રખડતાં રઝળતાં હું છેવટ કુલૂની ખીણમાં જઈ પહોંચી હતી, જેને લોકો દેવોની ખીણ કહે છે. ત્યાની ધરતી સુંદર છે અને ચારે તરફથી બરફછાયા ઊંચા પહાડો તેને સ્નેહની દ્રષ્ટિથી નિહાળી રહે છે. બીજો કોઈ સમય હોત તો હું ત્યાનું સૌન્દર્ય માણી શકી હોત, અને કદાચ એનો થોડો અંશ મારી અંદર ભરી શકી હોત. પણ અત્યારે મારી પાસે એ આંખો નહોતી, જેના વડે હું તેની સુંદરતાના આ નીલમસરોવરને જોઈ શકું, અને એ હ્રદય નહોતું, જેમાં હું તેના ઝગમગતાં શિખરોનું પ્રતિબિંબ ઝીલી શકું. હું તો કેવળ મારા દુઃખને ભૂલવા માટે મેં આદરેલી રઝળપાટમાં જ ત્યાં જઈ ચડી હતી. અને મને ખબર હતી કે, હું દૂર સુધી સફર કર્યા જ કરું, એક પછી એક ખીણ અને એક પછી એક ઊંચાં બરફમય શિખરોને ઓળંગી પેલી પાર, સ્પિતિ અને લાહોલના નિર્જન વૈભવમાં થીજી ગયેલા મુલ્કોમાં પહોંચી જાઉં, તોપણ મારા હ્રદયની, બિયાસના પાણીની જેમ સદા ઘૂઘવતી પીડા મારી સાથે ને સાથે જ આવવાની.

સાવ નિરુદ્દેશપણે હું રખડતી હતી. મારે કોઈ મુકામ નહોતો, કોઈ મંજિલ નહોતી. અલબત્ત, બસમાં બેસતી વખતે હું કહેતી – એક ટિકિટ જોગેન્દરનગર અથવા એક ટિકિટ મંડી. પણ જોગેન્દરનગર ઊતરીને હું શું કરીશ તેનો કશો અણસાર મને રહેતો નહિ. કાંગડા-કુલૂ ખીણમાં સરકારી રેસ્ટ હાઉસની સારી સગવડ હોય છે. ‘ઑફ સિઝન’માં તમે જાઓ તો આગળથી રીઝર્વેશન કરાવવાની કોઈ જરૂર રહેતી નથી, અને જમવાનું પણ ત્યાં સસ્તું મળે છે. એટલે રહેવા-ખાવાનો પ્રશ્ન મને નડતો નહિ. સાચું પૂછો તો મારી શરીર પ્રત્યેની સભાનતા જ ઓછો થતી જતી હતી. હું ક્યારે ઊંઘું છું, ક્યારે જાગું છું, શું જમું છું ને કેટલું ચાલુ છું – કશાનું મને ભાન રહેતું નહિ. રહી રહીને હું મૃત્યુનો વિચાર કરવા લાગતી. જીવનમાં મને ચાહે એવું જો કોઈ ન હોય, અને તમારા પ્રિયપાત્રે તમારો વિશ્વાસ તોડ્યો હોય તો પછી પહેલો વિચાર તમને મૃત્યુનો આવે છે. હું મૃત્યુ માટે રાતદિવસ પ્રાર્થતી, પણ આત્મહત્યા કરવાની મારામાં હિંમત નહોતી. બિયાસના ઊંડાં પાણીને ઝડપભેર વહી જતાં હું જોતી, અવકાશની સદાયે ચાહક, હું ગૂંગળાઈને તો ન જ મારી શકું.

તો પછી બીજો માર્ગ હતો – બસને અચાનક અકસ્માત થાય તેવી ઇચ્છા કરવાનો. પણ બસમાં તો મારા સિવાય બીજા મુસાફરો પણ હોય. જિંદગીમાં જેઓ હજુ તાજા છે અને જેમની, ઘરે કોઈક રાહ જુએ છે તેવા ઉતારુઓ પણ હોય; ને એમને માટે મૃત્યુ પામવાનું જરાયે જરૂરી નહોતું. એટલે એવી રીતે મૃત્યુ ઇચ્છવામાં મને સ્વાર્થ દેખાતો. વળી હાથપગ ભાંગે, શરીર લોહીથી ખરડાઈ જાય, અંગો બધાં બસ હેઠળ ચંપાઈને વિકૃત થઇ જાય, એ પણ મને પસંદ નહોતું. આટલી હતાશા છતાં મનમાં સૌન્દર્યની થોડીઘણી ચાહના કદાચ રહી ગઈ હશે. એટલે મૃત્યુ તો ઝંખતી હતી, પણ તે એવી રીતે કે ખુલ્લા આકાશ તળે, રાત્રિના અર્ધનિદ્રિત સરોવરમાં તારાના ઝૂમખાં નિહાળતાં અંધકારની હોડીમાં હું સફર કરતી રહું ને મારી આંખ મીંચાઈ જાય ! પછી બીજા દિવસની સવાર પડે, બપોર ચડે, રાત ઢળે, દિવસ વીતે ને એ આંખ મીંચાયેલી જ રહે.

પછી એમેય લાગતું કે આ તો બધાં ન મરવાનાં બહાનાં છે. જીવવાની કોઈક ઇચ્છા ક્યાંક ભીતરમાં જ હોવી જોઈએ. ભીષણ દુઃખની આગમાં પણ બધું બળીઝળીને ખાખ નયે થયું હોય. આ મોટા ધરતીકંપમાં એક નાનીશી કુટિર, આશાની એક જરા અમથી દહેરી ક્યાંક સચવાઈ રહી હોય. એમ જ હશે… નહિ તો જે દિવસે પેલી ફાટ પાડો ને અંદરથી બધાં સ્વપ્નો ઝરી ગયાં, તે દિવસે જ હ્રદય ધબકતું બંધ ન થઈ ગયું હોત !

મને ઘણી વાર મારી પોતાની ઉપર રમૂજ ઉપજતી. ઘણી વાર એમ થતું કે એક વિશાળ ભ્રાંતિના વહેણમાં હું ડૂબી રહી છું. કદાચ હમણાં આંખ ખૂલશે ને આ બધું સ્વપ્ન હતું એમ હું જાણીશ ત્યારે હું મારા સુંદર ઘરના બગીચામાં હોઈશ, અને જેને હું ચાહું છું તે મારી સમીપમાં હશે. પણ રોજ સવારે આંખ ખૂલતી અને હું એ જ હરિયાળી, ચીડનાં વૃક્ષોનાં વન અને હિમ-મંડિત પહાડો જોતી અને મને ખબર પડતી કે જેને હું ભ્રાંતિ ગણવા ઇચ્છું, એ એક હકીકત છે.

જોગેન્દરનગરમાં હું સરકારી ડાકબંગલામાં રહી હતી. સમીસાંજના હું પહોંચી અને ચોકીદારે મને આઠ નંબરનો રૂમ ઉઘાડી આપ્યો. મને અડવું ન લાગે તે માટે કદાચ તેણે મને આશ્વાસન આપ્યું કે થોડા દિવસ પહેલાં મારી જેમ જ એક વિલાયતી મેમસા’બ એકલાં આવેલાં, ને તે આ જ રૂમમાં રહેલાં. મેં રૂમમાં સમાન મૂકી હાથ-મોં ધોયાં અને પછી ચોકીદારને ચા ને ટોસ્ટ લાવવાનું કહી, બહાર વરંડામાં આવી.

બહાર આંગણામાં નાનોશો બગીચો હતો ને ત્યાં ફ્લોક્સનાં રંગરંગી ફૂલો ખીલ્યાં હતાં. અચાનક મારું ધ્યાન ગયું – પાછળની તરફ, જરા ઊંચાણમાં ડાકબંગલાની ડાબી તરફની વિંગ હતી અને એના વરંડામાં એક માણસ એકલો બેઠો બેઠો કંઈક વાંચી રહ્યો હતો. એના પર મારી નજર પડતાં જ હું થંભી ગઈ. તે પરદેશી હતો, અને તેણે ખાદીનો પહોળો ઝબ્ભો પહેર્યો હતો. એનો ચહેરો જોતાં મને થયું – આ એક એવો ચહેરો છે, જે ઘણાબધાં ઊંડાણોમાં જીવે છે. આમ તો એ ચહેરો સાદો હતો. તમે અમૃતા શેરગિલનાં ચિત્રોમાં પુરુષપાત્રો જોયાં છે? એના બધાં પુરુષ-આલેખનોમાં એક રહસ્યમય તત્વ તરફની આસ્થા હોય છે. કલાની દ્રષ્ટિએ એ ચહેરાઓ બહુ અસાધારણ લાગ્યા છે એમ હું ન કહી શકું. કલા વિષે મારું ખાસ જ્ઞાન પણ નથી. પણ એ ચહેરાઓમાં રહેલા કોઈક અગમ્ય તત્વે મને હંમેશા એમના ભણી ખેંચી છે.

અને હવે અહીં, મારા વતનથી સેંકડો માઈલ દૂર એક ઠંડા પહાડી શહેરના ડાકબંગલામાં, સમીસાંજના ફૂંકાતા પવનમાં, મેં એક અતિશય પરિચિત ચહેરો જોયો, જે એક સાવ અજાણ્યા માણસનો હતો.

મને મનમાં તીવ્રપણે થઇ આવ્યું કે હું એની પાસે જાઉં, એની સાથે વાતચીત કરું. મનમાં એમ પણ થયું કે, આજે જો હું એની પાસે નહિ જાઉં, તો કદાચ હંમેશ માટે મારા મનમાં એની ગળાની રહી જશે.પણ કોને ખબર કેમ, એ તદ્દન અજાણ્યા વિદેશી પાસે જતાં મારા પગ ઊપડ્યા નહિ. હું રૂમમાં પાછી ફરી અને મારામાં જાગેલી આ વિચિત્ર ઉત્કંઠા વિશે વિચાર કરવા લાગી. ચોકીદાર ચા-ટોસ્ટ લઈ આવેલો તે મેં આરોગ્યાં અને પછી આરામખુરશીમાં પડી પડી હું વિચાર કરી રહી. પછી મને થયું કે કાલે સવારે સૂરજ ઊગશે, ત્યારે મારામાં કદાચ વધુ હિંમત આવશે – ને ત્યારે કદાચ હું તેની સાથે વાતો કરી શકીશ.

એ રાતે પહેલી વાર, આત્મહત્યા ને મૃત્યુના વિચાર કરવાને બદલે હું અમૃતા શેરગિલના વિચાર કરતી રહી.
બીજે દિવસે સવારે ચોકીદાર આવ્યો ત્યારે મેં તેને એ વિદેશી વિશે પૂછ્યું. તેણે કહ્યું કે, એ તો વહેલી સવારે જ ચાલ્યા ગયા છે. ‘ક્યાં?’ એમ પૂછવાનું મારા હોઠ પર આવ્યું પણ મને થયું કે એનો કશો અર્થ નહોતો. મૃત્યુની શોધ જ મારી એકમાત્ર દિશા હતી, અને હવે ત્યાં કોઈ આડી ફંટાતી પગદંડીઓ નહોતી.

જોગેન્દરનગરથી હું મંડી ગઈ, ને ત્યાંથી કુલૂ. તમે જો કદી એ બાજુ ગયાં હો તો તમને મંડીથી ઔટ સુધી બિયાસને કાંઠે કાંઠે થતા પ્રવાસની રોમાંચકતાનો ખ્યાલ હશે. તોળાઈ રહેલી ભેખડોની નીચેથી, ગરજતી બિયાસના સાવ કાંઠે અડીને દોડતી બસમાં એક કેવી તો નિર્ભયતા અનુભવી શકાય છે ! એમ તો ત્યાં રોજ કેટલીયે બસ દોડે છે અને ડ્રાઈવરો ખૂબ અનુભવી ને કુશળ હોય છે. પણ તમે પહેલી વાર જતાં હો ત્યારે ડ્રાઈવરની કુશળતા વિશે તમારા મનમાં કશી શ્રદ્ધા હોતી નથી. ત્યારે કેવળ મૃત્યુની અતિ નજીકતાનો અનુભવ થાય છે ને પછી આપણને ને મૃત્યુને જુદા પડતી ભયની દિવાલ ભાંગી પડે છે. ગમે તેમ, પણ બિયાસના અદભૂત સૌંદર્ય ઉપરાંત સમગ્ર અસ્તિત્વની અંદર અનુભવાતા એક નવા પરિમાણ માટે આ પ્રવાસ તમારે જરૂર કરવો જોઈએ.

કુલૂ બહુ સુંદર ગામ છે, એકદમ શાંત અને ચિત્રમય. એનાં મોટાં મોટાં મેદાનોને કિનારે પાઇનનાં સો સો ફૂટ ઊંચા વૃક્ષો છે, અને મેદાન પૂરું થાય છે ત્યાં ફરી બિયાસનું મિલન થઈ જાય છે.

કુલૂમાં મેં ત્રણ દિવસ રહેવાનું વિચારેલું; જોકે પછી હું ક્યાં જઈશ તેની મને ખબર નહોતી. કદાચ નગ્ગર, કે પછી મનાલી અથવા કોટી – કશો ખ્યાલ નહોતો. પણ કુલૂથી હું ચોથા દિવસે નીકળી જઈશ એમ મેં નક્કી કરેલું.
ત્રીજા દિવસની સાંજે એક અપ્રત્યાશિત ઘટના બની.

પાઇનનાં જંગલોમાંથી પાછી ફરીને હું એ મોટાં ગોચર-મેદાનોમાં ધીમે ધીમે આંટા મારતી હતી. સૂરજ આથમવા આવ્યો હતો અને દૂરનાં બરફીલાં શિખરો એના છેલ્લાં કિરણોમાં આછા નારંગી રંગ વડે ઝગમગતાં હતાં. મેદાનની ધારે આવેલાં વૃક્ષો ડોલતાં હતાં ને હવા સુગંધમયી હતી. એટલામાં મેં જોયું. મેદાનના છેડા પર, મુખ્ય રસ્તાની નજીકમાં એક ટોળું એકઠું થઇ ગયું હતું. પહાડોમાં જીવન કાંઈક નીરસ અને એકધારું હોય છે, એટલે નાનીશી ઘટના બને તોપણ લોકો જલદીથી ટોળે મળે છે. મેં પણ શું છે તે જોવા ડોકિયું કર્યું, ને હું આશ્ચર્યથી એક વાર કંપી ગઈ. ટોળાની વચ્ચે એક આધેડ ઉંમરની સ્ત્રી પડી હતી. તેનાં કપડાં ઠેકઠેકાણેથી ચિરાઈ ગયાં હતાં ને શરીર પરથી લોહી ઝમતું હતું. એના માથા પાસે પેલો વિદેશી ઊભો હતો, જેને મેં જોગેન્દરનગરમાં જોયો હતો. મને જોતાં જ તે બોલ્યો:

‘ઓહ, તમે? તમે આવ્યાં તે ઠીક કર્યું. મને જરા ટેકો આપશો? આ બાઈને ઈસ્પિતાલમાં પહોંચાડવાની છે.’

અમે બંનેએ મળીને સ્ત્રીને ઊંચકી. વિદેશીએ કહ્યું: ‘તમે તો ઘણાં સશક્ત છો ! સહેલાઈથી ઊંચકી શકો છો…’

બાઈ અર્ધભાનમામાં હતી. મને થયું, કદાચ પાગલ છે. ટોળાનાં લોકો અમને જોઈ રહ્યાં, પણ કોઈ સાથે આવ્યું નહિ. રસ્તે ચાલતાં પેલા માણસે કહ્યું: ‘બાઈ જરાક ગાંડી છે, આજે એક છોકરાએ તેની તરફ પથ્થર ફેંક્યો એટલે ખિજાઈને તે એને મારવા દોડી. પછી તો લોકો ભેગાં થઈ ગયાં, ને બાઈને એટલી બધી મારી કે – ‘ તે મૃદુ હસ્યો. ‘મને ઈસુ ખ્રિસ્તની પેલી વાત યાદ આવી. લોકો પથ્થર મારતાં મારતાં એક સ્ત્રીને તેમની પાસે લઈ ગયા. ત્યારે તેમણે કહ્યું: “જેણે કદી કોઈ પાપ ન કર્યું હોય, તે પહેલો પથ્થર ફેંકે”. આજે આ ટોળામાં આટલાં માણસો હતાં, એમાંથી કયો માણસ એવો હશે, જેનામાં પાગલતાનો જરા સરખોય અંશ ન હોય?’

બાઈને અમે ઈસ્પિતાલમાં પહોંચાડી. એ માણસ ત્યાંના ડૉક્ટરોને ઓળખતો હોય તેમ લાગ્યું. ડૉક્ટરોએ તેની સાથે ઘણા આદરપૂર્વક વાત કરી. બાઈને ખાટલામાં સુવાડ્યા પછી સ્નિગ્ધપણે, સ્નેહપૂર્વક તેણે તેના શરીર પર સરખી રીતે ચાદર ઢાંકી ને ડૉક્ટરને તેની કાળજી લેવાની તથા પૈસાની ચિંતા નહિ કરવાની ભલામણ કરી.

કેસ અંગે થોડીક ઔપચારિક વિધિઓ પતાવી છેવટે અમે ઈસ્પિતાલમાંથી અમે બહાર નીકળ્યાં ત્યારે રાત પડી ગઈ હતી. ડહેલિયાના સફેદ ફૂલ જેવો ચંદ્ર ચળક ચળક ચળકી રહ્યો હતો અને સૂનાં મેદાનો, સૂતેલાં ઘરો તથા જાગતાં પાઇન પર તે વરસતો હતો.

થોડી વાર અમે બંને ચૂપચાપ ચાલ્યાં.

“તમારે ક્યાં જવું છે?” તેણે મને ધીમે અવાજે પૂછ્યું.

‘ટુરિસ્ટ બંગલામાં. અને તમારે?’

‘હું ડાકબંગલામાં છું. પણ રોજ રાતે, ત્યાં જતાં પહેલાં હું એક વાર બિયાસને કિનારે જાઉં છું. ઘડીભર ત્યાં બેસું છું.’ તે જરા વાર અટક્યો. પછી સહજ ભાવે બોલ્યો: ‘તમે આવશો સાથે? આવશો તો મને ગમશે’.

મેં કશો જવાબ ન આપ્યો. ચૂપચાપ હું તેની સાથે ચાલી. થોડી વાર પછી મેં કહ્યું: ‘તમને મેં જોગેન્દરનગરમાં જોયા હતા’.
તે હળવું હસ્યો: ‘મેં પણ તમને જોયાં હતાં. તમારું મોં જોતાં જ મને મને થયું હતું કે, તમારો સૂરજ આથમી ગયો છે. તમે મને સાવ ડૂબી ગયેલાં લાગેલાં. પણ તમે ફ્લોક્સનાં ફૂલો નીરખતાં હતાં, ને ખુલ્લી હવાને સ્પર્શ કરતાં હતાં તેથી મને થયું, કોઈને અતિ તીવ્ર દુઃખ પછી પણ જો ફૂલમાં રસ હોય, ખુલ્લી હવાની ચાહ હોય, પહાડોમાં ઘૂમવાનો અનુરાગ હોય – તો એને માટે થોડીક આશા રહે છે’.

અત્યાર સુધી મેં તેના તરફ અછડતી નજરે જ જોયું હતું. પહેલી વાર મેં તેની તરફ ભરપૂર નજર માંડીને જોયું. તે વિદેશી હતો, પણ ભારતનો જીવ લાગતો હતો. અહીંની ભાષા તે જાણતો હતો ને અહીંનો પહેરવેશ તેણે પહેર્યો હતો. તેનો ચહેરો લાંબો હતો, ને લંબાઈને કારણે કદાચ ઉદાસ લાગતો હતો. તેના ચહેરા પર ઈસુના ચહેરા જેવી કરુણા ને સ્નેહાળતા હતાં. તેની ઉંમરની મને સમજ પડી નહિ, પણ મને એમ થઈ આવ્યું કે, એ માણસ દિવસોમાં ને વર્ષોમાં નથી જીવતો, પોતાનાં કાર્યો ને સ્નેહમાં જીવે છે, ને એટલે ઉંમર સાથે તેને બહુ સંબંધ નથી.

હું લાંબો વખત ચૂપ રહી તેનું તેને આશ્ચર્ય થયું હશે, પણ તે કાંઈ બોલ્યો નહિ. અચાનક અમારી વચ્ચે વ્યાપી રહેલા મૌનનો ખ્યાલ આવતાં હું જરા ચોંકી પડી, ને મારા વિચારોમાંથી બહાર આવતાં બોલી: ‘તમે અહીં શું કરો છો?’

‘ખાલી જગ્યા ભરું છું’, તે હસ્યો. તે વાતવાતમાં એક બહુ જ મધુર, સ્નિગ્ધ પ્રકારનું હસી દેતો હતો. એ હાસ્યમાં એક વિચિત્ર પ્રકારનું સંરક્ષણ રહેલું હતું.

‘ખાલી જગ્યા ભરું છું, એટલે?’

‘આજે તમે જોયું ને? એક બાઈને સર્વરની જરૂર હતી, અને થોડે છેટે એક ઈસ્પિતાલ હતી, પણ એ બેની વચ્ચે ખાલી જગ્યા હતી. બાઈને ઈસ્પિતાલ સુધી પહોંચાડવાની જરૂર હતી. એવું ઘણી વાર બને છે. મદદ કરનારી મોટી સંસ્થાઓ હોય છે, આશ્રમો હોય છે, દવાખાનાં હોય છે, પણ વચ્ચેની જગ્યા ખાલી હોય છે. હું એ ભરું છું. બાકી વાંચું છું, ક્યારેક લખું છું.’

હું પણ અહીંથી તહીં ફરતી હતી, પણ મારું જીવન નિરુદ્દેશ હતું. એ માણસને પોતાનું કામ હતું, કોઈ નિશ્ચિત ચોક્કસ સ્થળ વગરનું, સર્વત્ર વ્યાપેલું કામ.

મારાથી પુછાઈ ગયું : ‘તમે એકલા જ છો?’ પૂછ્યા પછી મને અતિશય સંકોચ થઈ આવ્યો. મારી સામે એક ઉદાત્ત માણસ હતો, ને હું નાના કોચલામાંથી બહાર નીકળી શકતી નહોતી.

તેણે સરળ ભાવે કહ્યું : ‘ના, મારા બીજા થોડા મિત્રો પણ સાથે છે. તેઓ પણ આ જ કામ કરે છે. એક યુવતી પણ છે. એ તમારી જેમ ભાંગી ગઈ હતી, અને આપઘાત કરવાનો પ્રયત્ન કરતી હતી. પણ હવે તેને જીવતાં હોવાનો આનંદ છે.’

દેવદારનાં વૃક્ષોની છાયા નીચે ચાલતાં અમે બિયાસને કાંઠે આવી ઊભાં. વરસતી ચાંદનીમાં તેનાં વહેતાં પાણીની સફેદ ધાર ચમકતી હતી અને પથ્થર સાથે ગોઠડી કરતી હતી. અમે છેક કાંઠા પર પહોંચી ગયાં. હું કિનારા પરના એક ગોળ પથ્થર પર બેઠી. તે મારાથી જરા દૂર બિયાસને નીરખતો ઉભો રહ્યો.

“સાંભળો ! બિયાસ બોલે છે,” તેણે કહ્યું અને તેના ચહેરા પરનું ઊંડાણ વધુ ઊંડું બન્યું.

બિયાસ બોલે છે ! ઠીક, અત્યાર સુધી મેં તેને એક શબ્દહીન સ્વરમાં આલાપી રહેલી જ સાંભળી હતી, પણ હવે લાગ્યું કે, તે ખરેખર બોલે છે. એક એક પથ્થર માટે તેનો એક અવાજ છે. પાણીની પોતાની એક અલગ ભાષા છે, જે કેવળ પથ્થર સમજે છે. પાણી ને પથ્થર વચ્ચે એક ‘વાર્તાલાપ’ ચાલે છે.

‘તમે જો સાંભળો, તો દરેક વસ્તુ બોલતી હોય છે,’ તેણે ફરી કહ્યું : ‘જમીન, વૃક્ષો, ફૂલ, હવા, આકાશ – બધું જ બોલે છે’. તે જરા વાર થોભ્યો. ‘આ હું સાહિત્યની ભાષામાં નથી કહેતો. આ કાંઈ રૂપક નથી. એ ખરેખર બોલે છે, હું ને તમે બોલીએ તેમ’.

મને મારા ગુરુના શબ્દો યાદ આવી ગયા. ‘પ્લીઝ લિસન … લિસન ટુ એવરીથિંગ અરાઉન્ડ યુ…’ ત્યારે મને એ શબ્દો મઝાના લાગેલા, પણ એની સચ્ચાઈ મેં જાણી નહોતી. હવે મારી સામે એક માણસ હતો, જે સાચેસાચ બિયાસની જલધારા સાથે વાતો કરતો હતો.

‘એવી એક ભૂમિકા હોય છે, જેના પરથી એક સંપૂર્ણ પ્રકારનો વ્યવહાર થઈ શકે છે. એક સીધો વ્યવહાર. શબ્દો સિવાયનાં બીજાં પણ માધ્યમો હોય છે. તમે કદી પ્રેમ કર્યો છે?’

હું ચોંકી ગઈ. મેં પ્રેમ કર્યો હતો? હા – અને એટલે જ તો હું મૃત્યુની શોધમાં ભટકતી અહીં સુધી આવી ગઈ હતી. પ્રેમ કર્યો હતો પણ પામી નહોતી… મારા ચહેરા પર એક ક્ષણમાં સેંકડો રંગ ચડ્યા ને ઊતરી ગયા.

પણ એનું એ તરફ ધ્યાન નહોતું. તેની નજર બિયાસનાં ચાંદનીમાં ચમકતા પાણી પર હતી. ‘તમે જો પ્રેમ કર્યો હોય, ખરેખર પ્રેમ કર્યો હોય, તો તમે જાણ્યું હશે કે શબ્દો સિવાયનો એક વ્યવહાર પણ હોઈ શકે છે, વચ્ચે કોઈ માધ્યમ વગરનો એક સીધો તાદાત્મ્યનો વ્યવહાર… એક કૉમ્યુનિકેશન… જિંદગી આ કૉમ્યુનિકેશન જ છે – કોઈની પણ સાથે, કોઈ એકની સાથે અથવા અનેકની સાથે… અને આ કાંઈ ફિલસૂફી નથી, આ તો એક સાવ સાદીસીધી હકીકત છે’.

મેં એકદમ અસહાય બનીને કહ્યું : ‘કૉમ્યુનિકેશન શું છે તે હું જાણતી નથી. મને કોઈ ચાહતું નથી’.

‘હું તમને ચાહું છું’. તેણે કોમલ સ્વરે કહ્યું : ‘અને ઈચ્છું છું કે તમે પણ ચાહો’.

‘કોને?’ મારાથી બોલાઈ જવાયું.

‘કોઈને પણ; કોઈ એકને અથવા ઘણાને. પેલી ઘાયલ થયેલી ગાંડી બાઈને અથવા એના નાના, એકલવાયા થઈ ગયેલા બાળને. એને પ્રેમની જરૂર છે. તમારી પ્રેમ છે, તમે એ આપી શકો…’

એક ક્ષણમાં મારી સામેથી સીમાઓ બધી ઓગળી ગઈ, દીવાલો તૂટી પડી, બિયાસના બંને કાંઠા છલછલી ઊઠ્યા. મને સમજાયું કે, પ્રેમ એ આપવાની ચીજ છે; કોઈ એકને, નહિ તો પછી અનેકને. કોઈ મરવા પડેલા માણસને, કોઈ નિરાધાર બાળને, આત્મહત્યા કરવા ઈચ્છતી કોઈ સ્ત્રીને.

મેં એની સામે જોયું. અત્યંત શાંત, જરા વિષાદમય લાગતો, આસ્થાથી સભર ચેહરો. અચાનક જ મારાથી હાથ જોડાઈ ગયા. ‘મને સમજાય છે…’ મેં કહ્યું.

‘સાંભળો, આ અંધકારના ગાનને સાંભળો, પાઇનની સુગંધને સાંભળો, ધરતીના ઉચ્છવાસને સાંભળો, અવકાશના ખાલીપણાને સાંભળો’, તેણે કહ્યું.

મેં કાન માંડ્યા, ને સાંભળ્યું – પ્રેમનું એક કદી ન થંભતું, ચિરધારમાં વહેતું ગીત.

‘રાત બહુ વીતી ગઈ છે…’ તેણે શાંત કંઠે કહ્યું. ‘હવે થોડી વાર પછી સૂરજ ઊગશે’.

‘હા, સૂરજ ઊગશે’.

(‘કુન્દનિકા કાપડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ’ માંથી; ૧૯૬૩.)

[download id=”355″] [download id=”402″]