રોજ રાતે ખાવાપીવાનું પતાવી પહેલાં તો હાથહાથ કરીને અમે વાસણો સાફ કરી નાખતા અને પછી ઓરડીમાં આજે કેટલા સૂનારા છીએ એની ગણતરી કરવા મંડી જતા. રાંધતી વખતે એવી ગણતરીની જરૂર રહેતી નહિ, કારણ કે આ સદીમાં પણ અમારી તપેલી અક્ષયપાત્ર હોવાનો દાવો કરી શકતી. ત્રણ ભાઈઓને માટે રાતે એટલી ખીચડી બસ થતી. હું તો નવો જ આવેલો, અને ભાઈઓ કહેતા કે એ બે જણા પણ ભરીને જ ખીચડી ઓરતા. પરમ દિવસે મળવા આવેલા એક મિત્રને અમે મદદમાં લીધા તોપણ તપેલી હારી નહિ. અને આજે જ્યારે અમે પાંચ સૂનારા છીએ એમ નીકળ્યું ત્યારે શી રીતે સૂઈશું એનું મને આશ્ચર્ય ન થયું, પણ પાંચ જણને તપેલીએ ખીચડી ક્યાંથી પૂરી એનો જ હું વિચાર કરવા મંડી ગયો. નાનાભાઈ જ હંમેશાં પીરસતો અને તપેલી કરતાં એની પીરસવાની શક્તિમાં જ કંઈ રહસ્ય છે એવું કંઈ માન્યા વગર છૂટકો ન હતો. કેમ કે આવું હોય ત્યારે એને કાં તો પેટમાં કંઈ થતું હોય કે પછી નિશાળથી આવતાં કોઈ મિત્રને ત્યાં અમારા લાભમાં એણે નાસ્તો કર્યો જ હોય. આજે સારું હતું કે બપોરની એકાદ ભાખરી પડી હતી.

વાસણ માંજવામાં અમે ત્રણ જણા લાગી ગયા હતા. એક ઘસે તો બીજો ધુવે ને ત્રીજો પાણી રેડે. મહેમાનમિત્ર પણ સ્વાશ્રયનો ધડો લઈને અબોટ કરવા મંડી પડ્યા. ને બીજા પોતાની સૂઝ વાપરીને કહે, ‘માટલીમાં પાણી નથી તેનું શું થશે, ભાઈલાલ?’ નાનાભાઈએ વાસણ ઘસવાનું પતાવ્યું હતું. તે હાથ સાફ કરી અંધારાનો લાભ લઈ કોઈને કે પોતાને અસભ્યતાનો આંચકો લગાડ્યા વિના ચૂપચાપ પનિહારાનો પાઠ ભજવી આવ્યો. અને ખભેથી માટલું ઊતારી નીચે ગોઠવી અમે સગડી પાસે ભીના હાથ શેકતા બેઠા. રાંધી રહ્યા પછી થોડા કોલસા બાકી રહ્યા હોય તેને ઠારી ન દેતાં બળતા રાખવાની બેજવાબદારી અમારાથી થઈ જતી.

મારે પહેલાંથી કહી દેવું જોઈતું હતું કે આ કજળી જતા કોલસાને અરધોક કલાક અમે છંછેડતા એનું કારણ એ જ કે પોષ માસ બેસી ગયો હતો. અને કોલેજ પાસે પડે એ ખાતર ભાઈઓએ ઓરડી શહેરના પરામાં રાખેલી. નદી પાસે જ, એટલે રાતની વેળા ઠંડીનો ચમકારો જરી ઊંચા કરી દેતો. બે ભાઈઓ માટે માંડમાંડ પૂરતા એટલા પાથરણમાં અમે પાંચ કેમ સમાશું એનો કોયડો કોલસા પર રાખ જામતી ગઈ તેમ મગજ પર જામતો ગયો. પહેલો પ્રશ્ન તો જગાનો પણ હતો. 15 X 10ની આ ઓરડીને કલાક પહેલાં તો અમે રસોડું બનાવી દીધી હતી. સવારમાં એ જ ઓરડી વાચનાલય બની જતી. રસોડું, વાચનાલય, દીવાનખાનું, સ્ટોરહાઉસ, બાથરૂમ, જે ગણો તે બધું હોવાના આ ઓરડી દાવો કરી શકે એમ હતું. અને દિવસ થોડો ચડ્યે ઘર અથવા નદીએ નાહી લઈને, બહાર સગવડ ન હોવાથી અંદર સામસામી બે વળગણીએ અમે ધોતિયાં સૂકવી દેતા એટલે પડદાની ગરજ સરતી, ને મજાની ત્રણ ગુફાઓ બની જતી. સવારે બે કલાક અભ્યાસ કરતી વેળા એકમેકનાં મોઢાં થોડીવાર ન દેખવા માટે મારા વિદ્યાર્થીભાઈઓને જરી રાહત મળતી. ને પછી નવ વાગ્યે તો પાછો રસોડાનો દેખાવ થઈ જતો.

ઓરડીને એક બારણા ઉપરાંત તેની પડખે જ બીજી એક બારી હતી એટલું જ. બાકી આમ જાણે ગજવામાં ભરાઈને બેઠા હોઈએ એવું ભાન થયા કરતું. બારણું કે બારી, એક તો ઉઘાડું રાખવું જ જોઈએ કેમ કે કલકત્તાના કારાગૃહની વાત અમારે ગુજરાતી તેમ જ અંગ્રેજી ભણતરમાં બધાને બબ્બેવાર આવી ગઈ હતી.

નદીના વહેણની પાતળી પટ્ટી જાણે કોરડાની જેમ વીંઝાતી હોય એમ અમારી ખુલ્લી ગરદનો પર ઠંડીની એક તીખી ચમકારી વાગી. રાતે કામ કરતી એક મિલનું ભૂંગળું કટાણે ચીસ પાડી ઊઠ્યું. મને થયું કે આવી ઠંડીમાં પરસેવે રેબઝેબ મજૂરો પોતાનાં થીજી જતાં બૈરાંછોકરાં માટે તો નહિ પોકારી રહ્યાં હોય? બારણું અરધું વસાઈ ગયું. ને આરપાર જોતાં ઊંચે મૃગ અને એની પાછળનો શિકારી શ્વાન બંને ફલંગ મારતાં મારતાં જ થીજીને ઠરી ગયેલા જેવા દેખાયા.

સાણસી વતી મારા ભાઈએ સગડીની રાખમાંથી થોડીક ચિનગારીઓનો ઉદ્ધાર કર્યો ત્યારે એના અવાજથી અને ફૂંકાતી રાખથી મારું સ્વપ્ન ઊડ્યું. ‘કેમ કંઈ કવિતા કરે છે?’ મને ચોંકીને આંખ ફેરવતો જોઈને સોમને મારા પર આરોપ કર્યો.

‘ના રે! હું તો વિચાર કરું છું, આપણે હવે સૂઈ જવું જોઈએ. અરે નાનાભાઈ, પાથરીએ નહિ બિલકુલ તો ઓઢવાનું તો થઈ રહેશેને?’

નાનાભાઈ કંઈ બોલે એ પહેલાં તો સોમને મને લીધો, ‘ના ભાઈ, તું કવિતા કરે એમાં આપણને તલભારે વાંધો નથી. પણ કાંઈ કવિતાથી જ ગરજ સરે એમ લાગે છે? તો તો અમારે માટે આટલું બસ છે. તું તારે સારી રાત કવિતા…’

નાનાભાઈ ત્યાં તો વ્યવસ્થા કરવા મંડી ગયો હતો. બીજા મિત્ર શિવજીએ પગની ઠેસથી સગડીને ખૂણામાં જરી ખસેડી અને એની મૂળની જગ્યા તપી હતી ત્યાં બેસીને એની ગરમીનો સારો લાભ લીધો. સગડીને ચારે કોર હાથ ફેરવી તપેલા લોઢાની ગરમી પણ એ એળે જવા દેતા ન હતા એ મેં એકલાએ જ ધ્યાનપૂર્વક જોઈ લીધું.

ધન્ય છે સોમનના મળતાવડા સ્વભાવને કે એણે નાનાભાઈની મદદથી બધી વધારાની જણસો વગે કરીને સૂવાની યોજના અમારી આગળ મૂકવા માંડી. ‘પણ,’ મેં કહ્યું, ‘આ તો તારે ત્યાં અમે આવ્યા હોઈએ અને તું મૂંઝવણમા પડીને તજવીજ કરવા મંડી પડે એમ કરે છે.’ સોમને મારું સાંભળ્યું જ નહિ. ‘જુઓ, નાનાભાઈ…’ બે હાથ પહોળી અને ચાર હાથ લાંબી એક જાડી ત્રણ વળમાં વાળેલી ગાદી પેટી પરથી ઊંચકીને નાનાભાઈએ સોમનના પગ આગળ ધફ્ફ દઈને નાખી. સોમને આગળ બોલવા કરતાં કામે વળગવું જ પસંદ કર્યું, ને ઓરડીની વચ્ચોવચ ગાદી બિછાવી દીધી. ઉભડક બેસી આખી છાતી સગડી પર નમાવી ગરમીની જરીકે જરી આંચ ગળી જતા શિવજીભાઈ ડોકું ફેરવી એની બીજી બાજુને ગરમીનો લાભ આપતા મારી સામું જોઈને બોલ્યાઃ

‘કેમ, ભાઈલાલ, તમારો સોમન તો વચ્ચોવચ ગાદી પાથરીને એકલો જ એની ઉપર આળોટવાનો છે કે શું? ને આપણને સારી રાત ટટળાવવાનો એમ?’ એટલું કહીને એમણે સગડીને બે બાજુએ અધ્ધર અધ્ધર હાથે પકડીને ખખડાવી ને થોડીક ચિનગારીઓ ચમકી એને સંતાડવી હોય એમ ઉપર બંને પંજા બિછાવી દીધા. સોમન એના કામમાં જ હતો.

‘જોને, નાનાભાઈ, પેલો મોટો કોથળો શેનો છે? ઘઉં-બઉં હોય તો એમાં ઉંદર તો નથી ને? નહિ તો સતાવશે .’

મારે કહેવું પડ્યું, ‘સોમન, એટલુંય પારખી શકતો નથી? કાળોમેંશ કોથળો છે તે કોલસા સિવાય શેનો હોય?’

સોમન હસી પડ્યો. ‘અરે! અંગેઅંગમાં આગના ભરેલા કોલસાને પણ ઓઢવા માટે ગરમાગરમ કોથળાનો ડગલો છે.’

અમે હસી પડ્યા. બધાયનું હસવું પૂરું થઈ રહ્યા પછી પણ પોતાનું હાસ્ય લંબાવી રાખીને શિવજીભાઈ સગડીનો એક ઠોકો લગાડી બોલ્યા: ‘અરે, ભાઈલાલ, બિચારા કોલસા ટાઢે મરતા હશે. લાવ ને બાચકો. હજી પડી છે અંગારી રાખમાં.’

મેં આપવા-ન આપવાનો મુદ્દલે વિચાર કર્યો ન હતો, ત્યાં, ‘રાખ, હું જ લઈ લઉં છું.’ કહી શિવજીભાઈએ પોતે જ ખાસો હીરાનો બાચકો ભરતા હોય એમ એમની ઠીકઠીક ગરમ રહેવા પામેલી આંગળીઓને બરોબર લાંબીપહોળી ખેંચી કોલસા લઈને સગડીમાં નાખ્યા.

મારો કોલેજિયન ભાઈ કાંઈક ઓછાબોલો ખરો પણ જરા સ્વભાવે ટીકાખોર. વળી હવે એની પરીક્ષા ઢૂંકડી આવી હતી એટલે અમે બેકારો અહીં ટોળે મળીને ખલેલ પહોંચાડવાનો જ ધંધો લઈ બેસીએ એ લાંબું સહન પણ થઈ શકે? એણે શિવજીને હેતનો થપ્પો લગાડ્યો ને એમની ગરમ ગરદનનો સેજારો પોતાની ઠંડી આંગળીઓને પમાડીને એમને ચોંકાવ્યા.

‘કાં શિવજીભાઈ, આખી રાત જાગરણ માંડવું છે શું? આટલા કોલસા હોલવાઈ ક્યારે રહેશે?’ ને ઉત્તરની રાહ જોયા વિના કોલસાની શગમાંથી થોડા એણે નીચે ખેરવી પાડ્યા.

‘પણ આ જો ને, ભાઈલાલ તો જોઈ જ રહ્યો છે ને પેલા બે ગોદડાંથી કુસ્તી ક્યારે પૂરી કરી રહેશે? ત્યાં લગી આપણે મરી જવું?’ ને એમ કહી એમણે એની તરફ સગડી ખસેડી અને એની આંચથી ગરમ થયેલી ખૂણાની બંને ભીંતે પોતાનાં પાસાં ચાંપવા માંડ્યાં. સોમને આ જોયું, ને એના અસલ રૂપમાં આવી જઈને બોલ્યોઃ

‘શિવજીભાઈ, માણસને તે કેટલી ગરમી જોઈએ? કોલસા જો ખાઈ શકાતા હોત તો પેટમાં પધરાવી દઈને પાછળ થોડીક દીવાસળી સરકાવી દેત. પછી ગમે તેવી ઠંડી પડો ને!’

શિવજી અંગારા ફૂંકવાના વધારે ઉપયોગી કામમાં રોકાયા હતા. સગડીની કાળાશની આરપાર ધોળોપીળો આછો ભડકો નીકળ્યો. તેની સામું જે નજરથી એમણે જોયું તે ભૂલી ભૂલાય એવી ન હતી. થોડાક તણખા ઊડીને એમને ગાલે, વાળે ને ડોકે જઈને બેઠા ત્યારે એમની તરફ અથાગ ક્ષમાવૃત્તિ કરતાં અખૂટ માતૃભાવથી એમણે સ્મિત કર્યું, ને બધે હાથ ફેરવ્યો તે તણખા ખંખેરી નાખતા હોય એમ નહિ પણ પંપાળતા હોય એમ જાણે. ઉત્ક્રાન્તિની ભઠ્ઠીમાંથી તારાની ચીનગીઓ ઊડીને પોતાને અડી હશે ત્યારે વિશ્વકર્તાએ જે મધુર સ્મિતે એમની તરફ જોયું હશે એ આખું દ્રશ્ય મારી કલ્પના આગળ રમવા લાગ્યું. બહાર પવન ફૂંકાઈને ઉઘાડું રહેલું એક બારણું વાસી ગયો. એ વસાતી વખતે, ઉતાવળી ઉતાવળી બહાર જતાં પહેલાં ઠંડી અમારા કાળજામાં કંઈ છૂપી વાત કરી ગઈ. ગાદી પર ઢીંચણભર ઊભેલો સોમન પણ કશાકનો પ્રેરાયો સગડીના નાના ભડકા ઉપર સૌના હાથ નીચે પોતાના હાથ ગોઠવીને બેસી ગયો. નાનાભાઈએ પણ પોતાની જગ્યા કરી લીધી. અડોઅડ સજ્જડ થઈને બેસવાથી અર્ધોક કલાક કેમ કરી ગયો એની કંઈ ગમ ન રહી. સોમનની વાક્છટા પણ તેજી ફેલાવનારી હતી. શિવજીભાઈ આખો વખત ચૂપ હતા. એમની મુખમુદ્રા ઉપરથી એ સાંભળતા હોય કે વિચાર કરતા હોય એમ પણ લાગ્યું નહિ. અત્યારે તો માત્ર શારીરિક ધર્મ તરીકે એકાગ્રતાથી તાપવાનું જ એકમાત્ર કામ સંપૂર્ણપણે બજાવતા હોય એમ જણાતું હતું. કોલસા હોલાવા લાગ્યા ને સોમન બોલ્યોઃ

‘લાવું થોડા, શિવજીભાઈ?’

શિવજીભાઈએ એને ચોંપ્યો. ‘કેમ તું તો કોલસા ને દીવાસળી ખાવાની વાતો કરતો હતો ને? કેમ હવે ઊઠવાનુંયે મન થાય છે કે?’ કહીને તે ઊઠ્યા. ‘ચાલ ભાઈલાલ, આપણે સૂવાનું કરી દઈએ, સોમનથી તો તડાકા સિવાય બીજું કશું થવાનું નથી!’ હું ઊઠ્યો. ‘ખબરદાર તમારા ત્રણેમાંથી કોઈ ખૂણેથી આઘુંપાછું ખસ્યું છે તો!’ પાથરતાં પાથરતાં તે બોલવા લાગ્યા, ને મને આમ ને તેમ કરવાનું કહી કહીને આખા ઓરડામાં શેતરંજી, કોથળા વગેરે પાતળાં પાથરણાં હતાં તેટલાં પથરાવી દીધાં. મેં કહ્યું: ‘આ ગાદી છે તે પેલે છેડે રાખી તમે તેના પર સૂઓ, એ ઓઢવાના કામમાં તો શી રીતે આવે? બે ગોદડીઓ છે તે એકમાં બબ્બે એમ ચારને ઓઢવા ચાલશે, એક રહ્યો.’

‘આપણાં ધોતિયાં છે સુકાયેલાં સવારનાં, એક જણને એ પહોંચશે.’ નાનાભાઈએ રસ્તો કાઢ્યો.

‘સારું ત્યારે, મને ધોતિયાં આપો.’ કહી શિવજીભાઈએ ગાદી ખસેડવા માંડી. ત્યાં સોમન ઊઠ્યો ને ગાદી પાછી ઓરડાની વચ્ચોવચ આડી બિછાવી દીધી. શિવજીભાઈએ જરીક ખીજાતા અવાજે કહ્યું:

‘તારે ગાદી જોઈતી હોય તોય કાંઈ વચ્ચે સુવાશે ઓછું? બીજે ક્યાં જશે?’

‘જરી ખામોશ પકડી જાઓ, હું બધું કરું છું.’ કહી એણે એકેક ગોદડી ગાદીની બંને બાજુ ફેંકી. નાનાભાઈએ શિવજીભાઈને ધોતિયાં આપ્યાં એટલે બોલ્યો, ‘તૈયાર?’ ને પછી હુકમ કરતો હોય તેમ બે ભાઈઓને ગાદીની એક બાજુ જવા કહ્યું ને મને બીજી બાજુ પોતાની પાસે બોલાવી લીધો. શિવજીભાઈ ચોંક્યા કે એમનું શું, ત્યાં સોમન કહેઃ

‘શિવજીભાઈ, ગાદી પર સૂઈ જાઓ વારુ!’

એ તાડૂક્યા, ‘હું કાંઈ એકલપેટો નથી તે વચ્ચોવચ અજગર જેવો પથરાઈને પડું! ગાદીને એક બાજુ કાઢી નાખ, ગંડું!’ સોમને એમને હાથે ઝાલીને સુવાડી દીધા, ત્યારે કેટલો વિરોધ કરવો તે એમને સૂઝ્યું નહિ. તરત જ સોમને એમને કહ્યું:

‘હવે ગાદીની કિનારોનાં ઓશીકાં કરીને આડા થઈ જાઓ જોઉં. બબ્બેને એકેક ગોદડી તો ઓઢવા બસ છે. હવે આવ સવાર ઢૂંકડી!’ ને અમે એના તાબેદાર હોઈએ એમ ચૂપચાપ ઢળી ગયા. પણ કૉલેજિયન ભાઈથી બોલ્યા વિના ન રહેવાયું:

‘શિવજીભાઈ, તમારી ગાદીમાં અમારે ભાગ પડાવવો ન હતો હોં! આ સોમનનાં કામ છે બધાં!’ પણ શિવજીભાઈ ઊઠી પડ્યા. ને કશાકના પ્રેર્યા અમેય છળીને બેઠા થઈ ગયા. ધોતિયાનો ખાસો વેંતેક જાડો વીંટો કરી માથા તળે રાખી શિવજીભાઈ ગાદી તળે સરકી ગયા, ‘હવે તમે બંને કિનારા પર માથાં ટેકવી સૂઈ જાઓ તો? એમ ઉપર સૂવાથી તો તમને મારા પગ વાગત!’ હું જરી વિવેક કરવા ગયો, ‘હવે ભાઈ, સ્વપ્નમાં સૌ સૌના ગજા પ્રમાણે જોઈતી ગોદડીઓ ઓઢી લેજો.’ પણ ગાદી નીચેનું શિવજીભાઈનું ઢીંચણ મારા માથા પર એવું જરી ઘસાયું કે મારે થોડી વારમાં જ ચૂપચાપ ઊંઘમાં ડૂબકી મારી જવાનો વિચાર કરવો પડ્યો. સોમને જરી જોસથી શ્વાસોશ્વાસ ચલાવીને પોતે ઊંઘે છે એમ જાહેર કર્યું અને બત્રીસી જોસથી ભીડીને માંડ માંડ મેં હસવું દબાવી રાખ્યું.

દૂરથી ખાનપુર ચોકીના પોલીસે પુકારેલી આલબેલનો ઘેરો થથરતો અવાજ સંભળાયો. બહાર લીમડાઓમાં પવન ફૂંકાડા મારવા મંડી પડ્યો હતો. અમે એકમેકની હૂંફમાં કોકડું વળીને નીંદરને ખોળે લપાઈ ગયા.

સારી રાત એક સ્વપ્નએ મારો પીછો પકડ્યો. સોમન અને શિવજીભાઈ ધરતીનાં પડ ઉખેળી ઉખેળીને ગોદડીઓ ખેંચતા હતા અને ટાઢે ઠૂંઠવાતા લોકો પર ફેંકતા હતા. પાંચાલીના શરીર પરથી સેંકડો ચીર ખેંચતાં છતાં નવાં ને નવાં એના ડિલ પર તો ફરક્યે જતાં હતાં એમ ધરતીના આ બે દુઃશાસનોએ કેટલાંય ગાભાં ખેંચ્યાં હશે, તોય એને શરીરે નવી ને નવી ગોદડીઓ પ્રગટતી હતી. ફરી એમણે ‘હેઈસાં! હેઈસાં!’ કરીને વસુંધરાને શરીરેથી ગોદડીઓ ખેંચી કાઢી અને ઠંડીમાં શિંગડું થઈ ગયેલા અનેક લોકોને એમાં લપેટ્યા. ‘હજી છે ગોદડીઓ! ખેંચો! પેલા લોકો ટાઢે મરે ! હેઈસાં! હેઈસાં!!’ અને હજારો ગાભાં એમણે ખેંચી કાઢ્યાં. ધરતીએ એટલી ગોદડીઓ પોતાના બાળકોથી શા સારુ ચોરી રાખી હશે? બધાને ગોદડીઓ પૂરી થઈ એ જોઈને સોમન અને શિવજીભાઈ નાચવા લાગ્યા. એમની આગળ કપાસનું એક મોટું ખેતર દેખાયું. ધોળું ધોળું રૂ ડોડવાંઓમાંથી ડોકિયાં કરતું પવનમાં લહેરી રહ્યું હતું. ‘ટાઢ વાય છે, ’લ્યા!’ કરીને બંને કૂદવા લાગ્યા. ક્યાંકથી બે ઓશીકાં લઈ આવ્યા અને એટલામાં મને જોઈ ગયા ને ઓશીકે ઓશીકે મને નાક, કપાળ, વાળ, હાથ, પગ, પેટ અને ખાસ પક્ષપાતપૂર્વક તો બરડા ઉપર એવો ટીપ્યો કે મારાં હાડકાંની અંદર પણ ક્યાંય ઠંડી છૂપાઈ રહી શકી હશે નહિ. એ તો ઠીક છે, પણ એમને બંનેનેય વધારે પડતી કસરત થઈ ગઈ હોય એમ એ લોથપોથ થઈને ટૂંટિયાં વાળી પડી રહ્યા.

સવારે વાસણોમાં કંઈક ખડખડાટ થયો ત્યારે તો ઉંદર હશે માની ગોદડીમાંથી મેં મોઢું બહાર કાઢ્યું નહિ. પણ પછી જમીન ધબ્બધબ્બ થવા લાગી, એટલે ઊંઘ ઊડી ગઈ ને જોઉં છું તો શિવજીભાઈ દંડ પીલવા મંડી પડ્યા હતા. સોમન કૂંડાળું થઈને પડ્યો હતો. ગોદડી તળેથી જ હું બોલ્યોઃ

‘કાં શિવજીભાઈ, આટલા વહેલા?’

જરી થંભી જઈને હાંફતા હાંફતા જ એમણે કહ્યું, ‘શું કરે? સારી રાત સોમને મારા કાન આગળ નાક બોલાવ્યા કર્યું તે ઊંઘ આવે ત્યારે ને?’ નાક બોલાવવાને અને દંડ પીલવાને ક્યાં સંબંધ નીકળ્યો તે સમજાયું નહિ. ત્યાં સોમન જ બેઠો થઈ ગયો ને શિવજીભાઈને બાવડે ઝાલીને કહેઃ

‘ચાલો, આપણે કુસ્તી કરી લઈએ !’

મને સ્વપ્ન સાંભર્યું અને થયું કે આ બંને અંદર અંદર લડવાનું કોરે મૂકી વચ્ચે મારો જ બોરકૂટો કરશે. હું સામે ખૂણે જઈને ઊભો રહ્યો.

‘ક્યાંક ટાઢ ઊડી જશે, ઊડી!’ કહી શિવજીભાઈએ સોમનને બેસાડી દીધો.

મારા ભાઈઓ ઊઠ્યા. ‘આજે તો વાંચવા માટે વહેલા ન ઊઠાયું!’

‘કેમ કોલેજિયન, ઠંડી કેવીક પડી?’ શિવજીભાઈએ દોસ્તદાવે પૂછ્યું.

‘કંઈ નહિ, હવે કેટલા દિવસ ઠંડી છે? આજ શુક્રવાર, વચ્ચે શનિ-રવિ પછી સોમવારથી તો પરીક્ષા છે.’ કતલની રાત જેવી પરીક્ષાની પહેલાંની રાતો વિશે એ બહુ વધારે પડતી લાપરવાહીથી બોલતો હતો. ‘આ આઠ દિવસ કાઢ્યા એટલે ગામડે પોંક-ભેળા થઈ જઈશું!’

શિવજીભાઈએ, પાછળનું કંઈ ધ્યાનપૂર્વક સાંભળ્યું હોય એમ લાગ્યું નહિ. માથું ખંજવાળતા ખંજવાળતા બોલ્યા, ‘આજે શુક્રવાર?’

સોમને પૂછ્યું, ‘કાં આજે તમારો જન્મદિવસ તો નથી ને?’

એમણે સામું બેફામ હસી પડીને કહ્યું, ‘ના, આપણા બધાનો મૃત્યુદિવસ છે. હત્ ગંડુ! એટલી ખબર પડતી નથી કે હું શુક્રવારીનો વિચાર કરું છું? કેમ ભાઈલાલ?’ મને ઢંઢોળીને બોલ્યા, ‘આપણે ગુજરીમાંથી થોડીક ગોદડીઓ ખરીદી કેમ લાવતા નથી?’

અમારા સૌથી હસી પડાયું. ભણતા ત્યારે શિક્ષકો એક જૂના જોડાની કે ઘસાયેલા રૂપિયાની અને ઈમારતી લાકડાની આત્મકથા નિબંધરૂપે અમારી પાસે લખાવતા તે યાદ આવ્યું, ગુજરીની ગોદડીની આત્મકથા ગમે તે લખી આપે. શિવજીભાઈએ સૂચન કર્યું કે તરત નાનભાઈએ નાકનાં ટેરવાં હલાવીને મોઢું પણ જરી સંકોડ્યું. મલકીને પૂછ્યું, ‘કાં, લાવ્યા પહેલાં તને એની વાસ આવવા લાગી શું?’

કોલેજિયને ચોખવટ કરી, ‘પૈસાનું તો જાણે કે ઠીક છે, પણ ત્યાંથી ગોદડી ઊંચકી કોણ લાવશે? પોતાની પાછળ વૈતરા પાસેય ઊંચકાવી લાવવાની હિંમત છે કોઈમાં? વચ્ચે એલિસબ્રિજની ઘાંટી વટાવવાની છે.’ ને આંખો ઝીણી કરીને સહેજ સ્મિતપૂર્વક ઉમેર્યું, ‘અને ભાઈને તો હજાર જણા નમસ્કાર કરનારા મળે.’ મારી મહત્તા કરતાં વધારે તો નાલેશી એણે બોલી નાખી. તક ઝડપી લઈને સોમન આંખ ઠરડાવીને બોલ્યોઃ

‘મહાન પુરુષ ! તમારાથી નહિ લવાય, તો શું ગોદડી વગરના રહીશું?’ અને શિવજીભાઈને બરડે પંજો જમાવીને બોલ્યો, ‘આ આપણા શિવજીભાઈ છે ત્યાં લગી શી ફિકર છે? ખાનપુરને રસ્તે આવીશું. ગમે એમ, લાવવાનું કામ અમારામાં આવ્યું. બસ ! થયું ને?’

મારે કહેવું જોઈતું હતું કે ‘ના ના, આપણે ત્રણે જઈશું.’ ને મેં કહ્યું પણ ખરું. અમે ત્રણેય ક્યાંક જઈએ તો ભાઈઓને ઘડી જંપીને વાંચવાનો સમય પણ મળી રહે.

સોમન બોલ્યોઃ

‘ને પૈસાનું પણ થઈ રહેશે. રાતે આપણે ખાવાનું બંધ રાખીશું.’

મારી ને શિવજીભાઈની આંખ મળી ને મારે કહેવું પડ્યું, ‘શું કંઈ ખાધા વિના ચાલશે? એવી કરકસરથી ભાઈઓ કૉલેજ-હાઈસ્કૂલમાં ભણતા હશે તો આવતી સાલથી ઊઠી જશે. પણ…’

ભાઈએ પણ ખૂબ કરીઃ ‘આજે મામા મુંબઈ જવાના છે, સ્ટેશન પર સાંજે મળો તો મજાની સુખડી મળે, પણ એ તમારાથી નહિ બને, એ તો અમે ખીચડી જ ઢાંકી રાખશું.’

‘હવે રાતની વાત ક્યાં અત્યારથી વેતરવા મંડ્યા છો !’ શિવજીભાઈએ ટૂંકું પતાવ્યું ને દાંતણપાણી કરીને અમે ત્રણ જણ હવા ‘ખાવા’ સરખેજવાળે રસ્તે ચાલી નીકળ્યા. સાબરમતી અને વિસાપુરમાં 1931, 1932ના શિયાળા કેવા મજાના ગયા હતા, એની વાતો કરતાં કરતાં સોમન બહુ ખીલ્યો. શિવજીભાઈને ને મારે ભણતા ત્યારની મિત્રતા. હમણાં તે ચરોતરને ગામડે અખાડો ચલાવતા હતા. સોમનને મારી મારફત જ એ ઓળખતા. એકમેકના સંબંધમાં તો તેઓ હમણાં જ આવ્યા હતા. સોમન ને હું કૉલેજમાં સાથે હતા, પણ એ વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો અને એનું મૂળ નામ સોમનાથ હતું પણ કોઈ છૂપી મહત્ત્વાકાંક્ષાએ એને સોમનાથનું સોમન અથવા સોમનાથન્ કરવા પ્રેર્યો હતો.

રાતે સ્ટેશન પર મામાને મળ્યા. બધાએ સાથે બેસીને સુખડી અને ઘરનું અથાણું ખાધાં. શુક્રવાર ફરી પાછો મદદે આવ્યો અને મામાએ ખાસ ગરમાગરમ ચણા લઈને અમને ખવરાવ્યા. થોડી સુખડી કાગળમાં વીંટીને ભાઈઓ માટે ગજવામાં લઈ લીધી અને રામરામ કહી અમે છૂટ્ટા પડ્યા. ઠંડી શરૂ થઈ ગઈ હતી. છૂટા પડતાં મામાએ કહ્યું તો ખરું, ‘આ કામળી લે, ટાઢમાં કેમ જઈશ!’ પણ મેં મિત્રો તરફ જોઈને કહ્યું, ‘અમે ત્રણને કંઈ એક કામળે શું થવાનું હતું? સપાટામાં હમણાં પહોંચી જઈશું ઘેર.’ શિવજીભાઈ મારી સામું ફિક્કું હસ્યા ને મને મારી નકામી શેખી ઉપર પળવાર પછી જ પસ્તાવો થયો. ચાંપતે પગલે અમે ચાલવા માંડ્યું. એટલે ઠંડીની ઝાઝી ખબર પડી નહિ. ઉતાવળે ચાલતાં રસ્તે ધક્કા અને ગાળોથી ગરમ થતા ગયા ને થોડીવારમાં એક ઓળખીતાની વીશી આગળ આવી પહોંચ્યા. સાંજે અંધારું પડ્યે કોઈની નજરમાં ન અવાય એમ ગુજરીમાંથી બે – વધારેનો મોખ ન હતો – ગોદડીઓ ખરીદીને વીશીમાં મૂકીને અમે સ્ટેશને ચાલ્યા ગયા હતાઃ દબીદબીને ગુજરીમાં ચાલતા હતા ત્યારે સોમને અમારા બંનેના ખભા વચ્ચે આવી જઈને એનામાં હતી એટલી આશ્ચર્યની લાગણી ભવાંની ઉપલી કોર પર લાવીને કહ્યું હતું, ‘જોને, ગોદડીઓ ગોઠવીને, ચીનની દીવાલ રચીને બેઠો છે! ઠંડીના ગમે તેટલા ફૂંફાડા પણ એનું રૂંવાડું સરખું ફરકાવી શકે એમ છે હવે?’ પણ મને એકદંરે એવું લાગ્યું ખરું કે ગોદડીઓ ખરીદવાની ક્રિયાથી માંડીને વીશીવાળા પાસે મૂકી આવવાની ક્રિયા સુધીના સમય દરમિયાન અમારામાંથી કોઈ કશું બોલતું ન હતું અને જાણે એટલા સમયને મૌનના કફનમાં જ દફનાવી દેવાની અમારી ઈચ્છા ન હોય. અને પછી સુખડીની આશાએ સ્ટેશન તરફ ચાલવા માંડ્યું ત્યારે જ પાછી સૌની જીભો પીપળાના પાનની પેઠે ચંચળ બની ગઈ.

વીશીવાળા જોડે ચૂલા પાસે ઊભા ઊભા તાપવા પૂરતી થોડી વાતચીત કરી ગોદડીઓ લઈને અમે ચાલવા માંડ્યું.

સામે ભદ્રના ટાવરમાં કેટલાક ટકોરા થયા. ને પોતે કંઈ મોડી પડી હોય એમ ઠંડી જરી ચોંકી. ઝાડનાં પાંદડાં જરી બબડીને એકબીજામાં લપાઈ ગયાં. બધે સન્નાટી ફેલાઈ ગઈ. અને અમારાં ખુલ્લાં ઘૂંટણ, ગરદન, હાથ અને નાકનું લોહી ડરનું માર્યું વહેણ અટકાવીને હાડકાંને બાઝી પડતું હોય એમ લાગ્યું.

રસ્તા પાસેની પગથાર પર કેટલાંક માણસો પેટમાં પગ ચોંટાડીને પહેરેલાં ગાભાં તાણીખેંચીને પગ ઢાંકવા મથતાં પડ્યાં હતાં. કેટલાકે છાપાં કે એવાં કાગળિયાં પગની ને માથાની નીચે પાથર્યા હતાં. એક છોકરો બીજાના પેટમાં માથું ઘાલીને એના પેટ સાથે કંઈ વાત કરતો હોય એમ બબડતો હતોઃ

રસ્તા છોડ! છોડ! છોડ!

એ બોલતો હતો તે તરફ મિત્રોનું ધ્યાન જાય તે પહેલાં તો શિવજીભાઈનો પગ એક સૂતેલાના, કંઈ માગતો હોય એમ ફેલાયેલા, હાથ પર પડ્યો ને પેલો માણસ છળી ઊઠ્યો. એણે ડોકું આમતેમ ફેરવ્યું. માથું ખંજવાળ્યું અને દુનિયા તો પહેલાંની જેમ બરોબર ચાલે છે ને પોતાને છળી ઊઠવાનું લેશ પણ કારણ ન હતું એની ખાતરી કરી પોતાની જાત સાથે શરમાઈને જ પડખું ફેરવીને સૂઈ રહ્યો. પેલો છોકરો બીજાના પેટમાં બોલી રહ્યો હતોઃ

મુસાફર ! છોડ, છોડ, છોડ

રસ્તા છોડ, છોડ. છોડ !

શિવજીભાઈએ એ સાંભળ્યું અને એ કંઈ લજાયા. રાતે રસ્તા પર બહુ અવરજવર ન હતી, છતાં અમને પારસલ સાથે જતાં કોઈ જુએ અને રખેને પૂછે કે શું લઈ ચાલ્યા એટલે શિવજીભાઈની પાછળ પાછળ ફૂટપાથને છેડે ચૂપકીથી અમે ચાલતા હતા. અમારા જેવા ‘સજ્જનો’ ઠોકર ન મારે એ ખાતરીથી જ પેલો માણસ કંઈ ‘ખાસ બાત’ સુણાવ્યા વગર સૂઈ ગયો હતો. સોમન ચૂપ હતો એ મને ગમ્યું નહિ. એનું મૌન હંમેશાં ભયંકર હોય છે. એ વારેઘડી પાછળ વળીને જોતો હતો. એણે મને હાથથી ખેંચીને કહ્યું, ‘પાછળ તો જો!’ એક માણસ કાખમાં લૂંગડાંના લબાચા અને હાથમાં થોડાં છાપાંનાં કાગળિયાં લઈને દોડતો દોડતો આવ્યો અને પેલા પડખું ફરીને સૂતેલા માણસને ઠોકરથી ઉઠાડવા લાગ્યો. ઊઠીને તે બિચારો અમારી આગળ દોડીને થોડે છેટે જઈ રસ્તાને ખૂણે ઊભો રહ્યો ને એની જગ્યાએ આ નવો માણસ માથા નીચે લબાચા ને પગ તળે કાગળિયાં રાખી સૂતો. ઝટ સમજાયું નહિ કે પેલાને ઉઠાડવાનું આને શું કારણ હતું. એ ઊભો હતો ત્યાં અમે જઈ પહોંચ્યા. પૂછ્યું, ‘નાઠો કેમ?’

‘ચોર ! લુચ્ચો !!’ કહીને તે આડું જોઈ સૂવા માટે નીચે બેસી ગયો. અમે બેએક ડગલાં આગળ જઈ અટકીને પૂછ્યું, ‘ગાળો કેમ દે છે?’

‘તમને નહિ, શેઠ!’

‘ત્યારે?’

નીચે પથરા સાથે વાત કરતો હોય તેમ તેણે ગણગણવા માંડ્યું, ‘ન દઉં તો શું કરું? આ બરફ મૂકેલો પથરો પાછો કલાક સૂઈશ, ત્યારે હૂંફાળો થશે તો ! ચોર ! મારા લોહીમાં એને શેકાવું છે ! પેલા જનમનો વેરી !’ પૂરું કંઈ ન સંભળાય એવું બબડતો તે સૂઈ ગયો.

‘તમે લોકો આટલા વહેલા સૂઓ છો?’

ઊછળીને માથું અધ્ધર રાખીને હવામાં તે બોલ્યો, ‘વહેલા? શું કરે? ને ઊભા રહે તો બધી બાજુથી ઠંડી. પડ્યા રહીએ તો ધરતી તો એક પડખું સંભાળે!’ મને થયું, ‘ધરતીની ચાદર ઓઢીને પડેલાંની આના મનમાં કેટલી અદેખાઈ હશે!’

ભૂતના ઓળા જેવા અમે ચાલતા હતા. ટાઢ પણ જામતી હતી. અમારા જોડાનો અવાજ પહેલી જ વાર અમને સંભળાયો. અમારાં ત્રણ જણનાં પગલાંના ધબકારામાં જાણે રાજનગરના કોઈ પૂર્વવિજેતાની લશ્કરી કૂચનો ધ્વનિ પૂરેપૂરો સંભળાતો ન હોય ! અમે ટટાર થઈને ચાલ્યા. એક મોટર પસાર થઈ ગઈ. અમે વધુ ટટાર થઈને ચાલવા લાગ્યા. સોમન બોલ્યોઃ

‘શિવજીભાઈ, તમારા અખાડામાં બહુ વંચાય છે તે ચોપડીઓ અહીંથી બહાર પડે છે હોં! ને પેલી વિદ્વત્તાભરેલી નીકળે છે તે પેલાં લોકો સૂતાં’તાં ત્યાંથી.’

તેઓ ચોંકીને બોલ્યાઃ ‘જોને, એક ટોળું આ અહીં પણ સૂતું.’

મકાનનાં પગથિયાં કને દસબાર માણસ સૂતાં હતાં. છેટેની જાહેર બત્તીનું થોડું થોડું અજવાળું તેમની ઉપર પડતું હતું. બધાએ માથા સુધી ઓઢેલું હતું. કોઈ ધોળાં તો કોઈ રાતાં ઓઢણાં હતાં. ઢગલો થઈને સૌ પડ્યાં હતાં. સોમન ભયંકર રીતે ગંભીર બન્યે જતો હતો ને વારેઘડીએ પહેલાંની જેમ પૂઠળ જોતો હતો. દૂર વિક્ટોરિયા બાગ તરફ એક નાની તાપણી સળગતી દેખાતી હતી.

‘ભાઈલાલ, કાગળ શેનો બને? ઘાસમાંથી કે લાકડામાંથી?’

‘અરે! કેટલાં જંગલો કાગળ માટે તો કપાય છે?’

‘તો આ ચોપડીઓ કરવામાં શા સારુ નકામાં જંગલોની કતલ કરતા હશે? લોકો તાપેય શાને બિચારાં?’

‘ખૂબ કરી ! આ ટાઢે મરતાંને તો ચોપડીઓની તાપણી સિવાય બીજો કશો ઉપયોગ શેનો હોય?’

શિવજીભાઈએ ચોમેર આંગળી કરીને કહ્યું, ‘આ મહેલાતોના ઈમારતી લાકડાનો પણ દુરુપયોગ જ થયો છે એમ મને તો લાગે છે.’

‘તમારી સહાનુભૂતિ ખૂબ જાગ્રત થઈ ગઈ લાગે છે, કાલના જેવી દસ રાતો ગાળો તો આખા શહેરનું તાપણું કરી દેવા આ લોકોને પડકાર કરતા થઈ જાઓ ખરા!’

બીજી તરફ સોમન ઊંચે જોઈને બોલતો હતોઃ ‘આકાશમાં આટઆટલા આગના ગોળા એળે ગરમી વરસાવે છે, ને અહીં…?’ અને અધવચથી પાછળ ફરીને કંઈ જોવા ઊભો રહ્યો. અમેય અટક્યા. પેલા લોકોમાં ઓઢણાંની ખેંચતાણ જામી હતી. એક રાતું લૂગડું દૂર રસ્તા પર જઈને પડ્યું. પડી રહ્યું. ઊભા થયા વિના ઘસડાતા જઈને કોઈએ એ લઈને ઓઢી લીધું. જોસથી કોકના મોઢાની ડાકલી બોલી. વાતાવરણમાં જાણે હજારો હાડપિંજરોનો અવાજ ઊભરાવા લાગ્યો. અમે ઉતાવળે ચાલ્યા. એલિસબ્રિજ ઉપર થઈને જવામાં કંઈ ખાસ વાંધો ન હતો. પણ શિવજીભાઈ કહે, કે હવે ઓઢીને જવાય તો સારું, ઠંડી વધી છે. એટલે અમે ખાનપુરના દરવાજા તરફ વળ્યા. રસ્તામાં સોમને અચાનક ડાકલી બોલાવી. અમે હસી પડ્યા, પણ તરત આખા વાતાવરણમાં જાણે પડઘો પડ્યો હોય એમ હજારો હાડપિંજરોનું ખડખડાટ હાસ્ય સંભળાવા લાગ્યું. સોમન વળી કંઈ ગણગણવા લાગ્યો, ‘સેળભેળ સૂતાં, એને વાગે ના જૂતાં, જોજો વાગે ના જૂતાં, જોજો વાગે ના જૂતાં!’ નદીની રેતમાં પેસતાં જ અમે ગોદડીઓ ઓઢી લીધી. સોમન ખુલ્લો જ ચાલતો હતો. અને ‘રસ્તા છોડ’વાળી કે આ નવી તૂક ગણગણતો હતો. વહેણ આવ્યું. દિવસે તો આખો ઘાટ ગાજતો હોય. પરાંથી શહેરમાં મજૂરો આવ-જા પણ કરતા હોય. શિવજીભાઈએ પાણીમાં પગ મૂક્યો ને એક ચીબરી સામે કિનારેથી બોલતી બોલતી શહેર ભણી ઊડી ગઈ. ચોંકીને તે બોલ્યાઃ ‘આ તો પાણી નથી, પણ બરફ છે, બરફ! આપણે આમ આટલા ડાહ્યા ને આનો વિચાર સરખો કર્યો નહિ. એલિસબ્રિજ પર નાક કાપી લેવા કોઈ નવરું બેઠું નથી. ચાલ મારા ભાઈ!’

‘આ તો અવળા કુટાયા!’

કામઠા પર ચડાવવા જતાં પણછ છટકી જાય ને જેવી વાગે એવી તીખી નદીની એક પવનલહરી ગાભાંના કે માંસના લોચાને ગણકાર્યા વિના અંદર સીધી અમારાં હાડકાં પર જતી વાગી. સોમન ગણગણ કરતો મારી ગોદડીમાં લપાયો. ગોદડીના ગમે તેટલા આપ્યા હોત તોય વસૂલ હતા.

સોમન કહેઃ

‘જેલમાં સારું નહિ?’

‘હાસ્તોઃ બબ્બે કામળા ક્યાં છે?’

‘પેલા રઝળતા લોકોમાંથી કોઈ હજી જેલમાં નહિ ગયું હોય, નહિ તો ફરી શિયાળો આવ્યે બહાર ન પડી રહે.’

‘તો તું જ કેમ બહાર કુટાય છે, એ કહે ને?’

ફરીથી અમે વિક્ટોરિયા બાગ આગળ આવી પહોંચ્યા. ગોદડીઓ લપેટી લેવી જ જોઈએ એમ લાગ્યું. પુલ ઉપર કોઈ ને કોઈ મળે, અને ગોદડીઓ ઓઢીને કોઈને પણ શી રીતે મળાય? – એ અમારું માનસ. સોમન કહેઃ ‘તને વાંધો ન હોય તો આપણે ગોદડીઓ મૂકીને જઈએ.’

‘ક્યાં? આટલું બધું કર્યું તે શા સારુ?’

‘તને વાંધો ન હોય તો, કહું છું…’

‘શું?’

‘પેલાં બિચારાં ખુલ્લામાં છે એમને ઓઢાડીને આપણે ખુલ્લે હાથે ચાલ્યા જઈએ. પુલનો સવાલ જ નહિ રહે પછી.’ આ કહેવા માટે જરી ઝંખવાઈને તે ફિક્કું હસ્યો. રોજનો એનો જ્વલંત હસમુખો ચહેરો આકર્ષક હતો, પણ આ ભીંજવતી દીનતા તો અનેરી જ હતી. કોણ જાણે, શિવજીભાઈ જ આગળ થયા અને અમે પેલાં સૂતેલાં ભણી વળ્યા. હજી તો થોડું છેટું હતું ને શિવજીભાઈના પગ એકાએક થંભી ગયા.

‘કેમ?’ કહેતો સુમન ચોંક્યો.

‘અરે ભાઈલાલ, આ શું?’

જોઉં તો એક પોલીસનો માણસ બેત્રણ ધોળાં રાતાં લૂગડાંવાળા માણસોને પેલા ટોળામાંથી લઈ જતો હતો. કોટ પાસે લપાઈ રહેલા બે આદમી અમારી પડખે થઈ નાઠા. પોલીસ પેલાઓને લઈને ચોકી તરફ વળી ગયો હતો અને બાકીના માણસો પહેલાંની જેમ જ જાણે સૂતા હતા, પોલીસની હાજરીમાં એમણે સૂવાનો ડોળ કર્યો હશે. અમે આગળ ગયા. પેલો એકલો માણસ ટૂંટિયું વાળીને કણસતો હતો. એના પગ પર ધીરે રહીને સોમને એક ગોદડી મૂકી. એણે લાત મારી ફગાવી દીધી. એને શી શંકા આવી હશે? ઊંચકીને અમે આગળ ગયા. ‘રસ્તા છોડ-’વાળો અવાજ યંત્રવત્ ધીરો ધીરો આવ્યે જતો હતો. સોમન કંઈ વિચારમાં પડ્યો.

‘કેમ, આ લોકો પણ ફેંકી દેશે શું?’ શિવજીભાઈએ પૂછ્યું, ‘ચાલો, ઘેર ચાલ્યા જઈએ!’ કંટાળીને એમણે કહ્યું. સોમને ત્યાં મારા ગજવામાં હાથ નાખીને સુખડીનું પડીકું કાઢી, ખોલીને પેલા છોકરાના મોઢા આગળ મૂક્યું ને બંને ઉપર એક ગોદડી ઓઢાડી પાછા વળ્યા. જોયું તો પેલું ટોળું ડરનું માર્યું નાસી ગયું હતું. અમે જઈને પેલા એકલા સૂતેલા, દુનિયા સામે બબડનારાના પગ પર ફરી ગોદડી મૂકીને ચાલવા માંડ્યું. થોડે છેટે જઈ જોયું તો ડાહ્યા થઈને એણે ગોદડી ઓઢી લીધી. અમે ઝપાટે ચાલવા માંડ્યું.

પુલની નીચે લોખંડના થંભો પર પછડાઈને પવન અજબ અવાજ કાઢતો હતો. શિશિરની જાણે રુદ્રવીણા વાગતી હતી. નદીના વહેણની પાતળી ઝરણી કરવતની જેમ પુલનેય વીંધીને અમને માથાના તાલકા સુધી ચીરી નાખતી હતી. પેલી બાજુ પહોંચ્યા ને પાસે થઈને એક ખટારો ચાલ્યો ગયો. એના ગૅસથી જરા નાક સંકોડાયું, પણ થોડીક સેંકંડ સારી હૂંફ મળી. ઓરડીએ જઈને કમાડ ઉઘડાવ્યું. વચ્ચોવચ ગાદી પાથરી એક એક ગોદડી ઓઢીને ભાઈઓ તો એમની પદ્ધતિ પ્રમાણે સૂઈ રહ્યા હતા. શિવજીભાઈથી રહેવાયું નહિઃ

‘ચાલ ભાઈ કૉલેજિયન, ખીચડી કાઢ એટલે જરી ગરમ થઈને સૂઈ જઈએ. કેમ સગડીમાં કોલસા દેખાતા નથી?’

‘કેમ, ગોદડીઓ ક્યાં?’

‘પાછળ મજૂર લાવે છે, ખીચડીની વાત કર ને.’

‘પણ, નાનુને પેટમાં ઠીક ન હતું, એટલે મેં તો કહ્યું કે ‘મારે તો મામાની સુખડીથીય પતી રહેશે’ કાં નહિ?’

એનો પ્રશ્ન એકલા શિવજીભાઈને નહિ – અમને પણ – જાણે આખી દુનિયાને હતો. સોમન એના વિચારમાંથી ઝબકીને બોલ્યોઃ

‘ભાઈલાલ, પેલાને બે કામળાનો રસ્તો મળી ગયો આખરે ! હવે એકે શિયાળામાં એ બહાર આમ ફરી ટાઢે મરે તો કહેજે!’ અને પાછો એ એના વિચારોમાં ડૂબકી મારી ગયો. કૉલેજિયન ભાઈ કંઈ ન સમજાતું હોય એમ ચારે કોર આંખો ફેરવતો હતો. શિવજીભાઈ કાલ કરતાં કંઈ સારી સૂવાની વ્યવસ્થા કરવાના હોય એમ ગોદડીઓ ફેંદવા લાગ્યા ને એકદમ ઊભા થઈ જઈને ઉપરાઉપરી કપડાં પહેરવા લાગ્યા.

‘આ શો તુક્કો છે, હવે?’ કૉલેજિયને એમને માથેથી તાણી-તાણીને બેસાડેલી ટોપી ખેંચી લઈને પૂછ્યું.

‘હોય તેટલાં કપડાં પહેરીને સૂઈ રહ્યે આરો છે, હવે!’ ને ચારે કોર લાંબો હાથ કરીને બોલ્યોઃ ‘ઝટ કરો ! નહિ તો બુકાનીઓ બાંધીને આવો મારી પાછળ પાછળ – ઘણાયે બંગલાઓ છે – કાં તો ત્યાં કે બબ્બે કામળાના મુલકમાં તમને પહોંચાડી ન દઉં તો મારં નામ… નહિ!’

નાનાભાઈ અત્યાર સુધી દબીદબીને હસતો હતો તે ખડખડાટ હસી પડ્યો. બહાર લીમડાઓમાં પવને પણ અટ્ટહાસ્ય કર્યું. દૂર ખાનપુર ચોકીના પોલીસે પોકારેલી આલબેલની જાણે એ ભરપૂર મશ્કરી હતી. પવનને જાણે થતું હતું કે કેટલાં માણસોને છાપરાં વનાં કરી નાખું, કેટલાં કાળજાંમાં કાણાં વીંધી દઉં તો આ શહેરની આલબેલનું જૂઠાણું ગવાતું બંધ થાય!

(‘શ્રેષ્ઠ ઉમાશંકર’માંથી.)

[download id=”375″][download id=”418″]