મહોદય શ્રી,

હું આપને કેટલાક પેરેગ્રાફ્સ મોકલાવું છું. અને આશા રાખું છું કે તમે તમારા નામથી છપાવવાની મહેરબાની કરશો. આ વિનંતી હું એટલા માટે કરું છું કે મને કહેવામાં આવ્યું છે કે જો હું મારા નામથી મોકલાવીશ તો કોઈ અખબાર પ્રગટ નહીં કરે. મારા વિચારોને પુરુષે લખ્યા હોય એવું લગાડવા માટે જો જરૂર લાગે તો તમે એમાં ફેરફાર કરી શકો છો. મને ખાત્રી છે કે એનાથી ફાયદો જ થશે.

કામ માટે મારે દિવસમાં બે વાર બસમાં મુસાફરી કરવી પડે છે. છેલ્લાં પાંચ વરસથી મારી આ જ દિનચર્યા રહી છે. પાછા આવતી વખતે મારી કોઈને કોઈ બહેનપણી સાથે હોય છે પણ કામ પર જતી વખતે તો મારે એકલીએ જ જવું પડે છે. હું વીસ વરસની છું. ઊંચી પણ પાતળી નહીં, શ્યામવર્ણી તો બિલકુલ નથી. ચહેરો લંબગોળ છે પણ નિસ્તેજ નથી. મને લાગે છે કે મારી આંખો પણ નાની તો નથી જ. મેં જે ચહેરા – દેખાવનું સભ્યતાપૂર્વક વર્ણન કર્યું તેના પર તમારું ધ્યાન ગયું જ હશે. મને આનાથી બધા જ પુરુષો (હકીકતમાં ‘બધા’ એમ કહેવામાં હું મારી જાતને રોકી નથી શકતી) વિષે અભિપ્રાય નક્કી કરવામાં મદદ મળી રહે છે.

તમને પણ આ વાતની ખબર હશે જ કે બધા પુરુષોને બસમાં બેસતા પહેલાં બધી બારીઓ પાસે બેઠેલા લોકો પર નજર કરવાની આદત હોય છે. આમ તમે બધા ચહેરા (ખાસ કરીને સ્ત્રીઓના, કારણકે તેમાં તમને વધારે રસ હોય છે) નું નિરીક્ષણ કરી લો છો અને અને આ નાનકડી વિધિ પૂરી કરીને પછી તમે બસમાં આવો છો અને બેસી જાવ છો.

હાં તો, જેવો કોઈ પુરુષ રસ્તો છોડીને બસ તરફ દોડે છે અને અંદર જુએ છે કે તરત જ મને ખ્યાલ આવી જાય છે કે તે કયા પ્રકારની વ્યક્તિ છે. આ બાબતમાં મારી ક્યારેય ભૂલ થતી નથી. હું જાણી જાઉં છું કે તે ગંભીર વ્યક્તિ છે કે સહેલાઈથી ખિસ્સામાં કાપવા માટે દસ સેંટનો ખર્ચ કરી રહ્યો છે. મને તરત જ ખ્યાલ આવી જાય છે કે કોઈ છોકરીનો બાજુમાં ઓછી જગામાં બેસીને હેરાન થવા તૈયાર છે.

જ્યારે મારી બાજુની જગા ખાલી હોય છે, તો બસની બારીમાંથી અંદર જોનારને હું તરત જ ઓળખી જાઉં છું કે કયો પુરુષ બેપરવા છે કે ગમે ત્યાં બેસી જશે, ને કોણ થોડી રસિકતા ધરાવે છે કે બેસીને પછી અમારા પર નજર નાખવા ધીરેથી ડોક ઘુમાંવશે. ને કોણ એવો ઉત્સાહી શખ્સ છે કે બસની છેલ્લી સીટમાં મારી બાજુમાં બેસવા માટે આગળની સાત ખાલી બેઠકો છોડીને ગિરદીમાં પણ સંઘર્ષ કરીને આવશે.

સીધી વાત છે કે આવા લોકો રસપ્રદ હોય છે. એકલી સફર કરનારી છોકરીની જેમ હું ઊઠીને બારી પાસેથી સીટ આપી નથી દેતી પણ બારી તરફ સરકી જઈને એ મહેનતુ મહાનુભાવ માટે ઘણીબધી જગા ખાલી કરી આપું છું.

ઘણી બધી જગા? ખોટી વાત. કારણકે છોકરી પોતાના પડોશી માટે ત્રીજા ભાગની જગા ખાલી કરી આપે તો પણ એ પૂરતી નથી હોતી. પોતાની ઈચ્છાથી હાલતો – ચાલતો એ માણસ અચાનક આશ્ચર્યજનક રીતે સ્થિર થઈ જાય છે, જકડાઈ જાય છે. જાણે કે એને લકવો થઈ ગયો હોય. પણ આ દેખાડો થોડીવાર જ ટકે છે. જો કોઈ સંશયભરી નજરે એમની સ્થિરતા પર ધ્યાન આપે તો ખબર પડે ચહેરા પર લાપરવાહીનો ભાવ રાખીને બેઠેલા એ મહાપુરુષનું શરીર ચતુરાઈથી બારી તરફ ધીમે ધીમે સરકી રહ્યું છે, પેલી છોકરી તરફ. જો કે તે એ છોકરી તરફ જોતા પણ નથી, કે એમાં રસ છે એવું દેખાવા દેતા પણ નથી.

તો આવા હોય છે પુરુષો. ઉપર ઉપરથી તો એમ જ લાગે કે જાણે ચંદ્રમાના વિચારોમાં ખોવાઈ ગયા છે, જ્યારે બધો સમય એમનો ડાબો (કે જમણો) પગ સાવધાનીપૂર્વક બારી તરફ સરકી રહ્યો હોય.

મને એ કબૂલાત કરવામાં કોઈ નાનમ નથી કે જ્યારે આ બધું ચાલતું હોય ત્યારે મારો કંટાળો ભાગી જાય છે. બારી તરફ ખસતી વખતે એક જ નજરમાં હું એ ‘માઈભક્ત’ને સારી રીતે ઓળખી લઉં છું. હું જાણી જાઉં છું કે એ જોશીલા યુવકોમાંનો એક છે, જે પોતાના ભાવાવેગને શરણે થઈ જાય છે. કે પછી એવો નફ્ફટ માણસ છે, જે મારા માટે હેરાનગતિનું કારણ બની શકે. મને ખબર પડી જાય છે કે એ સજ્જન પુરુષ છે કે લંપટ, લફંગો છે. કોઈ ધંધાદારી અપરાધી છે કે નવોસવો પોકેટમાર. મને ખ્યાલ આવી જાય છે કે એનું આકર્ષણ વાસ્તવિક છે કે તે એક બનાવટી દિલફેંક યુવાન છે.

પહેલી નજરે એવું લાગી શકે કે એક ખાસ પ્રકારના માણસોના ચહેરા પર જ ઢોંગનું મહોરું પહેરીને પગ સરકાવવાનું કામ કરતા હશે, એટલે કે આ વાત સાચી નથી અને ભાગ્યે જ એવી કોઈ છોકરી હશે જેનું આ વાત પર ધ્યાન ન ગયું હોય. દરેક છોકરી દરેક પ્રકારના વ્યક્તિ સામે પોતાની સુરક્ષા માટેના આગવા કીમિયા તૈયાર રાખતી હશે. પણ મોટાભાગે જો કોઈ વ્યક્તિ યુવાન હોય અને એણે મેલાં કપડાં પહેર્યાં હોય તો એ ખિસ્સાકાતરુ હોવાની શક્યતા છે. પુરુષો જે પદ્ધતિ અપનાવે છે તેમાં કોઈ ફરક નથી હોતો. સૌથી પહેલાં અચાનક જડ બની જવું. પછી ચાંદ વિષે વિચારવાની સ્ટાઈલ, પછીનું પગલું એટલે પાડોશીને એક નજરે જોઈ લેવી એનો એકમાત્ર હેતુ જગાનું અંતર માપવાનો હોય છે, જે અમારી અને તેના પગ વચ્ચે હોય છે. આ બધું જાણી લીધા પછી કાર્યક્રમ શરૂ.

મને લાગે છે કે તમારે પુરુષો માટે આના કરતાં એટલે કે ક્યારેક પગની એડીથી, તો ક્યારેક પાણીથી પગને આગળ સરકાવવા કરતાં વધારે રસપ્રદ ભાગ્યે જ કશું હશે. ચોખ્ખી વાત છે કે તમને પુરુષોને પોતાની આ હાસ્યાસ્પદ હરકત દેખાતી નહીં હોય. પણ એક બાજુ અગિયાર નંબરનાં જૂતાં ને બીજી બાજુ બેવકૂફ જેવા ચહેરા સાથે જે ઉંદર – બિલ્લીની રમત રમાય છે એની વાહિયાતપણાની સરખામણી તમે પુરુષો દ્વારા કરેલા બીજા કોઈપણ કામ સાથે થઈ શકે તેમ નથી.

હું પહેલાં જ કહી ચૂકી છું કે આવી હરકતોથી હું અકળાઈ જતી નથી. મને આમાંથી ખૂબ મનોરંજન મળે છે. જેવો એ નારીનો ઉપાસક એકદમ યોગ્ય અંદાજ લગાવે છે કે પગે કેટલું અંતર કાપવાનું છે, પછી એ નીચે જોતો નથી. એને પોતાના અંદાજ પર પૂરો ભરોસો હોય છે. આમ પણ વારંવાર નીચે જોઈને અમને ચેતવણી આપવાની તેની બિલકુલ ઈચ્છા નથી હોતી. તમે સમજી શકો છો કે એને જોવામાં નહિ પણ સ્પર્શસુખ માણવામાં રસ હોય છે.

હાં તો, એ પ્રેમાળ પાડોશી જ્યારે અડધું અંતર આંબી લે છે, ત્યારે હું એટલી જ ચાલાકીથી અને ચહેરા પર હું મારા વિચારોમાં ખોવાઈ ગઈ હોઉં એવો ઢોંગ કરીને પગ સરકાવવાનું શરૂ કરી દઉં છું. ફરક માત્ર એટલો જ હોય છે કે મારો પગ એના પગથી ઊંધી દિશામાં ગતિ કરે છે. બહુ વધારે નહિ, થોડા ઈંચ પણ પૂરતા છે.

મજા ત્યારે આવે છે કે મારા પાડોશીનો પગ નક્કી કરેલું અંતર કાપીને નિર્ધારિત સ્થળે પહોંચે છે, પણ એ કોઈ ચીજને સ્પર્શી શકતો નથી. એવા સમયે એના ચહેરા પર જે આશ્ચર્યનો ભાવ ઉભરાય છે, તે જોવાલાયક હોય છે. આ શું, કાંઈ નહિ? અગિયાર નંબરનો જોડો હવામાં એકલો રહી જાય છે. એને આઘાત લાગે છે. પહેલાં એ નીચે જુએ છે ને પછી મારા ચહેરા સામે. પણ હું તો હજુયે મારા વિચારોની દુનિયામાં ખોવાયેલી હોઉં છું. હવે એને થોડુંઘણું સમજાય છે.

સત્તરમાંથી પંદરવાર એ અકળાયેલો સજ્જન પુરુષ પ્રયત્ન કરવાનું છોડી દે છે. (મારા લાંબા અનુભવ પછી હું તેના આંકડા આપું છું) મને મારા પાડોશી સામે ચેતવણીભરી નજરમાં અપમાન, અવગણના કે ગુસ્સો હોય. એની તરફ ડોક ફેરવી જોવું જ પૂરતું હોય છે. માત્ર એ દિશામાં, એની તરફ આગળ વધ્યા વગર. આવી વખતે એવા કોઈપણ પુરુષ સાથે સીધી નજર ન મેળવવી જોઈએ, જે ખરેખર આપણા પર મુગ્ધ થઈ ગયો હોય છે. કેશિયરને આ વાતની બરાબર ખબર હોય છે, જેના પર બહુ બધી માલમત્તા સમાવવાની હોય છે અને એ યુવાન સ્ત્રીઓ પણ, જે ખૂબ દુબળી, ખૂબ કાળી કે બહુ નાના ચહેરાવાળી કે બહુ નાની આંખોવાળી ન હોય.

લિખિતંગ એમ. આર.

***

પ્રિય બહેનશ્રી,

તમારી સહ્રદયતા બદલ આભારી છું. તમારી વિનંતી પ્રમાણે તમે લેખમાં જે વિચારો પ્રગટ કર્યા છે એની સાથે સહમત થતાં મને આનંદ થશે. પણ તમારા એક સહયાત્રી હોવાને નાતે તમારી પાસેથી એક સવાલનો જવાબ મેળવવા માગું છું. જવાબ આપશો તો મને સાચા દિલથી ખુશી થશે. એ સત્તર નક્કર પ્રસંગોને બાદ કરતાં, (કે જેની તમે ચર્ચા કરી છે,) શું તમે ક્યારેય કોઈ પાડોશી – લાંબો કે ઠીંગણો, ગોરો કે શ્યામ, જાડિયો કે નબળો – પ્રત્યે રત્તીભર પણ આકર્ષણ અનુભવ્યું નથી? શું ક્યારેય કોઈના પ્રતિ સમર્પણની આછી, ભલે એકદમ ઝાંખી પણ ઈચ્છા થઈ નથી કે જેનાથી તમારા માટે તમારો પગ પાછળ ખેંચી લેવો એ અણગમતું અને અઘરું બની ગયું હોય?

એચ. ક્યૂ.

***

માનનીય શ્રી,

સાચું કહું તો હા. એકવાર, માત્ર એકવાર મારા જીવનમાં મારી અંદર કોઈના પ્રત્યે વધવાની ઈચ્છા થઈ હતી. હકીકતમાં સાચું કહું તો હા, મારા પોતાના પગમાં શક્તિ જ નહોતી રહી એવું મને લાગ્યું હતું (એની ચર્ચા તમે કરી છે) અને એ વ્યક્તિ તમે હતા. પણ તમારામાં આનો ફાયદો ઉઠાવવાની હિંમત જ નહોતી.

એમ. આર.

(વિશ્વસાહિત્યની પ્રસિદ્ધ વાર્તાઓ – ૧ માંથી.)

[download id=”361″][download id=”408″]