રમણની નોકરી છૂટી, અને પરાનું નાનકડું છતાં સુઘડ અને સુંદર રહેઠાણ છોડીને પોળમાં સસ્તા ભાડાનું મકાન શોધવાનો વારો આવ્યો, ત્યારે રમણની ઘણીયે ના છતાં દક્ષાએ, બે દાદરા ચડીને પાણી ભરવું પડે એવું હોવા છતાંય, ત્રીજા માળની બે ઓરડી જ પસંદ કરી. રમણને લાગ્યું કે દક્ષા નાહકનો મહિને ત્રણ રૂપિયાનો લોભ કરી રહી છે. આ આખો દહાડો ડોલેડોલે કરીને પાણી ચડાવી ચડાવીને માંદી પડશે ત્યારે એવા ત્રણ રૂપિયા સો ગણા થઈને દાક્તરના ખિસ્સામાં જશે, એટલે એણે દક્ષાને સમજાવવાનો યત્ન કર્યો:

‘એ પાણી ભરીભરીને નળા ભરાઈ જશે પેટના, હેરાન થઈશ, થઈશું, બધાય તે. એના કરતાં આ નીચેનું શું ખોટું છે? આવ્યું ગયું પણ ખંટાશે!’

ઘરધણિયાણી આગળ થતી આ વાતમાં એ બાઈએ પણ ઝુકાવ્યું. આવી રીતે વાત કરતાં પતિ-પત્નીને એ શુંય માની બેઠીઃ ‘તે તમે દક્ષાબહેન પાસે પાણી ભરાવશો?’

પતિ-પત્નીએ એકમેકના સામે જોયું અને એમનાથી મલકી જવાયું.

‘કોણ કોને પાણી ભરાવે છે એની વાત તો ક્યાં કરવા જશે?’ રમણથી કશા પણ ઉદ્દેશ વગર બોલી જવાયું.

‘ત્યારે શું? આ બાઈ છે તેને પાણીવાસણ કરવા રાખી લ્યોને!’ દુનિયાદારીની રીતે ઘરધણિયાણીએ વધુમાં ઉમેર્યું.

રમણનું કાંઈ ન ચાલ્યું. બાનું આપીને ત્રીજા માળની બે ઓરડીનું નક્કી કરી પતિ-પત્ની પુરાણા ઘર ભણી ચાલ્યાં. રસ્તામાં રમણે દક્ષાને સમજાવવાનો યત્ન ચાલુ રાખ્યો.

‘કેવા સીધા દાદરા છે! પગથિયું ચૂક્યા તો સીધા મ્યુનિસિપાલિટીની સડક પર અને એમાંય બોજ લઈને ચડવું-ઉતરવું! પગથિયું ભીનું થયું એટલે તો પાકું જોખમ. અને એ તો વિચાર કર કે દા’ડામાં કેટલી ચડઊતર! ગણાવું?’

રમણ બોલતો હતો, દક્ષા સાંભળતી હતી, પણ ન બોલ્યાની કશી ખાસ અસર થતી હોય એવું લાગતું જ ન હતું. ઊલટું, એ તો રમણ એક દલીલ આગળ કરે ત્યારે મલકે અને બીજી દલીલ આગળ કરે ત્યારેય મલકે.

દક્ષાને મીઠું મલકતી જોઈ બીજો કોઈ સમય હોત તો રમણ પણ આનંદમાં આવી ગયો હોત, પણ આજે પોતે બોલ્યા કરતો હતો અને કશોય જવાબ દીધા વિના દક્ષા માત્ર મલકતી હતી, એથી એને થોડો રોષ ચડ્યો.

‘જો તું ખાલી ગધ્ધામજૂરી કરવાનું માથે લે છે. મને વાંધો નથી. પણ આપણાથી નાહક ઊઠબેઠ નહિ થાય.’

ઘરકામ કરવા નોકર કે છૂટક બાઈ રાખી શકાય એમ નથી એ વાત બન્ને જાણતાં હતાં. રમણને ઓછું આવતાં વાર લાગતી નથી અને એમાંથી એ રોષે ભરાય છે એ વાત દક્ષા સારી પેઠે જાણતી હતી, તો એક વાર પોતે અમુક રીતે મનમાં ધાર્યું હોય તો દક્ષા એ વાત મૂકી દેતી નથી એ રમણ પણ પૂરી રીતે જાણતો હતો.

રમણ બોલ્યો, ‘બસ હવે જક પકડી છે તો પૂરું થયું કામકાજ.’ પોતાને જ ડંખ મારતો હોય એમ રમણ બોલ્યો. એના ચહેરા પર ખીજ અને ખેદ બન્ને જાણે સાથે આવીને બેઠાં હોય એમ લાગતું હતું.

નોકરી ગઈ હતી. નવી નોકરી મળવાની આશા પૂરેપૂરી હતી. છતાંય પાછલી નોકરી જેવું વળતર રહે એવી આશા ન હતી. અને પાછું પૂરી આશા છતાંયે એ આશા ક્યારેય પૂરી થાય એ પણ એક સવાલ હતો, એટલે એ ચિંતા હતી ત્યાં દક્ષા નવી ઉપાધિને નોતરું આપી બેસે એ ઠીક લાગે?

આછું મલકતી દક્ષા રમણના રોષ ભરેલા અને સાથે રંજ પ્રગટ કરતા ચહેરા તરફ જોઈ રહી. એક નાનકડો નિઃશ્વાસ એના મોંમાંથી નીકળી પડ્યો. રમણનું ધ્યાન એના તરફ ન હતું.

‘જાણો છો?’

રમણે એના સામે જોયું.

‘ત્રીજો માળ કેમ પસંદ કર્યો એનું કારણ જાણો છો?’ રમણના ચહેરા પરથી નજર ઉઠાવીને દક્ષા હવે પડખેથી જતી ઘોડાગાડીને જોઈ રહી.

‘હા. સ્વાશ્રયનો મહિમા વધારવો છે, જામેલી ચરબી ઉતારવી છે, કોક દાક્તરનું પૂર્વજન્મનું લેણું વસૂલ આપવું છે.’ રમણ એની રોષભરી રીતે બોલી ગયો.

દક્ષાના મલકતા ચહેરા પર રંજની આછી વાદળી આવી લાગી.

‘અને… અને નજર નાખીને જોવા આકાશ જોઈએ છે.’

રમણ ચાલતાચાલતા થંભી ગયો. દક્ષાના ચહેરા ઉપર એણે જોયું, ટીકીટીકીને જોયું, એ તો આગળ દોડતી પેલી ગાડીને હળવું ફૂલ હોય એમ ઉછાળીઉછાળીને દોડી જતાં પૈડાંની ઘોડાની નાળ આસ્ફાલ્ટ પર પછડાતાં વીજળીના જે ચમકાર કરતી તેને જોઈ રહી હતી.

નીચલા હોઠના છેડાને ઉપલા બે દાંત નીચે દબાવી રમણ બોલ્યો,

‘પાગલ!’

વીજળીના ચમકાર પરથી નજર ઉઠાવી દક્ષાએ રમણના ચહેરે જોયું, એને પોતાના ઉપર ખીજ ચડી હોય ત્યારે એ હોઠ કરડતો એની દક્ષાને ખબર હતી, છતાં એની સાથેસાથે દક્ષા સમજાવી ન શકે, પરંતુ જાતે સમજીને રાજીરાજી થઈ જાય એની કશી અનોખી પ્રસન્નતાની દીપ્તિ પણ રમણના ચહેરે આવીને બેઠી હતી.

‘પાગલ તો ખરાં જ ને?’ દક્ષા વાત ડાહ્યાની રીતે બોલી. અનુનાસિક આસપાસ દક્ષાના અવાજે દોરેલી રંગોળી રમણના બહાર ન ગઈ.

‘ખરાં સ્તો!’ રમણ પોતે પણ પાછો શું કામ રહી જાય?

બન્ને, પળભર તો, મંદિરની નમેલી કમાન પર બેઠાંબેઠાં ગરદન ફૂલાવતાં, હુંકાર કરતાં, ગિરેદાર કબૂતર જેવાં બની ગયાં, ઘંટડી વગરની સાઈકલ ચલાવતા સવારે ‘બાજુ’ ‘બાજુ’ કહી એમને પૃથ્વી પર આણ્યાં.

‘પાગલ ખરા સ્તો.’ રમણ ફરીથી બોલ્યો. આ માત્ર આત્મસંતોષાર્થે હતું કે દક્ષાના કાન અને સૂઝ માટે હતું એની એને પણ ખબર ન હતી. ‘દુનિયા આપણને પાગલ જ કહે. એક ચાર તસુનો આકાશનો રેજો જોવા… પણ એ તો હું નદીકિનારે જઈને પણ જોઈ આવીશ… અને એ પણ ન જોયું તો શું થઈ ગયું? એટલા માટે…’

રમણ પાછો પેલી જાતને ડામવાની રગમાં આવી ગયો છે એની દક્ષાને ખાતરી થઈ, એટલે એણે વાત બદલવાનો યત્ન કર્યો, અને ઘેર પહોંચ્યા ત્યાં લગી દક્ષાએ ફરી વાર એને એ વિશે વાત કરવા જ ન દીધી.

લગ્ન પહેલાંય દક્ષાને રમણ વિશે જે સાંભળવા મળ્યું હતું તેમાં આ વાત તો હતી જ. કોણ જાણે ક્યાંથી પણ રમણ સંસ્કાર લઈને આવ્યો હતો. જ્યાં જરા ફૂરસદ મળી એટલે આકાશ સામું જોઈ રહેતો. ધોળા રૂના પોલ જેવાં વાદળાં હોય કે આકાશ ભોળા બાળકના દિલ જેવું નિરભ્ર હોય, કે પછી કુદરતે પૂરી કૃપા ન કરીને ન પૂરાં પાણીથી ભર્યાં હોય કે ન પૂરી ધૂળની ડમરીએ છવાવા દીધાં હોય તેવાં ગંદાગોબરાં લાગતાં વાદળાં દોટાદોટ કરતાં હોય, રમણ વિસ્મય પામતો, આનંદ પામતો એને જોઈ રહેતો. ‘જોડકણાં જોડશે આ છોકરો’ અનુભવી વૃદ્ધોએ રમણના ભાવી ઉદ્યમ વિશે આગાહી પણ કરી હતી.

પણ આકાશ સામે જોઈ રહેતો રમણ કશીય આકાશી વૃત્તિને આશરે ન ગયો. ઠીકઠીક ભણ્યો અને દુનિયાદારીનું મળ્યું તેટલું જ્ઞાન લઈ એ નોકરીએ વળગ્યો. એને પહોળી ગાદી પર ઊંચા તકિયાને ટેકે શેઠાઈ કરવાનાં સપનાં આવતાં ન હતાં. પારકાની મોટરમાં બેસવાનું માન પણ એણે માણ્યું ન હતું. પૂછીપૂછીને આપ ઉકલતે જે ચાર તારાનાં નામ એ જાણતો થયો તેને ઊંઘમાંય જોઈ રહેવાનાં જ જાણે એને સોણલાં આવતાં. ગામડાગામમાં તો આ શોખ પૂરી રીતે સંતોષાતો, પણ શહેરમાં નોકરી મળ્યા પછી એણે આટલું મનમાન્યું કરવા છેક પરામાં ઓરડી ભાડે લીધેલી. ઓસરીમાં પડ્યાપડ્યાય તારાની લીલાને, આ અંધારી દુનિયાનો તાગ પામવા, આદર અને હેરત સાથે એ જોઈ રહેતો, નોકરીમાં થોડી બઢતી મળી અને દક્ષા અહીં આવી ત્યારે એણે મકાન બદલ્યું તો ત્યારે પણ આ સગવડ તો પહેલી જોયેલી.

નોકરી ગઈ, બેકાર બન્યો, અને એ બેકારીનો કાળ કેટલો ચાલશે એની કશી કલ્પના પણ થઈ શકે એમ ન હતું. થોડીઘણી જે બચત થઈ હતી તેમાંથી જ એ કપરો કાળ કાપવાનો હતો, એટલે પેલું બંગલી જેવું મકાન તો છોડવું જ પડે એમ હતું. ક્યાંય રસ્તામાં સમાઈ જઈ દહાડા ટૂંકા કરવાના હતા. મનમાં એમ જરૂર હતું કે નોકરીએ લાગી જઈશ, પછી આવા મકાનમાં રહેવાનું નહિ રાખીએ.

કશું બદલાશે અને જે બદલાશે તે સારા માટે જ બદલાશે એવી કરોડોના દિલમાં સળવળ્યા કરતી ખાએશ એના મનમાં પણ હતી.

દક્ષા કશુંય બોલ્યા વિના આ બધું જોતી. કોકવાર એને આવા ટાઢા, અબોલકા અને તરંગી પતિ પર રોષ ચડતો, પણ એને નિજાનંદમાં આકાશ સામું ટીકી રહેતો જોવો એ પણ એક કેટલો મોટો લ્હાવો હતો! એ કેટલું નિર્દોષ, કેટલું ભવ્ય, કેટલું મન ભરી દેતું લાગતું! કોઈની નિંદા કે તથા ન હતી, કોઈની નાકલીટી ખેંચવાની ઓશિયાળી ન હતી. ઊણા પેટે સૂવામાં કશી હરકત ન હતી, પણ ઊણા મને સૂનારાં ન હોવાનો સંતોષ કમ ન હતો. અને એટલે જ દક્ષાએ ચાર આંગળનું આભલું જોઈ શકાય એવો ત્રીજો માળ પસંદ કર્યો.

નોકરીએથી આવીને રમણ હાથપગ ધોતો. પેલા લગભગ સીધા દાદરના પગથિયેપગથિયે ડોલ મૂકતી, શ્વાસ ખાતી, ઉપર ચડતી, દક્ષાનું ન જોયેલું તોય આમ સાદ્રશ થતું ચિત્ર રમણની નજર આગળ આવતું અને એ ચિત્ર એના ચિત્તને કોરતું. પાણી ભરેલો લોટો હાથમાં જ રહી જતો અને આ નાનકડી ચોકડીમાં પાણી ભરેલી ડોલ મૂક્યા બાદ દક્ષાએ કાં તો ભીંતે ટેકો દીધો હશે કે પાળ ઝાલી હશે એવી કલ્પનાએ એનું મન ચડતું. લોટાનું પાણી પાછું ડોલમાં રેડી દઈ રમણ માત્ર રૂમાલથી કોરુંકોરું લોહી લેતો.

દક્ષા જેટલી રાજી થતી તેટલી જ નારાજ થતી, ખિજાતી પણ ખરી, ક્યારેક બોલતી:

‘એમ કાંઈ તમને મૂકીને મરી નથી જવાની.’

રમણ થોડું મલકતો અને ફરી બન્ને જણ વાતને મનના અતલ ઊંડાણમાં ભંડારી દેતાં.

મનમાની નહિ તોય નોકરી તો મળી જ ગઈ. ઝાઝી મહેનતની ભલે રહી. જ્યાં જઈએ અને નોકરી કરીએ ત્યાં હાડકાં તો વાળવાનાં જ હોય છે. વળતર જરા ઓછું તોય સ્વમાન સારી પેઠે જળવાય એવું, પણ પેલી બંગલીમાં પાછા જવાય એવું તો ન જ બન્યું. કોઈ બોલતું નહિ, તોય બન્નેનાં મનમાં એનો વસવસો તો હતો જ, પણ એ વસવસો કરતાંય વધું ગજું કાઢીને તો વસતી હતી પેલી ‘કશું બદલાશે’ની લાગણી.

બેચાર દિવસ બાદ રમણને નવો તુક્કો સૂઝ્યો. એક ડોલ ને પવાલું એણે નીચે ચકલી પાસે જ મૂકી રાખ્યાં અને આવ્યો તેવો ટુવાલ લઈ એ નીચે જ ગયો. બીજે દિવસે સવારે નળ નીચે ડોલ કે પવાલું બેમાંથી કશું ન હતું એવી ખબર પડી ત્યારે દક્ષા નુકસાન છતાંય હસી પડી.

રમણને ભોઠાં પડવા જેવું તો લાગ્યું, પણ દુનિયાને સરળ અને ભલી માનવાની બેવકૂફી પર એનાથી પણ મલકી પડ્યા વિના ન રહેવાયું.

એ રાતે રમણે દક્ષાને હમણાંહમણાં માથે આવીને પ્રકાશતો ગુરુ બતાવ્યો. પોતાના ગામમાં ગાંજો પી મસ્ત બનેલી બાવાની આંખ આ મંગળ જેટલી લાલ લાગતી હતી એની વાત પણ એણે કહી. એક પણ વાદળી આકાશમાં ન હતી. ગામની સુધરાઈના દીવા, મિલનાં ભૂંગળાં પર ઝગમગતી નિયોન લાઈટ્સ, સિનેમાઘરોની ઝળકજ્યોત-સહુના પ્રકાશ-અંધકારનું મિલન પડખેના છાપરાની ધારે દેખાતી ક્ષિતિજને આછા લાલ રંગે રંગતાં હતાં. ઘણી વાર તો રમવા નીકળેલા તારા એમાં ખોવાઈ જતા અને રમણને ખેદ સાથે પોતાની સાથે કામ કરનારે કહેલી વાત યાદ આવી જતી. ઘણી નોકરીઓ કરી હતી એણે, ઘણી ગોળીનાં પાણી પીધાં હતાં એણે. એમાંના એક શેઠે એક વાર નક્કી કરેલા જંતર પર નક્કી કરેલો માનવી ન દેખાયો ત્યારે ભારે રોષ કરેલો, રમણનેય પોતે નહિ, પણ પોતાનેય અમુક જંતરે જડનાર મોટાનાય મોટા માલિકે નિયત કરેલા સ્થાને પેલો તારો ન દેખાય ત્યારે રોષ ચડેલો.

દિવસ અને રાત જતાં હતાં. દિવસભરના શોકસંતાપ દક્ષા મનમાં સમાવતી હતી, તો કોકની નજર, કોકનો સખૂન, કોકના ઈશારા-સહુની નુકતેચીની પેલા બે વેંતના આકાશના રેજા પાસે મૂંગેમૂંગા કરવાની રમણની આદત હતી

ત્યાં એક દિવસ રમણે પડખેના છાપરા પર બે ઊભા વાંસ દીઠા, કાળા તારનો ટુકડો બે વાંસની ટોચ વચ્ચે બંધાયેલો ઝૂલતો હતો. પાડોશીએ રેડિયો લીધો હશે તેનું ઍરિયલ બાંધ્યું હતું. ક્યાંય લગી આકાશની ખુલ્લી છાતી પર ભાલા મારતા હોય તેવા આ બે વાંસને અને એ બે વાંસ વચ્ચે ઝૂલતા કાળા તારને એ જોઈ રહ્યો. ન સમજાયું મનમાં શેની ગ્લાનિ હતી, ન કળાયું શેની બેચેની પરેશાન કરતી હતી, પણ ન કળાય તેવી વેદના એને આકુળવ્યાકુળ કરી રહી હતી.

દક્ષાએ રમણનું મોં જોયું ત્યારથી જ એને સમજાઈ ગયું. પોતાને પણ ન સમજાય તેવી મૂંઝવણ થતી, પણ રમણને, બને તો મલકાવવા જ એ બોલીઃ

‘લ્યો, હવે તો ભજન અને ગીત પણ સાંભળવા મળશે.’

રમણ ન બોલ્યો, ન હસ્યો, અને આગળ બોલવાની દક્ષાએ હિંમત ન કરી.

આખી શેરીએ માથું દુખે, શરીર તૂટે, કમ્મર ફાટે તો કઈ દવા લેવી એ સાંભળ્યું, દાંત સફેદ, મજબૂત અને સુંદર કરવા માટેના પાંચપંદર ઈલાજ સાંભળ્યા, બલગમ અને બુખારના નાશ માટેની દવા સાંભળી. કઈ ચા પીવી અને ખોયેલી, ખૂટેલી ખેચેંલી શક્તિ પાછી મેળવવા આવતા પંદર દિવસમાં ક્યાક્યા ગામે, ક્યેક્યે સ્થળે કોને મળવું એ પણ સાંભળ્યું.

સહુ સાથે રમણે પણ સાંભળ્યું. જે જગાએ બેસીને રાતે એ સુખ અને સંતાપનું સરવૈયું તારાને સાદર ભેટ ધરતો તે જ જગાએ બેસીને એણે એ સાંભળ્યું. શબ્દો પકડવાનું કામ તો સાચે જ અઘરું હતું, પણ એનો સવાલ ક્યાં હતો?

બેને દિલ ચાહે એટલો અવાજ કરવાની છૂટ હતી. કોક એને મીઠો કહે અને કોક ભલેને એને કર્કશ કહે, પણ રમણ તો પેલા આકાશના હૈયા પર ચોવીસે કલાક ઉગામેલા ભાલા જેવા એરિયલના બે વાંસને જ જોતો રહ્યો હતો, આ વાંસ એના મનમાં ખીજ અને બેચેની પેદા કરતા હતા.

મનમાં કશો ખ્યાલ આવ્યો અને રમણ ઊભો થઈ ઓરડામાં ગયો. નાખી નજરે જોવા વિના પણ દક્ષા એની એકએક હલચલને માપતી હતી. એક પણ શબ્દ બોલ્યા વિના એણે રમણ સામે જોયું.

‘મને થાય છે, આ જોડેવાળા ભાઈને કહી જોઉં, વાંસડા હટાવી લ્યે તો…’

રમણને પોતાને જ આ કામ કડવું લાગતું હતું. કોઈનેય કેમ કહેવાય? અને કહ્યું તોય ન માન્યું તો?

દક્ષા એના શબ્દો પરથી જ એનો વસવસો કળી ગઈ. રમણને વારવા એક જ શસ્ત્ર એ જાણતી હતી. એ મલકી.

રમણે એ મલકાટ જોયો. પળભર એ થંભી ગયો. કશુંય સારું કામ કરતાં વારવાની આને કેવી ખરાબ આદત પડી છે? રોષથી એની પાંપણ વિશેષ લચી, પણ એને શું બોલવું એ સમજાયું નહિ, તેમ જ એનો પગ પણ ત્યાંથી ઉપડ્યો જ નહિ.

મીઠું મલકતાં દક્ષા બોલીઃ ‘એ કાંઈ આપણું આભલું છે?’

રમણનાં ભવાં ઊંચાં ચડી ગયાં. આ શું બોલતી હતી દક્ષા?

આકાશ-જેનો ક્યાંય અંત નથી, અવધિ નથી, તે આપણું? મારું? હરકોઈનું?

પણ એ કોઈનું હોય કે ન હોય, પણ એને કદરૂપું કરવાનો કોઈને હકક છે ખરો?

‘મેં ક્યાં કહ્યું કે આભલું મારું છે? પણ આ તો આકાશમાં ઉકરડો કરે છે!’ રમણ બોલ્યો, બોલી ગયો. એને પોતાને પણ પોતે કઈ રીતે બોલી ગયો એ સમજાયું નહિ.

દક્ષા હસી પડી.

‘આકાશમાં ઉકરડો કરશે તો એના ઉપર જ પડશેને?’

આ દક્ષા કોણ જાણે ક્યાંથી આટલી ચતુર અને વહેવારિયણ થઈ આવી છે! પોતાને આવું કેમ ન સૂઝ્યું? રમણ આ વિચારે ચડ્યો અને પેલા ભાઈ પાસે જઈને કહેવાનો એનો ઉત્સાહ ઓસરી ગયો.

રમણ કશું ન બોલ્યો, પણ જ્યારે બે પગ દઈ એ ત્યાંથી નીકળતો ત્યારે પેલા બે વાંસના છેડા જાણે એને પાંસળીમાં ગોદા મારતા હોય એવું લાગતું. આકાશમાં અહર્નિશ ખેલાતી તારાની અનંત લીલાને આંખ ભરીને એ જોવા બેસતો ત્યારે પેલા બે વાંસના છેડા બરછીની અણીની જેમ આંખોમાં ભોંકાતા હોય એવું લાગતું અને યત્નપૂર્વક રમણ એ ક્ષિતિજને છોડીને આ ક્ષિતિજ તરફ મીટ માંડતો.

રમણ એ વિશે વાત કાઢતો ન હતો. દક્ષા એને મનમાં મૂંઝાતો દેખી દુઃખી થતી, પણ વખત જતાં બધું રાગે પડશે એ વિશ્વાસે મૂંગી રહેતી.

પણ એ દિવસ સવારે દક્ષાથી ચૂપ ન જ રહેવાયું.

‘આમ આવો તો’ દક્ષાએ પેલી બે માળની અગાશીમાંથી ઘાંટો પાડ્યો. રમણને એની આખીયે જિંદગીમાં આવી રીતનું સંબોધન સાંભળવાનો આ પહેલો જ પ્રસંગ હતો, ‘શું હશે?’ અજંપાભરી ઉત્કંઠા અનુભવતો એ બહાર આવ્યો અને દક્ષાએ પોતે જોયેલું જોવા રમણને સૂચવ્યું.

પેલા બે વાંસ ઉપર પોપટ બેઠા હતા.

રમણે જોયું સૂડા ન હતા, કાળા કાંઠલાવાળા અને પાંખ પર ગુલાબી લસરકાવાળા પોપટ હતા. આકાશની છાતી પર ઉગામેલા ભાલા જેવા ઍરિયલના પેલા બે વાંસ પર પોપટ બેઠા હતા.

રમણ જોઈ રહ્યોઃ એટલો જ મૂંગો.

મૂંગીમૂંગી મલકતી દક્ષા ઓરડામાં ગઈ,

પણ ત્યારબાદ રમણે કદી એ વાત ઉપાડી નથી.

(‘જયંતિ દલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી)

[download id=”329″] [download id=”382″]