ગૃહ’ યુદ્ધ - નીરજ કંસારા

આખા દિવસના ભણતરથી કંટાળેલા ચિન્ટુને હવે ઘરે આવીને લેશન કરવાનો કંટાળો આવતો હતો. પરંતુ મમ્મી સામે તેની એક પણ દલીલ ન ચાલી. અંતે તેણે બળવો પોકાર્યો અને પોતાના હાથમાં રહેલાં પુસ્તકો હવામાં ઉડાડી દીધાં. ધોળા કબૂતરની માફક ચોપડાઓ ઉડ્યાં. ચિન્ટુનો આ વિદ્રોહ રોજનો હતો. બાલીશ વિરોધપક્ષ જેવું તેનું મન ક્યારેય પણ એક સમાધાનથી સંતુષ્ટ હતું જ નહીં. ચિન્ટુના વિદ્રોહે મમ્મીનો પારો ચઢાવ્યો અને રસોડામાંથી બેલેસ્ટિક મિસાઈલસમું વેલણ ઊડતું ઊડતું ચિન્ટુના છાતી પર જઈને લેન્ડ થયું.
અમેરિકાએ પહેલો હુમલો કરી દીધો અને મધ્યપૂર્વના નાનકડા દેશની જેમ નિઃસહાય ચિન્ટુએ પોતાનો વિલાપ શરૂ કર્યો. આ વિલાપ સાંભળીને ચિન્ટુના પપ્પા અકળાયા, રશિયાની જેમ તેઓ પણ આ મધ્યપૂર્વના દેશની મદદે આવ્યા. રશિયા સમા પપ્પાએ મધ્યપૂર્વના દેશ સમા ચિન્ટુ પાસે સહાનુભૂતિ દર્શાવી. અમેરિકા પર હુમલો કરવાની જગ્યાએ તેઓ શાંત રહ્યા. આમ પણ અમેરિકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધનો અશાંત ઈતિહાસ હજી શીત નથી થયો એટલે કે ઠંડો નથી પડ્યો... આ ઉકેલ વાતચીતથી જ શક્ય છે એવા શાંતીપ્રિય વલણ ધરાવતા લોકોને યાદ કરીને શું થયું તેની પૃચ્છા કરવા ચિન્ટુના પપ્પાએ રસોડા તરફ પ્રયાણ કર્યું. દર વખતની જેમ અમેરિકાએ રશિયા પર આક્ષેપ કર્યો કે, ‘તમારા લાડને કારણે જ આ જ બગડી ગયો છે(દેશ કે ચિન્ટુ તે પૂછવું અસ્થાને)’ અન્ય સામે સારું દેખાડવાનો પ્રયત્ન કરવા પપ્પાએ થોડો વિરોધ કર્યો, પરંતુ અમેરિકાનો ગુસ્સો ચરમ સીમાએ હોય, તેમણે વધુ વાદવિવાદ માંડી વાળ્યા.

જોકે પોતાના થયેલા અપમાનનો બદલો ક્યારે વાળવો એ વિચાર સાથે તેમના મગજમાં ગોળમેજી પરિષદો ભરાવવા લાગી. રોજ રાત્રે ઘરના ડાઈનિંગ ટેબલ પર થતી સંયુક્ત રાષ્ટ્ર સમી બેઠકોમાં જ આનો નિવેડો લાવવો એવો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો. રશિયાને કોઈ પણ દેશ વગર સ્વાર્થે ટેકો આપતો નથી અને રશિયા પોતે પણ વગર સ્વાર્થે કોઈને ટેકો કરતું નથી એટલે આ બેઠકમાં કોઈનો ટેકો મળે કે નહીં તે અંગે પણ રશિયા સમા પપ્પા થોડા ચિંતામાં મૂકાયા.
ટેબલ પર ભોજન સમયે સંયુક્ત રાષ્ટ્રમાં થતી ચર્ચાઓ શરૂ થઈ અને તેમણે ચિન્ટુના વિદ્રોહ પર થયેલા હુમલાનો પ્રસ્તાવ મૂક્યો અને અમેરિકા મધ્યપૂર્વના દેશ પાસે માફી માગે તેવી માગણી કરી. અમેરિકાએ કહી દીધું કે આ હુમલો મધ્યપૂર્વના દેશના ભલા માટે જ હતો, નહીં કે પોતાના સ્વાર્થ માટે, તરત જ ચિન્ટુનાં દાદી બ્રિટન બની ગયાં અને અમેરિકાની હામાં હા પાડવાં લાગ્યાં. તેમણે આવા હુમલાને યોગ્ય ઠેરવ્યો, જ્યારે ફ્રાંસ-જર્મનીસમા ચિન્ટુના દાદાએ સ્વાયત્તાનો મુદ્દો સામે ધરીને આ અંગે કાંઈપણ બોલવાની નકાર ભણી દીધી.
રશિયા પર પોતાની જ વ્યુહરચના બૂમરેન્ગ થઈ. આખરે તેમણે અમેરિકા પર આક્ષેપોનો વણઝાર કરી દીધો. કોઈપણ પ્રકારની મંજૂરી રશિયાને અમેરિકા દ્વારા મળતી ન હોવાનો આક્ષેપ તે વણઝારોમાં મોખરે હતો. રશિયાએ બે વાર કરતાં વધારે ચા નહીં માગવી-નહીં પીવી એવો પ્રતિબંધ લાદવાની વર્ષો જૂની વાત પણ આજે ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી. તો અમેરિકાએ ફરી એકવાર રશિયાએ પોતાની સંધિભંગ કરી હોવાનો આક્ષેપ કર્યો અને પોતાની મનમાની કરતું હોવાના પુરાવાઓ પણ આ ચર્ચામાં સહુની સામે ધરવામાં આવ્યા...
અલબત્ત, એ જણાવવાની જરૂર નહીં હોય કે આ આખી ચર્ચામાં મધ્યપૂર્વના દેશ સમા ચિન્ટુની છાતી પર થયેલા હુમલા અને તેના દર્દ વિશે તમામ ભૂલી ગયા હતા...
***


ઉમાંશકર જોશી – વિનોદ ભટ્ટ

શેક્સપિયરે ભલે કહ્યું કે ‘વ્હૉટ ઈઝ ધેર ઈન એ નેઈમ?’ પણ નામમાં ઘણું બધું છે અને ઉમાશંકરેય આ વાત ઘણી વહેલી જાણેલી. તેમનું મૂળ નામ તો ઉમિયાશંકર. ખુદ એમને જ લાગ્યું કે ઉમિયાશંકર નામ સાથે લખાયેલાં કાવ્યો નહિ જામે, એટલે ઉમાશંકર રાખ્યું. નામ જેવી તકલીફ તેમના ઉપનામમાં પણ પડી છે. તેમણે ઘણા લેખો ‘વાસુકિ” ઉપનામથી લખ્યા છે. ફૂંફાડાભર્યા તેમના સ્વભાવના સંદર્ભમાં જ તેમણે આ ઉપનામ રાખ્યું હોવું જોઈએ. ક્રોધના તે જ્વાળામુખી હોઈ ‘દુર્વાસા’ ઉપનામ પણ તેઓ રાખી શક્યા હોત. ગુજરાતી લેખકોમાં તેમના ગુસ્સાઓનો ભોગ બનેલાઓ કરતાં નહિ બનેલાઓનાં નામોની યાદી આસાનીથી બનાવી શકાય. કવિ જબરા ‘શોર્ટ ટેમ્પર્ડ’ છે. કઈ વાત પર ગુસ્સે થઈ શકે એ કલ્પવું અઘરું છે. ને એક વાર ગુસ્સે થઈ જાય પછી સામી વ્યક્તિને પાણીથીય પાતળી કરી નાખે. તેમનું ત્રીજું નેત્ર ખુલે ત્યારે લાગે કે ગુસ્સાનો ભોગ બનનારને હવે ભસ્મ થઈ ગયે જ છૂટકો. કહેવાય છે કે એક વાર પોતાના કોઈ સગા પર ‘વિશ્વશાંતી’ના એ કવિ એટલા બધા ગુસ્સે થઈ ગયેલા કે તેને મારવા ઈંટ ઉપાડેલી, પણ જ્યારે ખબર પડી કે આ ઈંટ છે ત્યારે દાઝી ગયા હોય તેમ તરત જ છોડી દીધેલી. ઈંટ તો શું, પણ ફૂલ પણ તે કોઈની પર ફેંકી શકે તેમ નથી. હા, કાંટાળા શબ્દોના મારથી કોઈને ગૂંગળાવી શકે ખરા. એક વખતે કવિ હસમુખ પાઠકને તેમના આ પ્રકારના ગુસ્સાનો લાભ મળેલો. વાત એવી બનેલી કે હસમુખની કોઈ કવિતા ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલી. જેમાં એક-બે ઠેકાણે મુદ્રણદોષ રહી ગયેલા. હસમુખે કવિ પર નારાજ થઈને, થોડા આક્રોશથી પત્ર લખ્યો. કવિએ એ કાવ્ય ભૂલો સુધારીને ‘સંસ્કૃતિ’માં પુનઃ પ્રગટ કર્યું. તો પણ હસમુખના મનનું સમાધાન થઈ શક્યું નહિ. વાડીલાલ ડગલીના લગ્નમાં બન્ને કવિ ભેગા થઈ ગયેલા. પેલી કવિતાની વાતના અનુસંધાને ચાર કલાક સુધી કવિએ હસમુખ પર ગાજવીજ કરી. તેમની ગાજવીજને પરિણામે આકાશમાં વાદળ ઘેરાઈ આવ્યાં ને પરિણામે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ભોજન પતાવીને બધા પોતપોતાને ઘેર જવા માંડ્યા. હસમુખ પાસે જઈને કવિ ચિંતાથી બોલ્યા: ‘આવા વરસાદમાં ઘેર કેવી રીતે જશો? તમે તો છેક મણીનગર રહો છો...’ પછી સલાહ આપીઃ ‘ કોઈ વાહનમાં જ ઘેર જજો, હોં! પૂરતા પૈસા તૌ છે ને?’
કવિ એક વાર ગુસ્સો કરી નાંખે પછી ચંદનલેપ પણ લગાડી આપે. તેમનો ગુસ્સો મા જેવો હોય છે. મા બાળકને ગુસ્સાના આવેશમાં આવી જઈને કથોલું મારી બેસે ને પછી મનમાં ડુમાતી પાટાપિંડી કરે એવું જ આપણા કવિનુંય છે. તેમનો ગુસ્સો ઘણી વાર પ્રેમથી જન્મે છે. સામેની વ્યક્તિને તે પોતાની બુદ્ધિકક્ષાની કલ્પી લે છે; ને તેમની વાત સમજતાં વાર લાગે તો તેમનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠે છે. એક વાર આ રીતે ગુસ્સામાં તેમણે સ્નેહરશ્મિને કહી દીધેલું: ‘તમે ઈન્ટેલેક્ચ્યુઅલ છો કે કેમ એની મને તો શંકા છે.’ તેમના જ હાથ નીચે એમ. એ. થયેલા એક (હવે તો સદગત) લેખકને તે કોઈ વાર કહી દેતા: ‘તમે એમ. એ. થયા છો એવો અનુભવ ક્યારેક તો કરાવો!’
તેમના કેટલાક આગ્રહોને કારણેય ગુસ્સો આવી જાય છે. એક જ પ્રતીક અંગેની મોરારજીભાઈ સાથેની તેમની ટપાટપી તો અખબારોને પાનેય ચમકી ગયેલી. સામેનો માણસ હોદ્દામાં જેટલો ઊંચો એટલી એમની ગુસ્સાની માત્રા પણ ઊંચી. આ પળોમાં કોઈકને કદાચ લાગે કે ઉમાભાઈ (સૉરી ઉમાશંકર, કેમ કે એક વાર પ્રિયકાન્ત મણિયારે તેમને ઉમાભાઈનું સંબોધન કર્યું ત્યારે મોઢું બગાડીને કવિએ કહી નાખેલું:‘મારું નામ ઉમાભઈ નહીં, ઉમાશંકર છે.’) ગુસ્સાની ક્ષણમાં અનબૅલેન્સ્ડ થઈ જાય છે, પણ તરતની ક્ષણમાં તે પાછા નૉર્મલ થઈ જાય છે. તેમનું ત્રીજું નેત્ર ખૂલે છે ત્યારે પેલાં બે બંધ થઈ જાય છે, પણ ત્રીજું બંધ થાય ત્યારે પેલાં બે આપોઆપ ખૂલી જાય છે ને એમાં ક્યારેક પ્રાયશ્ચિત પણ ડોકાય છે. કવિના નામના ઉત્તરાર્ધમાં ‘શંકર’ ન હોત તો કદાચ આવો ગુસ્સો પણ તેમનામાં ન હોત એવું આ લખનાર માને છે.
પણ આ કવિને ગુસ્સો કરતાં આવડે છે એથીય અદકી રીતે પ્રેમ કરતાં આવડે છે. ‘પ્રેમ’ નામના ચલણી સિક્કા પર જ તેમનો વ્યવહાર નભતો હોય છે. પોતાના કોઈ સ્વજનને ત્યાં જશે ત્યારે તે સ્વજનની પત્ની ઉપરાંત તમામ બાળકોનાં નામ પોપટની જેમ બોલી જઈ બધાંની ખબર પૂછી લેશે. જો બાળકો પોણો ડઝન હશે તો પોણોય પોણો ડઝનનાં નામ તેમને મોઢે હશે. તેમની તીવ્ર યાદશક્તિ આદર ઉપજાવે એવી છે. જેને તે પોતીકાં ગણે છે તેની પાસે ખુલ્લાશથી પહોંચી જાય છે. રઘુવીરને નોકરી ન મળે ત્યાં સુધી ચા નહિ પીવાની બાધા શ્રીમતી ચૌધરીએ લીધાનું કવિએ જાણેલું. પછી રઘુવીરને યુનિવર્સિટીમાં નોકરી મળી ત્યારે શ્રીમતી ચૌધરીને બાધા છોડાવવા તે રઘુવીરના ઘેર આવેલા તે વખતે લખનાર ત્યાં હાજર હતા.
પણ આવી કે તેવી બાધા છોડવવામાં પોતે બીજી રીતે ભાગ નહિ ભજવે. મિત્રો-સ્નેહીઓ માટે બધું કરવાને સમર્થ હોવા છતાં તે મિત્રો માટે કશું જ નથી કરતા એવા આક્ષેપ પણ તેમના પર મૂકાય છે. રઘુવીરની ભાષામાં કહીએ તો ‘પ્રેમ પક્ષપાત બની ન જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં ન પરિણમે એ અંગે ઉમાશંકર સતત કાળજી રાખતા લાગે. સ્નેહની તીવ્ર લાગણી અનુભવનાર સંબંધ પરત્વે તટસ્થ રહે? ઉમાશંકર રહે છે.’ તેમના આ પ્રકારના વલણથી તેમની નિકટના લોકોને કોઈક વાર એવું પણ લાગે છે કે તેમને અન્યાય થયો છે. (સ્નેહરશ્મિના મનમાં ઊંડેઊંડે એવો ખટકો થયેલો ખરો કે ઉમાશંકર મિત્ર હોવાને કારણે ઉપકુલપતિ થવામાં મને નડ્યા). ગાંધીજીના હાથે સરદારને થયેલો, એવો અન્યાય કવિના મિત્રોને થવાનો સંભવ ખરો. કદાચ અન્યાય ન પણ થાય, પણ ફાયદોય ન થાય. તેનાથી ઊલટું તેમની તરફ કોઈ દુશ્મનાવટભર્યું વર્તન કરનાર જો સમર્થ હોય તો માત્ર વેરભાવને લીધે તેને અન્યાય ન થાય. સુરેશ જોષીએ તેમની વિરુદ્ધ જાહેરમાં સારી પેઠે લખેલું છતા ‘રીડર’ની જગ્યા માટે સુરેશ તથા ‘અનામી’ બંને ઉમેદવાર હતા, ત્યારે નિર્ણાયક સમિતિના કુલ ચારમાંના બે સભ્યોએ ‘અનામી’ને પહેલો ક્રમ આપેલો, ને સુરેશને બીજો. ત્રીજા સભ્યે સુરેશને પહેલો અને ‘અનામી’ને બીજો ક્રમ આપેલો. જ્યારે આ કવિએ માત્ર સુરેશને જ પહેલો ક્રમ આપેલો. બંને ઉમેદવાર વચ્ચે ખાસ્સું લાં...બું અંતર છે એમ ગણીને. દ્વેષમુક્ત રહેવા તે હંમેશાં પ્રયત્ન કરે છે.
પણ પોતાના હોદ્દાનો ગેરલાભ ઉમાશંકર લે કે લેવા દે એ વાતમાં માલ નહીં. તે જ્યારે ઉપકુલપતિ બન્યા ત્યારે સાથેસાથે અધ્યાપનકાર્ય પણ કરતા. પ્રોફેસરોનો પગાર લગભગ રૂપિયા પંદર સો ને ઉપકુલપતિનો લગભગ પાંચસો હતો. કામ તે પ્રોફેસરનું કરવા છતાં પગાર તો તે ઉપકુલપતિના હોદ્દોનો એટલે કે રૂપિયા પાંચસો જ લેતા. કવિમાં સૂક્ષ્મ વિવેક પણ ઘણો. કહે છે કે ઉપકુલપતિના હોદ્દા પર હતા ત્યારે તેમણે એવો આગ્રહ રાખેલો કે પોતે આ હોદ્દા પર હોય ત્યાં સુધી તેમની કોઈ કૃત્તિ પાઠ્યપુસ્તક તરીકે ન ચાલવી જોઈએ.
‘હર્બર્ટ એ. ડિસોઝા વ્યાખ્યાનમાળા’ માટે તેમને પ્રવચન આપવાનું આમંત્રણ સેન્ટ ઝેવયર્સિ કૉલેજ તરફથી મળેલું. આ પ્રવચનનો પુરસ્કાર પણ લગભગ પાંચસો રૂપિયા જેટલો અપાતો. ઉમાશંકર ઉપકુલપતિ હતા અને ઉપકુલપતિ સંલગ્ન કૉલેજોમાંથી પુરસ્કાર ન લઈ શકાય એવો નિયમ; ને આ લોકો પુરસ્કાર આપ્યા વગર છોડે પણ નહિ. એટલે ‘ફરી ક્યારેક’ એમ કહી પ્રવચન આપવાનું તેમણે ટાળેલું. ગયે વર્ષે ફરી આમંત્રણ આપી તેમને બોલાવ્યા. તેમણે પ્રવચન આપ્યું, પણ પેલો પુરસ્કાર ન લીધો. આ કવિ હાઈટમાં નીચા હોવા છતાં સ્ત્રી ને પૈસાની બાબતમાં ઘણા ઊંચા છે. નામે શંકર છતાં વર્તને વિષ્ણુ છે.
ઉમાશંકરમાં બીજા એક ઉમાશંકર બેઠા છે. એ બીજા ઉમાશંકરની એક આરસની પ્રતિમા આ ઉમાશંકરે ઘડી છે. એ પ્રતિમા ખંડિત થાય એવી કોઈ પણ ચેષ્ટા કવિ સહી શકતા નથી. પોતાના સફેદ સાળુ પર કાળો ડાઘ પડવા ન દે એવી વિધવા બ્રાહ્મણી સાથે કોઈએ તેમને સરખાવ્યા છે. ‘શ્લીલ-અશ્લીલ’ પુસ્તકનું સંપાદન મેં કરેલું. તેમાં તેમની ‘રાહી’ વાર્તા લેવાનું નક્કી કરી તેમને મળ્યો. બે-ત્રણ વખત મને આંટા ખવડાવ્યા; પછી સંમતિ આપી, પણ સાથે ટકોર કરવાનું ન ચૂક્યા: ‘ભાઈ વિનોદ, જે કંઈ કરો તે જાળવીને કરજો. પછી એવું ન બને કે આપણે બધાએ સંતાતા ફરવું પડે.’
કવિ કાજળ કોટડીમાંથી ઊજળા બહાર નીકળનાર કીમિયાગર હતા. નિષ્કલંક જીવન જીવાય એ માટે તે સદાય જાગ્રત રહે છે અને એટલે કવિ સસ્તા બનીને કશું કરતા નથી. બાકી પૈસાની જરૂર કોને નથી હોતી? જેમની પાસે વધારે હોય છે તેમને વધારે હોય છે. કવિનેય હશે! પણ પેલી ઈમેજ! અરીસાને બીજે છેડે ઊભેલા ઉમાશંકર આ ઉમાશંકરને ઠપકો આપે એવું કશું જ તે નહિ કરે. આ ઉમાશંકર પેલા ઉમાશંકરનો ભારે આદર કરે છે. જ્ઞાનપીઠનું રૂપિયા પચાસ હજારનું ઈનામ પોતે ન રાખતાં ટ્રસ્ટ કરી દીધું. કવિ માટે પાંચ આંકડાની આ રકમ નાની ન કહેવાય. વળી, પૈસાનું મૂલ્ય કવિ નથી સમજતા એવુંય નથી. એક વાર મુંબઈના પરાના સ્ટેશને બુકિંગ ઑફિસવાળા સાથે બે પૈસા માટે તે લડી પડેલા. રિક્ષાવાળા સાથે પણ ચાર-આઠ આના માટે નાના-મોટા ઝઘડા તેમણે કર્યા છે. એક વખત તો તેમને ત્યાંથી ચીજ-વસ્તુઓ ચોરી જનાર નોકરનું પગરું શોધતા તે નોકર પાસે પહોંચી ગયેલા ને તેને ફોસલાવીને પોતાનો માલસામાન પરત મેળવેલો.
કંજૂસ લાગે એટલી બધી કરકસરથી તે જીવ્યા છે. ઓગણત્રીસ-ઓગણત્રીસ વર્ષથી ‘સંસ્કૃતિ’ પરના ઘડાનો બ્લૉક પડી ગયેલો હોવા છતાં તેમણે તે બદલ્યો નથી. નિરંજન ભગતે પહેરેલી ચંપલ ગમી જવાથી એ પ્રકારની જોડ ચંપલ લાવી આપવા તેમણે નિરંજનને કહ્યું. નિરંજન ચંપલ લઈ આવ્યા. કિંમત પૂછી. અઠ્ઠાવીસ રૂપિયા.. ‘અઠ્ઠાવીસ રૂપિયા?! આટલી મોંઘી ચંપલ પહેરાતી હશે?’ ને કવિ પોતાની જાત પર ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં ને ગુસ્સામાં નિરંજનને પૈસા આપવાનુંય તે ભૂલી ગયા... તે છ મહિને આપ્યા.
આમ તો તે વૅલ્યૂઝના માણસ છે. કદાચ એટલે જ ભદ્દાપણાની તેમને ચીડ છે. કદાચ આથી જ, પોતાની ષષ્ટિપૂર્તિ તેમણે ઊજવવા દીધી નથી. આ પ્રકારનું હાસ્યાસ્પદ કામ તેમણે નથી થવા દીધું. ‘માણસ જન્મે ને જીવે તો સાઠનો થાય. એની વળી ઉજવણી શી?’
તેમને સાઠ વર્ષ પૂરાં થતાં’તાં તેની નિરંજન, શિવ પંડ્યા, હસમુખ વગેરે મિત્રોને ખબર એટલે આગલા દિવસે નિંરજને કવિને ફોન કર્યો, ‘તમારું થોડું કામ છે; આવતી કાલે આવું?’ ‘આવો.’ પછી બાર પંદર મિત્રો ઉમાશંકરને ત્યાં ત્રાટક્યા. ઉમાશંકર પરનું કાવ્ય નિરંજને વાંચ્યું. ચા-પાણી વગેરે પત્યા. બધા ઊઠ્યા. ઝાંપા સુધી મિત્રોને વળાવવા જતાં ઉમાશંકરે નિરંજનને પૂછ્યું: ‘તમે આવ્યા ત્યારે સામે લટકમટક ચાલવાળી, નટખટ, જાજરમાન સુંદર સ્ત્રી મળી?’
નિરંજન તો આ વાતથી હેબતાઈ ગયા. (સ્ત્રીની વાત આવે છે ત્યારે નિરંજન હેબતાઈ જાય છે.) આ કવિ સાઠ વર્ષ પૂરાં કર્યા પછી યુવાનીમાં પ્રવેશે છે કે શું?! પ્રકટપણે કોઈ સુંદરીની વાત કરતા હોય એવો આ પહેલો પ્રસંગ હતો. કવિએ આ શું પૂછ્યું?
‘ના. નથી જોઈ...’ નિરંજન ઉવાચ.
‘ખરેખર?’
‘એટલે?’
‘અરે, હમણાં જ મારા ઘરમાંથી તે વિદાય થયાં. તેમનું નામ ‘બુદ્ધિદેવી’ હતું...’ કવિએ ખુલસો કર્યો.
ઉમાશંકરમાં Keen Sense of humour છે. તેમની સાથેની નાની વાતમાંથી પણ તેમની હાસ્યવૃત્તિ પ્રકટ થયા કરે છે. ટીખળ ‘કરી’ શકે તેમ ‘માણી’ પણ શકે છે. મારો અંગત અનુભવ છે. વાત ઈડરમાં ભરાયેલા જ્ઞાનસત્રની છે. ઈડર પાસેના બામણા ગામના વતની હોઈ કવિ યજમાન હતા ને અમે મહેમાન. પહેલે દિવસે પૂરી-શાક પીરસાયાં. પૂરી ઘણી જ ચવડ ને શાક પણ ધોરણસરનું નહિ. પીરસાયા પછી કવિ પંગતમાં ફરવા નીકળ્યા – બધાને બરાબર પીરસાયું છે કે નહિ તે જોવા. અમારી પંગતમાંથી તે પાછળની પંગતમાં ગયા. મારી બાજુમાં બેઠેલા વિનોદ અધ્વર્યુનાં પત્ની સુરંગીબહેને મને પૂછ્યુઃ ‘હેં વિનોદભાઈ! કહેવત તો એવી છે કે રસોઈ તો ઈડરની! તો પછી આમ કેમ?’
‘બહેન, ઈડરના રસોઈયા સાક્ષર થઈ ગયા છે.’ હું જરા મોટેથી બોલ્યો; એટલે દૂર રહ્યે રહ્યે ઉમાશંકર મને કહ્યું: ‘નૉટી બોય, હું સાંભળી ગયો છું.’(જોકે ઉમાશંકર કવિતા જેટલી જ સારી રસોઈ બનાવી શકે છે.)
ઉમાશંકર ઝીણા બહુ. ભારે ચીવટવાળા. ‘ગુજરાતની હાસ્યધારા’ નામના મારા સંપાદન-સંગ્રહમાં તેમની રચના માટે તેમની અનુમતિ માગતો પત્ર મેં લખ્યો, પણ સ્વભાવ અધીરિયો એટલે ચાર દિવસ પછી ફોન પર તેમની સંમતિ મેળવી લીધી, પણ પછી તે અવઢવમાં પડી ગયા – મને સંમતિ આપી છે કે નહિ એ બાબતે અને તેમણે પત્રોનો જવાબ નહિ આપવાની તેમની આબરૂના ભોગેય મને પત્ર દ્વારા અનુમતિ મોકલી આપી. જોકે પત્રનો જવાબ આપવાની કુટેવ તેમણે પહેલેથી જ નથી પાડી. ‘સંસ્કૃતિ’માં તેમને મોકલવામાં આવેલી કૃતિ મળ્યાની પહોંચ, સ્વીકાર/અસ્વીકાર વગેરે બાબતનો પત્ર લખવાની ઝંઝટમાં તે નથી પડતા. એક લેખિકાએ તેમને કૃતિ સાથે જવાબી પત્ર બીડેલો. જેમાં સ્વીકાર/અસ્વીકાર બધું જ લખેલું. માત્ર ‘ટીક’ કરીને જ પત્ર પરત કરવાનો હતો, પણ આ અઘરું કામ તે કરી શકેલા નહિ.
આપણા આ કવિ જીવનમાં જેટલા વ્યવસ્થિત છે એટલા જ અવ્યવસ્થિત પણ છે. તેમના ટેબલ પર ‘સંસ્કૃતિ’ અંગેનું કોઈ મૅટર મૂકાયું હોય તો તે શોધતાં કમસે કમ પિસ્તાળીસ મિનિટ તો લાગે જ. ને પાછા મજાકમાં કહે પણ કે અહીં કશું ખોવાતું નથી તેમ જલદી જડતું પણ નથી. કેટલીક વાર તો તે ખુદ પોતાનું પુસ્તક પણ ઘરમાંથી શોધી શકતા નથી. એટલે નજીકમાં રહેતા નગીનદાસ પારેખ પાસેથી તે મેળવવું પ઼ડે છે. તેમની પ્રસ્તાવના મેળવવાની ઈચ્છાવાળા ઘણા લેખકોનાં પુસ્તકો વર્ષો સુધી છપાઈને પડી રહ્યાના અનેક દાખલા છે; એટલું જ નહિ, ખુદ તેમનું પોતાનું એક પુસ્તક જ પ્રસ્તાવનાની રાહ જોતું લગભગ આઠેક વર્ષ સુધી છપાઈને પડ્યું રહેલું. આવી કેટલીક ક્ષણોમાં જ તે સાચૂકલા કવિ લાગે. બાકીની ક્ષણોમાં વ્યવહારપટું.
તેમની વાણીમાં ગુસ્સે થવાનું તત્વ છે એટલું પ્રસન્ન કરવાનુંય છે. એક વાર ‘સંસ્કૃતિ’ના પ્રૂફ્સ પ્રેસમાંથી થોડાં મોડાં આવ્યાં. પ્રૂફ લઈને આવનાર માણસ પર ગુરુ ગુસ્સે થઈ ગયા અને પ્રૂફનો જમીન પર ઘા કર્યો. ગુરુના ગુસ્સાથી અજાણ હોઈ એ માણસ જમીન પરથી પ્રૂફ ઉઠાવી તેનો વીંટો કરી ચાલ્યો ગયો. ગુરુએ માન્યું કે એ માણસ હમણાં જ પાછો આવશે, પણ તે પાછો આવ્યો નહિ. એટલે ફોન કરીને તેને બોલાવ્યો. બીજી વાર આવ્યો ત્યારે ગુરુએ પ્રેમથી બેસાડીને ચા પિવડાવી. પછી કહ્યું: ‘તું પ્રેસનો મૅનેજર બનવાને લાયક છે.’
એક વાર કવિ પ્રિયકાંત અને પત્ની રંજનબહને ઉમાશંકરને મળવા ગયાં. વાતમાંથી વાત કાઢીને ઉમાશંકરે રંજનબહેનને કહ્યું ‘પ્રિયકાન્ત તો તમારા વર-કવિ છે, પણ અમારા તો કવિવર છે.’ યોસેફ મૅકવાન સપત્ની કવિ પાસે ગયો તો તેની પત્નીને પણ કહ્યુઃ ‘યોસેફ તમારે મને વર-કવિ હશે, પણ અમારા તો કવિવર છે, હોં!’
પિનાકિન ઠાકોર તાજેતરમાં આકાશવાણી પરથી નિવૃત્ત થયા. (આ વાંચીને કોઈએ મને અભિનંદન આપવાં નહિ.) પત્ની સાથે તે નાટક જોવા ગયેલા ત્યાં ઉમાશંકર મળ્યા. તેમણે શ્રીમતી ઠાકોરને કહ્યુઃ ‘સુનીતાબહેન પિનાકિન હવે તમને આખેઆખા આપ્યા.’
તેમના આ પ્રકારના સ્વભાવની વાત કરતા એક કવિએ મને કહેલું: ‘અમે નાના હતા ને શાળામાં ભણતા ત્યારે શાળાએ જતી વેળાએ એક ઘરડા કાકા અમને બૂમ પાડીને પાસે બોલાવતા ને ખાટી-મીઠી પીપરમિન્ટ આપતા. કોઈને વળી ચૉકલેટ આપતા. ઉમાશંકરને જોઉં છું ત્યારે શાળા સમયના એ કાકા યાદ આવી જાય છે.’
ઉમાશંકરને જોઈને ઘણુંબધું યાદ આવી જાય છે. ખાસ તો એ કે આપણી પાસે એક જ ઉમાશંકર છે. એક અને માત્ર એક જ.
(ઓગસ્ટ, 1978)

(‘વિનોદની નજરે’ પુસ્તકમાંથી)


ઘાટીને ખુલ્લો પત્ર – જ્યોતિન્દ્ર દવે

ખુલ્લા પત્ર લખવાની કળા દિવસે દિવસે વિકાસ પામતી જાય છે. દૈનિકપત્રમાં લગભગ હંમેશ કોઈ ને કોઈ પ્રકારનો ખુલ્લો પત્ર પ્રગટ થાય છે. વાઈસરૉયથી માંડીને વનિતાવિશ્રામના વ્યવસ્થાપક સુધી સર્વેને ખુલ્લા પત્રો લખવામાં આવે છે. કેટલાક લેખકોને તો જેને તેને પત્રો લખવાની ટેવ જ પડી ગઈ છે. દર બીજે દિવસે તેઓ કોઈને કોઈના ઉપર ખુલ્લો પત્ર લખે છે. એક પ્રસિદ્ધ પુરુષના ખુલ્લા પત્રો હું હંમેશ વાંચું છું. ને હવે એ કોના પર ખુલ્લો પત્ર લખશે, એમ દરેક વખતે એમનો પત્ર વાંચી વિચારમાં પડું છું. હવે એમને પોતાની પત્નીને ખુલ્લો પત્ર લખવાનો રહ્યો છે ને એ કાર્ય એઓ ક્યારે કરે છે તેની હું વાટ જોયા કરું છું.
ખુલ્લા પત્રોની વિશિષ્ટતા એ છે કે જેને માટે એ લખાયેલા હોય છે તેના સિવાયના બધા એ વાંચી શકે છે અને જેને સંબોધીને લખાયેલા હોય છે તે ઘણુંખરું એ વાંચતા નથી. આથી બે પ્રકારનો લાભ થાય છે; પારકા પત્રો વાંચવાની સ્વાભાવિક ને પ્રગતિપોષક ઈચ્છા સંતોષાય છે, અને પોતાના પત્રો વાંચવાના કંટાળાથી બચી શકાય છે. ને લખનારને મોટો લાભ એ થાય છે કે ખાનગી પત્રમાં જે લખવાની હિંમત એની ચાલતી નથી તે જાહેર પ્રજાની સેવાવૃત્તિને નામે એ છડેચોક લખી શકે છે.
આવા અનેક વિચારોને અંતે હું મારા ઘાટીને ખુલ્લો પત્ર લખવાના નિશ્ચય પર આવ્યો છું. મારે એને ઘણું ઘણું કહેવાનું છે પણ સામે મોઢે હું એને કંઈ પણ કહી શકું એમ નથી. અને એનું કારણ, મને મરાઠી-ઘાટીઓ સહેલાઈથી સમજી શકે એવું મરાઠી તો-બિલકુલ આવડતું નથી. એ એક જ નથી. એ ઉપરાંત સબળ કારણ જુદું જ છે.
ઘાટીને તે ખુલ્લો પત્ર હોય? એ કયે દિવસે વાંચવાનો? એવી શંકા કોઈને થશે. પણ ખરું પૂછો તો એ જ કારણથી હું આ પત્ર લખું છું. ઘાટી નહિ વાંચે એવા નિશ્ચાયાત્મક જ્ઞાનના બળ વડે જ હું આ પત્રલેખનની પ્રવૃત્તિ આદરી શકું છું. એ જો વાંચી શકતો હોય તો મારા કોઈપણ લખાણમાં ઘાટી તો શું પણ 'ઘટ' શબ્દ પણ ભૂલથી ન વરપાઈ જાય તેની હું ચોક્કસ કાળજી રાખત. વસ્તુસ્થિતિનો લાભ-અથવા ગેરલાભ-લઈને કોઈ મારા ઘાટીને (મેં એને પત્ર લખ્યો છે એ વાત) કહી દેશે, તો હું એ વાતનો ઈન્કાર કરીશ. એટલું જ નહિં, પણ હું એને જણાવીશ કેઃ 'મેં એ પત્ર તારે માટે નહિ પણ તને જેણે વાત કરી તેના ઘાટીને માટે લખ્યો છે. બધા ઘાટીઓમાં તું અપવાદરૂપ છે. હે ઘાટીશ્રેષ્ઠ! તારે માટે કશી પણ ફરિયાદ નથી.'
આટલી ચોખવટ કર્યા પછી ઘાટી સિવાયના વાચકો માટે જણાવવું જરૂરનું છે કે મારા ઘાટી સંબંધી મારે ફરિયાદ કરવાની છે-સખત કડવા શબ્દોમાં ફરિયાદ કરવાની છે. પુરુરવાની ખાનગી વાત વિદૂષકનું હૃદય ફાડીને મુખ વાટે બહાર આવવા પ્રયત્ન કરતી હતી, તેમ એ ફરિયાદો પણ મારા હૃદયમાં સમાવી શકાતી નથી; મારે કોઈ પણ ઉપાયે એ પ્રગટ કર્યા વગર ચાલે એમ નથી. બીજો કોઈપણ માર્ગ ન હોવાથી મારે ખુલ્લા પત્ર દ્વારા જ મારી ફરિયાદો પ્રગટ કરવી રહી. આ પત્ર શરૂ કરતાં પહેલાં જે ભૂમિકા લખી છે તેનાં દેખીતાં કારણ ઉપરાંત એમાં બીજા ઉદ્દેશ પણ છે. કદાચ મારો ઘાટી અક્ષરજ્ઞાનની કોઈ વિશાળ યોજનાનો લાભ લઈ વાંચતાં શીખી જાય અને એ આ વાંચે અથવા તો કોઈ મારો હિતચિંતક એને આ વાંચી સંભળાવે, તો આટલી ભૂમિકાના ભારથી જ એનું મગજ બહેર મારી જશે, કે ત્યાર પછીનો પત્ર એ જરા પણ સમજી શકશે નહિ. પણ હવે વિસ્તાર કરીશ તો વાચક પણ કદાચ કંટાળી જશે એવા ભયથી હવે હું પત્ર જ આરભું છું.
તુકારામ, સખારામ, ઇઠુ, પાંડુ, ભીખુ અને ખાસ કરીને રામો એવા વિવિધ નામે ઓળખાતા હે ઘાટીશ્રેષ્ઠ! તું અત્યારે મારી પોતાની પેટીમાંથી ચૂનો લઈ મારી નવી ચોપડીના પૂઠા પર તે ચોપડવામાં રોકાયો છે, તે કાર્યમાંથી નિવૃત્ત થઈને તારે માટે જે ફરિયાદો કરવાની છે તે સાંભળ.
હું તારી ફરિયાદ ને વાત જેટલી સાંભળું છું તેટલી મારી વાત કે ફરિયાદ તું સાંભળતો નથી, એ મારી પહેલી ને મોટામાં મોટી ફરિયાદ છે.
હું મોડો ઊઠું છું એ તો તું આટલા અનુભવ પરથી ચોક્કસ સમજ્યો છે. છતાં સવારના પહોરમાં વહેલો આવીને પથારી ઉઠાવવી છે, કચરો કાઢવો છે, એવાં બહાનાં કાઢી તું મને જગાડી મારે છે. તે તરફ હું સખ્ત અણગમો જાહેર કરું છું.
તું મારે ત્યાંથી પાનતંબાકુ લઈ જાય છે તેમાં મારે કંઈ પણ વાંધો નથી. ખરું કહું તો હું એ તારે માટે જ વસાવું છું, પણ તું જઈને તારા મિત્રમંડળને અને આપ્તજન વચ્ચે એની લહાણી કરીને વહેંચીને ખાવાની સદવૃત્તિ દર્શાવે છે, તે મને કંઈક ભારે પડે છે; અને એથી ય વધારે તો, તું બીજા ઘાટીઓ વચ્ચે 'શેઠને પાન લાવતાં આવડતાં નથી, સોપારી સડેલી લાવે છે. કાથો લોટ જેવો હોય છે,' એવી બાબતની ચર્ચા ઉપાડે છે, તે સામે મારો વાંધો છે.
મારાં વાસણો તું જ માંજે છે, અથવા માંજવાનો ઢોંગ કરે છે; છતાં 'શેઠ, તમારા વાસણો ચીકણાં બહુ રહે છે,' એમ તું મારે મોઢે ફરિયાદ કરે છે, ત્યારે જગતમાં પ્રામાણિકતા, ન્યાય કે સચ્ચાઈ જરા પણ છે કે નહીં એ વિષે મને ઘણો સંદેહ થાય છે. હું જ્યારે જ્યારે તારી સાથે મરાઠીમાં વાત કરું છું ત્યારે મારો ઉદ્દેશ તને હસાવવાનો હોતો નથી. હું તને કંઈક ઉપયોગી કાર્ય કરવા કહું છું એમ સમજી તારે હસવાનું છોડી મારા કહેવા પર લક્ષ આપવું જોઈએ.
હું તારી સાથે મરાઠીમાં બોલું તેથી તારે મારી જોડે ગુજરાતીમાં બોલવાની કંઈ જ જરૂર નથી. મારું મરાઠી તું ભલે નહીં સમજતો હોય, તારી મરાઠી હું સમજી શકું છું. હું જે વસ્તુ જ્યાં મૂકું છું ત્યાંથી તેને ખસેડીને તું બીજે ઠેકાણે મૂકી દે છે. હું પેન્સિલ, ખડિયો, કાગળ વગેરે ટેબલ પર મૂકું છું, તો તું ત્યાંથી તેને ખસેડીને રસોડમાં મૂકે છે, અને તેને બદલે ટેબલ પર કોઈક વાર ધોવાઈને આવેલાં કપડાં ને ઘણી વાર રસ્તામાં ફેંકી દીધેલા જૂના જોડા લાવીને મૂકે છે. ઢાંકણું બરાબર રાખી શકાય તે માટે હું ટ્રંકને ભીંતથી દૂર મૂકું છું તો તું તેને તરત જ ભીંતની અડોઅડ પાછી મૂકી દે છે. મને વહેમ છે - અરે, ખાતરી છે- કે તું આ જાણી જોઈને, મને ચીઢવવાને માટે જ કરે છે. તારે મને ચીઢવવો જ છે; કેમ? તું મને ગુસ્સો જ કરવા માગે છે, ખરું? તો-તો હું તને સાફ સાફ કહી દઉં છું, કે હું એથી જરા પણ ચિઢાતો નથી! હું મોડી રાતે ઘેર આવવાનો હોઉં ત્યારે તું બારણાં આગળ ટેબલ, તેની જોડે ખુરશી, ખુરશી પાસે ત્રણ ટ્રંક ને ટ્રંક પર ગોળી એમ ગોઠવીને દીવો હોલવીને ચાલ્યો જાય છે. હું ઘરે આવું ત્યારે અંધારામાં ટેબલ સાથે પહેલાં મારું માથું કુટાય પછી ખુરસી મારા પગના નાળા ભંગી નાંખે, ત્યાર પછી ટ્રંકના ખૂણા પગમાંથી લોહી કાઢે ને છેવટે ગોળી મારી સાથે ઓરડામાં ગબડવા લાગે, એટલા માટે જ તું એમ કરે છે, એ હું જાણું છું. દુઃખ સાથે હું કબૂલ કરું છું કે તારી એ દુષ્ટ મુરાદ ઘણી વખત બર આવી છે. તારા ઉદ્દેશમાં તે ધારી પણ ન હોય એટલી સફળતા તને મળી છે.
તું બે મહિના આગળ જ તારો પગાર માગે છે. એ તારી રીત ખોટી છે. કોઈ પણ મોટી-મોટી કે નાની-ઓફિસમાં એમ 'આંગ ઉપર' પગાર મળતા નથી. મને કોઈ દિવસ એમ પગાર મળ્યો નથી ને મળવાનો નથી. અમને આગળથી નહીં જ, પાછળથી પગાર આપવામાં આવે છે. ઘણી વાર તો બાપનો પગાર, તેના મૃત્યુ બાદ તેના પુત્ર કોર્ટની મદદથી વસૂલ કરી શકે છે.
તું કોઈ વાર દારૂ પીએ છે તે વિષે મારે કંઈ કહેવાનું નથી. પણ તું દારૂ પીને મને પીધેલો શા માટે ઘારે છે તે હું સમજી શકતો નથી. એમાં કાર્યકારણના નિયમનો ભંગ થાય છે એ તો તું કદાચ નહિ સમજે, પણ એમાં મારી આબરૂને, તારા મિત્રમંડળમાં મારી જેટલી આબરૂ તેં રહેવા દીધી હોય તેટલી આબરૂને-હાનિ પહોંચે છે, એ સ્પષ્ટ કરવાની જરૂર છે?
તને મેં સલાહ આપવા રોક્યો નથી, તને આપું છું તેટલા પૈસામાં જ સારી સલાહ આપનારા વકીલો એટલા બધા છે કે તેમને છોડીને મારે તારી સલાહ લેવાની જરૂર નથી. તને વાત કરવાનો અત્યંત શોખ છે. હું કોઈ રસભર્યું પુસ્તક વાંચતો હોઉ ત્યારે મારી સામે બેસીને પાનની પેટી લઈ હાથમાં ચૂનો ને તંબાકુ મસળતો મસળતો તું પાડોશીઓની વાત કરવા બેસે છે, અથવા મારી નાજુક તબિયતને સુધારવાના પ્રાથમિક પ્રયાસો સૂચવે છે, કે મારા ખોરાકમાં કરવા જોઈતા ફેરફારોની યાદી કહી સંભળાવે છે, ત્યારે તારું ને મારું બંનેનું કામ ને મારા એકલાનો મિજાજ બગડે છે, એનો તને ખ્યાલ રહેતો નથી.
તારા અવાજથી, તારા મૂઠી વાળી હાથ હલાવી ધમકી આપવાના અભિનયથી, અને લાગ મળતાં પ્રતિસ્પર્ધીને નળ કે ભીંત જોડે ઘોંચી દઈને અનવરત મુષ્ટિપ્રહાર કર્યા જવાના તારા ચાતુર્યથી અત્યારે નામશેષ થયેલી આર્યોની વીરશ્રીને તેં ટકાવી રાખી છે તે હું જાણું છું, પરંતુ હથિયારના અભાવે, આપણને નિઃશસ્ત્ર કરવાનો કાયદો બ્રિટિશ સરકારે કર્યો છે તે કારણથી, તું મારાં કડછી, તવેથો અને બીજાં વાસણોનો શસ્ત્રાસ્ત્ર તરીકે ઉપયોગ કરી તેમને હંમેશના ઉપયોગ માટે નિરર્થક કરી મૂકે છે, તે કોઈ પણ રીતે વાજબી નથી. પ્રતિસ્પર્ધી સામે પથરો ફેંકે, ઈંટ ફેંકે કે મોટી શિલા ફેંકે તેમાં મારે કંઈ કહેવાનું નથી. પણ તું જ્યારે તને માંજવા આપેલાં મારાં વાસણો ફેંકવા મંડે છે ત્યારે એ દૃશ્ય જોઈને ઘડીભર મારું હૃદય અટકી જાય છે.
મારા ગુણાવગુણો-ખાસ કરીને અવગુણો-મારી રહેણીકરણી ને મારાં સ્નેહીસંબંધીઓ એ સર્વનું ઝીણવટભર્યું, ને ઊંડું પૃથ્થકરણ કરી તે વિષે જાહેરમાં અહેવાલ રજૂ કરવા મેં તને રોક્યો નથી. 'શેઠ ખાય છે બહું ઓછું, ને ઊંઘે છે બહુ વધારે!' એમ મારા સંબંધી બધા પાડોશીઓને કહી આવવાની તારે કાંઈ પણ જરૂર નહોતી.
અમને અઠવાડિયામાં એક જ દિવસ રજાનો મળે છે; ઈશ્વરે પણ એક જ દિવસ આરામ લીધો હતો; પણ તું દર અઠવાડિયે ઓછામાં ઓછા બે દિવસ તારી મેળે જ તને રજા આપે છે. અને એ પણ કદાચિત્ ચલાવી લઉ, પણ કયા દિવસે તું નક્કી કરે છે એ સામે મારે સખ્ત વાંધો છે. જ્યારે મારે ખાસ કામ હોય કે મેં ઘરે મિત્રને જમવા બોલાવ્યો હોય ત્યારે જ તું નથી આવતો એ કંઈ આકસ્મિક હોય એમ માનવા હું તૈયાર નથી. મારા મિત્રો આગળ ચાના પ્યાલા ને બીજાં વાસણો માંજવાનું ક્ષુદ્ર કાર્ય મારે કરવું પડે ને તેથી હું હલકો પડું, એ તારો ઉદ્દેશ ચોક્કસ કળી શકું છું.
પણ આ બધું છતાં તું મને એકલો મૂકીને ચાલ્યો ન જતો. માસ્તર, વકીલ, કારકુન વગેરે બધા ધંધાનાં ક્ષેત્રમાં હવે કોઈને માટે જગા રહી નથી. 'તું નહીં, તો તારા બાપ બીજા!' એમ સહેલાઈથી અસીલો વકીલને, હેડમાસ્તર અથવા શાળાના સંચાલકો માસ્ટરને, શેઠ કારકુનને કહી શકે છે. ઘાટીને કોઈ એમ કહી શકતું નથી; કારણ કે એક ઘાટી જતાં તેની જગ્યાએ બીજો મળવો મુશ્કેલ છે. અને કદાચ બીજો મળે તો યે તે સ્થિર થઈને તો નહિ જ રહે. મારા એક ઓળખીતાને ત્યાં એક મહિનામાં 28 ઘાટી બદલાયા હતા. 30 નહિ ને 28 જ. તેનું કારણ એટલું જ કે તે ફેબ્રઆરી માસ હતો. એક જાણીતા પત્રના તંત્રીઓ સિવાય આટલા થોડા વખતમાં એક જગ્યાએ આટલા બધા માણસો આવ્યા હોય એ હું જાણતો નથી. આ કારણથી હું ઘાટીને કોઈ પણ રીતે નારાજ કરવા માગતો નથી.
ઘાટી અને શેઠની ફરજ એક જ વાક્યમાં સમજાવવી હોય તો કહી શકાય, કે શેઠની ફરજ એ છે કે ઘાટીને કદી નારાજ ન કરવો, ને ઘાટીની ફરજ એ છે કે શેઠને હંમેશ નારાજ રાખવો.

('રંગતરંગ'પુસ્તકમાંથી)


અભદ્રંઅભદ્રઃ ય્હાક છીં... - સુનીલ મેવાડા

સવારે ચા સાથે બિસ્કિટ ખાનારા સહુએ જોયા હશે. ચા સાથે ખારી (હવે આ ખારી ગળપણવાળી હોવા છતાં એને ખારી શું કામ કહે છે એ સમજાતું નથી એવું મેં ખોરાકશાસ્ત્રીને પૂછ્યું તો એણે કહ્યું કે નમક સ્વાદમાં ખારું હોવા છતાં આપણે એને મીઠું કહીએ છીએ એટલે એનો બદલો લેવા મીઠી ખારીને ખારી કહેવાનું ખોરાકના પ્રતિનિધિઓએ નક્કી કર્યું, ઠીક.) તો હા, ચા સાથે બિસ્કિટ ઉપરાંત ખારી, ટોસ્ટ ને નાનખટાઈ સુધ્ધાં ખાતા લોકો આપણી નજરે ચડે છે, પણ સુકેતુલાલને ચા સાથે સૌથી વધારે ભાવતી કોઈ ચીજ હોય તો એ છે છીંક.
એનાં કારણો આપતા સુકેતુલાલ કહે છેઃ કારણ એક કે એ પૈસેથી ખરીદી નથી લાવવી પડતી. કારણ બે એ ખાવા હાથ નથી હલાવવા પડતા અને કારણ ત્રણ ખાધા પછી એને પચાવવા માટે પાછું ચૂરણ પણ નથી ખાવું પડતું. ઉપરાંત, સૌથી મહત્વનું, ચા પીને છીંક ખાઈ સરસ મજાનો મોંફૂંવારો ઊડાવવા તેમ જ નાકપીંચકારી છોડવા મળે છે. એવો અનેરો ધૂળેટીલ્હાવો હોળીની રાહ જોયા વગર રોજેરોજ માણી શકાય છે. જોકે વાત આટલે પૂરી નથી થઈ જતી. છીંકવિદ્યામાં પારંગત થવા માટે ચાર બાબતો ખૂબ જરૂરી છે. એક તો ખખડતા ફેંફસા. બીજું ઘોઘરું ગળું, ત્રીજું નબળું નાક અને ચોથું કઠણ કાળજું. ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેટલી જોરથી છીંક ખાવા માટે કઠણ કાળજાની જરૂર પડે પડે ને પડે જ. છીંકને દબાવ્યા કે ટાળવાના પ્રયાસ વગર, મનમાં વીરતાનો ભાવ લાવી, જરીકે સંકોચ વગર ય્હાક છીનો હાકોટો કરી આ જગતને આપણા સચેતન હોવાનો વારંવાર પૂરાવો આપવો એ એક વીરકૃત્ય છે, જેનું મહાભારતમાં વર્ણન કરવાનું વેદ વ્યાસ ચૂકી ગયા હતા. અફસોસ સાથે કહેવું પડે છે કે આજે છીંકક્રિયાને હીનભાવથી જોવામાં આવે છે. મનુષ્યએ એના વીર છીંકકર્મ પછી દિલગીરી વ્યક્ત કરવી જોઈએ એ બાબતને વિવેકનો હિસ્સો ગણવામાં આવે છે એ ખરેખર ખેદજનક છે. માટે જ, આપણા જેવા સર્વે સંસ્કૃતિપ્રેમીઓની લીંટાળી ફરજ છે કે આપણે વ્યાસસાહેબ દ્વારા છીંકાઈ ગયેલી એટલે કે ચૂકાઈ ગયેલી આ બાબત વિશે જાગૃતિ ફેલાવીએ.
બોસ સાથે મીટિંગમાં, તણાવભરેલા એક્ઝામ હોલમાં કે બેસણામાં કે ગમે ત્યાં, નાક સુધી ખેંચાઈ આવેલી છીંકને પાછી મોકલતા પહેલા મારા વીરવાચકો યાદ રાખો ને મનોમન ગણગણી લો, છીંક પછી તમારી સામે ક્રોધભાવે કે અણગમાના ભાવે જોનાર દરેકદરેક પામર મનુષ્યને આ નારો સંભળાવી દો કે, છીંક એ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને એને હું ખાઈને જ રહીશ.


ખીટીનો રૂમાલ... – નીરજ કંસારા

અમારા પૂર્વજો ગમછા તરીકે ઓળખાતા, પણ પછી ઉત્ક્રાંતિ થઈ અને અમે આજના આધુનિક સ્વરૂપમાં રૂમાલ બનીને પ્રગટ થયા. પહેલીવાર મને મારા અસ્તિત્વનો અહેસાસ ત્યારે થયો, જ્યારે શહેરની વચ્ચોવચ આવેલા બજારની એક દૂકાનમાં ખીંટીએ મને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો. તમને ખબર નહીં હોય પરંતુ તે મારા જીવનની ખૂબ મહત્વની ક્ષણ હતી. કેટલાય લોકો મારી પાસે આવ્યા, મને સ્પર્શ કર્યો અને મને તરછોડીને જતા રહ્યા, પરંતુ હે સ્વામી, હું કઈ રીતે સમજાવું કે તમારું નાક લૂછવા માટે મારા કરતા 15મા નંબર પહેલા બનેલો રૂમાલ એટલો સક્ષમ નથી, જેટલો હું છું. એપ્રિલ-મે મહિનાના બળબળતા બપોરે, ઝરણાં નીચેના પત્થરો પર પ઼ડેલા પાણી માફક તમારા કપાળ પર પરસેવો બાઝી જાય છે, ત્યારે તમારી શાખને બચાવવા માટે મારું જ શોર્ય કામ લાગશે. બગલમાં બાઝતા પરસેવા લૂંછવાનું કૌવત તો મને વારસાગત સાંપડેલું છે, એની સાબિતી હું તમને ક્યાંથી આપું? મારી આવી અનોખી ખૂબીઓને અવગણીને મને ખીંટી પરનો રૂમાલ બનાવનારા એ દૂકાનદારને હું ક્યારેય માફ કરવાનો નથી.
મારી બાજુમાં લટકેલા કેટલાક ચડ્ડા તો કહે છે તેઓ વર્ષોથી ખીંટી પર જ રહી ગયા છે, એમાંના અમુકની ફેશન તો ક્યારેયનીય ઝાંપો વટાવીને બીજે ગામ નીકળી ગઈ છે તો પણ તેમનું સ્થાન બદલવામાં નથી આવ્યું. અમારા ખીંટી પરિવારમાં સૌથી વયોવૃદ્ધ એક લૂંગીદાદી છે. તેઓ તો કહે છે, તેમના વડવાઓ ચાર આનામાં વેચાતા એ જમાનાથી તેઓ ત્યાં લટક્યાં છે. આજ સુધી તેમને કોઈએ પસંદ કર્યાં નથી. તેમના પછી આવેલી તેમની દીકરીઓ, તેમની દીકરીઓની દીકરીઓ અને કંઈકેટલીએ પેઢીઓ આજે કટકા બનીને ઘરમાં વાસણ સાફ કરતી થઈ હશે. અમુક તો ઝાપટીયાં બની હશે અને કેટલીક તો તાપણાંમાં બળી પણ ગઈ હશે, પરંતુ તેઓ હજુ ખીંટી પર જ રહી ગયાં છે.
-પણ મેં નક્કી કર્યું હતું કે હું ખીંટી પરનો રૂમાલ બનીને નહીં રહું. મારે કોઈકના ગજવામાં સમાવું છે. મારી આસપાસ રહેલી ચલણી નોટોનો ગરમાટો સહન કરવો છે. બાળકોના ગળતા નાકને સાફ કરવાનું ભગીરથ કાર્ય કરવું છે. ધરતી પર ફરી રહેલા કરોડો મનુના અંશના શરીર પરથી નીકળતા દરેકેદરેક પરેસવાના ટીપાને એમના શરીર પરથી સાફ નહીં કરું, ત્યાં સુધી મારો જન્મ નિષ્ફળ છે.
શિયાળામાં થતી ઉધરસ, ખાંસી અને છીંકસામે મારે આખી માનવજાતિને રક્ષણ પૂરું પાડવાનું છે. મારે ઘણા ચોરોના કે કાળા કામ કરનારાના ચહેરા પર છવાઈ જઈને તેમની ઓળખને છૂપાવાની છે. ટ્રેનમાં નીચે બેસવા માટે કોઈનું આસનીયું બનવું છે. તો ફૂટપાથ પર વર્ષોથી તપ કરીને જામેલી ધૂળ મને બે વાર ઝાપટવાથી દૂર થાય છે એવો આનંદ કોઈક યશોદાના લાલને કરાવવો છે. ખાવાનું ભાન ન હોય તેવાની જાંઘ પર રહીને તેના કીમતી પેન્ટ અને શર્ટને બગડતા અટકાવવાનું કામ પણ એટલું જ પુણ્યનું છે, તે અમે રૂમાલસંહિતામાં વાંચ્યું છે.
આવા તો કંઈક કેટલાય યુગપ્રવર્તક કામ માટે મારું સર્જન થયું હશે, પરંતુ દૂકાનની ખીંટીએ મને અર્જુન જેવો વિષાદ થઈ આવે છે. મારી ચારે તરફ મારા સગાવ્હાલાં છે અને હું પણ કિમકર્તવ્યમૂઢતા અનુભવું છું. ફરક એટલો છે કે અર્જુનના હાથમાંથી ગાંડીવ સરી પડ્યું હતું અને અહીં આવતી હવાની લહેરખીથી હું જ આખેઆખો સરી પડું છું.


રસિક અને શૈલાની વાર્તા – બકુલ ત્રિપાઠી

રસિકે શૈલાને પૂછ્યું, “તારાં બા-બાપજી ના પાડે તોપણ તું મારી સાથે લગ્ન કરે ખરી?”
શૈલાએ કહ્યું કે, “મારી ના નથી, હમણાં આ વાત કોઈને કરતો નહીં.”
સ્વાભાવિક છે કે રસિકે એના ખાસ મિત્ર મહેશને કહ્યું કે શૈલાનાં બા-બાપુજી મનાઈ કરશે તોપણ શૈલા તો મારી જોડે પરણશે જ. મહેશે પૂછ્યું, “શી ખાતરી?” ત્યારે રસિકે કહ્યું ખુદ શૈલાએ મને કહ્યું છે, પણ આ વાત કોઈને કરતો નહીં, કારણ શૈલાએ મને કહ્યું છે કે આ વાત કોઈને જ હમણાં કરવાની નથી.
મહેશે તો ચિત્રા પાસેથી પહેલેથી જ વચન લઈ લીધું કે હું તને એક વાત કહું પણ એ શરતે કે તું એ કોઈને કહે નહીં. ચિત્રાએ વચન આપ્યું પછી જ મહેશે ચિત્રાને કહ્યું કે શૈલા રસિક જોડે ચોક્કસ પરણવાની છે એવું ખુદ શૈલાએ રસિકને કહ્યું છે પણ વાત હમણાં કોઈને કહેવાની નથી એવું શૈલાએ રસિક પાસેથી વચન લીધું છે એટલે જ હું પણ તારી પાસેથી વચન લઉં છું કે આ વાત તું કોઈને કહેતી નહીં. ચિત્રાએ તે આપ્યું (વચન).
જો કે પછી ચિત્રાએ બીજે દિવસે મહેશને કહ્યું કે પોતે કોઈ પણ વાત પોતાની મધરથી છુપાવતી નથી એટલે શૈલા અને રસિકવાળી વાત પણ એણે પોતાની મધરને(એટલે કે ગિરિજાબહેનને) કરવી પડશે. મહેશે કહ્યું કે એ વાત કોઈનેય નહીં કહેવાનું તેં મને ખાસ વચન આપ્યું છે એનું શું? ત્યારે ચિત્રાએ કહ્યું કે મેં એ વચન આપ્યું છે એ ખરું, પણ મેં એ વચન આપ્યું ત્યારે હું આ વાત તો તદ્દન ભૂલી જ ગયેલી કે મારાં મધરથી કોઈ જ વાત નહીં છુપાવવાનો મારો નિયમ છે. ‘હવે શું કરવું?’ એ સમસ્યા મહેશ અને ચિત્રા આગળ આવીને ઊભી રહી. પણ એનો ઉકેલ છેવટે મહેશે એ રીતે કાઢ્યો કે ચિત્રાએ રસિક અને શૈલાવાળી વાત એનાં (એટલે કે ચિત્રાનાં) મધરને કરવી ખરી, પણ એ વાત મહેશ પાસેથી આવી છે એ એમને કહેવું નહીં. વળી મધર પાસેથી વચન પણ લઈ લેવું કે એ આ વાત કોઈને કહે નહીં.
ચિત્રાનાં મમ્મીએ આ વાત સાંભળ્યા પછી એ ખાનગી રાખવાનો દૃઢ નિશ્ચય કર્યો જ હતો, પણ બન્યું એવું કે એક વાર એ (એટલે કે ચિત્રાનાં મમ્મી ગિરિજાબહેન) અને સુભદ્રાબહેન તથા ચારુલતાબહેન વચ્ચે ચર્ચા ઊપડી કે આજકાલ દીકરીઓ શું કરતી હોય છે તેની માતાઓને પણ ખબર પડતી નથી. આ ચર્ચા ઊપડી ત્યારે ખરેખર આવું નથી અને પોતાને ઘેર તો દીકરી(એટલે કે ચિત્રા) પોતાને (એટલે કે ગિરિજાબહેનને) રજેરજ વાત કરે છે. એના ઉદાહરણ તરીકે ગિરિજાબહેને સુભદ્રાબહેન અને ચારુલતાબહેન આગળ આ વાત કહી-કે શૈલા રસિક પરણવાનાં છે એ તદ્દન ખાનગી વાત મહેશે ચિત્રાને કહી ત્યારે કોઈનેય નહીં કહેવાનું ચિત્રાએ વચન આપેલું છતાં એણે વાત પોતાને (એટલે કે ગિરિજાબહેનને) કહી જ. આ બતાવે છે કે દીકરીઓને એમની માઓમાં વિશ્વાસ હોય છે જ અલબત્ત, માઓએ દીકરીઓમાં સારા સંસ્કાર રેડ્યા હોય તો જ.
આ છેલ્લા વાક્યથી એટલે કે દીકરીઓ માઓનો વિશ્વાસ કરે જ, જો માઓએ દીકરીઓમાં સારા સંસ્કાર રેડ્યા હોય તો, એ વાક્યથી સુભદ્રાબહેન અને ચારુલતાબહેનને એવી ચાટી ગઈ કે ઘેર જઈને ગુસ્સામાં ચંદ્રવદનભાઈ અને રમણિકરાયને (અનુક્રમે) ગિરિજાબહેનના અભિમાનની વાત કરી. અલબત્ત, ગિરિજાબહેનને સુભદ્રાબહેનને અને ચારુલતાબહેનને સૂચના આપેલી કે શૈલા અને રસિકવાળી વાત બહાર જાય નહીં એટલે એ બંનેએ ચંદ્રવદનભાઈ અને રમણિકરાયને પણ (અનુક્રમે) એ સૂચના આપેલી, અને ખરેખર, ચંદ્રવદનભાઈ અને રમણિકરાયે એ વાત ખાનગી રાખી જ.
પણ થયું શું કે ચારુલતાબહેને જ્યારે રમણિકરાયને ગિરિજાબહેનની બડાશની વાત કરી ત્યારે રમણિકરાયે ચારુલતાબહેનને સંભળાવ્યું કે ગિરિજાબહેનનો મુદ્દો ખોટો તો નથી જ અને તેમણે (એટલે કે ચારુલતાબહેને) આપણી દીકરી એટલે કે (રમણિકરાય અને ચારુલતાબહેનની દીકરી) રેખાને એવા સંસ્કાર આપ્યા છે ખરા કે એ કોઈ વાત માતાપિતાથી છુપાવે નહીં જ. એ બાબત રમણિકરાયને શંકા છે. આથી ઉશ્કેરાઈને ચારુલતાબહેને તરત જ રેખાને પૂછ્યું કે એવી કોઈ વાત છે – દાખલા તરીકે શૈલા રસિક જોડે પરણવાની છે એ વાત – કે જે એને (રેખાને) ખબર હોય અને એણે ચારુલતાબહેનને ન કહી હોય. રેખાએ કહ્યું કે ના મમ્મી, મને એવી કોઈ વાતની ખબર નથી જ, પણ શું એ વાત ખરેખર સાચી છે કે શૈલા રસિક જોડે પરણવાની છે? ત્યારે ચારુલતાબહેને કહ્યું કે એ વાત ખરી છે, પણ તું કોઈને કહેતી નહીં.
રેખાએ કોલેજમાં જે જે બહેનપણીને આ વાત કરી એ બધીજને કડક સૂચના આપવામાં આવેલી કે આ વાત તેમણએ કોઈને કહેવી નહીં. અને વનલતા સાંજે ટેલિફોન પર સુનંદાને એ વાત કરતી હતી ત્યારે જયંતીલાલ એ સાંભળી ગયા એ તો અકસ્માતે જ બન્યું. પછી જયંતીલાલે દબડાવી ત્યારે જ વનલતાએ કબૂલ કર્યું કે શૈલા રસિક જોડે પરણવાની છે એ વાત ખાનગી હોવાથી જ એણે ઘરમાં કોઈને કહી નહોતી, માત્ર સુનંદાને જ ટેલિફોન પર એણે વાત કરેલી, કારણ એને એમ કે કદાચ સુનંદાને એ વાત ખબર હશે.
જયંતીલાલ એ શૈલાના પિતાના (એટલે કે વિનોદરાયના) મિત્ર હોવાથી અને શૈલા એમને (જયંતીલાલને) કાકા કહેતી હોવાથી ભત્રીજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને એમણે વિનોદરાયને કહ્યું કે શૈલા રસિકને પરણવાની છે એવી વાત આવી છે, પણ આ વાત એમણે શૈલાને કરવી નહીં એવું જયંતીલાલે વચન લીધું અને ઉમેર્યું કે શૈલા જાણશે કે જયંતીકાકા પાસેથી આ વાત વિનોદરાય પાસે આવી છે, તો શૈલા એમને (એટલે કે જયંતીકાકાને) કદી માફ નહીં કરે. વિનોદરાયે કહ્યું કે પોતે જયંતીલાલનું દ્રષ્ટિબિંદુ સમજે છે.
હવે કે, સુજ્ઞ વાચકો, મારે તમને ત્રણ જ પ્રશ્નો પૂછવાના છેઃ (એક) વિનોદરાયે હવે શું કરવું? એમણે શૈલા જોડે ખુલાસો કરી નાખવો કે પછી વચનપાલક બની મૌન રહેવું? (બે) વનલતાબહેન મારફત શૈલાની મા યમુનાબહેન સુધી પણ આ વાત આવી છે, પણ વનલતાબહેને વચન લીધું છે કે યમુનાબહેને વિનોદરાયને કે શૈલાને આ વાત નહીં કરવી. આ સંજોગોમાં યમુનાબહેને શું કરવું? (ત્રણ) સુનંદા મારફત શૈલાને ખબર મળી ગયા છે કે વિનોદરાય તથા યમુનાબહેન સુધી આ વાત પહોંચી ગઈ છે પણ શૈલાને આ માહિતી આપનાર સુનંદાએ પ્રોમીસ લીધું છે કે શૈલાનાં ફાધર-મધર આ વાત જાણે છે એ વાત તો જાણે શૈલા જાણતી જ નથી, એમ એણે વર્તવું ! કારણ, નહીં તો વચ્ચે સુનંદાનું અને વનલતાબહેનનું નાહક નામ આવે અને એમની ફ્રેન્ડશીપ બગડે ! આ સંજોગોમાં શૈલાએ હવે શું કરવું?
પ્રિય વાચકો,
આ ત્રણ પ્રશ્નો વિષે ચિંતન કરતાં કરતાં આપના જીવનના દિવસો, માસો અને વર્ષો સુખમય વીતે એ જ શુભેચ્છા ! દરમ્યાનમાં કદાચેય ઉત્તર સૂઝે તો અમને અવશ્ય લખશો. અમે આભારી થઈશું- ઉત્તર ખાનગી રાખવાનો હોય તો અમને ખાસ જણાવશોજી.

(‘હાસ્યાયન’ પુસ્તકમાંથી.)