બીજી બધી છોકરીઓની જેમ દુર્ગા પણ નાની હતી ત્યારે, ભાવિ જીવનનાં સપનાં સેવતી. ક્યારેક પોતાને મિલમાલિક પતિ મળે તેમ ઈચ્છતી, તો ક્યારેક વળી તેનાથી નીચે ઊતરી પોતાનો પતિ કોઈ ઉચ્ચ સરકારી અમલદાર હોય તેમ પણ ઈચ્છતી; પણ એથી નીચલી કક્ષાના પતિનો તો વિચાર જ ન કરતી. અને, વિચાર આવતો તો તેને, રખડુ કૂતરાને ઘરમાંથી હાંકી કાઢીએ તેમ, મનમાંથી હાંકી કાઢતી. તેવા ઊંચા મોંભાના પતિને લાયક કન્યા બનવા માટે તે બી.એ. થવા સુધીનાં સ્વપ્ન પણ સેવતી. પોતાને હીરામોતીનાં ઘરેણાં, નાઈલોનની સાડી અને પ્લાસ્ટિકના પ્લેટફોર્મ ચંપલ પહેરીને પોતાના શેઠ કે અમલદાર પતિ સાથે મોટરમાં કે સિનેમાઘરમાં અંગ્રેજીમાં વાતો કરતી કલ્પી તે રાચી ઊઠતી, ને ક્યારેક એકાંતમાં નાચી પણ ઊઠતી.

પણ સેવેલાં સ્વપ્ન બધાં જ સાકાર થોડાં જ થાય છે? દુર્ગા નીચલા મધ્યમ વર્ગનાં માબાપની દીકરી. કુટુંબ ઘણી આર્થિક ભીંસમાં રહેતું. એટલે દુર્ગા કૉલેજ તો શું પણ હાઈસ્કૂલનો ઉંબરો પણ ન ભાળી શકી. શાળાન્ત સુધી માંડ માંડ પહોંચતાં સુધીમાં દુર્ગા સમજી ગઈ કે કાળાન્ત સુધી પણ પોતે હવે આગળ ભણી શકવાની નથી. એ પછીથી મિલમાલિક અને સરકારી અમલદાર તેના મનામાંથી દૂર સરવા લાગ્યા.

આખરે યોગ્ય ઉંમરે તેનાં માબાપે કેસરિયા ગામના, અને તે જ ગામમાં શિક્ષકની નોકરી કરતા સીનિયર ટ્રેઈન્ડ નરભેરામ માસ્તર સાથે તેનાં લગ્ન કર્યાં. નરભેરામ માસ્તર મૂળ અનટ્રેઈન્ડ હતા, પણ પછી તેમને સરકાર તરફથી એક રાષ્ટ્રીય સંસ્થાના અધ્યાપન-મંદિરમાં તાલીમ માટે મોકલવામાં આવ્યા. ત્યાંથી બે વર્ષને અંતે તેઓ પાછા ફર્યા ત્યારે થોડી ખાદીભાવના અને નવી કેળવણીના વિચારો લેતા આવ્યા હતા. સ્વભાવે નરભેરામ ખુશમિજાજ હતા. લગ્ન પછી થોડે સમયે, નિકટતા વધ્યા પછી, દુર્ગાએ મિલમાલિક પતિ પામવાનાં પોતાનાં સ્વપ્નોની વાત કરી ત્યારે નરભેરામે કહેલું “એમ તો હું પણ મિલમાલક છું” અને પછી સામી ભીંતે લટકતો પોતાનો પેટીરેંટિયો બતાવી કહે, “જો રહી પેલી મારી એક ત્રાકની સ્પિનિંગ મિલ !”

દુર્ગા અને નરભેરામનો સંસાર ઠીક ઠીક સરળતાથી ચાલવા લાગ્યો. નરભેરામ અને દુર્ગાને કુટુંબપ્રયાજન કે કુટુંબનિયોજન બેમાંથી એકેયની ખબર નહોતી. કુટુંબવૃદ્ધિ યથાકાળ નિયમિત થતી ગઈ અને એમ કરતાં બાળકોની સંખ્યા આઠ સુધી પહોંચી. કુટુંબ વધારો અને પગાર વધારો સરખા પ્રમાણમાં થતા ન હતા એટલે આ દંપતીને આર્થિક ભીંસ ઠીક ઠીક રહેતી.

નરભેરામ શિક્ષક તરીકે સફળ ગણાય. જ્યાં તેમણે તાલીમ લીધી ત્યાંથી બેત્રણ નાડાં પકડી લાવ્યા હતા – ટ્યુશન કરવાં નહીં, વિદ્યાર્થીઓને કંટાળ્યા વિના ભણાવવા, શારીરિક શિક્ષા કરવી નહીં. અલબત્ત, આ સિદ્ધાન્તોને વ્યવહારમાં ઉતારતાં તેમને વાર લાગી. પણ તેઓ પ્રયત્નશીલ રહેતા અને ધીમે ધીમે ઠીક સફળ થઈ શક્યા હતા. ગામડાગામમાં ટ્યુશન તો શું મળે; પણ વર્ષાન્ત પરીક્ષા નજીકના મહિનાઓમાં ગામના મહાજન કે ગરાસિયા કે કોઈ માતબર ખેડૂત પોતાના બાળકને પૈસાવડિયે ભણાવવા કહેતા ત્યારે માસ્તર પૈસા લેવાની ના પાડતા અને એમ ને એમ ભણાવતા. સોટીનો ઉપયોગ પણ તેણે ઘણો ઓછો કરી નાખ્યો હતો. એકંદરે ગામમાં અને વિદ્યાર્થીઓમાં માસ્તરની સુવાસ સારી હતી. માસ્તરને પૈસાની તાણ તો ઘણી રહેતી, પણ માંડ માંડ ગાડું ગબડ્યે જતું. મોસમ પ્રમાણે ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓ શેરડી કે સિંગ કે ગોળ કે પોંક કે શાકપાંદડું માસ્તર માટે લાવતા, જેનો તેઓ સાભાર સ્વીકાર કરતા. પણ માસ્તર કદી માગતા નહીં કે આશા પણ રાખતા નહીં એ તેમનો સદગુણ હતો.

દુર્ગા પણ કોઠાડાહી હતી અને તેથી પોતાનાં સ્વપ્નો પ્રમાણે દસ હજાર ત્રાકની મિલના માલિકને બદલે એક જ ત્રાકની મિલનો માલિક મળ્યો તેનાથી સંતોષ માની તેણે મનને વાળી લીધું હતું. ગુસ્સામાં કે પ્રેમોદ્રેકમાં તે માસ્તરને માસ્તરડો કહેતી. ક્યારેક મહેમાન કે ઉપરી આવતા અને તે કારણે ઘસાવું પડતું ત્યારે દુર્ગા અકળાઈ ઊઠતી. એકવાર એક નિરીક્ષક સાહેબ શાળાનું નિરીક્ષણ કરવા આવ્યા. દુર્ગાએ પોતાના છોકરા સાથે સાહેબને પુછાવ્યું કે આપને ઘઉંની રોટલી ફાવશે કે બાજરાના રોટલા? ત્યારે નિરીક્ષક સાહેબે જવાબમાં કહેરાવ્યું કે, રોટલારોટલી ખાવા માટે શું અહીં સુધી લાંબા થઈએ છીએ? આવા એકબે અનુભવ પરથી નરભેરામ માસ્તરે સમજી લીધું હતું કે નિરીક્ષણ એ પણ સૌંદર્યની પેઠે વસ્તુગત નથી પણ ભાવનાગત છે અને નિરીક્ષકની ભાવના એને મળેલા ભોજનગત છે. ભોજન મીઠું તો ભાવના મીઠી અને ભાવના મીઠી તો નિરીક્ષણનો રિપોર્ટ મીઠો. પછીથી કરકસરની દ્રષ્ટિએ નરભેરામ અને દુર્ગાએ નિરીક્ષક સાહેબની માસિક મુલાકાતોને પર્વદિનો ગણી હોળીદિવાળી જેવા દિવસોએ મિષ્ટાન્ન રાંધવાનું બંધ કર્યું હતું.

આમ જીવનમાં ગોઠવાઈ ગયા છતાં દુર્ગાનું મન ક્યારેક ક્યારેક ઉધામા ખાતું. જૂનાં સ્વપ્ન તાજાં થતાં અને તે ન ફળ્યાંનો અસંતોષ ઊથલા મારતો. નિમિત્ત મળે ત્યારે આમ ખાસ બનતું.

એકવાર મુંબઈના એક શેઠ પોતાની ઘરની મોટરમાં પોતાની પત્ની સાથે કાઠિયાવાડ ફરવા નીકળેલા. કેસરિયા પાસેથી પસાર થતા અચાનક તેમની મોટર ગામબહાર નિશાળ પાસે ખોટકી. માસ્તરને ખબર પડી એટલે શેઠ-શેઠાણીને તેઓ પોતાને ઘેર તેડી ગયા અને ત્યાં દુર્ગાએ પ્રેમથી તેમનું સ્વાગત કર્યું. શેઠાણીની ઈચ્છાથી બાજરાના ઊના ઊના રોટલા, ઘી ને ગોળ જમાડ્યાં. શેઠ મોટા મિલમાલિક હતા. માસ્તરના ઘરના સ્વાગતથી બંને ઘણાં ખુશ થયાં અને જતી વખતે આગ્રહપૂર્વક બાળકોના હાથમાં પાંચ રૂપિયા આપતા ગયાં. તે દિવસે રાતે બિચારી દુર્ગાને પોતાનાં બાળપણનાં સપનાં તાજાં થયાં. ઊંઘમાં પોતે મુંબઈની દસ હજાર ત્રાકની શ્રી નિર્ભય મિલ્સના માલિક શ્રી નિર્ભયરામ શેઠની પત્ની બની ગઈ. નાઈલોનની બારીક સાડી પહેરી છે, શરીર પર હીરામોતીના દાગીના છે, કાંડે સોનાની(ચૌદ કેરેટ) ઘડિયાળ છે, પગમાં પ્લેટફોર્મ ચંપલ છે અને પોતે સાંજના શેઠની સાથે એક સરસ મોટરમાં (એને બનાવટનું નામ નહોતું આવડતું-પણ એ તો એર કન્ડિશન્ડ રોલ્સ રોઈસ જ હોય ને?) ફરવા નીકળી છે. મોટરના એન્જિનનો ધીમોધીમો ઘરરર અવાજ કાન પર પડ્યા કરે છે. એકાએક એન્જિનનો અવાજ બંધ થઈ ગયો અને શેઠે કહ્યું, ‘નીચે ઊતરો.’ ઝબકીને તે જાગી અને જુએ તો સામે જ, નિયમ પ્રમાણે પોતાને અને પોતાની પત્નીને માટે બે પ્યાલા ચા પ્રાઈમસ પર તૈયાર કરી, પ્રાઈમસ બંધ કરતાં કરતાં નરભેરામ માસ્તર કહી રહ્યા હતા; ‘ઊઠો ને ખાટલેથી નીચે ઊતરો-ટી રેડી છે.’ મિલમાલિક ક્યાંય ઊડી ગયા અને એનો એ માસ્તરડો ને માસ્તરડો સામે બેઠો હતો ! પોતાની થીંગડાવાળી સાડી સંકોરી ઊઠી, કોગળા કરી દુર્ગા માસ્તરડાએ તૈયાર કરેલી ‘બેડ ટી’ પીવા બેઠી અને સ્વપ્નના નિર્ભયરામ શેઠ અને દુર્ગા સાથે પોતાના બન્ને દીદાર સરખાવવા લાગી. પછી દુર્ગા હસી પડી અને પોતાના સ્વપ્નની વાત પતિને કરવા લાગી. વાત સાંભળી પતિએ કહ્યું, ‘તું હવેથી ચૈત્ર મહિને અલૂણાં ન કરતી, નહિતર આવતે ભવે પણ આ માસ્તરડો ને માસ્તરડો મળશે.’

શ્રીવીસાવદરિયા નરભેરામના સહાધ્યાયી હતા. પણ નરેભેરામના અભ્યાસનો અંત શાળાન્ત સાથે જ આવી ગયો, જ્યારે વીસાવદરિયા આગળ જઈ શક્યા અને કૉલેજનો અભ્યાસ પૂરો કરી હમણાં થોડા વખત પહેલાં જ કેસરિયા ગામ જે તાલુકામાં આવતું હતું તે રૂપાવટી તાલુકાના વિકાસઘટક અધિકારી તરીકે નિમાઈ આવ્યા હતા. વીસાવદરિયા અવારનવાર જીપમાં પોતાના કુટુંબ સાથે કેસરિયા નરભેરામને ત્યાં આવતા. દુર્ગા જોતી કે વિકાસઘટક અધિકારી બન્યા પછી વીસાવદરિયાનું શરીર શુક્લ પક્ષના ચંદ્રની જેમ વધ્યે જતું હતું. બિચારી શાળાન્ત સુધી ભણેલી એટલે તેને સંસ્કૃત શબ્દાર્થનું ઝાઝું જ્ઞાન નહોતું, તેથી ઘણીવાર આશ્ચર્યપૂર્વક વિચારતી કે વિકાસઘટકમાં વિકાસ ઘટવાને બદલે વધતો કેમ હશે? તે કરતાં વિકાસવર્ધક ખાતું એવું નામ વધારે સાચું નથી? વીસાવદરિયાના પત્નીનું પણ, પતિ અમલદાર થયા પછી સામાજિક ગૌરવ વધ્યું એની સાથે શારીરિક ગૌરવ પણ ઘણું વધ્યું હતું. સામી બાજુ દુર્ગા-નરભેરામના જીવનમાં કૃષ્ણપક્ષનું સામ્રાજ્ય વ્યાપ્યું હતું. બાપડી દુર્ગાને આ દંપતી જોતાં પોતાનાં બાળપણનાં સપનાં તાજાં થતાં. કે આવા માસ્તરડાને પરણી તે કરતાં આવો કોઈક મળ્યો હોત તો જીવનમાં કાંઈક સુખસગવડ તો મળત ! આ સાહેબને તો જોઈએ ત્યારે જીપ મળે ને અહીં તો ગાડાનાયે સાંસા !

આર્થિક મુશ્કેલી તો હતી જ, તેમાં વળી નવમા બાળકે આવી કુટુંબના સભ્યોની સંખ્યા એકાદશીની કરી ત્યારે તો એકાદશી સામે ડોળા ફાડવા લાગી. વચ્ચે વચ્ચે પ્રસંગો એવા આવ્યા જ્યારે મોટાં બાળકોને અલ્પાહાર અને પોતાને બન્નેને એકટાણાનો કાર્યક્રમ રાખવો પડ્યો. પછી તો દુર્ગા ખરેખર ખૂબ અકળાઈ અને માસ્તરડા પર ગુસ્સે થઈ. મનમાં વિચારવા લાગી કે હવે તો કાશી ચાલી જાઉં અને ત્યાં કરવત મુકાવી આવતે ભવ માસ્તરડાને બદલે મિલમાલિક કે કમસે કમ વિકાસઘટક અધિકારીની પત્ની થવાનું માગું. વિચારે જોતાજોતામાં નિશ્ચયનું સ્વરૂપ લીધું અને દુર્ગાએ તો મનમાં નક્કી કર્યું કે આજ ને આજ રાતમાં માસ્તરડાને અને પોતાનાં પોણાં ડઝન બાળકોને છોડી કાશી ભેગી થઈ જાઉં-આ ભવે આ દુઃખમાંથી છૂટું અને આવતે ભવ સુખમાં પડું !

મધરાત થઈ. દુર્ગા ભારે હૈયે છતાં મક્કમ મને મહાભિનિષ્ક્રમણ કરી કાશીની દિશામાં ચાલી નીકળી. ચાલતી, થાકતી, ભિક્ષા માગી ખાતી, ત્રણેક મહિને એક સાંજે કાશીનગરીમાં તેણે પગ મૂક્યો. પૂછતાં ખબર પડી કે કાશીનગરી બહારના ભાગમાં કરવત મુકાવવાનું સ્થળ છે. ત્યાં કરવત મુકાવવા આવનાર માટે ધર્મશાળા જેવું છે જ્યાં રાતવાસો રહેવાની સગવડ મળે છે. કરવત મુકાવવાનું કામ વહેલી સવારે પાંચ વાગ્યેથી શરૂ થાય છે. દુર્ગા તો અન્નસત્રમાં ખીચડી ખાઈ સાંજે ને સાંજે કરવત મુકાવવાને સ્થળે ગઈ. ત્યાંની ધર્મશાળાની ઉઘાડી ઓશરીમાં એક ખૂણામાં સવારની રાહ જોતી ટૂંટિયાં વાળી પડી. હવે અંધારું થયું હતું, થોડી વારે એક સ્ત્રીની આકૃતિ દેખાઈ. તે તે જ ઓશરીમાં દુર્ગાથી પંદરેક ફૂટ દૂર સૂતી. તે પછી પાંચ દસ મિનિટે બીજી એક સ્ત્રીની આકૃતિ દેખાઈ અને તે પણ પેલી સ્ત્રીની નજીક જઈ બેઠી. બન્ને સ્ત્રીઓ વાતો કરવા લાગી. દુર્ગા દૂર ખૂણામાં પડી તેમની વાતો સાંભળવા લાગીઃ

‘આ તો, બેન.’

‘હા, બેન.’

બન્નેના અવાજમાં વેદના હતી.

‘શું બેન ! કરવત મુકાવવા આવ્યાં હશો?’

‘હા, બેન.;

‘ક્યાં રહો છો? મારા ભાઈ શું કરે છે?’

‘રહું છું મુંબઈ. બેન, તમારા ભાઈ મુંબઈના મોટા મિલમાલિક છે. પાંચ મિલ છે.’

‘ત્યારે, બેન, તમને શું દુઃખ છે? એનાથી સારું આવતે ભવ તમે શું માગવાનાં હતાં?’

‘બેન, શું દુઃખ છે એમ પૂછો છો? શું દુઃખ નથી એમ પૂછો. એમ તો પાણી માગું ત્યાં દૂધ હાજર થાય એવો વૈભવ છે. પણ પૈસાને પરણી શું કરવું? સ્ત્રીને પુરુષનો પ્રેમ જોઈએ, સુખદુઃખમાં સાથે રહેવાનું જોઈએ. એ મળે તો ગરીબી પણ વેઠાય. શેઠનું તે કાંઈ જીવન છે? પૈસા કમાવા આડે એમને ઘડીનીયે ફુરસદ ક્યાં છે? મિલ ચલાવવા ઉપરાંત સટ્ટો ખેલે, આખો દિવસ ભાવતાલ ને તેજીમંદી બીજી વાત નહીં ! અરે દિવસ તો ઠીક રાતમાં પણ તારટેલિફોન ટ્રંકકોલ આવ્યા કરે ! નહીં ખાવાનાં ઠેકાણાં, નહીં સૂવાનાં-બસ પૈસો, પૈસો, પૈસો ! એકવાર તો પછી હું ખૂબ પાછળ પડી અને મેં શેઠને કહ્યું કે શેઠ આટલો પૈસો છે ત્યારે ચાલોને ક્યાંક યાત્રા કરીએ, દેશદેશાવર જોઈએ. આખરે શેઠ પીગળ્યા અને એકવાર અમે સાથે કાઠિયાવાડમાં ગિરનાર-સોમનાથ બાજુ પ્રવાસે નીકળ્યાં, પણ તેય અર્ધો પ્રવાસ માંડ કર્યો હશે ત્યાં કાંઈક તાર આવ્યો ને શેઠે તો મોટર લેવરાવી સીધી મુંબઈ ભણી ! અને પછી તો પાછા એના એ દિ ! હું તો બેન, છેલ્લે છેલ્લે એવી કંટાળી કે વિચાર થયો કે ચાલો કાશી જઈ કરવત મેલાવું ને આવતે ભવ બીજો કોઈ ધંધો કરનારો પતિ માગું, પછી વિચાર થયો કે ક્યો ધંધો કરતો પતિ માગવો, ત્યાં એક પ્રસંગ યાદ આવ્યો. અમે કાઠિયાવાડમાં પ્રવાસે નીકળેલાં ત્યારે વચ્ચે કેસરિયા નામના ગામે મોટર ખોટકેલી. તે વખતે ગામના માસ્તર અમને પોતાને ઘેર લઈ ગયેલા અને માસ્તર તથા તેમની ઘરવાળીએ અમારી મીઠી મહેમાનગીરી કરેલી. કાઠિયાવાડની એ મહેમાનગીરી હજુ ભુલાઈ નથી. માસ્તર ને તેમની ઘરવાળી ગરીબ ઘણાં, પણ તેમનામાં સંતોષ અને ઉદારતા જોયાં. એમના ઘરના બાજરાના જાડા રોટલામાં જે મીઠાશ લાગી તેવી મુંબઈના મેવામીઠાઈમાં પણ ચાખવા મળી નથી. એટલે મેં નક્કી કર્યું છે કે કાલે સવારે કરવત મુકાવવી અને આવતે ભવ માસ્તર પતિ માગવો, પણ બેન, તમે શે દુઃખે કરવત મેલાવવા આવ્યાં છો તે તો કહો.’

બીજી બાઈએ જવાબ આપવો શરૂ કર્યોઃ ‘બેન, મારું દુઃખ પણ તમારા જેવું છે. તમારા ભાઈ એમ તો ભણેલાગણેલા છે ને અત્યારે કાઠિયાવાડમાં રૂપાવટી તાલુકાના વિકાસઘટક અધિકારી છે. નોકરી તો બહુ સારી છે. પગાર સારો, માણસતુણસ, જીપગાડી, મોટાં મકાન રહેવા મળે, પણ બેન, રખડપાટ ઝાઝી, ખોટી આવક કરવાનું કાંઈક વધુ ને ખાતામાં ખટપટનો પાર નહીં. સાહેબ, સાહેબ સૌ કરે પણ સાહેબને ઉદ્વેગનો પાર નહીં, રાતમાં ઊંઘમાં પણ બકે, પેલો પાટડિયો મને ડિગ્રેડ કરાવવા મથે છે, પણ એને હું સીધો કરી દઈશ-ને એવું, એવું ઘણું બકે. અને વળી ક્યારેક બહારનો ગુસ્સો મારા પર ઉતારે ને બેન, કહેતા શરમ લાગે પણ કોઈકવાર મારા પર હાથ પણ ઉપાડે, મને તો એમ થાય કે જીભ કરડી મરી જાઉં, બહાર બધાં સાહેબનાં ઘરવાળાંને ‘બા, બા’ કરે: પણ ઘરમાં પોતાના ઘરવાળા આગળ ‘બા’ની કિંમત પાઈનીયે ન રહે ! અમલદારીનો અમલ ચડે છે. વળી, બેન, આટલી બધી જાડી થઈ ગઈ છું તે એમને ગમતું નથી. પોતે કાંઈ ઓછા જાડા નથી, પણ પુરુષોને કોણ જાણે જાડી સ્ત્રીઓ તરફ શોયે અણગમો થઈ ગયો છે ! ‘જાડી નહી, જાડી નહીં !’ તો બિચારી જાડીઓ ક્યાં જાય? પરણ્યા ત્યારે તો ઘણાય મને પાતળી જોઈને પરણ્યા હતા પણ પછી આ બેઠાડુપણામાં ચરબી જોર કરી ગઈ. તેમાં મારો શો વાંક? આમ, બેન, હું તો બહુ જ અકળાઈ ગઈ. તમે કેસરિયા ગામના જે માસ્તરની વાત કરી તે તમારા ભાઈના પણ સંબંધી છે. તેથી અમે અવારનવાર તેમને ત્યાં જઈએ છીએ. બેન, દુનિયામાં પોતાને છે તેનાથી કોઈને સંતોષ નથી. માસ્તરની ઘરવાળી બિચારી પોતાની ગરીબીને રોતી હતી. મેં તેને કહ્યું, બેન, તમે સાચું માનશો નહીં, પણ તમારા ગરીબ જીવનમાં જે સુખ છે તે અમારા જીવનમાં નથી. મને તો તમારું જીવન જ ગમે. પછી હમણાં થોડા વખત પહેલાં એક દિવસ સાહેબ ઓફિસેથી ખૂબ ગુસ્સે થઈને આવેલા હશે ને એમાં મેં કંઈક ઘરેણાની માંગણી કરી એટલે ખૂબ ખિજાઈને એમણે મને ન કહેવાનાં વેણ કહ્યાં અને ગાલ પર બે તમાચા ચોડી મને કહ્યું, તને રૂના ધોકડા જેવીને ઘરેણાં શું શોભવાનાં હતાં? બેન, મને તો એવું માઠું લાગ્યું કે મેં તો તે જ ઘડીએ નક્કી કરી લીધું કે ચાલ, જીવ, કાશીએ જઈ કરવત મેલવું ને આવતે ભવ ગરીબ માસ્તર પતિ માગું. હવે સવારે કરવત મુકાવવી છે ને તમારી જેમ કેસરિયાના નરભેરામ માસ્તર જેવો પતિ માગવો છે. ભલે પંતુજીની પત્ની કહેવાઉં.’

દુર્ગા વાર્તાલાપ સાંભળી રહી. તેની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. મનમાં વિચારી રહી. ‘અરેરે! હું કેવી મૂરખી ! જે સુખની પાછળ દોડવા માટે મેં મારા માસ્તરડાને અને દાણિયા જેવાં નવ બાળકોને છોડ્યાં તે તો ઝાંઝવાનું જળ જ હતું ! હું કેવી નઠોર કે મારા મીઠા માસ્તરડા અને વહાલાં બાળકોને કહ્યાકારવ્યા વિના ચાલી આવી ! પાછી જાઉં ? પણ ત્રણ ત્રણ માસથી રઝળતાં મૂકેલાં એ બધાંને હવે શું મોઢું બતાવું ? હવે તો મરવું જ ભલું.’ રાત આખી આમ વિમાસણમાં કાઢી. તેને સમજાઈ ગયું કે તેનું માસ્તરડા સાથેનું જીવન એ દુઃખોનાં ચીંથરામાં વીટાયેલું અને તેથી બહાર ન દેખાતું એક અમૂલ્ય રત્ન હતું. મળસ્કું થયું. ધર્મશાળાની ઘડિયાળમાં પાંચના ટકોર થયા. દુર્ગા એકદમ ઊભી થઈ અને ધીમે પગલે બહાર ગઈ. કરવતવાળો કરવત તૈયાર કરીને ઊભો હતો. દુર્ગા પોકારી ઊઠી, ‘હાલ, ભાઈ, મેલ કરવત- માસ્તરડો ને માસ્તરડો !’

‘માસ્તરડો ને માસ્તરડો’ બોલતી દુર્ગા જાગી ગઈ. નરભેરામે કહ્યું, ‘આ બેઠો માસ્તરડો. લ્યો, નવદુર્ગા ઊઠો. ચા તૈયાર છે.’ નવમું બાળક થયા પછી નરભેરામ દુર્ગાને નવદુર્ગા કહેતા. ખરેખર નવદુર્ગા આજ ‘નવ’ કહેતાં ‘નવી’ દુર્ગા થઈ ઊઠી હતી. તે મોં મલકારતી પ્રસન્ન ચિત્તે ઊઠીને પોતાના પતિ સામે પાટલા પર બેઠી. બહાર અમરાઈમાંથી આવતો કોયલનો ટહુકાર, પડોશમાં દૂધ દેવા આવેલી કિન્નરકંઠી રબારણનો ‘લ્યો દૂધ’નો મીઠો રણકાર અને ઘરમાં ઘોડિયામાંથી આવતો નવમા બાળકનો મંદમીઠો રુદનસ્વર-ત્રણે સ્વરોનું એક મેળવાળું સંગીત રચાયું અને આંગણમાંના કડવા લીમડાના કોરની મંદમીઠી સુગંધે એ સંગીતમાં સુગંધ મૂકી, ગરીબી અને દુઃખોની વચ્ચે પણ દુર્ગાના મનમાં પરમ સંતોષ વ્યાપી રહ્યો. આછી કડવાશને સહ્ય અને રોચક બનાવતી વ્યાપક મધુરતાવાળી ચારૂપે દુર્ગા માસ્તરડાના સાન્નિધ્યમાં જીવનરસ માણી રહી.

નરભેરામે હસતાં હસતાં કહ્યું, ‘આ ચૈત્ર બેસે છે. હવે માસ્તરડામાંથી મુક્ત થવું હોય તો એકેય અલૂણાં ન કરતી.’ દુર્ગાએ ચા પીતાં પીતાં કહ્યું, ‘હવે તો આખો ચૈત્ર બધાં અલૂણાં જ કરવાની. મારે તો ભવોભવ જોઈએ મારો માસ્તરડો ને માસ્તરડો.’

(‘હાસ્યાયન’ પુસ્તકમાંથી.)

[download id=”392″] [download id=”346″]