સનતકુમાર એક કવિ હતા. કેટલાક તેમને મહાકવિ કહેતા હતા. જે તેમને મહાકવિ કહેતા ન હતા તે પણ એમ તો કહેતા જ કે તેમનામાં મહાકવિ બનવાની શક્યતા તો છે જ.

બહુ નાની ઉંમરથી તેમણે કવિતા લખવાની શરૂઆત કરી હતી. કૉલેજમાં તેમની કાવ્યપ્રવૃત્તિ તેમને સઘળા વિદ્યાર્થીઓના આશ્ચર્યનું રૂપ આપી રહી હતી. અને કૉલેજ બહાર નીકળતાં સાહિત્યસૃષ્ટિએ આ ઊગતા કવિને વધાવી લીધા હતા. તેમનાં કાવ્યો માસિકોમાં પ્રગટ થવા માંડ્યાં અને કાવ્યરસિકો તેમની આતુરતાથી રાહ જોવા લાગ્યા. વિવેચકોએ તેમનાં કાવ્યો ઉપર પ્રશસ્તિઓ લખવા માંડી, અને જોતજોતમાં સનતકુમાર એક ઉચ્ચ કક્ષાના કવિ તરીકે જનતાનું માન પામ્યા. આ સત્કારથી તેમને શરૂઆતમાં ઊપજેલા આશ્ચર્ય અને આહલાદ શમી ગયા, અને પોતાને મળતું માન તેમના મનમાં હકરૂપ બની ગયું.

આમ બનવું બહુ સ્વાભાવિક છે. દૈનિક, અઠવાડિક, માસિક અને વાર્ષિક પત્રોએ તેમનાં કાવ્યો મેળવવા માટે ભારે રસાકસી ચલાવી. પરંતુ ધીમે ધીમે તેમની મહત્તાએ એવી ભૂમિકામાં પ્રવેશ કર્યો કે તેમણે ઝડપથી પોતાના કાવ્યગ્રંથો બહાર પાડવા માંડ્યા અને જવલ્લેજ – સામાયિકો ઉપર કૃપા કરવા ખાતર અને જનતાનું આશ્ચર્ય સાચવી રાખવા ખાતર-શિષ્ટ મનાતા માસિકોમાં કાવ્યો આપવાનું શિષ્ટ ધોરણ સ્વીકાર્યું.

અને તેમના કાવ્યગ્રંથો અને નવલકથાઓ સિવાય કશું પણ સાહિત્ય ન છપાવવું એવો નિશ્ચય કરી બેઠેલા પ્રકાશકોએ પોતાનો નિશ્ચય બાજુએ મૂકી તેમના ગ્રંથો છપાવવા માગણીઓ કરવા માંડી. કડવે મુખે કાવ્યસંગ્રહોને છેક ખૂણામાં નાખી મૂકતા ચોપડીઓ વેચનારાઓએ બહુ ખુશીથી તેમના ગ્રંથોને આગળનું સ્થાન આપવા માંડ્યું. અને સનતકુમારનાં નવાં કાવ્યો બહાર પડવાની જાહેરાત થાય ત્યારથી રસિક વાંચકોએ પુસ્તકોની દુકાન ઉપર ધસારો શરૂ કરી દીધેલો હોય જ!

તેમનાં કાવ્યો પણ ભવ્ય અને સુંદર! શબ્દલાલિત્ય અને અર્થગાંભીર્યથી ઉભરાતાં તેમનાં કાવ્યો વાચકોને મુગ્ઘ બનાવતાં. તેમની સુશ્લિષ્ટ ભાવરચના અને તેમનાં ગગનગામી કલ્પનાઉડ્ડયનો તેમનાં કાવ્યોમાં ખામી નિહાળવા મથતા કોઈ દ્વેષી હરીફો અગર દોષદર્શી વિવેચકોને મુખે પણ તેમનાં વખાણ કરાવતા. પુષ્પની સૌરભ અને ઉષાસંધ્યાના રંગોથી શોભતી તેમની કોઈ કવિતા મૃદુતાના ફુવારા ઉડાડતી: તો કોઈ કવિતા અસીમ બ્રહ્માંડ અને તેમાં ઘૂમતી નિહારિકાઓ અને આકાશગંગા સુધી વાચકોને ઊંચકી જતી. તેમની કાવ્યરચના કોકિલ કે બુલબુલનું કંઠ માધુર્ય પ્રગટ કરતી, તો કવચિત્ સમુદ્રનાં ઘોર, ગર્જન કે જ્વાળામુખીનાં તાંડવોને તાદૃશ્ય બનાવતી. જનતા સનતકુમારનાં કાવ્યો વાંચી પૃથ્વીની પાર્થિવતા ત્યજી વ્યોમવાસી બની જતી.

તેમની કવિતાનાં વખાણ સાંભળી તેઓ દ્વિગુણ બળથી કવિતાદેવીની ઉપાસના કર્યે જતા. પોતાનાં વખાણ સાંભળીને હર્ષ થતો ન હતો એમ કહેવું કદાચ સત્ય ન હોય; પરંતુ વખાણ માટે જ તેઓ લખતા એમ કહેવું એ તેમને અન્યાય કરવા સરખું હતું. તેમની ટીકાથી તેઓ ગુસ્સે થતા નહિ-જોકે તેમની ટીકા ભાગ્યે જ થતી. માત્ર એક ટીકા વિરુદ્ધ તેમનો અણગમો દેખાઈ આવતો. તેમના સાર્વત્રિક થતાં વખાણમાં એક જ નિંદાનો સૂર કે ટીકાનો સૂર સંભળાયા કરતો. એક વિવેચકે એમ જ જીદ લીધી હતી કે સનતકુમારનાં કાવ્યોમાં ‘મહત્તા’ છે પણ ‘માનવતા’ નથી.

આ વિવેચકની ટીકાને ભાગ્યે જ કોઈ ગણકારતું. ઘણાં માસિકોમાં તો એ ટીકાને સ્થાન મળતું નહિં; પરતું કોઈ કોઈ પત્રો શરૂઆતના દિવસોમાં પોતાનું મહત્વ વધારવા પ્રતિષ્ઠિત લેખકો ઉપર પ્રહાર કરી વાચકોને આકર્ષવાની નીતિ અખત્યાર કરે છે, તેવા એક પત્રમાં ટીકાને સ્થાન મળતું. જ્યારે જ્યારે કવિ સનતકુમારનો નવો કાવ્યગ્રંથ બહાર પડે એટલે તે વિવેચક પોતાની ટીકા સાથે તૈયાર હોય જ. તે એક જ વાત કહે: ‘કવિતામાં મહત્તા છે, પણ માનવતા નથી.’ તેને કોઈ હસી કાઢતું. તેના વિરુદ્ધ કડક ચર્ચાપત્રો લખાતાં, અને તેની પુષ્ટિમાં કોઈ જ બોલનાર નીકળતું નહિ. છતાં સનતકુમારને આ ટીકા રુચતી નહિ. એ વિવેચક કોણ હશે તેનો તંત્રી દ્વારા અગર બીજી રીતે તેમણે તપાસ કરી, પરંતુ તેનું નામઠામ મળી શક્યું નહિ. નવા બહાર પડેલા એક કાવ્યગ્રંથને અંગે થયેલી આવી ટીકાનો વિચાર કરતા સનતકુમાર પોતાના લેખનગૃહમાં બેઠા હતા, ત્યાં એક પત્રકારે તેમની મુલાકાત લઈ ટીકા વિષે તેમનો જ મત માગ્યો.

કવિઓ ભાગ્યે જ ગુસ્સે થાય છે-જોકે ભાગ્યે જ ગુસ્સે થનાર ગૃહસ્થોની માફક તેમને ગુસ્સો ચડે તો તેની સીમા રહેતી નથી. સનતકુમાર પત્રકારનો પ્રશ્ન સાંભળી ગુસ્સે ન થયા, પરંતુ હસ્યા; અને તેમને માટે માન ઊપજે એવી મીઠાશથી તેમણે જવાબ આપ્યો:

‘મારા વિરુદ્ધની ટીકાનો જવાબ મારાથી અપાય જ નહિ. માત્ર એ ટીકા સંબંધી એક જ પ્રશ્ન ઉપસ્થિત થાય છેઃ માનવતા વગર મહત્તા ઉત્પન્ન થાય ખરી?

આ સૌંદર્યશોભન વાક્ય અને વિચારથી પત્રકારને પરમ આનંદ થયો. તેણે સનતકુમાર સાથેની પોતાની મુલાકાત જ્વલંત શબ્દચિત્રમાં વર્ણવી; અને ટૂંકી મુલાકાત દરમિયાન કવિની જ નહિ, પરંતુ કવિનાં પત્નીની પણ ઊભરાતી માનવતાનાં થયેલાં દર્શન તેણે શબ્દોમાં આલેખ્યાં.

2

ખેર, સનતકુમારનાં પત્ની સુહાસિની માનવતાથી ઊભરાતા હતાં એમાં શક નહિ. કવિઓને નિરંકુશ રહેવાનું વરદાન મળેલું હોય છે. આ નિરંકુશપણું માત્ર કવિતામાં જ સમાઈ રહેતું નથી; તે તો જીવનના પડેપડમાં પ્રવેશ પામે છે. અંકુશ, નિયમ અને નિયંત્રણ કવિજીવનમાં સ્થાન પામે તો તે દિવસથી કવિ કવિ મટી જાય છે.

આનો અર્થ એમ નહિં કે સનતકુમારનું નૈતિક જીવન અન્ય કવિઓ સરખું નિરંકુશ હતું. તેમનું ચારિત્ર્ય સ્ફટિક સરખું શુદ્ધ હતું. કવિપણાના બહાનાં નીચે સ્વેચ્છાચાર કરનાર નામધારી કવિઓ માટે તેમને ભારે તિરસ્કાર હતો. વિશુદ્ધ ચારિત્ર્ય વગર વિશુદ્ધ કાવ્યરચના અશક્ય છે એમ તેમની માન્યતા હતી. અને એ માન્યતા પ્રમાણે જ તેમનું વર્તન ઘડાયું હતું.

તેમની નિરંકુશતા કે અનિયમિતપણું જુદા પ્રકારનાં હતાં. કાવ્યરચનામાં નિમગ્ન રહેતા આ કવિવરને સમયનું ભાન ભાગ્યે જ રહેતું. વખતે તેઓ આખી રાત જાગતા અને કવિતાઓ રચતા. કાવ્યરચના એ સ્ફુરણો ઉપર આધાર રાખતી કલા છે. એ સ્ફુરણોને સ્થળ અને સમયનાં બંધન હોતાં નથી. તેઓ જમતા હોય અને એકાએક સ્ફૂર્તિ જાગૃત થાય! જમવાનું બાજુ ઉપર રહી જતું અને સનતકુમાર હૃદયમાં ઊઠતી કોઈ રચનાને નિહાળતા બેસી રહે! તેઓ વાત કરતા હોય અને હૃદયમાં કોઈ કલ્પના ચમકી આવે, કવિ એ કલ્પનાને ઘાટ આપવા વાત કરતા બંધ પડી જાય અને તેમના પત્ની કે મિત્રોને અજાણતાં ચમકાવે! નદીકિનારો, અવરજવર વગરનો માર્ગ, નિર્જન ખેતરો, અને અપૂજ શિવાલયોનો સહકાર તેમને અનુકૂળ રહેતો. કાવ્યની પ્રેરણા મેળવવા તેઓ એકલા અગાસીમાં રાત્રે બેસી તારાનાં ઝૂમખાં નિહાળતા, અગર દિવસે કોઈ બગીચાના એકાન્ત બાગમાં પુષ્પો સામે જોઈ રહેતા. તેમને વગર જરૂરની વાત કરતાં કંટાળો આવતો. તેમને મિત્રો ઓછા હતા; અને જે હતા તે કવિની વિચિત્રતાનો વિચાર કરી તેમને જેમ બને તેમ ઓછું જ મળતા. પરંતુ પત્નીનો સહવાસ તો નિત્યનો હોય જ એમાં નવાઈ શી?

સનતકુમાર સરખા પ્રતિષ્ઠિત કવિના પત્ની હોવાનું માન સુહાસિનીને મળ્યું તેથી તેઓ પોતાના ભાગ્યને વખાણતાં હતા. સનતકુમારની વિચિત્રતાઓ તેમને ગમતી. સનતકુમારનાં ઢંગ વગરનાં કપડાને સમારી તેઓ કવિને દેખાવડા બનાવતાં કવિની અનિયમિતતા વગર બોલ્યે ચલાવી લેતાં. કવિની અવ્યવસ્થાને તનતોડ મહેનત કરી વ્યવસ્થામાં ફેરવી નાખતાં. કવિઓ બજારનું કામ કે ઘરનું કામ કદી કરી શકતા નથી. સનતકુમાર તેમાં અપવાદરૂપ ન હતા. સુહાસિની બજારની ખરીદી અને ઘરની ઝીણી કામગીરી ઉપર જાતે જ દેખરેખ રાખી સનતકુમારને કવિતા લખવાની વધારે સગવડ કરી આપતાં હતાં.

સનતકુમાર આ બધું સારી રીતે સમજી શકતા હતા. કવિ મહાપ્રેમી પણ હોય છે. એટલે સુહાસિની પ્રત્યે સનતકુમારને અત્યંત પ્રેમ હતો. તેઓ ઘણી વખત સુહાસિનીના સુંદર મુખ તરફ જોઈ રહેતા. તેમણે પ્રેમ વિષે, પત્નીપ્રેમ વિષે કવિતાઓ પણ ઘણી લખી હતી. પરંતુ પ્રેમને નામે જીવનમાં પ્રવેશ પામતી નિરર્થકતાને તેઓ પોષી શકતા નહિ. એવી નિરર્થકતાઓ સામાન્ય માનવીના જીવનને ભરી દે એની હરકત નહિં, પરંતુ કાવ્યઉપાસના માંડી બેઠેલા કવિથી એ નિરર્થકતાઓને આવકારી શકાય એમ નહોતું.

કાવ્ય સ્ફુરતું હોય તો પત્નીના મુખ સામે જોવું વાસ્તવિક છે; પરંતુ નિરર્થક પત્નીના મુખ સામે જોઈ સમય વ્યતીત કરવો એ કવિને ભાગ્યે જ ફાવે. કાવ્યની ચર્ચા કરી કાવ્યરસનું આસ્વાદન કરાતું હોય તો પત્ની સાથે બોલવું બેશક જરૂરનું છે, પરંતુ ઘર ધોળવાની કે ચોખા મંગાવવાની વાતમાં કવિને પડવું ભાગ્યેજ પાલવે. ચોખ્ખું બાળક રોતું ન હોય તેને પાસે બોલાવી તેના હાસ્યમાંથી એકાદ કાવ્યનું સ્ફૂરણ મેળવી શકાય; પરંતુ સ્ફુરણોને ગૂંગળાવી ચીસો પાડતું બાળક કવિતાપોષક હોતું નથી. કવિતાને જે પોષક ન હોય તે કવિને કેમ ફાવે?

પર્વતમાળાનાં વર્ણન લખતી વખતે પત્ની આવી ગળે હાથ નાખી બેસે, એથી વર્ણનની તાદૃશ્યતા જરૂર ઘટી જાય. ઊડતી વાદળીના શબ્દચિત્ર કવિ દોરતા હોય અને પત્ની પાછળથી આવી આંખો ઉપર હાથ મૂકી દે એટલે વાદળીનું ચિત્ર ફિક્કું બને એ સહજ છે. ધૂમકેતુને સંબોધન લખતી વખતે પત્ની આવી ઝીણી ચૂંટી ભરી જાય તો સંબોધનની ભવ્યતામાં સામાન્ય ચિત્કાર દાખલ થાય અને કાવ્યરચના સામાન્ય બની જાય જ. ચંદ્રની ચાંદની વર્ણવતાં પત્ની ગલીપચી કરી જાય તો જરૂર ચાંદનીનો રંગ ઊડી જાય. કવિ કાવ્ય લખતા ન હોય તે વખતે પત્નીનો આખો મુકાયેલો હાથ કે ચમકાવતી ચૂંટી ઈચ્છવા યોગ્ય છે. પરંતુ કાવ્યલેખનના પ્રસંગે એ બધી ઝીણી ઝીણી રમતો શું નિરર્થક નથી બની જતી? રમતને જીવનમાં સ્થાન છે, પરંતુ કાવ્યકૃતિ તૈયાર થતી વખતે નહિ.

સુહાસિની કાવ્ય લખતા પતિના ખોળામાં જ એક દિવસે બેસી ગઈ.

‘કેમ આમ?’ પતિએ પૂછ્યું.

‘ખુરશીમાં બીજી જગ્યા જ ક્યાં છે?’ પત્નીએ જવાબ આપ્યો.

‘આ બીજી ખુરશી છે ને?’ પતિએ કહ્યું.

સુહાસિની બીજી ખુરશી ઉપર ન બેસતાં ઓરડાની બહાર ચાલી ગઈ અને સનતકુમારે એક કાવ્ય લખી નાખ્યું.

અગાસીમાંથી સંધ્યાના અનુપમ રંગો નિહાળતા સનતકુમાર એકાએક ચમક્યા. તેમના ગાલ ઉપર વિચિત્ર સુંવાળપ ફરતી લાગી. બાજુએ ફરી જોયું તો સુહાસિની હસતી તેમના ગાલ ઉપર એક પીછું ફેરવતી હતી.

‘જો મારી કલ્પના ઊડી ગઈ!’ અણગમો બતાવી સનતકુમાર બોલ્યા.

ઊડી જતી કલ્પનાને પકડી લાવવાની પતિને તક આપવા પત્ની એક અક્ષર પણ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ. તે રાતે એક સુંદર સાન્ધ્યગીત જગતની કાવ્યસમૃદ્ધિમાં ઉમેરાયું.

એક વીરકાવ્યની છેવટની કડીઓ ઘડતા સનતકુમારનું ધ્યાન-ભંગ કરતો સાદ સંભળાયો:

‘હવે મધરાત થઈ સુવું નથી?’ સુહાસિનીએ કહ્યું.

‘તુ શા માટે જાગે છે? સૂઈ જા.’ પતિએ જવાબ આપ્યો.

‘એમ ઊંઘ નહિ આવે. તમે પાસે આવો.’

‘આવું છું. આટલી કવિતા પૂરી કરી લઉં.’

‘હવે કાલે પૂરી થશે.’

‘કાલે? અત્યારે સ્ફુરેલી શબ્દાવલી કાલે કેમ યાદ રહેશે?’

‘યાદ ન રહે તો કાલે બીજી લખજો.’

‘હં! ‘ પતિએ સહજ હસી સ્ફુરેલી શબ્દાવલી બરાબર ગોઠવી વીરકાવ્યને સંપૂર્ણતા આપી.

‘પરંતુ પત્ની એટલામાં નિદ્રાવશ થઈ-કે પછી વગર બોલ્યે સૂઈ રહી.

સ્ફુરેલી વિચારશ્રેણી, ઝબકતી કલ્પના અને ગોઠવાતી શબ્દાવલી ફરીફરી તે જ સ્વરૂપે પ્રગટતી નથી. વીજળીની માફક એક વખત તે જાય એટલે ફરી હાથ લાગે નહિં. સઘળા કવિઓનો એ અનુભવ છે.

પરંતુ પત્નીપણું એવું રિસાળ અને અદેખું હોય છે કે તે કોઈની મહત્તા સહન કરી શકતું નથી. જરૂર બતાવાય તો માગ્યે ઝૂંટ્યે તે સર્વસ્વ આપે છે. પરંતુ લગીર સરખી બેદરકારી સામે પત્નીપણા સિવાય બીજું સઘળું ગૌણ બની રહેવું જોઈએ. પત્ની હરીફ સહન કરી શકતી નથી-પછી તે હરીફ પ્રતિષ્ઠાનું રૂપ ધારણ કરે, કે કલા-સેવાનું રૂપ ધારણ કરે.

સુહાસિનીએ ત્યાર પછી અદભુત શાન્તિ ધારણ કરી. કવિ સનતકુમારને તેણે સતત કવિતા લખવા દીધી. કાવ્યપ્રવાહને કદી કોઈ પણ રીતે તેણે અટકાવવાની ભૂલ કરી નહિ, એટલું જ નહિ, પણ કવિતા વધારે પ્રમાણમાં લખાય એવી સગવડો ઊભી કરી આપતી. આ પત્નીએ પોતાનું વ્યક્તિત્વ અદૃશ્ય અને અસ્પર્શ્ય બનાવી દીધું. સનતકુમારને પત્નીની નિરર્થક ઘેલછાઓ હવે નડી નહિં. તેમની કાવ્યનૌકા સડસડાટ આગળ ચાલ્યે ગઈ.

3

આથી સુહાસિનીએ રિસાવાને કે અણગમાનો દેખાવ કર્યો એમ જરાય માનવાનું નહિ. તેમ કર્યું હોત તો સનતકુમારનો કાવ્યપ્રવાહ એ કારણે સહજ અટકે એમ હતું. સુહાસિનીએ સદાય હસતું મુખ રાખ્યું હતું. અને પતિની પ્રથમ કરતાં પણ વધારે કાળજી લેવા માંડી હતી. માત્ર પતિને નિરર્થક લાગતી-પરંતુ પોતાના જીવનમાં સદાય રસ ભરતી-ચેષ્ટા કરવી તેણે મૂકી દીધી હતી. સનતકુમારે કદી જાણ્યું ન હતું કે સુહાસિનીને હૃદય દુભાયું હતું. તે તો ઘણી વખત પત્ની પાસે આશ્વાસન મેળવવા મથતા.

‘જો ને, આ કોઈ વળી ટીકા કરે છે તે!’ પોતાની વિરુદ્ધ થતી એક જ ટીકાને ઊદ્દેશી તેઓ સુહાસિની આગળ બબડતા.

‘હોય એ તો! આટલા બધા સારું લખે છે. પછી શું?’

‘બધા જ સારું લખે છે. આ એક જ ટીકાકારને કોણ જાણે શું વેર છે?!’

‘વેર શાનું? આપણે એમ જ માનવું કે એકાદ વખોડનાર ન મળે તો નજર લાગે.’

‘એ પણ વખાણ તો કરે જ છે. માત્ર કાવ્યમાં માનવતા નથી એમ કહે છે. એટલે શું? માનવતાની વ્યાખ્યા શી?

‘વ્યાખ્યાને શું કરવી છે? એવી ટીકામાં જીવ રાખશો નહિ.’

આમ પતિ માગે ત્યારે પત્ની આશ્વાસન પણ આપતી. પરંતુ સોનાની થાળીમાં લોખંડની મેખ ખૂંચે તેમ સર્વવ્યાપી વખાણમાં થતી આટલી ટીકા સનતકુમારને ખૂંચ્યા કરતી હતી. તેમના કાવ્યગ્રંથો ઝડપથી લખાતા, ઝડપથી છપાતા અને ઝડપથી વેચાતા. કેટલાક સંગ્રહોની તો બીજી ત્રીજી આવૃત્તિઓ પણ થઈ ગઈ હતી. એક નવો કાવ્યસંગ્રહ લગભગ તૈયાર થઈ ચૂક્યો હતો. તેને છપાવવાની તૈયારી કરતી વખતે પછી પેલી ટીકાનો તેમને ભય ઉત્પન્ન થયો. આ ટીકા ન થાય માટે શું કરવું? ટીકાકારને રીઝવવાનો પ્રયત્ન કરવો એ તેમનાથી બને એમ હતું જ નહિ. તેમના તરફથી ટીકાનો જવાબ આપનારા અનેક પ્રશંસકોએ ઈચ્છા કરી જ હતી કે ટીકા કરનારે માનવતા શું અને ક્યાં નથી તે ચોક્કસ બતાવી આપવું જોઈએ. તેનો જવાબ ભાગ્યે જ મળતો. કવચિત્ મળતો તે એવી રીતનો કે ‘કવિમાં માનવતા દેખાય તો બતાવીશું. હમણાં તો તેનો કાવ્યમાં અભાવ છે એટલે સમજાવી શકાય એમ નથી.’

આ જવાબ વાજબી ન કહેવાય એમ સનતકુમાર જાણતા હતા છતાં આત્મનિરીક્ષણની કોઈ ઊર્મિમાં તેમનો વિચાર આવ્યો કે તેમણે પોતાનાં કાવ્યોને બારીકીથી પાછાં જોઈ જવાં. વિચાર આવતા તે નિશ્ચય બની ગયો. કવિઓ દૃઢ નિશ્ચયવાળા હોય છે. તેમણે સુહાસિનીને કહ્યું:

‘મારો વિચાર થોડા દિવસ એકાન્તસ્થળે જવાનો થાય છે.’

‘અહીં એકાન્ત નથી મળતું?’ મનમાં ઉત્પન્ન થયેલું દુઃખ સમાવી સુહાસિનીએ પૂછ્યું.

‘હું એકલો જ એકાદ માસ જઈ આવું. મારો નવો સંગ્રહ મારે જોઈ જવો છે.’

‘કેમ?’

‘પેલી ટીકા મને હેરાન કર્યા કરે છે. મારે જોવું છે કે મારાં કાવ્યોમાં માનવતા ક્યાં નથી?’

‘ભલે જઈ આવો.’ પતિની સર્વ પ્રકારની અનુકૂળતા પૂરી પાડવા તત્પર રહેતી સુહાસિનીએ કહ્યું.

અને સનતકુમાર એક નદી કિનારે આવેલા એકાન્ત સ્થળમાં પોતાનો કાવ્યસંગ્રહ લઈ એકાદ માસ માટે રહેવા ગયા, સાથે એક રસોઈયો માત્ર લીધો.

નદી કિનારાના એકાન્તમાં જઈ તેમણે પોતાનો નવો સંગ્રહ ફરી તપાસવા માંડ્યો. વાતાવરણ કવિતાથી ભરપૂર હતું. લખેલાં કાવ્યો તપાસતાં હતાં, એટલું જ નહિ, પણ નવાં કાવ્યો રચાતાં હતાં. એક માસની અંદર તો બીજો કાવ્યસંગ્રહ પ્રગટ થાય એટલી કાવ્ય સંખ્યા વધી ગઈ. માત્ર એક મહાચિંતા તેમને લાગુ પડી હતી કે ‘તેમાં માનવતાનો સ્વીકાર થશે કે કેમ?

જૂનાં નવાં કાવ્યો તેઓ વારંવાર વાંચતા અને પોતે તેમાં માનવતા નિહાળી સંતોષ પામતા. પરંતુ પોતાનો સંતોષ એ ટીકાકારનો સંતોષ હોતો નથી. ટીકાકારનો વિચાર કરી તેઓ ચીડાઈ ઊઠતા અને પોતાની પત્ની પાસે ન હોવાથી સ્વગત ઉદગાર દ્વારા એ ચીડને વ્યક્ત કરતા.

‘શું કહેવા માગે છે એ?… માનવતા એટલે શું?… હું શું માનવી નથી?… મારામાં માનવતા નથી?’

નદીતટના એકાન્તમાંથી એ અજાણ્યા ટીકાકારનો બોલ સામો સંભળાતો:

‘કવિતામાં મહત્તા છે – માનવતા નથી.’

તેઓ હાથ પછાડતા, અને ક્વચિત દાંત પીસતા, રસોઈયો ગભરાઈ ઊઠતો. આવા સર્વમાન્ય મહાકવિ આવી ઘેલછા કેમ કાઢતા હશે તેની એને ખબર નહોતી. એક રાતે તો સનતકુમાર સ્વપ્નમાં પણ પોકારી ઊઠયા. ભયભીત રસોઈયાને ભૂતની કલ્પના થઈ આવી. કોઈ પણ ઘેલછા અને ભૂતનો વળગાડ સરખી ચેષ્ટા ઉત્પન્ન કરે છે. એટલે રસોઈયાની માન્યતા હસી કાઢવા જેવી નહોતી. સવારમાં કવિ સનતકુમાર ભારે તાવથી બેભાન પડ્યા હતા. એ જોઈને બી ગયેલા રસોઈયાએ વૈદ્ય અને ભૂવાને બોલાવી ઉપચાર કરવા મંથન કર્યું અને સાથે કોઈ ડાહ્યા માણસની સલાહ પ્રમાણે સુહાસિનીને તાર કરી બોલાવી પણ ખરી.

સનતકુમાર જેવા કવિ માટે કોઈ પણ ડૉકટર સારવાર કરવાની ના પાડે એમ નહોતું. સુહાસિની પોતાની સાથે એક સુપ્રસિદ્ધ ડૉક્ટરને પણ લેતી આવી. કવિને એકલા જવા દીધા તે માટે સૃહાસિનીને ઠપકો આપ્યો. કવિએ પોતાના શરીરની દરકાર રાખ્યા વગર નદીકિનારે ફરવા માંડ્યું હતું. તેમાંથી ફેફસાંને સોજો ચડી ગયો. તેને લીધે તેમની સ્થિતી ગંભીર બની ગઈ હતી. ઉપરાંત તેમના મગજ ઉપર અત્યંત ભારણ હતું તેની અસર પણ દેખાતી હતી.

‘તમારે એમને કવિતા લખવાની થોડા દિવસ મનાઈ કરવી જોઈતી હતી.’ ડૉક્ટરે સુહાસિનીને કહ્યું.

સુહાસિનીએ ઠપકો સાંભળી લીધો, મનાઈ કર્યાથી સનતકુમાર કવિતા લખવી બંધ કરે એ અશક્ય હતું. પરંતુ ડૉકટરને તે કહ્યાનો કશો ઉપયોગ નહોતો. ડૉક્ટરની દવા અને સુહાસિનીની સારવારથી સનતકુમાર બેત્રણ દિવસે ભાનમાં આવ્યા.

ભાનપૂર્વક કવિએ પોતાની આંખ ઉઘાડી તો તેમને બે તારા ટમકતા દેખાયા; નહિ, બે તારા મઢેલો ચંદ્ર દેખાયો. કવિને વિચાર આવ્યો કે તેમણે આવી કદી કલ્પના પણ નહોતી કરી. ચંદ્રમાં તારા કેવા? વળી એ ચંદ્ર ધવલ આકાશગંગાથી બે પોયણાં લંબાઈને તેમના મસ્તક ઉપર અને મુખ ઉપર ફરતાં લાગ્યાં! એ સુવાળા ફરતાં પોયણાંને પકડી તેમણે અંક ઉપર દબાવ્યાં.

એ તો કોઈનાં હાથ હતા! તેમણે ફરી આંખ ઉઘાડી. એ ચંદ્ર? કે ચંદ્ર સરખા મુખવાળી ધવલ વસ્ત્રધારી સુહાસિની?

‘હું કયા છું?’ સનતકુમારે પૂછ્યું.

‘મારી પાસે.’ સુહાસિનીએ કહ્યું.

સનતકુમાર પત્નીના ખોળામાં લપાયા. તેમને લાગ્યું કે તેમણે કદી ન અનુભવેલું સુખ તેઓ અત્યારે અનુભવતા હતા. મહાન સ્ફૂરણોએ ન ઉપજાવેલી ઊર્મિ તેમના હૃદયમાં ઊછળી આવી. એ કઈ નવીનતા તેમને અત્યારે જડતી હતી? ઉચ્ચમાં ઉચ્ચ કલ્પનાએ પણ ન ઉપજાવેલો કંપ તેમને થતો હતો. કોઈ મહાકાવ્ય તેમને સ્ફૂરતું હતું! એ કાવ્ય વાણીમાં ઊતરતું નહોતું. વૈખરીમાં એ કાવ્યને ઉતારી બગાડી નાખવાની વૃત્તિ જ તેમને થઇ નહિ. કવિએ પત્ની- સ્પર્શથી કવિતા માત્ર અનુભવી.

‘આપણે કયાં છીએ?’ સનતકુમારે કેટલીક વારે પૂછ્યું. સુહાસિનીએ સઘળી હકીકત કહી. કવિતા લખવા અને સુધારવા માટે સનતકુમારને એકાંત સેવવાની કેમ ઈચ્છા થઈ તે સમજાયું નહિ. કવિતાની મૂર્તિ સરખી પત્નીને આંખથી દૂર કરી કવિતા લખવા મથવું એ તેમને ઘેલછા લાગી. એ ઘેલછામાં તેમણે આખા જીવનનો રસ ખારો કરી મુક્યો હતો તેની હવે તમને સમજણ પડી. માંદગીમાં તેમણે પત્નીનું સતત સાનિધ્ય ભોગવ્યું અને સાનિધ્યમાં તેમણે નવી જ કવિતાનું આસ્વાદ કર્યું. તેમને ખાતરી થઇ કે કાવ્યના નવે રસ ઘરમાં રહીને જ પૂર્ણપણે અનુભવાય. આકાશને જોવાથી અગર તારા ગણવાથી પ્રેરણા મળી શકતી નથી; સ્નેહીનાં હાથ અને સ્નેહીની આંખમાં બાહ્ય જગતનાં બધાંય સૌન્દર્ય સમાણા હોય છે. સમષ્ટિ કે કુદરતમાં જે સૌન્દર્ય અને ભવ્યતા રહેલાં છે, તે સઘળા એક વ્હાલસોયી પત્નીમાં સંક્રાન્ત થયેલાં હોય છે એટલું જ નહિ, પણ કુદરતના અસ્પૃશ્ય, અસ્પષ્ટ સૌન્દર્ય પત્નીમાં સ્પૃશ્ય અને સ્ફુટ બની જાય છે. જે કુદરતમાં નથી એ સ્નેહીમાં જડે છે. એ શું? એ જ માનવતા તો નહિ? સ્નેહીને હડસેલી જે કુદરતને ભજે છે તે માનવતાને પામતો નથી: તે પામે છે માત્ર પ્રતિષ્ઠાનો પડછાયો.

કવિ સનતકુમારની તબિયત સુધરી ગઈ. પત્નીને પાસે બેસાડી ટપાલ જોતાં તેમનાં હાથમાં તેમની છેલ્લી કવિતાઓનાં સંગ્રહનાં છપાયેલાં પાનાં આવ્યાં.

‘આ કવિતાઓ કોણે છપાવી?’ તેમણે પૂછ્યું.

‘તમે. વળી બીજા કોણે?’ સુહાસિનીએ જવાબ આપ્યો.

‘મેં છેવટે તપાસી લીધાનું યાદ છે, પણ છપાવાની હા પાડી નથી.’

‘મેં તે બધો સંગ્રહ પ્રકાશકને મોકલ્યો હતો. તમારી તબિયત સારી નહિ અને પ્રકાશક ઉતાવળ કર્યા કરતા હતા. તમે કવિતાઓ સુધારવા ગયા હતા એટલે મેં જાણ્યું કે હવે તે છપાવાવાની જ છે.’

‘પણ મારે સંગ્રહ છપાવવાનો નથી.’

‘બધું છપાઈ ગયું છે. હવે તો પ્રસ્તાવના લખો એટલું જ બાકી છે.’

‘મારે પ્રસ્તાવના લખવી ય નથી અને આ સંગ્રહ છપાયો હોય તો ય તે બહાર પાડવો નથી.’

‘કેમ?

‘હું પેલી ટીકા સાથે મળતો થાઉં છું.’

‘કઈ ટીકા ?’

‘કેમ ભૂલી જાય છે ? મારી કવિતામાં માનવતા નથી એ હું સ્વીકારું છું.’

‘પણ આ સંગ્રહમાં તો માનવતા ઉભરાય છે. મેં છપાવતાં છપાવતાં બધાં કાવ્યો એ વિવેચક તરફ મોકલ્યાં હતાં. તેમનો અભિપ્રાય હું કહું છું ; મારો નહિ.’

‘તેમનો અભિપ્રાય લેખિત છે ?’

‘હા.’

‘ક્યાં છે ?’

‘કંઇક મુકાઈ ગયો છે, પણ તેની જરૂર નથી. આજે તેઓ જાતે આવી તમને રૂબરૂ અભિપ્રાય આપશે.’

‘એમ ? એ વિવેચક કોણ છે ?’

‘તે તો મનેય ખબર નથી. મેં તો પેલા માસિકના તંત્રીને પાનાં મોકલ્યાં હતાં, અને તેમણે એ વિવેચકને પહોંચાડ્યાં હતાં. હજી નામની ખબર નથી.’

‘એ ક્યારે આવનાર છે ?’

‘સાંજે ચારેક વાગ્યે.’

સનતકુમારનાં કાવ્યોમાં છેવટે માનવતાનો સ્વીકાર થયો ! એટલું જ નહિ, પણ એ તલસ્પર્શી ઉદાર વિવેચક જાતે આવી માનવતાનો સ્વીકાર કરી, સનતકુમારને કવિસમ્રાટ તરીકે જાહેર કરે એ વિચારે સનતકુમારમાં સ્ફૂર્તિ પ્રેરી. ચાર વાગવાની રાહ તેમણે જોવા માંડી. ત્રણ વાગ્યાથી તેમણે સ્વચ્છ કપડાં પહેરી લીધાં. રોજનું રેઢિયાળપણું પહેરવેશમાંથી અદ્રશ્ય થઇ ગયું હતું.

ચાર વાગ્યા અને શ્વેત વસ્ત્રોમાં દીપતી સુહાસિનીએ લેખનગૃહમાં પગ મૂક્યો. તેણે સાદાં જ વસ્ત્રો પહેર્યા હતાં; પરંતુ વસ્ત્રોને અનુકૂળના ફૂલના ગજરા સાથે બાંધ્યા હતા. તેના હાથમાં ચાનો સરસામાન હતો. સનતકુમારની સામે બેસી તેણે ચાની તૈયારી કરવા માંડી.

‘કેમ ઉતાવળ કરે છે ?’

‘ચાર વાગી ગયા. હવે ચાનો વખત થયો.’

‘જરા થોભી જઈએ.’

‘શા માટે ?’

‘પેલા વિવેચકને આવવા દઈએ.’

‘તે આવી ગયા.’

‘ક્યાં છે? બોલાવતી કેમ નથી?’

‘તે તમારી સામેજ છે. તેમને બોલાવવાની જરૂર નથી.’

‘શું ? જરા સમજાય એવું બોલ.’ સનતકુમાર વ્યાકુળ બની બોલી ઊઠ્યા.

‘તમારામાં સમજ ક્યાં છે? જોજો, માનવતા પાછી ઓસરી ન જાય.’ સુહાસિની બહુ દિવસે ખડખડ હસી.

સનતકુમાર ફાટી આંખે સુહાસિનીને જોઈ રહ્યા. ક્ષણ બે ક્ષણ પછી તેમનું આશ્ચર્ય સ્થિર થતાં તેઓ બોલી ઊઠ્યા.

‘ત્યારે એ ટીકા તું લખતી હતી ?’

‘પતિની ટીકા પત્નીથી ન જ થાય એમ માનો છો?’

સનતકુમાર એકાએક ઊભા થયા. તેમણે પૂછ્યું:

‘મને કહ્યું કેમ નહિ ?’

‘મારી સાથે વાત કરવાની તો તમને ફુરસદ નહોતી.’

બે ડગલાં ભરી તેઓ સુહાસિનીની પાસે આવી ઊભા. તેનું મસ્તક ઊંચકી તેની આંખો સાથે આંખો મેળવી સહજ કડકાઈથી તેમણે પૂછ્યું :

‘આ તોફાનનું શું પરિણામ આવશે તે તું જાણે છે ?’

‘પરિણામ આવી ગયું.’ સ્થિરતાથી સુહાસિનીએ જવાબ આપ્યો.

‘શું ?’

‘કવિતાએ ચોરી લીધેલા મારા પ્રિયતમ મને પાછા મળ્યા.’ બહુ જ ધીરે સાદે સુહાસિની બોલી.

ખણખણતા પ્યાલારકાબીના અવાજ ભેગો એક ધીમો ગૂંગળાતો સાદ સંભળાયો :

‘મારી કવિતા !’

કવિ અને કવિપત્ની ચા પી રહ્યાં તે વખતે જમીન ઉપર ફૂલ વેરાયેલા પડ્યાં હતાં.

(લેખકના વાર્તાસંગ્રહ ‘પંકજ’માંથી)

[download id=”358″][download id=”405″]