સાહિત્યમાં જીવનઃ પ્રસ્તુતતા ખરી, પણ વ્યાપકતા ક્યાં અને કેટલી? - ધ્રુવ ભટ્ટ

આ તબક્કે પણ મને પાક્કો ખ્યાલ નથી આવતો કે જીવન અને સાહિત્ય વચ્ચેનો સંબંધ ચોક્કસપણે શો છે? કેવો છે? અને કેટલો છે? પહેલાં હું વાંચતો ત્યારે મને જે થતું તે પરથી હું એવું માનતો કે સાહિત્યની લોકોના જીવન પર અને સામાજિક પરિસ્થિતિ પર ઘણી અસર થાય છે, પણ પછી હું લખવા માંડ્યો તો બહુ નિરાશ થયો છું.

અંગત વાત કરું, 'તત્વમસિ'ને મળેલો દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ લેવા ગયો. 2002નું વર્ષ. ત્યારે મેં એવોર્ડ સ્વીકારતા કહ્યું હતું કે, ‘મારા કાર્યને આ એવોર્ડ આપવામાં આવ્યો છે એટલે હું એ લઈ જાઉં છું, પણ આ પુરસ્કારને હું ઘરમાં પ્રદર્શિત નહીં કરી શકું, મારે એને પેટીમાં છૂપાવીને મૂકી દેવો પડશે. કારણ કે સાહિત્ય અને જીવન વચ્ચેના સંબંધ પરથી વિશ્વાસ ઊઠી જાય એવી બિનાઓ ગુજરાતમાં બની છે.’

જ્યારે બીજી તરફ, આનાથી સાવ ઊંધું પણ અનુભવાયું છે. ઘણા બધા ભાવકોના ફોન-મેસેજ-મેઈલ-પત્રો આવતા રહે છે, સંવેદનશીલ પ્રતિભાવો મળતા રહે છે. ‘સમુદ્રાન્તિકે’ વિશે “મને જીવવા માટે નવું બળ મળ્યું તેવું કહેતા ઘણાં પ્રતિભાવો મળ્યા”. બીજી એક વાત, 2001ના કચ્છભૂકંપ સમયની છે. રોયલ્ટીની બહુ મોટી રકમનો ચેક ઘરે આવી ગયો, મને થયું કંઈક ભૂલ થઈ લાગે છે. તપાસ કરી તો જાણવા મળ્યું કે કોઈ ભાઈએ ‘સમુદ્રાન્તિકે’ની સામટી 7૦૦૦ નકલ ભૂકંપ પીડિતોમાં વહેંચી છે, જેથી લોકો એ વાંચીને પોતાની હામ ટકાવી રાખે. મહારાષ્ટ્રના ચંદ્રપુરના એક 84 વર્ષી વડીલે ‘તત્વમસિ’નો મરાઠી અનુવાદ વાંચીને મને લખી જણાવ્યું હતું કે, પોતે તો આજ સુધી નર્મદા જોઈ નથી શક્યા, પણ એમના અસ્થિવિસર્જન નર્મદામાં જ કરવા ઈચ્છે છે.

આ રીતે, વિચારતાં લાગે કે, એકાદ-બે પ્રસંગો એવા બને છે કે જે સાહિત્યના જીવન સાથે ઘનિષ્ઠ અને જીવંત સંબંધ ઉજાગર કરતા લાગે ! પણ આખા સમાજ પર સાહિત્યની વ્યાપક અસરને ધ્યાનમાં લઉં, ત્યારે હું સ્પષ્ટ નથી થઈ શકતો.

જોકે હા, સાહિત્યસર્જનને તો જીવન સાથે સીધો જ સંબંધ છે. મારા સાહિત્યમાં તો એવું છે કે જે લખાયું છે એ મારા જીવાતા જીવન દરમિયાન મને મળ્યું છે. મેં જે જોયું, તળના લોકો પાસેથી જે મેળવ્યું, એ બધું સીધી લીટીમાં સાહિત્ય થઈ અવતર્યું. સમુદ્રાન્તિકે, તત્વમસિ, અકૂપાર, તિમિરપંથી વગેરે નવલકથાઓ જોયેલા-જાણેલા-અનુભવેલા પ્રસંગો પરથી જ સીધેસીધી લખાઈ છે. અને હા, જીવનના આ પ્રસંગો-અનુભવો-અનુભૂતિઓને એકતાંતણે બાંધવાનું વાર્તા કહેવાની કળા દ્વારા સિદ્ધ થાય છે.

મારા પર વાંચનની જે અસર રહી છે તે જોતાં લાગે છે કે, આજના જીવનમાં સાહિત્યની પ્રસ્તુતતા ઘણી છે, પરંતુ સાથે સાથે એમ પણ લાગે છે કે આજનું સાહિત્ય બહોળી સામાજિક અસર કરી શકવા સમર્થ નથી. હા એવું નથી બનતું-નથી સર્જાતું.

ઉદાહરણ તરીકે, દેશના ભાગલા વખતે પંજાબ સરહદેથી આવતા-જતા હિજરતીઓમાં હિંસાનું પ્રમાણ ઊંચું હતું, જ્યારે સિંધ સરહદેથી આવતા કે જતા માણસોમાં તેવા બનાવોનું પ્રમાણ નગણ્ય રહેલું. આવું થવા પાછળનાં કારણો ઈતિહાસકારો તપાસે તો સમજાય કે એક મહત્વનું કારણ તે સિંધ-કચ્છ અને આસપાસના પ્રદેશોમાં ફેલાયેલી સૂફી વિચારધારાની અસર હતી. ત્યાં ભિન્ન ધર્મના લોકો પણ એક સાથે રહી, સુમેળભર્યુ જીવન જીવી શકે તેવાં સાહિત્ય, ભજનો અને વાતો થતી રહેતી. ત્યાંની એ એકતા સાહિત્ય-કલાથી પોષણ પામેલી હતી. બન્ને કૌમના પીર-દેવતા એક હોય એવાં ઘણાં સ્થાનકો ત્યાં હતાં અને હજી છે !

આજનું સાહિત્ય એવી પ્રબળ અસર સરજી નથી શકતું તેનું કારણ શું તે હું નથી જાણતો, પણ જો એવી વ્યાપક અસર પાડવા સક્ષમ સાહિત્ય આજે સર્જાય, તો લોકો એને વાંચે જ નહીં, એવું બનવાની શક્યતા હું નથી જોતો. કારણ કે આજે પણ લોકો વાંચે છે અને વિચારે છે. પહેલાં હું એમ માનતો કે લોકોને વાંચવું નથી, પણ એવું નથી. હકીકતમાં લોકો બહુ જ વાંચે છે ને આજના યુવાનો પણ વાચનપ્રેમી છે. ભાષા જુદી હોઈ શકે, ગુજરાતી-અંગ્રેજી કે બીજી કોઈ, પોતે જાણતા હોય એ ભાષામાં, પણ લોકો વાંચે છે.

જેમ જીવનના અનુભવો પરથી લખવાનું થયું છે એમ લખવાને લીધે જીવન ઘડાયું હોય એવું પણ બન્યું છે. સમુદ્રાન્તિકેમાં ‘એકલીયા હનુમાનની વિદેશી સાધ્વી’નો એક પ્રસંગ છે, એની મારા પર એવી તો ઊંડી અસર થઈ છે કે, ‘ચોરી એ ખરેખર ચોરી છે જ નહીં.’ એ વાત હજી પણ મારી કથાઓમાં પુનરાવર્તન પામ્યા કરે છે.

સાહિત્યને લીધે બીજી એક અસર ચોક્કસપણે થાય છે તે એ કે જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ પ્રભાવિત થાય છે. જીવવાની રીતને જુદી રીતે જોવાની ટેવ પડે છે. અગાઉ કહ્યું તેમ, લોકાભિમુખ સાહિત્યની વાચકોના જીવન પર પણ અસર પડે છે.

મને મળતા પ્રતિભાવો પરથી આ બધું કહું છું. મારા વાચકોમાં નવમા ધોરણના વિદ્યાર્થીઓથી માંડી વયોવૃદ્ધ સુધીના છે. પત્રો, ઇ-મેઇલ, ફોનકોલ કે વ્હોટ્સએપ દ્વારા મને સતત એમના પ્રતિભાવો મળ્યા કરે છે. અમુક વાચકો તો આપણને નવાઈ લાગે એવું એવું કરે છે. અકૂપાર વાંચીને કેટલાક લોકોએ ટીશર્ટ પર ‘ખમ્મા ગયરને’ છપાવ્યું છે. ગીરનાં જંગલોમાં ફરવા જનારા લોકોની ત્યાંનું વાતાવરણ જોવાની દ્રષ્ટિ બદલવામાં પણ અકૂપાર નિમિત્ત બની છે. ‘તિમિરપંથી’ની એક બહેન પર એટલી બધી અસર થઈ કે એમને પોતાના જન્મ-કૂળ પર રંજ થઈ આવ્યો, અને પાછાં એ કોઈ લાગણીશીલ તરુણી નહોતાં, ૬૦-૭૦ વર્ષનાં, શિક્ષિત બહેન હતાં. જોકે આવી ઘટનાનો યશ લેખક કરતાં વધુ તો વાચકને થયેલી અનુભૂતિને અને તેની જીવંત સંવેદનાઓને હોય.

ટૂંકમાં, સાહિત્યની વ્યાપક અસર ઝીલનારા લોકોની સંખ્યા તો ઘણી મોટી છે એ પૂરવાર થયું છે, પણ સમાજમાં એવા સરેરાશ લોકો કેટલા કે એમની ટકાવારી કેટલી? એ નક્કી કરવું મુશ્કેલ છે.

સાહિત્યવાચનનો સવાલ છે ત્યાં સુધી હું માનું છું કે આવનારી પેઢીઓ પણ વાંચશે તો ખરી. કદાચ હવે પુસ્તકોને બદલે ઈ-બૂક વંચાશે કે કંઈક નવું શોધાશે. નવી પેઢીને કયા માધ્યમથી સાહિત્ય આપવામાં આવે છે એ બાબત પર ઘણો મોટો આધાર છે. એમને પસંદ પડે એવી સામગ્રી હોય તો તે જરૂર વાચશે. કેમ ન વાચે? વાચન, માનવીની મૂળભૂત જરૂરિયાતોમાંની એક બની ગઈ હોય એવું લાગે છે. સાતમા ધોરણમાં ભણતી મારી પૌત્રી આયાંએ ઘરમાં જ લાઇબ્રેરી શરૂ કરી છે. એની સાથે ભણતા પાંચમા-છટ્ઠા-સાતમા ધોરણના વિદ્યાર્થીઓ પુસ્તકો બદલાવવા આવે. પુસ્તકો વંચાઈ જાય તો કહે કે, ‘બીજાં પુસ્તકો લાવી દો, આ બધાં તો વાંચી લીધાં.’ એ પુસ્તકો એ બાળકો જેવાં જ હોય. અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં ઉપર-નીચે લખ્યું હોય એવી દ્વી-ભાષી-ડ્યુઅલ લેન્ગવેજની ચોપડીઓ પણ એ બાળકો માટે ત્યાં રાખી છે. જ્યારે થોડાં મોટાં બાળકો નવલકથા ને ચિંતન લેખોનાં પુસ્તકો પણ વાંચે, ઘરે મમ્મી માટે પણ લઈ જાય. આ બધા પ્રત્યક્ષ અનુભવો સાહિત્યની જીવંતતાના પૂરાવા આપે છે. એના પરથી કહી શકું છું કે આવનારાં વર્ષોમાં પણ લોકો સાવ નહીં વાંચે એવું તો નહીં બને, હા, આધુનિક માધ્યમો વધી ગયા છે એટલે મોબાઈલસ્ક્રીન પરના વાંચન પછી બીજું વાંચવાનો સમય ન રહે એવું થાય, પણ એનો અર્થ સાહિત્ય-વાંચન બંધ થઈ જશે એવો નથી.

(ચર્ચા- તુમુલ બુચ)

***


પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા... - ઉમાશંકર જોશી

'પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા...'- વીસેક વરસની વયે આ ચિત્રે સંવિદનો કબજો લીધો.
ત્યાં સુધીની મથામણોનો ખ્યાલ કરું છું ત્યારે થાય છે કે ઓછા વિદ્યાપોષણ ઉપર હું ઊછર્યો હતો. સાહિત્યનાં પુસ્તકો મારે રસ્તે આવ્યાં નહીં. ઈડરની અંગ્રેજી શાળામાં આગળ ભણવા ગયો. ત્યાં હેડમાસ્તરના ટેબલ પર પડેલું એન. એમ. ત્રિપાઠી કં.નું પુસ્તકોનું સૂચિપત્ર, એમાં કવિતાનાં અને અન્ય પુસ્તકોનાં તથા તેના કર્તાઓનાં રોમાંચિત કરે એવાં નામો હતાં. મારા મનને ભરી દેતાં. અભ્યાસવિષયોના શિક્ષકો ઘણા સારા મળ્યા, અભ્યાસમાં આગળ વધવું શક્ય બન્યું. પણ કવિતાશિક્ષક, ખાસ સાહિત્યરુચિ પોતે ધરાવતા હોય અને બીજામાં જગાડે-ખીલવે એવા શિક્ષક કે મુરબ્બી કે મિત્ર આખા શાળાજીવન દરમિયાન ન મળ્યા.
પણ મુખ્ય કામ કદાચ થતું આવતું હતું. ચિત્તને શબ્દો ગટકગટક પીવાની ટેવ. આંખ મૂળથી જ કાચી. તેમાં વળી કશીક ધૂનમાં ખોવાઈ ગયો હોઉં. આંખ બિચારી ઘણું જોવાનું ચૂકી જાય. ગમે તેવી ધૂનમાં પણ કાન સરવા. સંભવ છે ધૂન પણ કાનને કંઈક પહોંચ્યું તેના કારણે હોય. શબ્દે-શબ્દે આસપાસનો લોક ઊઘડતો આવે. ડુંગરો વહેળા નદી તળાવ ખેતર કૂવા પશુપંખી જીવજંતુ ઝાડીજંગલ ચંદ્ર સૂર્ય તારા વાદળ વીજળી ગડગડાટ વંટોળિયા કોરણ હિમ લૂ ધૂળ કાદવ શેરીઓ ઘરો ઝૂંપડાં મંદિરો ખળાં સ્મશાન વગડો ઉત્સવો મેળા પંચ ઝઘડા મારામારી બધાની વચ્ચે ઢોરઢાંખરથી અભિન્ન ભાવે જીવતાં સ્ત્રીપુરુષો બાળકો- એ આખો આશ્ચર્યલોક કાન દ્વારા-ભલે આંખ દ્વારા ઘણો બધો મળ્યો હોય તોપણ પૂરો સંદર્ભ રચીને તો કાન દ્વારા અંદર ગોઠવાતો - દિવસે-દિવસે જાણે કે ફેર-ગોઠવતો આવતો હતો.
માતાને ગીતો કથાઓનો રસ. સોમનાથ લંગડાનું વર્ણ કરતાં 'વડવાઈઓ જેવા એના હાથ' એમ એ કહી બેસે. પિતાજી(નિરક્ષર ખેડૂત પિતાના પુત્ર)ના અક્ષરોનો મરોડ (પ્રો. ઠાકોરમાં જ ફરી એવો જોયો છે), કલમ-હથોટી (પેનમૅનશિપ) અને ખાસ તો કથનની તાદૃશતા પ્રભાવિત કરે એવાં. મારા ગામના (કદાચ બધાં ગામો વિશે આવું હશે) વડેરાઓ- ભલે ને અભણ, મહાજન-વાણિયા, ઠાકોર-સૌ જેમ-તેમ બોલી નાખે જ નહીં, શબ્દનો સતત રસ લેતા રહે છે એવું મને લાગતું. એક દિવાળી ઉપર ગામ ગયો ત્યારે ઠાકોરસાહેબે એ વર્ષે ખૂબ ભારે વરસાદ થયેલો તેની વાત કરીઃ ભાઈ, શું કહું? ડુંગરા વહેલાઈ (વિશ્લથ-સાંધેસાંધે ઢીલા થઈ) ગયા, ધરતી તરવા લાગી! અમસ્તી બે પડોશણોની ગામગજવતી વઢવાડ(જેનાથી ક્યારેક તો જાગવાનું થાય)માં પણ હું તો એમની શબ્દોની સરસાઈમાં ગાયબ થઈ ગયો હોઉં. પંચમાં બેઠેલા ઘરડેરાને કે કોઈ માંદાની ખબર પૂછવા આવેલી વૃદ્ધાને સામાના હૃદયને શારી નાખવા માટે એક ટૂંકું વાક્ય તો ઘણું.
ગામ છોડવાનું આવ્યું ત્યારે 'આવજે!' 'આવજે!' - એ આપણી ભાષાના પ્યારામાં પ્યારા શબ્દની તરવરતી ફરફરતી પ્રેમપતાકાની જ પ્રધાનતા ચેતનામાં રહી. વળી આશ્ચર્યલોકની ક્ષિતિજો હળુહળુ આગળ હડસેલાતી જતી હતી. તેમાં મુખ્યતા આ પ્રેમભાવની જ વસી, પણ સાથેસાથે જે ક્લેશો - અકારણ ક્લેશો, વિદ્વેષો, વેરઝેર, ખાર, લોહીશેકણાં, જડ યાતનાઓ એ બધાને પાસ પણ એને લાગેલો હતો. આ બધું ઝીલાયું હતું શબ્દોમાં, બલકે મુખ્યત્વે શબ્દના નાદ અંશમાં- કાકુઓમાં, લહેકાઓમાં, ગીતોની ગતમાં, ટૂંકામાં કહેવું હોય તો લયમાં. 'આવજે' શબ્દ પાછળ ધબકતું વહાલ તો સ્પર્શી જાય જ પણ ચિત્તમાં રમી રહે તે તો રસ્તે દૂર નીકળી ગયા પછી પણ પાછળથી કાનને-હૃદયને પહોંચવા કરતો 'એએએ આવજેએએએ...!'નો આછો થતો જતો થરથરાટ.
ઈડર આવ્યા પછી આ શબ્દલયના ઉત્કૃષ્ટ નમૂનાઓ કવચિત્ - પણ કવચિત્ જ પાઠ્યપુસ્તકોમાં અને કોઈ હાથ લાગ્યું તે પુસ્તકમાં મળવા લાગ્યા. 'ફડફડ ફફડાવે ધૂળમાં ચલ્લી પાંખ,' 'તિથિપૂનમે શોભતા સાંજ ટણે.' 'પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું,' 'દૂરથી ધૂમસે પ્હાડ સરખો, નદી વચ્ચે ઊભો....દીસ્યો હાર્યો જોદ્ધો હરિતણું હૃદે ધ્યાન ધરતો,' 'શાંતિ! શાંતિ! ઝરમર ઝરી ગૈ ગળી વાદળી આ,' 'પિતા, કાલના સર્વ સંતાપ શામે,' - પણ ઘણા ઓછા નમૂના માર્ગમાં આવ્યા. મોટાભાઈએ સદભાગ્યે લૅમ્બ ભાઈબહેનની શેક્સપિયરની નાટ્યકથાઓ મોકલેલી તેમાંથી એ વખતે રાજાનો કેર વરતાતો એટલે '(રાજાનું નામ) has murdered sleep' એમ એમને કાગળમાં લખી મોકલ્યું. મનમાં-મનમાં શબ્દલયને કાગળ પર અવતારવાની ગડમથલ લગાતાર ચાલવા લાગી..
એક પ્રસંગ યાદ છે. અત્યારે તો ઈડરના ધૂળેટા દરવાજા બહાર સ્ટેશન સુધી મકાનો થઈ ગયાં છે ને વસ્તી અને આવનજાવન પ્રવૃત્તિ હિલોળા લેતી હોય છે. પણ ત્યાં એ વખતે કબ્રસ્તાનની પેલી તરફ આંબાવાડિયું હતું. ગઢની હિમાઈ ટોક પરથી નીચે જોતાં સહેજે હજારેક આંબા દેખાય. નાનકડી ડેભોલ નદી આંબાવાડિયાને વીંધી રાજાના વિશાળ બગીચામાં દાખલ થઈ આગળ વધતી. ચોમાસાની સાંજ હતી. આસપાસ ઝળૂંબતા ઘેઘૂર આંબા કે શ્વેત રેતીપટમાં સરકતી ડેભોલ કે ઘાસ વચ્ચે જગ્યા કરતો - જેની ઉપર હું ઊભો હતો તે - વ્યક્તિત્વથી ઝગમગતો ધૂળિયો રસ્તો, - કશામાં ધ્યાન ન ગયું. દૃષ્ટિ ઊંચે આકાશમાં જઈ ચઢી. રંગો, રંગો, વાદળ-રંગો! જાણે પહેલી વાર રંગો જોતો હોઉં એમ હું ઊભો રહી ગયો. મારું વતનનું ઘર ડુંગરની તળેટીએ છે, ત્યાંથી સૂરજ ઊગતી વખતના સામેના દૂર-દૂરના ડુંગર ઉપરના રંગો નહીં જોયેલા એવું ન હતું. પણ આ સાંજની વાત જુદી હતી. જાણે કશાક રંગમયની ઉપસ્થિતિ અનુભવી. એને માટે 'રંગ' શબ્દ વાપરવાથી શું વળવાનું હતું? કોઈક એવી આભા હતી જે જાણે શબ્દથી અણબોટાયેલી રહેવા નિર્માઈ ન હોય!
ભીતર વદ્વિંગત થતો વિસ્મયાનંદ, બહાર શબ્દોની અને એ વખતે હાથવગા થતા આવતા સરળ છંદોની મદદથી મન જેટલો ઘાટ ઘડે તે બધા પેલા વિસ્મયથી- આનંદની હજારો ગાઉ દૂર, ફીકા, અણઘડ, શામળાજી પાસેના મેશ્વોતટ ઉપરની જાંબુની કુંજોનાં પાણીમાં પડતાં પ્રતિબિંબને શબ્દસ્થ કરવાની ઊંડી અમૂંઝણ - અકળામણ અત્યારે પણ એ વખતના જેટલી જ સ્મરણમાં તાજી છે.
શબ્દલય ઉપરાંત ગીત ચિત્ર અજમાવવાની પણ વૃત્તિ ડોકિયું કરી ગઈ. છાત્રાલયના ગૃહપતિના ટેબલ પાસેના પટારા પર અમે ત્રણ વિદ્યાર્થી બેઠા હતા. ગૃહપતિના કહેવાથી પહેલાએ ગાયું. પછી એણે હવે મારે ગાવું એમ પ્રસ્તાવ મૂક્યો. હું એ જ ક્ષણે સંકોડાઈ પાછળની ભીંતને અઢેલતો બેઠો. ગૃહપતિએ નોંધ્યું : એ શું ગાશે? જોયું નહીં, પાછો હઠ્યો! સંગીત હું ચૂકી ગયો. એક પંચાલ વિદ્યાર્થી અજબ કાબેલિયતથી સરોવરજળના કમળમાં ઊભેલી લક્ષ્મીની મૂર્તિનું મોટું ચિત્ર કરતો. મેં એ અજમાવ્યું. નેપોલિયન બોનાપાર્ટની છબી, એના દર્પમય લલાટ પર આગવી છટાથી ફરકતી લટ સાથે, પેન્સિલથી મેં આલેખી. કંઈક આત્મવિશ્વાસ આવ્યો. પણ ચિત્રની-સંગીતની (એ વખતે એની તાલીમના વર્ગો તો નહોતા) મુશ્કેલી એ છે કે ચિત્રો કરતાં તમને બધા ટોળે વળીને જુએ, ગાતાં તમને બીજાઓ સાંભળી જાય. શબ્દલયની રમત એવી કે મનમાં-મનમાં જ ચાલ્યા કરે. (જેમ કિશનસિંહે ત્યાં સાંજે દીવા નીચે હું પ્રૂફ સુધારતો હતો ને એમના નોકરે કૌતુકપ્રશ્નમાં સૂચવેલું : 'આ બધું તમે મગજમાંથી જૉઈન્ટ કરો છો?') ઘડીએ ભાંગી ઘડીએ એ બધી ઘડ-ભાંજ ભાંજ-ઘડ અંદર આવ જા ચાલે. એ અને આપણે. શું હું શરમાળ હતો, ગોપનશીલ સ્વભાવનો (સિક્રીટિવ) હતો? કોઈને લખેલું બતાવતો નહીં. એક વાર એક મિત્રને હોંસે હોંસે દેખાડવા ગયો. જો, તારું નામ લીટીઓના પહેલાપહેલા અક્ષરોમાં છે. એકબે પંક્તિઓ સાંભળીને કોણ જાણે કેમ એણે જોસથી મારી નાનકડી નોટબૂક આંચકી લેવા પ્રયત્ન કર્યો. હું નાઠો. એ હતો પણ કદાવર. પછીથી એ મિત્રે એકરાર કરેલો કે હું જમવા ગયો ત્યારે એ પાછળ રહ્યો હતો અને મારી પેટીમાંથી નોટબુક કાઢી કવિતા પોતે વાંચી લીધી હતી અને વાંચીને એને એવો તો ગુસ્સો ચઢ્યો કે રાતે ખુલ્લા ચપ્પુ સાથે એ મને મારી નાખવા આવેલો પણ પછી એણે વિચાર ફેરવ્યો- મને જતો કર્યો! છંદોવ્યાયામનો અંજામ આવો આવવા છતાં એ ચાલુ જ રહ્યો. પાઠ્યપુસ્તકમાંની રાજા આલ્ફ્રેડ છૂપા વેશે ભરવાડને ત્યાં નોકર તરીકે રહે છે ને યુદ્ધ-વિચારે ચઢી જતાં દૂધ ઊભરાય છે તેનો એને ખ્યાલ રહેતો નથી. અને ઠપકો પામે છે એ કથા વનરાજ અંગે કવિતામાં લખી 'નવચેતન'ને મોકલી, પણ છપાઈ નહીં.
છાત્રાલયમાં આવ્યો ત્યારે ગુજરાતી નિશાળમાં ભણવા જનાર એક માત્ર વિદ્યાર્થી પન્નાલાલ પટેલ તે મારા રાહબર હતા. અંગ્રેજી નિશાળમાં ચાર વરસ સાથે ભણ્યા અને પછી એ ઈડર છોડી ગયા. એક વાર્તાની ચોપડી (જેનો નાયક 'શૂરસિંહ' હતો) બારીમાં ગૂંચળું વળીને ગોઠવાઈ તેઓ રસપૂર્વક વાંચતા તે મને પણ એમણે વાંચવા આપેલી. કદાચ બીજી પણ બેત્રણ એવી નવલકથાઓ મેં વાંચી હોય. મેં પણ એક નવલકથા લખવી શરૂ કરી. રોજ રાતે, બધા સૂઈ જાય તે પછી (કોઈ જૂએ તે તો મને પાલવે નહીં) એક પ્રકરણ લખું, છ રાત સુધી નિયમિત એ રીતે લખ્યું. પછી તકલીફ ઊભી થઈ. રાજકુમારી વિજન ડુંગરના ભોંયરામાં કેદ હતી. એને કેમ છોડાવવી? વાર્તાનાયક નારસિંહ એક મોટા મકાનના પહેલે માળે આવેલા વિશાળ ખંડમાં બંને હાથથી તબિયત વાળી લાંબા ડગલા ભરતો એને છોડાવવાના ઈલાજ વિચારતો આંટા મારી રહ્યો હતો. બહાર ચાંદનીમાં વૃક્ષોના ઓળા ભૂતાવળા જેવા ભાસતા હતા. શરમની વાત છે કે નારસિંહને કોઈ ઈલાજ ન સૂઝ્યો તે ન જ સૂઝ્યો. એ હજી આંટા મારતો હશે અને રાજકુમારી હજી ડુંગરના ભોંયરામાં હિજરાતી હશે!
મૅટ્રિકના વરસમાં અમદાવાદ ભણવા આવ્યો. તબિયત સાચવવી અને બરોબર ભણવું એ બે એવડાં મોટાં કામ હતાં કે માંડ એકાદ રચના અજમાવી હોય. ન્યૂ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓએ એ વરસે મૅટ્રિકના અભ્યાસ માટે પ્રો. લાગુએ કરેલા અત્યંત સુંદર અંગ્રેજી પદ્ય સંચયની કવિતાઓનો ગુજરાતી કાવ્ય-અનુવાદ બહાર પાડ્યો હતો. 'લીડ કાઈન્ડલી લાઈટ'ના, નરસિંહરાવ તેમ જ 'કાન્ત'ના, બંને અનુવાદ અમારા આચાર્ય બલવંતરાય પરમોદરાય ઠાકોરે વર્ગમાં ચર્ચ્યા. ભણવાનું તો પતાવેલું, એટલે નાતાલની રજાઓમાં શાળાના પુસ્તકાલયમાંથી સંસ્કૃત 'ઉત્તરરામચરિત' લઈ આવ્યો અને મણિલાલ નભુભાઈના સુંદર અનુવાદ સાથે આસ્વાદ લીધો.
કોલેજમાં જતાંની સાથે સાહિત્યનાં પુસ્તકો ઉપર ભૂખ્યાની જેમ તૂટી પડ્યો. દિવાળીની રજાઓમાં અમે ત્રણ મિત્રો આબુ ગયા. આબુરોડથી ચાલતા ચઢ્યા. આબુ એ આનંદરાશિ ન હોય! ખીણમાં ગાજતો નિર્ઝર એ આનંદદ્રવ ન હોય! છેલ્લાં ત્રણેક વરસમાં ક્ષણક્ષણની કણકણની પૂંજી ભીતર સંચિત થયાં કરતી હતી, શબ્દલય-ભાષાલય, બાળકને થતું હશે તેવી જ કોઈ રીતે, ફૂટુંફૂટું થવા કરતો હતો, 'નખી સરોવર પર શરતપૂર્ણિમા' સૉનેટનો 'સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે' એ કાવ્યદીક્ષામંત્ર પામીને તે જંપ્યો. જાહેર સમક્ષ ઊભા રહેવા ન રહેવાનો હવે સવાલ ન હતો. ગુજરાત કૉલેજ મૅગેઝિનમાં કૃતિ છપાઈ. ('સૌંદર્યો પી'ની જગ્યાએ 'સૌંદર્યોથી' એવી છાપભૂલ સાથે)
બીજા વરસમાં ત્રણચાર સંસ્કૃત રચનાઓ થઈ, આજે પણ જાળવું એવી. ખાસ તો કીટ્સના 'લા બેદ દામ સાઁ મેર્સી'ની બે કડીના અક્ષરશઃ કરેલા અનુવાદ (लम्बासकां लघुगतिं ललितां स्थलीषु व.)ના બે શ્લોક. બીજા શ્લોકમાં એ વખતે बद्धभावा સમાસ પણ કેવી રીતે સૂઝ્યો એનું કૌતુક રહ્યું છે. 'શાકુંતલ'-(અંક 3)માં એ સમાસ યોજાયો છે, પણ એ વખતે એ નાટક આખું વાંચેલું? (પછીથી 1934માં મુંબઈ કૉલેજમાં હતો ને અંગ્રેજીમાં રચનાઓ કરી. 'ધિ એલ્ફિન્સ્ટોનિયન'માં છપાઈ. એવામાં કવિ શ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સાથે ગાઢ સંપર્ક થયો હતો. કહે કે અંગ્રેજી 'એશિયા' સામાયિકમાં છપાવું. મેં ના કહી, મને ગુજરાતીમાં જ લખવા દો.)
કૉલેજના બીજા વરસને અંત 1930માં સત્યાગ્રહની લડતમાં ઝંપલાવતા નવાવતાર જેવો અનુભવ થયો હતો. લડત દરમિયાન ક્યારેક-ક્યારેક લખાતું. કાચી જેલમાંથી મોકલેલી કૃત્તિઓ 'કુમાર', 'કૌમુદી'માં પ્રગટ થઈ. સાબરમતી અને યરોડા જેલમાં વાચનયજ્ઞ ચાલ્યો. મરાઠી, ઉર્દૂ, બંગાળી શીખવાનું શરૂ કર્યું. લખવાનું થયું નહીં. લેખનસામગ્રીની મનાઈ હતી. પણ મારા લેખકજીવનની, સમગ્ર જીવનની પાયાની અનુભૂતિ સાબરમતી જેલમાં થઈ. કોઈ કારણે સાથીઓથી છૂટા પડી બીજી બૅરૅકમાં અને વળી ત્રીજીમાં જવાનું થયું. ચાર વાગ્યે અંદર પૂરી દે. સો જણ માટેની મોટી બૅરૅકને ઓતરાદે છેડે બારી પાસે ઊભો રહીને વાંચું. અને પછી રાત્રિ-આકાશમાં સપ્તર્ષિને જોઈ રહું. મનમાં હસું કે બહાર હતો ત્યારે તો કદી તારાઓ ઉપર આટલું વહાલ ઊભરાઈ આવતું ન હતું. ખગોળ ઉપરનું 'જ્યોતિર્વિલાસ' વાંચ્યું. તારકપ્રિય કાકાસાહેબને મળવાની હજી વાર હતી. સો વચ્ચે, સૌ વચ્ચે હું એકલા જેવો હતો. આટઆટલામાં નહીં, દૂર-દૂરનાં નક્ષત્રો સાથે સંપર્ક વિકસ્યો. ભાવાનાત્મક વાચન પણ ચાલતું. ભાવાવેશનો પાર ન હતો. રાષ્ટ્રપ્રેમના વિરાટ રંગ ઉપર તો અમે સૌ ઊંચકાયેલા હતા જ. તેવામાં રોજ સવારે વહેલા ઊઠી દીવાલથી જરીક દૂર- ઊંઘી ન જવાય તે માટે અઢેલ્યા સિવાય- ટટ્ટાર બેસવાની ટેવ કેળવવાનું સૂઝ્યું. એક પ્રાતઃકાળે માથા પર જાણે કોઈ અગોચર સ્પર્શ થયો અને એના વજનવેગ નીચે દબાઈને આખું અસ્તિત્વ જાણે પૃથ્વીની સપાટી સાથે સમરેખ થઈ ગયું, પૂર્ણ આત્મવિલોપનનો- પ્રકાશભર્યા આત્મવિલોપનનો ભાવ ઊભરાઈ રહ્યો. શૂન્યતાનો નહીં, સભરતાનો અનુભવ હતો. આ તરંગ હશે? ભ્રમ હશે? જાગ્રત સ્વપ્ન હશે? આ ક્ષણે પણ પૃથ્વીસપાટી સાથે સમરેખતાનો અને સાથેસાથ સભરતાનો ભાવ સુરેખ ચતેનામાં તાજો છે. આ અનુભવવા પ્રભાવ નીચે મને એક નાટક સૂઝ્યું. નક્ષત્રો-ધ્રૂવ, અરુધન્તી અને સ્વયં કાલ એમાં પાત્રો છે. પ્રથમ દૃશ્યમાં કાલ કહે છે કે સૌન્દર્યની તો સ્થાપના સફળતાપૂર્વક થઈઃ
તેજને પૂર્યું તારલિયે,
દીધ પરિમલને ફૂલવેશ.
હવે વિશ્વમાં પ્રેમતત્વની પ્રતિષ્ઠા થયેલી પોતે જુએ એટલે બસ.
બીજું દૃશ્ય ગ્રહમાલાનું છે. સૌ પૃથ્વીને ટપારે છે કે એને લીધે સૂર્યગ્રહમાલા વગોવાય છે. ત્રીજું દૃશ્ય છે ધરતી અને મહાપ્રજાઓનું. બીજા અંકમાં પહેલું દૃશ્ય મહાભારતને અંતે યુધિષ્ઠિરને થતા યુદ્ધવિષાદનું છે. બીજાના વિષ્કમ્ભકમાં ઈશુ શિષ્યોને વિદાયવચન કહે છેઃ વરુઓનાં ટોળાંમાં તમારે અજશિશુ તરીકે જવાનું છે. મૂળ દૃશ્ય પહેલા વિશ્વયુદ્ધને અંતે વરસાઈ કરાર પર સહીઓ થઈ રહી છે તે જ સમયે પૅરિસના એક કાફેમાં જુદાજુદા દેશોની કેટલીક વ્યક્તિઓના ઉગ્ર પ્રતિભાવો અને તીવ્ર આશંકાઓ અંગે છે. ત્રીજું દૃશ્ય યુદ્ધના વિકલ્પ તરીકે સમૂહસત્યાગ્રહના નિર્દેશનું- ધારાસણા સત્યાગ્રહનું છે. ત્રીજો અંક પૃથ્વીની મહાપ્રજાઓ વચ્ચે સંવાદનો ઉદય- સૂર્યગ્રહમાલામાં ઊજળે મુખે ફરતી પૃથ્વી- પ્રેમની પ્રતિષ્ઠા થઈ રહી છે એવા કાલને મુખે થતા ધન્યતા ઉદગાર- એ ક્રમે નાટકની પરિણતિ સાધે છે.
આ નાટકને મારે માટે એક આખો અભ્યાસક્રમ નિશ્ચિત કરી દીધો. જેલ બહાર આવ્યા પછી ગુજરાત કૉલેજમાં પાછો ન જતાં ગુજરાત વિદ્યાપીઠમાં હું ગયો. ત્યાં સમૃદ્ધ પુસ્તકાલય અને જંગમ વિદ્યાપીઠ જેવા કાકાસાહેબ. ત્યાં પહેલા અંકની રૂપરેખા આલેખી. 'યુધિષ્ઠિરના યુદ્ધવિષાદ' લખાયું. ત્યારથી ગંભીરતાથી મહાભારતના સ્વાધ્યાયમાં સ્થિર થયો. પ્રજાઓના ઈતિહાસ અને પહેલા વિશ્વયુદ્ધ અંગેનું સાહિત્ય ઉથલાવતો રહ્યો. 1932માં વિસાપુર જેલમાં 'સાપના ભારા' આદિ વાસ્તવદર્શી એકાંકીઓ લખ્યાં તે પછી વરસાઈના કરાર અને ધારાસણાસંગ્રામનાં દૃશ્યો પણ લખ્યાં. જેલની એ નોટબુક ક્યારેક-ક્યારેક હાથમાં લઉં છું, પણ કદી એ બે દૃશ્ય ફરી વાંચ્યાં નથી, નથી હજી પાકી નકલ સુધ્ધાં કરી.
1931માં વિદ્યાપીઠ રહ્યો તે સમયમાં નાટકની તૈયારી કરતાં કરતાં 'વિશ્વશાંતિ' સૂઝ્યું અને તે પાંચેક દિવસમાં લખાઈ ગયું. 'વિશ્વશાંતિ'નું કેન્દ્રભૂત દ્રશ્ય છેઃ
પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી
ધપે ધરા નિત્યપ્રવાસપંથે.
પેલા નાટકનું કેન્દ્રભૂત દૃશ્ય પણ એ જ છે. પ્રકાશ તે પ્રેમનો સંવાદિતાનો શાંતિનો હોય એ બંને કૃતિઓમાં અપેક્ષિત છે. મારી સંવિદ ઓગણીસ-વીસ વરસની ઉંમરથી આ (સતત-ચલ એવી) ખીંટીએ પકડાઈ છે, વળીવળીને એ તે-તે ક્ષણે પૃથ્વી એની યાત્રામાં જે બિંદુએ હોય ત્યાં એને ચિંતવી રહે છે.
માણસ તો પૃથ્વી પર હમણાં આવ્યો. અબજો વરસ સુધી જે 'પ્રકાશનો ધોધ' એ ઝીલતી હતી તે પ્રેમનો પ્રકાશ હતો? ગમે તેમ, પણ માણસ આવ્યા પછી પૃથ્વી પર એ જે ડખો કરી બેઠો તેમાંથી ઊગારવા પ્રેમના પ્રકાશ સિવાય ભાગ્યે જ કોઈ વારણ હોય.
ઉપરની બે પંક્તિઓ પછી તરત નીચેની બે પંક્તિઓ આવે છેઃ

ઝૂમી રહી પાછળ અંધકારની
તૂટી પડી ભેખડ અર્ધ અંગે
પૃથ્વીને અન્વયે પ્રકાશવિરોધી અંધકારની ભેખડો, માનવને અન્વયે પ્રેમવિરોધી તત્વો- દ્વેષ વૈર ગૃધિષ્ણુતા અસહિષ્ણુતા - ની, એક શબ્દમાં દુરિતની.
પ્રકાશના ધોધ ઝીલતી, વેગથી ધપતી ધરાના ચિત્રે મારી સંવિદનો કબજો લીધો ને મારે માટે પાર વગરની મુશ્કેલીઓનો આરંભ થયો. અલબત્ત, આંતર ઘડતરનો એક માર્ગ ખૂલ્યો. નમ્રપણે ધીરપણે યથાશક્તિ એ અપનાવવો રહ્યો, જો એમાં ક્યારેકય સંવિદમાંથી કવિસંવિદ નીપજે.
1932માં પ્રથમ એકાંકી ઈશુ વિશે ('શહીદનું સ્વપ્ન') રચાયું. પણ થોડા દિવસોમાં જ મારા ગામની ભાષા એક પછી એક એકાંકીમાં બોલવા લાગી. એ વગર એનો છૂટકો ન હતો. પણ મુખ્ય વાત તો નાટ્યપ્રકાર પર હથોટી કેળવાય એ હતી. પેલું નાટક લખવાનું હોય (કવિમિત્ર રામપ્રસાદ શુક્લે એ સમયમાં નવરંગપુરા આગળ નદીના બેટમાં અમે વાતો કરતા હતા ને કહેલું કે હું હોઉં તો બાર વરસ આના ઉપર કામ કરું), તો પણ આપણી ભાષામાં નાટ્યપદ્ય નિપજાવવું જોઈએ. 'પ્રાચીના' અને 'મહાપ્રસ્થાન'માં એ દિશામાં કંઈક ગતિ કરી. દુરિતની 'ભેખડો'નો જાતપરિચય- કંઈ નહિ તો મોઢાની ઓળખ- અનિવાર્ય. 'સાપના ભાર'માં જ એવી ઓળખનાં એંધાણ છે. નિવેદનમાં થોડોક ખંચકાટ પણ પ્રગટ થયો છે: "આ નાટકોની સૃષ્ટિ જોઈને લખનારાને કોઈ દોષદેખો, અનિષ્ટચિતંક (cynic) ન ગણે એમ વિનંતી કરું છું. કોઈ વાર ફૂલો જોઉં છું ત્યારે સહજ મનમાં થાય છે, 'ફૂલો પણ છે!' તેવામાં જ 'આત્માનાં ખંડેર' સૉનેટમાલામાં અસ્તિત્વવાદી આંતરયાતનાના અને અસારતાવાદના, કાંઈક આગોતરા, ઓછાયા છે અને સાથે જ યથાર્થ સ્વીકારની ઘોષણા છે. એ જ વલણ 'સમયરંગ' અને 'નિરીક્ષક'ના અગ્રલેખો લખાવે છે અને રાજ્યસભામાં વખત આવ્યે પ્રવચનો કરાવે છે, નવી પર્યાપ્ત લયઈબારતની ખોજપૂર્વક 'છિન્નભિન્ન છું', 'સ્વપ્નોને સળગવું હોય તો', 'મૃત્યુરક્ષણ' રચનાઓ કરવા પ્રેરે છે. પૃથ્વીની યાત્રાની શક્યતાઓ અંગેની એક ક્ષણ ઝાંખી 'ધારાવસ્ત્ર'માં છે તો બીજીની 'માઈલોના માઈલો'માં. તો એ યાત્રા પ્રકાશાભિમુખ હોવાનો - ભલે પછી અનંતકાળમાં ક્યારેક પૃથ્વી પોતે પણ નહીં હોય- આ ક્ષણે અનુભવાતો સમુલ્લાસ 'પંખીલોક'ની એક પ્રકારની સિમ્ફની(રાગિણી)રૂપે પ્રગટવા કરે છે.
પંદકસત્તર રચનાઓ 'વિશ્વશાંતિ' પછી વાર્તા એકાંકી આદિની થઈ હતી ત્યારે એની એક નાના કાગળ ઉપર યાદી કરેલી તે હજી પડી છે. ઉપર બ્રાઉનિંગની પંક્તિ લખી હતી: 'The petty done, the undone vast' ('બન્યું લગરીક, અણબન્યું અપાર). પહેલા 'લેખકમિલન' આગળ હું બોલી ગયો હતો : બે ભમ્મરો વચ્ચે કંઈ-કંઈ પાત્રો ઊછળે છે. 'ઉગમણે બારણે' નવલકથાની 1938ની રૂપરેખા સચવાઈ છે. વરસ પછી આપણા વિદ્વાન રસિકલાલભાઈ પરીખને લોકલમાં ચર્ચગેટ સ્ટેશનથી અંધેરી આનંદશંકરભાઈને મળવા જતાં અને પાછા ગ્રાન્ટરોડ આવતાં સુધી એ કથા કહેલી. તેઓ કહે, એમાંનો ભાગવત સોશયલિસ્ટ તે પોતે જ છે. અમદાવાદ વિદ્યાસભામાં હું જોડાયો તે પછી મને વઢે, લેખ શું લખ્યા કરે છે, પેલી કથા લખને, એક કોરી નોટબુક આપી જાઉં? એ કથાની પૂર્વકથા 'ઉંબર બહાર' કુમારના 200મા અંકમાં શરૂ કરી, ચાર પ્રકરણે બંધ થઈ. નિયમિત હપતા આપવાની મારી ગુંજાશ નહીં. એ કથાનો ત્રીજો-ચોથો-પાંચમો ભાગ અનુક્રમે 'સાત લાખ સેવાગ્રામ', 'કુટુમ્બિની', 'પરિવાજક' કલ્પેલા છે. એ અત્યારે લખાય તો અવનવા ઢંગે જ આવે. ક્યારેક-ક્યારેક વિદ્વાનોએ સૂચવ્યું છે અને હું પણ (સારાસારા મિત્રોને ચીમકી લાગે છતાં) બોલ્યો છું કે ગાંધીજી વિશે કંઈક લખવું. પણ કહું? વળી અહીં વાહનનો પ્રશ્ન ઉકેલવાનો રહ્યો. પ્રેમાનંદને ભાષાએ આપેલું વરદાન બીજો કોઈને એ આપે?
પેલું નાટક એ ગાંધીનાટક જ છે. ગાંધી, જેમજેમ આજની યંત્રોદ્યોગ-સંસ્કૃતિ આગળ વધે છે તેમતેમ, વધુ ને વધુ સંગત (રેલેવન્ટ) બનતા જાય છે. ચારેક વરસ પહેલાં નોબેલ પારિતોષિક વિજેતાઓ(જેમાં અતિઆધુનિક લેખકો પણ હતા)એ માનવજાતિ આત્મનાશના આરેથી પાછી વળે અને જરૂર પડે ત્યાં જનસમાજો અને વ્યક્તિઓ ગાંધીએ ચીંધેલા માર્ગનો આશ્રય લે એવી જાહેર અપીલ કરી હતી. ગાંધીની વાત એ તાતી જરૂરિયાત બનતી જાય છે. ગાંધીયુગ તો હજી હવે આવશે.
પ્રકાશ ઝીલતી ધપી રહેલી પૃથ્વીનું ચિત્ર દસકે-દસકે વધુ સંગત અને તાદૃશ લાગે છે. નરી આંખે એ દૃશ્ય ચંદ્રયાત્રીઓએ જોયું એટલી હદે સ્થૂલ અંતરિક્ષપ્રદેશ પણ માનવ માટે ઘરઆંગણું બની રહ્યો છે. પૃથ્વી એની યાત્રામાં અત્યારની આ ક્ષણે જે બિંદુએ છે ત્યાં એની-માનવકુળ પૂરતી-શી સ્થિતિ છે? સર્વનાશની સામગ્રીના ખડકલા, બધું હાલાહલ બહાર આવે એવા સંસારમંથનના ઉધામા, સિત્તેર ટકા માનવજાતની ચાલુ તંગ હાલત, નેતૃત્વના દેવાળા જેવી સ્થિતિ, માત્ર રડ્યાંખડ્યાં સંવેદનશીલ જગતનાગરિકોની આ બધા અંગે સમાનતાભરી નિરંતર ઊંડી ચિંતા-અને તે પણ બર્ટ્રાણ્ડ રસેલમાં હતી એવી સક્રિય તો નહિવત્, -એ બધું સંવિદનો ભાગ તો બની શકે. એમાંથી કવિસંવિદની નીપજ એ જુદી વાત છે. કવિસંવિદ- કાવ્યાવતરણ એ એવો કીમિયો છે કે બ્લેઈક કહે છે તેમ 'રેતીકણમાં અનંતતા' સમાય, કુહાડાના ઘાથી ઝાડ પડતાં નિરાધાર ડુંગર ફસડાઈ પડ્યા જેવું થાય તેમાં વિશ્વનું ડૂસકું સંભળાય. અને બે લીટી અરે એક લીટીની પણ કાવ્યકૃતિ જો અભિનવગુપ્ત કહે છે તેમ 'વિશ્રાન્તિ'નો અનુભવ કરાવી રહે તો વિશ્વશાંતિના મહાલયના ચણતરમાં એક નક્કર ઈંટ ઉમેરાય.
ભલે પેલું નાટક (કે પદ્યનાટક) થયું નથી, પણ 1949માં આકાશવાણીએ 'A poem is born(કવિતાનો જન્મ)' ઉપર બોલવા સૂચવ્યું ત્યારે કહેલું તેમ "એ કાવ્યકૃતિ સૂઝી એ પછીથી ભલે એ પોતે રચાઈ નથી, એમાંથી બીજી અનેક નાનીમોટી કૃતિઓ ઉદભવી છે. Poems are born." માણસની કૃતિઓ કદાચ એક નહીં થયેલી કૃતિના પ્રકારાન્તો જ હોય.
'પોતાને મૃત્યુએ કેશથી ઝાલ્યો હોય એમ માણસે ધર્મના આચરણમાં મંડી પડવું જોઈએ'- એ વાત મને ઠીક લાગી નથી, - કાળ અનંત હોય એમ સૂક્ષ્મ વસ્તુઓના સેવનમાં માણસે ચાલવું જોઈએ. અમસ્તા 'અખોઃ એક અધ્યન'ને અને 'કલાન્ત કવિ'ને દુરસ્ત કરતાં-કરતાં છપાવવા અનુક્રમે બાર અને ચૌદ વરસ લાગ્યાં. 'શાકુન્તલ'નો અનુવાદ કરી બેઠો, પણ ગીતિઓ આર્યાઓ બરોબર કરીને મારાથી શક્ય એવી શ્રદ્ધેય આવૃત્તિ (ત્રીજી) આ વરસના કામને પરિણામે આપી શકાશે, અનુવાદની પ્રથમ હસ્તપ્રત કર્યા પછી છત્રીસ વરસે. 'સપ્તપદી'ની સાત કૃતિઓએ પચીસ વરસ ભલે લીધાં. સર્જનયાત્રામાં સહજપણે નવાનવા આરંભો થયે જ ગયા છે. 'ધારાવસ્ત્ર' પછી કંશુક નવતર ન થઈ બેસે તો જ નવાઈ. ઉત્સાહ હજુ શિખાઉનો છે.
મને કવિતા, રાજકારણ (જાહેર બાબતો- 'પબ્લિક એફેર્સ'ના વિશાળ અર્થમાં) અને ધર્મ એકંદરે જુદાં જણાયાં નથી. (સાબરમતી જેલની પેલી કેન્દ્રિય અનુભૂતિએ ચીંધેલી રચનામાં ત્રણે અનુસ્યૂત છે.) કવિધર્મ, સમાજધર્મ, આત્મધર્મ તત્વતઃ એકરૂપ સમજાય છે. એક જ પસંદ કરવાનો પ્રસંગ આવે તો આત્મધર્મને પ્રાધાન્ય મળે, જોકે કાઠું તો કવિધર્મ અનુસરનારાનું ઘડાઈ ગયું તે ઘડાઈ ગયું. દરેકમાં એના સંસારથી ચેતવાનું. સામયિકનું સંપાદન પોતે થઈને માથે વહોર્યું એટલે તો સંસાર ન રચી બેસાય એ ખાસ સંભાળવાનું. કોઈ શાળામાં ન પેઠા, રખે શાળા સ્થાપી બેસાય. કવિતાના સંસારથી બચવાનું ઓછું મહત્વનું નહીં. 'છિન્નભિન્ન છું'-રચના દ્વારા નવો દિશાવળાંક આંકીને, પહેલી અને છેલ્લી વાર, જવાબ અને તે પણ આપણા એક ઉત્તમ કાવ્યમર્મજ્ઞને આપવામાં ઊતરી, ધર્મ અને રાજકારણના સંસારમાં ન સપડાઈએ તો કવિતાના સંસારમાં શા માટે - એમ કેવળ રચના કરતા રહેવા ઉપર જે શક્તિ હોય તે કેન્દ્રિત કરવાનું વલણ રહ્યું. છેવટે તો રચના જ મહત્વની છે. આમે લખવાનો સમય ઓછો રહે છે. એથી બીજી રીતે -કહો કે આખા સમયના- લેખક થવાનું ભાગ્યે જ પસંદ કરું. એ રીતે લેખક થઈ શકાય એમ મારા પૂરતું તો માની પણ ન શકું. સર્જક-રચના કરતો ભાગ્યે જ પકડાઉં. જરૂર છે તે તો એક જાતની નિરંતર સંપ્રજ્ઞતા (awareness)ની અને તેમાંથી કવિસંવિદ નીપજે તો તેને પહોંચી વળે એટલો, શ્રમ કરવાની ફાવટની, તેમ જ કૃતિના પ્રાણરૂપ સૂરની - જે તો કયે બિંદુએ રહીને રચના કરીએ છીએ તેની ઉપર આધાર રાખશો.
શબ્દ એક એવો ઘોડો છે જે જરીકમાં પાડી નાખે. ઘણી વાર પ્રશ્ન થાય કે શબ્દ સાથે ક્યાં પનારું પડ્યું. આના કરતાં, કહો કે, સુથાર થયા હોત તો કેવું! પણ પછી થાય છે કે ખુરશીના પાયા બરોબર ન કર્યા હોય તો ગ્રાહક આવીને આપણા માથામાં મારે તો એને એવો અધિકાર હોઈ શકે. વિવેચકો (મારો પેલો નાનપણનો મિત્ર સુધ્ધાં) છેવટે તો અહિંસક છે. રચનાકારે પોતે જ શબ્દને -શબ્દલયને વફાદારીપૂર્વક એના યોગ્યતમ સ્વરૂપે સ્થાપવો રહ્યો. જમાનાના આશીર્વાદરૂપે જે અનેકવિધ ઉત્તમ કવિતાનો ભાવક તરીકે આનંદ મેળવ્યો છે તેણે ભીતર સર્જકના કાનમાં એટલું અવશ્ય કહ્યું છે : જોજે હોં, તને વાંચવા પ્રેરાય તેની તારે હાથે વંચના ના થાય.
ચાલો મન, વિશ્વશાંતિના એ નિરંતર આકર્ષતા 'પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા...' એ રોમહર્ષણ કલ્પનાચિત્રને યથાર્થપણે સાક્ષાત્કરવા.

જુલાઈ 21-24, 1984, અમદાવાદ.
(‘સર્જકની આંતરકથા’માંથી.)


જીવન-સાહિત્યના સંગમની સાર્થકતા? - નંદિની ત્રિવેદી

આપણે સાહિત્યમાં જીવન વિશેની વાતો કરી રહ્યા છીએ તો એના સંદર્ભમાં જ વાત કરીશ. પપ્પા સાહિત્યકાર(કવિ જયંત પંડ્યા) અને મમ્મી શિક્ષક. બંને ગુજરાતી ને અંગ્રેજી વિષય ભણાવે, આથી આનાયાસે જ ભાષા માટેની જાગ્રતિ નાનપણથી આવી. બાળપણમાં પપ્પા લંડન ગયેલા, ત્યાંથી ત્યાંના કવિઓની કવિતાઓ રેકોર્ડ કરીને મોકલે, ત્યારે અંગ્રેજી તો ખાસ ન આવડે, છતાં સાથે ગુજરાતી કવિતાઓ પણ હોય એટલે મજા આવતી. ઘરમાં અખબારો, ઝગમગ, ફૂલવાડી, રમકડું, ચાંદામામા, બકોર પટેલ, મિંયા ફૂસકી વગેરે વાંચવામાં આવતું, એમાં કોણ પહેલું વાંચે એની હોડ જામતી, પછી પરબ, શબ્દસૃષ્ટિ, ઓળખ, કુમાર જેવાં સામયિકો પણ માનસ પર છાપ છોડતાં થયાં. સાહિત્યકાર હોવાનો દાવો તો નથી કરતી પણ મને લેખનમાં મળેલી સાર્થકતામાં પપ્પાનો ફાળો મોટો ગણાય. શિક્ષણ ઉપરાંત સાહિત્યલેખન, અનુવાદો, સમાજિક આગેકદમી સાથેસાથે પપ્પાએ પરિષદમાં ઉપપ્રમુખથી લઈ, ‘નિરીક્ષક’ના તંત્રી સુધીની વિવિધ જવાબદારીઓ દાયકાઓ સુધી નિભાવી, એમનું સાહિત્યવર્તૂળ વિશાળ, પ્રતિષ્ઠિત સાહિત્યકારોની નિયમિત ઘરે આવ-જા રહે, આ બધાં પરિબળોને લીધે સાહિત્ય માટેનો પ્રેમ આપોઆપ જન્મ્યો. પત્રકારત્વ કે લેખન વિશે સ્પષ્ટ વિચારો નહોતા, પણ મૂળ રસનો વિષય તો સંગીત. કોલેજમાં યશવંત શુક્લ જેવા મોટા દરજ્જાના કેળવણીકાર, કોલેજની અધધધ ઈત્તર પ્રવૃત્તિઓનો પણ પ્રભાવ. એ દરમિયાન સાહિત્ય અને નાટક સાથે વધુ ઊંડો પરિચય થયો. એ સમયે પપ્પાના ‘નિરીક્ષક’ મેગેઝિનના લેખોમાં પોકેટમનીની લાલચે પ્રૂફ રીડીંગ કરતી, એના ભારેભરખમ લેખોને લીધે બાહ્ય જગતના અનેકવિધ જ્ઞાન વિષે આકર્ષણ જામ્યું. ત્યાંથી જ રાજકારણના વિષયમાં રસ પડ્યો, જે કોલેજમાં પોલિટિકલ સાયન્સને વિષય તરીકે ભણવા તરફ લઈ ગયો. સમાજજીવન વિશે વધુ ને વધુ જાગ્રતતા કેળવાતી ગઈ.
સાહિત્યની વાત પર પાછા ફરીએ તો, મારું માનવું છે કે સાહિયને સારી રીતે ગ્રહણ કરવામાં આવે તો એ જીવન પર અસર કરે છે. એવાય લોકો હોય છે જે માત્ર વાંચે છે, એને ગ્રહણ નથી કરતા, પણ મારા કિસ્સામાં તો કહીશ જ કે સાહિત્યએ મને ખૂબ જ સમૃદ્ધ કરી છે. બકોર પટેલની વાર્તાઓ હોય કે સ્ટીવ જોબ્સની આત્મકથા ! વાંચનને હંમેશાં મદદ કરી છે. હૃદય અને સમાજ જીવનમાંથી મળતા સહિત્ય ગમે છે એટલે જ મને આત્મકથાઓ વધુ ગમી જાય છે.
પ્રવાસ વિશે એક જ વાક્યમાં કહેવાનું હોય તો કહીશ કે પ્રવાસ જ મારું જીવન છે. રખડવાનો શોખ તો મૂળથી જ સીંચાયેલો, પણ સંસાર ને વ્યવસાયની કડીઓ જોડવામાં ખાસ સમય ન મળતો. ભારતમાં ઠીકઠીક ફરી. સૌથી પ્રિય પ્રવાસન લદાખનું ને પ્રિય સ્થળ પેનગોન્ગ લૅક, ત્યાં જુદું જ એકત્વ, જુદું જ જોડાણ અનુભવાયું છે. હિમાયલ તો હિપ્નોટાઈઝ કરનારો મણિ ! એવું જ આકર્ષણ ગંગા નદીનું... વહેણનાં એ ભવ્ય સ્પંદનોની અનુભૂતિ આહલાદક. અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ પાસે થયેલી અનુભૂતિ પૂર્ણપણે વર્ણવી શકાય એમ નથી. તાજેતરમાં વિયેતનામ ફરી આવી. પ્રવાસ એ માત્ર ફરવાનું માધ્યમ નથી પણ એક આખા સમાજ, સંસ્કૃતિ, ત્યાંના લોકોને-પ્રકૃતિને જાણવાનો એક સમુચિત પ્રયાસ છે. મને પોતાની રીતે પ્રવાસ કરવો ગમે. ત્યાંની જનસંસ્કૃતિ, જનસ્વભાવને જાણવું ખૂબ જ ગમે. પ્રવાસ-અનુભવોની એકંદરે વાત કરું તો સ્વિત્ઝરલેન્ડનાં લોકો ખૂબ જ હૂંફાળા, જર્મન થોડા અકડું, અમેરિકન્સ ખુલ્લા દિલવાળા તો બ્રિટીશરો અહંભાવ ધરાવતા, છતાં શિસ્તબદ્ધ ! જોકે દરેક સંસ્કૃતિની પોતાની આગવી મોહિની છે. એ દરેક સંસ્કૃતિ પાસે જે સારું છે એ પ્રવાસ દ્વારા આપણી પાસે આવી શકે છે. એ આપણને પણ જુદી અવસ્થામાં લઈ જાય છે. પ્રવાસવાંચન માટે કાકાસાહેબ કાલેલકર અને ભોળાભાઈ મને હંમેશાં ગમ્યા છે. આપણા જે નવોદિત લેખકોએ પ્રવાસવર્ણનો લખવા હોય એમણે આ બેને અનિવાર્યપણે વાંચવા જ રહ્યા. હવે તો ઘણા લેખકો અને કોલમિસ્ટસ પ્રવાસ વિશે લખે છે. સારું પણ લખે છે, કારણ કે અત્યારે લોકોમાં હરવાફરવાનું વધ્યું છે અને આવું લખાણ લોકોને સ્વાભાવિક રીતે ગમે પણ છે.
અનુભવોની યાદી બનાવું તો ટોચ પર કમ્બોડિયાની વાત આવે. ત્યાં કિલિંગ ફિલ્ડ છે, જ્યાં ભારે હત્યાકાંડ થયેલો. ત્યાં એક સ્કલ મ્યુઝિયમ પણ છે. એ કિસ્સા, એ વાતો... વગેરે રૂંવાડા ઊભા કરી દેતી અનુભૂતિઓ ! ઈંગ્લેન્ડમાં શેક્સપિયરનું આખું ગામ છે, જ્યાં ફરી વળ્યાં પછી એમના પ્રેમમાં પડી જવાય. એ જ રીતે વિદેશોમાં ફરીએ એટલીવાર આપણો દેશ સ્મરણપટ પર પડઘાતો રહે. સરખામણી ને મનનચિંતન થયા જ કરે. ભારત દેશ ભૌગોલિક રીતે એટલો વિશાળ અને સાંસ્કૃતિક રીતે એટલો સમૃદ્ધ છે કે શક્તિશાળી દેશો માટે પણ ભારતની અવગણના શક્ય નથી. આપણી પાસે જે સાંસ્કૃતિકતા છે, જે ઈતિહાસ છે, જે ધાર્મિક વિભાવના છે, એના વૈવિધ્યનો સમન્વય છે, એ બીજે ક્યાંય નથી. આજના રાજકારણમાં ધર્મનાં વિવિધ અર્થઘટનો થાય છે, એને લીધે ભારતની સામાજિક અને રાજકીય છબી બગડે છે. શૈક્ષણિક સ્તરે ઘણું કામ કરવાની જરૂર છે એ માટે... અલબત્ત, ભારતની સમૃદ્ધિને એના સાચા સ્વરૂપે વિશ્વ સુધી પહોંચાડે એવા યુવાનોની જરૂર છે. આ સંદર્ભે અત્યારની પેઢી ઘણી ઓપન-માઈન્ડેડ છે. એમની પાસે ઘણી આશાઓ બંધાય છે. પ્રવાસની વાતમાં એટલું જ ઉમેરવાનું કે ભારતમાં પ્રવાસન સ્થળોની ભરમાર છે પણ રસ્તા ને ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અવગણના થાય છે એ જોઈ કયા પ્રવાસપ્રેમની દુઃખ ન થાય?
અંતે, આજના સાહિત્યની વાત પણ કરવી રહી. સોશિયલ મિડિયાને લીધે સ્વાભાવિક રીતે જ પોતાને કવિ કે લેખક કહેનારાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. નિઃશંકપણે સોશિયલ મિડિયા એક ઉત્તમ પ્લેટફોર્મ છે, પણ લોકો સાચા સાહિત્ય અને સાચી સાહિત્ય-શૈલીને સમજે એ પણ જરૂરી છે. માત્ર લખી લીધું એટલે લેખક બની ગયા એવું નથી એ વાત સમજાવે એવા માર્ગદર્શકોની જરૂર છે. અહીં ચર્ચા વ્યક્તિની નહીં વિચારની થવી જોઈએ, લોકપ્રિયતા હોય, માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય કે સારો કસબ હોય, પણ અંતે એ કલાકસબ દ્વારા તમે સમાજને શું આપો છો એ મહત્વનું છે. હવે લોકો વાંચતા નથી, લાંબું વાંચી શકતા જ નથી એ ગંભીર બાબત છે. સાહિત્યની આવતીકાલ વિશે ચિંતા થાય પણ પેલી ‘માસ’ અને ‘કલાસ’ની થીયરી ફરી આંખ સામે આવી ઊભી રહે છે.
-પછી આશા જાગે છે, કે લોકપ્રિયતા અને પ્રશિષ્ટતાનો ભેદ તો હંમેશાં રહ્યો છે ને રહેવાનો ! સદીઓથી આમ જ ચાલતું આવ્યું છે એટલે સાહિત્યવાચન માટે એક ચોક્કસ વર્ગ તો રહેશે જ ! મોટાભાગે જેમ ઉત્તમ સંગીત બધે નથી પહોંચતું, એ નાનકડા સભાગૃહમાં જ જીવંત રહે છે, ઉત્તમ નાટકો પૃથ્વી જેવાં વિશિષ્ટ થિયેટરમાં જ આવે છે, બધે જ નથી ભજવાઈ શકતા, એમ પ્રશિષ્ટ સાહિત્ય પણ, અમુક લોકો સુધી જ ભલે, પણ જીવંત રહેશે. અંગત રીતે મને એમ થયા કર્યું છે કે અગાઉના સાહિત્યકારોમાં જેમ એકથી એક આગવી શૈલી અમને વાંચવા મળેલી એની હવે વ્યાપક ખોટ વર્તાય છે, એટલે હમણાં તો આપણે નવા યુગમાં ‘માસ’ અને ‘ક્લાસ’ની વિશેષતાને ભેગી કરીને અભિવ્યક્ત કરી શકે એવા સમર્થ સાહિત્યકારની રાહ જોવી રહી...

(ચર્ચા: સમીરા પત્રાવાલા, તુમુલ બુચ)


એક નાનુંએવું પુસ્તક માણસને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે? - મિતુલ ત્રિવેદી

સાહિત્ય ! બીજા અનેક શુભ-પરિણામો ઉપરાંત સાહિત્ય આપણને માણસની પણ ઓળખ કરવામાં મદદ કરે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે અમુક સારા માણસને ખરાબ માની લેતા હોઈએ છીએ, કે વિપરીત પરિસ્થિતિમાં આપણે ખરાબ માણસને સારા માની લેતા હોઈએ છીએ. સતત સંસર્ગને કારણે માણસોની નાનામાં નાની વાતો અને તેનાં લક્ષણો નોંધવાની આવડત મારામાં વિકસી એ સાહિત્યસેવનને આભારી. સાહિત્યની મદદથી ભલે સાચા મિત્રો મળે કે ન મળે, પણ સાચા મિત્રો કેવા હોય તે ઓળખવાની ક્ષમતા સાહિત્ય જરૂર વિકસાવી આપે છે.
આપણ એ તો હંમેશાં જ જોયું છે કે સાહિત્ય સમાજને સાચી દિશા બતાવી શકે છે અને એટલું જ નહીં તે ક્રાંતિ પણ સર્જી શકે છે. આ વાતના ઘણા પુરાવા ઈતિહાસમાં પણ જોવા મળે છે. આપણે એ પણ જોયું છે કે સાહિત્ય જો કોઈ મોભી અથવા તો સમજદાર વ્યક્તિના હાથમાં જાય તો ત્યારે મુશ્કેલ લાગતા ઘણા પ્રશ્નો અત્યંત સરળ રીતે આપણે જનમાનસ સુધી પહોંચાડી શકીએ છીએ. વિશ્વના કોઈપણ મહાન વ્યક્તિઓને એક સવાલ પૂછી જોઈએ કે, ‘તમને સાહિત્ય ક્યારે મદદરૂપ થાય છે?’ ત્યારે તેમના તરફથી એક જવાબ અચૂક મળશે કે, ‘સાહિત્ય મુશ્કેલીના સમયે આધાર આપે છે અને ખોટા રસ્તે જતા અટકાવે છે.’
અંગત વાત કહું તો વ્યવસાય ઈતિહાસસંબંધિત એટલે મારા માટે સાહિત્યનું મહત્વ પણ એટલું જ, જેટલા ઈતિહાસ અને વિજ્ઞાન મહત્વના ! મારા વ્યવસાયમાં વાંચન પાયો છે. સંશોધનો માટે બહોળું વાંચન અનિવાર્ય છે. એ વાંચનમાં ઘણાં બધા પ્રકારના પુસ્તકો વાંચવામાં પડે, જેમાંથી કેટલીક વાર સાહિત્ય પણ હોય. સાહિત્યમાં પણ ઘણાં પૌરાણિક દસ્તાવેજો મળી આવે છે, જેના કારણે પણ સાહિત્યના સંપર્કમાં રહેવું પડે છે. ઘણો ઈતિહાસ સાહિત્ય સ્વરૂપે પણ સચવાયેલો છે એટલે સાહિત્યના સંસર્ગમાં આવવું એ મારા માટે સહજ છે. આ સાહિત્ય વ્યવસાયેત્તર પ્રવૃત્તિઓ અથવા તો મારા અંગત જીવનમાં પણ ઘણી રીતે ફાયદાકાર થયું છે તે મેં નોંધ્યું છે.
સાહિત્ય મારા જીવન માટે સીડી-સોપાન બન્યું છે. જેના પર પગલાં માંડી માત્ર માનસિક જ નહીં પણ બૌદ્ધિક સ્તર પણ ઘણું ઊંચું આવ્યું છે. મારામાં ઘણા ગુણોનું સિંચન કરવામાં અને આજે સમાજમાં નોખું સ્થાન મેળવવામાં સાહિત્યએ જ મને મદદ કરી છે. સાહિત્યએ મને નમ્રતા આપી છે. માણસ જોડે નમ્ર રહેવું એ ક્યારેય સરળ ન હતું, પણ સાહિત્યના સતત સંસર્ગે આ ગુણને કેળવવામાં અને તે કેળવણીને દરેકે દરેક પળે અમલમાં મૂકવામાં પણ એટલી જ મદદ કરી છે. સાહિત્યએ મારામાં પારદર્શકતા પણ વિકવાસવી છે.
મારો અને વાંચનનો સંબંધ કંઈક વધારે પડતો ઊંડો છે. 1996ના વર્ષની આસપાસ હું ઓફિસના કામથી હૈદરાબાદ વારંવાર આવજા કરતો હતો. ત્યારે એક વાર મારા કાકાના દીકરા માટે વૈદિક ગણિતનું પુસ્તક લઈને આવ્યો હતો, પરંતુ હું પુસ્તક લઈને સુરત પહોંચું તે પહેલાં જ મારા કાકાના દીકરાને અમેરિકા જવાનું થયું. તેથી આ પુસ્તક મારા પાસે જ રહી ગયું. જ્યારે મેં આ પુસ્તકના પાનાં ફેરવ્યા ત્યારે મને ગણિતની કેટલીક અદભુત પદ્ધતિઓ જાણવા મળી અને ધીરેધીરે આ પદ્ધતિઓ મેં બાળકને અને અન્ય લોકોને શીખવવાનું શરૂ કર્યું. આ વાંચવાનો શોખ એટલો વ્યાપ્યો કે મે અન્ય ભાષાઓમાં મળેલી મેન્યુસ્ક્રીપ્ટ્સ-હસ્તપ્રતો પણ વાંચવાની અને સમજાવવાની શરૂ કરી, પછી તો પ્રાચીન ભાષાઓમાં રસ વધ્યો એટલે એ શીખવાની શરૂઆત કરી, અને એ જ શોખે મને ISRO અને NASA જેવી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરવાની તક આપી. તેમ જ માનદપદવીઓ પણ અપાવી.
આમ કોઈ વ્યક્તિ એક નાનું પુસ્તક વાંચવાનું શરૂ કરે, ખૂબ રસ પડે અને એ રસ જ નવી ઓળખ ઊભી કરી અનેરા શિખરો સુધી લઈ જવામાં મદદ કરે એ વાત કોઈ ફિલ્મની પટકથા જેવી વાત લાગે, પણ આ ફિલ્મની નહીં મારા પોતાના જીવનની ખરેખરી વાર્તા છે. સાહિત્ય કે પુસ્તકમાં ખરેખર પરિવર્તન ક્ષમતા છે, તે વાત મને મારા પોતાના જ જીવન પરથી જાણવા મળી છે.

(મિતુલ ત્રિવેદી સુરતસ્થિત ઈતિહાસવિદ્ ને સંશોધક છે. ચર્ચાઃ નીરજ કંસારા)


જીવન-સંવેદન-વ્યવસાયમાં સમતુલા આણનાર પરિબળ - ડૉ. સૌરભ મહેતા

સાહિત્ય ! આમ તો આ શબ્દનો પરિચય શાળાના પાઠ્યક્રમનાં વાર્તા-કવિતાને લીધે, પણ એ જ ‘સાહિત્ય’ કહેવાય એવી સમજ તો ત્યારે ક્યાંથી હોય? શાળામાં એ ઓળખ ફક્ત વાંચનના શોખ તરીકે હતી, પણ તેની સાથે પરિણય તો થયો કોલેજથી. કોલેજનાં વરસો દરમિયાન સમજ મળી કે બાળપણથી વાંચેલાં પુસ્તકો એટલે સાહિત્યનો જ ભાગ, એમાં બાળવાર્તાથી લઇ અધ્યાત્મનું વાંચન પણ આવી જાય. સમયની સાથે સાહિત્યની સમજ અને વ્યાખ્યા પણ વિસ્તરતી રહી છે, તો હજીયે સાહિત્યના નવાનવા અર્થો મળતા રહે છે. ઉંમર, અનુભવ અને સમજણ સાથે સાહિત્યની રુચી, ગંભીરતા અને રૂપો પણ બદલાતા રહ્યા છે. બાળપણનું સચિત્ર ને નિર્દોષ હાસ્ય-આનંદ આપનારું સાહિત્યનું વર્તુળ ફિલ્મોથી લઇ બીજાં ઘણાં ક્ષેત્ર તેમ જ વિવિધ ભાષાઓ સુધી વિસ્તરતું રહ્યું છે, તેનો આનંદ છે, તો સાથે આપણા સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ ન કરી શક્યાનો રંજ પણ સતાવે છે.
કાર્યક્ષેત્ર ટેકનોલોજી હોવાને લીધે ગણિત-વિજ્ઞાન-ટેકનોલોજીનાં પુસ્તકોનું વાંચન-અભ્યાસ તો દિનચર્યાનો જ એક ભાગ, જેને લીધે લખાણની હકીકતો, તાર્કિકતા અને વિશ્લેષણાત્મક મુલવણીનો મહાવરો વધ્યો છે. આ મહાવરાને લીધે વાસ્તવિક જગતની જુદી જુદી સ્થિતિઓ અને પ્રસંગોને મુલાવવાનો અને સમજવાનો અભિગમ તથા દ્રષ્ટિકોણ પણ વિકસ્યો છે, આ બધાના પરિપાકરૂપે કોઈ પણ નિષ્કર્ષ પર આવતા પહેલાં મનોમંથનોની આદત આવી. એથી વિપરીત સાહિત્યનું વાંચન વિચારોની નવીનવી ક્ષિતિજ ખોલતું ગયું, જ્યાં ફક્ત તર્ક-હકીકતોથી કામ નથી ચાલતું, પણ એનાથી આગળ, માનવજગતની મનોભાવનાઓ, આંટીઘૂંટીઓ, ઉર્મીઓ અને લાગણીઓના વિશ્વમાં સાહિત્ય લઇ જાય છે. આ વાંચન બુદ્ધિ કરતાં વધુ હૃદયને સ્પર્શે છે. જગતમાં સૌથી સંકીર્ણ મનોવિશ્વ છે લાગણીઓનું, જ્યાં સાહિત્ય પ્રવેશ કરાવે છે. સાહિત્ય જે રીતે માનવીના સ્વભાવ-અંતરમનના રંગોનો પરિચય કરાવે છે તે કદાચ વિજ્ઞાનથી કે તર્કથી રજૂ કરવું શક્ય નથી. લોકો સાથે સંવાદ સાધવા તેમજ તેમને સમજવામાં સાહિત્ય મદદરૂપ બને છે. મારું તો સ્પષ્ટપણે માનવું છે કે માનવસ્વભાવ અને સમાજનું ઘડતર ફક્ત સાહિત્ય જ કરી શકે છે. અન્ય વિદ્યાશાખાઓ બાહ્યજીવન માટે કાર્યરત છે, જ્યારે સાહિત્ય આંતરિકવિશ્વ સાથે સંબંધ ધરાવે છે.
હવે થોડી અંગત વાતો.
સાહિત્યવાંચનને લીધે વ્યવસાયિક જગતમાં જરૂરી મારાં લખાણો-અહેવાલોમાં અલગપણું આણી શકાયું છે એ મારી અંગત પ્રાપ્તિ ગણું છું. એ લખાણોના પ્રતિભાવોમાં મને જાણવા મળ્યું કે ગૂંચવાડાભરી ટેક્નિકલ બાબતોના હોવા છતાં મારા અહેવાલો-લખાણોમાં વાચનારાઓને પ્રવાહિતા ને સરળતા જણાઈ છે, જ્યારે સામાન્યપણે આવાં લખાણો શુષ્ક ને નીરસ માહિતીના ખડકલા જેવા જ બની જતા હોય છે, એ વાચવાયોગ્ય બની શક્યા છે એ વાચકોને મારી ઉપલબ્ધિ લાગશે, પણ અપ્રત્યક્ષ રીતે એ સાહિત્યવાચનની દેન છે. વળી, શિક્ષક-પ્રશિક્ષક તરીકે તાલીમ-પ્રશિક્ષણ આપવાની જવાબદારી આવે, એમાં કથાતત્વ ઉમેરવાના પ્રયોગ મેં કર્યા છે, એ પ્રયોગને લીધે તાલીમાર્થીઓનો રસ વધારવામાં સફળતા મળી એ પણ સાહિત્યને આભારી.
સાહિત્યના નિયમિત વાંચન-અભ્યાસને લીધે બીજા વ્યવસાયિકો તેમ જ લોકો સાથેના સંપર્કસેતુ સાધવામાં પણ સરળતા અનુભવાઈ છે, ખાસ તો સાહિત્યને લીધે બહુવિધ ક્ષેત્રોના મિત્રો મળ્યા છે, તો લોકોને તેમની વિવિધતા અને સારા-નરસા પાસા સાથે સ્વીકારવાની સમજણ પણ આવી છે. સાહિત્યનો સૌથી મોટો પાઠ જાત સાથે સંવાદ સાધવાનો મળ્યો છે. સાહિત્યએ વ્યક્તિદર્શન સાથે સમાજદર્શન પણ કરાવ્યું છે. સાહિત્યને લીધે દેશ-પરદેશના લોકોની સંસ્કૃતિ, મૂલ્યો, રહેણીકરણી, ખાન-પાન વગેરે જાણવાની તક મળી છે. આમ સમગ્રપણે સાહિત્યને લીધે અંગત, વ્યવસાયિક અને સામાજિક જીવનમાં એક ઠરેલપણું લાધ્યું છે.
ગુજરાતી સાહિત્યમાં કેટલાય લેખકો તેમ જ પુસ્તકોએ જીવન ઘડતરમાં વધતે ઓછેઅંશે પ્રભાવ પાડ્યો છે. ખાસ ધ્રુવ ભટ્ટની નવલકથાઓ, એમના લખાણમાંની માનવીય સંવેદના, સંબંધો તેમ જ પ્રકૃતિ સાથેનો સંવાદ ઝીલાય છે, તે મનને ઝંકૃત કરી નાખે છે, માંહ્યલાને જીવંત રાખે છે. કાકાસાહેબનાં પ્રવાસવર્ણનો તેમ જ ભાણદેવસાહેબના હિમાલયના પ્રવાસ્સો માનવી તરીકેની મારી અધૂરપને ઉજાગર કરી આપે છે. સ્વામી આનંદ અને ફાધર વાલેસના નાનીનાની પ્રસંગોકથાઓ, પણ માનવીની આંતરિક સુંદરતા પ્રગટાવી પ્રેરણા આપતા રહ્યા છે. ગાંધીજી અને વિવેકાનંદનાં લખાણો સ્વ સાથે સંવાદ કરવાની કળા શીખવે છે. તો હરિભાઈ વ્યાસ અને રમણલાલ સોનીની બકોર પટેલ કિશોર કથાઓ કે અનુવાદો બાળપણની મધુર યાદોમાં ફરી લઇ જાય છે.
મૂળભૂત રીતે પિતાના સાહિત્યવાંચન શોખને લીધે કદાચ મને પણ સાહિત્યનો શોખ વારસામાં મળ્યો છે. ઉચ્ચ અભ્યાસ તેમજ વ્યવસાયિક કારણોસર ઘણા વર્ષો વિદેશમાં એકલા રહેવાનું થયું, જેને લીધે ઘણીવાર એકલવાયાપણું, નિરાશા વગેરે ઘેરી વળતા, ત્યારે પિતા દ્વારા લખાયેલા પત્રો એક નવું જોમ આપી દેતા. પિતા દ્વારા લખાયેલા સરળ અને લાગણીસભર પત્રો એ જીવનનો ભવ્ય વરસો છે. આમ સાહિત્યને લીધે એકદમ અંગત સ્તરે, અમારા પિતા-પુત્રના સંબંધની કડી હંમેશાં મજબૂત રહી છે. વળી આ જ સમયમાં કેટલાંક વર્ષો અનિદ્રાના રોગ રહેતો, ત્યારે ઘણી રાતો ઉજાગરા રહેતા અને દિવસ અકળામણમાં પસાર થતા, તે વખતે પણ સાહિત્યવાંચન અકસીર ઈલાજ બની પડખે રહ્યું, વગર કોઈ દવા કે સારવાર સાહિત્યવાંચનના શોખે ધીમેધીમે એ રોગમાંથી પણ સંપૂર્ણ મૂક્તિ અપાવી.
આ સફરમાં ભારતીય વિચારકો, સાહિત્યકર્મીઓથી લઈ દુનિયાભરના શ્રેષ્ઠ સાહિત્યકારોને વાંચવા, જાણવા અને સમજવાની તક મળી છે. સાહિત્યને લીધે સ્થળ અને સમયના બંધન ન રહેતા, હવે તો પેઢીઓ પહેલાંના અને સમકાલીન સાહિત્યકારોને વાંચવા તેમ જ નવી ટેકનોલોજી દ્વારા સાંભળવા જોવાનો લહાવો પણ મળી રહ્યો છે. સાહિત્ય ભલે દરેક સમસ્યાનો ઉકેલ ન આપી શકતું હોય, પણ ઉકેલ માટે જરૂરી સંવેદના, સમજણ ને દ્રષ્ટિકોણ તો ચોક્કસ આપે જ છે.
ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા ગુજરાતી સાહિત્યમાં માસ્ટર્સની પરીક્ષાઓ તો શોખ ખાતર પાસ કરીને ડિગ્રી મેળવી, પણ સાહિત્યનો પદ્ધતિસર-પરંપરાગત અભ્યાસ ન કરી શકવાની થોડી ખટક રહેતી, જે સાહિત્યવાંચન દ્વારા સંતોષાઈ છે. આજે પણ સફારી જેવા સાયન્સ મેગેઝીનથી લઇ નવનીત સમર્પણ-ચિત્રલેખા જેવા સામયિકોનું નિયમિત વાંચન વ્યવસાયિક અને અંગત જીવનમાં ખૂબ ઉપયોગી થાય છે.
સમાપનમાં એટલું જરૂર કહીશ કે સાહિત્યએ મારા જીવનમાં એક સમતોલપણું આણ્યું છે ! દુનિયાને જોવાની એક નવી દ્રષ્ટિ આપી છે. જીવનના ઘણા ચઢાવ-ઉતાર થતા પ્રસંગોમાં ટકી રહેવાની પ્રેરણા અને બળ પૂરું પાડ્યા છે. ઉપરાંત, આજે, આ સાહિત્યની જ દેણ છે કે આપ સહુ સાથે મારો અનુભવ-મારો આનંદ વહેંચી શકું છું. આગળ પણ પ્રભુને એ જ પ્રાર્થના છે કે સાહિત્યવાંચનનો આ પ્રવાસ અવિરત ચાલતો રહે ને જીવનને વધારે ને વધારે સમૃદ્ધ કરતો રહે !


...કારણ કે સાહિત્ય માણસને સંતુલિત બનાવે છે – પ્રા. દીપક મહેતા

સાહિત્ય સાથે મારું જોડાણ બાળપણથી જ... મને બરાબર યાદ છે કે હું આઠદસ વરસનો હોઈશ ત્યારેય ઘરમાં અઢીથી ત્રણ હજાર જેટલાં પુસ્તકો હતાં, તેનો શ્રેય મારી માતાને. પિતા તો વ્યવસાયે શેરબ્રોકર, તેમને સાહિત્યમાં ખાસ રસ નહીં. માતા પણ ભણેલાં તો સાવ ઓછું, પણ વાંચવાનો ખૂબ શોખ અને માટે જ પિતાએ એ બધાં પુસ્તકો વસાવેલાં. માતાએ એ બધાં પુસ્તકો વાંચી કાઢેલાં. આટલાંબધાં પુસ્તકો ઘરમાં હોય એટલે અમે પણ ઘણાં વાંચ્યા હતાં. માતાને એક મજાની ટેવ, તેઓ એકાદ પંક્તિ કે અવતરણ બોલે અને અમને પૂછે કે બોલો, આ કયા પુસ્તકનો અંશ છે? અને અમે રોમાંચિત થઈ જવાબના તર્ક લગાવવા લાગીએ.
આ મારા ઘડતરની શરૂઆત.
બીજો શ્રેય અમારી સાથે રહેતા ફોઈના દીકરા રમણભાઈને આપવો ઘટે. તેમણે ઘરમાં એક સિરસ્તો ચાલુ કર્યો, રાત્રે સાડા નવ વાગે એટલે એ કોઈ પણ પુસ્તક લઈને જોરથી વાંચતા અને ઘરના બધા લોકો તેમને સાંભળતા. ક્યારેક તો આ વાંચન રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલતું. રમણભાઈ કવિતાઓ વાંચે, આત્મકથા વાંચે, ચરિત્રો વાંચે, વાર્તાઓ કે નવલકથાઓ પણ વાંચે, એ સમયના બધાં જ પ્રતિષ્ઠિત સામાયિકો અમારે ત્યાં આવતાં એટલે ક્યારેક તો સામાયિકમાંથી પણ વાંચન ચાલતું... આજે ઘણીવાર મને કોઈ પૂછે કે તમે આ પુસ્તક વાંચ્યું છે એટલે હું અટકી જાઉ અને પછી કહું કે, ‘ના, ના, આ પુસ્તક મેં વાંચ્યું તો નથી, પણ આખું સાંભળ્યુ છે !’ એવું પણ બન્યું હોય કે એમાંના ઘણાં પુસ્તકો ફરી ક્યારેય વાંચવાનો સમય ન પણ મળ્યો હોય, પણ એકવારનું એ સાહિત્ય-શ્રવણ અમારી અંદર એવું ઊતરી જતું કે હજી એમાંનું કેટલુંક યાદ છે. આવું નોખું કૌટુંબિક વાતાવરણ મારા ઘડતરના પાયામાં છે.
બીજો નંબર આવે સ્કૂલનો. મુંબઈની પ્રખ્યાત ‘ન્યુ ઈરા સ્કૂલ’માં ભણવા મળ્યું, શાળામાં પિનાકિન ત્રિવેદી ને સોમભાઈ પટેલ જેવા સંનિષ્ઠ શિક્ષકો. પિનાકિનસાહેબ તો શાંતિનિકેતનના વિદ્યાર્થી એટલું કહેવું જ શું? સોમભાઈએ પણ ત્રણ-ચાર પુસ્તકો લખ્યાં હતાં, છતાં આજે તો એ સાવ ભૂલાઈ ગયા છે. પિનાકીનસાહેબ ક્લાસમાં કદી વાંચીને ન શીખવે, એ ક્લાસમાં આવે, ટેબલ પર પલાઠી વાળી બેસી જાય, ને ગાવા લાગે... અરે! પ્રેમાનંદનું આખું આખ્યાન તેમણે આ રીતે ગાતા ગાતા અમને શીખવ્યું હતું એ બરાબર યાદ છે. ઘરના વાતાવરણે સાહિત્યનાં જે ઊંડાં બીજ રોપ્યાં હતાં, તેને સ્કૂલમાં આવા સંનિષ્ઠ શિક્ષકો દ્વારા ઉત્તમ પોષણ મળ્યું. પછી કોલેજમાં તો પ્રખ્યાત સાહિત્યકાર મનસુખલાલ ઝવેરી ને વિદ્વાન સંસ્કૃતપંડિત ગૌરીશંકર ઝાલા જેવા પ્રાધ્યાપકો. ગૌરીશંકરસાહેબે ઘણું ઓછું લખ્યું ને ઓછા જાણીતા, પણ મનસુખલાલ તો પ્રતિષ્ઠિત નામ. કોલેજમાં સાહિત્યની દિશામાં એક ડગલું આગળ વધાયું. અત્યાર સુધી ફક્ત વાંચવાનો જ શોખ હતો, પણ હવે વાંચનને કેવી રીતે જોવું તેની દ્રષ્ટિ ઉમેરાઈ. સમીક્ષા કહો કે વિવેચન, તે કઈ રીતે થઈ શકે એ તરફનું વલણ આવા સમર્થ આધ્યાપકોને કારણે કેળવાયું.
કોલેજ પૂરી થયાં પછીનો દાયકો સોમૈયા કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે ગાળ્યો. ત્યાર બાદ પરિચય ટ્રસ્ટ દ્વારા તે સમયે પ્રકટ થતાં ‘ગ્રંથ’ સામયિકમાં સહાયક તંત્રી તરીકે જોડાયો. આ સામાયિક પુસ્તકોનાં અવલોકનો માટે પ્રતિષ્ઠિત, એટલે અહીં ફરી પેલી સમીક્ષકદ્રષ્ટિને વિકસવાની-વિસ્તરવાની તક મળી. ગ્રંથમાં ત્રણ વર્ષ કામ કર્યું. પછી અમેરિકાની વિશ્વવિખ્યાત ‘લાઈબ્રેરી ઓફ કોંગ્રેસ’ની દિલ્હી શાખામાં ગુજરાતી અને મરાઠી ભાષાના વિશેષજ્ઞ તરીકે જોડાવવાની તક મળી.
એક રીતે આ લાઈબ્રેરી જગતભરની ભાષાઓના સાહિત્યને સંપાદિત કરે છે. કામના ભાગરૂપે અમારે અહીંથી ભારતની દરેક ભાષાનાં સામાયિકો, અખબારો અને પુસ્તકો ખરીદી-એની સમીક્ષા કરી, એમાંથી પસંદગી કરીને, એ બધું વોશિંગ્ટન મોકલાવવાનું હોય, ત્યાં આ રીતે જગતભરની ભાષાઓની સામગ્રી ભેગી થાય. હું ગુજરાતી અને મરાઠી ભાષા માટે સિલેક્શન ઓફીસર રહ્યો. મને બરાબર યાદ છે કે અમારી ઓફિસ સવારે સાડા આઠ વાગ્યે શરૂ થાય. પહેલું કામ 10 વાગ્યા સુધીમાં 30 જેટલાં છાપાં વાંચી કાઢવાનું હોય. આ કામ દરેક ભાષાના સિલેક્શન ઓફિસર કરતા. જોકે ગુજરાતી અને મરાઠી ભાષા બન્નેની જવાબદારી મારા પર હતી એટલે મારે વધારે છાપા વાંચવા પડતા. સાડા દસ વાગ્યે અમારે એક અહેવાલ આપવાનો, જેમાં છાપામાં આવેલી સાહિત્યને લગતી, પત્રકારત્વને લગતી, પુસ્તકોને લગતી કે નવું સામાયિક આવ્યું હોય તેને લગતી માહિતી આપવી પડતી. એ સમયે ઘણાં પુસ્તકો ખરીદી માટે આવતા. બધાં જ પુસ્તકો વાંચવાનો સમય ન હોય, પણ જોવાં પડે, ઉથલાવવાં તો પડે જ... કારણ કે જો અમે કોઈ પુસ્તક લેવાની હા પાડતા કે ના પાડતા તો તેનું લેખિત કારણ આપવું પડતું. ત્યાં ઈતિહાસ, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર જેવાં તમામ વિષયોનાં પુસ્તકો સાથે કામ પાર પાડવાનું બનતું... એટલે કોંગ્રેસ લાઈબ્રેરીનાં એ દસ વર્ષમાં તો વ્યાપક પ્રમાણમાં મને સાહિત્યનો સંસર્ગ મળ્યો.
કોલેજમાં પ્રોફેસર હતો ત્યારે લખાણ તરફ ઝૂકાવ ઓછો હતો, પણ ગ્રંથ સામાયિકમાં કામ કરતા-કરતા લખવાનું પણ વધ્યું હતું. ગ્રંથમાં તો મારે કામના ભાગરૂપે પણ લખવંક પડતું. એ લખવાની પ્રવૃત્તિને ‘મુંબઈ સમાચાર’માં ‘વર્ડનેટ’ નામે કોલમ શરૂઆત થઈ ત્યારે વગે મળ્યો. એ કોલમ 2000થી 2012 સુધી સતત ચાલી, એમાં મોટા ભાગે સાહિત્ય વિશે ને નવાંજૂનાં પુસ્તકો વિશે લખાયું. એ પછી ‘ગુજરાતમિત્ર’માં લખવાની શરૂઆત થઈ. આ સમય દરમિયાન મેં જે વિવેચનો કર્યાં હતાં એનાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં.
આમ આજે જોઉં છું તો મેં આખું જીવનમાં સાહિત્યમાં જ આળોટતાં-ઓળાટતાં વિતાવ્યું હોવાની અનુભૂતિ થાય છે.
સાહિત્ય વિશે મારી માન્યતા એવી છે કે સૌથી પહેલા તો એમાં મજા આવવી જોઈએ. લોકો એમની રૂચિ પ્રમાણેનું વાંચતા હોય, એટલે એકને ખૂબ જ ગમતું પુસ્તક બીજાને જરીકે ન ગમે એવું બને. જોકે સાહિત્યનું નિયમિત સેવન કરનારી વ્યક્તિની દ્રષ્ટિ, ખાસ તો સમાજજીવન-માનવવિશ્વને જોવાની એની દ્રષ્ટિ ઘણી સંતુલિત થઈ જાય છે. એના વ્યક્તિત્વમાં એવું આગવું સંતુલન કેળવાય છે કે જેનાથી વ્યક્તિ એકદમ સુખી કે એકદમ દુઃખી ન અનુભવે, એકદમ નારાજીગી કે એકદમ નિરસતા ન અનુભવે. એ સંતુલિત રહી શકે છે. વિવિધ ભાવના-અનુભૂતિઓના વર્તૂળમાં એક સંતુલનબિંદુ શોધી એમાં ટકી રહેવા એનું મન ઘડાય છે. બીજો ફાયદો એ કે સાહિત્યસેવનથી પ્રત્યક્ષ ન અનુભવ્યા હોય એવા અનુભવો મળે છે, એ માનવજીવન બાબતે વિચારો-નિષ્કર્ષો તૈયાર આપે છે કે માણસ આવો હોય ને માણસ આવું કરે, આ આવું છે ને તે તેવું છે, વગેરે વગેરે. મારો કહેવાનો અર્થ એવો નથી કે સાહિત્યવાંચનથી માણસ સ્થિતપ્રજ્ઞ કે સંન્યાસી જેવો થઈ જાય, પણ દરેક સંજોગોમાં, જુદીજુદી સંવેદનાઓને સાચવી રાખીને પણ એ સ્થિરતા કેળવી શકે છે. સાહિત્યસેવનથી કોઈ પ્રકારની એક આંતરિક હિંમત કેળવાય છે.
હા, આજે કદાચ સમાજમાં સાહિત્યની પ્રસ્તુતતા આપણને દેખીતી રીતે ન દેખાય, પણ સાહિત્ય માણસને મદદરૂપ થાય છે એમા કોઈ બેમત નથી. દરેક માટે સાહિત્ય અલગઅલગ રીતે મદદરૂપ બનતું હોય છે એટલે એનો ચિતાર આપવો અઘરો છે. અંગત વાત કરું તો સાહિત્યએ મને બે રીતે મદદ કરી છે. પહેલું તો એ કે સાહિત્યના વ્યાપક સંસર્ગથી મને સમજાયું કે મારા જીવનમાં જે તકલીફો છે એના કરતાં અનેકગણી વધુ તકલીફો માણસને આવી શકે છે, અને બીજું એ કે જો તકલીફો છે તો એનો સામનો કઈ રીતે કરી શકાય એનો જવાબ પણ મને સાહિત્યમાંથી મળ્યો છે. આમ મારા આંતરિક અને બાહ્ય જીવનમાં, સંવેદનો અને સમજણોમાં, હું જે સંતુલન જાળવી શક્યો છું, તે સંપૂર્ણપણે સાહિત્યને આભારી છે.
બીજું તો આજની પેઢી વિશે વાત કરીએ તો મને લાગે છે કે પડકારો તો દરેક પેઢી સામે હોય છે. જોકે એમાં, ક્યાંથી અનુકરણ અટકાવવું અને ક્યાંથી નવો ચીલો ચાતરવો, એ પડકારનો સામનો દરેક પેઢીએ કરવાનો હોય છે. પરંપરાથી વિખૂટા પડી જવાની વાત નથી, પણ નવીનતાની શોધ માટેની વાત છે. આજની પેઢીનો સૌથી મોટો પડકાર જાણ્યે-અજાણ્યે થતું અનુકરણ છે. મૌલિકતાની શોધ માટે કપરાં ચઢાણ ચઢવાને બદલે અનુકરણની લસરપટ્ટી હંમેશાં સરળ ને આકર્ષક રહી છે. જોકે દરેક પેઢી પોતાની રીતે પોતાની સમસ્યાઓના ઉપાય મેળવી લે છે. આજે કદાચ પડકારો વધ્યા છે, તો સામે શક્યતાઓ-તકો પણ એટલી જ વધી છે. હવે નોન-પ્રિન્ટ માધ્યમો, ડિજિટલ રિડિંગ વગેરે જે રીતે વધ્યું છે ને વધી રહ્યું છે એ ખૂબ જ સારી બાબત કહેવાય, કારણ કે એનાથી શોખીનો માટે વાચનનો અસીમ વ્યાપ થઈ શકશે. હા સાથેસાથે પ્રિન્ટ-માધ્યમ, છપાયેલાં પુસ્તકોનું મહત્વ રહેશે જ, અને હજી વધતું જશે, પણ કમ્પ્યુટરાઈઝેશનને અવગણી ન શકાય. મને આશા છે ગુજરાતી ભાષાનાં સારામાં સારા પુસ્તકો, વહેલામાં વહેલી તકે ઈ-બૂક્સ તરીકે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ થઈ જશે.

(ચર્ચા – નીરજ કંસારા)


સાહિત્યમાં જીવનઃ કિરીટ દૂધાત

* જીવન અને સાહિત્ય વચ્ચેનો સંબંધ તમારા મતે-તમારા અનુભવે, શું છે?

* સાહિત્યને વ્યાપક અર્થમાં લઈએ તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં સાહિત્ય પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે હાજર હોય છે જ. જેનું પદ્ધતિસરનું શાળાકીય શિક્ષણ નથી થયું એવી વ્યક્તિ લોકગીત ગાય કે આપણા અભણ દાદીમા વાતચીતમાં કહેવતોનો અને રૂઢિપ્રયોગોનો ધાણીફૂટ ઉપયોગ કરે તો તેમાં એમની ચેતનાનો કોઈ અંશ સાહિત્ય સાથે જોડાયેલો હોય જ છે. વીસમી સદીના ત્રીજાથી નવમા દાયકા સુધી ફિલ્મોએ સાહિત્યને લોકો સાથે જોડાયેલું રાખ્યું છે, ત્યાર પછી આ કામ ટી.વી.ની સિરિયલોએ કર્યું છે. એમ કહેવાય છે કે બાળક જન્મીને હાલરડું સાંભળે કે એનાં મરણ પછી મરશિયાં ગવાય એમાં બધે સાહિત્ય કોઈને કોઈ રીતે જોડાયેલું હોય છે. હવે સાહિત્યને આપણે રૂઢ અર્થમાં લઈએ કે શિક્ષિતો નવલકથા કે કવિતા વાંચે એને જ સાહિત્ય કહેવાય તો એવું પણ વત્તા ઓછા અંશે આપણી આસપાસ જોઈએ છીએ, એ રીતે એક યા બીજા સ્વરૂપે માણસના જીવનમાં સાહિત્યની હાજરી હોય છે. આખરે તો માણસને સૌંદર્ય(aesthetics)નો સંસ્પર્શ જોઈએ છે. પછી એ લોકગીત, ભજન, કહેવત, ફિલ્મ અને એનું સંગીત, મુશાયરો, છાપામાં આવતી કોલમ કે નવલકથા અને ‘સરસ્વતીચન્દ્ર’ કે ‘પૂર્વાલાપ’ હોય, એનાં વાંચનમાંથી પણ માણસ પોતાની સમજણ અને રુચિ મુજબ એ મેળવી લે છે.

* તમારી શબ્દસાધનાને જીવન સાથે કેવી રીતે જોડો છો?

* આ સવાલનો જવાબ આપવા માટે મારે કેટલીક અંગત વાતો કહેવી પડશે, એને મારી કોઈ સિદ્ધિ તરીકે કે સ્વ-પ્રશંસા તરીકે ન જોતા, આ પ્રશ્નના જવાબમાં જોવા વિનંતી... તો, મારો જન્મ અને દસમા ધોરણ સુધીનો અભ્યાસ સૌરાષ્ટ્રના એક નાના ગામમાં થયા જ્યાં ખેતી સિવાયના કોઈ વ્યવસાયની તકો નહોતી. પિતાજી અમદાવાદની એક મિલમાં સામાન્ય કારીગર. દસમા પછી હું અમદાવાદ આવ્યો અને મિલ મજૂરોની વસાહતોમાં રહ્યો, ત્યાં પણ મિલમાં કામદાર તરીકે નોકરી મળે એ જીવનની મોટી સિદ્ધિ ગણાતી. વળી ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી નાણાકીય સગવડ આવાં કુટુંબોમાં ન હોય એ તો સ્વાભાવિક છે, પરંતુ હું વાંચતા શીખ્યો ત્યારથી સાહિત્ય મારી રોજિંદી જિંદગીમાં સતત વણાયેલું રહ્યું છે. મારા વડવાઓ જે જિંદગી જીવ્યા એનાથી પણ વધુ સારી આંતરિક ને બાહ્ય જિંદગી તેમ જ દુનિયા છે એ વાતનું સતત ભાન મને સાહિત્યના કારણે થયું. એવી જિંદગી જીવવા અને મેળવવા મેં પ્રયત્નો કર્યા જેમાં થોડાક અંશે તો થોડાક અંશે હું સફળ થયો. આ બધું મેં એકલા હાથે નથી કર્યું. મારાં નાના-નાની, માતા પિતા, મારાં શિક્ષકો અને મિત્રોના અડગ ટેકા સિવાય આ શક્ય ન જ થયુ હોત, પણ હું જ્યાં જન્મ્યો હતો અને જ્યાં પહોચ્યો છું એમાં સાહિત્ય મને દીવાદાંડીની જેમ સતત દોરતું રહ્યું છે એ મારા પૂરતું તો સત્ય છે જ...

* આજના સમાજમાં સાહિત્યની જીવંતતા ક્યાં જુઓ છો?
* આજના સમયમાં સાહિત્યની જીવંતતા મને મારી આસપાસ ખાસ દેખાતી નથી. માણસો આજકાલ ઓછું વાંચે છે, જેના કારણે એક બીજા પ્રત્યેની સહિષ્ણુતા ઘટતી જતી હોય એમ લાગે છે, પરંતુ માનવસંસ્કૃતિ અસ્તિત્વમાં આવી ત્યારથી કોઈ પણ સંવેદનશીલ મનુષ્યને ભૂતકાળ કરતાં વર્તમાન અને ભવિષ્ય હંમેશાં નિરાશાજનક જ લાગે છે. એ રીતે તટસ્થપણે વિચારતા મારી આ માન્યતા માણસમાં રહેલા એ સ્વાભાવિક દોષદર્શન જેવી જ લાગે છે. હવે પછીની દુનિયા આજના કરતાં ભૌતિક રીતે બહેતર હશે, પણ એમાં સાહિત્ય માણસને માણસ બનાવી રાખવામાં બળ પૂરું પાડશે એની મને ખાતરી નથી. પચાસ વરસ પહેલાં આપણી જિંદગીમાં સાહિત્ય જેટલું ચાલકબળ હતું એમાં ચોક્કસ ઘટાડો થયો છે. એ રીતે આપણા સમાજમાં સાહિત્યની જીવંતતા ઓછી થતી જતી હોય એમ લાગે છે.
(વાતચીતઃ સમીરા પત્રાવાલા)


જીવન અને સાહિત્ય: ધરતી હશે તો બીજ ઊગશેને... - વર્ષા અડાલજા

જેવી રીતે ધરતીમાં ઊંડેઊંડે પડેલા બીજને ખાતરપાણી મળતાં મોટું વૃક્ષ ઊગે છે, એ જ રીતે જીવન-સમાજમાંથી સાહિત્યકારને બીજરૂપ વાર્તા મળે છે. સાહિત્યનો જીવન સાથે સંબંધ અવિભાજ્યપણે જોડાયેલો છે. જીવનથી વિમુખ સાહિત્ય હોઈ ન શકે.
મેં પોતે તો આ અનુભવ્યું છે. સમાજના અંધારિયા ખૂણામાં મારા સર્જન દ્વારા હું એક નાનો દીવો પેટાવી શકું, એ તરફ સમાજનું ધ્યાન ખેંચી શકું, બસ એવા પ્રયાસ મેં સાહિત્યસર્જન દ્વારા કર્યા છે. એવો એક પ્રયાસ ‘આતશ’માં છે. વિયેતનામના યુદ્ધનો સિલસિલાબંધ ઈતિહાસ-સત્યઘટનાઓ વાંચી-અભ્યાસી-બધા દેશોનો એના પર અભિગમ તપાસી જઈ, પછી છેક યુદ્ધકથાનો સાર લીધો ને કથા આલેખી. મહાસત્તાઓ યુદ્ધની ઘોડાદોડ રમે છે પણ એમાં સામાન્ય માણસ પીડાય છે. જે અત્યારે પણ આપણે જોઈએ છીએ કે માન્યતા-યુદ્ધ બીજાના હોય પણ હત્યા નિર્દોષોની જ થાય છે. સિદ્ધાંતો બીજાના હોય, લડાઈ બીજાની હોય, પણ ભોગવવાનું હોય છે સામાન્ય માણસે. યુદ્ધની વ્યૂહરચનાઓ તો સદીઓથી થતી આવી છે, યુદ્ધશાસ્ત્રો રચાયાં છે, પણ શાંતિની વ્યૂહરચનાઓ નથી ઘડાઈ. યુદ્ધો ખેલાયા છે ને ખેલાઈ રહ્યા છે, પણ વિશ્વના દેશોએ એક સાથે કેવી રીતે રહેવું, સહજીવનમાં કેવી રીતે જીવવું એ શીખવે એવી વ્યૂહરચનાઓના શાસ્ત્ર નથી લખાયા. માનવીના તૂટેલા છિન્નભિન્ન સંબંધોનો પુલ સર્જકે એની સંવેદનશીલતાથી ફરી જોડી આપવાનો છે. માણસનું અસ્તિત્વ પથ્થર જેવું સઘન નથી, એમાં ચેતનાની તિરાડ છે.
‘ગાંઠ છૂટ્યાની વેળા’ માટે હું મધ્યપ્રદેશના આદિવાસીઓ વચ્ચે જઈને રહી, ત્યાંથી વાર્તાનું બીજ મેળવ્યું. એમાં સત્ય અને કલ્પનાનું મિશ્રણ કર્યું, વાર્તારસ જળવાઈ રહે એ રીતે મારી વાતને વાર્તાનો ઓપ આપી લોકો સામે મૂકી. મારે સમસ્યાને રજૂ કરવી છે, પણ એ દસ્તાવેજ કે હકીકતરૂપે ન થઈ શકે. એક વાર્તા તરીકે એની તરફ લોકોનું ધ્યાન જાય એ રીતે સમસ્યાને લખી શકાય. આપણે જે વાત કહેવી છે એ વાર્તાના રૂપે લોકો સુધી પહોંચાડવી રહી. (પહેલા કહ્યું એમ અંધારી દિશામાં નાનો દીવો થાય એ રીતે.)
‘ખરી પડેલો ટહૂકો’માં માનસિક રીતે અસ્થિર બાળકની વાત આવી. એ માટે હું પોતે હોસ્પિટલમાં કામ કરવા જતી. માતાઓને મળતી. પીડિત બાળકોની ફિઝિયોથેરપી જોતી. રોજેરોજ માતાઓ સાથે વાતો કરતી. એમની કથાવ્યથા સાંભળતી. એ બધાનાં આંસુઓમાં બોળીબોળીને આખી કથા લખાઈ છે. હકીકત એ છે કે આપણે પોતે નથી અનુભતા ત્યાં સુધી કોઈ પણ દુઃખનો ખયાલ આપણને આવતો નથી. એ દુઃખને સર્વસમભાવે વહેંચવા માટે, એ વ્યથાનો અનુભવ જોઈ-અનુભવી પછી જ લખવા લેવો પડે. ‘અણસાર’ નવલકથા લખવા માટે રક્તપિતના દર્દીઓ સાથે રહી હતી. એ લોકો સાથે તો હજી સંબંધ એવોને એવો છે ને એમના સંપર્કમાં પણ છું. એ કથાના પ્રસંગો-પાત્રો જીવનમાંથી સાચેસાચા આલેખેલા છે. જેલજીવન વિશે ‘બંદીવાન’ લખી, જેલજીવનની ઘટનાઓ નોંધી, સુપ્રિટન્ડેન્ટના જીવનની વાત વગેરે દ્વારા જેલની દીવાલોની ભીતર ડોકિયું કરવાનો એ પ્રયાસ રહ્યો. તાજેતરમાં ‘ક્રોસરોડ’ પ્રકાશિત થઈ. 1922થી 1975 સુધીનો લાંબો સમયગાળો લેતી એ મારી લેટેસ્ટ કૃતિ છે. સશસ્ત્ર ક્રાન્તિવીરોએ પણ સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ ભજવ્યો હતો, એમણે પણ શહીદી વહોરી હતી, બલિદાનો આપ્યાં હતાં, મારે એ વાત વણવી હતી, મારા પોતાના અનુભવો મૂકવા હતા, પણ એ પહેલાં આખા ઈતિહાસને દૂર રહી તટસ્થભાવે જોઈ, વાંચી, અભ્યાસી, લાંબા સમય પછી એક નાના પરિવારનું નિમિત્ત લઈ કથા આરંભી. એમાં સ્વતંત્રતા પહેલાં-પછીનું વાતાવરણ લીધું, ત્યારબાદ રાજકારણમાં-દેશમાં-સમાજમાં બનેલી ઘટનાઓની પૃષ્ઠભૂમિ પણ જાળવી, પણ મૂળ વાત ફરીફરી જે પરિવારની કથા કરવાની છે એના પર પાછી લાવી દેવી પડે, કારણ કે આપણી કથાએ સમયના અનુબંધમાં જીવવાનું છે, ત્યાં વેક્યુમમાં નથી જીવવાનું, આ માટે મેં 1922થી 1975 સુધીની ઘટનાઓનો ચાર્ટ બનાવી રાખ્યો હતો. મારી કથાના પરિવારની ઘટનાઓ વખતે જે-તે સમયની રાજકીય-સામાજિક પરિસ્થિતિ, વિચારધારાઓ કેવી હતી એ પ્રમાણે કથા આગળ ચલાવવી પડે, એ માટે એના પણ જુદા જુદા ચાર્ટ બનાવ્યા હતા, કારણ કે આખા સમયનું દસ્તાવેજીકરણ થઈ શકે. મને પોતાને જીવનમાંથી સાંપડેલી નાનીનાની મહત્વની વાતો પણ એમાં વણી લેવી હતી. જેમ કે કથામાં એક ગૌરમહારાજનું પાત્ર છે, જે સર્પદંશ પછી મૃત્યુપથારીએ પડ્યા છે, ઝેર ચડતું જાય છે, છતાં એમના હોઠ ફફડ્યા કરે છે. એ ગૌર સાથે એક ભાઈ હોય તે કહે છેઃ ‘ગૌરમહારાજે યજમાન પાસેથી રુદ્રી પાઠ કરવાના ચાર આના લઈ લીધા છે એટલે એ જ્યાં સુધી છેલ્લો રુદ્રી પાઠ પૂરો નહીં કરે ત્યાં સુધી એમનો જીવ નહીં છૂટે. એ ઋણ લઈને ઉપર નહીં જાય.’ આ જીવંત પાત્ર છે, મારા નજીકના સંબંધીમાંથી મળેલું. જીવનની આવી અદભુત વાત સાહિત્યમાં આ રીતે ડોક્યુમેન્ટ થઈ જાય છે. આ કથા ઈતિહાસની સાચી ઘટનાઓ-તથ્યોના આધારે ઘડાઈ છે. કથાનાં પાત્રોની જીવનઘટનાઓ પાછળની ઐતિહાસિક વિગતો પૂરેપૂરી તપાસીને લખી. કથાના ઘડતર માટે ખૂબ ફરી પણ ખરી. કલકતામાં ગઈ હતી. ત્યાં બડા બજારની ગીચ વસ્તીમાં કયા મકાનમાં મારો નાયક વિષ્ણુ છૂપાઈ શકે એ શોધતી હતી. ત્યાં નાનાકડા દાદરા દેખાયા, એ ચડીને ઉપર ગઈ, આગળ નાનકડી અગાસીએ પહોંચી, ઉપર કોથળા પડેલા હતા અને એ જોતાની ક્ષણે જ મને થયું કે મારો વિષ્ણુ છૂપાય તો અહીં જ છૂપાય...! કલકતામાં જ જૂનાં પુસ્તકો-સામયિકોના થોપલામાંથી કલકતાની ગુજરાતી સ્ત્રીઓએ સશસ્ત્રક્રાન્તિમાં નોંધાવેલા ફાળા વિશેનો એક અમૂલ્ય લેખ મળી આવ્યો. અમૃતસર તો અઠવાડિયું રહી. અમૃતસર મંદિરમાં ક્રાન્તિવીરોની તસવીરો છે, ત્યાં જલિયાંનવાલા બાગમાં જાણે હજી ઈતિહાસ જીવંત છે. મદનલાલ ધીંગરાની પ્રતિમા પાસે ઊભી રહીને રોમાંચિત થઈ જવાયું હતું. મદનલાલના વ્યક્તિત્વની તેજસ્વીતા જાણે હજી સ્પર્શતી હતી. મદનલાલે અંગ્રેજની કત્લ કરેલી અને એને ફાંસી થઈ ત્યારે ચર્ચિલે પણ બ્રિટિશ સંસદમાં એની બહાદૂરીને વખાણી હતી. અમૃતસરમાં સુભાષબાબુની સુંદર પ્રતિમા પણ ખરી. વાઘા બોર્ડરની મુલાકાત લીધી. અમૃતસરનું અઠવાડિયું સમયપ્રવેશનું હતું. સમયપ્રવેશ થયા પછી જ કથાપ્રવેશ કરી શકાય. જે-તે સમયની કથામાં પ્રવેશવા માટે પહેલા એના સમયમાં તો પ્રવેશવું જ પડેને...
આમાં જુઓ, જીવન અને સાહિત્ય તો નિઃશંકપણે જોડાયેલાં જ છેને...
આપણે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે સાહિત્ય શૂન્યાવકાશમાં તો ન સર્જી શકાય. સાહિત્ય એટલે સહિત, જે સાથે ચાલે છે એ સાહિત્ય, જે જીવનને સાથે લઈ ચાલે છે તે સાહિત્ય છે. જીવન અને સાહિત્યનો અનુબંધ બહુ દ્રઢ છે. ધરતીમાં બીજ હોય તો જ વૃક્ષ ઊગેને. મૂળ વાત જ એ છે. વાર્તામાં જીવન હોવું જોઈએ. સત્યનું બીજ હોવું જોઈએ. એ સત્યનું બીજ જીવનની ધરતીમાં રોપાયેલું હોવું જોઈએ. પછી એને ખાતર-પાણી-તેજ-જળ-વાયુ મળશે તો સાહિત્યકૃતિનું વૃક્ષ પાંગરશે જ. સાથે એ વાત પણ નોંધવી કે એનાં મૂળ જે ધરતીનાં છે, એ મૂળ પકડી રાખીએ તો કૃતિઓ પણ જીવંત રહેશે. સમયને ઓળંગી જશે. પચાસ-સો વર્ષ જૂની કૃતિઓ પણ આપણને આજે ગમે છે, એ શું કામ? એ આઉડડેટેડ નથી લાગતી, કારણ કે જીવન ક્યારેય આઉટડેટેડ છે જ નહીં. જીવન આઉટડેટેડ કેવી રીતે થાય? એ તો હંમેશાં પ્રસ્તુત જ રહેવાનું, જીવન તો જીવંત જ રહેવાનું છે, માટે એની સાથે જોડાયેલું સાહિત્ય પણ જીવંત રહેશે...