ચૂંટે તો…

ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.
એક મારું વેણ તને, મૂકજે અંબોડલે.

હું તો નાનું ફૂલડું,
ખીલ્યું અણમૂલડું,
હીંચું હીંચું ને હસું ડોલતે રે ડોડલે.
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.

વાયુરાજ પૂછતો,
આંખ મારી લૂછતો,
મુજને ફાવે ન એને વીજફાળ ઘોડલે.
એક મને ભાવે આ હીંચવું રે ડોડલે.

આજ તારી આંખમાં,
ફૂલ દીઠાં લાખ શાં!
હોડે હૈયું તે ચડ્યું હેત કેરે હોડલે.
હું ય ઝૂલું આંખ શું તારે દેહડોડલે.

માળમાં વીંધીશ મા,
કાંડે ચીંધીશ મા,
મૂકજે આંખોથી કોઈ ઊંચેરે ટોડલે.
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.

ચૂંટજે ને ચૂમજે,
ગૂંથીને ઘૂમજે,
હૈયાની આંખ બની બેસું અંબોડલે.
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.

-ઉમાશંકર જોશી

અલી ઓ બહેન, ખીલવાની આ સુંદર મૌસમ જોઈ વગડે આંટો મારવી નીકળી છે કેમ, ફૂલો-કળીઓ ચૂંટવાનું મન થતું જ હશે ખરુંને? જો એમાં તું, મને ચૂંટવાની હો તો મારી એક જ વિનંતી છે કે…!
જો, હું તો છું અહીં ડાળીએ ઝોલા ખાઈ હસ્યા કરતું એક ફૂલ, ના ના, પૂર્ણ ફૂલ પણ નહીં, મૂળવગર ખીલેલું એક નાનકડું ફૂલડું માત્ર, એટલે, મને ચૂંટે તો તારે અંબોડે, દેહના સર્વોચ્ચ સ્થાને જ મૂકજે હોં વહાલી ! એ જ મારી વિનવણી.
તું તો હમણાં આવી ને કદાચ ચાલી જઈશ, પણ આ અહીં જ પડ્યોપાથરો રહેતો વાયુ હરતા-ફરતા, મારી આંખો લૂછ્યા કરી, એની સાથે હિલ્લોળવા મને પૂછતો રહે છે, પણ એના એવા ફાંસમફાંસ ઘોડિયે મુજ બાળજીવને કેમનું ફાવે? મને તો આ નાનકા ડોડલે જ હીંચવું ગમે. અહીં જ હીંચતાંહીંચતાં મેં આજ તારી આંખમાં મજેદાર ફૂલ જોયાં બેની, હા ખરે જ ! જાણે તારી આંખો જ સોનેરી ફૂલ બની ગઈ ! જો હું પણ પૂર્ણ ફૂલ બનીશ, તો એવું જ અનુપમ-આકર્ષક બનીશ ખરું? એ વિચારીને મારું હૈયું તો, હેતની હોડીમાં બેસી હોડમાં-સ્પર્ધામાં ઊતર્યું કે હાય, હવે ક્યારે આ નાના છોડના જડ-ડોડલામાંથી છૂટું પડી તારા દેહના ચેતન-ડોડલે હું ઝૂંલું-મલકું-ફૂલું, જેમ હાલ તારી આંખો મલકી રહી છે.
-પણ સાથે એક ખુલાસો કરી લઉં હાં, જો ચૂંટ્યા પછી મને વીંધી-ચીંધી આડે હાથે ફગાવી દેવાની હો તો રહેવા દેજે. તારી માળામાં રોપાવાનાં કે કાંડે પરોવાઈ બેસવાનાં ઓરતાં મને નથી, મને કંઈ ખપે તો બસ તારી આ નમણેરી-અનેરી-મને ઘેલી કરનારી આંખો કરતાંય વેંતઊંચું થાનક. એ તો તારે અંબોડલે જ ને? મને ચૂંટે તો ત્યાં જ મૂકજે હો સખી, ચૂંટીને પહેલાં તો મને ચૂમજે, માથે ગૂંથીને ગામભરમાં ગૂમજે, હરખાઈને આંટા મારજે, સૌ છો જોઈને બળતાં, બધાં તને ને તારી આંખોને જોયાં જ કરે છેને, પણ કોઈ તારું હૈયું જોવે છે? તારા હૈયામાં ફૂટતા-ત્રાટકતા ઉમંગોનું નામ કોઈએ પૂછ્યું? ત્યારે, તારા દેહની પ્રતિનિધિ બની જેમ તારી આંખો મલકી-મહોરી-ફૂલી-ઝૂલી રહી છે, એમ હું તારા હૈયાની આંખો બનીને અંબોડલે બેસીશ, ત્યાંથી દેહે ન દેખાતી તારી ભાવનાઓ-ઉમંગો-લાગણીઓનું પ્રતિનિધિત્વ કરીશ, બસ ! પણ સાંભળ બ્હેની, ચૂંટે તો… મને મૂકીશ તો અંબોડલે જ, ને?
આવું ભાવભીનું-મજામજાનું ગીત લખનાર ઉમાશંકરનો પરિચય માત્ર બે અક્ષરનો જ છે, કવિ.
કોઈકના સ્મરણલેખમાં વાંચેલું કે ઉમાશંકર સંસ્કૃતિ સામયિકના પ્રૂફ તૈયાર થઈને ઘરે આવતા ત્યારે ઘણીવાર કહેતા, “પહેલું સુખ તે આવ્યા પ્રૂફ, બીજું સુખ તે ઘરની સાફસૂફ…” ઉમાશંકરને આપણો ઈતિહાસ પણ મોટાભાગે ‘કવિ’ કહીને જ સંબોધે છે એટલે એમના નામને બદલે કવિ સંબોધનથી જ એમની વાત કરવાની ઈચ્છા થાય, આપણા આ કવિ વિશે માનવામાં ન આવે એવી દંતકથાઓ પણ પ્રચલિત છે અને એ બધીય પાછી સાચી છે. એમના સાહિત્યપ્રદાનનો પટ એટલો વિશાળ છે કે એને માપવા-આપવાને બદલે થોડી વધુ સામગ્રી ભેગી કરી સમગ્ર ગુજરાતી સાહિત્યનો પટ આપી દેવો સહેલો છે, કારણ કે એમાંથી ઉમાશંકરના પ્રદાનની વિગતો પણ યથોચિત રીતે ઉલ્લેખી શકાય છે. એમને ન ગમાડનારાઓએ પણ એટલું તો માનવું જ પડે કે આપણે ત્યાં આ ‘કવિ’ એક જ થયા છે ને એક જ રહેશે. કોઈએ કહ્યું હતું એમ એક સદીમાં કવિ તો એક કે બે જ થાય છે, બાકી બધા તો કવિડાઓ…
કવિ, 1911માં બામણામાં જન્મે છે, ભણે છે. પ્રાથમિક શિક્ષણ પત્યા પછી ગામની શાળાને વચન આપે છે કે, ‘શાળા, એક દિવસ તારું નામ ઉજ્જવળ કરીશ’ અને ગામ છોડે છે. ‘શબ્દ’ લઈને અમદાવાદ આવે છે, રબારણોની મોટી બંગડીઓ જેવા બે કાચના ચશ્મામાં રીબાતી એમની બે નબળી આંખો બળ્યા કરે છે, છતાં એ ભણતા રહે છે, લખતા રહે છે, અમદાવાદમાં સ્થાયી થાય છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે, વિદ્યાપીઠમાં જાય છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે, ક્રાન્તિમાં જોડાય છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે, જેલ ભોગવે છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે… શાંતિનિકેતનમાં પહોંચે છે, આઝાદ દેશ માટે સાહિત્ય અકાદમીની સ્થાપનામાં જોડાય છે, રાજ્યસભામાં જાય છે, હોદ્દાઓની જવાબદારી નીભાવે છે, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે નરસિંહના શબ્દબ્રહ્મને પોંખે છે…. ને છેક, 1988માં 77 વર્ષે આંખો મીંચાય છે ત્યાં સુધી એ આંખો પોતાની બળતરા નથી મૂકતી, પણ સામે કવિની જીદ પણ ‘શબ્દ’ નથી છોડતી. કવિએ આત્મકથા સિવાય બધું જ આપ્યું અને બીજું ઘણુંબધું લખવાની તમન્નાઓ અધૂરી લઈને ગયા, પણ જે આપી ગયા એ અણમોલ…
આવા આપણા બાળઉમાશંકર જ્યારે ગીતની શોધમાં (ગામેથી શબ્દ લઈને) નીકળે છે, ત્યારે એ ક્યાં-ક્યાં ફરે છે?
(પૂછાપૂછવાળું બાળપણ) અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(કુતૂહલભરી કિશોરાવસ્થા) અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(જોશીલી યુવાની) અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(સ્વપનીલ વયસ્કતા) અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(લગ્ન-પ્રણય) અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(સંતાન-સંસાર) અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નેહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(વડીલાવસ્થામાં આધ્યાત્મિકતા-અભ્યાસનો નીચોડ) અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું…

(પણ, અને….) ઉરે આંસુ પછવાડે હીંચંતું, ને સપનાં સીંચંતું,
કે ગીત અમે…

એટલે કે જીવનભર ગીત(કવિતા) ગોતીગોતીને થાકેલા કવિજીવને અંતે ગીત ક્યાં મળે છે?
“…ઉરે આંસુ પછવાડે હીંચંતું
ને સપનાં સીંચંતું…”
આ જ ને? ગીત માત્રનું (અરે કવિતા માત્રનું) ઠેકાણું અને હોવાપણું… સૂક્કી આંખો રાખીને આંસુ સારતા હૃદયમાં સંતાઈ રહેવું (કવિતાનું ઠેકાણું) અને છતાં, સજીવતામાં શ્રદ્ધા ટકાવી રાખતાં સ્વપ્નો સીંચતાં રહેવું (કવિતાનું હોવાપણું) ! આ મથામણનો ભાવાર્થ એટલો કે અંતે ધમપછાડા મારી, હાથપગમાથું કૂટતાંકૂટતાં ગમે તેટલું શોધીને પણ ગીત(કવિતા) મળતું તો નથી જ, પણ હકીકતે એની શોધમાં નીકળવું એ જ એક મહાન ગીત (કવિતા) છે !