-અને શરૂઆત !

ગુજરાતીને નજીકથી મળતી આવે એવી ભાષા સૌથી પહેલા ‘સિદ્ધહૈમ’ ગ્રંથમાં જોવા મળી છે, પ્રાકૃત વ્યાકરણનો આ ગ્રંથ સર્જનારા હેમચંદ્રાચાર્ય (ઈ.સ. 1089થી 1173) ગુજરાતીના સૌથી પહેલા (નોંધાયેલા) ‘લખનારા’ કહેવાયા છે. ભાષાકૂળ પ્રમાણે વૈદિક-શિષ્ટ સંસ્કૃતમાંથી શૌરસેની પ્રાકૃત, પ્રાકૃતમાંથી ગૌર્જર અપભ્રંશ અને અપભ્રંશમાંથી જૂની ગુજરાતીનો જન્મ થયો છે એ હકીકત પ્રચલિત તેમ જ સ્વીકૃત છે. જૂની ગુજરાતીની સૌથી પહેલી કાવ્યરચના(શાલિભદ્રસૂરિકૃત ભરતેસરબાહુબલિ) ઈસવી સનની 12મી સદીમાં અને સૌથી પહેલું ગદ્ય (સંગ્રામસિંહકૃત બાલશિક્ષા) 13મી સદીમાં મળે છે. પછી 14મી સદીમાં ભવાઈઓનો પ્રણેતા અસાઈત ને 15મી સદીની શરૂઆતમાં નરસિંહ આવે છે. જોકે શાલિભદ્રસૂરિ, વિનયસુંદર, જિનપદ્મસૂરિ જેવા અનેક જૈનકવિઓ દ્વારા ધર્મોપદેશની કૃતિઓ તેમ જ રાસો ને ફાગુકાવ્યો આ કાળખંડ(12મીથી 15મી સદી)નો સૌથી મુખ્ય સાહિત્યફાલ છે. આ પહેલાં, 14મી સદીમાં ‘તર-ગાળા’ પરંપરાના પિતા અસાઈત ઠાકરે વેશો લખી-ભજવીને નવો ચીલો ચાતર્યો એ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે.


15મી સદીના આરંભમાં નરસિંહ મહેતાના આગમન સાથે આપણા સાહિત્યના ઉદયની હકીકત સર્વસ્વીકૃત છે. ગુજરાતીના આદ્યકવિ તરીકે સમ્માનિત નરિસંહની કૃતિઓ આજ દિન સુધી (પુસ્તકોનાં પૃષ્ઠે તો ઠીક પણ) લોકજીભે પણ જીવંત છે એ કોઈ પણ ભાષાના સાહિત્યિક ઈતિહાસ માટે અદ્વિતીય ઘટના ગણાય. મધ્યકાળના અન્ય કવિઓની જેમ નરસિંહના જન્મમૃત્યુનો સમય નિશ્ચિત કરવો મૂશ્કેલ છે, પણ વિવિધ ઐતિહાસિક આધારો પર ઉમાશંકરે આંકેલી ઈ. સ. 1414થી 1480ની નરસિંહની જીવનઅવધિ સૌથી વધારે શ્રદ્ધેય ગણાઈ છે. નરસિંહે હજાર જેટલાં પદો રચ્યાંનું કહેવાય છે, તેમાંથી અડધા કરતાં પણ ઓછો ફાલ ગ્રંથિત છે. કવિ તરીકે નરસિંહ કોણ છે એની ચિંતા કર્યા વગર સદીઓથી ગુર્જરભૂમિના લોકોએ કૃષ્ણભક્ત નરસિંહને એમની છાતીમાં જીવતો રાખ્યો છે એ વાત વધારે મહત્વની છે.
ભાવનગરના તળાજામાં જન્મેલા નરસિંહે જ્યારે જૂનાગઢની આસપાસ ભજનો આરંભ્યા ત્યારે પાટણ નજીક ભાલણ ‘ગુજર ભાખા’ને એના પદો-આખ્યાનો દ્વારા પોંખી રહ્યો હશે, તો ઝાલોરમાં રાજા અખેરાજ ચૌહાણનો રાજકવિ પદ્મનાભ કૃષ્ણદેવ પ્રબંધ(1456) રચી રહ્યો હશે.
એ પછી 15મી સદીના અંતે, નરસિંહના ઉતરાર્ધમાં, મીરાંનો આવિર્ભાવ મહત્વનો છે.
કંઠોપકંઠ પરંપરાના સાહિત્યક યુગમાં છૂટક ગદ્યો સિવાય, અગિયારમીથી ઓગણીસમી સદીના મધ્ય સુધી સાહિત્યનું મુખ્ય માધ્યમ, સ્વાભાવિક રીતે જ, પદ્ય રહ્યું. પ્રિન્ટિંગ પ્રેસનું આગમન ને છપાયેલા શબ્દો દ્વારા લોકો સુધી પહોંચવાનો દૌર પણ 19મી સદીના મધ્યથી, મશીનરી આવ્યા પછી શરૂ થયો. આ સમય આવ્યો એ પહેલાં, નરસિંહએ શરૂ કરી આપેલી કાવ્ય-પદ-પરંપરાને મીરાંની કૃષ્ણપ્રીતિનો સ્પર્શ મળ્યો. 16મી સદીથી આખા ઉપખંડમાં ભક્તિ આંદોલને જોર પકડ્યું, જેના પરિણામે મધ્ય-પૂર્વ ભારતમાં, દક્ષિણ ભારતમાં, સંતકવિઓનો દૌર ચાલ્યો. ગુજરાત પણ તેમાંથી બાકાત નથી રહ્યું. એ દરમિયાન નાકર, માંડણ, વિષ્ણુદાસ જેવા કવિઓએ લોકોમાં સાહિત્ય જીવંત રાખ્યું, 16મી સદીના અંતમાં ગુર્જરભૂમિ પર બીજો મોટો વિસ્ફોટ અક્ષયદાસ-અખાના નામે થયો. અખાના છપ્પાઓ મધ્યકાળના પદ્યદરિયામાંથી સોનામહોરની જેમ ગુજરાતી સાહિત્યમાં તરી આવ્યા છે. 17મી સદીમાં પ્રેમાનંદ અને 18મી સદીમાં શામળની સર્જનશક્તિ સાથે ગુજરાતી સાહિત્ય પણ નવી ટોચ પર પહોંચ્યું. પ્રેમાનંદે આખ્યાનો દ્વારા ને શામળે પદ્યવાર્તાઓ દ્વારા હજારો ગુર્જરવાસીઓને દાયકાઓ સુધી રંજન પૂરું પાડ્યું એમાં કોઈ બેમત નથી. એ કૃત્તિઓની સાહિત્યિક ઊંચાઈ ને વિશિષ્ટતાઓ પણ આજ સુધી ચર્ચાતી-અભ્યાસમાં લેવાતી આવે એવી અજોડ રહી છે. દરમિયાન અનેક નાનામોટા કવિઓએ પણ દેખા દીધી. એ પછી દયારામની ગરબીઓમાં ભાષા, ભાવ, અભિવ્યક્તિનો નવો ને તાજો જ ઉન્માદ મળ્યો. પ્રીતમ, રત્નો, ધીરો ભગત જેવા કવિઓએ 18મી સદીમાં ગુજરાતી સાહિત્યને જીવંત રાખ્યું ને દયારામના અંત(1852) સાથે ગુજરાતી મધ્યકાળનો અંત પણ સર્વસ્વીકૃત રીતે ગણાયો છે.
આમ 14મી સદીમાં અસાઈતથી ઈ.સ. 1852માં દયારામના મૃત્યુ સુધી ગૂર્જરભૂમિ પર આશરે 200 જેટલા નાનામોટા કવિઓ-સર્જકો થઈ ગયા છે. જૈનધર્મની ઉપદેશગાથાઓ લખનારા કવિઓની યાદી તો લાંબી છે, ઉપરાંત સ્ત્રીકવિઓ, પારસી કવિઓ, સત્સંગી કવિઓ, ઈસ્લામી કૃષ્ણભક્ત કવિઓ અને ધર્મપ્રચારાર્થે ગુજરાતીમાં કાવ્યો લખનારા ખ્રિસ્તી ફાધર-કવિઓ પણ નોંધપાત્ર છે. આજે પણ અભ્યાસેચ્છુ સાહિત્યાર્થીઓ માટે મધ્યકાળનો વિશાળ હસ્તપ્રત-સંગ્રહ ગુજરાતનાં અનેક ભંડારો-પુસ્તકાલયોમાં સચવાયેલો છે. જે તરફ સંશોધકોની યુવા પેઢી આકર્ષાય તો કદાચ ગુજરાતીને પ્રેમાનંદ, અખા કે શામળના નવીન અવતારો પણ મળી આવવાની શક્યતા છે !

♠♠♠