈલેક્શન-ડ્યુટી અને એમ-ટાટની તૈયારીમાં અટવાયેલા છે, ધર્મગુરુઓ ગ્રંથાધ્યનમાં મગ્ન છે, સામાજિક આગેવાનો વૉટ્સઍપ-મેસેજમાં આવેલી તસવીરમાંની એક ખોવાયેલી બાળકીની માતાને શોધવા નીકળ્યા છે, જ્યારે (સ્વાભાવિક છે કે) રાજકીય નેતાઓથી આવો બોજ ન ખમાય અને સાહિત્યકારો તો સ્વ-દેશી ને પર-દેશી લિટરેચર ફેસ્ટિવલોમાં સંડોવાયેલા, કહેવાનો અર્થ કે, રોકાયેલા છે.


મોટા વર્ગનું નાનું વલણ આખા સમાજ માટે નુકસાનદાયી…

મોટા વર્ગને જોઈને સમાજનો મધ્ય ને નીચલો વર્ગ પોતાનો આદર્શ નક્કી કરે છે, શું એ વર્ગ માતૃભાષા વિશે પોતાની ભૂમિકા બહોળી ન કરી શકે?

રોજના વ્યવહારી જીવનને ઉન્નતભ્રૂ જીવનશૈલીના ભાગરૂપે અંગ્રેજીમઢ્યું રાખી ઉન્નતભ્રૂ હોવાનો દંભ ઘણા લોકો પાળે છે. એ જ વલણ વાલીઓમાં અંગ્રેજીનું ઘેલું લગાવે છે અને પોતાનાં બાળકને અંગ્રેજીમય કરી દેવાના એકમાત્ર ઉપાય તરીકે એમનો પ્રવાહ ખાનગી અંગ્રેજી શાળાઓ તરફ ધસે છે. સમાજના ઊંચા વર્ગની જીવનશૈલી એટલે અંગ્રેજીપણું જ અને વિકાસ કરવો એટલે પોતિકી ભાષાનો તિરસ્કાર કરવો, એ બે કુમાન્યતાઓને આપણે ક્યાં સુધી એક લક્ષણ તરીકે સ્વીકારી રાખીશું? મોટા વર્ગના લોકોનું મોટાપણું એ અંગ્રેજી ભાષા કે જીવનશૈલી નહીં, પણ એમની મહેનત-લાયકાત-સાક્ષરતાનું ફળ છે, પણ એ જ મોટા વર્ગના લોકો શું જાહેરમાં પોતાની ભાષાનું ગૌરવ કરી એ સાબિત ન કરી શકે કે એમની સફળતા એ કંઈ અંગ્રેજી ચલણને આભારી નથી?
જોકે અંગ્રેજી એ જ સફળ લોકોની ભાષા હોય એવો માહોલ સર્જી દેવામાં આવ્યો છે. અસફળ કે સંઘર્ષશીલ લોકોના મગજમાં પહેલી છાપ જ એવી પાડવામાં આવે છે કે અંગ્રેજી એટલે સફળતા અને સફળતા એટલે અંગ્રેજી. (આ જ કારણે તો મહાલયોથી લઈ શૌચાલય સુધી ઠેરઠેર ‘અંગ્રેજી શીખો’ ને ‘ઈંગ્લીશ સ્પીકિંગ’ની બેલગામ જાહેરાતો જોવા મળે છે.) આ લેખશ્રેણીમાં અનેકવાર કહેવાયું છે એમ વારંવાર એ યાદ રાખવું પડશે કે કોઈ પણ માતૃભાષાપ્રેમી સંગઠન કે માતૃભાષાની શાળાઓ અંગ્રેજીની અવગણના કરવાનું કે એને તિરસ્કારવાની વાત નથી કરતાં, ભાષા તરીકે એનો સ્વીકાર ખરો જ, પણ એ પોતિકી ભાષાના ભોગે, ખોટી માન્યતાઓને આધારે નહીં. સફળતા અને ઊંચા સામાજિક દરજ્જાની લાલચથી અંજાઈ સામાન્ય લોકોને અંગ્રેજી તરફ વાળી દેવાનો અર્થ છે એમને ન ઘરના રાખવા કે ન ઘાટ.
આપણા સમાજના કહેવાતા મોટા વર્ગમાં, ઉચ્ચભ્રૂ લોકોમાં કે કથિત હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલને જીવનારાઓમાં અંગ્રેજીને સફળતાની નિશાની તરીકે રજૂ કરવાનું દુઃખદાયી વલણ જોવા મળે છે, જેનો શિકાર નાના વર્ગના મહત્વાકાંક્ષી લોકો થાય છે. પોતાની મહેનતથી ઉપર આવેલા, અગવડો વચ્ચે ભણીને સમ્માનિત સ્થાને પહોંચેલા અને કાળી મજૂરી કરીને આર્થિક રીતે સુખીસંપન્ન બનેલા અનેક લોકો પણ અંતે એ વાત ભૂલી જાય છે કે એમની સંઘર્ષથી સફળતા સુધીની યાત્રામાં અંગ્રેજી જેવી ભાષા માત્રનું યોગદાન ન હતું, બીજાં અનેક પરિબલો હતાં. એમ છતાં આવા અનેક લોકો ઊંચા વર્ગની ક્લબમાં સામેલ થયા પછી, માતૃભાષાનાં ગુણગાન ગાવાને બદલે અંગ્રેજીયતને સ્વીકારી લે છે, કારણ કે એ જ વલણ ઊંચા વર્ગની એટિકેટ તરીકે સ્વીકારાઈ ગયું છે.
બદનસીબે આપણે ત્યાં વ્યવહારમાં ‘અંગ્રેજી ચલણ’ એ ઊંચા અને અન્ય ભાષી વ્યવહારો નીચા વર્ગના છે એવું દ્રશ્ય ઊભું કરી દેવામાં આવ્યું છે અને આપણે સૌ એને સ્વીકારતા આવ્યા છીએ.
જોકે ઘણો મોટો વર્ગ એવા લોકોથી ભરેલો છે જે ઉચ્ચભ્રૂના ગણાવવાની લાલસામાં સતત અંગ્રેજીને પુરસ્કૃત કરતા રહે છે અને વાત ત્યાં અટકતી નથી, કેટલાક લોકો માટે તો અંગ્રેજીને પુરસ્કારવા જેટલી જ જરૂર પોતાની માતૃભાષાને તિરસ્કારવાની હોય છે. આવા વલણને લીધે સમાજના અન્ય વર્ગના લોકો સામે ખોટો આદર્શ રજૂ થાય છે. કેટલાંક માતાપિતાઓ માટે તો એમનું બાળક પોતાની ભાષા ન બોલી શકતું હોય એ ગૌરવની વાત બની જતી હોય છે, ભલે પછી બોલચાલની અંગ્રેજી માંડ શીખીને ભણવામાં એ બાળક સાવ નબળું જ હોય. આવા બેમોઢાળા વલણને આપણે ક્યાં સુધી સ્વીકારતા ચાલીશું?
આમ જોઈએ તો સમાજના આ મોટા વર્ગના હાથમાં આખા સમાજનું નેતૃત્વ છે. આખો સમાજ એમને અનુસરવાનો છે. સમાજના પ્રતિનિધિ જેવા સફળ લોકો, આગેવાનો, અભિનેતા-કલાકારો, જાણીતી હસતીઓ, ઉદ્યોગપતિઓ વગેરે આખા સમાજ માટે માતૃભાષાનું જતન કરવાનો આદર્શ પ્રસ્તુત કરી શકે છે ને તે પણ માત્ર આચરણ દ્વારા. એમના વાણીવર્તનનું સમાજના બીજા લોકો અનુકરણ કરતા આવ્યા છે અને કરતા રહેશે.
સમાજના પ્રતિનિધિઓ જેવા મોટા વર્ગના લોકો જો માતૃભાષામાં શિક્ષણ સાથે અંગ્રેજીની ઉત્તમ તાલીમના હિમાયતી બને તો સમાજ પર એની બહુ મોટી અસર પડવાની.
-પણ જો આ જ રીતે ચાલ્યું અને સામાન્ય તથા નીચા વર્ગના લોકો અંગ્રેજી અને માતૃભાષા વચ્ચેની પસંદગી-સંઘર્ષમાં અટવાતા રહ્યા, તો સમાજહિતમાં પરિણામ લાવવા મૂશ્કેલ છે. આવા કપરા સમયે સમાજ પર સૌથી વધુ અસર કરવાની તાકાત ધરાવે છે એવા ઊંચા વર્ગના લોકો જો પોતાની જીવનશૈલીમાં અલમસ્ત રહ્યા તો એમની સામાજિક જવાબદારી પણ ચૂકશે એ નક્કી.
અંગ્રેજી ભાષાને એક વ્યાપક ભાષાને બદલે ઉચ્ચતાની લાયકાત ગણવામાં આવે છે એ બહુ મોટી ભૂલ છે અને એ ભૂલની સજા લગભગ આગલી આખી પેઢી ભોગવવાની છે.
સજાનું પરિણામ કેવું હશે?
માથાપછાડ, જબરજસ્તી અંગ્રેજીમાં ભણલું એ બાળક સંસ્કાર-સંસ્કૃતિથી અળગું થઈ જઈ શકે છે અને એનાં પરિમાણરૂપે એ બાળક પોતાના પરિવાર સાથે પણ પોતાનું અનુસંધાન ન જોઈ શકે એવું બને. (વગેરે જેવી માતૃભાષાના શિક્ષણને લગતી અનેક બાબતો વિશે આ લેખશ્રણીમાં અગાઉ ચર્ચા થઈ છે, જે લેખના અંતે આપેલી વેબલિન્ક પર વાંચી શકાય છે.)
હરખઘેલાં માતાપિતાએ આ બાબતે સાવધ રહેવું પડશે કે આજે પોતાના બાળકને પરિવારથી તદ્દન જુદું ને ભિન્ન બનતું જોઈ ભલે ગૌરવ અનુભવાય, પણ આવતીકાલે આ ભિન્નતાને લીધે જ બાળકને એમનાં માતાપિતાથી પણ તદ્દન જુદાપણું લાગવા લાગશે ત્યારે? જોકે એ સંજોગોમાં હંમેશાં સંસ્કારો કામ આવતા રહ્યા છે અને બદલાતી બે પેઢી વચ્ચે સ્નેહ-સમ્માનનો સેતુ આપણા સંસ્કારો જ બાંધતા આવ્યા છે, પણ શું આપણે એ સંસ્કારોને, સંસ્કૃતિના એ આખા પ્રવાહને માતૃભાષાના માધ્યમ વગર સાચવી શકીશું? બકોર પટેલ વગર, ચકાચકી વગર, દલા તરવાડી વગર, આપણી બોધકથાઓ વગર, આપણી પ્રાર્થનાઓ વગર, આપણી કવિતાઓવાર્તાઓ વગર, આપણા આખા સાહિત્ય વગર, માતૃભાષાના શિક્ષણ વગર આપણે એ સંસ્કારોને જીવતા રાખી શકીશું? એ સવાલ આપણે જ આપણી જાતને પૂછવાનો છે અને એનો જવાબ આપણે જ આપણી જાતને આપવાનો છે.
(જન્મભૂમિમાં પ્રકાશિત મુંબઈ ગુજરાતી સંગઠનનો લેખ)


જીવન અને સાહિત્ય: ધરતી હશે તો બીજ ઊગશેને... - વર્ષા અડાલજા

જેવી રીતે ધરતીમાં ઊંડેઊંડે પડેલા બીજને ખાતરપાણી મળતાં મોટું વૃક્ષ ઊગે છે, એ જ રીતે જીવન-સમાજમાંથી સાહિત્યકારને બીજરૂપ વાર્તા મળે છે. સાહિત્યનો જીવન સાથે સંબંધ અવિભાજ્યપણે જોડાયેલો છે. જીવનથી વિમુખ સાહિત્ય હોઈ ન શકે.
મેં પોતે તો આ અનુભવ્યું છે. સમાજના અંધારિયા ખૂણામાં મારા સર્જન દ્વારા હું એક નાનો દીવો પેટાવી શકું, એ તરફ સમાજનું ધ્યાન ખેંચી શકું, બસ એવા પ્રયાસ મેં સાહિત્યસર્જન દ્વારા કર્યા છે. એવો એક પ્રયાસ ‘આતશ’માં છે. વિયેતનામના યુદ્ધનો સિલસિલાબંધ ઈતિહાસ-સત્યઘટનાઓ વાંચી-અભ્યાસી-બધા દેશોનો એના પર અભિગમ તપાસી જઈ, પછી છેક યુદ્ધકથાનો સાર લીધો ને કથા આલેખી. મહાસત્તાઓ યુદ્ધની ઘોડાદોડ રમે છે પણ એમાં સામાન્ય માણસ પીડાય છે. જે અત્યારે પણ આપણે જોઈએ છીએ કે માન્યતા-યુદ્ધ બીજાના હોય પણ હત્યા નિર્દોષોની જ થાય છે. સિદ્ધાંતો બીજાના હોય, લડાઈ બીજાની હોય, પણ ભોગવવાનું હોય છે સામાન્ય માણસે. યુદ્ધની વ્યૂહરચનાઓ તો સદીઓથી થતી આવી છે, યુદ્ધશાસ્ત્રો રચાયાં છે, પણ શાંતિની વ્યૂહરચનાઓ નથી ઘડાઈ. યુદ્ધો ખેલાયા છે ને ખેલાઈ રહ્યા છે, પણ વિશ્વના દેશોએ એક સાથે કેવી રીતે રહેવું, સહજીવનમાં કેવી રીતે જીવવું એ શીખવે એવી વ્યૂહરચનાઓના શાસ્ત્ર નથી લખાયા. માનવીના તૂટેલા છિન્નભિન્ન સંબંધોનો પુલ સર્જકે એની સંવેદનશીલતાથી ફરી જોડી આપવાનો છે. માણસનું અસ્તિત્વ પથ્થર જેવું સઘન નથી, એમાં ચેતનાની તિરાડ છે.
‘ગાંઠ છૂટ્યાની વેળા’ માટે હું મધ્યપ્રદેશના આદિવાસીઓ વચ્ચે જઈને રહી, ત્યાંથી વાર્તાનું બીજ મેળવ્યું. એમાં સત્ય અને કલ્પનાનું મિશ્રણ કર્યું, વાર્તારસ જળવાઈ રહે એ રીતે મારી વાતને વાર્તાનો ઓપ આપી લોકો સામે મૂકી. મારે સમસ્યાને રજૂ કરવી છે, પણ એ દસ્તાવેજ કે હકીકતરૂપે ન થઈ શકે. એક વાર્તા તરીકે એની તરફ લોકોનું ધ્યાન જાય એ રીતે સમસ્યાને લખી શકાય. આપણે જે વાત કહેવી છે એ વાર્તાના રૂપે લોકો સુધી પહોંચાડવી રહી. (પહેલા કહ્યું એમ અંધારી દિશામાં નાનો દીવો થાય એ રીતે.)
‘ખરી પડેલો ટહૂકો’માં માનસિક રીતે અસ્થિર બાળકની વાત આવી. એ માટે હું પોતે હોસ્પિટલમાં કામ કરવા જતી. માતાઓને મળતી. પીડિત બાળકોની ફિઝિયોથેરપી જોતી. રોજેરોજ માતાઓ સાથે વાતો કરતી. એમની કથાવ્યથા સાંભળતી. એ બધાનાં આંસુઓમાં બોળીબોળીને આખી કથા લખાઈ છે. હકીકત એ છે કે આપણે પોતે નથી અનુભતા ત્યાં સુધી કોઈ પણ દુઃખનો ખયાલ આપણને આવતો નથી. એ દુઃખને સર્વસમભાવે વહેંચવા માટે, એ વ્યથાનો અનુભવ જોઈ-અનુભવી પછી જ લખવા લેવો પડે. ‘અણસાર’ નવલકથા લખવા માટે રક્તપિતના દર્દીઓ સાથે રહી હતી. એ લોકો સાથે તો હજી સંબંધ એવોને એવો છે ને એમના સંપર્કમાં પણ છું. એ કથાના પ્રસંગો-પાત્રો જીવનમાંથી સાચેસાચા આલેખેલા છે. જેલજીવન વિશે ‘બંદીવાન’ લખી, જેલજીવનની ઘટનાઓ નોંધી, સુપ્રિટન્ડેન્ટના જીવનની વાત વગેરે દ્વારા જેલની દીવાલોની ભીતર ડોકિયું કરવાનો એ પ્રયાસ રહ્યો. તાજેતરમાં ‘ક્રોસરોડ’ પ્રકાશિત થઈ. 1922થી 1975 સુધીનો લાંબો સમયગાળો લેતી એ મારી લેટેસ્ટ કૃતિ છે. સશસ્ત્ર ક્રાન્તિવીરોએ પણ સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ ભજવ્યો હતો, એમણે પણ શહીદી વહોરી હતી, બલિદાનો આપ્યાં હતાં, મારે એ વાત વણવી હતી, મારા પોતાના અનુભવો મૂકવા હતા, પણ એ પહેલાં આખા ઈતિહાસને દૂર રહી તટસ્થભાવે જોઈ, વાંચી, અભ્યાસી, લાંબા સમય પછી એક નાના પરિવારનું નિમિત્ત લઈ કથા આરંભી. એમાં સ્વતંત્રતા પહેલાં-પછીનું વાતાવરણ લીધું, ત્યારબાદ રાજકારણમાં-દેશમાં-સમાજમાં બનેલી ઘટનાઓની પૃષ્ઠભૂમિ પણ જાળવી, પણ મૂળ વાત ફરીફરી જે પરિવારની કથા કરવાની છે એના પર પાછી લાવી દેવી પડે, કારણ કે આપણી કથાએ સમયના અનુબંધમાં જીવવાનું છે, ત્યાં વેક્યુમમાં નથી જીવવાનું, આ માટે મેં 1922થી 1975 સુધીની ઘટનાઓનો ચાર્ટ બનાવી રાખ્યો હતો. મારી કથાના પરિવારની ઘટનાઓ વખતે જે-તે સમયની રાજકીય-સામાજિક પરિસ્થિતિ, વિચારધારાઓ કેવી હતી એ પ્રમાણે કથા આગળ ચલાવવી પડે, એ માટે એના પણ જુદા જુદા ચાર્ટ બનાવ્યા હતા, કારણ કે આખા સમયનું દસ્તાવેજીકરણ થઈ શકે. મને પોતાને જીવનમાંથી સાંપડેલી નાનીનાની મહત્વની વાતો પણ એમાં વણી લેવી હતી. જેમ કે કથામાં એક ગૌરમહારાજનું પાત્ર છે, જે સર્પદંશ પછી મૃત્યુપથારીએ પડ્યા છે, ઝેર ચડતું જાય છે, છતાં એમના હોઠ ફફડ્યા કરે છે. એ ગૌર સાથે એક ભાઈ હોય તે કહે છેઃ ‘ગૌરમહારાજે યજમાન પાસેથી રુદ્રી પાઠ કરવાના ચાર આના લઈ લીધા છે એટલે એ જ્યાં સુધી છેલ્લો રુદ્રી પાઠ પૂરો નહીં કરે ત્યાં સુધી એમનો જીવ નહીં છૂટે. એ ઋણ લઈને ઉપર નહીં જાય.’ આ જીવંત પાત્ર છે, મારા નજીકના સંબંધીમાંથી મળેલું. જીવનની આવી અદભુત વાત સાહિત્યમાં આ રીતે ડોક્યુમેન્ટ થઈ જાય છે. આ કથા ઈતિહાસની સાચી ઘટનાઓ-તથ્યોના આધારે ઘડાઈ છે. કથાનાં પાત્રોની જીવનઘટનાઓ પાછળની ઐતિહાસિક વિગતો પૂરેપૂરી તપાસીને લખી. કથાના ઘડતર માટે ખૂબ ફરી પણ ખરી. કલકતામાં ગઈ હતી. ત્યાં બડા બજારની ગીચ વસ્તીમાં કયા મકાનમાં મારો નાયક વિષ્ણુ છૂપાઈ શકે એ શોધતી હતી. ત્યાં નાનાકડા દાદરા દેખાયા, એ ચડીને ઉપર ગઈ, આગળ નાનકડી અગાસીએ પહોંચી, ઉપર કોથળા પડેલા હતા અને એ જોતાની ક્ષણે જ મને થયું કે મારો વિષ્ણુ છૂપાય તો અહીં જ છૂપાય...! કલકતામાં જ જૂનાં પુસ્તકો-સામયિકોના થોપલામાંથી કલકતાની ગુજરાતી સ્ત્રીઓએ સશસ્ત્રક્રાન્તિમાં નોંધાવેલા ફાળા વિશેનો એક અમૂલ્ય લેખ મળી આવ્યો. અમૃતસર તો અઠવાડિયું રહી. અમૃતસર મંદિરમાં ક્રાન્તિવીરોની તસવીરો છે, ત્યાં જલિયાંનવાલા બાગમાં જાણે હજી ઈતિહાસ જીવંત છે. મદનલાલ ધીંગરાની પ્રતિમા પાસે ઊભી રહીને રોમાંચિત થઈ જવાયું હતું. મદનલાલના વ્યક્તિત્વની તેજસ્વીતા જાણે હજી સ્પર્શતી હતી. મદનલાલે અંગ્રેજની કત્લ કરેલી અને એને ફાંસી થઈ ત્યારે ચર્ચિલે પણ બ્રિટિશ સંસદમાં એની બહાદૂરીને વખાણી હતી. અમૃતસરમાં સુભાષબાબુની સુંદર પ્રતિમા પણ ખરી. વાઘા બોર્ડરની મુલાકાત લીધી. અમૃતસરનું અઠવાડિયું સમયપ્રવેશનું હતું. સમયપ્રવેશ થયા પછી જ કથાપ્રવેશ કરી શકાય. જે-તે સમયની કથામાં પ્રવેશવા માટે પહેલા એના સમયમાં તો પ્રવેશવું જ પડેને...
આમાં જુઓ, જીવન અને સાહિત્ય તો નિઃશંકપણે જોડાયેલાં જ છેને...
આપણે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે સાહિત્ય શૂન્યાવકાશમાં તો ન સર્જી શકાય. સાહિત્ય એટલે સહિત, જે સાથે ચાલે છે એ સાહિત્ય, જે જીવનને સાથે લઈ ચાલે છે તે સાહિત્ય છે. જીવન અને સાહિત્યનો અનુબંધ બહુ દ્રઢ છે. ધરતીમાં બીજ હોય તો જ વૃક્ષ ઊગેને. મૂળ વાત જ એ છે. વાર્તામાં જીવન હોવું જોઈએ. સત્યનું બીજ હોવું જોઈએ. એ સત્યનું બીજ જીવનની ધરતીમાં રોપાયેલું હોવું જોઈએ. પછી એને ખાતર-પાણી-તેજ-જળ-વાયુ મળશે તો સાહિત્યકૃતિનું વૃક્ષ પાંગરશે જ. સાથે એ વાત પણ નોંધવી કે એનાં મૂળ જે ધરતીનાં છે, એ મૂળ પકડી રાખીએ તો કૃતિઓ પણ જીવંત રહેશે. સમયને ઓળંગી જશે. પચાસ-સો વર્ષ જૂની કૃતિઓ પણ આપણને આજે ગમે છે, એ શું કામ? એ આઉડડેટેડ નથી લાગતી, કારણ કે જીવન ક્યારેય આઉટડેટેડ છે જ નહીં. જીવન આઉટડેટેડ કેવી રીતે થાય? એ તો હંમેશાં પ્રસ્તુત જ રહેવાનું, જીવન તો જીવંત જ રહેવાનું છે, માટે એની સાથે જોડાયેલું સાહિત્ય પણ જીવંત રહેશે...


રસિક અને શૈલાની વાર્તા – બકુલ ત્રિપાઠી

રસિકે શૈલાને પૂછ્યું, “તારાં બા-બાપજી ના પાડે તોપણ તું મારી સાથે લગ્ન કરે ખરી?”
શૈલાએ કહ્યું કે, “મારી ના નથી, હમણાં આ વાત કોઈને કરતો નહીં.”
સ્વાભાવિક છે કે રસિકે એના ખાસ મિત્ર મહેશને કહ્યું કે શૈલાનાં બા-બાપુજી મનાઈ કરશે તોપણ શૈલા તો મારી જોડે પરણશે જ. મહેશે પૂછ્યું, “શી ખાતરી?” ત્યારે રસિકે કહ્યું ખુદ શૈલાએ મને કહ્યું છે, પણ આ વાત કોઈને કરતો નહીં, કારણ શૈલાએ મને કહ્યું છે કે આ વાત કોઈને જ હમણાં કરવાની નથી.
મહેશે તો ચિત્રા પાસેથી પહેલેથી જ વચન લઈ લીધું કે હું તને એક વાત કહું પણ એ શરતે કે તું એ કોઈને કહે નહીં. ચિત્રાએ વચન આપ્યું પછી જ મહેશે ચિત્રાને કહ્યું કે શૈલા રસિક જોડે ચોક્કસ પરણવાની છે એવું ખુદ શૈલાએ રસિકને કહ્યું છે પણ વાત હમણાં કોઈને કહેવાની નથી એવું શૈલાએ રસિક પાસેથી વચન લીધું છે એટલે જ હું પણ તારી પાસેથી વચન લઉં છું કે આ વાત તું કોઈને કહેતી નહીં. ચિત્રાએ તે આપ્યું (વચન).
જો કે પછી ચિત્રાએ બીજે દિવસે મહેશને કહ્યું કે પોતે કોઈ પણ વાત પોતાની મધરથી છુપાવતી નથી એટલે શૈલા અને રસિકવાળી વાત પણ એણે પોતાની મધરને(એટલે કે ગિરિજાબહેનને) કરવી પડશે. મહેશે કહ્યું કે એ વાત કોઈનેય નહીં કહેવાનું તેં મને ખાસ વચન આપ્યું છે એનું શું? ત્યારે ચિત્રાએ કહ્યું કે મેં એ વચન આપ્યું છે એ ખરું, પણ મેં એ વચન આપ્યું ત્યારે હું આ વાત તો તદ્દન ભૂલી જ ગયેલી કે મારાં મધરથી કોઈ જ વાત નહીં છુપાવવાનો મારો નિયમ છે. ‘હવે શું કરવું?’ એ સમસ્યા મહેશ અને ચિત્રા આગળ આવીને ઊભી રહી. પણ એનો ઉકેલ છેવટે મહેશે એ રીતે કાઢ્યો કે ચિત્રાએ રસિક અને શૈલાવાળી વાત એનાં (એટલે કે ચિત્રાનાં) મધરને કરવી ખરી, પણ એ વાત મહેશ પાસેથી આવી છે એ એમને કહેવું નહીં. વળી મધર પાસેથી વચન પણ લઈ લેવું કે એ આ વાત કોઈને કહે નહીં.
ચિત્રાનાં મમ્મીએ આ વાત સાંભળ્યા પછી એ ખાનગી રાખવાનો દૃઢ નિશ્ચય કર્યો જ હતો, પણ બન્યું એવું કે એક વાર એ (એટલે કે ચિત્રાનાં મમ્મી ગિરિજાબહેન) અને સુભદ્રાબહેન તથા ચારુલતાબહેન વચ્ચે ચર્ચા ઊપડી કે આજકાલ દીકરીઓ શું કરતી હોય છે તેની માતાઓને પણ ખબર પડતી નથી. આ ચર્ચા ઊપડી ત્યારે ખરેખર આવું નથી અને પોતાને ઘેર તો દીકરી(એટલે કે ચિત્રા) પોતાને (એટલે કે ગિરિજાબહેનને) રજેરજ વાત કરે છે. એના ઉદાહરણ તરીકે ગિરિજાબહેને સુભદ્રાબહેન અને ચારુલતાબહેન આગળ આ વાત કહી-કે શૈલા રસિક પરણવાનાં છે એ તદ્દન ખાનગી વાત મહેશે ચિત્રાને કહી ત્યારે કોઈનેય નહીં કહેવાનું ચિત્રાએ વચન આપેલું છતાં એણે વાત પોતાને (એટલે કે ગિરિજાબહેનને) કહી જ. આ બતાવે છે કે દીકરીઓને એમની માઓમાં વિશ્વાસ હોય છે જ અલબત્ત, માઓએ દીકરીઓમાં સારા સંસ્કાર રેડ્યા હોય તો જ.
આ છેલ્લા વાક્યથી એટલે કે દીકરીઓ માઓનો વિશ્વાસ કરે જ, જો માઓએ દીકરીઓમાં સારા સંસ્કાર રેડ્યા હોય તો, એ વાક્યથી સુભદ્રાબહેન અને ચારુલતાબહેનને એવી ચાટી ગઈ કે ઘેર જઈને ગુસ્સામાં ચંદ્રવદનભાઈ અને રમણિકરાયને (અનુક્રમે) ગિરિજાબહેનના અભિમાનની વાત કરી. અલબત્ત, ગિરિજાબહેનને સુભદ્રાબહેનને અને ચારુલતાબહેનને સૂચના આપેલી કે શૈલા અને રસિકવાળી વાત બહાર જાય નહીં એટલે એ બંનેએ ચંદ્રવદનભાઈ અને રમણિકરાયને પણ (અનુક્રમે) એ સૂચના આપેલી, અને ખરેખર, ચંદ્રવદનભાઈ અને રમણિકરાયે એ વાત ખાનગી રાખી જ.
પણ થયું શું કે ચારુલતાબહેને જ્યારે રમણિકરાયને ગિરિજાબહેનની બડાશની વાત કરી ત્યારે રમણિકરાયે ચારુલતાબહેનને સંભળાવ્યું કે ગિરિજાબહેનનો મુદ્દો ખોટો તો નથી જ અને તેમણે (એટલે કે ચારુલતાબહેને) આપણી દીકરી એટલે કે (રમણિકરાય અને ચારુલતાબહેનની દીકરી) રેખાને એવા સંસ્કાર આપ્યા છે ખરા કે એ કોઈ વાત માતાપિતાથી છુપાવે નહીં જ. એ બાબત રમણિકરાયને શંકા છે. આથી ઉશ્કેરાઈને ચારુલતાબહેને તરત જ રેખાને પૂછ્યું કે એવી કોઈ વાત છે – દાખલા તરીકે શૈલા રસિક જોડે પરણવાની છે એ વાત – કે જે એને (રેખાને) ખબર હોય અને એણે ચારુલતાબહેનને ન કહી હોય. રેખાએ કહ્યું કે ના મમ્મી, મને એવી કોઈ વાતની ખબર નથી જ, પણ શું એ વાત ખરેખર સાચી છે કે શૈલા રસિક જોડે પરણવાની છે? ત્યારે ચારુલતાબહેને કહ્યું કે એ વાત ખરી છે, પણ તું કોઈને કહેતી નહીં.
રેખાએ કોલેજમાં જે જે બહેનપણીને આ વાત કરી એ બધીજને કડક સૂચના આપવામાં આવેલી કે આ વાત તેમણએ કોઈને કહેવી નહીં. અને વનલતા સાંજે ટેલિફોન પર સુનંદાને એ વાત કરતી હતી ત્યારે જયંતીલાલ એ સાંભળી ગયા એ તો અકસ્માતે જ બન્યું. પછી જયંતીલાલે દબડાવી ત્યારે જ વનલતાએ કબૂલ કર્યું કે શૈલા રસિક જોડે પરણવાની છે એ વાત ખાનગી હોવાથી જ એણે ઘરમાં કોઈને કહી નહોતી, માત્ર સુનંદાને જ ટેલિફોન પર એણે વાત કરેલી, કારણ એને એમ કે કદાચ સુનંદાને એ વાત ખબર હશે.
જયંતીલાલ એ શૈલાના પિતાના (એટલે કે વિનોદરાયના) મિત્ર હોવાથી અને શૈલા એમને (જયંતીલાલને) કાકા કહેતી હોવાથી ભત્રીજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને એમણે વિનોદરાયને કહ્યું કે શૈલા રસિકને પરણવાની છે એવી વાત આવી છે, પણ આ વાત એમણે શૈલાને કરવી નહીં એવું જયંતીલાલે વચન લીધું અને ઉમેર્યું કે શૈલા જાણશે કે જયંતીકાકા પાસેથી આ વાત વિનોદરાય પાસે આવી છે, તો શૈલા એમને (એટલે કે જયંતીકાકાને) કદી માફ નહીં કરે. વિનોદરાયે કહ્યું કે પોતે જયંતીલાલનું દ્રષ્ટિબિંદુ સમજે છે.
હવે કે, સુજ્ઞ વાચકો, મારે તમને ત્રણ જ પ્રશ્નો પૂછવાના છેઃ (એક) વિનોદરાયે હવે શું કરવું? એમણે શૈલા જોડે ખુલાસો કરી નાખવો કે પછી વચનપાલક બની મૌન રહેવું? (બે) વનલતાબહેન મારફત શૈલાની મા યમુનાબહેન સુધી પણ આ વાત આવી છે, પણ વનલતાબહેને વચન લીધું છે કે યમુનાબહેને વિનોદરાયને કે શૈલાને આ વાત નહીં કરવી. આ સંજોગોમાં યમુનાબહેને શું કરવું? (ત્રણ) સુનંદા મારફત શૈલાને ખબર મળી ગયા છે કે વિનોદરાય તથા યમુનાબહેન સુધી આ વાત પહોંચી ગઈ છે પણ શૈલાને આ માહિતી આપનાર સુનંદાએ પ્રોમીસ લીધું છે કે શૈલાનાં ફાધર-મધર આ વાત જાણે છે એ વાત તો જાણે શૈલા જાણતી જ નથી, એમ એણે વર્તવું ! કારણ, નહીં તો વચ્ચે સુનંદાનું અને વનલતાબહેનનું નાહક નામ આવે અને એમની ફ્રેન્ડશીપ બગડે ! આ સંજોગોમાં શૈલાએ હવે શું કરવું?
પ્રિય વાચકો,
આ ત્રણ પ્રશ્નો વિષે ચિંતન કરતાં કરતાં આપના જીવનના દિવસો, માસો અને વર્ષો સુખમય વીતે એ જ શુભેચ્છા ! દરમ્યાનમાં કદાચેય ઉત્તર સૂઝે તો અમને અવશ્ય લખશો. અમે આભારી થઈશું- ઉત્તર ખાનગી રાખવાનો હોય તો અમને ખાસ જણાવશોજી.

(‘હાસ્યાયન’ પુસ્તકમાંથી.)