હા, ચૂંથીચવાયેલી માતૃભાષામાં શિક્ષણની વાત જ ફરી કરવી છે.
કદાચ આ તમે એકલાખમી વાર વાંચતા હશો ને હજારટકાના વિશ્વાસ સાથે મનોમન માનતા હશો છતાં ફરી કહેવું છે કે માતૃભાષા એટલે એ ભાષા, જે ભાષા ગર્ભમાંથી જ સાંભળતાં સાંભળતાં બાળક વિકાસ પામે છે. મહાભારતમાં શ્રી કૃષ્ણે અભિમન્યુને ગર્ભમાં જ યુદ્ધના કોઠાઓ શીખવ્યા હતા એ જાણીતી વાત છે. શ્રી શુકદેવજીનો પણ એવો જ દાખલો છે. માના ગર્ભમાંનું બાળક માત્ર સાંભળી જ નહિ, સમજી પણ શકે છે, એ વાતની પુષ્ટિ આજના મનોવિજ્ઞાનીઓએ-વૈજ્ઞાનિકોએ પણ કરી છે. આ રીતે, બાળકને માતૃભાષામાં કહેલી, શીખવેલી કે સમજાવેલી વાત એના મગજમાં સરળતાથી ઉતરી જાય છે. માતૃભાષા એવી ભાષા છે જે બાળક ખૂબ જ સાહજિક રીતે અને રમત રમતમાં પોતાના ઘરમાંથી કે મિત્રવર્તુળમાંથી લગભગ ઓછા કે ન જેવા પ્રયત્ને, અભાનપણે જ પ્રાપ્ત કરી લે છે. આ માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરવું, એ બાળક માટે ખૂબ જ અગત્યનું છે; કારણકે વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ, જ્ઞાન, અભિવ્યક્તિ ક્ષમતા, સર્જનાત્મક કે ફળદાયક ક્ષમતા- આ બધાની કૂંપળો માતૃભાષામાંથી જ ફૂટે છે. આથી માતૃભાષાને શાળાના અભ્યાસક્રમમાં મહત્વનું આગવું સ્થાન આપવું અને મળવું જોઈએ.
એ માટે આપણે કેટલાંક મહત્વનાં કારણો સમજીએ.
માતૃભાષા એ સંદેશાવ્યવહાર કે પોતાનાવિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાનું ઉત્તમ અને સમર્થ માધ્યમ છે. માણસની, ખાસ કરીને માતૃભાષા બોલવાવાળાની, પોતાના સામાજિક વર્તુળ કે સંગઠનની રચના સહજ રીતે થઈ જાય છે. વળી,જે તે વિષયમાં તેની પૂરેપૂરી નિપુણતા, પારંગતતા કે તજજ્ઞતા પણ માતૃભાષા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે.
જ્ઞાનપ્રાપ્તિ માટે વિચારતંત્ર અત્યંત જરૂરી છે. વિચાર કરવા માટે ભાષા પણ એટલી જ આવશ્યક છે. પી. બી. બેલાર્ડે કહ્યું છે કે ‘માતૃભાષામાં કેળવણી એટલે એ ભાષામાં કેળવણી જે ભાષામાં બાળક વિચારે છે અને સ્વપ્નાં પણ સેવે છે. છીછરાપણામાંથી સુંદરતમ માનવ સંસ્કૃતિ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન એટલે માતૃભાષા.’
ભાષા વગર બુદ્ધિનો શ્રેષ્ઠતમ વિકાસ પણ અશક્ય છે. વાંચન, અભિવ્યક્તિ, જ્ઞાન સંપાદન કરવું, બૌદ્ધિક દલીલો કરવી, એ બધા બુદ્ધિવિકાસના માધ્યમો છે. આ બધું ભાષાથી જ, ખાસ કરીને માતૃભાષા દ્વારા જ ઉત્તમ રીતે શક્ય બને છે. આથી, આપણા વિદ્યાર્થીઓની વિદ્યાપ્રાપ્તિનો પાયો મજબૂત, મક્કમ અને અડગ કરવા માતૃભાષામાં શિક્ષણ અત્યંત આવશ્યક છે.
વળી, આમ તો આપણે સંદેશાવ્યવહાર કે માહિતીની આપ-લે તો કોઈ પણ ભાષામાં કરી શકીએ છીએ; છતાં પણ સર્જનાત્મક અભિવ્યક્તિ તો માતૃભાષામાં જ શ્રેષ્ઠ રીતે શક્ય બને છે. આથી જ જગતના મહાવિદ્વાન લેખકોએ ઉત્કૃષ્ટ અને અદ્ભુત સાહિત્યનું સર્જન પોતાની સ્વભાષામાં જ કર્યું છે, જેનું અનુમોદન આપણે પછીથી કરીશું.
આ વાત પછી આપણને એ વિચાર આવે કે શું અંગ્રેજી કે ઈતર ભાષામાં કંઈ ન શીખી કે સમજી શકાય? જરૂરથી શીખી, સમજી શકાય. પણ, એને માટે નાજુક મગજ પરિપક્વ થવું જોઈએ. બાળકની સમજણ, સ્મરણ, ગ્રહણ અને યાદશક્તિ ઘણી જ કુશાગ્ર હોય છે. એનો સંપૂર્ણ ઉપયોગ કરવા, બાળકનું મગજ પરિપકવ થાય ત્યાં સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવું આવશ્યક છે. બાળક ૧૦-૧૨ વર્ષનું થાય ત્યારે લગભગ આ બધી શક્તિઓ પરિપક્વ થાય છે. આ ઉંમરે એ ઘણુંખરું ચોથા થી સાતમા ધોરણ સુધી પહોંચી જાય છે. આના પછી એને અંગ્રેજી કે અન્ય ભાષામાં વિગતે વ્યાકરણ સહિત શિક્ષણ આપવું યોગ્ય ગણાશે. બહુભાષી શિક્ષણમાં ખાસ ઉલ્લેખનીય એ છે કે ‘પહેલી ભાષામાં પહેલું શિક્ષણ’ એટલે, શરૂઆત માતૃભાષાથી કરવી ને પછી બીજી ભાષાઓ શીખવી. બહુભાષી શિક્ષણના બહોળા સ્વીકાર માટે ‘યુનેસ્કો’એ ચાર તબક્કા સૂચવ્યા છે. ૧. બાળકને શિક્ષણ સંપૂર્ણપણે એની સ્વભાષામાં આપવું. ૨. માતૃભાષા પર અસ્ખલિત કાબૂ આવે પછી બીજી ભાષાનો પરિચય કરાવી, બોલવાની તથા વાતચીતની શરૂઆત કરાવવી. ૩. બીજીભાષા પર પણ પહેલા જણાવ્યા મુજબ સંપૂર્ણપણે કાબૂ આવે પછી સાહિત્યનો પરિચય તથા અભ્યાસ કરાવવો. ૪. આ પછી જિંદગીભર તમે એનો અભ્યાસ તથા ઉપયોગ કરો. આવી રીતે જેટલી ભાષાઓ શીખવી હોય તેટલી શીખાય.
આ કોઈ નવી પ્રથા નથી. અગાઉ આ પ્રથા પ્રચલિત હતી. એ પ્રથાથી એ જમાનામાં પણ આપણે ત્યાં ઘણાં રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રિય સ્તરે ઉચ્ચ કોટિના વિદ્વાનો થઈ ગયા છે. ભારતમાં જુદા જુદા વિસ્તારના લોકોની માતૃભાષા અલગ અલગ હોય છે. આમાં કેટલાક લોકોને પોતાની માતૃભાષા પ્રત્યે ઉત્કટ ભાવના અને ગૌરવ હોય છે, તો કેટલાકને ઓછી અથવા નહીંવત્ હોય છે. આપણે ત્યાં ઘણો મોટો વર્ગ એવો છે જે દેખાદેખીથી પોતાનું બાળક પાછળ ન રહી જાય અથવા એ આધુનિક કહેવાય માટે માતૃભાષાને બદલે અંગ્રેજીમાં શીખવવાનો આગ્રહ રાખે છે. ઉપર જણાવ્યા પ્રમાણે, તેની કુદરતી શક્તિનો લાભ આપણે ઝૂંટવી લઈએ છીએ. આમ કરવાથી, આપણી સંસ્કૃતિ જેના પર આપણે ઉન્નત મસ્તક રાખી ગૌરવ કરવું જોઈએ, તેનાથી તેને વંચિત રાખીએ છીએ. જે મનુષ્ય પોતાની સંસ્કૃતિને, ગૌરવને સન્માન નથી આપી શકતો, તેનું પોતાનું, કે પોતાના કુટુંબ અને સમાજનું આગવું વ્યક્તિત્ત્વ શું રહે?
જો આપણે દુનિયાના ઈતિહાસમાં નજર નાખીશું તો ખ્યાલ આવશે કે દુનિયામાં જેટલા મહાન સાહિત્યકારો, લેખકો, કવિઓ, વક્તાઓ, કથાકારો વગેરે છે ને થઈ ગયા છે, તેઓએ તેમની મહાન રચનાઓ પોતાની માતૃભાષામાં જ આપી છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે “રવીન્દ્રનાથ ટાગોરનું ચમત્કારી બંગાળી તેમના અંગ્રેજીને આભારી નથી. તેમની ચમત્કૃતિ તેમના સ્વભાષાભિમાનમાં છે.” ગીતાંજલી પ્રથમ બંગભાષામાં લખાઈ હતી. મહાત્મા મુનશીરામજી જ્યારે હિન્દીમાં પોતાનું વ્યાખ્યાન આપે છે, ત્યારે તે સૌ ખુશીથી સાંભળે છે ને સમજે છે. શ્રીયુત મદનમોહન માલવીયાનું અંગ્રેજી ચાંદી જેવું ઝળકી ઊઠે છે એમ કહેવાય છે, પણ તેમનું હિન્દી ગંગાના પ્રવાહ જેવું છે અને તેમના હિન્દી વ્યાખ્યાનનો પ્રવાહ શુદ્ધ કાંચન સમો ચળકે છે. બળબળતા મધ્યકાળમાં આપણે ત્યાં નરસિંહ, કબીર, દયારામ, તુકારામ, તુલસીદાસ, રામદાસ, પ્રેમાનંદ, શામળ ને દલપતરામ જેવા કવિઓ પોતિકી ભાષાના સાહિત્ય દ્વારા જે સામાજિક ચેતના પ્રકટાવી છે એનો વિકલ્પ શોધવા કઈ ભાષા પાસે જશું? આ ઉપરથી જણાય છે કે માતૃભાષાના વિકાસ માટે અંગ્રેજી ભાષાના જ્ઞાન કરતાં માતૃભાષા પરના પ્રેમની – આપણી ભાષાસંસ્કૃતિ પર આપણે શ્રદ્ધા રાખવાની જરૂર છે, પણ એ આપણે રાખી નથી શકતા, બરાબર?
- મુંબઈ ગુજરાતી સંગઠન
કેળવણી? એ વળી શું?
આજે આપણે બધા હૈયાવરાળ કાઢતા હોઈએ છીએ કે જુઓ તો આપણો સમાજ કેવો થઈ ગયો છે? બધે પૈસાની બોલબાલા છે, સંસ્કાર નામની કોઈ ચીજ જ નથી રહી; માન, સન્માન, લજ્જા, શરમ શેનીય કોઈને પરવા નથી. ખોટાં કાર્યો, જૂઠ્ઠું બોલવું, ચોરી, લૂંટફાટ, વ્યભિચાર, બળાત્કાર, આ બધું વધતું જ જાય છે. છાપાંઓ ભરી ભરીને આ જ બધું આવે છે, ખરેખર કળિયુગ આવી ગયો છે. બધા પોતાનામાં જ મસ્ત છે સમાજ કે દેશની કોઈને પડી નથી. આ થવાનું કારણ ખરેખર તો આપણી ખામીયુક્ત શિક્ષણ વ્યવસ્થા છે. કહેવાય છે ને કે કૂવામાં હોય તો જ હવાડામાં આવે! અને આપણા સંસ્કાર ઘડતરના પાયામાં જ દુષણો રહેલાં છે.
"આપણી શિક્ષણ વ્યવસ્થાએ આપણને બૌદ્ધિક ગુલામીમાંથી હજુ મુક્ત નથી કર્યાં. સારાં ભવિષ્યના નિર્માણ માટે નાનપણથી જ જે વાતાવરણ, જે કેળવણી બાળકને મળવી જોઈએ તેને બદલે બાળકના શિક્ષણની શરૂઆત ડોનેશન આપીને થાય છે. શિક્ષણના વ્યવસાયીકરણની સાથોસાથ, બાળકોમાં મૂલ્યોનો હ્રાસ થતો જાય છે. બાળક મૂલ્યોને બદલે પૈસાને વધારે મહત્વ અપાતું જુએ છે અને એ જ શીખે છે અને ધીમે ધીમે પોતાની જ સંસ્કૃતિનાં મૂળિયાંથી છૂટું પડતું જાય છે. ગમે તેમ કરીને સારા માર્ક્સ મેળવવાની દોડમાં બાળક ખોટા રસ્તે ફંટાઈ જાય છે અને સારા-નરસાંનો વિવેક ભૂલી જાય છે.
આપણને જો સારો સમાજ જોઈતો હોય તો સારી કેળવણીની જરૂર છે કે જેના વડે ચારિત્રનું ઘડતર થાય, મનની વિચારવાની શક્તિમાં વધારો થાય, બુદ્ધિનો વિકાસ થાય, સ્વ નિર્ભર બનતાં શીખીએ. કેળવણીનો ખરો ઉદ્દેશ્ય મનુષ્યને ખરા મનુષ્ય બનાવવાનો જ હોવો જોઈએ, નહીં કે આર્થિક ઊડાન અને પરદેશગમનનાં સપનાં દેખાડી માનસિક અધઃપતનનો.
આજના સમયમાં સાચી કેળવણી એક લડત છે, જો આ લડતમાં શિક્ષકો પોતાનું મનોબળ તોડી નાખશે તો આ કેળવણી ‘એક પૈડાના રથ’ જેવી થઈ જશે. અજ્ઞાન સામે, અન્યાય સામે, અનાચાર સામે પ્રખર યુદ્ધ કરવું જ પડશે। હાલના સમાજનાં દૂષણોને દૂર કરવા, એ કપરું કાર્ય છે, તેને માટે ખૂબ ધીરજ જરૂરી છે. આ ધીરજ શિક્ષકો પાસે છે. તેઓ હોંશિયાર, નબળા, શાંત, તોફાની - બધા જ પ્રકારના વિદ્યાર્થીઓને - તેઓની જરૂરિયાત પ્રમાણે સાંભળતા, સમજાવતા ,સાચવતા હોય છે. આ શિક્ષકો જ સમાજનું નિર્માણ કરે છે. બાળકમાં ચરિત્રનું નિર્માણ કરવું, તેનામાં નીડરતા, પરોપકાર, નિરાભિમાન અને સર્જનશીલતા ખીલાવવાં એ જ શિક્ષકનું ધ્યેય છે. આ માટે આપણી કેળવણી બાળકને સારો માનવ બને એ લક્ષમાં રાખીને બનાવવી જોઈએ.
અભ્યાસક્રમ એ રીતનો બનવો જોઈએ કે સમાજની બદલાતી જરૂરિયાતોને એ સંતોષે, રોજીરોટી માટે એ જ્ઞાન પૂરું પાડે અને આવડતની સાથે નૈતિક મૂલ્યો પણ આપે, એને બદલે આજના શિક્ષણમાં વધારે ગુણ મળે તેની પાછળની દોટ, અથવા જેમાં પૈસા વધારે ચૂકવવાના હોય તે સારું એ માનસિકતા જોવા મળે છે. વિદેશી ભાષામાં વધારે ગુણ મળે છે, પૈસા વધારે મળશે એવી લાલચ દેખાય તો આપણે માતૃભાષાને પણ જાકારો આપી દઈએ છીએ. શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે, જેમાં ઘણા ખરા પૈસાના જોરે, ભવિષ્યના સમાજની પરવા ન કરવાવાળા ઘુસી ગયા છે. અને તેઓએ આજનું શિક્ષણ મૂલ્યરહિત અને પૈસાલક્ષી બનાવી દીધું છે.મસમોટી મોટી ફી ભરે, ટ્યુશનમાં જાય, 90/95 ટકા લાવે એ હોશિયાર. વિદેશી ભાષામાં પરાયા વિચારોને ગોખીને ત્રણ કલાકમાં તેની ઉલ્ટી કરી નાખવી એજ આજનું ભણતર એમજ ને... તો શિક્ષાની ઉપલબ્ધિ ક્યાં લાંબી ટકી , આ તો બધું ઉપરછલ્લુંજ ને...
જેમ ન્યાયખાતા પર રાજ્યકર્તાઓનો અંકુશ ઓછામાં ઓછો
હોય, તો ન્યાયખાતું વધારે સારું અને પારદર્શક રહી શકે તેમ, આપણી બગડેલી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા,આપણી કેળવણીની નીતિ ઘડનારા પણ રાજકીય નિયંત્રણથી પર
હોવા જોઈએ અને તેઓ સામાજિક દુષણો, તેના કારણો, અને તે માટેના ઉપાયોથી પરિચિત હોવા જોઈએ. તો જ તેઓ સમયાનુસાર લાંબાગાળાની એવી નીતિ બનાવી શકે જેથી
ધીરે ધીરે સમાજમાં પરિવર્તન લાવી શકાય, સારા સાચાં મૂલ્યો પાછાં પ્રસ્થાપિત કરી શકાય।
છેલ્લાં કેટલાય વર્ષોથી આપણી કેળવણીમાં જીવનમૂલ્યોની ફક્ત વાતો જ થઈ છે; પણ તે ખરા અર્થમાં અસ્તિત્વમાં નથી આવી, તેથી જ કેળવણી પાછળ પૈસાનો અને બાળકોના બાળપણનો મોટો ભોગ અપાય છતાંય સમાજ સાચી કેળવણી શું છે એમાં રસ લેતો નથી થયો. કાકા કાલેલકરના શબ્દોમાં કહીએ તો "આપણી પ્રજા એ સમજવું જોઈએ કે જ્યાં
ધર્મસુધારા સફળ નથી થતા, જ્યાં સ્મૃતિઓ કામ નથી કરતી, જ્યાં ઔદ્યોગિક હિલચાલ પંગુ નીવડે છે, જ્યાં સામાજિક સુધારા નિષ્પ્રાણ છે અને જ્યાં રાજદ્વારી હિલચાલ પણ થાકી જાય છે ત્યાં આખરે કેળવણી જ મદદગાર પૂરવાર થાય છે.
કેળવણી જ સમાજને સાવધ કરી સાચી દિશા દેખાડી શકે છે.
આપણે આપણા સમાજને બચાવવું હશે તો જીવનમૂલ્યોનું જતન થાય એવી કેળવણી પર જોર દેવું પડશે,જેની પગદંડી આપણા બાળકોથી શરૂ કરીએ, કારણકે બાળકોજ
આપણું સાચું ભવિષ્ય છે, આપણો ભવિષ્યનો સમાજ છે. માટે બાળકોને કેળવશું તો આપોઆપ પરિવાર સમાજ અને દેશ કેળવાશે।
સમાજની મોટામાં મોટી સંપત્તિ બાળકો છે, બાળકોના સર્વાંગી વિકાસ માટે જીવનમૂલ્યો એ જ સાચું પોષણ છે.બાળકનો સર્વાંગી વિકાસ એટલે ... જો તેના અંતરમાં દેશનો
આદર્શ નાગરિક બનીને પોતે સુખી અને બીજાને સુખી કરવાનો ઉમંગ જાગી જાય તો તે જ બાળકનો સર્વાંગી વિકાસ કહેવાય. માટે સારી કેળવણી એ બાળકના સર્વાંગી વિકાસલક્ષી હોવી જોઈએ જે માતૃભાષામાં શ્રેષ્ઠ રીતે આપી શકાય.
- મુંબઈ ગુજરાતી સંગઠન
શિક્ષણઅધિકારની જેમ માતૃભાષામાં શિક્ષણનો અધિકાર પણ જરૂરી
સરકારે RTEનો કાયદો લાવીને દરેકેદરેક બાળકને ભણવાનો અધિકાર આપ્યો છે. એવી જ રીતે, દરેકેદરેક બાળકને તેની માતૃભાષા શીખવાનો અને માતૃભાષાના જ માધ્યમ દ્વારા ભણવાનો અધિકાર છે એ વાતની ગંભીરતા સ્વીકારવાનો સમય પાકી ગયો છે. આજે શિક્ષકદિન નિમિત્તે એ વાત સમાજ સામે ફરી સ્પષ્ટતાથી મૂકવી જરૂરી છે કે માતૃભાષાના માધ્યમથી શિક્ષણ એ માત્ર ભાષાપ્રેમીઓનો આગ્રહ નહીં, પણ સંસ્કૃતિને ટકાવી રાખવા માટેનું બુનિયાદી પગલું છે.
પાંચ સપ્ટેમ્બર, જેના જન્મદિન નિમિત્તે શિક્ષકદિન ઉજવાય છે એ આપણા વિદ્વાન વિચારક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને કહ્યું હતું કે, ‘આખી શિક્ષણ પ્રક્રિયાનું અંતિમ પરિણામ એક સ્વતંત્ર સર્જનાત્મક વ્યક્તિ હોવી જોઈએ, જે ઐતિહાસિક સંજોગો સામે સંઘર્ષ કરી શકે.’ શું આજની આપણી શિક્ષણ-પ્રક્રિયા આવાં શિક્ષિત વ્યક્તિઓનું નિર્માણ કરી રહી છે? સ્વીડનની જેમ બહારના બીજા ઘણા દેશોમાં માતૃભાષામાં બાળકને ભણાવવા માટે ત્યાંની સરકાર ખૂબ જ સારા પ્રયત્નો કરે છે. બાળક ભલે તે દેશનું ન હોય છતાં પણ બાળકની જે માતૃભાષા હોય તેના શિક્ષકોની વ્યવસ્થા કરીને પણ સરકાર બાળકને તે માતૃભાષા શીખવવાનો આગ્રહ રાખે છે.
અહીં મુંબઈમાં પણ જમનાબાઈ નરસી શાળાના ટ્રસ્ટીગણ શાળામાં પ્રવેશ પહેલાં વાલીઓને માતૃભાષા લેવાનો આગ્રહ કરી, સમજણ આપે છે અને મક્કમતાથી તેને વળગી રહે છે. આવી જ રીતે, જો દરેક શાળાના સંચાલકો મક્કમતાથી એક નિર્ણય લે કે દરેક બાળકે માતૃભાષા તો શીખવી જ જોઈએ, તો તેનાં ખૂબ સારાં પરિણામ આવનારા સમયમાં સમાજને મળી શકે છે.
ગાડરિયા પ્રવાહમાં વહેતાં વાલીઓ કદાચ તે માટે એકલપંડે હિંમત ન કરે પણ જ્યારે સરકાર તરફથી જ માતૃભાષા શિક્ષણને મૌલિક અધિકારમાં આવરીને એક પહેલ કરવામાં આવે તો, અંદરખાને બાળકને માતૃભાષાથી વંચિત કરીને પ્રવાહમાં વહી જનારા વાલીઓને એક રાહત મળશે કે બાળક માતૃભાષાથી વંચિત નથી રહી ગયું.
દેશ આઝાદ થયાના સાત દાયકા વીતી ગયા હોવા છતાં આપણા દેશની જે કાયાપલટ થવી જોઈએ તેવી થઈ નથી, તેના મૂળમાં આપણી માનસિકતા કારણભૂત છે. સ્વતંત્ર થવાનો મતલબ આપણે ફક્ત અંગ્રેજોની સત્તાને ફગાવી દેવા પૂરતો જ કર્યો; અંગ્રજોની સત્તાને ફગાવવાની સાથે આપણે આપણી સંસ્કૃતિનો વારસો જાળવી રાખવાની જહેમત નથી ઊઠાવી. આપણે તો સવાયા અંગ્રેજ થઈને આપણી સંસ્કૃતિ, સંસ્કારોથી આપણી નવી પેઢીને દૂર લઈ જવાનું કાર્ય કરીએ છીએ અને તેને પાછું શિસ્તપાલન, એટિકેટ, આધુનિકતા જેવા સુંવાળાં નામે છાવરીએ પણ છીએ. આજે લોકોના મનોમગજ પર પોતિકી સંસ્કૃતિ, સંસ્કારોથી જેટલા દૂર એટલા સમજદાર-ભદ્ર લોકોનાં ટોળાની નજીક હોવાની માનસિકતા ઘર કરી ગઈ છે. અંગ્રજો ગયા અને અંગ્રેજી મૂકતાં ગયાં, આની સાથે બીજું ઘણું બધું છે જે આપણે અપનાવી લીધું છે, જે અંગ્રેજોની ખોટ લાગવા દેતું નથી.
આપણી જ શાળાઓમાં આપણાં જ તહેવારો ઉજવવાની મનાઈ.. કેવું કહેવાય ને??! એક શાળાનાં મુખ્ય શિક્ષિકાએ ફતવો બહાર પાડ્યો કે શાળામાં કોઈ પણ વિદ્યાર્થી રાખડી પહેરીને આવશે નહીં અને જો રાખડી પહેરીને આવ્યા તો શાળામાં જ કાઢી નખાવવામાં આવશે. કેવી નવાઈની વાત છે કે ‘ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર:’ના સંસ્કાર આપવાને બદલે કે જ્યાં બાળકોને સંબંધોનું મહત્ત્વ, તેનું સ્થાન શું છે એ સમજણ આપવાની હોય; ત્યાં રાખડીને ફક્ત એક જ દિવસનાં બંધનના દોરા તરીકે બાળમાનસમાં ઠસાવવામાં આવે છે.
આપણી સંસ્કૃતિ તો સહાય, માન, સન્માન, પ્રેમ, આદર આપવાની છે અને તે પણ જીવનપર્યંત. પણ આજકાલનાં કોન્વેન્ટિયા માનસવાળા જેઓ Father’s day, mother’s day, friendship day ને એક દિવસનાં ઉમળકામાં બાંધી દેવામાં માને છે, તે કેવી રીતે સાંખી લેવાય? પણ કહેવાતા સારું શિક્ષણ દેવાની લોલુપતામાં આપણા વાલીઓ આ બધું જ મનમાં બળાપા કાઢી, ચૂપચાપ સહન કરે છે અને નવી પેઢીને સંબંધોનાં ખરાં મહત્ત્વનું સમજાવતા અજાણતાં જ રોકે છે. નવી પેઢીએ રક્ષાંબંધનને પણ friendship dayની જેમ એક દિવસનો બનાવી દીધો છે. ત્યોહારની યાદીમાંથી રક્ષાબંધન બાકાત અને રાખડી પણfriendship bandની જેમ એક દિવસ પૂરતી..!! કેવી રીતે નવી પેઢી બહેનભાઈનાં સંબંધને, વહાલને, બહેનની રક્ષા કરવાની ફરજને સમજશે? તેઓને માટે તો રાખડી પણ એક friendship bandની જેમ ઔપચારિકતા બની જશે અને આ બધાં માટે જવાબદાર આપણે સૌ કહેવાતાં સ્વતંત્ર ભારતનાં નાગરિકો જ હોઈશું. આવી જ માનસિકતા આપણને ઘણી શાળાઓમાં મંહેદી માટે, ચાંદલા માટે, રક્ષાપોટલી માટે, જનોઈ કે કંઠી માટે જોવા મળે છે. ફી વધારા માટે એક થઈને વિરોધ કરનારાઓ, ક્યારેય આપણાં બાળકોને સંસ્કૃતિથી દૂર લઈ જનારા આ નિર્ણયો સામે એકજૂથ થઈને ઊભાં થયાં છેં? નહીં જ ને?આ જ માનસિકતા આપણું ભાવિ નક્કી કરશે. આપણને સ્વતંત્રતા મળવા છતાંયે સંસ્કારો,સંસ્કૃતિથી દૂર થતાં જઈએ તો ભાવિ સમાજના દુષણો ભોગવવા તૈયાર રહેવું પડશે અને ન ભોગવવા હોય તો શાળાથી જ શરૂઆત કરવી પડશે, જ્યાં નવી પેઢી ઘડાય છે.
સ્વતંત્ર થયાનાં આટલાં વર્ષો પછી પણ આપણે હજુ શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર લાવી શક્યાં નથી. દેશની રાજનીતિએ પોતપોતાનાં સ્વાર્થ ખાતર ઈતિહાસને મારી મચડીને પુસ્તકો રજૂ કર્યાં. આખા દેશમાં પણ શિક્ષણક્ષેત્રે ૭૦ વર્ષ પછી પણ આપણે સમાનતા ન લાવી શક્યાં તો આપણે અંગ્રજોનાં શાસન હેઠળ જ સારાં હતાં એમ કહી શકાય. આપણાં જ સંચાલકો, પોતાનાં નિજી આર્થિક સ્વાર્થ ખાતર, minority શાળાની ચાદર ઓઢી,માતૃભાષાની શાળાને ફક્ત સરકારી ચોપડે ચાલુ રાખવા પૂરતી રાખે અને પોતાનો બધો જ વહીવટ મલાઈદાર વિવિધ પ્રકારનાં બોર્ડની માટે વાપરે તો એ કઈ માનસિકતા કહેવાય? minorityના નામ હેઠળ મળતાં બધાં જ ફાયદાઓનો માતૃભાષા સિવાયનાં માધ્યમ માટે મેળવવા અને ઉપયોગ કરવાનો – એ નરી સ્વાર્થવૃત્તિ નહીં તો શું કહેવાય?આપણે છાતી ખોલીને વહીવટ પણ નથી કરતાં, તે પણ આપણી સંસ્કૃતિનાં નામ હેઠળ જ કરીએ તેનાથી મોટી માનસિક ગુલામી કઈ? આપણને નામ વટાવવું છે, પણ તેને બચાવવા મહેનત નથી કરવી. એટલે જ સ્વતંત્રતાનાં ૭૦ વર્ષ પછી પણ માતૃભાષાની શાળાઓની આ દશા છે. એ જ ટ્રસ્ટીઓ, એ જ સંચાલન હોવાં છતાં એક જ શાળામાં માતૃભાષાના માધ્યમ અને અંગ્રેજી માધ્યમની સ્થિતિ અલગ અલગ? ક્યાંક તો કચાશ છે આપણી વિચારસરણીમાં!
આ જ સંચાલકો પાછાં અંગ્રેજી માધ્યમનાં વાલીઓને જાગૃત કરવાનાં કાર્યમાં સહયોગ ન કરે, રખે ને મલાઈ મળતી ઓછી થઈ જાય? શેનો ડર? ઘર વાપસીની જેમ વાલીઓ પાછાં માતૃભાષા તરફ વળશે તેનો? તો શો વાંધો હોય? ફક્ત અને ફક્ત આર્થિક લાભ-ગેરલાભનાં ધોરણો પર આપણી શાળાઓનાં વહીવટ ચાલશે? સરકારી તંત્રો તો જાણે પોતે જ મારવા બેઠા હોય તેમ રોજ નતનવા સર્ક્યુલરો, નવી ગણતરીઓ (કેટલાં વિદ્યાર્થીઓ પર કેટલાં શિક્ષકોની, કેટલાં શિક્ષકો વધારાનાં?) કરતાં રહે છે. આ બધું શા માટે? જ્યારે સરકાર શિક્ષકોને પગાર આપવા બંધાયેલી છે જ તો શિક્ષકોને શિક્ષણનું કાર્ય કરવાને બદલે નિયમોમાં બાંધીને ઑફિસોમાં બેસાડી દેવાનાં? શિક્ષકોને ફક્ત અને ફક્ત શિક્ષણનું કામ કરવા દઈએ તો પણ આપણાં શિક્ષણસંસ્થાનોમાં ધરખમ સકારાત્મક પરિણામો દેખાશે અને તે માટે જડ કાયદાઓની માનસિક ગુલામીમાંથી બહાર આવીને ફક્ત અને ફક્ત દેશહિત, આપણી સંસ્કૃતિ, સંસ્કારો, નવી પેઢી માટેનું ભવિષ્ય જ કેન્દ્રમાં રાખવા જોઈએ.
અંગ્રેજો આપણાં ભારતીય સૈનિકો દ્વારા જ જુલમ કરતાં અને તે આપણે સહન કરતાં; પણ ત્યારે દેશ ગુલામ હતો. પણ હવે? હવે તો દેશ આઝાદ થયો છે તો શા માટે ભારતીયો દ્વારા જ ભારતીયતા પર જુલમ, કઠુરાઘાત થઈ રહ્યો છે? આપણે જ આપણાં વિરોધીઓ બનીને બેઠાં છીએ. આ માનસિક ગુલામી નથી તો શું છે? એટલે જ તો સરકારને નિવેદન છે કે જ્યાં સુધી સરકારના નિયમોનો ડંડો નહિ વાગે ત્યાં સુધી આપણી માનસિકતા સુધરવાની નથી. સરકારે Right to Education આપ્યું છે, તેની સાથે Right to first Education in mother tongue એ નિયમને સખ્તીથી લાગુ કરવાની જરૂર છે. આનો ફાયદો એ થશે કે જે લોકો દ્વિધામાં છે અને માતૃભાષાનાં માધ્યમ દ્વારા ભણતરનું મહત્ત્વ સમજે પણ છે, છતાંય પ્રવાહની વિરુદ્ધ જવાની હિંમત નથી કરી શકતાં તેવા મોટા વર્ગને હાશકારો થશે. વળી, પ્રવાહથી અલગ થયા વગર સંસ્કૃતિ-સંસ્કારો સાથે જોડાયેલાં રહેવાની તક પણ મળશે. મુઠ્ઠીભર અંગ્રેજોએ આપણાં જ માણસો દ્વારા આપણા દેશ પર રાજ્ય કર્યું; પણ જ્યારે આખો દેશ અંગ્રેજોની વિરુદ્ધ એક થઈ ગયો ત્યારે જ ગુલામીની ઝંઝીર તોડી શક્યા. એ જ રીતે, આવી માનસિકતાવાળાં મુઠ્ઠીભર લોકો ઊંચા હોદ્દા પર બેસીને, આપણાં જ જેવાં વિચારો ધરાવતાં નોકરિયાતો પાસે ગુલામિયત કરાવે છે, તેની વિરુદ્ધ દરેક સુસંસ્કૃત, જાગૃત દેશવાસીઓએ ઊભાં થઈ, આપણી ધરોહર જાળવી રાખવાનાં કાર્ય માટે ખભેખભાં મેળવી કાર્ય કરવું જોઈએ. જનચેતના એ જ માનસિક ગુલામીમાંથી બહાર આવવાનો સાચો માર્ગ છે.
- મુંબઈ ગુજરાતી સંગઠન
આજની ઘેલછા આવતી કાલની પીડા બની રહેવાની
અંગ્રેજી માધ્યમની પર્વતકાય માર્કેટિંગ અને માતૃભાષાના માધ્યમની પદ્ધતિસર અવગણનાને લીધે માતૃભાષા જૂનવાણીઓનો આગ્રહ તથા અંગ્રેજી આધુનિકોની ફેશન બની ગઈ છે, જે બેનો સંઘર્ષ કશું પરિણામ લાવી શકે એમ નથી.
અંગ્રેજી ભાષા અને માધ્યમને આધુનિકતા સાથે એ રીતે જોડી દેવામાં આવ્યા છે કે એનો વિરોધ કરનારા કે માતૃભાષા માધ્યમની તરફેણ કરનારાને પળનો વિચાર કર્યા વગર જૂનવાણી ઠેરવી દેવામાં આવે છે. લોકોના માનસ પર પણ એવો જ ચિતાર ઘડી દેવામાં આવ્યો છે કે આ ભાઈ નરસિંહમીરાંની વાતો કરે છે, માતૃભાષામાં ભણાવવાના આગ્રહી છે, એનો અર્થ એવો કે તે જૂનીપૂરાણી વિચારધારા ધરાવનારા છે. વિશ્વસ્તરની ભાષાઓ જેટલી જ મહાન ને સમૃદ્ધ હોવા છતાં આપણી ભાષાઓ બીજા ને ત્રીજા દરજ્જાની ભાષાઓ હોય એવો આપણો વ્યવહાર થઈ ગયો છે, અરે વ્યવહાર માત્ર નહીં, આપણને હવે તો વિશ્વાસ થઈ ગયો છે કે આપણે બીજા દરજ્જાના જ છીએ, પહેલા દરજ્જાના તો વિદેશીઓ જ, આ વલણનું શું થઈ શકે? અનેક મહાનુભાવોએ વારંવાર કહ્યા કર્યું છે કે આપણે ભારતીયોએ આપણી પોતિકી માતૃભાષાઓને મહત્વ આપવું જોઈએ. ગાંધીજીએ તો બે ભારતીયો અંગ્રેજી કે વિદેશી ભાષામાં વાત કે પત્રવ્યવહાર કરે તો એમને સખ્ત-સશ્રમ સજા થાય એવી જોગવાઈ ઉમેરવાનું કહ્યું હતું, પણ અગાઉ કહ્યું એમ, આ બધી વાતો જૂનાજોગીઓની છે, આધુનિકો માટે નહીં, આધુનિક વિશ્વ અને આધુનિક પરિસ્થિતિને આ ગાંડાઘેલા જૂનવાણીઓ ક્યાંથી સમજે? માતૃભાષામાં તે કંઈ વળી બાળકને ભણાવાતો હશે? કેવી મૂર્ખતાભરી વાત? અરે, આ જૂનવાણીઓને તો કંઈ ભાન પડે કે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી છે?
આપણે તો બાળકને ટનાટન-ચકાચક શોપિંગ મોલ જેવી ઝગમગતી સ્કૂલોમાં જ મોકલીશું અને લાખોની ફીઝ આપીને અમારા બાળક પ્રત્યે અમને કેટલોબધો પ્રેમ છે એ દર્શાવીશું, બાકી બાળકને ઘરે બેસાડી, એને વહાલ કરવાનો, એની સાથે ગપ્પા મારવાનો, એને જાતે કખગઘ-એકડે એક્કો શીખવવાનો, ઉંદરમામા કે સસલામામાની વાર્તા-કવિતાઓ કહેવાનો, એવોબધો ટાઈમ કોને છે ભાઈ? તો અમે અમારો બાળક પરનો પ્રેમ કેવી રીતે દર્શાવીએ? સિમ્પલ, આવી મોંફાટ મોંઘી સ્કૂલો અને ખિસ્સાફાટ એક્સ્ટ્રા એક્ટિવિટીઝના ક્લાસીસો કરાવી, એની પાછળ ચાર હાથે પૈસા ખર્ચીને જ તો અમે બાળકને કહી શકીશું કે જો અમે તને કેટલોબધો પ્રેમ કરીએ છીએ, ફલાણામાસાએ તો એમના બાળકને પાંચ લાખ રૂપિયાનો જ પ્રેમ કર્યો, પણ અમે તો આ એક જ વર્ષમાં તને સાત લાખ રૂપિયાનો પ્રેમ કરી દીધો જોયુંને તે... અમે કેટલાં સારાં માતાપિતા છીએ.
બસ, આ ને આવું જ આપણું વલણ થઈ ગયું છે, આવી વિચારધારામાં મોટા થઈ ભણીગણી સેટ થયેલાં બાળકો પણ ભવિષ્યમાં એમનાં માતાપિતાને કહેશે કે અરે પપ્પા ચિંતા શું કરો છો, આપણા કઝીને તો એમનાં માતા-પિતાને એક કરોડનો જ પ્રેમ કર્યો, એટલે જ તો એક જ વીમો ઉતરાવ્યો ને સાદા વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો એમને... હું તો તમને દસ કરોડનો પ્રેમ કરું છું જુઓ, મેં તમારા બંનેના બે-બે વીમા અને બે-બે મેડિક્લેમ પણ કરાવ્યા છે અને વૃદ્ધાશ્રમમાં તમને ન ફાવ્યું એટલે અહીં આ ફ્લેટમાં બે નોકર સાથે રાખ્યાં છે, છુંને હું એક આદર્શ પુત્ર !
બસ, આવા ‘આદર્શ પુત્રો’થી જ પછી આપણો સમાજ ભરેલો હશે ત્યારે પણ કદાચ આપણને અક્કલ નહીં આવે કે મૂળને અવગણીને કોઈ છોડ પાંગરતો નથી, કોઈ ખેતર પાકતું નથી, કોઈ ફૂલ ખીલતું નથી, બહારથી મળતા પવન-સૂર્યપ્રકાશ ત્યારે જ અસર કરે છે જ્યારે છોડના મૂળ જમીનમાં પૂરતા ઊંડાણ સુધી ઊતરેલા હોય. જગતમાં કોઈ આવી મૂર્ખતાભરી રીતે ફૂલ ખીલવવાની મથામણ નથી કરતું, પણ આપણે એવી મથામણ કરીએ છીએ ને પાછી એ મથામણની માર્કેટિંગ પણ કરીએ છીએ કે જુઓ, મૂળ ગયું મોસાણમાં, મૂળ વગર પણ આ છોડ આભને આંબશે જુઓ, તમારે ફક્ત આટલી ફીઝ ભરવાની છે ને આટલા અસાઈમેન્ટ પૂરાં કરવાનાં છે.
-અને બીજી મહત્વની વાત એ કે આપણે જો આ જ કર્યા કરવું હોય તો પછી ફરિયાદો બંધ કરી દેવી જોઈએ. જ્ઞાનમંદિરોને બદલે ફેશનક્લબો જેવી સ્કૂલોને પસંદ તો આપણે જ કરીએ છીએ, આપણને એ જ જોઈએ છે, તો પછી એમાં વ્યાપેલા દૂષણોની ફરિયાદ શું કામ કરવાની? અરે, જે જ્ઞાનમંદિરોમાં પાંચપચ્ચીસ વિદ્યાર્થીઓને ભણવાની ને એવા વાલીઓને ભણાવવાની ઈચ્છા હોય છે એવા જ્ઞાનમંદિરોની ઈમારતોને આપણે ક્કડભૂંસ કરાવી નાખી છે, તાળા મરાવી દીધા છે અને બાકી રાખી છે બસ આવી મહાકાય ફેશનક્લબો, અને પછી કહીએ છીએ આ તો નરક છે નરક... આ ફેશનક્લબમાં જ્ઞાનના દેવતા કેમ નથી આવતા, આવા બેધ્યાન શિક્ષકો, આવા ભ્રષ્ટ અધિકારીઓ, આવા આળસુ કર્મચારીઓ... આવું દૂષણ...
અરે પણ ભાઈ, જ્ઞાનની પૂજા કરવાને તો મહત્વ જ નથી આપવું. ખૂણેખાંચરે કેટલીક શાળાઓ મિશ્ર ધર્મના વિદ્યાર્થીઓ હોવાથી દાયકાઓથી ચાલતી આવતી સરસ્વતીની વંદના કરવાનું કે શ્લોકો ગવડાવવાની મનાઈ કરી રહી છે, કેટલાકને તો વળી વંદે માતરમ ગવડાવવા સામે પણ વાંધો છો ને એ બધાની સામે કોર્ટમાં પડ્યા છે તો બીજી તરફ અંગ્રેજીની બહુમતી કોન્વેન્ટ સ્કૂલો સદીઓથી બેરોકટોક મધર મેરીની બ્લેસિંગ્સ ગવડાવતી આવી છે એ આપણને ખૂંચતું નથી, ન ખૂંચે છે ધર્મઆધારિત શિક્ષણસંસ્થાનો. ચોવીસે કલાક ને ચારેબાજુ ધર્મપ્રચારની ફેક્ટરી ચલાવતી એ બધી સ્કૂલો આપણને આદર્શ લાગે છે, ને માનવપ્રેમ-પ્રકૃતિપ્રેમ-સર્વધર્મ સમભાવનાં ગુણગાન ગાતી આપણી જ શાળાઓ પછાત છે, કારણ કે ફીઝ વધારે નથી લેતી, બાળકો પર શિસ્તના નામે આદતો નથી લાદતી, બાળકોને મુક્તમને વિકસવા દેવો એ તો જાણે ગુનો થઈ ગયો હોય એમ એને ખાંસી ને છીંક ખાવાની એટિકેટ પણ સ્કૂલો શીખવીને આપે એવું આપણે ઈચ્છીએ છીએ.
આ બધું જ આપણે ચલવી લીધું છે ને આપણી શાળાઓની પડખે હજી આપણે નથી ઊભા રહેવું, આપણી ભાષાઓનો પક્ષ હજી આપણે નથી લેવો, ભાષા વગર સંસ્કૃતિ પણ નહીં ટકી શકે એ નક્કર સત્યને હજી આપણે નથી સ્વીકારવું. હજી બાળકોને આ ઘેટાકંપનીઓમાં જ ઘેટું બનવા મોકલવા છે તો આપણે હસતે મોઢે બધું સ્વીકારી લેવું જોઈએ કે સાહેબ, રાઈટ જ છે બધું, ઓલરાઈટ. ફી વધારાની ફરિયાદો ન કરવી જોઈએ, બાળકોમાં વધેલા સ્ટ્રેસની ચિંતા ન કરવી જોઈએ, ગધેડાની જેમ કામ કર્યા કરવું જોઈએ ને દર મહિને ગૌણ ભરીભરીને સ્કૂલમેનેજમેન્ટની કેબિનમાં પૈસા ઢાલવી આવવા જોઈએ. આ જ આપણી, આપણે સ્વીકારેલી નિયતિ છે.
દુનિયાનો કોઈ દેશ આવી મૂર્ખતાભરી સ્થિતિ-વ્યવસ્થાને વળગી નથી રહ્યો, એને બદલી શકાય છે, લોકોએ બદલ્યો છે, અરે ઘણે ઠેકાણે તો એક-એક વિદ્યાર્થી માટે એની માતૃભાષાના શિક્ષકની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, પણ આપણને હજી ઈન્ટરનેશનલ લેન્ગવેજ, અરે યુનિવર્સલ લેન્ગવેજમાં જ બાળકને ભણાવવાના અભરખાં છે તો પરિણામો, ભોગવટાની યાદી પણ સાથે રાખવી જોઈએ, એ યાદીને દરરોજ વાંચતા રહેવું જોઈએ, ને એમાંનું કંઈક ઘટે તો ફરિયાદ કરવાના વલણને, બીજા સેંકડો આક્રોશો પી જઈએ છીએ એ જ રીતે, પી જવો જોઈએ, ચૂપચાપ !
- મુંબઈ ગુજરાતી સંગઠન
ગાંધીસંદેશ અને માતૃભાષાની શાળાઓની અવગણના
આપણા મહાનગરમાં ‘મહાત્મા’ કે મોહનદાસ કરમચંદ ગાંધીના નામના કેટલાય માર્ગો હશે; કેટલીય સંસ્થાઓ ને શાળાઓ પણ એ નામે કાર્યરત હોવા છતાં પણ એમના પગલે ચાલનારા, એમના સંદેશાને આત્મસાત કરીને સમાજઘડતરમાં કાર્યરત હોય એવા લોકો-સંસ્થાઓ કેટલા? આખા વિશ્વને અહિંસાનો ને સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપનારા રાષ્ટ્રપિતાને આપણે માત્ર અંજલિઓ ને અર્પણો પૂરતા જ યાદ કરીએ છીએ, ખરુંને? આખું વિશ્વ જેને એક આદરણીય, પૂજનીય વ્યક્તિ ગણે છે એ ગાંધીજીનું આપણા દેશમાં આટલું જ મહત્ત્વ વધ્યું છે?! તેમની એક હાંકલ પર ઘરપરિવાર છોડીને, વતન માટે બલિદાન દેનારા દેશપ્રેમી યુવાનોની આખી ફૌજ ક્યાં ચાલી ગઈ? એવા દેશપ્રેમીઓની આજે અછત વર્તાય છે. તેમના વિચારો, આચરણ, સ્વદેશપ્રેમ, અહિંસા, સર્વધર્મસમભાવ, શાકાહાર, માતૃભાષાપ્રેમ, સ્વદેશીવસ્તુનો સ્વીકાર, સત્યપ્રિયતા, કૃતનિશ્ચયીપણું વગેરેનો અભાવ સ્વતંત્રતાના સાતમા દાયકે સ્પષ્ટ થઈને દેખાવા લાગ્યો છે. પરદેશમાં લોકો જેના વિચારોને અપનાવી રહ્યાં છે તેને આપણે, આપણા જ દેશમાં અવગણી રહ્યા છીએ.
ગાંધીજીના માતૃભાષા પરના વિચાર કેવા હતા? માતૃભાષાના માધ્યમથી જ શિક્ષણના કટ્ટર આગ્રહી ગાંધીજીએ લખ્યું હતું કે માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફતે કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે. ગાંધીજીએ આત્મકથામાં સ્કૂલ દરમિયાન એમના માથે થોપી બેસાડવામાં આવેલા અંગ્રજીથી પડતી મૂશ્કેલીઓની પણ વાત લખી છે. આત્મકથાનું એક આખું પ્રકરણ એમને આ વિશેના વિચારો-અનુભવોથી હોવા છતાં આજે ગાંધીજીની આત્મકથા જેટલા વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી છે એનાથી અડધા પ્રમાણમાં પણ ક્યાંય એમના વિચારો ફેલાયેલા નથી લાગતા. અને માત્ર વિચારમાં નહીં, આચારમાં પણ ગાંધીજી માતૃભાષાના વપરાશના કટ્ટર આગ્રહી હતા. આઝાદી પહેલા ગુજરાતમાં કોંગ્રેસની જાહેર સભામાં ઝીણા જેવા ઝીણા પાસે એમણે ગુજરાતીમાં ભાષણ આપવાનો આગ્રહ કર્યો હતો, તો જ્યાં જાય ત્યાંના લોકો સાથે એમની જ ભાષામાં વાત કરવાના એમણે પ્રયાસ કર્યા હતા.
જોકે ગાંધીજીએ આગાહી કરી હતી એવો પ્રાયશ્ચિત કરવાનો સમય પણ આપણે ગુમાવી રહ્યા છે એમ નથી લાગતું? ગાંધીજીએ બ.ક. ઠાકોરને એક પત્રમાં લખ્યું હતું કે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવી પડશે કે બે ભારતીયો એક ભાષા જાણતા હોવા છતાં અંગ્રેજીમાં લખે કે બીજા સાથે અંગ્રેજી ભાષામાં બોલે તો તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવે.
આપણી પોતાની પાર્લામેન્ટ તો આવી ગઈ અને ફોજદારી કાયદાઓમાં પણ આપણા જનપ્રતિનિધિઓના હાથમાં હોવા છતાં હજી ભારતની કોઈ ભાષાઓ, અંગ્રેજી સામે એનું પોતાનું સ્વમાન પણ જાળવી શકે છે ખરી એ પ્રશ્ન કરુણ છે.
કવિ ઉમાશંકર જોશીની ‘તેં શું કર્યું’ કવિતાની પંક્તિઓ આજે પણ કેટલી પ્રસ્તુત છે કે,
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
તેં શું કર્યું?
અંગ્રજોની ગુલામીમાંથી આઝાદ થયા પછી પણ આપણા ભારતવાસીઓ ખરેખર માનસિક ગુલામીમાંથી આઝાદ થયાં છે? સ્પષ્ટ રીતે જવાબ મળશે, ‘ના’. આપણે હજુ પણ ગુલામીની માનસિકતામાં જ જીવીએ છીએ અને દુ:ખની વાત એ છે કે આ ગુલામીની ઝંઝીર હવે કોઠે પડી ગઈ છે. તેને તોડીને બહાર આવવાની કોઈ કોશિશ તો ઠીક, કોઈ એ વિશે વિચારતું પણ નથી. સ્વને મૂકીને દેશનું વિચારનારાઓની નવી પેઢી ફક્ત અને ફક્ત સ્વના વિચારોથી જ જીવે છે. દેશહિત, દેશકલ્યાણ, દેશની પ્રગતિ તો તેઓના શબ્દકોશમાં પણ નથી. જે ગણ્યાંગાંઠ્યાં લોકો ગાંધીના વિચારોને વળગી રહ્યાં છે, તેઓની મજાક ઉડાવવાનું પણ આપણે ચૂકતા નથી! કેવી ગજબની માનસિક ગુલામી જડબેસાલક મગજમાં ઘૂસી ગઈ છે, જેને કાઢવી ખૂબ જ જરૂરી છે. પણ આપણે વિચારીએ છીએ કે પહેલ કોણ કરે? આપણું સાંભળશે કેટલાં? નાહક મશ્કરીને પાત્ર ઠરીશું.
દરેક માનવના જીવનમાં ‘મા’, ;માતૃભાષા’ અને ‘માતૃભૂમિ’નું એક અનોખું સ્થાન હોવું જોઈએ. અહીં ‘હોવું જોઈએ’ સકારણ લખ્યું છે. હાલના સંજોગોમાં આપણે માતૃભૂમિ અને માતૃભાષાને તો કોરાણે મૂકી દીધાં છે. વિશ્વ એટલું નાનું થઈ ગયું છે કે પરદેશમાં ભણવા જઈએ અને ત્યાં જ સ્થાયી થઈએ એટલે એ જ આપણી ભૂમિ! અને જે માતૃભૂમિમાં જન્મ લઈ, બાળપણ, યુવાની વીતાવી પરદેશ જવા લાયક બન્યા તે જ માતૃભૂમિને વગોવતાં – અવગણતાં જરાય અચકાતાં નથી. જ્યારે માતૃભૂમિ માટે સંવેદનહીન છીએ તો માતૃભાષાની તો વાત જ શું કરવી?!
ગાંધીજી માતૃભાષામાં શિક્ષણ પર ભાર દેતા હતા. તેઓએ પોતાનાં બાળકોને પરદેશમાં રહેવા છતાં માતૃભાષામાં શિક્ષણ આપવા ઘણી જહેમત ઊઠાવી. ગાંધીજી જ્યારે પણ સમભાષી લોકો વચ્ચે હોય તો માતૃભાષામાં જ વાત કરતા, જ્યારે આજે માતૃભાષામાં શિક્ષણ તો બહુ દૂરની વાત છે, માતૃભાષામાં વાતચીત કરવી એ પણ હીનતાની દૃષ્ટિએ જોવામાં આવે છે. કેવી માનસિક ગુલામી કહેવાય આ? આજનાં યુવા વાલીઓને ‘ગુજરાતી’ માતૃભાષાની શાળાઓ હજી કાર્યરત છે એ વિશે અજ્ઞાનતા છે, કદાચ તે જાણવાની કોશિશ જ નથી કરી. આપોઆપ સ્વીકારાયેલી આ અજ્ઞાનતા માતૃભાષા માટે ઘાતક નીવડી રહી છે.
આપણા મહાનગર મુંબઈની જ વાત કરીએ તો કોંક્રિટના જંગલોની સાથે સાથે અંગ્રેજી માધ્યમની શાળાઓના રાફડા ફાટયાં છે. એને પોષનારા – વધારનારા આપણાં જ ગુજરાતીઓ આંધળુકિયા કરીને જેલમાં જેમ કેદીઓને રાખવાની સગવડ હોય તેના કરતાં ત્રણ ગણાં, ચાર ગણાં કેદીઓ ભરવામાં આવે તેમ દરેક શાળામાં કુમળાં બાળકેદીઓને ઘેટાંબકરાંની જેમ ભરવાનું અને ફક્ત ‘બેં... બેં...’ કરવાનું નહિ (માતૃભાષા બોલવાનું નહિ) એમ શીખવવામાં આવે છે અને માતૃભાષા બોલવા માટે સજા આપવામાં આવે છે અને આપણાં જ આ ટોળાશાહીમાંથી આર્થિક લાભ લેનારાઓ ભલે ને આ બાળકેદીને પૂરી સગવડ આપે કે ન સારું શિક્ષણ, સમજણ કે સર્જનશીલતા ખીલવે, આપણે સૌ માનસિક ગુલામ ‘ Yes Sir, Okay Sir’ના રટણોથી તેઓને ખુશ કરીએ, રખે ને, બાળકેદીનો જલદી છૂટકારો થઈ જાય તો કોણ રાખશે એ ડરથી!
પણ આ અજ્ઞાનતામાંથી જો બહાર આવીને, આંખો ખોલીને આજુબાજુ નજર ફેરવીએ તો મુંબઈનાં ઘણાં પરાઓમાં આજે પણ માતૃભાષાની (ગુજરાતી) માધ્યમની શાળાઓ બાળપુષ્પોને ખીલવી રહી છે. તેનામાં સંસ્કાર, સંસ્કૃતિ અને સર્જનશક્તિનું સિંચન કરી,માતૃભાષાની ફોરમ ફેલાવી રહી છે. અજ્ઞાનતાના ઓછાયા હેઠળ આ ફોરમ મુંબઈગરા સુધી પહોંચે તે માટેનાં કાર્યો પણ વિવિધ સંસ્થા, સંગઠનો દ્વારા થઈ રહ્યાં છે.
આમાંનાં ઘણાં સંગઠનો વર્ષોનાં પરિશ્રમ પછી ગુજરાતીઓની અજ્ઞાનતા, જડાતા, ટોળાશાહી, દેખદેખીની માનસિકતા સામે સંજોગવસાત પરિવર્તનશીલ વિચારોમાં શિથીલ થઈને ‘જે બચ્યું તે ઘણું’ના નિશ્ચયે આવી પહોંચ્યા છે, તો ઘણાં સંગઠનો, સંસ્થાઓ ફક્ત સંસ્થાની એક કાર્યસૂચિમાં વધારો કરવા પૂરતી ગણતરીથી કાર્ય કરી રહ્યાં છે. કૃતનિશ્ચયી થઈને સજાગતા કેળવવા, જનજાગૃતિ કરવાની સાચી હકીકતોનો પૂરેપૂરો અભ્યાસ કરી, આ સંજોગો માટેનાં નિષ્કર્ષો પર પહોંચવાની, તેના માટેનાં સકારાત્મક પગલાં ભરવાની હામ જૂજ સંગઠનો જ કરી શક્યાં છે.
‘મારી માતૃભાષા, મારી જવાબદારી’ને સાર્થક બનાવવા દરેકેદરેક ગુજરાતી પોતાની માતૃભાષા માટે એક અથવા બીજી રીતે કાર્યમાં સગયોગી બને તે માટેનાં આહ્વાન પણ થયાં. દરેકેદરેક ભારતીયની જવાબદારી છે કે પોતાની માતૃભાષાનાં સંવર્ધન માટે કાર્ય કરે અને આપણી વિવિધ સંસ્કૃતિવાળી ભારતીયતા છે તે જાળવી રાખે.
સરકારી તંત્રને પણ આ બાબત વિવિધ સૂચનો આપવાની પહેલ કરવામાં આવી રહી છે,જેથી વધુ મોટા ફલક ઉપર વધારે પ્રભાવી કાર્ય થઈ શકે. વાલીસભામાં પણ અંગ્રેજી માધ્યમ, વિવિધ બૉર્ડનાં શિક્ષણ માટે ‘હાય! તોબા!’નાં પ્રત્યાઘાતો મળી રહ્યા છે. આવા સમયમાં જો બધાં જ સાથે મળીને જનજાગૃતિના કાર્યને વેગ આપે તો માતૃભાષાની શાળાઓમાં પહેલાં જેવી રોનક આવે એવા એંધાણ છે. અમુક શાળાના આચાર્ય અને શિક્ષકોના ખંતથી બાળમંદિરમાં સંખ્યા વધવાના સંકેત મળ્યા છે અને ઘણી શાળાઓમાં જે સંખ્યા ઘટવાનો દર હતો તે બંધ થયો છે અથવા ઓછો થયો છે.
સમાજના દરેક તબક્કાના લોકો માતૃભાષાના માધ્યમ સાથે જોડાય તે માટેની મહેનત જરૂરી છે, નહિતર આ માધ્યમ ફક્ત નબળાં વર્ગનાં લોકોએ જ ટકાવી રાખ્યું છે એ કહેવામાં જરાય અસત્ય નથી. આ માટે વિવિધ જૈન મુનિ, સ્વામીનારાયણ સંપ્રદાયાનાં, વૈષ્ણવ સંપ્રદાયનાં ગુરુઓ દ્વારા ચાલતી પાઠશાળાઓમાં જ જો માતૃભાષાનાં માધ્યમ દ્વારા ભણાવવા પર આગ્રહ કરી સમજણ આપવામાં આવે તો પંદર વર્ષ પહેલાં જે ભદ્ર સમાજ માતૃભાષામાં પોતાનાં બાળકોને ભણાવતો હતો તે પાછો વળશે – આની તાતી જરૂર છે. માતૃભાષાનાં માધ્યમને જાળવવાની, સંસ્કાર- સંસ્કૃતિ બચાવવાની જવાબદારી ફક્ત આર્થિક રીતે નબળાં વર્ગની જ નથી, એ હવે સમાજે સમજવું પડશે.
આ માટે વિવિધ સ્તરે રાજકીય, કાયદાકીય, શિક્ષણક્ષેત્રે સરકારી, સંસ્થા, સંગઠનો, શાળાનાં સંચાલકો, આચાર્યો, શિક્ષકો, સમાચાર પત્રો વગેરેએ એક જ ધ્યેય રાખી ‘મારી માતૃભાષા, મારી જવાબદારી’ માટે કાર્ય કરવું પડશે, જેનાં સકારાત્મક પરિણામ જરૂરથી મળશે જ.
- મુંબઈ ગુજરાતી સંગઠન
ગુજરાતી શાળાઓના વિકાસમાં પાયારૂપ બની શકે એવી યોજનાઓ
અગાઉ ગુજરાતી માધ્યમ, માતૃભાષામાં શિક્ષણ અને શિક્ષણના વિવિધ પાસાંઓ વિશે ચર્ચા થઈ છે. આ વખતે જાણીએ કે કેવી કેવી યોજનાઓથી શક્ય છે ગુજરાતી શાળાઓનો સંપૂર્ણ વિકાસ.
અનેક ઉદાહરણો પરથી એ સ્પષ્ટ થયું છે કે માતૃભાષાની શાળાઓ પણ જુદી જુદી પ્રવૃત્તિ, સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને થોડા માર્કેટિંગના સહારે ફરી પાછી ધમધમતી થઈ શકે છે, પણ પ્રશ્ન છે આપણી અનેક શાળાઓને ફરી પાછી પ્રવૃત્તિમય અને જીવંત કરવા માટે જે પગલાઓ લેવાની જરૂર છે તે આર્થિક મદદ વગર કેવી રીતે પૂરાં કરી શકાય? આજે મોટાભાગની ગુજરાતી શાળાઓ ખાનગી ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે કે પછી પાલિકા દ્વારા સહાયપ્રાપ્ત છે. ખાનગી ટ્રસ્ટવાળાઓને તો હવે ગુજરાતી માધ્યમમાં રસ (કે પૈસો) ન દેખાતા તેઓ અંગ્રેજી માધ્યમ તરફ વળી ગયા છે, અને કેટલાક ઈચ્છુક હોવા છતાં સશક્ત નથી, તેથી શાળાઓ માટે નવી સુવિધા ઉપલબ્ધ નથી કરાવી શકાતી.
વાલીઓ પોતે આર્થિક ભીંસમાં હોય તો પણ પોતાના બાળકને બીજાં બાળકો સાથે હરીફાઈમાં ટકી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. વળી તેમાં પણ અંગ્રેજીનો મોહ અને હાઉ ભળે, એટલે વાલીઓની ઈચ્છા એક ગાંડપણનું સ્વરૂપ લઈને અંગ્રેજી માધ્યમ માટેની આંધળી ઘેલછામાં પરિણમે છે.
તો આ ઘેલછા રોકવા માટેના ઉપાય શું છે? જો આ ઘેલછા રોકવી હોય તો સંપૂર્ણ આધુનિક સુવિધાઓ ધરાવતી ગુજરાતી શાળાઓનો પ્રચાર થવો જોઈએ, જ્યાં માતૃભાષામાં શિક્ષણ મળે સર્વોત્તમ અને અંગ્રેજીની તાલીમ હોય ઉત્તમ. તો ગુજરાતી માધ્યમની શાળાઓ આવી સુવિધા મેળવવા આર્થિક સહાય ક્યાંથી લાવી શકે?
આ લેખની ચર્ચા એ જ મુદ્દા પર છે કે ગુજરાતી માધ્યમની શાળાઓ જો ધારે તો ઘણા રસ્તાઓથી આર્થિક મદદ મેળવી શકે છે, તો ચાલો જોઈએ કેટલીક યોજનાઓ અને રસ્તા કે જેના દ્વારા અથવા એવી જ બીજી સંસ્થાઓ પાસેથી ગુજરાતી શાળાઓ આર્થિક મદદ મેળવી શકે.
૧. ગુજરાતી માધ્યમ પાસે સૌથી પહેલો સ્રોત છે રાજકીય / કેન્દ્રીય યોજનાઓનો લાભ લેવો. ઉદાહરણ તરીકે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનની વિવિધ યોજનાઓ છે. ICT (ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી) દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારવી, સ્કુલની માળખાકીય સુવિધા સુધારવા માટેની યોજના, શાળાની વિવિધ સુવિધાઓ જેવી કે લેબ, લાઈબ્રેરી, કમ્પ્યુટર રૂમ વગેરે બનાવવા માટેના પ્રોગ્રામ, ફોરેન લેન્ગવેજ કે અંગ્રેજી શીખવાડવા માટે શિક્ષક નિયુક્ત કરવાની યોજનાઓ. એની પૂરી માહિતી મેળવી એ યોજનાઓના લાભ લઈ શકાય છે. આ તો થઇ સરકારી યોજનાની વિગત.
૨. હવે જોઈએ કેટલીક મલ્ટીનેશનલ તેમ જ નેશનલ કંપનીઓ દ્વારા ચાલતી યોજનાઓ. ઉદાહરણ તરીકે માઈક્રોસોફ્ટ દ્વારા ચાલતા શિક્ષણને લગતા વિવિધ પ્રકલ્પો, ઈન્ફોસીસ દ્વારા શાળાઓને અપાતી ગ્રાન્ટ્સ, વિપ્રો દ્વારા અપાતી સહાય, TCS જેવી કેટલીક કંપનીઓ દ્વારા શાળા માટેના શિક્ષણના પ્રકલ્પો તેમની CSR અંતર્ગત ચાલે છે. આ યોજનાઓની વધુ વિગતો જે તે કંપનીની વેબસાઈટ પર મળી શકે છે, ઉપરાંત વ્યવસ્થિત સંશોધન કરવાથી આવી ડઝનો કંપનીઓના સહાય કાર્યક્રમો મળી રહેશે જે શાળાઓને સદ્ધર કરવામાં મદદરૂપ બને.
3. હવે વાત કરીએ કેટલીક NGOની કે સ્વતંત્ર સંસ્થાઓની જે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી છે ને વિવિધ પ્રકારની યોજના ચલાવે છે. ‘મુંબઈ ગુજરાતી સંગઠન’ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે શાળાઓના સ્તરને સુધારવા તેમ જ તેમની માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે ઉપરાંત બાળકોના સંપૂર્ણ વિકાસને વેગ મળે તે માટેના કાર્યક્રમો યોજતું રહે છે. આવી જ બીજી પણ ઘણી સંસ્થાઓ છે જે વિવિધ યોજનાઓ દ્વારા શાળાઓને મદદ કરતી રહે છે. દરેક શાળામાં તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન એમાં ઘણું મદદરૂપ થઇ શકે છે. આજે લોકોમાં દાયકાઓ બાદ સ્કૂલી મિત્રો સાથેના મેળાવડાનો-રિયુનયનનો ટ્રેન્ડ છે, ત્યારે શાળાઓએ આવા રિયુનિયન્સને પોતાની શાળાઓ માટે આર્થિક કે અન્ય સહાય કરવા માટે અપીલ કરવી જોઈએ.
4. કંપનીઓ શાળા/શૈક્ષણિક સંસ્થાઓને મફત કે ખુબ જ રાહત દરે નેટ કનેક્શનની સુવિધા પૂરી પાડે છે કે જેથી ગુજરાતી માધ્યમની ખાનગી / સરકારી શાળાઓ પણ ઈન્ટરનેટનો લાભ લઇ શકે અને આજના જમાના સાથેની હરીફાઈમાં ટકી શકે.
5. જેમ આપણે જાણીએ છીએ જે 'મન હોય તો માળવે જવાય' આ જ ઉક્તિને સાચ્ચી ઠેરવતી કેટલીક કમાલની સાઈટો છે કે જેને 'ક્રાઉડ ફંડિંગ' સાઈટ્સ કહેવાય છે. જેનો મતલબ છે તમારી પાસે કોઈ સારો પ્રોજેક્ટ કે સારા લક્ષ્ય હોય પણ તેને પૂરા કરવાનો આર્થિક સહયોગ ન હોય તો 'ક્રાઉડ ફંડિંગ' વેબસાઈટ તમારો પ્લાન / વિચાર લોકો સમક્ષ મૂકે છે અને લોકો પાસેથી તમારી માટે ફાળો મેળવવા અપીલ કરે છે. અને તેના થકી તમે આર્થિક સહયોગ પ્રાપ્ત કરી શકો છો. ઉદાહરણ તરીકે milan.com, wishberry.in જેવી કેટલીયે વેબસાઈટ છે જે તમને ભંડોળ ભેગું કરવામાં મદદ કરે છે.
જ્યાં આટલા બધા રસ્તાઓ છે ભંડોળ / યોજનાઓ માટે તો અડચણ શું હોય? મોટાભાગની યોજનાઓ / ભંડોળ માટે શાળાઓને ખૂબ વ્યવસ્થિત યોજનાઓના પેપર તૈયાર કરવા પડે છે તેમ જ ધીરજ અને સતત ફોલો-અપ માગી લેતી કાર્યપ્રણાલીને અનુસરવું પડે છે. જે માટે શિક્ષકોએ આગળ આવી સારી યોજનાના પેપર બનાવવા તેમ જ પ્રેઝન્ટેશન કરવું વગેરે આવડતો વિકસાવવી રહી, વળી તેનો પણ એક સરળ ઉપાય છે, જો શાળા પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનમાંથી આ પ્રશ્નોના નિષ્ણાત વિદ્યાર્થીઓને શોધી કાઢી તેમની સેવાનો લાભ લઇને વ્યવસ્થિત કાગળિયા બનાવે તો નક્કી દરેક શાળાને ભંડોળ માટે ચિંતા કરવાની ન રહે અને ઓછી ફી સાથે સારી ગુણવત્તાવાળું શિક્ષણ પણ આપી શકાય.
ઉપર કહ્યું તેમ આ માટેની તૈયારીઓની શરૂઆત કેવી રીતે કરવી? દરેક નવા કાર્ય માટે દૃઢ સંકલ્પ, પૂર્વતૈયારીઓ અને મહેનત જરૂરી છે. શાળાઓ પોતાની દરેક શૈક્ષણિક અને બીજા કાર્યક્રમોની વિગતે રિપોર્ટ બનાવી રાખી શકે એ બહુ જરૂરી છે. દરેક શાળાઓએ પોતાના વેબ પ્રોગ્રામ વધારવા જોઈએ જેમ કે તેમનો બ્લોગ કે વેબસાઈટ બનાવી દરેક કાર્યક્રમની વિગતો - અહેવાલો એના પર મૂકતા રહેવાથી ઘણો ફાયદો થઈ શકે છે. યુ-ટ્યુબ જેવા માધ્યમનો ઉપયોગ કરી શાળાની માહિતી વહેતી મૂકી શકાય છે, તો શાળાઓ માટે આવી ગ્રાન્ટ કે યોજનાઓનો લાભ મેળવવો સરળ બની જાય.
તો શાળાઓને આ માટે તૈયાર કેવી રીતે કરવી?
જે શિક્ષક કે શાળાઓને આવી યોજનાઓ વિષે જાણવામાં વધુ રસ હોય, આવી યોજના માટેની તૈયારી કેવી રીતે કરવી તે માટેની કટિબદ્ધતા હોય તે મુંબઈ ગુજરાતીનો સંપર્ક કરી એમના કાર્યક્રમ આગળ વધારી શકે છે. મુંબઈ ગુજરાતી આ વિષય માટેની નિઃશુલ્ક કાર્યશાળા યોજી શિક્ષકોને વધુ જાણકારી આપી શકે છે.
- મુંબઈ ગુજરાતી સંગઠન
બાળકને પરભાષાના માધ્યમ દ્વારા અપાતું શિક્ષણ શાથી અઘરું પડે છે?
‘ઇતર ભાષાના માધ્યમમાં શીખવાથી બાળકનો વિકાસ કુંઠિત થઈ જાય’. ‘શિક્ષણનું માધ્યમ જો માતૃભાષા હોય તો બાળકના મગજ પર શિક્ષણનો બોજો ખૂબ જ હલકો થઈ જાય’, અને ‘બાળકને પોતાનું બાળપણ ખરેખર જીવવા મળે’ વગેરે બાબતો આપણે અહીં અગાઉના લેખોમાં સમજી. આજે આપણે બાળકમાં ભાષાકીય વિકાસના પગથિયાં, ભાષા વ્યવસ્થાની જટિલતા અને શિક્ષણના માધ્યમ તરીકે જો ઇતર ભાષા અંગ્રેજી હોય તો બાળક માટે શું અને કેવી મુશ્કેલીઓ ઊભી થાય છે તે વિશે વિચારીએ.
બાળક જ્યારે જન્મે છે ત્યારે તેની પાટી સાવ કોરી હોય છે, તેને કેટકેટલું શીખવાનું હોય છે. દરેકેદરેક ઇન્દ્રિયની ક્ષમતા તેણે પ્રાપ્ત કરવાની હોય છે, વિવિધ અંગ-ઉપાંગના ઉપયોગ, દિશા અને સમયનાં પરિમાણો અને કેટકેટલું તેણે શિશુ અવસ્થામાં શીખવાનું હોય છે. ભાષા પણ તેને માટે એક નવી જ વસ્તુ છે. પણ બીજી ક્ષમતાઓ અને ભાષાની ક્ષમતાની પ્રાપ્તિમાં એક મૂળભૂત ફરક છે: બીજી બધી ક્ષમતાઓમાં એક, બે કે ત્રણ પરિમાણ હોય છે, જ્યારે, ભાષા વ્યવસ્થામાં કેટકેટલાંય પરિમાણો હોય છે.
બાળકની મનોભૂમિ પર ભાષાબીજ કેવી રીતે અંકુરિત થાય છે એ જાણતા પહેલાં કોઈ પણ એક ભાષા માત્રની સંરચનાના મૂળભૂત મુદ્દા ને એના વિવિધ પરિમાણો વિશે જાણી લઈએ, જેથી પછી એ ભાષાને બાળક કેવી રીતે ગ્રહણ કરે છે-ગ્રહણ કરવાની એ પ્રક્રિયા કેટલી અઘરી કે સહેલી છે વગેરે વિશે ખ્યાલ આવશે.
ભાષા વ્યવસ્થાનું એક પરિમાણ હોય છે ધ્વનિઓનું – દરેક ભાષામાં આવતી ધ્વનિઓ નિશ્ચિત હોય છે. વળી આ ધ્વનિઓના એકબીજા સાથે જોડાવાના નિયમો પણ હોય છે. જેમ કે ‘ળ’ કે 'ણ' ગુજરાતીમાં શબ્દની શરૂઆતમાં ન આવી શકે વગેરે. દરેકે દરેક ભાષામાં આવા નિયમો પણ નિશ્ચિત હોય છે. એટલે કોઈપણ નવી ભાષા શીખતી વખતે તે ભાષાના ધ્વનિઓ અને જોડાણના નિયમો પણ શીખવા પડતા હોય છે.
બીજું પરિમાણ હોય છે ધ્વનિઓ જોડાઈને બનતા ધ્વનિસમૂહના અર્થનું–એટલે કે શબ્દોના અર્થનું. વળી, કેટલાક શબ્દો નક્કર વસ્તુ દર્શાવે છે, તો કેટલાક ક્રિયા કે પ્રક્રિયા દર્શાવે છે, કેટલાક સ્થિતિ દર્શાવે છે, કેટલાક કાળ દર્શાવે છે. વળી કોઈપણ ભાષામાં આવતાં શબ્દોની સંખ્યા ઘણી મોટી હોય છે!
ભાષામાં શબ્દો જોડાઈને પદ બને છે અને તેમના અર્થ, તેમના ઉપયોગ, તેમના ગૂઢાર્થ વગેરેના પણ અનેક પરિમાણો હોય છે – જેમ કે ગુજરાતીમાં ‘મારવું’ નો અર્થ ‘કોઈને ભૌતિક રીતે ઈજા પહોંચાડવાની ક્રિયા’ છે, પરંતુ જો ‘મારવું’ની જોડે ‘પોતું’ કે ‘ઝાડુ’ જોડાય તો? તો એક અર્થ નીકળે છે કે ‘તે વસ્તુ વડે મારવાની ક્રિયા’, અને બીજો અર્થ નીકળે છે ‘એક નિર્ધારિત વસ્તુ વડે ધૂળ આદિની સાફ સફાઈ કરવાની ક્રિયા’.
વળી પદો જોડાઈને વાક્ય બને છે, તો તેમાં માહિતી આપવી હોય તો વાક્ય રચના અલગ, કાળ પ્રમાણે વાક્ય રચના અલગ, તો પ્રશ્નો પૂછવા હોય તો રચના અલગ, અને કોઈને આજ્ઞા આપવામાં આવે તેવા વાક્યોની રચના અલગ.
વળી, ઘણાખરા વાક્યોનો સાદો અર્થ તો હોય જ છે, પણ તેનો ગૂઢાર્થ અને પ્રાસંગિક અર્થ પણ અલગ હોય છે. વળી સંદર્ભ પ્રમાણે, સાંભળનાર કોણ છે તે પ્રમાણે અને સંજોગો પ્રમાણે ઉપયોગ પણ બદલાય. આમ, કંઈકેટલાય સ્તરો છે ભાષાની રચનાના.
આવી જટિલતમ વાગ્વ્યવહારની વ્યવસ્થા એક બાળકે સમજવી, ગ્રહણ કરવી કેટલી અઘરી હશે તેનો અંદાજ આપણને આ ઉપરથી આવી શકે. વળી, આ બધી વ્યવસ્થા બાળક સમજે, પણ તેનો ઉપયોગ કરીને તેમાં જ પોતાના વિચારોને વ્યક્ત કરતાં તેને વધારે સમય લાગે છે.
હવે આપણે એ પણ જોઈએ કે માતૃભાષાની આ આખી વ્યવસ્થા બાળક કેવી રીતે ગ્રહણ કરતો હોય છે.
બાળક ૩ મહિના જેટલું હોય ત્યારે તો હજી તે ફક્ત અવાજો સાંભળે છે, માતાનો અવાજ (અથવા ખૂબ નિકટતમ વ્યક્તિનો અવાજ) ઓળખે પણ છે, બીજા બધાનો અવાજ સાંભળે છે, સાંભળવાની ક્ષમતાનો વિકાસ કરતું રહે છે, અને, ફક્ત થોડાક જ અવાજો કાઢતું હોય છે.
જેમ જેમ બાળક મોટું થાય, તેમ તેમ, ‘માનવ જે બધા ધ્વનિઓ કાઢી શકે તે બધા જ ધ્વનિઓ કાઢવાનો’ બાળક પ્રયત્ન કરતું હોય છે. આ ધ્વનિઓ તેની આસપાસની ભાષામાં હોય કે ન પણ હોય. તે એકસરખું મોઢામાંથી કોઈ ને કોઈ ધ્વનિ કાઢતું રહે છે - ‘કકકક’ ‘બબબબ’ વગેરે વગેરે.
૬થી ૯ મહિનાનું બાળક પોતાની આસપાસના વ્યક્તિઓનો અવાજ ઓળખવા લાગે છે. બાળક હવે ધીરે ધીરે સમજવા લાગે છે કે આ માણસની વસ્તીમાં દરેકે દરેક વસ્તુ માટે ધ્વનિઓનો બનેલો એક સંકેત લોકો વાપરે છે. આ સંકેતો તે સમજવાની શરૂઆત કરી દે છે. તેની સાથે બોલાતા વાક્યોમાંથી શબ્દોને પકડવાની, તે શબ્દોથી સંકળાયેલી વસ્તુઓ કે ક્રિયાઓ સમજવાની શરૂઆત તો તેણે કરી જ દીધી હોય છે.
૯-૧૨ મહિનાનું બાળક તેની આસપાસના લોકોમાં બોલાતી ભાષાના ધ્વનિઓ – એટલે કે તેને સંભળાતા ધ્વનિઓ તરફ વધારે ધ્યાન આપે છે અને પોતાની ભાષાકીય કાબેલિયત પ્રાપ્ત કરવા માટે તે હવે બીજા ધ્વનિઓને ભૂલવા માંડે છે. સાથે જ હવે તે પણ ભાષાની સાંકેતિક ક્ષમતાનો ઉપયોગ કરવાનું, બહાર જવા માટે ‘બાબા બાબા’ પપ્પા માટે ‘પાપા પાપા’ કે ખાવા માટે ‘મમ મમ મમ’ વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. પણ આ સાથે, અભાનપણે તેનું મગજ તેની આજુબાજુ સંભળાતી ભાષાનું પૃથ્થક્કરણ કરતું રહે છે. પોતાની આસપાસ સંભળાતી બોલાતી ભાષાને અભાનપણે તે ગ્રહણ કરતું હોય છે.
જેમ જેમ બાળક મોટું થતું જાય છે, તેમ તેમ તે ભાષાની રચના, તેમાં કયા શબ્દો ક્યાં આવે, સવાલ કેવી રીતે કરાય, જવાબ કેવી રીતે અપાય, કોઈને આજ્ઞા કેવી રીતે અપાય વગેરે રચનાકીય દરેકે દરેક સ્તરનું પૃથ્થકરણ તેનું મગજ કરતું હોય છે. તેની સમક્ષ આવતા શબ્દો, તેના અર્થ વગેરે પણ આ સાથે ગ્રહણ કરતું હોય છે. એક શબ્દનું બનેલું વાક્ય, બે શબ્દોનું બનેલું વાક્ય એમ ધીરે ધીરે નાના વાક્યોથી શરૂઆત કરીને મોટા વાક્યો સુધી પહોંચે છે. ત્રણ વરસની ઉંમરે તેનું શબ્દભંડોળ ૫૦૦થી ૨૦૦૦ શબ્દો જેટલું વિસ્તરી જાય છે.
ત્રણ સાડા ત્રણ વર્ષની ઉંમરે બાળકે પોતાની સમક્ષ બોલાતી રહેલી ભાષાની રચના આત્મસાત કરી લીધી હોય છે, બાળક હવે નવા શબ્દો શીખતો જાય છે, ક્રિયાઓ માટેના વિવિધ શબ્દો શીખતો જાય છે. પોતે આત્મસાત કરેલી રચનામાં વિવિધ શબ્દો મૂકીને પોતાના વિચારો રજૂ કરતા શીખી ગયો હોય છે, ક્યારેક રચનાકીય દૃષ્ટિએ સાચી, પણ મોટાઓની ભાષામાં ઉપયોગમાં ન લેવાતી એકાદ ભાષારચના બાળક કરે દા.ત. ‘સિંહ-સિહંણ, વાઘ-વાઘણ’ પ્રમણે જ ‘બળદ-બળદણ’ કરે, ત્યારે તેને મળતા પ્રતિભાવોને નોંધી, તે ભાષાના ઉપયોગને સુધારતો-મઠારતો ચાલે છે. ભાષાકીય ઉપયોગ પણ શીખતો જાય છે, જેમ કે, મહેમાનને ‘તમે ક્યારે જશો?’ એમ ન પૂછાય. કઈ પરિસ્થિતિમાં શું બોલાય, ક્યારે શેનો અર્થ શું થાય, વગેરે ભાષાના વિવિધ ઉપયોગો શીખતા શીખતા તેને ઘણાં વર્ષો લાગે છે. જેમ જેમ તેની સમક્ષ ભાષાના નવા નવા ઉપયોગો આવે તેમ તેમ બાળક તે શીખે છે.
આમ, વિચારી તો જૂઓ કે એક ભાષાને આત્મસાત કરી પોતે તેને સારી અને યોગ્ય રીતે સમજી, બોલી, પોતાના વિચારો વ્યક્ત કરી શકે, તે માટે એક બાળકે – તેના કુમળા મગજે કેટકેટલી મહેનત કરવી પડતી હશે?
એક બાળક ત્રણ વર્ષ સુધી તો ઘરમાં જ વધારે રહેતો હોવાથી, ઘરના સભ્યો દ્વારા બોલાતી ભાષા, તેની રચના, તેના શબ્દો શીખે છે, જે તેની માતૃભાષા કે પહેલી ભાષા કહી શકાય. બાળક ઘરની બહાર જવા લાગે તો પોતાની આસપાસ બોલાતી ભાષા પણ અભાનપણે શીખતો જાય છે. હવે, આ પરિસ્થિતિમાં વિચારીએ કે જો બાળકને ૨-૩ વર્ષની ઉંમરે પોતાના ઘરમાં બોલાતી ભાષા કે પોતાની આસપાસ બોલાતી ભાષાથી અલગ એવી પરભાષામાં એટલે કે બાળકે જે ભાષા હજી જરાય આત્મસાત નથી કરી અથવા તો સાવ જ થોડા અંશે આત્મસાત કરી છે તે ભાષામાં શિક્ષણ આપવામાં આવે તો શું થાય?
બાળકને આ પરભાષા આવડતી નથી, તે ભાષાના ધ્વનિઓ, ધ્વનિઓની રચના, તેના શબ્દો, શબ્દોના અર્થો, પદો, પદોના અર્થો, વાકય રચના, પ્રશ્ન, આજ્ઞા, તેના અર્થો, તેના વપરાશની પરિસ્થિતિઓ, સાદો અર્થ, ગૂઢાર્થ એમ દરેકે દરેક સ્તર આવડે ત્યારે જ ભાષા આત્મસાત થઈ કહેવાય. તેને આ નવી ઈતરભાષા સાવ નવેસરથી શીખવી પડે છે.
ત્રણ વર્ષ માતૃભાષાને સમજ્યા બાદ અચાનક એક તબક્કેથી ઈતરભાષા વ્યવહારમાં આવવા લાગે, ઈતરભાષામાં શિક્ષણ અપાવવા લાગે તો બાળકનું મગજ એ અન્ય ભાષાની રચનાને સમજવામાં વ્યસ્ત થાય, વળી શબ્દો પણ નવા હોય, એટલે તેમનો અર્થ પણ ન સમજાતો હોય એટલે બાળકનું મન ફરી એ બધું સમજવામાં અટવાઈ જાય છે.
વળી, પરભાષા બાળકના શિક્ષણનું માધ્યમ બને છે ત્યારે તેને આત્મસાત કરવા માટે બાળકે માતૃભાષાથી વિપરિત અભાનપણે નહિ પણ સભાનપણે પ્રયત્ન કરવો પડે છે; કારણકે, તે સાંભળી સાંભળીને આ ભાષા શીખી શકે તેટલા પ્રમાણમાં આ ઇતરભાષા તેની આસપાસ બોલાતી નથી કે નથી તેને એટલા બધા પ્રતિભાવો મળતા. વળી, વર્ગમાં પણ ૩૦-૪૦ બાળકો હોય, શિક્ષક દરેકની ભાષાને પ્રતિભાવ આપવા જાય તો જે તે વિષય ક્યારે ભણાવે?
આ બધામાં એ ભાષા દ્વારા શીખવાતા વિષયની સમજણ તો એક સરેરાશ બાળક માટે દૂરની વાત થઈ જાય છે. આ ઇતરભાષામાં અન્ય વિષયોનું પણ શિક્ષણ મેળવવાનું હોય, તેમાં જ જવાબ લખવાનો હોય. પણ હજી તો બાળકનું મગજ આ ભાષા સાંભળીને, તેનો રચનાકીય અર્થ સમજવામાં ને તેના નિયમો તારવવામાં રહેલું હોય, ત્યાં તે કેવી રીતે ઇતરભાષામાં શીખવાડાતા વિષયને સમજી શકે? તેનું નાનું મગજ ક્યાં ક્યાં દોડે અને કેટલું દોડી શકે? અને પછી ન સમજી શકે એટલે ટ્યુશન, અને ગોખણપટ્ટી સિવાય કયો આધાર રહે?
કેટલાક બાળકોમાં ‘ભાષા’ તરફ એક રુચિ હોય છે, તેવા બાળકો થોડીક વધારે ઝડપથી નવી ભાષા શીખી લે છે, પણ, તે છતાં, તેઓ પણ માતૃભાષામાં જેટલી સહેલાઈથી પોતાના વિચારો વ્યક્ત કરી શકતા હોય છે, તેટલી સહેલાઈથી ઇતર ભાષામાં વિચારો વ્યક્ત કરી શકતા નથી.
આમ, બાળકની બાલ્યાવસ્થામાં જ આપણે બાળકને સારું, શ્રેષ્ઠ આપવાના ખ્યાલમાં જ કેટલો બધો બોજો બાળક પર લાદી દઈએ છીએ અને બાળકનું કેટલું અહિત કરતા હોઈએ છીએ એની કોઈ ગણતરી પણ શક્ય નથી.
આ બધો જ માનસિક ત્રાસ એક બાળક ઉપર આપણે લાદીએ છીએ, ઇતર ભાષામાં શિક્ષણ આપીને. આ ઇતર ભાષા જો અંગ્રેજી હોય તો??? આપણે આવતા અઠવાડિયે ‘ભારતીય ભાષી બાળકો માટે માધ્યમ તરીકે અંગ્રેજી ભાષા કેમ વધારે મુશ્કેલ બને છે’ તે ઉદાહરણ સાથે જોઈશું...
આપણો સગવડિયો ગુજરાતીપ્રેમ, નર્મદજયંતી અને ખરી ઘરવાપસી !
ઉચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં હોવાને લીધે બાળપણથી જ બાળકોને અંગ્રેજી માધ્યમની એસએસસી, આઈસીએસઈ કે સીબીએસઈ શાળામાં ભણાવતા વાલીઓ બાળકને મજૂરની જેમ ભણતો જોઈ દુ:ખી થાય છે અને પરિણામ પણ જોઈએ એવું ન આવતાં છેતરાયાની લાગણી અનુભવે છે. આ વાલીઓની મૂંઝવણો અપાર છે. કેટલાક વિરલ ને સમજદાર વાલીઓ આવા આંધળૂકિયામાંથી બહાર આવી શક્યા છે તો મોટાભાગના હજી પીડાઈ રહ્યા છે. આપણી આસપાસ જ બનેલાં ઉદાહરણો દ્વારા જાણીએ અંગ્રેજી માધ્યમની કેટલીક તૂટી રહેલી ભ્રમણાઓ અને સામે આવી રહેલી વાસ્તવિકતાઓ...
પહેલા એક યથાર્થ વાત.
ઘરની સારી સ્થિતિ હોવા છતાં અંગ્રેજી ન ભણવાને લીધે પાછળ રહી ગયાની લાગણી અનુભવતા અને એ માટે આખી જિંદગી પોતાનાં મા-બાપને કોસતા કેટલાય દંપતિઓએ પૂર્વાગ્રહથી પીડાઈને પોતાનાં સંતાનોને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બોર્ડની શાળામાં મૂક્યાં. પાંચ-સાત વર્ષમાં તો તેમની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. આજે તેઓ બાળકોની શાળાની મોંઘીદાટ ફી અને ટ્યુશન પાછળ વર્ષે દોઢ-બે લાખ ખરચતાં હોવા છતાંય દુ:ખી છે, કારણકે મોંઘી ફી અને હાઈફાઈ કલ્ચરવાળી શાળામાં મૂકવાથી પોતાનું સંતાન હોશિયાર થઈ જશે એવી તેમની આશા ઠગારી નીવડી છે. એટલું જ નહિ, આજે એમની હાલત એવી છે કે નથી તે પોતાના બાળકને આ રીતે અટવાતો જોઈ શકતા કે નથી સાતમા-આઠમા ધોરણમાં આવેલા પોતાના બાળકને ઈચ્છવા છતાં ગુજરાતી માધ્યમમાં ફેરવી શકતા.
વળી, એમને મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે તેમને ખબર પડી કે કૉલેજમાં દાખલો લેતી વખતે, બાળક કયા માધ્યમમાંથી ભણીને આવ્યું છે એના કરતાં એને કેટલા વધુ ટકા આવ્યા છે, તે વાત વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલું જ નહિ, પણ ગમે તે માધ્યમ કે બૉર્ડમાં ભણ્યા છતાં કૉલેજ તો બધા વિદ્યાર્થીઓ માટે સરખી જ છે અને તેમને ભણવાનું પણ સરખું જ છે. આ ક્ષણે તેમને અંગ્રેજીના મોહમાં લીધેલા પોતાના નિર્ણય ઉપર સૌથી વધારે ગુસ્સો આવ્યો. હવે તો એ દંપતી, જે પણ વાલી મળે તેને એમ સમજાવે છે કે ભાઈ, જો તમારે દસ વર્ષના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દરમ્યાન બીજાથી વધારે ઝડપે ગાડી ભગાવ્યા છતાં પણ પછી તો એક જ ફાટક પર ઊભા રહીને બીજાની સાથે આગળ વધવાનું હોય તો નાહક શા માટે બાળકને વહેલાં ફાટક સુધી પહોંચાડવાની જફા વહોરવી??!!
એટલે કે, I.C.S.E, C.B.S.E કે S.S.C. ના અંગ્રેજી કે ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓને કૉલેજમાં તો એકસરખું જ ભણવાનું હોય, તો શા માટે દસ વર્ષ સુધી પોતાના બાળક ઉપર ઉંમર કરતાં આગળનું ભણાવવાનો બોજો નાખવો? અને શા માટે બાળકને એટલું થકવી નાખવું કે જેથી ક્યારેય પાછા ન મળી શકે તેવા બાળપણના દિવસો તે માણી જ ન શકે અને ક્યારેક તો નિરાશાનો ભોગ બનવાની શક્યતા પણ રહે!
આજે, ખરેખર જરૂરી અને સહેલો રસ્તો એ છે કે બાળકને માતૃભાષામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપવું અને એ વર્ષો દરમ્યાન બાળકને સારામાં સારું અંગ્રેજી પણ શીખવવું. આ માટે ઘણી ગુજરાતી માધ્યમની શાળાઓએ પહેલ કરી છે, જેથી બાળક કૉલેજમાં આવીને અંગ્રેજીમાં પાછળ ન રહી જાય અને પોતાને બીજાથી ઉતરતા ન સમજે. ગાડરિયા પ્રવાહમાં તણાવાને બદલે તેમાંથી બહાર આવવાની હિંમત હાલમાં કેટલાક વાલીઓએ દાખવી રહ્યાં છે. પરાગભાઈ ગોરડિયાએ કાંદિવલીની અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા પોતાનાં સંતાનોને ગુજરાતી માધ્યમની શાળામાં મૂક્યા. તેમના પુત્રએ એસ.એસ.સી.માં ૯૦ % લાવીને સૌને આનંદાશ્ચર્યમાં મૂકી દીધાં છે તો પુત્રી પણ અંગ્રેજી કરતાં ગુજરાતીમાં વધારે સારું ભણી રહી છે. ઘાટકોપરના ગૌતમભાઈ બૂટિયાનાં સંતાનો પણ આ જ રીતે અંગ્રેજીમાંથી ગુજરાતી માધ્યમમાં પાછા ફરી એમની શૈક્ષણિક કારકિર્દીનું હસતાંરમતાં ઘડતર કરી રહ્યા છે. આ આજની જ વાત નથી થોડાં વર્ષો પહેલાં પણ આવા નોંધપાત્ર કિસ્સા બન્યા છે. નવી મુંબઈના ચાર્ટડ એકાઉન્ટન્ટ ધવલ બાવડના શિક્ષણની શરૂઆત પણ અંગ્રેજી માધ્યમમાં થઈ હતી. જોકે પછી એ ગુજરાતી માધ્યમમાં ભણ્યા અને આજે સીએની ધીકતી પ્રેક્ટિસ ધરાવે છે તો કાંદિવલીનાં એક બહેનનું શિક્ષણ પણ અંગ્રેજીમાં શરૂ થયું અને વચ્ચેથી ગુજરાતી માધ્યમમાં પાછા ફરીને માતૃભાષામાં જ શાળાનું શિક્ષણ પૂરું કર્યું. આજે એ બહેન એમની જ શાળાનાં ઉપ-આચાર્યા છે !
આવી સમજણથી પ્રેરાઈને મલાડ ઈસ્ટની જે.ડી.ટી. શાળામાં ગયા વરસે પહેલાથી ચોથા ધોરણ સુધીમાં, પ્રિયંકા યોગેશ વરતડા, છાપીયા સીકા, દરજી જય સતીશકુમાર, વાજાધારા વિપુલ, વાજાધારા આશિષ, ચંદાત શ્રુતિ, ચંદાત દક્ષા વગેરે બાળકોએ અંગ્રેજી માધ્યમની શાળામાંથી ગુજરાતી માધ્યમની શાળામાં પ્રવેશ લીધો છે અને એ માટે એમને શાળાના સંચાલકો, આચાર્યા અને શિક્ષકો તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળ્યો છે.
આવી જ રીતે, વિરારના એક બહેન મનીષા વ્યાસ, બીજા ધોરણના અંગ્રેજી માધ્યમમાં ભણતા પોતાના બાળક માટે ગુજરાતી માધ્યમની શાળાની જાણકારી મેળવવા માગતા હતા. તેઓ તો બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવા વિરાર છોડીને જે તે શાળાની નજીકના પરામાં રહેવા જવા પણ તૈયાર છે. આ પ્રસંગો બતાવે છે કે સાવ ગાડરિયા પ્રવાહમાં તણાવવાને બદલે કેટલાક વાલીઓ જાતઅનુભવે શીખીને, બાળકના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારીને, લોકોની વાતો વિશે ફિકર કર્યા વગર બાળકના હિતમાં હિંમતભર્યો નિર્ણય કરે છે.
તો ચાલો, આપણે પણ આવી હિંમત દેખાડીએ અને માતૃભાષા સિવાયની શાળામાં પોતાના બાળકને મૂક્યો હોય તો જાગ્રત થઈએ અને બાળકને એમનું બાળપણ જીવવા દઈ, આપણે તેને ખરેખર પ્રેમ કરીએ છીએ તે પૂરવાર કરીએ. જો આપણે માતૃભાષાની જવાબદારી ઊપાડી લઈએ, તો માતૃભાષા પણ આપણા બાળકના સારા સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી ઊપાડી લેશે.
દરેક ગુજરાતી માટે જરૂર છે કે તે ગાંધીજીના સ્મારક સામે શ્રધ્ધાંજલિઓ આપી કે મોબાઈલ પર આવ્યે રાખતી ગુજરાતીઓની ખાસિયતના મેસેજ જોઈ, વાંચી કે સાંભળીને માત્ર ગુજરાતી હોવાનો ગર્વ અનુભવવાને બદલે માતૃભાષાની જવાબદારી ઉપાડવાનો સંકલ્પ કરી ખરું ગૌરવભર્યુ કાર્ય કરે.
2015ની ૨૪ ઓગસ્ટ, નર્મદ જયંતીના દિવસે આવા જ સંકલ્પ સાથે ‘મુંબઈ ગુજરાતી’એ ‘મારી મતૃભાષા, મારી જવાબદારી’ યાત્રાનો શુભારંભ કર્યો હતો જે હજી અવિરત ચાલ્યા કરે છે. આ યાત્રામાં સાથે જોડાવા અને મુંબઈના પરાની વિરારથી ચર્ચગેટ, કલ્યાણ, ડોમ્બિવલી, વી.ટી.થી લઈને થાણા સુધીની તમારા રહેઠાણની નજીકની ગુજરાતી માધ્યમની શાળાની જાણકારી મેળવવા કે આ પહેલમાં કોઈ પણ રીતે સહયોગ આપવા સંપર્ક કરો.
- મુંબઈ ગુજરાતી સંગઠન
શિક્ષણવ્યવસ્થા, ઓકે છે ! કારણ કે મરતાને મર કહેવું પાપ ગણાય?
એક તરફ દુર્વ્યવસ્થાથી ઘેરાયેલું માળખું, બીજી તરફ ભ્રષ્ટ મનોવૃત્તિવાળા કેટલાક સત્તાધીશો, ત્રીજી તરફ ફક્ત પગારલક્ષી અભિગમ ધરાવતા શૈક્ષણિક કર્મચારી ને ચોથી તરફ શિક્ષણના શબ્દેશબ્દમાંથી લાખો રળી લેવાની વાસનાવાળા સંચાલકો… આ છે આજની આપણી શિક્ષણદશાની ચતર્મુખી તસવીર. વારંવાર આ હકીકતો (જન્મભૂમિમાં જ) વાંચી, (ફિલ્મ-ટેલિવિઝન પર) સાંભળી, (આડોશપાડોશમાંથી) જાણી અને (ડોનેશનો આપીઆપીને) અનુભવી છતાં આ પરિસ્થિતિ ઠેરની ઠેર છે એમાં દોષ વ્યવસ્થાનો અસ્વીકાર કરવામાં અસમર્થ આપણા સહુનો છે કે વ્યવસ્થાને બદલવાની રાજકીય મહત્વાકાંક્ષા ન ધરાવતી સત્તાનો છે એ પ્રશ્ન પેચીદો છે. બંને પક્ષ સાચો છે, કારણ કે દોષ બંને પક્ષનો સો-સો ટકા છે એટલે કે કુલ બસ્સો ટકા દોષને લીધે જ આજે શિક્ષણવ્યવસ્થા એક કુચક્ર બનીને રહી ગઈ છે. ઘેટાંબકરાંની જેમ બાળકો ભરીને સવારે સ્કૂલબસો-રિક્ષાઓ નીકળે છે ને સાંજે ડમ્પર કાંકરામાટી ઠાલવી જાય એમ બાળકોને જે-તે સ્થળે ઠાલવી જાય છે અને આપણે જોતાં રહીએ છીએ. આપણા બાળકને પણ એમાં ઘસેડાતું-તગેડાતું જોતાં રહીએ છીએ, ફક્ત એટલું ધ્યાન રાખીએ છીએ કે આપણી શિક્ષણવ્યવસ્થા એને ભલે ફંગોળ્યા કરે, બસ એ ફંગોળાટમાં એને વાગી ન જાય, એના કોણી-ઘૂંટણ ન છોલાય કે એનું મોઢું ન અથડાય, બસ, બાકી એના આંતરમનને જે થતું હોય એ થાય.
બાળકોનાં બાળપણનું મહત્વ પુસ્તકીયા સિદ્ધાંત જેવું અવાસ્તવિક બની ગયું છે ને છતાં આપણે બધા એકબીજાને તાળીઓ આપીઆપીને દુર્વ્યવસ્થા પર જોક્સ કર્યા કરીએ છીએ ને સુવ્યવસ્થાના ક્વોટ્સ વાંચીને ફોરવર્ડ કર્યા કરીએ છીએ. ભણતર ભારરૂપ થઈ ગયું છે ને સરકાર એ વિશે બેદરકાર થઈ ગઈ છે ને હવે તો ખાનગીકરણનો જ જમાનો રહેવાનો છે ને વગેરેવગેરે જેવી વાતો તો લોકોક્તિઓ થઈ ગઈ હોય એ હદે આપણને કોઠે પડી ગઈ છે. ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીના નામે વાલીઓ પાસે ગધ્ધામજૂરી જેટલું હોમવર્ક-અસાઈનમેન્ટ્સ-પ્રોજેક્ટ્સ કરાવનારા સંચાલકો-શિક્ષકોને આપણે વરસે લાખો રૂપિયા આપીને પોષીએ છીએ, પોંખીએ છીએ ને એમની સામે સ્કૂલમાં ગુજરાતી-હિન્દી ભાષામાં પ્રાર્થના ગવડાવાની વિનંતી તો શું, બાળકોને અંદરોઅંદર પોતિકી ભાષામાં વાત કરવા દેવાની પરવાનગી પણ નથી માગી શકતા કે બીજી કોઈ પણ બાબતે ચૂં કે ચાં નથી કરી શકતા અને આપણે માનીએ છીએ કે એ આપણી બેવકૂફી નથી, એ આપણી કાયરતા નથી, એ તો આપણો વિવેક છે, એ તો આપણો શિષ્ટાચાર છે. એ જ આપણી સંસ્કારિતા છે. સ્કૂલ ને સ્કૂલની રીતે કામ કરવા દેવાની, યસ, જેમ તબેલામાં દૂધ લેવા જઈએ ત્યારે ભૈયાજીઓ કેવીરીતે દૂધ કાઢે છે એની આપણે ફિકર નથી કરતા, માત્ર એ દૂધ કાઢીને આપણને આપી દે એટલી જ આપણી નિસ્બત હોય છે ને પૈસા આપી દૂધ લઈ આપણે છૂટા થઈ જઈએ છીએ એ જ રીતે સ્કૂલ-કોલેજમાંથી પણ આપણે માત્ર બાળકને માર્ક્સ-ડિગ્રી મળી જાય એની જ ફિકર કરીએ છીએ, એ માર્ક્સ-ડિગ્રી મેળવવા માટેની પદ્ધતિ શું છે કે એ માટે વિદ્યાર્થી પર શું-શું આચરવામાં આવે છે એની આપણને ખાસ ચિંતા નથી, કદાચ ચિંતા છે પણ આપણે જાહેરમાં ચિંતા કરતા નથી, હવે કરવી નથી, બહુ મોડું થઈ ગયું છે, બરાબર. જોકે એવી ચિંતા હોત તો અત્યાર સુધી આમ લાખોની સંખ્યામાં ખાનગી શાળાઓ ઊભી ન થઈ ગઈ હોત, ખૂણેખાંચરે પ્રિ-સ્કૂલો ને પ્રિ-પ્રાયમરીઓ ને પ્લે-ગ્રૂપ્સના નામે માલેતુજાર સંસ્થાઓ બિલાડીના ટોપની જેમ ન ફૂટી નીકળી હોત.
બસ, હવે આ તબક્કો છે થોભો કહેવાનો. શિક્ષણની કુવ્યવસ્થા સામે શસ્ત્ર ઉગામવાનો, ગમેતેવા માળખાથી ઈનકારનો કરવાનો, જે સરકાર નહીં કરી શકે. સત્તા નહીં કરી શકે. વ્યવસ્થા નહીં કરી શકે… એ પ્રજાએ પોતે કરવાનો છે. પ્રજા પોતે કહેશે કે એને સારી સરકારી શાળાઓમાં, માતૃભાષાના માધ્યમથી જ પોતાનાં બાળકોને ભણાવવા છે તો સરકારે એ પૂરી પાડવી જ પડશે, એ જ એની ફરજ છે, બહુમતીથી પ્રજા જે માગે સરકાર એ કરવા બંધાયેલી છે, પણ જ્યાં સુધી પ્રજા બાળકોને રંગોરોંગાનથી ઝગમગતી ઈમારતોમાં જ મોકલવા માગે છે, ત્યાં સુધી સરકાર સરકારી શાળાઓને રંગરોગાનથી સજાવવાની દરકાર નહીં કરે. કેમ કરે?
હા, પરિણામ તરત નહીં આવે, શરૂઆતી તબક્કે વિદ્યાર્થીઓએ જ મૂશ્કેલ વેઠવી પડશે, પણ કોઈને કોઈએ તો આ શરૂઆત કરી ને મૂશ્કેલીનો મુકાબલો કરવાની તૈયારી રાખવી પડશે, બાકી વિષચક્રનો અંત નથી.
નક્કી આપણે કરવાનું છે કે આજના આપણાં બાળકો, આવતીકાલના આપણા નાગરિકો, અને એ પછીની કાલોનું ઘડતર કરનારા દેશવાસીઓ, આપણા સંસ્કારકોશમાંથી નરસિંહનાં ભજન સ્મરણમાં રાખતારાખતા મોટો થાય કે એ લોકોના ઈતિહાસકોશમાંથી વાઈસરાયોનાં પ્રવચન !
માતૃભાષા વગર સંસ્કૃતિરક્ષાની અફવા !
આપણે જોઈ રહ્યા છીએ કે ચારે તરફ સામાજિક, ધાર્મિક, રાજકીય (અને હવે તો જ્ઞાતિગત) સંગઠનોની મોટાપાયે હોહા મચી છે. આ બધાં સંગઠનો સંસ્કૃતિના-દેશના હિતરક્ષક હોવાનો, લોકહિતમાં કાર્ય કરતાં હોવાનો દાવો કરે છે અને પોતપોતાનાં ક્ષેત્રમાં ભૌતિક રીતે કાર્યરત પણ રહે છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ બધાં સંગઠનો માત્ર પોતપોતાની વિચારધારા અને માન્યતાઓના પ્રચાર-પ્રસારને બદલે અથવા એની સાથે સાથે, સમાજવિકાસના મૂળમાં રહેલાં માતૃભાષાના માધ્યમથી બાળશિક્ષણ ને યુવાનોના ઘડતર પર ધ્યાન કેન્દ્રિત કેમ ન કરે? આમ તો એ બધાં સંગઠનો મોટાભાગે સાંસ્કૃતિક વારસાને સાચવવાના પક્ષકાર હોય છે, પણ તે માટેનાં પાયાકીય પ્રયત્નો કરવાને બદલે ઉપરછલ્લાં કાર્યો કરીને સંતોષ માની લે છે.
બીજી વાત આપણા ધાર્મિક-સાંસ્કૃતિક સાહિત્યની, એમાં જે મૂળ તત્વ રહેલું છે, તે અંગ્રેજી જેવી બીજી ભાષામાં રૂપાંતરિત થાય ત્યારે એના મૂળ સ્વરૂપમાં જ બની રહે છે કે કેમ એ પ્રશ્ન મહત્વનો છે. પાછલી અનેક પેઢીઓનું સાંસ્કૃતિક ઘડતર કરનારી આપણી અનેક લોકવાર્તાઓના આજે ઉપલબ્ધ અંગ્રેજી અનુવાદો વાંચીએ ત્યારે સમજાય છે કે આ તો કથાનો અનુવાદ થઈ ગયો, પણ કથાસાર તો ક્યારેય અનુવાદિત થઈ શકશે એમ નથી લાગતું. ‘ચકી-બેન’ જેવા સંબોધન પાછળ માત્ર ચકલીને બોલાવાની વાત તો વાર્તાનો ભાગ છે, પણ ચકલી સુદ્ધાંને ‘બેન’ કહેવા પાછળનો બંધુત્વભાવ આપણી સંસ્કૃતિનો પાયો છે.(ઉંદરમામા, સૂર્યદાદા વગેરેવગેરે.) એનો અનુવાદ સન-અંકલ કે માઉસ-અંકલ થયો તોય શું? એવા શાબ્દાનુવાદો થાય, પણ ભાવાનુવાદો મુશ્કેલ છે, જે અનુવાદો ભણનારા માટે વધારે ઘાતક ને કંટાળાજનક બની શકે. ચેતવણી એ માતાપિતાઓ માટે પણ છે કે જે બધાં પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવતાં-ભણાવતાં માત્ર શનિ-રવિવારે કે અન્ય રજાના દિવસે પાઠશાળા કે સાંસ્કૃતિક-ધાર્મિક કેન્દ્રોમાં મોકલીને સંસ્કૃતિ-સંસ્કાર સાથે જોડાયેલા હોવાનો ભ્રમ પાળે છે. તેમણે સમજવું જોઈએ કે માતૃભાષા વગર એ કાર્ય એક પૈડે રથ દોડાવવા જેવું છે. અંતે એ બાળક માટે ફક્ત બોજારૂપ બની રહે છે.
જોકે ‘બધું બળતું હોય ત્યાં જે બચ્યું એ સોનુ’ના ભાવથી કાર્યરત આવાં કેટલાંક કેન્દ્રો આમ ભલે ધન્યવાદને પાત્ર ગણાય, પણ એ કાર્યો અપૂરતાં-અધકચરાં છે. કહેવાય છે કે અધૂરું જ્ઞાન વધારે જોખમી છે, એમ આ રીતની અધકચરી સંસ્કૃતિરક્ષા સંસ્કૃતિને વધારે નુકસાનદાયી સાબીત થઈ રહી છે. સાંપ્રત સળગતા પ્રશ્નો વિશે વિચારીશું તો પણ સમજાશે કે સામાજિક-રાજકીય ક્ષેત્રે પણ આપણે સહુ એ પ્રકારની અધકચરી સંસ્કૃતિરક્ષાને લીધે આપણા સંસ્કાર-સંસ્કૃતિને વધારે નુકસાન પહોંચાડતી પરિસ્થિતિઓના સાક્ષી બની રહ્યાં છીએ.
આમ માત્ર અનુનાયીઓ વધારવાની હોડમાં મૂળ ઉદ્દેશ કે કાર્યપદ્ધતિની અવગણના કરીને અંગ્રેજીમાં સાંસ્કૃતિક-ધાર્મિક-સામાજિક શિબિરો-વર્ગોનું આયોજન કરનારાઓ અંતે શું મેળવવાના છે ને એમના કયા હેતુમાં, કેટલા અંશે સફળ થવાના છે એ વિચારવા જેવું છે.
હકીકત એ છે કે સામાજિક, ધાર્મિક કે રાજકીય એવાં મોટા ભાગનાં સંગઠનો પોતપોતાના વાડા સુધી જ સીમિત રહેવા માગે છે ને તેથી દાયકાઓથી કાર્યરત હોવા છતાં સમાજ માટે ઉન્નત પરિણામ લાવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે.(સંસ્થાગત રીતે સહુએ જે-જે ગિનિસમાં નોંધાયેલી સિદ્ધિ મેળવી હોય એ ભલે.) બીજી તરફ આવાં સંગઠનોના કાર્યકર્તાઓએ પોતે પણ અંગ્રેજી-અસર હેઠળ પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યાં છે, તો બીજાને કઈ રીતે સમજાવી શકે? એથી ઉપરછલ્લાં છબછબીયાંમાં જ સંતોષ માની લે છે.
જો ખરેખર સાંસ્કૃતિક પરિવર્તન લાવવાનો એક માત્ર ઉદ્દેશ આ સામાજિક-ધાર્મિક-રાજકીય સંગઠનોનો હોય તો શું માતૃભાષા વગર એને પરિપૂર્ણ કરી શકાશે એ પ્રશ્ન એમણે વિચારવો જોઈએ. સામાજિક સંગઠનો જો સંપૂર્ણ પરિવર્તન લાવવા માગતા હોય તો તેમની પ્રવૃત્તિઓના કેન્દ્રમાં બાળકેળવણી, અને એ પણ માતૃભાષામાં જ હોવું જોઈએ. એ બાબતનો આગ્રહ હોવો જોઈએ. અયોગ્ય નિર્ણય કર્યાનો સ્વીકાર હોવો જોઈએ. એને સુધારવાની તૈયારી હોવી જોઈએ. એ બાળકેળવણી પણ પાછી શિક્ષણમાં પ્રચલિત કોપી-પેસ્ટવાળી ભાષામાં નહીં, પોતિકી ભાષામાં હોવી ઘટી. આપણી શાળા-કોલેજ-યુનિવર્સિટીઓ મોટાભાગે અનુકરણ કરતા જ શીખવે છે, જેના પરિણામ સ્વરૂપે એક સદી પહેલાંના સાહિત્યકારોએ ભેગી કરીને સાચવેલી ગુજરાતી ભાષાની અડધાથી વધારે હસ્તપ્રતો આજે પણ વણ-સંશોધાયેલી ભંડારો-ગ્રંથાલયોમાં પડી છે અને કહેવાતા ‘સંશોધકો’ એકના એક સંશોધિત વિષયો પર ફરીફરીને સંશોધનો કરતા રહે છે. (એનું એક કારણ એ પણ ખરું કે આપણા ઘણા વિદ્વાન પ્રાધ્યાપકો પોતાના પ્રાપ્ત-જ્ઞાનને અનુકૂળ વિષયો પર જ વિદ્યાર્થીઓ સંશોધન કરે એવો આગ્રહ રાખે છે ને...)
ઉપરાંત આજે ભારતીયો સોફ્ટવેર અને આઈ.ટી.ના ક્ષેત્રમાં ખૂબ આગળ છે, તેમાં અંગ્રેજી ભાષાનો નહીં, પણ આપણી તર્કશક્તિ અને ગણિતમાં રહેલો આપણો હજારો વર્ષ જૂનો વારસો કારણભૂત છે. આજે વિશ્વમાં સ્પૅનિશ અને ચાઈનીઝ બોલનારા લોકોની સંખ્યા અંગ્રેજી કરતાં વધુ છે, નવી શોધખોળ, પૅટન્ટનું રજિસ્ટ્રૅશન કરાવવામાં ચાઈનીઝ, રશિયન, જાપાનીઝ લોકો આગળ છે, કારણ કે પોતાની માતૃભાષામાં એમની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધુ ખીલ્યાં છે. તર્કશક્તિ અને બુદ્ધિમતા અમાપ હોવા છતાં ભારતીયો આ બાબતોમાં લોકવસ્તીના પ્રમાણમાં ઘણાં પાછળ છીએ એનું કારણ દરેક બાબત માટે આપણામાં ઘર કરી ગયેલું અંગ્રેજીમાંથી કોપીપેસ્ટ કરવાનું વલણ અને બીજાનું અનુકરણ કરવામાં જ મળતો આનંદ છે!
આ બધી વાતના ઢગલાનો નિષ્કર્ષ એટલો છે કે પોતપોતાની ભાષાનું ગૌરવ કરવામાં પાછા પડેલાઓને, સંસ્કૃતિને એના મૂળસ્વરૂપે સ્વીકારવામાં નાનપ રાખનારાઓને સંસ્કૃતિ અળગા કરીને ફેંકી દેશે. માત્ર શ્લોકોની ગોખણપટ્ટી ને રામા-લક્શમનાની સ્ટોરીઓ કહેવા જેવા ત્રૂટકછૂટક પ્રયત્નોનો અર્થ નથી, સિવાય એમાં વ્યક્તિગત રીતે ‘મેં મારાથી બનતું સારું કર્યુ’નો સંતોષ માની લેવો. જાહેર સામાજિક કાર્ય આજે એક ફેશન બની ગઈ છે ને ચારે તરફ સમાજસેવકો, સંસ્કૃતિરક્ષકોની ભીડ જામી છે ત્યારે બીજાં અનેક પરિબળોની સાથે સંસ્કૃતિને આ દિશાહિન તીરની જેમ છૂટેલા સંસ્કૃતિરક્ષકો સામે પણ સુરક્ષા પૂરી પાડવાની જરૂર છે, જોકે એની જવાબદારી કોણ લેશે? શિક્ષકો ઈલેક્શન-ડ્યુટી અને એમ-ટાટની તૈયારીમાં અટવાયેલા છે, ધર્મગુરુઓ ગ્રંથાધ્યનમાં મગ્ન છે, સામાજિક આગેવાનો વૉટ્સઍપ-મેસેજમાં આવેલી તસવીરમાંની એક ખોવાયેલી બાળકીની માતાને શોધવા નીકળ્યા છે, જ્યારે (સ્વાભાવિક છે કે) રાજકીય નેતાઓથી આવો બોજ ન ખમાય અને સાહિત્યકારો તો સ્વ-દેશી ને પર-દેશી લિટરેચર ફેસ્ટિવલોમાં સંડોવાયેલા, કહેવાનો અર્થ કે, રોકાયેલા છે.