કમોસમના પ્રેમની જેમ કમોસમનો વરસાદ પણ વ્યર્થ અને અકળાવનારી વસ્તુ છે. વળી પ્રેમ અને વરસાદ ગમે ત્યારે આવી પડે છે એમાં ભાગ્યે જ આપણું કશું ચાલે છે. આજ સાંજે, શિયાળાની ગમગીન ઠંડી સાંજે જ્યારે હું બહાર નીકળ્યો ત્યારે મને યાદ છે ત્યાં સુધી આકાશ અર્થ વગરની જિંદગી જેવું ખુલ્લું અને સફાચટ હતું. કદાચ ક્ષિતિજ પર વાદળાં ઘેરાતાં પણ હોય, પણ એવી બાબતો તરફ ધ્યાન આપવાની ટેવ આજે વરસો થયાં છૂટી ગઈ હતી – એમાં કશો રસ જ પડતો નથી.

રોજની ટેવ મુજબ મેં દરિયાકાંઠે આંટા માર્યા. છેલ્લાં કેટલાંય વર્ષોથી લગભગ રોજ હું દરિયાકિનારે ફરવા આવતો. કુદરતમાં કશું સૌંદર્ય હોય છે એવી વાત જ ક્યારનોય હું વીસરી ચૂક્યો હતો. જિંદગી જીવવાની રસહીન આદત જેવી જ આય એક આદત માત્ર હતી. બાકી દુનિયાના અસંખ્ય પદાર્થોની જેમ જ દરિયો પણ મને એક ભયંકર, એકધારી, અકળાવનારી ચીજ લાગતો. વર્ષોથી આમ જ અજગરની જેમ પડેલો હું તેને જોયા કરતો. દિવસ-રાતની અહેતુક ઘટમાળ જેવી જ ભરતી-ઓટની ઘટમાળ પણ એમાં ચાલ્યા કરતી. ક્યાંય રજ માત્ર ફેર પડતો નહીં. હા, દરિયામાં ક્યારેક તોફાન પણ આવતું. ત્યારે એના લાચાર ઉછાળા મને કેદમાંથી નાસી છૂટવા મથતા જન્મટીપના કેદી જેવા જ દયાજનક, વ્યર્થ લાગતા. અલબત્ત, ત્યારે મારી સહાનુભૂતિ એને અવશ્ય મળતી; પણ એ તો ક્વચિત જ.

ફરવાનું પુરું કરીને હું મોહનને ત્યાં ગયો. રોજ રાત્રે મોહનને ત્યાં જઈ એકબે કલાક પાનાં રમાવાનો મારો હંમેશનો નિયમ બની રહ્યો હતો. આ પણ એક અવિચારી આદત જ હતી; જિંદગી સહેલાથી જીવી શકાય એટલી આદતોનો સરવાળો મેં કરી રાખ્યો હતો. પાનાં રમવામાં કોઈ રસ આવવાનો પ્રશ્ન જ નહોતો, હારજીત સાથે પણ મારે કશી નિસબત નહોતી. સાચું કહું તો, હારી જવામાં જ મને ખરી નિરાંત લાગતી. જીતવા માટે તો કંઈકેય પ્રયાસ કરવો પડે, રમતની ખરી મજા જ હારી જવામાં છે. એ રીતે તમે જરાય શ્રમ વગર, જરાય ઉશ્કેરાટ વગર રમી શકો. ઈચ્છો એટલી વાર રમી શકો અને સમય બસર કરી શકો. મેં જીવનનાં ચાલીસ વર્ષ બસ આમ જ પસાર કરી દીધાં હતાં.

ઘરે જવા નીકળ્યો ત્યારે જ મને ખબર પડી કે બહાર વરસાદ પડી ચૂક્યો હતો. ઘરડી સડકના દેહ પર ઠેકઠેકાણે પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ ગયાં હતાં. નાનપણમાં મને વરસાદનાં પાણીનું અજબનું આકર્ષણ હતું એ યાદ આવી ગયું. આકાશમાંથી આમ પાણી ટપકે એ બીના જ મને ઘણી આશ્ચર્યકારક લાગતી. રસ્તાઓ ઉપર ભરાઈ રહેલાં પાણી જોઈને છબછબિયાં કર્યા વિના ત્યારે હું રહી શકતો જ નહીં. એ કાળે દુનિયાની એકએક ચીજ જોઈને આશ્ચર્ય થયા કરતું. પણ હવે તો મને વરસાદનો સખત કંટાળો આવતો. શહેરો ઉપર, જ્યાં કોઈને એની પડી નથી ત્યાં, પાણી વરસાવવું એમાં મને કુદરતની મોટામાં મોટી બેવકૂફી લાગતી. ડામર અને પથ્થર ઉપર આમ વ્યર્થ પાણી રેડ્યા કરવું એ બેવકૂફી નહીં તો બીજું શું? વળી બધું જ ભીનું થઈ જાય એ મને સખત અકળાવી મૂકતું. સૂકી વસ્તુઓથી હું એટલો બધો ટેવાઈ ગયો હતો કે ભીની વસ્તુઓનો દેખાવ જ મારે માટે અસહ્ય બની જતો.

ભરાઈ રહેલાં પાણીથી બૂટ બચાવતો હું આસ્તેઆસ્તે આગળ વધી રહ્યો હતો. ઠંડી અને વરસાદને કારણે રસ્તા ઉપરની અવર-જવર લગભગ શમી ગઈ હતી. મને ઉજ્જડતા એટલી બધી સદી ગઈ હતી કે આવો વેરાન રસ્તો ખૂબ ગમ્યો. માણસો જોઈને મને હંમેશાં અણગમો આવતો. ત્યાં… સામેથી એક છોકરીને આવતી મેં જોઈ. એ નીચું જોઈ, ઉતાવળે ચાલી રહી હતી. મારા જાડા કાચવાળાં ચશ્માંમાંથી એ છોકરીનો ચહેરો હું ભાગ્યે જ જોઈ શક્યો. જ્યારથી મેં મારી આંખો ઉપર આ જાડા કાચવાળાં ચશ્માં ચઢાવી દીધાં હતાં ત્યારથી હું ભારે નિરાંત અનુભવી રહ્યો હતો. મને આસપાસની દુનિયા બહુ જ ઓછી દેખાતી અને એ મને ખૂબ જ ફાવી ગયું હતું.

અમે લગભગ સામસામાં આવી ગયાં હતાં. એકાએક પેલી છોકરીએ એની ઝડપ વધારી, પછી તો લગભગ દોડવા જ માંડ્યું. દોડતી એ જમણી બાજુની ગલીમાં વળી ગઈ. જતાંજતાં એણે પોતાની નાજુક ડોક હળવેથી મારી બાજુ ફેરવી, સહેજ ત્રાંસી નજરે મારી સામે જોયું ને હસી અને પછી ઝડપથી દોડી ગઈ. એનાં વસ્ત્રો ભીંજાઈ ગયાં હતાં. આમ તો માણસોની કોઈ પણ પ્રવૃત્તિમાં મને કશો જ રસ પડ્યો નહોતો. પુરુષ યા સ્ત્રી, ચાલે કે દોડે, હસે યા શરમાય મને એનું કશું જ કુતૂહલ નહોતું. પણ આજે મને રસ પડ્યો. હું સમજ્યો કે એ છોકરી મને જોઈને, શરમાઈને દોડી ગઈ, અને જતાં જતાં મારી સામે જોઈને હસી પડી.

આમ તો હું જ્યારેજ્યારે બહાર નીકળતો ત્યારેત્યારે આવી તો કંઈ કેટલીય છોકરીઓ મને માર્ગમાં મળતી જ હશે. હું એમની સામે જોતો પણ અચૂક હોઈશ. પણ કોઈનામાં શું જોવાનું હોય એ ક્યારેય મને સમજાયું નહોતું. મારી ઓળખીતી છોકરીઓનેય ભાગ્યે જ હું ઓળખતો. મારાં જાડા કાચવાળાં ચશ્માંમાંથી મને બધા જ ચહેરોઓ લગભગ સરખા દેખાતા, અપાર્થિવ લાગતા અને એકબીજામાં એવા તો ભેળસેળ થઈ જતા કે કોઈનેય ઓળખવાનો પ્રયાસ જ મિથ્યા હતો. આજે પણ જો આવા કમોસમના વરસાદથી હું અકળાયો ન હોત, તો કદાચ આ છોકરીને પણ હું જોઈ શક્યો જ ન હોત. પણ આજે મેં એને જોઈ, એણે મને જોયો, મારી સામે જોઈને એ હસી – આ બધામાં મને ખરેખર રસ પડ્યો, એ બધું કદાચ ગમ્યુંય ખરું. અરે, એટલું જ નહીં, એ છોકરીને મેં ઓળખી પણ ખરી. એ શશી હતી.

અને એકાએક જ મને ભાન થયું કે શશી ખરેખર ગમી જાય એવી છોકરી હતી, શશી મને ગમતી હતી.

પછી તો શશીના વિચારોમાં જ રસ્તો જાણે કે જલદી ખૂટી ગયો. બેત્રણ વાર પગ પણ પાણીમાં પડી ગયો. ઘરે આવ્યો ત્યારે પત્ની પ્રાર્થના કરી હતી હતી. એ રોજ રાત્રે આમ પ્રાર્થના કરતી. વટપત્ર ઉપર પોઢેલા બાળકૃષ્ણની એક મોટી છબી સામે એ કલાકો સુધી ધ્યાનમગ્ન બેસી રહેતી. એ બારણા તરફ પીઠ કરીને બેસતી. એમાં કશું જ નવું નહોતું. છતાં આજે એ બધું જોવાનું મને મન થયું અને મને લાગ્યું કે પત્નીની પીઠ ખરેખર સુંદર હતી. હું ઘડીક બારણામાં જ ઊભો રહી ગયો અને એને જોઈ રહ્યો. એ શા માટે પ્રાર્થના કરતી હશે? પાર્થના દ્વારા એ શું ઈચ્છતી હશે? એવો વિચાર મેં ક્યારેય કર્યો નહોતો. એણે ચોંકીને પાછળ જોયું અને મને આમ જોઈ રહેલો જોઈને એ શરમાઈ ગઈ ને હસી પડી.

‘શું જોઈ રહ્યા છો?’

‘કાંઈ નહીં’, મેં બાઘાની જેમ જવાબ આપ્યો.

મારી પત્ની શરમાઈ જાય છે. અને શરમાઈ જાય ત્યારે આટલી સુંદર લાગે છે એનો જાણે મને આજે પહેલી જ વાર ખ્યાલ આવ્યો.

‘તું પ્રાર્થના કરીને ભગવાન પાસે શું માગે છે, કહે જોઉં!’

‘આજે કાંઈ ગાંડા થયા છો કે શું?’ એ વધારે શરમાઈ ગઈ ને એ મને વધારે ગમ્યું.

જમીને રોજના નિયમ મુજબ પુસ્તક પકડી હું આરામખુરશીમાં પડ્યો. ગમે તેવું પુસ્તક હું એક સરખા રસથી વાંચી શકતો – સાહિત્યનું હોય, રાજકારણનું હોય કે પછી વિજ્ઞાનનું હોય. કોઈ પણ પ્રવૃત્તિને આદત બનાવી મૂકો, પછી શક્યાશક્યનો પ્રશ્ન સદંતર ઊકલી જાય છે. એવી જ મારી વાંચવાની એક આદત હતી. પછી એમાં ખરેખર રસ પડે છે કે નહીં એવો પ્રશ્ન કદાપિ ઉદ્ભવ્યો નહોતો. અને છતાં આજે મને વાંચવામાં રસ પડ્યો નહીં. આપણે જે કામ કરી રહ્યા હોઈએ એ સિવાયના બીજા વિચારો પણ આવી શકે છે એવો અકળાવનારો અનુભવ મને આજે ઘણાં વર્ષે થયો. મને વાતો કરવાની ઉત્કટ ઈચ્છા થઈ આવતી હતી. સિગારેટ ફૂંકતાં હું આતુરતાપૂર્વક પત્ની આવવાની રાહ જોઈ રહ્યો. એ રાતના છેલ્લાં કામ આટોપી રહી હતી. એના અસ્તિત્વ વિશેનું મારું કુતૂહલ વર્ષોથી શમી ગયું હતું. મારા ઘરમાં જેમ ટેબલ-ખુરશી હતાં, પુસ્તકો હતાં, વાસણકૂસણ હતાં, બીજી ઉપયોગી-નિરુપયોગી ચીજો હતી તેમ એક પત્ની પણ હતી એટલું જ હું જાણતો હતો. પરંતુ આજે મને થયા કરતું હતું કે એ જલદી મારી પાસે આવે તો સારું. મારે બસ વાતો કરવી હતી. અલબત્ત, શું વાતો કરવાની છે એ તો હજુય મને સમજાતું નહોતું, પરંતુ વાતો કરવાનું મને અનિવાર્ય લાગતું હતું. પત્ની આવીને રોજની ટેવ મુજબ મૂંગીમૂંગી પથારીમાં પડી.

‘જરા આમ આવ તો!’

એ શરમાતી, આળસ મરડતી ઊભી થઈ. ટેબલ પાસે આવી, નીચું જોઈ, ચોટલો આગળ લાવી, ગૂંથતી ઊભી રહી ગઈઃ ‘શું છે?’ એણે પૂછ્યું.

‘કાંઈ નહીં, આજે ગમતું નથી. કાંઈ વાત કર ને!’

‘મારી વાતમાં એવું તે શું હોય કે તમને ગમે?’

‘તોયે, કંઈ બોલ તો ખરી, આજે મને એ ગમશે. મને લાગે છે કે ઘણા દિવસ થયા, આપણે જાણે કે વાત જ નથી કરી.’

‘એક નવાઈની વાત કહું?’

‘કહે ને!’

‘પણ તમને કદાચ એમાં નવાઈ નહીં લાગે.’

‘કેમ ન લાગે? સાચું કહું તો આજે મને બધીય વાતની કોણ જાણે કેમ નવાઈ જ લાગ્યા કરે છે. આ વાદળ વરસે છે તે, આ વીજળી ચમકે છે તે, અને તું… તું આવું સરસ હસે છે તે… આ બધી નવાઈની વાત નથી?’

‘કવિતા કરવા બેસી ગયા કે શું? ઘણાં વર્ષોથી તમે કવિતા કરવાનું છોડી દીધું છે. કેમ છોડી દીધું? તમારી કવિતાઓ મને કેટલી બધી ગમતી? કેવી સારી કવિતા તમે લખતા? ત્યારે તમે કેવા સારા હતા?’ મારી સાથે વાત કરવાની ભાગ્યે જ મળતી તકનો જાણે પૂરેપરો કસ કાઢી લેવા માગતી હોય તેમ એકીશ્વાસે એ આટલું બધું બોલી ગઈ.

‘ખરેખર આજે મને લાગે છે કે મારે કવિતા લખવી જોઈએ,’ મેં જવાબ આપ્યો, ‘પણ અત્યારે નહીં. અત્યારે તો તારી સાથે બસ ખૂબખૂબ વાતો કરવી છે. બોલ, શું કહેતી હતી તું?’

‘હાં, પેલાં આપણાં રેખાબહેન છે ને? એ પાંત્રીસમે વર્ષે હમાણાં પહેલી જ વાર ભારેપગે થયાં. એમણે ડોક્ટરને બતાવેલું ને…’ બોલતાંબોલતાં એ શરમની મારી નીચું જોઈ ગઈ.

મને લાગ્યું કે એની આંખમાં પાણી ચમકી રહ્યાં છે. આજે આંખમાં ઊભરાતાં પાણી પણ મને જોવા જેવાં લાગતાં હતાં. હું ચૂપચાપ એની સામે જોઈ રહ્યો. થોડી વાર રહીને મેં એને પૂછ્યું,

‘તેં ભરતના હરણાવાળી પેલી કવિતા વાંચી છે?’

‘હા’ તેણે રડમસ અવાજે જવાબ આપ્યો.

‘તને નથી લગાતું કે આ જગતમાં કદાચ પ્રેમ મેળવ્યા વગર આપણે જીવી શકીએ, પણ પ્રેમ કર્યા વગર જીવવું અસહ્ય છે?’

‘એ અમે સ્ત્રીઓ કદાચ તમારા કરતાં વધુ સારી રીતે જાણીએ.’ બોલતાં બોલતાં એને ડૂસકું આવી ગયું.

એ પછી મેં એની સાથે ઘણે મોડે સુધી અર્થ વગરની, અસંબદ્ધ વાતો કર્યા કરી. મારે ખરેખર શું કહેવું હતું એ તો હું પોતેય સમજતો નહોતો. હું જાણે કોઈ મધ્યબિંદુની શોધમાં ગોળગોળ ફરી રહ્યો હતો અને મને સંતોષ થતો નહોતો. હું વાત ઉપર વાત કાઢ્યા જ કરતો. સંસારમાં વાત કરવાના આટલા બધા વિષયો હોઈ શકે, એનીય મને આજે પહેલી વાર જ ખબર પડી.

બીજે દિવસે હું ઓફિસે ગયો નહીં. તબિયત બરાબર નથી એમ કહી, ઓઢીને સૂઈ રહ્યો. આમેય વરસાદને લીધે ઠંડી વધુ લાગતી હતી અને વાદળોને કારણે દિવસ ભારે સુસ્ત, ગમગીન લાગી રહ્યો હતો. મને આખી રાત ઊંઘ જ આવી નહોતી. રાતના અતૃપ્ત ઉત્સાહ પછી એક પ્રકારની શિથિલતા ને ઘેરી ઉદાસીનતાથી મન છવાઈ ગયું હતું. કશું જ કરવાનું મન થતું નહોતું.

એ ચા બનાવીને લાવી. ટિપાઈ પર કપ ગોઠવીને, એ પલંગની ધારે મારી પાસે બેસી ગઈ. મારું માથું દબાવતાં એણે પૂછ્યું,

‘શું થાય છે તમને? દવા લઈ આવું?’

‘ના, દવાની જરૂર નથી, તું મારી પાસે બેસ, અહીં જ બેસી રહે. હમણાં ક્યાંય જતી નહીં.’

‘પણ શું થાય છે તમને, એ તો કહો! મને ચિંતા થાય છે’

‘સાચું કહું? મને કશું જ થતું નથી; માત્ર ગમતું નથી. દુઃખદુઃખ લાગ્યા કરે છે. છાતીએ જાણે કે ડૂમો ભરાયો છે. એવું થાય છે, જાણે કે મન મૂકીને રડી લઉં. પણ મને તારી જેમ રડતાં નથી આવડતું.’

‘મોહનભાઈને બોલાવી લાવું? બે ઘડી પાનાં રમશો, તો ઠીક લાગશે.’

‘ના, અત્યારે હું હારી જવાના મૂડમાં નથી.’

‘તો કાંતિભાઈને બોલાવું? વાતો કરશો, તોય થોડી રાહત લાગશે.’

‘ના, અત્યારે મને કાંતિભાઈની વાતોમાં રસ નહીં પડે.’

એ ચૂપ બેસી રહી. એણે મારા વાળ પસવાર્યા કર્યા. મેં એની સાથે અસંબદ્ધ બોલ્યા કર્યું. થોડી વારે એ જાણે કંઈક સમજી હોય તેમ, ધીમે રહીને બોલી,

‘એક વાત પૂછું?’

‘પૂછને!’

‘શશીને બોલાવી લાવું?’

એ મારા મનની વાત કેવી રીતે કળી ગઈ એનું મને ભારે આશ્ચર્ય થયું. કદાચ એમ પણ હોય કે શશી આવે તેમ એ પોતે જ ઈચ્છી રહી હોય. મેં કહ્યું, ‘ભલે બોલાવી લાવજે, પણ હમણાં નહીં, જરા મોડેથી.’

‘શશી બહુ સરસ છોકરી છે, નહીં?’ એણે વળી પૂછ્યું

‘હા ખૂબ જ સરસ. મને પણ એ છોકરી ખૂબ જ ગમે છે.’

‘આપણી બેબી જીવી હોત, તો આજે એ પણ લગભગ શશી જેવડી હોત,’ એ બોલી ને એનો અવાજ રૂંધાતો સંભળાયો. આંખ ઉઘાડી મેં એની સામે જોયું. બારીમાંથી આવતો પ્રકાશ સીધો એના ચહેરો ઉપર પડી રહ્યો હતો. એનો ગોરો ચહેરો એથી રૂપળો લાગી રહ્યો હતો. એની આંખમાં પાણી ચમકી રહ્યાં હતાં. એ પાણીમાં મને શશીની મૂર્તિ તરતી દેખાઈ. શશી મારી સામે જોઈને હસી રહી હતી. એ નાની ને નાની બનતી જતી હતી. થોડી વારમાં તો એ સાવ નાનકડી બાળકી બની ગઈ. મેં એક ભારે શ્વાસ મૂક્યો અને મને ઘણી જ રાહત લાગી.

‘એક વાત પૂછું?’

‘તારી આ પૂછીને વાત કરવાની ટેવ એક આજના દિવસ પુરતી મુલતવી નહીં રાખે?’

‘પણ કદાચ તમને ન ગમે તો?’

‘ગમશે, આજે મને તારી એકેએક વાત ગમશે.’

‘કહું? આ શનિવારે શશીનો જન્મદિવસ છે. આપણે એને કંઈક ભેટ આપીએ તો’

‘ગાંડી રે! શશીને ભેટ આપવાની હું શું ના પાડવાનો હતો?’

‘પણ તમને એવા બધા વહેવાર નથી ગમતા ને?’

‘પણ શશી તો ગમે છે ને!’

સાચું કહું તો મને શું ગમે છે અને શું નથી ગમતું એનો મેં ક્યારેય વિચાર કર્યો જ નહોતો. મારી પત્ની મારે માટે કેવો કેવો ખ્યાલો ધરાવે છે એ પણ જાણે મને આજે જ જાણવા મળતું હતું. હું ઉત્સાહભેર ઊભો થઈ ગયો.

‘ચાલ, અત્યારે જ બજારમાં જઈએ ને કંઈક ખરીદી લાવીએ. પછી કદાચ મને વખત નયે મળે.’ હું તો જાણે જીવનમાં પહેલી વાર બજારમાં આવ્યો હોઉં એવું મને લાગ્યું.

બજાર પણ કોઈ રસ પડે એવું સ્થળ છે એય આજે જ મને સમજાયું. દુકાનો આટઆટલી ચીજોથી ખડકેલી હોય છે ને એ દરેક ચીજની કંઈક ને કંઈક ઉપયોગીતા હોય છે એપણ હું આજે પહેલી જ વાર જોઈ રહ્યો હતો. બજાર માણસોથી ઊભરાઈ રહ્યું હતું. એનો પણ આજે મને ભાગ્યે જ કંટાળો આવ્યો.

મારી પત્ની તો ઉત્સાહથી જાણે ઘેલી જ બની ગઈ હતી. એની નજર તો વળીવળીને રમકડાંની દુકાનો પર જ મંડાતી. મારે એને ટપારવી પડતી કે શશી કાંઈ નાની બેબલી નથી કે તું એને રમકડાં ભેટ આપે, એક દુકાનના શો કેસમાં ગોઠવેલી વીજળીથી હાથપગ હલાવ્યા કરતી ઢીંગલીને જોવા તો એ બાળકની જેમ ઊભી જ રહી ગઈ. ત્યારે એનો ચહેરો પણ ખરેખર બાળક જેવા કુતૂહલથી ઊભરાઈ રહ્યો હતો.

અમે બજારમાં ખૂબખૂબ રખડ્યાં. ઘણેઘણે વખતે મારી સાથે આમ બજારમાં રખડવાનું મળ્યું એથી લીના ભારે આનંદમાં આવી ગઈ હતી. એ જાણે કોઈ ચીજ પસંદ જ કરી શકતી નહોતી. જાણે ખરીદવા નહીં, ફક્ત જોવા જ આવી હોય એમ જાતજાતની ચીજો એ જોતી, લેતી ને પાછી મૂકી દેતી. વસ્તુ ખરીદી લીધા પછી, એક સરસ મજાનું કામ કદાચ સદાને માટે પતી જશે એવો જાણે કે એને ડર લાગી રહ્યો હતો. પોતે શું ખરીદવા નીકળી હતી એ પણ તે વારંવાર ભૂલી જતી.

છેક બપોર ચડયે અમે ખરીદી પતાવીને પાછાં ફર્યાં. રસ્તામાં જ વરસાદ ઝરમરઝરમર પડવો શરૂ થઈ ગયો હતો. મેં એની સામે જોયું. એ સૂચક રીતે મલકી. હું સમજ્યો, એને વરસાદમાં ભીંજાવાની મજા આવી રહી હતી. મને પણ એ ગમ્યું. અમારું ચાલત તો અમે બૂટ-ચંપલ કાઢી નાખીને આખે રસ્તે પાણીમાં છબછબિયાં કરતાં ઘેર પાછાં ફર્યા હોત. દાદરમાં જ અમને કાંતિભાઈની કીકી સામી મળી. અમને જોતાં જ ઉત્સાહથી એ રાડ પાડી ઊઠી.

‘લીનાકાકી, લીનાકાકી, જુઓ તો! આપણા માળાની મીંદડીને બચ્ચાં આવ્યાં.’ ત્રણ વર્ષની કીકી બિલાડીના એક બચ્ચાને છાતી સરસું ભીડીને દાદર ઊતરી રહી હતી. કીકીના ગાલે એક હળવી ટપલી મારીને લીના દોડતી દાદર ચઢી ગઈ. ઘરમાં પ્રવેશતાં જ એ પલંગ પર ફસડાઈ પડી, ને બજારમાંથી આણેલું પારસલ પોતાની છાતીએ જડી ધ્રુસકેધ્રુસકે રડી પડી. એને શાંત પાડવાનું મને થયું નહીં. એની સાથેસાથે હુંય રડી શકું, તો જ બંનેને બેહદ રાહત થાય.

બીજે દિવસે સવારે વાદળો નહોતાં. સરસ મજાનો તડકો હતો. હું છજામાં ખુરશી નાખીને તડકો ખાવા બેઠો. ત્યાં મારી નજર સામેના ચોગાનમાં પડીને હું બૂમ પાડી ઉઠ્યો.

‘લીના, લીના, આમ આવ તો, કંઈક બતાવું!’ મારી પત્ની દોડતી બહાર આવી. મેં આંગળી ચીંધી ને બતાવ્યું: ચોગાનની ધરતીની ધૂળિયા ગોદમાંથી કૂણાકૂણા તૃણની નાનીનાની ટશરો ડોકાં કાઢી, અમારી સામે જોતાં લીલું… લીલું હસી રહી હતી.

‘જોયું ને લીના?’ મેં કહ્યું, ‘કમોસમનો વરસાદ પણ સાવ નકામો તો નથી જ વરસી ગયો.’

‘સારું હવે!’ એ છણકો કરતાં બોલી, ‘કવિતા જ કરવી હોય તો કાગળ-પેન્સિલ લાવી આપું. રસોઈનું મોડું થશે ને ઓફિસે મોડા પડશો તો પાછા મારો જ વાંક કાઢશો.’

‘ના, આજેય ઓફિસ નથી જવું. તું પણ અહીં જ બેસ…. બસ!’

લીના ઉંબર પર બેસી ગઈ.

‘બોલો, શું છે?’

‘ચાલ, આપણેય પેલા રેખાબહેનવાળા ડોક્ટરને બતાવી આવીએ. કદાચ છે ને…’

લીના ઊછળીને મને વળગી પડી. એણે મારી છાતીમાં એનું રતૂમડું મોં છુપાવી દીધું.

‘તમે કેટલા બધા સારા છો!’ એ બબડી.

પછી ઘણીઘણી વાર સુધી એ એમ ને એમ બેસી રહી. પછી આસ્તેથી ડોક ફેરવી. મારી સામે આંખ માંડતાં બોલી,

‘એક વાત પૂછું?’

‘જો પાછી!’

‘ભગવાન કરે ને આપણે ત્યાં બેબી આવે તો શું નામ રાખીશું, કહું?’

‘કહે જોઉં!’

‘શશી!’ ઓ પોતાનું મોં છુપાવી દેતાં બોલી.

‘ભલે. પણ ધાર કે બાબો આવ્યો તો?’

‘તો? તો… તમે જ કહો!’

‘હું? વરસાદ!’

અને અમે ખડખડાટ હસી રહ્યાં.

(‘રમણ પાઠક ‘વાચસ્પતિ’ની શ્રેષ્ઠ વાર્તાઓ’ માંથી.)

[download id=”352″] [download id=”398″]