સરકારે RTEનો કાયદો લાવીને દરેકેદરેક બાળકને ભણવાનો અધિકાર આપ્યો છે. એવી જ રીતે, દરેકેદરેક બાળકને તેની માતૃભાષા શીખવાનો અને માતૃભાષાના જ માધ્યમ દ્વારા ભણવાનો અધિકાર છે એ વાતની ગંભીરતા સ્વીકારવાનો સમય પાકી ગયો છે. આજે શિક્ષકદિન નિમિત્તે એ વાત સમાજ સામે ફરી સ્પષ્ટતાથી મૂકવી જરૂરી છે કે માતૃભાષાના માધ્યમથી શિક્ષણ એ માત્ર ભાષાપ્રેમીઓનો આગ્રહ નહીં, પણ સંસ્કૃતિને ટકાવી રાખવા માટેનું બુનિયાદી પગલું છે.

પાંચ સપ્ટેમ્બર, જેના જન્મદિન નિમિત્તે શિક્ષકદિન ઉજવાય છે એ આપણા વિદ્વાન વિચારક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને કહ્યું હતું કે, ‘આખી શિક્ષણ પ્રક્રિયાનું અંતિમ પરિણામ એક સ્વતંત્ર સર્જનાત્મક વ્યક્તિ હોવી જોઈએ, જે ઐતિહાસિક સંજોગો સામે સંઘર્ષ કરી શકે.’ શું આજની આપણી શિક્ષણ-પ્રક્રિયા આવાં શિક્ષિત વ્યક્તિઓનું નિર્માણ કરી રહી છે? સ્વીડનની જેમ બહારના બીજા ઘણા દેશોમાં માતૃભાષામાં બાળકને ભણાવવા માટે ત્યાંની સરકાર ખૂબ જ સારા પ્રયત્નો કરે છે. બાળક ભલે તે દેશનું ન હોય છતાં પણ બાળકની જે માતૃભાષા હોય તેના શિક્ષકોની વ્યવસ્થા કરીને પણ સરકાર બાળકને તે માતૃભાષા શીખવવાનો આગ્રહ રાખે છે.
અહીં મુંબઈમાં પણ જમનાબાઈ નરસી શાળાના ટ્રસ્ટીગણ શાળામાં પ્રવેશ પહેલાં વાલીઓને માતૃભાષા લેવાનો આગ્રહ કરી, સમજણ આપે છે અને મક્કમતાથી તેને વળગી રહે છે. આવી જ રીતે, જો દરેક શાળાના સંચાલકો મક્કમતાથી એક નિર્ણય લે કે દરેક બાળકે માતૃભાષા તો શીખવી જ જોઈએ, તો તેનાં ખૂબ સારાં પરિણામ આવનારા સમયમાં સમાજને મળી શકે છે.
ગાડરિયા પ્રવાહમાં વહેતાં વાલીઓ કદાચ તે માટે એકલપંડે હિંમત ન કરે પણ જ્યારે સરકાર તરફથી જ માતૃભાષા શિક્ષણને મૌલિક અધિકારમાં આવરીને એક પહેલ કરવામાં આવે તો, અંદરખાને બાળકને માતૃભાષાથી વંચિત કરીને પ્રવાહમાં વહી જનારા વાલીઓને એક રાહત મળશે કે બાળક માતૃભાષાથી વંચિત નથી રહી ગયું.
દેશ આઝાદ થયાના સાત દાયકા વીતી ગયા હોવા છતાં આપણા દેશની જે કાયાપલટ થવી જોઈએ તેવી થઈ નથી, તેના મૂળમાં આપણી માનસિકતા કારણભૂત છે. સ્વતંત્ર થવાનો મતલબ આપણે ફક્ત અંગ્રેજોની સત્તાને ફગાવી દેવા પૂરતો જ કર્યો; અંગ્રજોની સત્તાને ફગાવવાની સાથે આપણે આપણી સંસ્કૃતિનો વારસો જાળવી રાખવાની જહેમત નથી ઊઠાવી. આપણે તો સવાયા અંગ્રેજ થઈને આપણી સંસ્કૃતિ, સંસ્કારોથી આપણી નવી પેઢીને દૂર લઈ જવાનું કાર્ય કરીએ છીએ અને તેને પાછું શિસ્તપાલન, એટિકેટ, આધુનિકતા જેવા સુંવાળાં નામે છાવરીએ પણ છીએ. આજે લોકોના મનોમગજ પર પોતિકી સંસ્કૃતિ, સંસ્કારોથી જેટલા દૂર એટલા સમજદાર-ભદ્ર લોકોનાં ટોળાની નજીક હોવાની માનસિકતા ઘર કરી ગઈ છે. અંગ્રજો ગયા અને અંગ્રેજી મૂકતાં ગયાં, આની સાથે બીજું ઘણું બધું છે જે આપણે અપનાવી લીધું છે, જે અંગ્રેજોની ખોટ લાગવા દેતું નથી.
આપણી જ શાળાઓમાં આપણાં જ તહેવારો ઉજવવાની મનાઈ.. કેવું કહેવાય ને??! એક શાળાનાં મુખ્ય શિક્ષિકાએ ફતવો બહાર પાડ્યો કે શાળામાં કોઈ પણ વિદ્યાર્થી રાખડી પહેરીને આવશે નહીં અને જો રાખડી પહેરીને આવ્યા તો શાળામાં જ કાઢી નખાવવામાં આવશે. કેવી નવાઈની વાત છે કે ‘ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર:’ના સંસ્કાર આપવાને બદલે કે જ્યાં બાળકોને સંબંધોનું મહત્ત્વ, તેનું સ્થાન શું છે એ સમજણ આપવાની હોય; ત્યાં રાખડીને ફક્ત એક જ દિવસનાં બંધનના દોરા તરીકે બાળમાનસમાં ઠસાવવામાં આવે છે.
આપણી સંસ્કૃતિ તો સહાય, માન, સન્માન, પ્રેમ, આદર આપવાની છે અને તે પણ જીવનપર્યંત. પણ આજકાલનાં કોન્વેન્ટિયા માનસવાળા જેઓ Father’s day, mother’s day, friendship day ને એક દિવસનાં ઉમળકામાં બાંધી દેવામાં માને છે, તે કેવી રીતે સાંખી લેવાય? પણ કહેવાતા સારું શિક્ષણ દેવાની લોલુપતામાં આપણા વાલીઓ આ બધું જ મનમાં બળાપા કાઢી, ચૂપચાપ સહન કરે છે અને નવી પેઢીને સંબંધોનાં ખરાં મહત્ત્વનું સમજાવતા અજાણતાં જ રોકે છે. નવી પેઢીએ રક્ષાંબંધનને પણ friendship dayની જેમ એક દિવસનો બનાવી દીધો છે. ત્યોહારની યાદીમાંથી રક્ષાબંધન બાકાત અને રાખડી પણfriendship bandની જેમ એક દિવસ પૂરતી..!! કેવી રીતે નવી પેઢી બહેનભાઈનાં સંબંધને, વહાલને, બહેનની રક્ષા કરવાની ફરજને સમજશે? તેઓને માટે તો રાખડી પણ એક friendship bandની જેમ ઔપચારિકતા બની જશે અને આ બધાં માટે જવાબદાર આપણે સૌ કહેવાતાં સ્વતંત્ર ભારતનાં નાગરિકો જ હોઈશું. આવી જ માનસિકતા આપણને ઘણી શાળાઓમાં મંહેદી માટે, ચાંદલા માટે, રક્ષાપોટલી માટે, જનોઈ કે કંઠી માટે જોવા મળે છે. ફી વધારા માટે એક થઈને વિરોધ કરનારાઓ, ક્યારેય આપણાં બાળકોને સંસ્કૃતિથી દૂર લઈ જનારા આ નિર્ણયો સામે એકજૂથ થઈને ઊભાં થયાં છેં? નહીં જ ને?આ જ માનસિકતા આપણું ભાવિ નક્કી કરશે. આપણને સ્વતંત્રતા મળવા છતાંયે સંસ્કારો,સંસ્કૃતિથી દૂર થતાં જઈએ તો ભાવિ સમાજના દુષણો ભોગવવા તૈયાર રહેવું પડશે અને ન ભોગવવા હોય તો શાળાથી જ શરૂઆત કરવી પડશે, જ્યાં નવી પેઢી ઘડાય છે.
સ્વતંત્ર થયાનાં આટલાં વર્ષો પછી પણ આપણે હજુ શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર લાવી શક્યાં નથી. દેશની રાજનીતિએ પોતપોતાનાં સ્વાર્થ ખાતર ઈતિહાસને મારી મચડીને પુસ્તકો રજૂ કર્યાં. આખા દેશમાં પણ શિક્ષણક્ષેત્રે ૭૦ વર્ષ પછી પણ આપણે સમાનતા ન લાવી શક્યાં તો આપણે અંગ્રજોનાં શાસન હેઠળ જ સારાં હતાં એમ કહી શકાય. આપણાં જ સંચાલકો, પોતાનાં નિજી આર્થિક સ્વાર્થ ખાતર, minority શાળાની ચાદર ઓઢી,માતૃભાષાની શાળાને ફક્ત સરકારી ચોપડે ચાલુ રાખવા પૂરતી રાખે અને પોતાનો બધો જ વહીવટ મલાઈદાર વિવિધ પ્રકારનાં બોર્ડની માટે વાપરે તો એ કઈ માનસિકતા કહેવાય? minorityના નામ હેઠળ મળતાં બધાં જ ફાયદાઓનો માતૃભાષા સિવાયનાં માધ્યમ માટે મેળવવા અને ઉપયોગ કરવાનો – એ નરી સ્વાર્થવૃત્તિ નહીં તો શું કહેવાય?આપણે છાતી ખોલીને વહીવટ પણ નથી કરતાં, તે પણ આપણી સંસ્કૃતિનાં નામ હેઠળ જ કરીએ તેનાથી મોટી માનસિક ગુલામી કઈ? આપણને નામ વટાવવું છે, પણ તેને બચાવવા મહેનત નથી કરવી. એટલે જ સ્વતંત્રતાનાં ૭૦ વર્ષ પછી પણ માતૃભાષાની શાળાઓની આ દશા છે. એ જ ટ્રસ્ટીઓ, એ જ સંચાલન હોવાં છતાં એક જ શાળામાં માતૃભાષાના માધ્યમ અને અંગ્રેજી માધ્યમની સ્થિતિ અલગ અલગ? ક્યાંક તો કચાશ છે આપણી વિચારસરણીમાં!
આ જ સંચાલકો પાછાં અંગ્રેજી માધ્યમનાં વાલીઓને જાગૃત કરવાનાં કાર્યમાં સહયોગ ન કરે, રખે ને મલાઈ મળતી ઓછી થઈ જાય? શેનો ડર? ઘર વાપસીની જેમ વાલીઓ પાછાં માતૃભાષા તરફ વળશે તેનો? તો શો વાંધો હોય? ફક્ત અને ફક્ત આર્થિક લાભ-ગેરલાભનાં ધોરણો પર આપણી શાળાઓનાં વહીવટ ચાલશે? સરકારી તંત્રો તો જાણે પોતે જ મારવા બેઠા હોય તેમ રોજ નતનવા સર્ક્યુલરો, નવી ગણતરીઓ (કેટલાં વિદ્યાર્થીઓ પર કેટલાં શિક્ષકોની, કેટલાં શિક્ષકો વધારાનાં?) કરતાં રહે છે. આ બધું શા માટે? જ્યારે સરકાર શિક્ષકોને પગાર આપવા બંધાયેલી છે જ તો શિક્ષકોને શિક્ષણનું કાર્ય કરવાને બદલે નિયમોમાં બાંધીને ઑફિસોમાં બેસાડી દેવાનાં? શિક્ષકોને ફક્ત અને ફક્ત શિક્ષણનું કામ કરવા દઈએ તો પણ આપણાં શિક્ષણસંસ્થાનોમાં ધરખમ સકારાત્મક પરિણામો દેખાશે અને તે માટે જડ કાયદાઓની માનસિક ગુલામીમાંથી બહાર આવીને ફક્ત અને ફક્ત દેશહિત, આપણી સંસ્કૃતિ, સંસ્કારો, નવી પેઢી માટેનું ભવિષ્ય જ કેન્દ્રમાં રાખવા જોઈએ.
અંગ્રેજો આપણાં ભારતીય સૈનિકો દ્વારા જ જુલમ કરતાં અને તે આપણે સહન કરતાં; પણ ત્યારે દેશ ગુલામ હતો. પણ હવે? હવે તો દેશ આઝાદ થયો છે તો શા માટે ભારતીયો દ્વારા જ ભારતીયતા પર જુલમ, કઠુરાઘાત થઈ રહ્યો છે? આપણે જ આપણાં વિરોધીઓ બનીને બેઠાં છીએ. આ માનસિક ગુલામી નથી તો શું છે? એટલે જ તો સરકારને નિવેદન છે કે જ્યાં સુધી સરકારના નિયમોનો ડંડો નહિ વાગે ત્યાં સુધી આપણી માનસિકતા સુધરવાની નથી. સરકારે Right to Education આપ્યું છે, તેની સાથે Right to first Education in mother tongue એ નિયમને સખ્તીથી લાગુ કરવાની જરૂર છે. આનો ફાયદો એ થશે કે જે લોકો દ્વિધામાં છે અને માતૃભાષાનાં માધ્યમ દ્વારા ભણતરનું મહત્ત્વ સમજે પણ છે, છતાંય પ્રવાહની વિરુદ્ધ જવાની હિંમત નથી કરી શકતાં તેવા મોટા વર્ગને હાશકારો થશે. વળી, પ્રવાહથી અલગ થયા વગર સંસ્કૃતિ-સંસ્કારો સાથે જોડાયેલાં રહેવાની તક પણ મળશે. મુઠ્ઠીભર અંગ્રેજોએ આપણાં જ માણસો દ્વારા આપણા દેશ પર રાજ્ય કર્યું; પણ જ્યારે આખો દેશ અંગ્રેજોની વિરુદ્ધ એક થઈ ગયો ત્યારે જ ગુલામીની ઝંઝીર તોડી શક્યા. એ જ રીતે, આવી માનસિકતાવાળાં મુઠ્ઠીભર લોકો ઊંચા હોદ્દા પર બેસીને, આપણાં જ જેવાં વિચારો ધરાવતાં નોકરિયાતો પાસે ગુલામિયત કરાવે છે, તેની વિરુદ્ધ દરેક સુસંસ્કૃત, જાગૃત દેશવાસીઓએ ઊભાં થઈ, આપણી ધરોહર જાળવી રાખવાનાં કાર્ય માટે ખભેખભાં મેળવી કાર્ય કરવું જોઈએ. જનચેતના એ જ માનસિક ગુલામીમાંથી બહાર આવવાનો સાચો માર્ગ છે.
– મુંબઈ ગુજરાતી સંગઠન